વિકાસની વાતો કરતા રાજ્યની વારતા
બાબુ સુથાર
—
પૉલીશ લેખક સ્લાવોમિર મ્રોઝેકે (Slawomir Mrozek) એમની En Route વાર્તામાં વિકાસની સરકારી વિભાવનાના ધજાગરા ઊડાડ્યા છે.
આમ જુઓ તો આ વાર્તામાં કશું નથી બનતું. વાર્તાનો કથક એક ઘોડાગાડીમાં બેસીને જાહેર રસ્તા પર થઈને જઈ રહ્યો છે. એ દરમિયાન એ રસ્તા પર કેટલાક માણસોને ઊભેલા જુએ છે. એ બધા જ માણસો પાછા એક સરખા અંતરે ઊભા છે. કથકને પ્રશ્ન થાય છે કે કોણ હશે આ માણસો? એ ઘોડાગાડીવાળાને પૂછે છે અને ઘોડાગાડીવાળો કહે છે: એ બધા સરકારી કર્મચારીઓ છે. કથકને આશ્ચર્ય થાય છે. કેમ કે એ બધા ઊભા છે. કોઈ કામ કરતા નથી. સરકાર કોઈને કેવળ ઊભા રહેવાની નોકરી થોડી આપે? કથકની જિજ્ઞાસા વધે છે. એ ઘોડાગાડીવાળાને પૂછે છે કે એ લોકો ઊભા ઊભા શાનું કામ કરે છે? ઘોડાગાડીવાળો જવાબ આપે છે: એ લોકો તારના થાંભલાનું કામ કરે છે. અને પછી શરૂ થાય છે કથક અને ઘોડાગાડીવાળા વચ્ચેનો સંવાદ અને એ સંવાદમાંથી પ્રગટ થાય છે સરકારની વિકાસની વિભાવના. એ વિકાસમાં માણસ તારના થાંભલા બનવાનું કામ કરે છે.
જ્યારે ઘોડાગાડીવાળો કહે છે કે એ લોકો તારના થાંભલાની નોકરી કરે છે ત્યારે કથકને પ્રશ્ન થાય છે કે આવું કેમ? સરકાર થાંભલા કેમ નથી રોપતી? તો ઘોડાગાડીવાળો કહે છે કે પહેલાં થાંભલા નાખેલા પણ પછી લોકો એ થાંભલા ચોરી ગયા! કથકનું આશ્ચર્ય વધતું જાય છે. એ પૂછે છે: પણ તાર તો છે નહીં. તો એ લોકો કઈ રીતે તારના થાંભલાનું કામ કરતા હશે? ઘોડાગાડીવાળો કહે છે: એક છેડે ઊભેલા માણસને પોસ્ટ માસ્તર સંદેશો આપે. પછી એ માણસ જોરથી બોલીને એ સંદેશો બીજાને આપે. પછી બીજો ત્રીજાને અને ત્રીજો ચોથાને. એમ સંદેશો બીજી પોસ્ટ ઓફિસ પર પહોંચે!
વાર્તાનો કથક પણ જાય એવો નથી. એ પૂછે છે કે એવું ન બને કે એક છેડે તમે એક સંદેશો આપો ને બીજે છેડે એ સંદેશો બદલાઈ જાય? ઘોડાગાડીવાળો કહે છે: બને. ક્યારેક એવું થાય પણ ખરું. ઘોડાગાડીવાળો જે રીતે જવાબ આપે છે એ જોતાં આપણને લાગે કે એ તો આવી બધી ઘટનાઓથી ટેવાઈ ગયો છે. કથક પૂછે છે: એ વાત સાચી. પણ, ક્યારેક કોઈ વિદેશી શબ્દ આવી જાય તો એ શબ્દોને આ લોકો કઈ રીતે ઉચ્ચારતા હશે? ઘોડાગાડીવાળો કહે છે કે એવું ઘણી વાર બન્યું છે. એથી જ અમારા પોસ્ટ માસ્તર દેશની મુખ્ય પોસ્ટ ઓફિસના વડા સાથે આ પ્રશ્નની ચર્ચા કરવા માટે ગયા છે!
વાર્તાની ખૂબી એ છે કે જેમ જેમ આપણે આ વાર્તા વાંચતા જઈએ એમ એમ આપણને એમ લાગે કે આપણે પણ એ ઘોડાગાડીમાં છીએ અને આપણે એ સંવાદ સાંભળી રહ્યા છીએ. આપણે એ સંવાદના સાક્ષી છીએ. જો કે, આપણને પેલા કથકને થાય છે એવી જિજ્ઞાસા થતી નથી. પણ, એક પ્રશ્ન સતત થયા કરે છે: લેખક વાર્તાનો અન્ત કઈ રીતે લાવશે?
ઘોડાગાડી આગળ વધે છે. કથક પ્રશ્નો પૂછે જ જાય છે. એક પ્રશ્નના જવાબમાં ઘોડાગાડીવાળો કહે છે કે આ નોકરીમાં બહેરા માણસોને લેવામાં નથી આવતા. કેમ કે એ લોકો સંદેશો સાંભળી ન શકે. એ જ રીતે, તોતડું બોલતા માણસોને પણ આ નોકરી આપવામાં નથી આવતી. એક વખતે ભૂલથી આ લોકોએ એક તોતડાને નોકરી આપેલી તો સંદેશા બધા એક જ જગ્યાએ ભેગા થઈ ગયેલા! એ એમ પણ કહે છે કે ક્યારેક બે માણસો વચ્ચે પંદરેક કિલોમીટરનું અંતર હોય તો એક માણસ ઘોડાગાડી લઈને બીજા પાસે જાય અને એને સંદેશો આપી દે. એટલું જ નહીં, એ એમ પણ કહે છે કે નજીકમાં જ રહેતા લોકો તારનો થાંભલો બનવાની નોકરી વધારે પસંદ કરતા હોય છે. એમાં બોલવા સિવાય બીજું કંઈ કરવાનું નહીં. ઘોડાગાડીવાળો વારંવાર એક વાત કરતો હોય છે: પરંપરાગત તારની સગવડ કરતાં આ સગવડ વધારે વિકાસશીલ છે! અને જ્યારે પણ એ એમ કહેતો હોય છે ત્યારે ઘોડાને ચાબૂક મારતો હોય છે.
ટૂંકી વાર્તાના લેખકે એક વાતની કાળજી રાખવાની હોય છે. એ ઘણી વાર કોઈક સરસ પ્રસંગથી વાર્તાની શરૂઆત કરે પણ પછી એને એમાંથી બહાર નીકળતાં ન આવડે. કેટલાક વાર્તાકારો ચાલાકી કરીને નીકળી જાય અને એ ચાલાકી પછી વાર્તાનો ભાગ ન બને. આ વાર્તાના લેખક એ બાબતમાં હોંશિયાર છે. એ કહે છે કે હું ઘોડાગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે મને ‘આઆઆઉઉઉ..’ જેવો અવાજ સંભળાયો. ઘોડાગાડીવાળાએ મને કહ્યું, “સાંભળો, એ લોકો સંદેશો મોકલી રહ્યા છે.” પછી એણે ઘોડાગાડી ઊભી રાખી અને કહ્યું, “થોડી વારમાં આપણને પણ એ સંદેશો સંભળાશે.” ત્યાં જ મને સંદેશો સંભળાયો, “પિતાજીનું મરણ થયું છે. અંતિમવિધિ બુધવારે.” એ સાંભળતાં જ ઘોડાગાડીવાળાએ કહ્યું, “ભગવાન એમના આત્માને શાન્તિ આપે.” અને પછી એણે ઘોડાગાડી આગળ ચલાવી.
મ્રોઝેકે સાચે જ આ વાર્તામાં કમાલ કરી છે. એણે એક એવા રાજ્યની વાત કરી છે જેમાં લોકો તારના થાંભલા ઉપાડી જાય છે. જ્યાં સરકાર લોકોને તારના થાંભલા બનવાની નોકરી આપે છે અને પછી કહે છે: જુઓ, રાજ્ય વિકાસ કરી રહ્યું છે.
.
મા બાબુ સુથારની પૉલીશ લેખક સ્લાવોમિર મ્રોઝેકે એમની En Route વાર્તામાં વિકાસની સરકારી વિભાવનાના ધજાગરા ઊડાડ્યા તેવી વિકાસની વાતો કરતા રાજ્યનીની સ રસ વારતા
LikeLike
nice varta shri babu bhai. sarkar-gov. vikas karyo loko ne tar na thambhla banavi nokri api. emplyod people as r wire men.
LikeLike