શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અઢારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ


શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અઢારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધ – અઢારમો અધ્યાય –મહારાજ પરીક્ષિતને શ્રુંગી ઋષિનો શાપ

 (પ્રથમ સ્કંધના સત્તરમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, અધર્મી કળિ, મહારાજ પરીક્ષિતનું સામ્રાજ્ય છોડીને આ પાંચ સ્થાનોમાં રહેવા લાગ્યો. આ જ કારણોસર, ધાર્મિક અને આત્મકલ્યાણની ખેવના રાખવાવાળાઓએ આ પાંચે સ્થાનોના સેવનથી મુક્ત રહેવું જોઈએ. સુવર્ણ અને ધન ઉપાર્જિત તો કરવું પણ એ અધમ કામોમાં ન વપરાય એનું ખાસ ધ્યાન રાખવું. આ પછી રાજા પરીક્ષિતે વૃષભરૂપી ધર્મનાં તપસ્યા, પવિત્રતા, અને દયા – એ ત્રણ ચરણ જોડી દીધાં અને પૃથ્વીને પણ આશ્વાસન આપીને સંવર્ધન કર્યું. આમ મહારાજા પરીક્ષિત પોતાના મહાન વારસાને, સંસ્કારોને, શાસ્ત્ર અને શસ્ત્રોના અભ્યાસને ઉજાગર કરે છે. અભિમન્યુસુત રાજા પરીક્ષિત વાસ્તવમાં એવા જ પ્રભાવશાળી છે અને મહાન છે. કે જેમણે કળિને દંડિત કરીને તેના સ્થાનને મર્યાદિત કર્યા. હવે અહીંથી વાંચો આગળ અઢારમો અધ્યાય)

સૂતજી કહે છે – અદભૂતકર્મી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી રાજા પરીક્ષિત પોતાની માતાના ઉદરમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી જવા છતાં મર્યા નહીં. જે સમયે બ્રાહ્મણના શાપને કારણે તેમને ડંખવા માટે તક્ષક આવ્યો તોયે તેઓ પ્રાણસંકટ હોવા છતાં ડર્યા નહીં, કારણ, એમણે પોતાનું ચિત્ત સર્વે આસક્તિ ત્યજીને, શ્રી કૃષ્ણના શરણે ધરી દીધું હતું. તેમણે ગંગા કિનારે જઈને શ્રી શુકદેવજી પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો અને એ રીતે ઈશ્વરના સ્વરૂપને આત્મસાત કરીને પોતાના નશ્વર દેહને ત્યજી દીધો. જ્યાં સુધી પૃથ્વી પર   અભિમન્યુસુત મહારજ [પરીક્ષિત રહ્યાં ત્યાં સુધી ચારે તરફ વ્યાપ્તિ હોવા છતાં પણ કળિયુગનો કોઈ પ્રભાવ નહોતો. આમ જોવા જાઓ તો શ્રી કૃષ્ણના દેહત્યાગ સમયથી જ પૃથ્વી પર અધર્મના મૂળ કળિયુગ આવી ગયો હતો. પરીક્ષિત કળિયુગ પ્રત્યે કોઈ દ્વેષ નહોતા ધરાવતા કારણ તેમને ખબર હતી કળિયુગમાં એટલી સમજણ હતી કે પાપકર્મોનું અનુસંધાન ભૌતિકતા અને શરીર સાથે છે અને પુણ્યકર્મોનું ફળ તો દ્રઢ સંકલ્પબળમાં છે. કળિ પ્રમાદી મનુષ્યોને તરત પોતાના વશમાં કરે છે.  હે શૌનકાદિ ઋષિજનો, મેં તમને ભગવાનની કથા સાથે જોડાયેલું રાજા પરીક્ષિતનું પવિત્ર ચરિત્ર કહી સંભળાવ્યું. શ્રી કૃષ્ણની કલ્યાણકારી અને કીર્તનને યોગ્ય, આવી અનેક લીલાઓથી શ્રીમદ્ ભાગવતપુરાણ સમૃદ્ધ છે. અને સહુ કલ્યાણવાંછુ મનુષ્યોએ એનું સેવન કરવું જોઈએ.

ઋષિઓએ કહ્યું – યજ્ઞો કરી કરીને, તેનાં ધુમાડાથી અમારા શરીર ધુમાડિયા થઈ ગયાં છે, તો પણ આ કર્મફળનો કોઈ વિશ્વાસ નથી. પણ શ્રી કૃષ્ણના આ કથારૂપી મધુર અમૃતને પીને અમે ધન્ય બની ગયા છીએ અને એના થકી અમને એવું લાગે છે કે અમારો સીધો સંપર્ક ભગવાન સાથે થઈ રહ્યો છે. હે વિદ્વાનોમાં પણ વિદ્વાન એવા સૂતજી, અમે આપને વિનંતી કરીએ છીએ કે તમે ભગવાનના અન્ય વિશુદ્ધ ચરિત્રોનું વર્ણન અમ શ્રદ્ધાળુ શ્રોતાઓ માટે વિસ્તારપૂર્વક કરો.       

સૂતજી કહે છે – વિલોમ જાતિ (માતા અને પિતા અલગ જાતિ, જેમ કે માતા બ્રાહ્મણ અને પિતા ક્ષત્રિય હોવાથી જન્માના સંસ્કારોમાં સંકરતા આવતા, કોઈ એક પક્ષના સંપૂર્ણ સંસ્કાર મળતા નથી. આમ જન્મ સંસ્કારોનો લોમ થવાથી, વિલોમ જાતિ કહેવાય છે.)માં જન્મ લેવા છતાં પણ મહાત્માઓની સેવા કરવાથી મારો જન્મ સફળ થયો હોય એવું મને લાગે છે. કારણ, ત્યારે એ સમજાય છે કે જેની ભાવના ઉર્ધ્વગામી હોય એ કદી નીચ કુળના રહેતા નથી. ભગવાનની શક્તિ અનંત છે. તેઓ સ્વયં અનંત છે. વાસ્તવમાં તેમના ગુણોની અનંતતાને કારણે જ તે સગુણ અને નિર્ગુણ બેઉ છે. લક્ષ્મીજી ભગવાનના ન ઈચ્છવા છતાં પણ તેમનાં ચરણોની રજનું સેવન કરે છે. જેમનો પ્રેમ મેળવીને ધીર મનુષ્યો કોઈ પણ ખચકાટ વિના દેહની અને અન્ય ઐહિક આસક્તિઓ છોડી દઈને પરમ તત્વમાં લીન થાય છે એવા ભગવાન શ્રી કૃષ્ણની મોહક લીલાઓનું સંપૂર્ણ વર્ણન કરવું શ્રેષ્ઠ બુદ્ધિમાન વિદ્વાન માટે પણ અસંભવ છે. સહુ પોતાની અલ્પમતિ પ્રમાણે જ વર્ણન કરી શકે છે. હે ઋષિગણ, હું પણ મારી અલ્પમતિ પ્રમાણે એનું વર્ણન કરું છું.

(આમ કહીને સૂતજી રાજા પરીક્ષિતને શાપ કેવી રીતે મળે છે એનું વર્ણન કરે છે.)

એક વાર રાજા પરીક્ષિત ધનુષ્ય લઈને વનમાં મૃગયા માટે વિચરતા હતા. હરણોની પાછળ દોડતાં-દોડતાં, તેઓ થાકી જતાં તેમને ઘણી ભૂખ અને તરસ લાગ્યાં હતાં. જ્યારે તેમને કોઈ જળાશય ન મળતાં, તેઓ એક ઋષિના આશ્રમમાં જઈ ચઢ્યાં. તેમણે જોયું કે ત્યાં મુનિ શમીક આંખો બંધ કરીને શાંતભાવે આસન પર બેઠા હતા. તેઓ જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ – એ ત્રણેય અવસ્થાઓથી રહિત, નિર્વિકાર, બ્રહ્મરૂપ તુરીય અવસ્થામાં સ્થિત હતા. એમની આવી સ્થિતિમાં, ક્ષુધા અને તૃષાથી પીડાતા રાજાએ પાણી માગ્યું. પણ ઋષિ તો શારિરીક અવસ્થામાં હતા જ નહીં કે રાજને આસન આપી બેસાડે કે પાણીનું પૂછે. આને લીધે રાજા પરીક્ષિત પોતાને અપમાનિત થયેલા માનીને ક્રોધાયમાન થાય છે. તેમના જીવનમાં આવો પહેલો પ્રસંગ હતો કે જેમાં એમની અવહેલના આ રીતે કરાઈ હતી. આમ જોવા જાઓ તો માત્ર એક કે બે ટંકની ભૂખ અને તરસના તરફડાટમાં ક્રોધ આવતાં, રાજા ન કરવાનું કામ કરી બેસે છે. તેઓ પોતાના ક્રોધના આવેશને વશ થઈને એક મરેલો સાપ ધનુષની અણીથી ઊંચકીને ઋષિના ગળામાં નાખે છે. ભૂખ અને તરસના માર્યા ક્રોધાવશ રાજા પરીક્ષિત વિવેક ચૂકતાં એવો વિચાર કરે છે કે આ ઋષિ તો સમાધિનો ઢોંગ કરી રહ્યા છે.    

શમીક ઋષિનો પુત્ર ઘણો તેજેસ્વી હતો. તે બીજા ઋષિકુમારો સાથે નજીકમાં જ રમતો હતો. જ્યારે તેણે સાંભળ્યું કે રાજાએ એના પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે ત્યારે એ ઋષિપુત્ર, હાથમાં કૌશિકી નદીનું જળ લઈને આચમન કરીને પોતાની વાણીરૂપી વજ્રનો પ્રયોગ કરીને, પોતાના તપોબળ થકી રાજા પરીક્ષિતને શાપ આપે છે કે આજથી સાતમા દિવસે તક્ષક નાગ તેને ડસશે.  

ત્યાર પછી એ બાળક આશ્રમમાં આવીને પિતાના ગળામાં પડેલા મરેલા સાપને જોઈને અત્યંત દુઃખી થઈને જોરથી રડવા લાગ્યો. હે શૌનકજી, પોતાના પુત્રનું આમ રડવું-કકળવું સાંભળીને શમીકમુનિએ ધીરેધીરે આંખો ખોલી અને પૂછ્યું, “બેટા, તુ આટલો દુઃખાર્ત થઈને કેમ રડી રહ્યો છે?” ત્યારે બાળકે બધી બીના કહી સંભળાવી. પરિપક્વ અને ઠરેલ બ્રહ્મર્ષિ શમીક અને એના નાદાન બાળકની વિવેકબુદ્ધિમાં ઘણો ફરક છે. રાજાને અપાયેલા શાપની વાત સાંભળીને, શમીક ઋષિ પોતાના નાદાન પુત્રને કહે છે કે હે, મૂર્ખ બાળક, સિદ્ધિ હોય તોયે આમ વિવેકહીન દંડ ન અપાય. રાજા પરીક્ષિત એક પ્રતાપવાન અને કુળવાન રાજા છે. એક સારા રાજા અને પ્રજાનું કલ્યાણ કરનારા રાજ વિવેક જરૂર ચૂક્યા છે પણ એના માતે આવો મૃત્યુ દંડ ન અપાય. કારણ, એક સારા રાજાનું કસમયે અપમ્રુત્યુ થવાથી દેશમાં લૂંટફાટ વધશે, અરાજકતા ફેલાશે અને કેટલાયે નિર્દોષ લોકો આ અરાજકતાના ચુંગલમાં પોતાના જાનમાલનું નુકસાન સહેશે. તને ખબર છે કે એ પાપમાં આપણે પણ પરોક્ષ રીતે શામિલ હશું? રાજા પરીક્ષિત તો યશસ્વી અને ધર્મપાલક રાજા છે અને ભગવાનના પ્રિય ભક્ત પણ છે. તે રાજર્ષિ ભૂખ-તરસથી વ્યાકુળ બનીને આપણા આશ્રમમાં આવ્યા હતા. તેઓ કદાપિ આવા શાપને પાત્ર નથી. આ બુધ બાળકે પ્રજાના નિષ્પાપ સેવક જેવા મહાન રાજાનો અપરાધ કર્યો છે. હે ઈશ્વર, કૃપા કરીને એને ક્ષમા કર.

પછી પોતાના સંતાનને સમજાવતાં શમીક ઋષિ કહે છે કે ભગવદભક્તોમાં કદીયે બદલો લેવાની ભાવના ન હોવી જોઈએ અને આપણે ભગવદભક્ત છીએ. આમ શમીક ઋષિને પોતાના બાળકના આ અપકૃત્ય બદલ ખૂબ પશ્વાતાપ થયો. રાજા પરીક્ષિતે તેમનું કરેલું અપમાન એમને શાપ આપવા લાયક લાગ્યું નહીં. સાચા મહાત્માઓનો સ્વભાવ જ એવો હોય છે કે જ્યારે સંસારના બીજાં લોકો એમને સુખ-દુઃખમાં લિપ્ત કરવા કોશિશ કરે છે ત્યારે પણ તેઓ સુખી કે દુઃખી થતા નથી કારણ કે તેઓ આત્માગત બની ચૂક્યા હોય છે અને આત્માનું સ્વરૂપ તો ગુણાતીત હોય છે.     

ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો ”વિપ્રશાપોપલમ્ભનં” નામનો અઢારમો અધ્યાય સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
 
વિચાર બીજઃ

. એક ઋષિ બાળકનું શાપ આપવું એને કદાચ એક જ રીતે સમજાવી શકાય કે સાધના અને તપના બળથી મન અને આત્માની શક્તિથી, પોતા માટે અને અન્ય માટે, હકારાત્મકતા અને નકારાત્મકતા પર મનોવાંછિત કાબુ મેળવી શકાય છે.

.  રાજધર્મમાં વિવેકહીનતા કદી ન ચાલે. મોટા પદ સાથે આવતી જવાબદારીઓમાં સતત વિવેકપૂર્ણ રહેવું પડે છે.  

2 thoughts on “શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –અઢારમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

 1. મા સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા શ્રીમદ્ ભાગવત કથા, ”વિપ્રશાપોપલમ્ભનં” નામનો પ્રથમ સ્કંધ –અઢારમો અધ્યાય ની સરળ ભાષામા સરસ રજુઆત .
  વિચાર બીજ ૧મા સાધના અને તપના બળથી નકારાત્મકતા પર મનોવાંછિત કાબુ મેળવી શકાય છે.
  ૨મા રાજધર્મમાં સતત વિવેકપૂર્ણ રહેવું પડે છે.
  ખૂબ સાચી સટિક વાતો
  શ્રીમન્ નારાયણ, નારાયણ

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s