‘મરીઝ’ ને એક સ્મરણાંજલિ -આસ્વાદઃ સપના વિજાપુરા


અસર વધતી જવાની છે મરીઝના શેરની માફક,
સુરા છે તું? કે સાકી છે મરીઝના શેરની માફક?

જીવનની યોજના પેટે મફત છે એક ઉપર એક
દરદ છે ત્યાં ખુમારી છે, મરીઝના શેરની માફક.

તરીને મોજ માણું? કે ડૂબીને જાન આપી દઉં?
ઘણી ઊંડી ઉદાસી છે મરીઝના શેરની માફક.

હતી બીજા જ કોઈ વિશ્વમાં એવી અનુભૂતિ
ગગન ચીરીને આવી છે મરીઝના શેરની માફક.

છે એવું શું કે તારો હર પ્રસંગે હોય છે સંદર્ભ!
તને મેં યાદ રાખી છે મરીઝના શેરની માફક.

છે ચહેરો એક તો પણ અવનવા રંગો બતાવે છે,
અદા તારી નિરાળી છે મરીઝના શેરની માફક.

ભલે તું ધ્યાન ના ખેંચે, છતાં મહેફિલ મરે તુજ પર
તું સીધી છે ને સાદી છે મરીઝના શેરની માફક.

વિચારોના બગીચામાં ખીલી છે ફૂલ જેવી તું,
મને તું બહુ જ વ્હાલી છે મરીઝના શેરની માફક.

(આવતીકાલે મરીઝ સાહેબની સ્મરણતિથિ. એમને સ્મરણાંજલિ આપવા એક કોશિશ.

– પ્રજ્ઞેશ નાથાવત ‘પગુ’

કવિ શ્રી અબ્દુલ અબ્બાસ વસી ” મરીઝ” સાહેબની વસમી વિદાયને આહ 37 વરસના વહાણા વહી ગયા. એમની ગઝલ થકી હજુ એ લોકોના દિલમાં વસી રહેલા છે. કવિ શ્રી મરીઝની કોઈ ગઝલનો આસ્વાદ કરાવું એવી ઈચ્છા હતી ત્યારે ફેઈસબુક પર મને કવિ પ્રજ્ઞેશ નાથાવત ‘પગુ’ નીઆ ગઝલ મળી આવી. એમણે કવિ શ્રી મરીઝને ગઝલ દ્વારા સ્મરણાંજલિ અર્પણ  કરી છે જે મને ખૂબ ગમી ગઈ.

કવિ શ્રી મરીઝ નું જન્મ સ્થાન સુરત હતું. અભ્યાસમાં એમને રસ ના હતો તેથી એમના પિતાએ એમને મુંબઈ કામ કરવા મોકલી આપેલા. શરૂઆતમાં એમણે રબ્બર શુ ફેક્ટરીમાં કામ કર્યું પણ બુક્સ ખરીદવા માટે પૂરતા પૈસા ના હતા. એ પોતાની કઝીનના પ્રેમમાં હતા પણ કઝીનના પિતાએ એમન લગ્નના પ્રસ્તાવને ઠુકરાવી દીધો. જેનો એમને સખત આઘાત લાગેલો. પછી એમણે જર્નાલિસ્ટ તરીકે કામ કર્યું. 1946 માં લગ્ન કર્યા. 1942 માં ‘ભારત છોડો’ મૂવમેન્ટમાં પણ ભાગ લીધો.

એમની નઝમ અને ગઝલ હજુ લોકોના દિલોમાં વસે છે. એમને ગુજરાતના ગાલિબ ગણવામાં આવે છે .ભલે એમને જિંદગીભર પૈસા માટે મુશ્કેલી વેઠી પણ લોકોના દિલો પર રાજ કરીને ગયા. એમના મૃત્યુ પછી એમને વધારે કામયાબી મળી. એમની કેટલાક ગઝલ સંગ્રહ એમના મૃત્યુ પછીપ્રકાશિત થયા.

કવિ શ્રી ગુલામ અબ્બાસ ‘નાશાદ ‘ અને એમના દીકરા મોહસીન વસી એ એમના ધાર્મિક મરશિયા અને કવિતાઓ ‘ અકીદત ‘ માં એડિટ કરી પ્રકાશિત કર્યા હતા. કવિ શ્રી રઈશ મણિયારે એમની બાયોગ્રાફી “મરીઝ : અસ્તિત્વ અને વ્યકિતત્વ ” પ્રકાશિત કરી હતી જેના પરથી નાટક પણબનાવવામાં આવ્યું છે.

કવિ શ્રી પ્રજ્ઞેશ નાથાવત અમદાવાદના નિવાસી છે. તેમણે ફિજિકલ થેરાપી નો અભ્યાસ કર્યો છે. અને હાલમાં અમદાવાદમાં જ પ્રેકટીસ કરે છે. એમની આ ગઝલ જે એમને મરીઝ સાહેબને સ્મરણાંજલિ તરીકે પેશ કરી છે જે મને એમની ટાઈમ લાઈન પરથી મળી છે. તેથી હું પણ મરીઝસાહેબને સ્મરણાંજલિ પેશ કરવાની લાલચ ના રોકી શકી.

અસર વધતી જવાની છે મરીઝના શેરની માફક,
સુરા છે તું? કે સાકી છે મરીઝના શેરની માફક?

કવિ શ્રી મરીઝ જે પ્રેમના મરીઝ હતા. અને એમને શરાબની આદત હતી જે લગભગ બધા સાહિત્ય જગતના લોકો જાણે છે. મરીઝના શેરનીમાફક એ એમણે રદીફ પસંદ કર્યો છે. અને મરીઝના શેરમાં શું હતું? સુરા, સાકી અને શરાબ! અસર વધતી જાય છે ત્યારે શરાબની અસર લાગે છે પણ એ અસર કેવી છે? મરીઝના શેરની જેવી! અને સુરા સાકી યાદ આવે છે તે પણ “મરીઝના શેરની માફક” મત્લા ના શેર પરથી ભાવુક માની લે છે આ ગઝલ મરીઝના શેરની માફક જ બનવાની છે.અહીં મરીઝનો એક શેર યાદ આવે છે.

“મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.” મરીઝ

જીવનની યોજના પેટે મફત છે એક ઉપર એક
દરદ છે ત્યાં ખુમારી છે, મરીઝના શેરની માફક.

 અહીં બાય વન એન્ડ  ગેટ વન ફ્રી ની ફિલોસૂફી પર શેર બનાવ્યો છે,પણ અહીં વસ્તુની વાત નથી અહીં પીડા અને ખુમારીની વાત થાય છે. મરીઝના દરેક શેરમાં કાં તો પીડા અને કાં તો ખુમારી જોવા મળે છે. તેથી દર્દ અને ખુમારી બંને મળે છે પ્રેમના મરીઝ ને !! મરીઝનો એક શેર યાદ આવે છે.


“પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.”

તરીને મોજ માણું? કે ડૂબીને જાન આપી દઉં?
ઘણી ઊંડી ઉદાસી છે મરીઝના શેરની માફક.

પ્રેમમાં તરી જવું એટલે મોજ કરવી પણ પ્રેમમાં લોકો ડૂબીને જાન પણ આપતા હોય છે. પ્રેમનું દર્દ ચાહે મરીઝને હોય કે પછી ‘પગુ’ નેહોય પ્રેમમાં ઉદાસી તો બધાને સરખી જ મળવાની. પ્રેમમાં હોવું અને દર્દમાં હોવું એ બંનેમાં ખાસ ફર્ક નથી. પ્રેમમાં હોય એ દર્દમાં હોય જ છે. બંને પક્ષે પ્રેમહોય તો આ દર્દ મીઠું મીઠું હોય અને પ્રેમ એક પક્ષીય હોય અથવા ભગ્ન પ્રેમ હોય તો એ દર્દ ઉદાસીમાં ફેરવાય છે અને જાન લેવા હોય છે.

“થઈને હતાશ જોયું જો ઉપર અમે ‘મરીઝ’,

ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે.” મરીઝ

હતી બીજા જ કોઈ વિશ્વમાં એવી અનુભૂતિ
ગગન ચીરીને આવી છે મરીઝના શેરની માફક.

પ્રેમની આ અનુભૂતિ જાણે પરલોક કે બીજા કોઈ વિશ્વમાંથી આવી હોય તેવું લાગે છે છતાં એ આવી છે ગગન ચીરીને મરીઝના શેરની માફક. જો પ્રેમી હશે તો મરીઝના શેર દિલના સોંસરવા ઉતરશે.

“બુલંદી પર રહીને હું સદા હસતો જ રહેવાનો,
ભલે મારી સિતારા જેમ ગણના થઈ નથી શકતી.”મરીઝ

છે એવું શું કે તારો હર પ્રસંગે હોય છે સંદર્ભ!
તને મેં યાદ રાખી છે મરીઝના શેરની માફક.

પ્રેમિકા હર સારા નરસા પ્રસંગે યાદ આવી જ જાય. અહીં હરીન્દ્ર દવેનું ગીત યાદ આવી જાય છે. કે

“પાન લીલું જોયુંને તમે યાદ આવ્યા.” પ્રકૃતિના હર રંગમાં પ્રિયતમાની યાદ ભરેલી છે. જેમ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની ! અહીં કવિ શિકાયતના રૂપમાં કહે છે કે એવું તો વળી શું છે? કે હર પ્રસંગે હોય છે સંદર્ભ ! એ પણ કેવો સંદર્ભ? તને મેં યાદ રાખી છે મરીઝના શેરનીમાફક! અહીં કવિએ કવિ મરીઝના શેર સાથે  સાથે પ્રેમિકાની યાદને સરખાવી કવિ મરીઝને ખૂબ ઊંચા સ્થાને બેસાડી દીધા છે.

“આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.”મરીઝ

છે ચહેરો એક તો પણ અવનવા રંગો બતાવે છે,
અદા તારી નિરાળી છે મરીઝના શેરની માફક.

તારો એક જ ચહેરો છે પણ એમાં અવનવા રંગ હોય છે. એમાં પ્રેમનો રંગ, પીડાનો રંગ, ખુમારીનો રંગ, અને ક્યારેક શરાબી રંગ પણ બતાવે છે. મરીઝના શેરમાં આવા ઘણા રંગ જોવા મળે છે જેને કવિએ મરીઝના શેર સાથે સરખાવ્યાં છે.

“પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.”મરીઝ

ભલે તું ધ્યાન ના ખેંચે, છતાં મહેફિલ મરે તુજ પર
તું સીધી છે ને સાદી છે મરીઝના શેરની માફક.

મરીઝ જ્યાં જતા ત્યાં મહેફિલ લૂંટી લેતા . એમના સીધા સાદા શેર પણ હજારો દાદ મેળવી લેતા. અને મહેફિલ એમના પર મરી પડતી. કવિ શ્રી ‘પગુ’ પોતાની પ્રેમિકાને મરીઝના શેર સાથે સરખાવતાં કહે છે કે તું ભલે બેપરવા હોય ભલે તું કોઈનું ધ્યાન ના ખેંચતી હોય છતાં મહેફિલ તારા પરમરતી હોય છે. હુસ્ન મોટે ભાગે બેપરવા હોય છે. સીધી અને સાદી હોય છે.પોતાની સુંદરતાનું એને ભાન નથી હોતું. છતાં લોકો તો એના પરમરતા હોય છે. જે રીતે મરીઝના શેરની પાછળ સાહિત્યકારો દીવાના બની ગયા હતા.

કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના,
હો જાણે એમણે વરસો વિતાવ્યા તારી સોબતમાં ! મરીઝ

વિચારોના બગીચામાં ખીલી છે ફૂલ જેવી તું,
મને તું બહુ જ વ્હાલી છે મરીઝના શેરની માફક.

ઘણીવાર કલ્પનાની પ્રેમિકા સાચી પ્રેમિકા કરતા વધારે વહાલી હોય છે. કારણકે વિચારમાં વસેલી પ્રેમિકા ફૂલ જેવી કોમળ હોય છે. વજ્ર જેવી સખત નથી હોતી. વળી રિસામણાં મનામણાં પણ નથી કરતી ! અને મન ચાહે ત્યારે પ્રેમ કરી શકાય છે. જેવા મરીઝના શેર વહાલા છે એવી જ એ વહાલી છે. કવિ પ્રજ્ઞેશે એ સુંદર ગઝલ કવિ શ્રી મરીઝને સ્મરણાંજલિ તરીકે આપી છે .આભાર કવિ!

એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું,
એક તું કે તારી આંખ બધું બોલતી રહી. મરીઝ

સપના વિજાપુરા

8 thoughts on “‘મરીઝ’ ને એક સ્મરણાંજલિ -આસ્વાદઃ સપના વિજાપુરા

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s