“આ અમેરિકાનું શું થવા બેઠું છે?”- નટવર ગાંધી


આ અમેરિકાનું શું થવા બેઠું છે?

-નટવર ગાંધી (વૉશિંગ્ટન ડીસી)

છેલ્લા કેટલાક મહિનાથી અહીં છાપાં ઉઘાડો કે ટીવી ઉપર ન્યૂઝ જુઓ તો ખરાબ, ખરાબ અને ખરાબ જ સમાચાર દેખાય છે.  એમ થાય કે આ અમેરિકાનું શું થવા બેઠું છે? કોરોના વાઈરસની કસોટીમાં અમેરિકા સાવ નિષ્ફ્ળ નીવડ્યું એ વાત હવે જગજાહેર છે. અરે, આ દેશના પ્રમુખ ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે જ એમાં સપડાયા!  જે કોરોના વાઈરસને દુનિયાના કેટલાક ગરીબ દેશો કાબૂમાં  લાવી શક્યા તે અતિસમૃદ્ધ અમેરિકા નથી કરી શક્યું. દુનિયાની માત્ર ચારેક ટકા વસતિ અમેરિકામાં હોવા છતાં વાઈરસને લીધે થયેલા મોતમાં એનો  હિસ્સો જબરો વીસેક ટકા જેટલો છે.  અત્યાર સુધીમાં બે લાખથી પણ વધુ અમરિકનો વાઈરસમાં મર્યા છે, અને હજી પણ દરરોજ લગભગ સાતસો આઠસોના  હિસાબે મરતા જાય છે.  હવે અહીં શિયાળો બેસી રહ્યો છે.  હેલ્થકેરના નિષ્ણાતો કહે છે કે શિયાળામાં વાયરસ વધુ વિફરે અને વધારે ને વધારે માણસો મરે.  

કોરોના વાઈરસને કારણે દેશનું અર્થકારણ પણ ખળભળી ગયું છે.  લૉકડાઉનમાં મોટા ભાગના લોકોને ઘરમાં ગોંધાઇને બેસી રહેવું પડ્યું. લોકો ઘરની બહાર જ નીકળતા ન હોય તો ઍરલાઇન્સથી લઈને હોટેલ્સ, રેસ્ટોરાં, સ્ટોર્સ, વગેરે ક્યાંથી ચાલે? વેપારધંધા પડી ભાંગ્યા, આશરે અઢી કરોડ અમેરિકનો રાતોરાત બેકાર થઈ ગયા.  જે દશા 1930ના ગ્રેટ ડિપ્રેશનમાં થઈ હતી તેનું જાણે પુનરાવર્તન થતું હોય એમ લાગ્યું.  2020ના વરસની બજેટની ખાધ ત્રણ ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે એવી ગણતરી છે!

અમેરિકાની કોરોનાને કાબૂમાં લાવવાની નિષ્ફ્ળતાના મૂળમાં હું એની અત્યારની રેઢિયાળ નેતાગીરી જોઉં છું.  આ કસોટીમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સર્વથા નિષ્ફ્ળ નીવડ્યા છે. એમને માટે અનેક અપમાનભર્યાં વિશેષણ વપરાય છે:  ચરિત્રહીન, સ્વાર્થી, નિષ્ઠુર, નિર્લજ્જ, જુઠ્ઠો, વગેરે. એક દુરાચારી વ્યક્તિ તરીકે ટ્રમ્પનાં લક્ષણ આપણે બાજુએ મૂકી માત્ર એમની નેતાગીરીનો જ વિચાર કરીએ તો એક વાત સ્પષ્ટ સમજાય છે કે આ માણસ અધકચરો, અણઘડ, બિનઅનુભવી, બેજવાબદાર, અને અમેરિકા જેવા મહાન દેશનું સંચાલન કરવા સર્વથા અસમર્થ છે. આવડા મોટા દેશને ચલાવવા માટે જે આવડત જરૂરી છે તેનો એનામાં સાવ અભાવ છે. છતાં લાયકાત વગરનો આવો માણસ પ્રમુખ તરીકે કેમ ચૂંટાયો તે અમેરિકન રાજકારણ અને એની વિચિત્ર ચૂંટણીપ્રથાનું એક મહાન રહસ્ય છે.  બહારના લોકો માટે એ સમજવું મુશ્કેલ છે.

મહત્વની વાત એ છે કે ચૂંટાયા પછી પણ પ્રમુખના હોદ્દાની જવાબદારીઓ સ્વીકારવા એ તૈયાર નથી. એને પોતાની આજુબાજુ હોશિયાર સલાહકાર રાખવા નથી. કામ કરવાને બદલે એને ગોલ્ફની રમત રમવી છે. એને ટીવી સામે બેસીને જોવું છે કે કોણ એનાં કેટલાં વખાણ કરે છે, કોણ એની ટીકા કરે છે, અને પછી એ મુજબ એના પાંચેક કરોડ ફૉલોઅર્સને દિવસ-રાત ટ્વીટ કરવી છે. આ ટ્વીટમાં હરીફરીને એક જ વાત હોય છે–પોતે મહાન છે, અમેરિકાને પોતાની જેવો મહાન પ્રમુખ હજુ મળ્યો નથી.

કોણ જીતશે–ટ્રમ્પ કે બાયડન?

ટ્રમ્પના અત્યન્ત નિષ્ફ્ળ નીવડેલા નેતૃત્વને કારણે 2020ની પ્રમુખની ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી બની ગઈ છે. આવા વાયરસની મહામારી પછી ટ્રમ્પને બીજા ચાર વર્ષ માટે ચૂંટવા કે પછી ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જોસેફ (જો) બાયડનને ચૂંટવા, એ અમેરિકન મતદારો માટે જટિલ પ્રશ્ન છે. જો ટ્રમ્પ ફરી વાર ચૂંટાશે તો એની રેઢિયાળ નેતાગીરી નીચે દેશ તેમ જ દુનિયાને અકલ્પ્ય હાનિ થશે એવું બાયડન અને ડેમોક્રેટિક પક્ષ કહે છે.  બન્ને પક્ષે ચૂંટાવા માટે જબર ઝુંબેશ ચાલી રહી છે.  કોણ જીતશે –ટ્રમ્પ કે બાયડન–અને કોણ વ્હાઇટ હાઉસમાં પ્રમુખ થઈને બેસશે? પ્રમુખની ચૂંટણી માત્ર લોકમતની બહુમતિથી જીતાતી નથી, પરંતુ એ માટે અહીંની વિચિત્ર ઈલેક્ટોરલ કોલેજમાં બહુમતિ મેળવવી પડે છે. 2016ની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને ટ્રમ્પ કરતા ત્રીસ લાખ વધુ મત મળેલા છતાં ટ્રમ્પ પ્રમુખ થયા કારણ કે એને ઈલેક્ટોરલ કોલેજમાં વધુ મત મળેલા!

આ ઈલેક્ટોરલ કોલેજ શું છે?  ઝાઝી વસ્તીવાળા કેલિફોર્નિયા કે ન્યૂ યોર્ક જેવા મોટાં રાજ્યો વર્મોન્ટ કે વાયોમિંગ જેવા ઓછી વસ્તીવાળા નાનાં રાજ્યો ઉપર પોતાનું વર્ચસ્વ ન જમાવે તે માટે દેશના બંધારણમાં ઈલેક્ટોરલ કોલેજની વ્યવસ્થા થઈ છે.  પ્રમુખ ચૂંટાવા માટે આ ઈલેક્ટોરલ કોલેજના કુલ 538 મતમાંથી 270 જીતવા જરૂરી છે. આ ગણતરી મુજબ વધુ વસ્તીવાળા મોટાં રાજ્યો જીતીને લોકમતની બહુમતિ મેળવવા કરતા નાનાં મોટાં પચાસે પચાસ રાજ્યોમાં કયો ઉમેદવાર વધુ જીતે છે તે જાણવું અગત્યનું છે. 

દેશના બન્ને કાંઠે આવેલા ન્યૂ યોર્ક અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં મોટે ભાગે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવારો જીતે, જ્યારે દક્ષિણનાં અને પશ્ચિમનાં પહાડી રાજ્યોમાં સામાન્ય રીતે રિપબ્લિકન ઉમેદવારો ચૂંટાય. અત્યારના ઓપિનિયન પોલ્સ જોતા લાગે છે કે બાયડન જબરદસ્ત બહુમતિથી જીતશે. જેની પર વિશ્વાસ મૂકી શકાય એવા પોલ્સ તો એમ કહે છે કે બાયડન 14-15 ટકા જેટલા વધુ લોકમત મેળવશે.  પરંતુ ઈલેક્ટોરલ કોલેજનો વિચાર કરીએ તો આખા દેશમાં નહીં પણ ગણ્યાગાંઠયાં આઠ દસ રાજ્યોમાં કોણ જીતશે તે અગત્યનું છે. આ રાજ્યોમાં –મિશિગન, પેન્સિલવેનિયા, વિસ્કોન્સીન, ઓહાયો, એરિઝોનામાં–અત્યારે બાયડન જીતશે એમ લાગે છે અને એને 305 (જરૂરી 270 કરતા 35 વધુ) જેટલા ઈલેક્ટોરલ મત મળશે.  બાકીનાં થોડા રાજ્યોમાં –ફ્લોરિડા, નોર્થ કેરોલિના, આયોવા અને જ્યોર્જિયામાં–કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે. આ રાજ્યોમાં પણ જો બાયડન જીતે તો એને લોકમત (પોપ્યુલર) તેમ જ સાથે સાથે ઈલેક્ટોરલ કોલેજમાં પણ જબર જીત (લેન્ડ સ્લાઈડ) મળી ગણાશે.

આપણા દેશમાં ટ્રમ્પ ઘણા લોકપ્રિય છે. વડાપ્રધાન મોદી જ્યારે અમેરિકા આવેલા ત્યારે એમના માનમાં અહીં વસતા ભારતીયોએ હ્યુસ્ટનમાં એક ભવ્ય સભા યોજેલી. એ સભામાં મોદીનું સમ્માન કરવા ખુદ પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને અન્ય અગ્રણી રિપબ્લિકન ઉમેદવારો હાજર હતા.  એ જ મુજબ ટ્રમ્પ જ્યારે આપણા દેશમાં આવેલા ત્યારે વડાપ્રધાન મોદીએ તેમના માનમાં અમદાવાદમાં એક જંગી સભા ભરેલી. ટ્રમ્પ અને મોદી વચ્ચેનો આ જે મૈત્રી બંધાણી છે એ કારણે આપણી વિદેશનીતિને ઘણો ફાયદો થયો છે એવી માન્યતા ઊભી થઈ છે.  ઉપરાંત મોદી અને ટ્રમ્પના આ મૈત્રિસંબધને કારણે એવું મનાય છે કે અહીંના ભારતીયો બાયડન કરતા ટ્રમ્પને વધુ પસંદ કરશે.  અહીંની પહેલી પેઢીના સમૃદ્ધ ભારતીયો જે હોટેલ મોટેલ અને ટેક્નોલોજીનો ધંધો કરે છે, જે ડોકટરો છે, તે સામાન્ય રીતે ટ્રમ્પને પસંદ કરે છે, કારણ કે ટ્રમ્પએ પ્રમુખ થયા પછી તુરત જ જે કરવેરા ઘટાડયા તેનાથી એમને ખૂબ ફાયદો થયો.  બાકીના બીજા બધાને, અને ખાસ કરીને બીજી પેઢીની યુવાન ભારતીય પ્રજાને ટ્રમ્પની ક્રૂર ઈમિગ્રશન નીતિ અને બીજા અનેક જમણેરી પગલાઓ ગમતાં નથી. આ દૃષ્ટિએ પહેલી પેઢીના સમૃદ્ધ ભારતીયોને બાદ કરતા બીજા બધા ઝાઝી સંખ્યામાં બાયડન અને ડેમોક્રેટિક ઉમેદવારોને મત આપશે એવી ધારણા છે.

આપણી અહીંની વસ્તી ઓછી. માત્ર એક જ ટકા જેટલી. છતાં એ વગવાળી ને પૈસેટકે સુખી છે. ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક, ઇલિનોય, ટેકસાસ અને કેલિફોર્નિયા જેવાં રાજ્યોમાં આપણું પ્રમાણ વધુ. જ્યારે બહુ થોડા મતની હેરફેર થવાથી જો હારજીતનો પ્રશ્ન આવી જતો હોય છે ત્યારે આવી લઘુમતિ પ્રજાનું મહત્વ વધી જાય.  આ કારણે બન્ને ટ્રમ્પ અને બાયડન આપણા ભારતીયોના મત મેળવવા માટે પ્રયત્ન કરે છે.

અમેરિકાનું ઉજ્જવળ ભવિષ્ય

અમેરિકાની અત્યારની અવદશા જરૂર નિરાશાજનક છે, છતાં એના ભવિષ્ય માટે હતાશ થવાની જરૂર નથી.  આ જ પ્રજાએ માત્ર બે સદીની હયાતિમાં વિશ્વની એક મહાસત્તા સમું રાષ્ટ્ર ઊભું કર્યું, સમૃદ્ધ અર્થકારણની રચના કરી, એક ઉત્તમ બંધારણ ઘડ્યું, અને બધા લોકોને ઈર્ષ્યા આવે એવી સધ્ધર લોકશાહી ઊભી કરી. આનાં મૂળમાં પ્રજા તરીકે અમેરિકનોની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતા છે.  સૌથી અગત્યની વાત એ કે અમેરિકન પ્રજા નિરંતર પરિવર્તનશીલ છે. જ્યારે જયારે અમેરિકા પાછું પડે છે ત્યારે એ અરીસામાં જુએ છે, જાત-તપાસ શરૂ કરે છે. “હવે શું થશે?”  એમ કહીને લમણે હાથ મૂકીને બેસી રહેનારી આ પ્રજા નથી.  અત્યારે એને ખબર છે કે એ મહામારીના સકંજામાં સપડાઈ છે એટલે એમાંથી કેમ બહાર નીકળવું તે માટે રાત-દિન મથે છે. વહેલી-મોડી પણ કોરોના વાઈરસની વેક્સિન અહીં શોધાશે ને આ મહારોગને કાબૂમાં લેવામાં આવશે.

આવી પરિવર્તનશીલતા કારણે અમેરિકનો નવા સંજોગ, નવી પરિસ્થિતિને અપનાવીને અનુકૂળ વર્તન અને વ્યવહાર કરે છે. એમની પાસે લાંબો ઇતિહાસ નથી, પૂર્વજોની હજારો વર્ષ જૂની સંસ્કૃતિનો ભાર નથી એટલે એમને રૂઢિ અને રીતિ-રિવાજ નડતા નથી. એ તો સમસ્યાના નિવારણ માટે આજે અને અત્યારે શું કરવું જોઈએ એની યોજના ઘડી કામે લાગી જાય છે. આ કામ કોણ કરે છે–અહીંનો જન્મેલો અમેરિકન કે થોડા જ સમય પહેલાં બીજા દેશમાંથી આવીને અહીં વસેલો ઈમિગ્રન્ટ, કાળો છે કે ધોળો, સ્ત્રી છે કે પુરુષ –એવા  ભેદભાવ કર્યા વગર જેની પાસે આવડત છે એની પાસેથી કામ કઢાવવાની ચીવટ અમેરિકનો પાસે ઘણી છે. આનો અર્થ એ નથી કે અહીં ભેદભાવ (ડિસ્ક્રિમિનેશન) નથી–જરૂર છે, પરંતુ ધીમે ધીમે એ ભેદભાવ નાબૂદ કરવામાં અમેરિકનો નિત્ય પ્રવૃત્ત રહે છે, અને એ બાબતમાં બહુ પ્રગતિ કરી છે.

દેશનાં નાનાં-મોટાં અસંખ્ય કામ વ્યવસ્થિત રીતે પૂરાં થાય એ માટે અમેરિકાને અનેક પ્રકારના માણસોની જરૂર છે તો એ આખી દુનિયામાંથી લોકોને અહીં આવવા દે છે.  સમાજના મોવડીઓને ખબર છે કે દેશનો વિકાસ જાળવી રાખવો હોય તો ઇમિગ્રન્ટ ખૂબ ઉપયોગી નીવડવાના છે.  કામઢા ઇમિગ્રન્ટ આ દેશને કેટલા ઉપયોગી નીવડે છે તેનો એક દાખલો આપણા ભારતીયોએ પૂરો પાડ્યો છે. ભણેલાગણેલા અને વિવિધ કૌશલ ધરાવતા ભારતીયો આવીને તરત કામે લાગી દેશના આર્થિક વિકાસમાં ફાળો આપવા માંડે છે.  સ્પેસ શટલ અને સોલર એનર્જીથી માંડીને હોટેલ, મોટેલ, ગ્રોસરી, ધોબી, પેટ્રોલપંપ સુધીનાં અનેક ક્ષેત્રોમાં ભારતીયો યથાશક્તિ પ્રદાન કરી રહ્યા છે. સંખ્યાની દૃષ્ટિએ ભારતીય ઈમિગ્રન્ટ્સ ભલે બહુ ઓછા હોય, પણ પોતાના કૌશલ, ખંત, અને ભણતરને કારણે એમણે અમેરિકન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની જેમ આખી દુનિયાના વૈજ્ઞાનિકો અને સંશોધકો અમેરિકાની મહાન યુનિવર્સીટીઓમાં અને રિસર્ચ ઇન્સ્ટીટયુટ્સમાં કામ કરવા અહીં આવે છે અને પછી રહી જાય છે. આમ અમેરિકાના વૈજ્ઞાનિકોમાં લગભગ 40 ટકા તો ઇમિગ્રન્ટ્સ છે. છેલ્લા વીસ વરસમાં જે 85 અમેરિકનોને નોબેલ પ્રાઈઝ મળ્યાં છે, તેમાં 33 ઇમિગ્રન્ટ્સ છે. 2017 અને 2018માં જે 6 અમેરિકનોને નોબેલ પ્રાઈઝ મળ્યાં તે બધા જ ઇમિગ્રન્ટ્સ છે. એવી જ રીતે કુશળ ઇમિગ્રન્ટ્સ ઉદ્યોગપતિઓ અહીં આવીને નાની મોટી અસંખ્ય કંપનીઓ શરૂ કરે છે અને દેશને સમૃદ્ધ કરે છે. કહેવાનો આશય એટલો જ છે કે અહીં નિત્ય આવતા ઇમિગ્રન્ટ્સ દ્વારા અમેરિકાને આખી દુનિયાના કુશળ, ઉદ્યમી અને બુદ્ધિશાળી લોકોનો લાભ મળતો રહે છે. 

કોરોના વાઈરસને કાબૂમાં લાવવામાં અમેરિકાની સદંતર નિષ્ફ્ળતા જોતાં આજે ભલે આપણને અમેરિકાનું ભવિષ્ય ધૂંધળું દેખાય પણ એવું નિરાશાજનક નિદાન કરવું એ ઐતિહાસિક દૃષ્ટિએ અયોગ્ય અને ઉતાવળું છે.  વિચિત્ર સંજોગોમાં અને વિવિધ કારણોસર મહાસત્તાઓ થાપ ખાઈ જાય એવા કંઈક દાખલા ઇતિહાસમાં મળી રહે છે. અમેરિકાનું એવું જ કાંઈક થયું છે. છતાં ભૂતકાળની આવી અને આનાથીયે કપરી કસોટીમાંથી અમેરિકા વધુ બળવાન થઈને જ બહાર નીકળ્યું છે. અત્યારની કોરોનાની દુર્દમ મહામારી અને ટ્રમ્પના ચાર કે આઠ વરસનાં પ્રમુખપદને હું અમેરિકાનાં ત્રણસોએક વરસના ભવ્ય ઇતિહાસમાં માત્ર એક લાંછનભર્યા પ્રકરણથી વધુ ગણતો નથી.  ઊલટું અહીંની બળકટ પ્રજાની નિત્ય પરિવર્તનશીલતામાં અને દુનિયા આખીના ઇમિગ્રન્ટ્સને  પોતાના કરવાની વ્યવહારુતામાં હું અમેરિકાનું ઉજ્જવળ ભવિષ્ય જોઉં છું.

2 thoughts on ““આ અમેરિકાનું શું થવા બેઠું છે?”- નટવર ગાંધી

  1. મા નટવર ગાંધીના જાણીતા પુસ્તકો અમેરિકા, અમેરિકા અને ઇન્ડિયા ઇન્ડિયા અને પ્રેરણાદાયી આત્મકથા દેશ-વિદેશના વાચકોનું આકર્ષણ બની રહી છે. તેમના લેખો અભ્યાસપુર્ણ હોય છે તેમને ‘નાણાંકીય બાબતોના જાદૂગર કવિ’ ગણવામા આવે છે.અમેરિકાનું ઉજ્જવળ ભવિષ્યની વાતે આનંદ થાય.તેમની ‘કોરોના વાઈરસને કાબૂમાં લાવવામાં અમેરિકાની સદંતર નિષ્ફ્ળતા જોતાં..’ વાતે હવે આનંદની વાત જણાય છે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કોરોના વાયરસની સારવાર માટે એન્ટિવાયરલ દવા રેમડેસિવિરને (Remdesivir) પરવાનગી આપવામાં આવી છે.આ દવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને આપવામાં આવી હતી, જ્યારે તે કોરોના પૉઝિટિવ હતા.જેને માટે કહેવાય છે કે The *patent* for Remdesivir is currently *held by China*!

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s