ચલ મન મુંબઈ નગરી – (૪) – દીપક મહેતા


ફરામજી કાવસજી ઈન્સ્ટીટ્યૂટ

મુંબઈના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે ઈ.સ. ૧૭૭૫માં કાવસજી પટેલે તળાવ બંધાવ્યું તે પછી બીજાં તળાવો મુંબઈમાં બંધાતાં ગયાં. એક જમાનામાં આવાં દસ સાર્વજનિક તળાવો મુંબઈમાં હતાં. આજે જે વિસ્તાર ક્રાંતિવીર વાસુદેવ બળવંત ચોક તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં એસ્પ્લનેડના મેદાન નજીક ફરામજી કાવસજીએ ૧૮૩૧માં એક તળાવ બંધાવેલું, જે તેમના નામથી ઓળખાતું હતું. વખત જતાં તેના પાણીનો ઉપયોગ ધોબીઓ કપડાં ધોવા માટે કરવા લાગ્યા એટલે લોકો તેને ધોબીતળાવ તરીકે જ ઓળખવા લાગ્યા. વખત જતાં આ તળાવ પણ પૂરી દઈને ત્યાં ફરામજી કાવસજી હોલની ઈમારત ઊભી કરવામાં આવી. એક જમાનામાં મુંબઈ શહેરના મહત્ત્વના કાર્યક્રમો, સભાઓ વગેરે અહીં યોજાતા. પણ આજે તેનો ઉપયોગ મોટે ભાગે જુદી જુદી કંપનીઓના ‘સેલ’ માટે થાય છે. આ જ મકાનમાં મુંબઈની એક ઘણી જૂની લાઈબ્રેરી પણ આવેલી છે, પીપલ્સ ફ્રી રીડીંગ રૂમ એન્ડ લાઈબ્રેરી.

ગોવાલિયા ટેન્ક , ૧૯ મી સદીમાં

મુંબઈનાં બીજાં કેટલાંક તળાવમાં એક હતું ગોવાળિયા તળાવ. આજે એ તળાવ નથી, પણ એ વિસ્તાર હજીએ લોકજીભે ગોવાલિયા ટેંક તરીકે ઓળખાય છે. એક જમાનામાં આસપાસના વિસ્તારોમાંથી ગોવાળો પોતાનાં ઢોરને પાણી પીવડાવવા અહીં આવતા એટલે તેનું આ નામ પડેલું. આ જગ્યા માત્ર મુંબઈના જ નહિ, આખા દેશના ઇતિહાસમાં પણ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઈ.સ. ૧૮૮૫ના ડિસેમ્બરની ૨૮થી ૩૧ તારીખે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું પહેલું અધિવેશન મુંબઈમાં મળ્યું હતું તે આ તળાવ નજીક આવેલા ગોકુલદાસ તેજપાલ પાઠશાળાના મકાનમાં. આજે એ જગ્યાએ તેજપાલ ઓડીટોરિયમ આવેલું છે જે ગુજરાતી રંગભૂમિનું એક માનીતું સ્થળ છે.  એક જમાનામાં ખૂબ જાણીતી એવી બે ગુજરાતી સ્કૂલ – ન્યૂ ઈરા સ્કૂલ અને ફેલોશિપ હાઈસ્કૂલ આ જ વિસ્તારમાં આવેલી હતી. તેમાંની ન્યૂ ઈરા હવે બંધ થઇ ગઈ છે. આ તળાવની જગ્યાએ પછીથી મોટું મેદાન બન્યું. આ જ મેદાન પર ૧૯૪૨ના ઓગસ્ટની ૮મી તારીખે ઈતિહાસ રચાયો. એ વખતે મળેલા કોંગ્રેસના અધિવેશન વખતે આ મેદાન પરથી ગાંધીજીએ ‘ક્વિટ ઇન્ડિયા’નું આંદોલન શરૂ કર્યું. તેમણે આ મેદાન પરથી કરેલા જાહેર ભાષણમાં આ દેશ છોડીને પાછા જવા અંગ્રેજોને હાકલ કરી. એ ઐતિહાસિક ઘટનાની યાદમાં હવે એ મેદાન ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે ઓળખાય છે.

મુંબઈનાં બીજાં જાણીતાં તળાવોમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજ નજીકનું બાબુલા ટેંક, ખારા તળાવ, દોન ટાંકી, નવાબ ટેંક, વાંદરા તળાવ અને બાણગંગા તળાવનો સમાવેશ થાય છે. આ દસ જેટલાં જાણીતાં તળાવોમાંથી આજે ફક્ત બે જ હયાત છે: બાણગંગાનું તળાવ અને વાંદરાનું તળાવ. જે વખતે મુંબઈમાં પીવાના પાણીની પુષ્કળ તકલીફ હતી એ તે વખતે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં આ બધાં તળાવ લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે બંધાયાં હતાં. પણ ગીચ વસ્તીની કારણે તેની આસપાસ ઘણો ગંદવાડ ભેગો થતો જેથી રોગચાળો ફેલાતો. જો કે ૧૯૦૯ના બોમ્બે સીટી ગેઝેટમાં જણાવ્યું છે કે ઘણી વાર આ તળાવોમાં બહુ ઓછું પાણી રહેતું અને એટલે મુંબઈમાં ઠેર ઠેર કૂવાઓ ખોદવાનું શરૂ થયું હતું. ૧૮૫૬માં મુંબઈ શહેર પર દુષ્કાળની આફત આવી પડી. ત્યારે પાણી બચાવવા માટે સરકારે શહેરમાંનાં બધાં જ ઢોરઢાંખરને માહિમ સુધીના વિસ્તારમાં રાખવા પર પ્રતિબંધ મૂક્યો. (એ વખતે ‘મુંબઈ’ની હદ માહિમ સુધી જ હતી.) એટલું જ નહિ, હજારો પીપડાંમાં દૂર દૂરથી પાણી લાવીને સરકારે બોરીબંદર, ચીંચબંદર અને ડોંગરી વિસ્તારમાં આવેલા કૂવાઓમાં ઠાલવ્યું હતું. પણ પછી વિહાર અને તુલસી તળાવનું પાણી નળ વાટે પૂરું પાડવાનું શરૂ થયા પછી ધીમે ધીમે આ તળાવોનું મહત્ત્વ ઘટતું ગયું. વળી તેના ગંદા પાણીને કારણે અવારનવાર રોગચાલો ફેલાતો હતો તેથી એક પછી એક એ તળાવો પૂરાતાં ગયાં.

ક્વીટ ઈન્ડિયાનું ભાષણ આપતા ગાંધીજી

પણ મુંબઈનું સૌથી જૂનું તળાવ તો છે બાણગંગાનું તળાવ. એક દંતકથા તો તેને પૌરાણિક પરશુરામ સાથે સાંકળે છે. સ્કંદ પુરાણના સહ્યાદ્રી ખંડમાં પરશુરામની કથા જોવા મળે છે. તેમણે આ પૃથ્વી પરના તમામ ક્ષત્રિયોનો નાશ કરીને બધી ભૂમિ બ્રાહ્મણોને હવાલે કરી. એટલું જ નહિ સાગર – સમુદ્ર – ને પાછળ હઠવા ફરજ પાડી નવી ભૂમિ મેળવી. (એ હતું પહેલવહેલું ‘રેકલમેશન.’) પરિણામે કન્યાકુમારીથી ભૃગુકચ્છ સુધી જમીનની નવી લાંબી પટ્ટી અસ્તિત્ત્વમાં આવી. ભૃગુકચ્છ તે આજનું ભરૂચ. આ આખો વિસ્તાર પરશુરામ ક્ષેત્ર તરીકે ઓળખાયો. આ નવસાધ્ય ભૂમિને તેમણે સાત ભાગમાં વહેંચી. તેમાંનો એક ભાગ તે શૂર્પારક, થાણે, અને મુંબઈના સાત ટાપુઓ. આ બધા જ પ્રદેશોમાં તેમણે બ્રાહ્મણોને વસાવ્યા. પણ ધાર્મિક ક્રિયાઓ માટે બ્રાહ્મણોને રોજ પાણી જોઈએ તે આ બધા પ્રદેશોમાં નહોતું. આથી પરશુરામે પહેલાં ૧૪ સ્વયંભૂ શિવલિંગનું નિર્માણ કર્યું અને પછી તે દરેકની પાસે જમીનમાં બાણ મારી પાણીનું તળાવ બનાવ્યું. એ પાણી કાંઈ જેવું તેવું નહોતું, ગંગા નદીનું પાણી હતું. આ રીતે પરશુરામે જે ૧૪ તળાવ બનાવ્યાં તેમાંનું એક તે મુંબઈનું બાણગંગા. તો બીજી એક દંતકથા પ્રમાણે સીતાનું અપહરણ થયું તે પછી તેને છોડાવવા લક્ષ્મણ સાથે લંકા જઈ રહેલા શ્રી રામ મલબાર હિલના ડુંગર પર રહ્યા હતા. તે વખતે લક્ષ્મણને તરસ લાગતાં શ્રી રામે જમીનમાં તીર મારી પાણી કાઢ્યું હતું.

આજે પણ બાણગંગા પાસે જઈએ તો આપણે મુંબઈ જેવા મહાનગરમાં છીએ એ હકીકત બે ઘડી તો ભૂલી જઈએ. જાણે કોઈ તીર્થસ્થાનમાં આવ્યા હોઈએ એમ લાગે. તળાવની આસપાસ મંદિરો, મઠ, સમાધિઓ, ધર્મશાળાઓ જોવા મળે. અબોટિયું પહેરીને પૂજા કરવા જતા પુરુષો પણ મળે. સવાર સાંજ મંદિરોના ઘંટારવ ચારે દિશામાં ફેલાય. અલબત્ત, જરાક ઉપર નજર કરીએ તો અનેક બહુમાળી મકાનો પણ દેખાય. અને ત્યારે ફરી ખ્યાલ આવે કે આપણે ઊભા છીએ એક મહાનગરમાં. અમુક વર્ષો એવાં પણ આવ્યાં કે જ્યારે આજુબાજુનો વિસ્તાર ‘વિકાસ’થી ધમધમવા લાગ્યો, પણ બાણગંગાનું તળાવ એક ગંદુ ખંડિયર બનતું ગયું. પણ પછી કેટલાક લોકો જાગ્યા. મ્યુનિસીપાલિટી જાગી, સરકાર જાગી. વિસ્તાર ‘નો ડેવલપમેન્ટ ઝોન’ જાહેર થયો. બાણગંગાનું નવનિર્માણ થયું. ૧૯૯૨થી દર વર્ષે જાન્યુઆરી મહિનામાં બે દિવસનો બાણગંગા ફેસ્ટિવલ યોજાવા લાગ્યો. તેમાં શાસ્ત્રીય સંગીતના દેશના ટોચના કલાકારો ભાગ લે છે. 

કનૈયાલાલ મુનશીની નવલકથા ભગવાન પરશુરામ માટે રવિશંકર રાવળ દોરેલું ભગવાન પરશુરામ નું ચિત્ર

આપણા અગ્રણી સાહિત્ય સર્જક કનૈયાલાલ મુનશી હતા ભાર્ગવ બ્રાહમણ. પોતાને ભગવાન પરશુરામના વંશજ માનતા. તેમણે ભગવાન પરશુરામનાં જીવન અને સમય પર આધારિત નાટકો અને નવલકથા લખ્યાં છે. તેમની એક નવલકથા તે ભગવાન પરશુરામ. તેની પ્રસ્તાવનામાં પરશુરામ વિષે મુનશી લખે છે: “તે મહર્ષિ હતા, સંસ્કારી ઉચ્ચતાના પ્રતિનિધિ હતા અને વળી ભયંકર ને દુર્જેય, પ્રતાપી ને અડગ વિજેતા હતા. કૃષ્ણપૂજાના સમય પહેલાંની હિંદુ લેખકોની કલ્પનાશક્તિ, ભૂતકાળના પટ પર ચિતરાયેલા એ નક્ષત્રીકારક દ્વિજેન્દ્રની મહત્તાના ગુણની ગુલામ થઇ હતી. જે રીતે શ્રી કૃષ્ણ આર્યાવર્તનાં જીવન અને સાહિત્યમાં અધિષ્ઠાતા તરીકે અપૂર્વ સ્થાન પામે છે, તેવું સ્થાન ઈ.સ.ની ચોથી કે પાંચમી સદી પહેલાં પરશુરામ ભોગવતા.” પછી મુનશી ઉમેરે છે: “મારા પર એક આક્ષેપ જરૂર થવાનો કે આ મહાનાટકમાં ભૃગુવંશના મહાપુરુષોની કથા મેં માંડી છે. હું ભરૂચનો ભાર્ગવ બ્રાહ્મણ રહ્યો, એટલે ગુજરાતીઓ એમ કહેવાના જ. પણ જે અભ્યાસીઓ છે તે તો સમજી શકશે કે ભૃગુવંશ એ વૈદિક ને પુરાણકાળની એક મહાપ્રચંડ શક્તિ હતી.” આવી મહાપ્રચંડ શક્તિએ જો મુંબઈની ધરતી પર ખરેખર પગ મૂક્યો હોય તો તે ભૂમિ નસીબદાર કહેવાય. આ નસીબદાર ભૂમિની બીજી કેટલીક વાતો હવે પછી.

(વધુ આવતા ગુરુવારે)

2 thoughts on “ચલ મન મુંબઈ નગરી – (૪) – દીપક મહેતા

  1. આવી મહાપ્રચંડ શક્તિએ જો મુંબઈની ધરતી પર ખરેખર પગ મૂક્યો હોય તો તે ભૂમિ નસીબદાર કહેવાય.
    વાહ
    આનંદની વાત
    કેટલીક વાતોની રાહ્

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s