આપણી વાર્તાનો વૈભવ – “લતા શું બોલે?” -ગુલાબદાસ બ્રોકર


ગુલાબદાસ બ્રોકર

(પરિચયઃ આજે હું ૫૦ વર્ષો જૂના, મારા પત્રોનો ખજાનો ખોલીને બેઠી અને મારા હાથમાં, ૧૯૭૯, ઓક્ટોબરની ૨૮મીએ, મારા પત્રના જવાબમાં ટૂંકી વાર્તા લખવામાં મને માર્ગદર્શન આપનારા મારા ગુરુ, આદરણીય, સ્વ. શ્રી ગુલાબદાસભાઈ બ્રોકરનો લખેલો પત્ર આવ્યો. એ સાથે કેટલાયે સ્મરણો તાજાં થઈ આવ્યાં!. એમણે મારા પત્રોના જવાબો હંમેશ જ આપ્યા હતા. અનેક વખત હું એમની સાથે અહીં મેં વાંચેલી કૃતિઓની ચર્ચા આ પત્રોમાં કરતી અને ખૂબ જ સ્નેહથી તેઓ મને વાંચનક્રિયામાં પ્રોત્સાહિત કરતા રહેતા. સૌમ્ય અને પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ પણ આવકાર આપતું સ્મિત એમના મુખ પર સદાયે રહેતું. મારી પાસે એમના લગભગ ચાલીસેક પત્રો હજુયે વિનુએ બનાવેલી ફાઈલમાં અકબંધ પડ્યા છે.
“એમની ‘લતા શું બોલે ?’ આ વાર્તાના વિષય અને રીતિએ ગુજ્જરાતી સાહિત્યમાં અનોખી ભાત પાડી તેથી એમની પ્રતિષ્ઠા થઈ. ‘લતા અને બીજી વાતો’ (૧૯૩૮), ‘વસુંધરા અને બીજી વાતો’ (૧૯૪૧), ‘ઊભી વાટે’ (૧૯૪૪), ‘સૂર્યા’ (૧૯૫૦), ‘માણસનાં મન’ (૧૯૬૨), ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૫૭), ‘ભીતરનાં જીવન’ (૧૯૬૭) અને ‘પ્રેમ પદારથ’ (૧૯૭૪) એમના વાર્તાસંગ્રહો છે. એમની ‘ગુલામદીન ગાડીવાળો’, ‘નીલીનું ભૂત’, ‘સુરભિ’, ‘બા’, ‘પ્રેમ પદારથ’ વગેરે વાર્તાઓ શ્રેષ્ઠ કલાત્મક અભિવ્યક્તિ તેમ જ જીવનકાર્યને લીધે નોંધપાત્ર બની છે. માણસોની ભાવસૃષ્ટિ અને મનોમંથનને ખૂબ જ સલુકાઈથી અને સહજ રીતે રજુ કરવાની એમનામાં અદભૂત સૂઝ હતી પન એમાં ક્યારેય વિદ્વતતાનો ભાર વર્તાય નહીં. એમની વાર્તાના સંવાદો વાચકોને જકડી રાખે અને હ્રદય સોંસરવા ઉતરી જાય એવા છે. આજે પણ એમના જેવા વાર્તાના સંવાદો ભાગ્યે જ જોવા મળે છે. વિષય વૈવિધ્યનું ફલક પણ વિશાળ. એમણે નાટકો, એકાંકીઓ, કાવ્યો, પ્રવાસવર્ણનો, વિવેચનો અને અનુવાદો પણ સર્જ્યા છે. અહીં એમની બહુચર્ચિત અને એ સમય માટે “બોલ્ડ” કહેવાય એવી વાર્તા, “લતા શું બોલે“ મૂકતાં આનંદ અનુભવું છું. એમના ઋણનો અહીં એમને અશ્રુભરી અંજલિ આપીને સ્વીકાર કરું છું.) 

લતા શું બોલે ~ ગુલાબદાસ બ્રોકર

સુરેશ અને નિરંજન બાળપણથી જ મિત્રો હતા. બંને સાથે જ રમ્યા હતા. અને સાથે જ ભણ્યા હતા. કૉલેજમાંથી પણ બંને સાથે પસાર થયા હતા. છતાં એટલાં બધાં વર્ષોનાં સતત પરિચયે પણ તેમની મૈત્રીમાં અવજ્ઞા પેદા નહોતી કરી. બંનેને અનેક સંબંધો બંધાયા હતા, જુદા જુદા વિષયોના રસને લઈને બંને જુદાં જુદાં મંડળોમાં પણ ભળ્યા હતા, પરંતુ તેમનો એકબીજાનો પ્રેમ જરા પણ ઓછો નહોતો થયો.

બેએક વર્ષ પહેલાં સુરેશનાં લતા સાથે લગ્ન થયાં. લતા એક સંસ્કારી છોકરી હતી. છસાત ચોપડી અંગ્રેજીનો તેણે અભ્યાસ કર્યો હતો. સંગીત સારું જાણતી. કંઠ મીઠો હતો. બધી સ્ત્રીઓ અતિ સુંદર ન હોય ને લતા પણ અતિ સુંદર તો નહોતી જ, પણ તેનામાં આકર્ષણ અદ્ભુત હતું. તેનો સુંદર અંગમરોડ, તેના સ્મિતનું લાલિત્ય અને નયનની ચપળતા ગમે તેને આકર્ષવા શક્તિમાન હતાં.

લતા મળતાવડી પણ બહુ જ હતી. બંને મિત્રોમાં તે ખૂબ જ ભળી ગઈ. તે લોકોને પોતાની મૈત્રીનું વર્તુળ જરા પહોળું કરવું પડ્યું અને લતાને તેમાં સમાવવી પડી. હવે તે બે મટી ત્રણ મિત્રો બન્યાં.

ત્રણે સાથે જ ફરતાં, સિનેમાઓ સાથે જોતાં અને ચર્ચાઓ પણ સાથે જ કરતાં.

નિરંજન સાહિત્યરસિક હતો. તેણે ખૂબ સાહિત્ય વાંચ્યું હતું. દેશ-દેશના સાહિત્યકારોએ સર્જેલું સૌંદર્ય તેણે માણ્યું હતું. અને જેમ દરેક સાહિત્યરસિકને હોય છે તેમ તેને પણ સરસ લેખકોની સુંદર કૃતિઓનો રસ પોતે પી બીજાને પાવાનો શોખ હતો. કોઈ સુંદર નવલકથા, ટૂંકી વાર્તા કે કાવ્ય પોતે વાંચ્યું હોય તેનું વર્ણન તે સુરેશ અને લતા પાસે કરે જ અને તેમને પણ અનુભવેલા રસના ભાગીદારો બનાવે. સુરેશ પણ રસિક હતો; આ બધું સમજી શકતો; પરંતુ તેને વધુ રસ વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિષયોમાં આવતો. કોઈ કોઈ વાર તે નિરંજનને આ બધા કલ્પનાના વિહારોના વિષયોમાંથી મુક્તિ મેળવી વિજ્ઞાન વિશે માહિતી મેળવવા ખૂબ સમજાવતો; પણ પેલાને તો સમર્થ સાહિત્યકારોએ કરેલાં માનવસ્વભાવનાં નિરીક્ષણ અને નિરૂપણમાં એટલો રસ આવતો કે વૈજ્ઞાનિક વિષયમાં ઊંડા ઊતરવાની તેને હોંશ જ પેદા નહોતી થતી. આવી ચર્ચાઓ વખતે લતા અચૂક નિરંજનનો પક્ષ ખેંચતી.

વિજ્ઞાન જેવા સૂકા, લૂખા વિષયમાં કોઈ રસ કેમ લઈ શકતું હશે તેનો ખ્યાલ જ લતાને નહોતો આવતો. અને સાહિત્ય તો તેને પહેલેથી જ ગમતું હતું. પણ સાત ચોપડી બિચારી ભણી હોય, છોકરી જન્મી એટલે ઘેર કામકાજ કરવામાં પણ અમુક સમય વ્યતીત કરવો પડેલો હોય, તેમાં તેણે સાહિત્ય કેટલું વાંચ્યું હોય? પોતાની ચોપડીમાં આવેલાં મોટા મોટા લેખકોનાં અવતરણો તેણે વાંચ્યાં હોય, બહુ બહુ તો એકાદ શિક્ષિકાએ ખાસ ભલામણ કરેલી બેચાર જૂના લેખકોની ચોપડીઓ વાંચી હોય, અને ગુજરાતી સાહિત્યની ચોપડીઓ મળી શકી હોય તેટલી વાંચી લીધી હોય. તેમાં નિરંજન આવી જગતસાહિત્યની વાતો કરે; માનવસમાજના અને માનવસ્વભાવના અણઉકેલાયા કોયડાયે કેવી રીતે ઉકેલાઈ રહ્યા છે તે પોતાની રસપ્રદ શૈલીથી વર્ણવે; લતાનાં ભણવાનાં પુસ્તકોમાં કે તેણે વાંચેલાં કલાપી વગેરેનાં કાવ્યોમાં ક્યાંય પણ દેખા ન દીધી હોય તેવી કવિતાસમૃદ્ધિની વિકાસકથા કહી બતાવે. આ બધામાં તેને રસ કેમ ન પડે? છેલ્લાં બેએક વર્ષમાં નિરંજનના સહવાસથી કંઈક વાંચતાં પણ તે શીખી હતી, અને મુનશી કે રમણલાલ કરતાં સારા વાર્તાલેખકો દુનિયામાં સેંકડોને હિસાબે પડ્યા છે તેનું જ્ઞાન પણ તેને થવા માંડ્યું હતું અને આ બધા માટે તેણે નિરંજનનો જ ઉપકાર માનવાનો હતો. પછી તે સુરેશ અને નિરંજન વચ્ચેની ચર્ચામાં નિરંજનનો જ પક્ષ ખેંચે તેમાં નવાઈ શી?

લતા સુરેશને ખૂબ ચાહતી. આવો પતિ પોતાને મળ્યો તે પોતાનું અહોભાગ્ય માનતી. સુરેશ ભણેલો હતો. સંસ્કારી હતો, રસિક હતો. અત્યારના સ્ત્રીસ્વાતંત્ર્ય વગેરેના વિચારો તે પચાવી ગયો હતો અને લતાને દરેક વાતની છૂટ આપતો. તે ગમે તેની સાથે હરેફરે, બોલે, હસે તેમાં તે કંઈ પણ વાંધો નહોતો લેતો કે વહેમ નહોતો દાખવતો. લતા તેની ભલમનસાઈનો દુરુપયોગ કરે તેવી ક્યાં હતી? સુરેશ શરીરે પણ સારો હતો અને ધંધામાં પણ ઠીક ઠીક પ્રગતિ કરી રહ્યો હતો. લતા અને સુરેશ વચ્ચે સ્વભાવ અને સંસ્કારનો પણ સુમેળ હતો, પછી લતા સુરેશને કેમ ન ચાહે?

છતાં કોઈ કોઈ વાર લતાને લાગતું કે નિરંજનમાં કંઈક એવું હતું જે સુરેશમાં નહોતું. તે કાંઈક શું હતું તે પોતે પણ કહી નહોતી શકતી. નિરંજનની વાતો દ્વારા જે ઊંચા રસપ્રદેશમાં વિહાર કરવાનું મળતું તે સુરેશની વાતોમાંથી નહોતું મળતું. નિરંજનની કાવ્યપ્રિયતા સુરેશની વિજ્ઞાનપ્રિયતા કરતાં વધારે રસમય નહોતી? આવા આવા વિચારો લતાના મગજમાં આવતા અને પસાર થઈ જતા. એ વિચારો આવતાં જ તે પોતાને દોષિત માનતી અને તેવા વિચારો દૂર કરવા પ્રયત્ન કરતી. પરંતુ જ્યારે જ્યારે કોઈ સુંદર કાવ્ય ચર્ચાતું હોય, નિરંજન તે કાવ્યના રસ સાથે તન્મય બની કવિતા ઉકેલતો હોય ત્યારે લતા તેની સામે જ જોઈ રહેતી. તે પોતે પણ નહોતી જાણતી કે એવી લાગણીઓનો અર્થ શો? નિરંજન કે સુરેશ તો જાણે જ ક્યાંથી?

નિરંજનને પણ લતા સાથે બહુ ગોઠતું. તે તેની પ્રિય શિષ્યા બની હતી. ઘણી વખત સુરેશ નિરંજનની મશ્કરી કરતો. તેણે બહુ વખાણેલા કોઈ કોઈ કાવ્યને અને તેના ભાવોને તે વેવલા કહેતો. ચર્ચા વખતે પણ સાહિત્યસેવીઓના વ્યાવહારિક અજ્ઞાન વિશે ટીકા કરતો. અને કોઈ કોઈ વાર મોજ મેળવવાની ખાતર પણ તે નિરંજનને પજવતો. લતા આમાંનું કશું નહોતી કરતી. તેને મન નિરંજનના સાહિત્યવિષયક અભિપ્રાયો છેવટના લાગતા. તેને વિશે તે દલીલ નહોતી કરતી અને કોઈ કોઈ વાર તેને લાગતું કે પોતાનું અજ્ઞાન છુપાવવા સુરેશ નિરંજનની મશ્કરી કરી તેને ઉડાવી દેવા માગે છે. કોઈક વાર જ આમ લાગતું, પણ લાગતું તો ખરું જ. કોઈ વાર સુરેશને ઑફિસેથી આવતાં મોડું થયું હોય અને નિરંજન ત્યાં આવ્યો હોય ત્યારે લતા અને તે કાવ્યો સંબંધી જ વાતો કરતાં અને કોઈ કોઈ વાર સાથે કાવ્યો પણ વાંચતાં.

મનુષ્યમાં મિથ્યાભિમાન ઘણું હોય છે. કોઈ આપણને વિદ્વાન માને તો આપણે – આપણે જાણતાં હોઈએ કે આપણે વિદ્વાન નથી છતાં – ખૂબ આનંદમાં આવી જઈએ છીએ. લતાના અભિપ્રાયો દ્વારા નિરંજનનું અભિમાન પોષાતું. તેને પણ કોઈ વાર લાગતું કે સુરેશ જાણીજોઈને આડાઈ કરે છે.

કાવ્ય સમજાવતો હોય ત્યારે શિક્ષક શિષ્યોના મોં સામું જોઈ રહે છે. જો તેમાંથી તેને ઉત્તેજન મળે, સમજવાની અધીરાઈ અને ઉત્સાહ દેખાય, તો પોતે પ્રોત્સાહિત બની વધારે રસથી તે કાવ્ય સમજાવી શકે છે. નિરંજન પણ ઘણી વખત સુરેશ અને લતા પાસે કાવ્ય વાંચતો હોય ત્યારે તેમની સામે જોઈ રહેતો. લતાના ચહેરામાં તેને તે કાવ્ય સમજવાનો, તેના રસમાં ડૂબી જવાનો અવર્ણનીય તલસાટ દેખાતો, અને તે તેની સામે જ જોઈ રહેતો. કોઈક વાર ઓચિંતાં જ તેને થઈ જતું કે આમ જોઈ રહેવામાં કોઈ શિક્ષકની શિષ્ય-શિષ્યાનો રસ માપવાની તટસ્થ વૃત્તિ જ હશે કે બીજું કાંઈ? સમજ નહોતી પડતી. તે ક્ષોભ પામી નજર પાછી ખેંચી લેતો, પણ પાછા અજાણતાં પણ નજર ત્યાં ચોંટી જ હોય.

બંને નિર્દોષ હતાં. બંને સુરેશ તરફના પ્રેમથી રક્ષાયેલાં હતાં. છતાં કોઈ કોઈ વખત બંને એકલાં બેઠાં હોય ત્યારે બંનેને એકબીજાની બીક લાગતી.

સુરેશ અને નિરંજનનો એક મિત્ર લાંબા વખતથી બહારગામ રહેતો હતો. આજે સવારે તે આવવાનો હતો. સ્ટેશને છએક વાગ્યા પહેલાં પહોંચવું જોઈએ. રાત્રે ખૂબ આનંદ કર્યા પછી ત્રણે મિત્રો જુદાં પડ્યાં હતાં. જતી વખતે સુરેશે નિરંજનને કહ્યું હતુંઃ

‘કાલે સવારે વહેલા ઊઠવું પડશે. હું કદાચ નહિ ઊઠી શકું, તું મને ઉઠાડવા આવજે. ભૂલીશ નહિ, હોં!’

‘ભલે,’ નિરંજનનો જવાબ હતો.

સવારના પહોરમાં પાંચ વાગ્યામાં નિરંજને સુરેશનું દ્વાર ઠોક્યું. સુરેશે તરત જ ઉઘાડ્યું અને નિરંજન અંદર ગયો. એક ખુરસી પર બેઠો. તે ખુરશી પાસે જ લતાની પથારી હતી. તે પથારીમાંથી બેઠી પણ નહોતી થઈ. પરંતુ આ બધા અવાજોને અંગે જાગી તો ગઈ હતી જ. તેણે ઓઢેલું હતું તે પોતાના શરીર આસપાસ ખૂબ લપેટી લીધું. માત્ર તેનો ચહેરો જ બહાર દેખાતો હતો. સુરેશ તૈયારી કરવા લાગ્યો.

‘કેમ તમે ઊઠતાં નથી?’ નિરંજને લતાને પૂછ્યું.

‘હું કેમ ઊઠું! મને તાવ આવ્યો છે.’ લતાએ કહ્યું.

‘સાચે જ?’ નિરંજને આતુરતાથી પૂછ્યું.

‘ત્યારે ખોટું બોલતાં હઈશું?’ જરા રીસ ચડી હોય તેમ લતાએ કહ્યું.

નિરંજને તેનો હાથ લંબાવ્યો – લતાનો તાવ જોવા. તેણે ઓઢેલું હતું – તેમાંથી પોતાનો હાથ બહાર જ ન કાઢ્યો. નિરંજન કપાળ ઉપર હાથ મૂકવા ગયો પણ કપાળ પણ ઢાંકેલું હતું. નિરંજન જરા અચકાયો, પણ હિંમત કરી એણે લતાના ગાલ ઉપર હાથ મૂક્યો. લતાએ આંખો બંધ કરી દીધી. તાવ છે કે નહિ તે તો જોવાઈ ગયું પણ થોડી પળો સુધી નિરંજને હાથ ત્યાં રહેવા દીધો. કોઈ કાંઈ બોલ્યું નહિ. નિરંજને હાથ પાછો ખેંચી લીધો.

‘મશ્કરી જ કરો છો ના?’ ગુસ્સો ચડ્યો હોય તેમ તે બોલ્યો. લતા માત્ર હસી.

સુરેશ તૈયાર થઈ આવ્યો અને બંને મિત્રો સ્ટેશને ગયા.

આજે નિરંજનને ખૂબ ભય લાગ્યો. પહેલી જ વાર તેને ચોક્કસ ખ્યાલ આવ્યો કે લતા તરફ તે સાવ નિર્દોષ રીતે નહોતો વર્ત્યો. અત્યાર પહેલાં કોઈ કોઈ વાર તેને વિચાર આવતા કે તેની વર્તણૂકમાં, તેના માનસમાં કોઈ દોષ રહ્યો છે કે નહીં? પણ તેને તે હસી નાખતો. સુરેશ સાથે તે દગો રમે? લતા વિશે એવો ખ્યાલ કરે? બધું અસંભવિત લાગતું. પણ આજે તેને ભયનું ચોક્કસ કારણ મળ્યું હતું. અને લતા? તેણે ગાલ જ કેમ ખુલ્લો રાખ્યો! તેણે હાથ અડતાં આંખો કેમ મીંચી દીધી? કંઈ સમજ ન પડી. લતાના મનમાં દોષ હોય જ નહિ. પોતાનું દોષિત મન પોતાનો દોષ બીજામાં આરોપતું હતું તેમ તેને લાગ્યું. એ સાંજના નિયમ પ્રમાણે તે સુરેશને ત્યાં ન ગયો, પરંતુ એકલો એકલો ખૂબ આથડ્યો. તેના જીવને આજે ચેન નહોતું પડતું. નક્કી કર્યું કે મન ઉપર બરોબર જાપતો રાખવો અને તેને અજાણતાં જ આડું જવા દેવું નહિ.

રાત્રે સુરેશને ત્યાંથી માણસ તેને તેડવા આવ્યો, અને તે ગયો. ઘેર સુરેશ હતો. લતા હતી. નિરંજન લતાની સામે ન જોઈ શક્યો. લતાએ પૂછ્યુંઃ

‘કેમ નિરંજનભાઈ, આજે સાંજે ન દેખાયા?’

એનો એ જ અવાજ, એની એ જ મીઠાશ અને નિર્દોષતા, તેમાં કોઈને કંઈ નવું ન લાગે. પણ નિરંજનને તેમાં આછો જુદો થડકો સંભળાયો.

‘આજે મારે જરા કામ હતું.’ તેણે કહ્યું, પણ ઊંચું ન જોયું.

‘આજે શું કામ આવી પડ્યું?’ સુરેશે પૂછ્યું.

શો જવાબ આપવો તે નિરંજનને સૂઝ ન પડી. ગમે તેવું બહાનું શોધી કાઢ્યું. સુરેશની આગળ આજે પહેલી જ વાર નિરંજન જૂઠું બોલ્યો.

કલાકેક સુધી નિરંજન ત્યાં રોકાયો, પણ હંમેશ જેવો મોજમાં આજે તે નહોતો દેખાતો. લતા તેની સામે જોઈ રહેતી હતી, પણ બંનેની આંખો મળતાં કુદરતી જ ખેંચી લેતાં.

અંતે મિત્રોને બહુ આનંદ આપ્યા સિવાય જ તે ઘેર ગયો. સુરેશ તેની ગમગીનીનું કારણ સમજી ન શક્યો.

લતા ગૂંચવણમાં પડી. નિરંજનને માઠું લાગ્યું હશે? મનના છૂપા વ્યવહારની તેને પણ ખબર નહોતી પડતી, પણ નિરંજનનો હાથ ગાલ પર અથડાતાં સ્ત્રીસુલભ જ્ઞાનથી તેણે હૃદયની ચોરી પારખી લીધી હતી. ખોટું થાય છે એમ થવા છતાં પણ તે હાથ ત્યાંથી ખસે તેમ તેણે ન ઇચ્છ્યું. તેને ભય લાગ્યો કે નિરંજનને ખરાબ લાગ્યું હશે. સાંજે તે ન આવ્યો ત્યારે ભય સાચો લાગ્યો. રાત્રે સુરેશને કહી તેને બોલાવી મંગાવ્યો. તે ઓછું બોલ્યો, પોતાની આંખ મળતાં જ આંખો પાછી ખેંચી લીધી વગેરે લતાએ બરોબર જોયું. તેણે પણ મનને મક્કમ કરી આવું બનવા ન દેવું એવો ખાસ નિશ્ચય કર્યો.

લતાને ખૂબ વિચારો આવવા લાગ્યા. સુરેશ જેવા પતિને દગો દેવાય? તે બિચારો કેટલો ભોળો હતો, કેટલો નિર્દોષ હતો, કેટલો શંકારહિત હતો? અને નિરંજન? નિરંજન પણ શું ધારે? પોતે તેને કેટલી ખરાબ લાગી હશે? પણ એમ તો તેણે પણ પોતાનો હાથ જરા લાંબો વખત રહેવા નહોતો દીધો? તેના હાથમાંથી પણ નવી છતાં સનાતન લાગણીઓનો પ્રવાહ તેના ગાલ ઉપર નહોતો છૂટતો?

ફરી પાછી તેમની મૈત્રી અસ્ખલિત પ્રવાહથી વહેવા લાગી. નિરંજન અને લતા પહેલાં જેટલું બોલતાં, હસતાં, કાવ્યરસનો આસ્વાદ કરતાં, પણ એકબીજાથી સાવચેત જરૂર રહેતાં. એકાંતમાં ન મળાય તેવી રીતે જ વર્તતાં. સમય વીતતો ગયો તેમજૂનો ભય પણ નાશ પામવા લાગ્યો, અને પાછો જૂની રીતે જ ભય કાઢી નાખી બંનેએ મળવા માંડ્યું.

બંનેનું આકર્ષણ દબાયું હતું, પણ નાશ તો નહોતું જ પામ્યું. ફરી સમય મળતાં એ જ આકર્ષણે જોર પકડ્યું. નિરંજન હંમેશાં નિશ્ચય કરતો કે હવે મારે સુરેશને ત્યાં ન જવું. ત્યાંથી દૂર રહેવું. પણ નિયત સમયે તે ત્યાં પહોંચી ગયો જ હોય. લતા હંમેશાં નિશ્ચય કરતી કે આકર્ષણને દબાવી દેવું. પણ તેનું બળ અદમ્ય હતું. છતાં બંને એકબીજાને પોતપોતાનાં મનોમંથનોની જામ નહોતાં થવા દેતાં.

એક દિવસ ત્રણે જણાં બેઠાં હતાં. નિરંજન ઓચિંતો ઊભો થયો અને ઓરડામાં આંટા મારવા માંડ્યો. ટેબલ ઉપર શેલીનાં કાવ્યોનું પુસ્તક પડ્યું હતું. તેણે તે ઉઘાડ્યું અને જે લીટી નજરે પડી તે મોટેથી તે વાંચવા લાગ્યોઃ

‘What are all these kissings worth

‘If thou kiss not me?’

આકસ્મિક તેની નજર લતા ઉપર પડી. લતાની નજર તેની ઉપર પડી. લતાના ઓષ્ઠ એક અતિ અસ્પષ્ટ છતાં અતિ સૂચક ચુંબનમાં મરડાયા. નિરંજનના પણ તેમજ મરડાયા. નિરંજને ફરવું ચાલુ રાખ્યું. સુરેશને કંઈ ખબર ન પડી.

હવે તો અસ્પષ્ટ છતાં સૂચક ચુંબન-અભિનય દ્વારા બંનેએ એકબીજા પ્રત્યેનો આકર્ષણનો એકરાર કરી દીધો હતો. નિરંજનને તેનું અંતર બહુ ડંખતું. પણ ગમે તેવા નિશ્ચય કરે છતાં પણ તે સુરેશને ત્યાં જવું બંધ નહોતો કરી શકતો. લતાને પણ પોતાની ઊર્મિના અદમ્ય બળની ખાતરી થઈ હતી, અને તેને દમન કરવાના પ્રયત્ન પણ તેણે બંધ કરી દીધા હતા.

છતાં નિરંજન બચવાનો પ્રયત્ન કરતો. લતા એકલી હોય ત્યારે સુરેશને ત્યાં ન જવાનો નિયમ તે બહુધા પાળતો. પણ ભાગ્યને તો માણસના પતનમાં રાચવું ગમે છે. એક દિવસે બપોરે તેના એક મિત્ર તરફથી પાસ તાર આવ્યો. સુરેશને પણ તે તાર તાત્કાલિક બતાવવાની જરૂર હતી. તે તરત સુરેશની ઑફિસે ગયો. સુરેશ ત્યાં નહોતો. ‘આજે સુરેશભાઈ ઘેર જ રહેવાના છે.’ ઑફિસમાંથી નોકરોએ જણાવ્યું. તે તરત સુરેશને ઘેર ગયો. લતા હતી, સુરેશ નહોતો. લતાએ કહ્યુંઃ

‘હમણાં જ ઑફિસે ગયા. બેસો ને?’

‘મારે તેનું ખાસ કામ છે. હું જાઉં છું.’

‘થોડી વાર પછી જજો. એવી બધી શી ઉતાવળ છે?’ લતાએ કહ્યું.

‘નહિ. મારે જવું જ જોઈએ.’ નિરંજને બેસતાં બેસતાં કહ્યું.

‘એમ? તો જાઓ જોઈએ, મોટી ઉતાવળ આવી છે તે!’ કહી લતાએ બારનો આગળો વાસ્યો.

જે પળ ન આવે તે હવે હરઘડી તે સાવધ રહેતો હતો તે પળ આવી પહોંચી. તેણે ઊભા થઈ બાર ઉઘાડી ચાલ્યા જવા ઇચ્છા કરી, પણ એથી મહત્તર ઇચ્છાએ તેને ત્યાં જ જડી રાખ્યો. જાણે સાત સાત મણની બેડીએ તેની કાયાને જકડી રાખી હોય તેમ તેને લાગ્યું. છતાં પણ મનને ખૂબ જ દૃઢ કરી તે ઊઠ્યો અને બારણા પાસે ગયો.

‘ચાલો હઠો, ઉઘાડવા દ્યો.’ તેણે લતાને કહ્યું.

લતાએ હસતાં હસતાં બારનો આગળો પકડી રાખ્યો.

‘ઉઘાડો, તાકાત હોય તો.’ તેણે કહ્યું.

નિરંજને આગળો ઉઘાડવા હાથ લંબાવ્યો. લતાએ આગળાને જોરથી પકડી રાખ્યો. એ રકઝકમાં બંનેના હાથ એકબીજાને અડક્યા. અત્યાર સુધી નિરંજને મન ઉપર મહાપ્રયત્ને મેળવેલો કાબૂ ઓસરી ગયો. અકથ્ય ઊર્મિના અદમ્ય આવેગે તેને આખો ને આખો વીંટી લીધો. તે બાર ઉઘાડી ઘેર ન જઈ શક્યો.

કલાક પછી તે ઘેર ગયો. સામાન બાંધ્યો અને સાંજની જ ગાડીમાં તે ગામ છોડી હંમેશને માટે ચાલી નીકળ્યો. મિત્રને તે દગો દઈ ચૂક્યો હતો. તેની સામે જ હરહંમેશ તેને દગો દેવાની તેનામાં હિંમત નહોતી, અને ત્યાં રહે તો વારંવાર તેની સામે દગો દીધા વિના પોતે રહી શકવાનો નથી તે પણ તે જાણતો જ હતો.

સુરેશે તેની બેત્રણ દિવસ સુધી ઘેર રાહ જોઈ, પણ તે તો આવ્યો જ નહિ. સુરેશ વિચારમાં પડ્યો. શું થયું હશે? કંઈ માંદગી તો નહિ આવી હોય? ત્રીજે દિવસે લતાને સાથે લઈ તે નિરંજનને ઘેર ગયો. તેના ઘરના દરવાજે તાળું માર્યું હતું. આજુબાજુ તપાસ કરતાં ખબર મળી કે નિરંજન તો બેત્રણ દિવસતી ઘર ખાલી કરી ક્યાંય બહારગામ ચાલ્યો ગયો હતો.

સુરેશને કંઈ સમજ ન પડી. કેમ ચાલ્યો ગયો હશે? ક્યાં ચાલ્યો ગયો હશે? વગેરે પ્રશ્નો અણઊકલ્યા જ રહી ગયા. તેણે લતા સામે જોયું અને પૂછ્યુંઃ

‘લતા, નિરંજને આવું કેમ કર્યું હશે?’

લતા શું બોલે?

***

1 thought on “આપણી વાર્તાનો વૈભવ – “લતા શું બોલે?” -ગુલાબદાસ બ્રોકર

  1. આપણી વાર્તાનો વૈભવ – “લતા શું બોલે?” મા.ગુલાબદાસ બ્રોકરની સુંદર વાર્તા
    કેટલીકવાર અંત માત્ર નવી શરૂઆત હોય છે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s