પ્રાર્થનાને પત્ર – (૧૦૮)
પ્રિય પ્રાર્થના,
અહીં ફેબ્રુઆરીમાં ઠંડી જુની મ્યુનિસિપાલિટીની લાઈટની માફક આવ-જા કરે છે. હવામાં વેલેન્ટાઈનની ગુંજ છે, જો કે એક અજાણી ચિંતાની લહેર પર કોરોનાવાઈરસ સવાર છે. સવારે ઠંડી હોય અને ‘મોર્નિંગ વૉક’ પુરી થાય એ પહેલાં તો ઉનાળો આવી ગયો હોય તેવી ગરમી લાગવા માંડે.
અહીં અમદાવાદમાં એક સ-રસ ઘટના બની. એલડી એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓએ આ વર્ષે પણ ‘સાહિત્ય-સરિતા’ એવો સાહિત્યમેળાવડો યોજ્યો. વિચાર કરો કે જે કાર્યક્રમ ‘ભાષા સાહિત્યભવન’ કે કોઇ સાહિત્યિક સંસ્થાઓએ યોજવો જોઇએ એ કાર્યક્રમ એલડી એન્જિનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ યોજ્યો. બે દિવસ સાહિત્યની ગોષ્ઠી, શબ્દ ઉપાસકોની સાથે બેસી કશુંક પામવાનું, આનંદ કરવાનો. સ્વયંસેવકોને માટે કલર-થીમ, બધા ભાઇઓ લાલ ઝભ્ભામાં અને બહેનો પીળા ડ્રેસમાં. આ એનું ચોંથું વર્ષ હતું, પણ એક પ્રકારની બ્રાન્ડ તરીકે વિકસી રહ્યો છે આ કાર્યક્રમ. મને મઝા આવી, મારે ઉદઘાટનમાં અમદાવાદના મેયર બીજલબેન પટેલ સાથે રહેવાનું હતું. ગુજરાત યુનિવર્સિટી અને નવરંગપુરાના આ વિસ્તારની સવાર એટલે ધમધમાટ ઓછો. વૃક્ષોમાંથી ચળાઇને આવતો તડકો ઠંડી ઉડાડવા અપુરતો લાગે, પણ આખા વિસ્તારમાં યુવાનોની એક પ્રકારની એનર્જીનો અનુભવ થાય. એલડીનું કેમ્પસ પહોળું, મંડપને લીધે થોડું મઘમઘતું લાગે. સાહિત્યસરિતાના સરસ બેનર્સને કારણે પ્રસંગની એક ગરિમા પણ છલકાતી હતી. આ કોલેજના આચાર્ય ડૉ.રાજુલ ગજ્જર અને પ્રો.સંઘવી ત્રણેય વર્ષથી મળે છે, ‘છોકરાઓ શીખે છે અને આપ પ્રોત્સાહન આપો છો’ એવા અહોભાવથી સ્વાગત કર્યું, ધ્રુવ અને ધનિક ગોહિલ જેવા વિદ્યાર્થીઓ હાજર જ હોય. જિજ્ઞાસુ આંખો સાથે સ્વાગત કરતી કૉલેજ યુવતીઓ બધી કાળજી રાખતી. આ બધું એટલા માટે યાદ કરું છું કે આવા ‘ઇવેન્ટ’માંથી આ યુવાનો કેટલું શીખી રહ્યા હતા. ક્યાંય ‘કરવું પડે છે માટે કરીએ છીએ’ એવો ભાવ જોવા ના મળ્યો.
મારી સાથે સહ-વક્તા તરીકે રાધા મહેતા હતી. રાધા જુનાગઢની સંસ્કૃતની વિદ્યાર્થીનિ છે, જે આજકાલ પૂણેમાં માસ્ટર્સ કરી રહી છે. નાનપણથી એક વક્તા તરીકે સારી ખ્યાતિ પામી છે, અમારે બન્નેએ મળી સંસ્કૃતનો મહિમા કરવાનો હતો. એટલે વિષય આવો નક્કી કરેલો, संस्कृति: संस्कृतमाश्रिता’ . બે કલાકનું સત્ર હતું. પહેલું પ્રારંભનું નિવેદન મેં કર્યું. ભારતમાં પ્રત્યેક સ્થળે અને જીવનના પ્રત્યેક પડાવે સંસ્કૃતનો મહિમા અને મુળ જોવા મળે છે. બધાના નામમાં સંસ્કૃત ધબકે છે, નગરના નામોના ઇતિહાસમાં ક્યાંકને ક્યાંક સંસ્કૃતનો ધબકાર છે, ભારતીય ભાષાઓ આજે પણ સંસ્કૃત સાહિત્યમાંથી સિંચન પામે છે. બધી ધાર્મિક અને સામાજિક વિધિઓ સંસ્કૃતમાં જ થાય છે. પણ સંસ્કૃત માત્ર ધર્મ અને અધ્યાત્મની ભાષા નથી, એ તો રાજવિદ્યાની અધિષ્ઠાત્રી છે, એની સ્રોતસ્વિની પ્રભામાં જ જગતનાં કેટલાક મહાકાવ્યોનો જન્મ થયો છે, એના વ્યાકરણે મનુષ્યચેતનાની મજ્જુરચનાને ધ્યાનમાં રાખીને આખું એક વિશ્વ રચ્યું છે. ક્યાંક આયુર્વેદે સ્વસ્થ જીવનની ચાવી આપી છે, તો યુધ્ધવિદ્યા અને રાજનીતિશાસ્ત્રના સુત્રોએ સત્તા અને સંઘર્ષના મુળભૂત સિધ્ધાંતોની માંડણી કરી છે. જ્યોતિષશાસ્ત્રે ખગોળ અને મનુષ્યના રહસ્યમય ભવિષ્યજ્ઞાનને પણ ઉજાગર કર્યું છે.રસાયણશાસ્ત્ર અને ગણિતના મુળસિધ્ધાંતોની ચર્ચા પણ દેખાય છે મુળભૂત ગ્રંથોમાં, તો ક્યાંક મનોચિકિત્સાની સમજના મુળાક્ષરો ઉપસી આવે છે સંસ્કૃતના વિશાળ જ્ઞાનસાગરમાં… અને, હા, મનુષ્યની સર્જકતાના ગૌરીશિખર સમા કાવ્યો અને સાહિત્યનું એક વિશાળ આકાશ ઉઘડે છે.
સંસ્કૃત સાહિત્ય જેમ જેમ વાંચીએ છીએ, ફરી ફરી વાંચીએ છીએ ત્યારે ત્યારે એક પ્રકારની ધન્યતાનો અનુભવ થાય છે. તરબતર થઈ જવાય છે, ગંગાના પ્રવાહની જેમ વહેતી ભાષા કેવી કેવી જુદી જુદી છટામાં માનવવર્તન અને ઉર્મિનર્તનને પ્રગટ કરે છે. કાલિદાસ, ભવભૂતિ અને ભાસ કે માઘ અને દંડી જેવા સર્જકોની સર્ગશક્તિથી નીખરેલું સંસ્કૃતસૌંદર્ય એ વર્ણન કરતાં માણવાનું ક્ષેત્ર છે. કલિદાસનું એક ઉદાહરણ તો જીવનભર કેવું સંવેદન જગવી ગયું… ! કન્યાને વિદાય આપવાની ક્ષણ.. પોતે તો પાલક પિતા છે છતાં જે તીવ્ર વેદના અનુભવે છે તો સાચા સંસારી પિતા જ્યારે કન્યાને વિદાય આપતા હશે ત્યારે એમના હ્રદયને શું થતું હશે.. કાલિદાસ અહીં પ્રકૃતિ સાથેના ભારતીયતાના પ્રાચીન સંબંધોને અદભુત રીતે રજુ કરે છે, ” હે આશ્રમના વૃક્ષો, જુઓ, આ શકુન્તલા જે તમને પાણી પાયા સિવાય પોતે પાણી પીતી નહોતી, જેને વનસ્પતિના અલંકરણો ખુબ જ પ્રિય હોવા છતાં એક પાન [ પાંદડું] પણ તોડતી નહોતી અને જેને મન એક પુષ્પનું ખીલવું [ કુસુમપ્રસૂતિસમયે] એક ઉત્સવ હતો, તેવી શકુંતલા પતિગૃહે જઈ રહી છે, આપ સૌ એને અનુજ્ઞા આપો.’. આ કન્યાવિદાયની આદ્ર અભિવ્યક્તિ સંસ્કૃત સાહિત્યમાં આવતા પ્રકૃતિવર્ણન અને એની અસરકર્તાનું ઉત્તમ ઉદાહરણ છે.
અમે આખી સંસ્કૃતિ અને અસ્તિત્ત્વની ભારતીય સમજણને ત્રણ ભાગમાં વહેંચી, સત્યં, શિવં સુન્દરમ.. સુન્દરની અભિયક્તિ સાહિત્ય થકી કરવામાં આવી છે. જગતને જોવાની સંસ્કૃત કવિઓની કલાદ્રષ્ટિએ પ્રજાની સંવેદનશીલતાને એક તરફ સિંચી છે તો બીજી તરફ ભાષાની અપ્રતિમ ક્ષમતાને પ્રગટ કરી છે. કાલિદાસનું જ એક ઉદાહરણ આપતાં મેં કાલિદાસની એક ચિત્રકારસમું વર્ણન રજુ કર્યું. શિવ સમાધિમાં બેઠા છે, ત્યારે ‘સૌ ચુપ રહો એમ કહીને નન્દી બધાને નાક પર આંગળી મુકીને ચુપ કરે છે. પછી કવિ કહે છે, ‘ નિસ્પંદ વૃક્ષો, શાંત પડેલા ભમરાઓ, ચુપ થઈ ગયેલા પક્ષીઓ, સ્થિર થઈ ગયેલા પશુઓ…. એવું લાગે છે જાણે વન આખું ચિત્ર દોરેલું હોય એમ લાગવા લાગ્યું. ” રાધાએ બહુ છણાવટપૂર્વક કાલિદાસ અને ભાસની વાત કરી. દ્રશ્યો રચવાની સંસ્કૃતકવિઓની અલૌકિક શક્તિ અને ભાષાનો શ્રેષ્ઠતમ વિનિયોગ આખી માનવસભ્યતાને કેવી ઉંચાઈ આપી શકે છે તેના અનેકાનેક ઉદાહરણો સંસ્કૃતસાહિત્યમાં જોવા મળે છે.
અમે અસ્ખલિત રીતે બે-અઢી કલાક બોલ્યા અને પ્રશ્નોના ઉત્તર આપ્યા એનો અત્યંત આનંદ અને સંતોષ છે. ભગવાન હજી વધું શક્તિ આપે એવી પ્રાર્થના…
બાકી બધું બરાબર છે, વધુ આવતા સપ્તાહે…
ખુબ ખુબ શુભાશિષ,,,
ભાગ્યેશ,
જય જય ગરવી ગુજરાત.
**********************************************************************
પ્રાર્થનાને પત્રો…(૧૦૯)
પ્રિય પ્રાર્થના,
વસંત જેવું કશું ટક્યું નથી. કોઇ ફિલ્મની શરુઆતમાં જ કો’ક અગત્યના પાત્રનું ખૂન થઈ જાય તેવી રીતે શિયાળાની પછીતે વસંતને ધક્કો મારીને ઉનાળો ઘુસી ગયો છે. સવારે ઠંડી અને બપોરે ઉનાળાના દૂતો ફરતા હોય. જાણે કોઇ મહાસત્તાના પ્રમુખ આવવાના હોય અને તપાસ કરવા આવ્યા હોય એમ ઝાડના ખિસ્સામાં હાથ નાંખીને ઉભા હોય. છોકરાઓને વેકેશન હોય અને બધા રમતા હોય એવું આંગણે ઉભેલા ફેબ્રુઆરીનું નસીબ નથી. વસંતની સુવાસ અલ્પજીવી રહી. મોગરાનું કાવ્ય અડધેથી ઓલવાઇ ગયું. ગુલાબ લગ્નોના વરઘોડામાં મહાલવા નીકળેલા જોયા ત્યારે પેટ્રોમેક્ષના અજવાળા પર પડતી ચાંદનીના ચકરડાં જોયા તે યાદ આવ્યું. મને અંગત રીતે બહુ મઝા આવી રહી છે, આ ઉંમરનો તરબતર તબક્કો છે. એક બાજુ મિત્રોની રસસભર ટોળી મળી છે, તો વિશ્વસાહિત્યનું એક મઘમઘતું ઉપવન મળી ગયું છે.
હમણાં મઝા આવી અમારી મોર્નિંગ વૉકર્સની ટોળી જેને અમે કલરવ-પરિવાર કહીએ છીએ. બધા પરિવાર સાથે બાલાસિનોર ડાયનાસોર થીમ પાર્ક જોવા અને ડૉ અમિત પટેલ અને ડૉ જાસ્મિનની મહેમાનગતિ પણ માણી.
તું જાણે છે, સંબંધોની મધુરપ ઉંડાણથી આવે છે, એની ઘનિષ્ઠતા ચંદનની જેમ સુવાસિત કરે. આ અમિત અને જાસ્મિન, એમની સાથેની મૈત્રીને એકવીસ વર્ષ થયા. તે દિવસે 98-99માં હું બાલાશિનોર ખેડાના કલેક્ટર તરીકે ગયેલો. કલેક્ટર તરીકેનો અનુભવ ઓછો હતો, પણ પ્રયોગશીલતા ભારોભાર હતી. હજી તો રાજકીય ક્ષિતિજે અન્ના હજારેનું નામ પણ એવું નહોતું સંભળાતું જેમણે ‘સીટીજન ચાર્ટર’ની માંગણી કરેલી. ગુજરાતનું પહેલું ‘સીટીજન ચાર્ટર’ અમે તૈયાર કરેલું, જેનો ડ્રાફ્ટ પધ્ધતિસર રીતે નાગરિકોની સભામાં મંજુર કરાવેલો. કેવા દિવસો હતા ! ડૉ.કે.ડી.જેસવાણી નદિયાદના સાંસદ હતા, દિનશા ધારાસભ્ય અને અનેક એન.આર.આઈ મિત્રોની સહાય લીધેલી. બ્રિટન અને અમેરિકાના પ્રગટ અને પ્રખ્યાત સીટીજન ચાર્ટરની પેટર્ન પર આખી મોટી કવાયત કરેલી. પણ મઝા તો હવે આવે છે, આ મુસદ્દો લઈને હું તત્કાલિન મુખ્યમંત્રીશ્રી કેશુભાઇ પટેલ પાસે ગયો. આખું ‘ઇનોવેશન’, એની તૈયાર કરવાની પ્રક્રિયા અને લોકાભિમુખતા જોઇને એ એક વાક્ય બોલ્યા, મારા મનમાં કોતરાઈ ગયું. મુળમાં હું એમને આમંત્રણ આપીને આ નાગરિક-અધિકાર-પત્રનું લોકાર્પણ કરવાનો આગ્રહ કરવાનો હતો, ત્યાં જ એમણે કહ્યું, “ભાગ્યેશભાઇ, તમે અહીંથી જ પાછા જાવ. કોઇ ઔપચારિકતાની જરૂર નથી, હું આખી કેબિનેટ લઈને બારમી-ઓક્ટોબર-અઠ્ઠાણું ના રોજ આવું છું. એક ભવ્ય કાર્યક્રમની તૈયારી કરો… !” નડિયાદના અનેક પ્રસંગોને કારણે મને મારી નવી શૈલીથી વહીવટીનેતૃત્ત્વ આપવાની પ્રયોગશીલતા અને આત્મવિશ્વાસના પાયા નંખાણા છે. મને ખબર નથી કેટલા લોકોને આ બધું યાદ હશે, પણ કેટલાક કર્મઠ અને મર્મઠ લોકો સાથે બેઠા હોઇએ અને આ બ્ધું યાદ કરીએ છીએ ત્યારે મન રોમાંચિત થઈ ઉઠે છે.નડિયાદના દિવસોની વાત ક્યારેક નિરાંતે કરીશું, પણ અત્યારે તો અમિત-જાસ્મિનના પ્રથમ પરિચયની એક ઝાંખી માત્ર જ ! અમિતના પિતા ડૉ. પ્રભુદાસભાઇ પણ એક અદભુત વ્યક્તિત્ત્વ, એક બાહોશ ડૉક્ટર અને બાલાશિનોરના એક સન્માન્ય સજ્જન.. મઝા આવી, એમની સાથે અને એમના પત્ની મુક્તાબા સાથે. એક ચરોતરના પટેલની આભિજાત્ય ગરિમા અને શિક્ષણનો સરવાળો એટલે આ પરિવાર… છ ગામની લાક્ષણિક દ્રઢતા, આતિથ્ય અને મૈત્રી માટેની મોકળાશ. એ પછી અમિત-જાસ્મિન સાથે દોસ્તી થઈ, અને પાક્કી થઈ વડોદરામાં, સીમેન્ટાઈ ગાંધીનગરમાં, આજે તો એ બન્ને જણ આપણા પરિવારના સભ્યો છે તે તું જાણે છે… એક સરસ ‘ઇમોશનલ-જર્ની’ છે, આ બન્નેની આપણી સાથેની,.. પણ એની વાત તો આત્મકથામાં કોઇ યાદપોથીના પાને લખીશ. એટલું જ કહીશ, ‘ આ અજા[અમિત-જાસ્મિને] એ અમને એક વડીલ અને એક મિત્ર તરીકે અદભુત સ્નેહ આપ્યો છે, જે આજના સમયમાં બેજોડ અને દુર્લભ છે’.
હા, તો અમારી કલરવ ટોળી બાલાશિનોર પહોંચે છે. જ્યાં રૈયોલી ગામના ગોંદરે થોડા ડાયનાસોરના ઇંડા મળ્યા હતા તે જગા આજે તો આંતરરાષ્ટ્રીય પ્રવાસનસ્થળ બની ગયું છે. અદભુત ઇકો-સીસ્ટમ સાથે વિકસાવેલા નિદર્શનો અને ચિત્રાવલીઓ અને ડાયનોસોરની પ્રતિકૃતિઓ એક વાતાવરણ ઉભું કરે છે. આખી ઇમારતની ડિઝાઈન અને એમાં ઉભા કરેલા વૃક્ષ-વેલાઓના શાખાવિન્યાસે મારું મન હરી લીધું. બાલશિનોરના નવાબ સાહેબની રાજકુમારી આલિયા એક ઓલિયાની જેમ આ થીમ-પાર્કને વિકસાવવામાં લાગેલી છે તે જોઇ-જાણી આનંદ થયો. આપણા પૂર્વજો તો ના કહેવાય પણ પૃથ્વીવાસી આ પ્રચંડ ગરોળીઓની જાતિ-પ્રજાતિઓનું એક વૈશ્વિક કક્ષાનું કહી શકાય એવું આ પ્રદર્શન છે, તું અહીં આવે ત્યારે બે-ત્રણ કલાક જવું જોઇએ એવી મારી ભલામણ છે.
અને અમારું કલરવ ગ્રુપ હોય એટલે આનંદ મંગળ તો હોય જ.. સતત હાસ્યની છોળો ઉડતી હોય.. એક પછી એક કાતિલ કૉમેન્ટસ આવતી હોય. એકબીજાને ટારગેટ બનાવી હસવાનું એ જ અમારી રીતરસમ… એના વિશે તો આખું પુસ્તક કરવું પડે..
આજે બસ,
આટલું જ…
ભાગ્યેશ,
જય જય ગરવી ગુજરાત.
ખુબ સરસ લખાણ અને વિચાર વાત.
સરયૂ પરીખ.
LikeLike
મા ભાગ્યેશ જહાનો પત્ર ૧૦૮મા કાલિદાસ, ભવભૂતિ, માઘ, દંડી, બાણભટ્ટ, ભારવિ, ભાસ સંસ્કૃત સાહિત્યના કાલજયી સર્જકો અંગે સુંદર વાત
અને
૧૦૯મા કલરવ ગ્રુપ હોય એટલે આનંદ મંગળ તો હોય જ.. સતત હાસ્યની છોળો ઉડતી હોય.
વાતે મઝા
LikeLike