બે કાંઠાની અધવચ – (૧૭) — પ્રીતિ સેનગુપ્તા
કેતકીની પ્રૅગ્નન્સીના શરૂઆતના મહિનાઓ દરમ્યાન નંદાએ ઘણું ધ્યાન રાખ્યું એનું. એને કંપની આપે, ખાવાનું બનાવીને લાવે. વામા પણ બેએક વાર ઇન્ડિયન ખાવાનું ખરીદીને લઈ આવી હતી. કેતકીને સારું લાગવા માંડ્યું પછી, એણે આ મિત્રોને જમવા બોલાવવાનું નક્કી કર્યું.
આવો, વિશભાઈ, એણે કહ્યું.
ભાભી, તમે વિશભાઈ કહો છો, તે બહુ ફની લાગે છે મને.
પણ તમને વિશ્વેશભાઈ કહીશ, તો તમે સાંભળશો જ નહીં.
હા, હવે એ નામે એને કોઈ બોલાવતું જ નથી, નંદા બોલી.
અને કેતકી ક્યારેય ફક્ત વિશ કહીને એને બોલાવી નહીં શકે, સુજીતે કહ્યું.
સાચી વાત છે, કેતકી અને નંદા બંને બોલી ઊઠ્યાં.
વામા આવી, કે કેતકીએ એની ઓળખાણ વિશ અને નંદા સાથે કરાવી. એને જોતાંની સાથે વિશ બોલી ઊઠ્યો, ઓહો, તમે? અરે વાહ. ફરી તમે મળશો, એવું અમે ધાર્યું જ નહતું, નહીં, બૉસ?
સુજીત એને અટકાવી ના શક્યો, ને મનમાં ધુંધવાયો. સાવ બુદ્ધુ છે. આ વાત કરવાની જ નહતી.
વામાએ તરત પૂછ્યું, ફરીથી મળવાનું? આપણે એક્કે વાર મળ્યાં છીએ?
વિશ કહે, ઓહ, ના, ના, મળ્યાં તો ના કહેવાઈએ. પણ અમે તમને જોયાં હતાં.
હવે એ પણ જરા સંકોચ પામી ગયેલો, છતાં કહેવું તો પડ્યું જ, કે વામાને ક્યાં પહેલી વાર જોઈ હતી. જોકે, સાથે એમ પણ બોલાઈ ગયું, કે તમારા બૉયફ્રૅન્ડ આર્ટિસ્ટ છે ને?
બંને પત્નીઓ ડઘાઈ ગઈ હતી, પણ વામાને બહુ હસવું આવી ગયું. ઓહ, તો લાયબ્રેરીમાંની એ સાંજે, મૅલની સાથેની એની નજદીકી પણ, આ લોકોએ જોયેલી. પછી તો રહી જ જાઉંને યાદ!
કેતકી વિચારતી હતી, કે એ કેવો અકસ્માત હતો, કે એને ને સુજીતને બંનેને વામા સાથે સંપર્ક થયેલો. જુદો જુદો, પણ લગભગ એક સમયે. અલબત્ત, સુજીતને માટે એકપક્ષીહતો. છતાં, લાયબ્રેરીમાં વામાને જોયાનો ઉલ્લેખ એણે કેમ કર્યો નહતો, તે કેતકીની સહજબુદ્ધિ સમજી ગઈ. જે ઉત્સાહથી, પહેલી મિનિટથી, સુજીત વામાની સાથે વાતો કરતો રહેલો, તે એને યાદ હતું.
આજે પાછો શનિવાર હતો. વામા ને મૅલના સાથે રહેવાનો ખાસ દિવસ. પણ એ સાથે આવ્યો નહીં. આવવું કેમ નહીં ફાવે, એનું કારણ એણે આપેલું. કે પછી બહાનું કાઢેલું?, એ વિચાર વામાના દિલમાં ખટકતો હતો. પણ અહીં કોઈને એના અજંપાની જાણ એ થવા દેવાની નહતી.
જેવા લગભગ સમાંતર સમયે, કેતકી અને સુજીત વામાને મળ્યાં હતાં – પણ જુદાં જુદાં, તેવી જ રીતે, એ બંને વામાને મળતાં રહ્યાં હતાં – પણ જુદાં જુદાં.
એક વાર પોસ્ટ ઑફીસમાં સુજીત વામાને મળી ગયેલો. એ કેતકીએ ઘરનાં બધાં માટે લખેલો કાગળ પોસ્ટ કરવા ગયો હતો. એમાં એના સારા સમાચાર લખ્યા હતા, તેથી કેતકી ઍક્સ્પ્રેસ પોસ્ટથી મોકલવા માગતી હતી. વામા એનાં ડૅડ અને મમ્મી માટે પાર્સલ કરવા આવી હતી.
સુજીત બાજુની ડાઈનરમાં, વામાને કૉફી માટે લઈ ગયો હતો. બહુ વાર નથી મારી પાસે, વામાએ કહેલું.
હા, પણ થોડી તો છે ને?, સુજીતે જવાબ વાળેલો.
એની હાજરજવાબી પર, હાસ્યથી ભરાઈ જતું વામાનું મોઢું જોવા માટે, સુજીત વધારે હાજરજવાબી કરતો. એને માટે એ અઘરી વાત હતી જ નહીં, પણ આ પહેલાં ક્યારેય એને આવો રિસ્પૉન્સ આપનાર કોઈ મળ્યું નહતું. આટલું આકર્ષક કોઈ તો નહીં જ.
એણે વામાનો ફોન નંબર લઈ લીધેલો. ક્યારેક આવી રીતે સાથે વાઇન પીવા પણ બેસીશું, બરાબર ને? એનું ચાલે તેમ હોત તો એ દર શુક્રવારે વામાને મળવાનું ગોઠવત. એમ તો ના થયું, પણ બે-ત્રણ વાર બંને મળ્યાં ખરાં. બે મિત્રોને વાતો કરવાની મઝા આવતી હોય, તેમ. વાતો અનેક જાતની થતી – સારી રૅસ્ટૉરાઁ, સારો વાઇન, કોઈ ખાસ સમાચાર, નવી આવેલી કોઈ ફિલ્મ. અંગત વાત, કે કેતકીની વાત, ખાસ થતી નહીં.
સુજીતને મળવા- ના મળવામાં વામાને કાંઈ ફેર પડતો નહીં. એનું દિલ તો મૅલ પર કેન્દ્રિત થયેલું હતું. પણ એ એમ સમજતી, કે સુજીતને વખતોવખત આવી જુદી જુદી વાતો કરવી જરૂરી લાગતી હશે; ઑફીસના, અને ઘરના, વાતાવરણથી ક્યારેક બ્રેક લેવો ગમતો હશે.
કેતકીની ડિલિવરીનો સમય નજીક આવતો ગયો તેમ, સુજીતનું બીજે ક્યાંયે જવાનું બંધ થઈ ગયું. કાંઈ પણ લાવવા-કરવાનું હોય તો એ વિશને કહી દેતો. વિશને એ ગમતું નહીં, પણ એની ફરિયાદ નંદા સુધી જ જતી. સુજીતની બધી બાબતની સલાહો, અને હંમેશના બૉસિન્ગથી, એ કંટાળ્યો હતો. સુજીતની સામે હજી એ બૉસ, બૉસ કરતો હોય, પણ ઑફીસમાં હવે એ સાવ જુનિયર નહતો રહ્યો.
બધું બહુ જલદી જલદી બની રહ્યું છે, જીવન બહુ ફાસ્ટ વીતી રહ્યું છે, એમ કેતકી વિચાર્યા કરતી. હમણાં કૉલૅજ, હમણાં લગ્ન, અમેરિકા, અને એટલાંમાં બાળક. કઈ રીતે રોકવી જીંદગીની ગતિને?, એની ખબર એને પડતી નહતી.
નિયત દિવસે, હૉસ્પિટલમાં સારી રીતે બાળકનો જન્મ થઈ ગયો. દીકરો થાય કે દીકરી, તુકી, આપણને તો સરખી જ ખુશી થવાની, ખરું કે નહીં?, સુજીત કહેતો. બંને વચ્ચે નામ વિષે થોડી વાત થઈ હતી, પણ નામ નક્કી થયું દીકરાના જન્મ પછી.
કેતકીને ‘ઇશાન’ નામનું મન હતું. સુજીતની ઇચ્છા હતી, કે પોતાના નામના પહેલા અક્શર પરથી દીકરાનું નામ પડે, તેથી ‘સચિન’ પસંદ થયું. એ પણ સારું નામ છે, એક નહીં ને બીજા દેવનું જ છેને, કેતકીને સંતોષ હતો. બાબાની આંખોનો રંગ ભૂખરો-લીલો નહતો, પણ રૂપાળો ક્યાં ઓછો હતો?
એ ઘેર ગઈ પછી, એક બપોરે, વામા બાબાને જોવા આવી હતી. ક્રિબની ઉપર લટકાવવાનું સરસ રંગીન રમકડું ભેટમાં લાવી હતી. કેતકીએ કહેલું, બસ હોં, વામા. દરેક વખતે નહીં લાવવાનું.
સારું, સારું. બાબાને મોટો તો થવા દે.
એ જ રીતે વિશ અને નંદા પણ, બહુ સરસ બેબી-બ્લૅન્કૅટ લઈને આવેલાં. આ તો સચિન બે-ત્રણ વર્ષનો થશે ત્યાં સુધી કામમાં આવશે, થૅન્ક્સ, સુજીતે કહેલું.
એણે ઘેર ખાસ ફોન જોડાવેલો, અને કેતકીને બધાં સાથે વાત કરાવડાવેલી. માઇ તો હરખનું એવું રડે, કે વાત ના કરી શક્યાં. દીજીએ કેતકીને સરખું જમવા પર ધ્યાન આપવાનું કહેલું. બાપ્સે ત્રણેયને આશિર્વાદ આપ્યા. ને દેવકી કહે, તુકી, તરત ફોટા પાડીને મોકલજે.
પોતાના કુટુંબમાં પણ ખબર પહોંચાડવાનો પ્રયત્ન સુજીતે કર્યો હતો. અમ્મા અને ફાધરને કાગળ લખ્યો, સાથે સચિનનો ફોટો બીડ્યો. રંજીતે સરનામું ક્યાં આપ્યું જ હતું? પણ સુજીતે એને નામે એક કવર કરીને ફાધરને ત્યાં મોકલી આપ્યું. કદાચ છે ને રંજીત સાથે હવે એમને સંપર્ક હોય. પ્રજીત તો કૅલિફૉર્નિયામાં હતો. એને ફોન કરીને જણાવ્યું હતું. બંને ભાઈઓને સારી એવી વાતો થઈ. કુટુંબ સાથે મળવા આવવાનું આમંત્રણ સુજીતે એને આપ્યું. સાંભળીને કેતકીને આનંદ થયેલો, કે આખરે કુટુંબીઓને મળાશે.
એનાથી હમણાં પાછું જૉબ પર જવાય તેમ હતું નહીં. પણ એણે છએક મહિના જૉબ કરી, એમાં તો ત્યાં બધાં એનાથી ખુશ થઈ ગયાં હતાં. મૅનૅજર અને બીજાં બે જણ એને મળવા પણ આવી ગયાં. સાથે બાબા માટે ભેટો પણ આવી.
કેતકીને ઊંડે સુધી એક નવા જ પ્રકારનો આનંદ થયો. અમેરિકાના જીવનમાં એની પોતાની એક જગ્યા થઈ હતી. સાવ નાના ટપકા જેવી જગ્યા, પણ એની પોતાની કહેવાય તેવી. એણે ઘરના આંગણાની બહાર, કોઈ એક માર્ગ પર, ડગ ભરવાની શરૂઆત કરી હતી.
બાળક થયા પછી કેતકીની ઓળખાણો વધતી ગઈ હતી. હૉસ્પિટલમાં નર્સો ઓળખે, બાબાગાડીમાં એને લઈને બહાર નીકળે તો લોકો બાબાને જોવા ઊભા રહે, બાગમાં તો એના જેવી ઘણી નવી મધર્સ આવી હોય. બધાં સહેલાઈથી વાતો કરવા માંડે.
ઉપરાંત, બિલ્ડિન્ગમાં પણ મોટી ઉંમરની બે-ત્રણ સ્ત્રીઓ સાથે એને ઓળખાણ થઈ. એમાંની સુઝન નામની એક સ્ત્રી પાસેથી એણે ગુંથણ શીખવા માંડ્યું. સુઝને જ કેતકીને દુકાનમાં લઈ જઈને ઊન અપાવેલું, તારા બાબાને સરસ લાગશે આ રંગ. કેતકીને હરખ થાય કે પોતાનું બનાવેલું સ્વેટર સચિન પહેરશે.
થોડા વખત પછી, બધાંને ફાવે તે રીતે પ્લાન કરીને, પ્રજીત અને પ્રજ્ઞા એમના બાબાને લઈને ખરેખર મળવા આવ્યાં. કેતકી અને પ્રજ્ઞા પહેલી વાર જ મળ્યાં, પણ બંનેને સારું ફાવી ગયું. બે ભાઈઓને પરણેલી એ સ્ત્રીઓને, ઘણી બાબતો સરખી લાગતી હતી. પ્રજ્ઞા કહે, બંને ભાઈઓ સરખા હોશિયાર છે, ને સરખા જિદ્દી છે. ખરું કે નહીં, ભાભી?
એમનો બાબો એવો તોફાની, કે ફ્લૅટમાં ધમાલ લાગ્યા કરે. સચિનની પાસે તો એને જવા જ ના દેવાય. એને ખેંચે, ચુંટલા ભરે. એક વાર એવું બનતું જોયું પછી, કેતકી ખાસ ધ્યાન રાખવા માંડી. એણે સુજીતને કહ્યું, કે બહુ દિવસ રહેવાનાં હશે, તો અઘરું પડશે.
પણ એ લોકો સાતેક દિવસ માટે જ આવેલાં, ને એમાંથી બે દિવસ તો નાયગરા ધોધ જોવા જઈ આવ્યાં. એક દિવસ સુજીત એમને ન્યૂયૉર્ક શહેર બતાવવા લઈ ગયો. બસ, હવે થાક્યાં, ભઈ. મારે હવે ક્યાંયે જવું નથી, પ્રજ્ઞાએ કહી દીધું.
એક વાર બંને ભાઈઓ બહાર ગયા. ગ્રોસરીનું શૉપિન્ગ કરવા, અને કોઈ દુકાનમાં પુરુષોનાં કપડાં પર સેલ ચાલતું હતું, તે જોવા. એમનો બાબો એ વખતે, વળી, ટૅલિવિઝન જોવા શાંત થઈને બેઠો હતો. ત્યારે પ્રજ્ઞા કહેવા માંડેલી, કે આ લોકોને વાતો મોટી મોટી કરવા જોઈએ છે, પણ અંદરથી એવું હોતું નથી.
કેમ આવું બોલે છે? શું મોટી ને ખોટી વાતો કરે છે પ્રજીતભાઈ?
ભાભી, એ ડૉક્ટર થયો, પણ માંડ માંડ. એ તો જાણો છો ને? પછી અહીં સતત નવા કોર્સ લેવા પડે, પરીક્ષાઓ પાસ કરવી પડે. એવું કશું કરવાની આળસ. આખરે હૉસ્પિટલમાંથી તો નીકળી જવું પડ્યું, ને એક ક્લિનિકમાં કામ કરે છે હમણાં તો.
કેતકી વિચારવા લાગી કે સુજીતની પ્રોફેશનલ પોઝીશન પણ કૈંક આવી જ નહતી? એણે કશું કહ્યું નહતું, પણ ઘણી વાર એ ચિડાયેલો ઘેર આવતો. વિશની સાથે ફોન પર લાંબી વાતો ચાલતી, તેમાં ઘણી ફરિયાદો જેવું સંભળાતું કેતકીને. સુજીતની જૉબ પર કશું ચાલતું હતું તે નક્કી, પણ એ ના જણાવે ત્યાં સુધી, પૂછ-પૂછ કરીને, કેતકી એને ગુસ્સે કરવા નહતી માગતી.
આવી જ રીતે ફરીથી એકલાં પડ્યાં, ત્યારે પ્રજ્ઞાએ કેતકીને પૂછ્યું, ભાભી, બાબાને બતાવવા ઇન્ડિયા ક્યારે જવાના છો?
કેતકીને મન તો ઘણું હતું – બાબાને બતાવવાનું, ઘેર બધાંને મળવાનું. પણ એ વિષે પણ કોઈ વાત સુજીત સાથે હજી થઈ નહતી. સચિન જરા મોટો થાય પછી જઈએ તો સારું ને, કેતકીએ છાવરતાં કહ્યું.
પણ ભાભી, બાબાના નામે જઈ જ આવો, એક વાર તો. ફરી જવાય કે ના જવાય. અમારે એવું જ છે ને.
પ્રજીત ને પ્રજ્ઞા ગયાં પછી, થોડા દિવસે કેતકીએ સુજીતને ઇન્ડિયા જઈ આવવા વિષે પૂછ્યું હતું. સુજીતે સમજાવ્યું કે મારી ઑફીસ તરફથી આપણા ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે, એ ખબર છે ને? એ હાથમાં આવે નહીં ત્યાં સુધી આ દેશની બહાર ના જવાય.
ને બાબો અહીં જન્મ્યો, એટલે અમેરિકન સિટિઝન થયો. એનાં મા-બાપ તરીકે આપણને પણ સિટિઝનશીપ મળતાં કોઈ તકલીફ નહીં થાય. જોકે, એ તો પછીની વાત છે. હમણાં તો ગ્રીન કાર્ડની રાહ જોવાની છે.
ગ્રીન કાર્ડ આવી જાય પછી આપણે ફરવા જ નહીં, પણ પાછાં જતાં રહીએ તો? તમે કહ્યું હતું ને, કે થોડાં વર્ષો માટે અમેરિકા જઈ આવીએ. કેતકીને યાદ હતું.
સુજીત બોલ્યો, પણ હજી પૂરતાં વર્ષો થયાં નથી અહીં. કામ કરીએ, કૈંક ભેગું થાય, પછી જ પાછાં જવાય ને? મારે ખાલી હાથે નથી જવું. હું પાછો જઈશ તો, પૂરતી લક્ઝરીમાં રહી શકાય તેમ જઈશ. નહીં તો નહીં.
(વધુ આવતા સોમવારે)
મજાની નવલકથા-‘ગ્રીન કાર્ડ આવી જાય પછી આપણે ફરવા જ નહીં, પણ પાછાં જતાં રહીએ તો? તમે કહ્યું હતું ને, કે થોડાં વર્ષો માટે અમેરિકા જઈ આવીએ. કેતકીને યાદ હતું.
સુજીત બોલ્યો, પણ હજી પૂરતાં વર્ષો થયાં નથી અહીં. કામ કરીએ, કૈંક ભેગું થાય, પછી જ પાછાં જવાય ને? ‘ યાદ આવી અમારા જેવા અનેકોની કશ્મકશ.
LikeLike