ચલ મન મુંબઈ નગરી – દીપક મહેતા


ચલ મન મુંબઈ નગરી – (હપતો ૫)

દીપક મહેતા

———————————————————————————-

સનકાદિક નારદ સ્તુતિ કરતા

તે ભાષા તાવ આદ્ય તરુ,

વાગીશ્વર વાણી રચતા, કર

બાજે ડમ ડમ ડમ ડમરુ.

ભૈરવનાથ સદાશિવ શંકર

મહંત સદ્ગુરુ આદ્ય સ્મરું,

મંદિર જેનું દિગંત નિરંતર

બાજે ડમ ડમ ડમ ડમરુ.

નિનુભાઈ મઝુમદારે રચેલી શિવ સ્તુતિના શબ્દો આજે કેમ એકાએક યાદ આવી ગયા? ના. એકાએક યાદ નથી આવ્યા. ગયે અઠવાડિયે આપણે બાણગંગાના ઐતિહાસિક તળાવની મુલાકાત લીધેલી. એ તળાવ પાસે જઈએ અને તેની સાવ નજીક આવેલા વાલકેશ્વરના મંદિરની મુલાકાત ન લઈએ એવું બને? અને એમાં પાછો ચાલી રહ્યો છે પવિત્ર શ્રાવણ મહિનો. શ્રાવણમાં શિવદર્શનનો મહિમા અનેરો છે. તો જઈએ વાલકેશ્વર.

ગયે અઠવાડિયે જેની વાત કરી હતી તે બાણગંગાના તળાવની નજીક આવેલું છે આ મંદિર. દંતકથા તો આ મંદિરને શ્રી રામ સાથે જોડે છે. રાવણ સીતાનું હરણ કરી ગયો તે પછી તેમને છોડાવવા રામ અને લક્ષ્મણ લંકા જવા નીકળી પડ્યા. રસ્તામાં મુંબઈ નજીકની એક ટેકરી (આજનું મલબાર હિલ) પર રોકાયા. થોડે દૂર, દરિયા કિનારે કેટલાક ઋષીઓ તપ કરી રહ્યા હતા. તેમને રામના આગમનના સમાચાર મળ્યા. એટલે તે બધા રામનાં દર્શન કરવા ગયા. આ ઋષિઓમાંના એક હતા મહર્ષિ ગૌતમ, સપ્તર્ષીઓમાંના એક ઋષિ. પણ બધા ઋષિઓએ જઈને જોયું તો શ્રી રામ તો ઉદાસ થઈને બેઠા હતા. ઋષિઓએ તેમની ઉદાસીનું કારણ પૂછ્યું. રામે તેમને સીતાહરણની વાત જણાવી, અને પૂછ્યું: હે મહાન ઋષિઓ, મારે સીતાજીને પાછાં મેળવવાં હોય, કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો શું કરવું જોઈએ તે કૃપા કરી જણાવો. પોતાના ધારેલા કામમાં સફળતા મેળવવી હોય તો શિવની ઉપાસના કરવાની સલાહ ઋષિઓએ આપી. ગૌતમ ઋષિએ કહ્યું કે લક્ષ્મણજીને શિવલિંગ લાવવા કાશી મોકલો. અને પછી એ શિવલિંગની પંચામૃત પૂજા કરો. તેથી શિવલિંગ લાવવા રામે લક્ષ્મણને મોકલ્યા. પછી ગૌતમ ઋષિએ વિદાય માટે રામની અનુજ્ઞા માગી. પણ રામ કહે કે ના, હમણાં નહિ, લક્ષ્મણ લિંગ લાવે પછી પૂજા કરાવીને જ આપ સિધાવજો. કારણ આપના કરતાં વધુ સારી રીતે આવી પૂજા બીજું કોણ કરાવી શકે?  પણ ગૌતમ ઋષિ કહે કે લક્ષ્મણને પાછા આવતાં તો  વાર લાગશે. ત્યાં સુધી હું રોકાઈ શકું એમ નથી. તમે એક કામ કરો. અહીંની વાલુકા (રેતી) પવિત્ર છે. તમારે હાથે એ વાલુકાનું શિવલિંગ બનાવી તેની પૂજા કરો. રામે ઋષિ આજ્ઞા પ્રમાણે કર્યું. ગૌતમ ઋષિ અને બીજા ઋષિઓની મદદથી રામે એ લિંગમાં પ્રાણપ્રતિષ્ઠા કરી. કહે છે કે આ પૂજાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને રામ સામે પ્રગટ થયા અને આશીર્વાદ આપતાં કહ્યું કે બહુ જલ્દી તમારા કામમાં તમને સફળતા મળશે. થોડા વખત પછી લક્ષ્મણ પણ કાશીથી  લિંગ લઈને આવી પહોંચ્યા.   

વાલકેશ્વરનું મંદિર અને બાણગંગા

પછીથી એ જગ્યાએ જે મંદિર બંધાયું તે વાલકેશ્વરનું મંદિર. મૂળ મંદિર ઈ.સ. ૧૧૨૭માં ગૌડ સારસ્વત બ્રાહ્મણ લક્ષ્મણ પ્રભુએ બંધાવેલું એમ મનાય છે. એ વખતે મુંબઈ અને તેની આસપાસના પ્રદેશ પર શીલાહાર વંશના રાજાઓની આણ પ્રવર્તતી હતી. શીલાહાર રાજાના દરબારમાંના એક મંત્રી તે આ લક્ષ્મણ પ્રભુ. પણ કાળક્રમે મુંબઈ પર પોર્ટુગીઝ શાસકોની આણ ફરી વળી. કહે છે કે એ વખતે મૂળ વાલુકાનું લિંગ જાતે દરિયામાં કૂદી પડ્યું જેથી પોર્ટુગીઝો તેને ભ્રષ્ટ ન કરે. આજે જ્યાં રાજભવન આવેલું છે તેની નજીક એ જગ્યા આવેલી હતી એમ કહેવાય છે. કેટલાક માછીમારો તો આ ચોક્કસ જગ્યાની પોતાને જાણ હોવાનો દાવો કરે છે. દર વર્ષે મહાશિવરાત્રિને દિવસે એ લોકો ત્યાં જઈ પોતાના રિવાજ પ્રમાણે પૂજા કરે છે. જે બીક હતી તે સાચી પડી. પોર્ટુગીઝ લોકોએ મુંબઈનાં ઘણાં પ્રાચીન ધર્મસ્થળોનો નાશ કર્યો. તેમાનું એક તે વાલકેશ્વરનું મંદિર. પછી પોર્ટુગીઝ શાસન ગયું, અને અંગ્રેજોની હકુમત આવી. પણ સ્થાનિક ધર્મોની બાબતમાં પોર્ટુગીઝો કરતાં અંગ્રેજ થોડા ઉદાર. તેમના સમયમાં ઈ.સ. ૧૭૧૧માં વાલકેશ્વરનું મંદિર રામજી કામાઠીએ ફરી બંધાવ્યુ. એ મંદિર પથ્થરનું બનેલું હતું. તેમાં બારીક કોતરણી કરવામાં આવી હતી. ઉપર ગોળ ઘુમ્મટ હતો અને લાલ નળિયાવાળું છાપરું હતું. પણ ૧૯૫૦ના અરસામાં તેની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટનું હાલનું મંદિર બંધાયું. આજના મંદિરમાં ૫૦ x ૨૫ ફૂટનો સભામંડપ આવેલો છે. તેનું ગર્ભગૃહ ૨૪ x ૨૪ ફૂટનું છે. ફરસ પર આરસની લાદીઓ જડેલી છે. મંદિરના પ્રવેશદ્વારની સામે પથ્થરનો નંદી બિરાજે છે. ગર્ભદ્વાર ચાંદીના પતરાંથી મઢેલું છે. અ દ્રાર તથા ફરસ પરની આરસની લાદીઓ વસનજી દેવજી ભાટિયા નામના એક શ્રીમંત વેપારીએ ભેટ આપ્યાં હતાં. ગભારામાંનું શિવલિંગ લગભગ પોણો ફૂટ ઊંચું છે. રેતીની ગુણીઓ એક ઉપર એક ગોઠવી હોય તેવો ભાસ તેને જોતાં થાય છે.  

આ મંદિર સાથે બીજી એક દંતકથા પણ સંકળાયેલી છે. તેનું બંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન એક મજૂરનું ધ્યાન ગયું કે એક જગ્યાએ જમીનમાંથી લોહી નીકળી રહ્યું છે. એ જગ્યાએ વધુ ખોદકામ કરતાં અંદરથી શિવલિંગ નીકળી આવ્યું. એ લિંગની પછીથી મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. આ મંદિરના શિવલિંગ પાસે ગણેશજીની આરસની પ્રતિમા છે જેની ઊંચાઈ લગભગ દોઢ ફૂટ છે. મૂર્તિને માથે મુગટ છે. ઈ.સ. ૧૯૦૦માં પ્રગટ થયેલા અંગ્રેજી પુસ્તક ‘ધ હિંદુ ટેમ્પલ્સ ઓફ બોમ્બે’માં કે. રઘુનાથજી નોંધે છે કે દર વર્ષે આખા શ્રાવણ મહિના દરમ્યાન મંદિરમાં ઉત્સવનું વાતાવરણ હોય છે. કાર્તકી પૂનમને દિવસે અને મહાશિવરાત્રીને દિવસે અહીં મેળો ભરાય છે. ઢોલ-નગારાં સાથે ઠાઠમાઠથી પાલખી નીકળે છે. અલબત્ત, આજે આ બધું ઓછું થઇ ગયું છે. પણ હજીએ શ્રાવણ મહિના દરમ્યાન અહીં દર્શન કરવા આવનારાઓની સંખ્યામાં ઘણો મોટો વધારો થાય છે.

બાબુલનાથનું મંદિર

વાલ્કેશ્વર મંદિરમાં શિવજીનાં દર્શન કરી મલબાર ટેકરીનો ઢાળ ઊતરીને નીચી આવીએ એટલે આવે બાબુલનાથનું મંદિર. આ મંદિર એક નાનકડી ટેકરી પર આવેલું છે એટલે પહેલાં પગથિયાં ચડીને ઉપર જવું પડતું. પણ હવે ઉપર જવા માટે લિફ્ટની સગવડ થઇ છે. મુંબઈનાં જૂનાં મંદિરોમાંનું આ એક છે. કહે છે કે રાજા બિમ્બદેવ કે ભીમદેવે ૧૨મી સદીમાં મૂળ મંદિર બંધાવેલું. પણ પછી વખત જતાં એ મંદિર દટાઈ ગયું અને તેથી ભૂલાઈ ગયું. ઈ.સ. ૧૭૦૦ અને ૧૭૮૦ની વચ્ચે અસલની મૂર્તિઓ ફરી મળી આવી હતી અને ૧૭૮૦માં નવું મંદિર બંધાયું હતું. મળી આવેલી મૂર્તિઓમાં મૂળ શિવલિંગ ઉપરાંત ગણેશ, હનુમાન, પાર્વતીની મૂર્તિઓનો સમાવેશ થતો હતો. આ ચારેની સ્થાપના મંદિરમાં કરવામાં આવી છે. પણ આ  ચાર ઉપરાંત પાંચમી મૂર્તિ પણ મળી આવી હતી, પણ તે ભગ્નાવસ્થામાં હતી. અને ભગ્ન મૂર્તિની પ્રતિષ્ઠા કરાય નહિ એટલે તેને દરિયામાં પધરાવી દીધી હતી. આ મંદિર બંધાયું ત્યારે એ જગ્યા પારસીઓના તાબામાં હતી. અને તેમણે મંદિરનો વિરોધ કર્યો હતો. છેવટે ૧૮૦૬માં આ મામલો અદાલતમાં ગયો હતો. વડોદરાના મલ્હારરાવ ગાયકવાડ (જેઓ વાલકેશ્વર વિસ્તારમાં રહેતા હતા) અને બીજા કેટલાકે મુંબઈની રેકોર્ડર કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. (૧૭૯૮માં સ્થપાયેલી આ રેકોર્ડર કોર્ટ તે આજની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી કોર્ટ) આ દાવાનો ચુકાદો ૧૮૦૮ના ઓગસ્ટની બીજી તારીખે મંદિરની તરફેણમાં આવ્યો હતો. તે અંગેની ટૂંકી નોંધ આરસ પર કોતરાવીને મંદિરની ભીંત પર મૂકવામાં આવી છે. આ ચુકાદા પછી મંદિરની લોકપ્રિયતા સતત વધતી રહી. નવું મંદિર બંધાવવા માટે ફંડફાળો એકઠો કરવામાં આવ્યો. લાખો રૂપિયા ફાળામાં મળ્યા. ૧૮૩૬માં મંદિરનો વિસ્તાર કરવાનું કામ શરૂ થયું. અને ૧૮૪૦માં નવું ભવ્ય મંદિર તૈયાર થયું. પણ ૧૮૮૦માં ફરી મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો. તે વખતના બાહોશ વકીલ ભાઈશંકર નાનાભાઈએ પુષ્કળ મહેનત અને મદદ કરી. ૧૮૮૩ના ઓક્ટોબરની ૮મી તારીખે આવેલા ચુકાદા પ્રમાણે આ જગ્યા અને તેના પરનું મંદિર ખાનગી માલિકીનાં નહિ પણ સાર્વજનિક ઉપયોગ માટેનાં છે એમ ઠરાવવામાં આવ્યું અને તેના સંચાલન માટે ટ્રસ્ટીઓ નીમવામાં આવ્યા. તેમનાં નામ: વલ્લભદાસ વાલજી, મૂળજી જેઠાવાળા, ચતુર્ભુજ મોરારજી, દામોદર તાપીદાસ, રાજારામ બાલમુકુન્દદાસ, અને ભટ્ટ વાલજી જીવરાજ. ત્યારથી આ મંદિરનું સંચાલન વખતોવખત નીમાતું ટ્રસ્ટીમંડળ કરે છે. બાબુલનાથ મંદિર વિષે બીજી લોકવાયકા પણ પ્રચલિત છે. પણ બીજાં ઘણા મંદિરો માટે પણ લગભગ તેવી જ લોકવાયકા જોવા મળે છે એટલે એ વિષે વાત નહિ કરીએ.

બાણગંગા તળાવ, વાલકેશ્વરનું મંદિર અને બાબુલનાથનું મંદિર, આ ત્રણે સાથે મલબાર હિલનું નામ સંકળાયેલું છે. આ ટેકરીને આ નામ કોણે અને ક્યારે આપ્યું તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. પણ મોટે ભાગે અંગ્રેજોએ આ નામ આપ્યું હતું. મલબાર કિનારાના ખલાસીઓ અને ચાંચિયાઓ અવારનવાર આ ટેકરીની મુલાકાતે આવતા હતા એટલે તેમણે એવું નામ આપ્યું હશે.

જહોન ફ્રાયર અને એનું પુસ્તક

ઈ.સ ૧૬૬૮માં જોન ફ્રાયર નામનો એક મુસાફર હિન્દુસ્તાન આવ્યો હતો અને તેણે ૧૬૭૩માં મલબાર હિલની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમ્યાન લખેલા પત્રો પછીથી પુસ્તક રૂપે પ્રગટ થયા હતા. ‘અ ન્યૂ એકાઉન્ટ ઓફ ઇસ્ટ ઇન્ડિયા એન્ડ પર્શિયા’ નામે ઈ.સ. ૧૬૯૮માં પ્રગટ થયેલા આ પુસ્તકમાં આપણને પહેલી વાર મલબાર હિલનું ટૂંકુ વર્ણન મળે છે. ફ્રાયર કહે છે કે આ ટેકરી ખડકાળ અને ઝાડઝાંખરાથી ભરેલી છે. વાલકેશ્વરના મંદિર અને બાણગંગાના તળાવના ખંડિયેર પોતે જોયા હોવાનો ઉલ્લેખ પણ તેણે કર્યો છે. જોન ફ્રાયરનો જન્મ આશરે ૧૬૫૦માં. ૧૬૬૪માં તે મેટ્રિક થયો હતો તેના પરથી તેની આ જન્મ સાલનું અનુમાન કરવામાં આવે છે. વ્યવસાયે ડોક્ટર. ૧૬૭૨માં બ્રિટીશ  ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ‘સર્જન’ તરીકે તેની નિમણૂક થઇ. ૧૬૭૩ના જૂનની ૨૬મી તારીખે તે મછલીપટ્ટમ પહોંચ્યો. ત્યાંથી મદ્રાસ (હાલનું ચેન્નાઈ) થઈને તે મુંબઈ પહોંચ્યો. આઠ વર્ષ હિન્દુસ્તાનમાં રહ્યા પછી ૧૬૮૨ના ઓગસ્ટમાં તે સ્વદેશ પાછો ફર્યો. તેનું અવસાન ૧૭૩૩ના માર્ચની ૩૧મી તારીખે લંડનમાં તેના ઘરે થયું. આજે સત્તા અને ધનનું કેન્દ્ર ગણાતો મલબાર હિલનો વિસ્તાર ૧૯મી સદીની પહેલી પચ્ચીસી સુધી તદ્દન ઉજ્જડ, વસ્તી વગરનો હતો. માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન (૧૭૯૭-૧૮૫૯) ૧૮૧૯માં મુંબઈના ગવર્નર બન્યા અને તેમણે મલબાર હિલ પર પહેલવહેલો બંગલો બંધાવ્યો. ત્યારથી મલબાર હિલના વિકાસે પાછું વાળીને જોયું નથી.

મલબાર હીલ પરથી મુંબઈ – ૧૯મી સદીનું દ્રશ્ય

અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે ૧૮૬૩ના જૂન મહિનાની ૨૮મી તારીખે મલબાર હિલની મુલાકાત લીધી હતી અને એ ટેકરી (જેને તે મલબાર હિલ નહિ, પણ ચોપાટીની ટેકરી કહે છે) પરથી જે દેખાવ જોયો હતો તેનું વર્ણન કરતું કાવ્ય લખ્યું હતું. એ કાવ્યની થોડીક પંક્તિઓ જોઈએ:

ચડીને ઊંચે બેસતાં, વદતાં મોઢે હાસ,

પામ્યો હું આનંદ બહુ, જોતાં ચારે પાસ.

ખાડીના ઘોડા સહુ, ઘુઘુઘૂ કરતા જેહ,

એકેક પાછળ ચાલતા, લાંબી હારે તેહ.

વાદળથી ઢંકાયલું ઝાંખું બહુ આકાશ,

ઠંડો વાયુ આવતો, જરા જરા લઇ વાસ.

ધોળો કાંઠો વાંકડો, કોટ કુલાબો ઠેઠ,

ઇમારતો પથ્થર ચૂને શોભે છે સહુ શ્રેષ્ઠ. 

ડાબી પાસ દૂર જાઉં તો, ખીચોખીચ દેખાય,

તાડ ખજૂરી મ્હાડ ને, ઝાડ બીજાં સોહાય.

પાસે નીચે જોઉં તો, ચાર તણો શો બ્હાર,

વિધવિધ લીલા રંગની, શોભાનો નહિ પાર. 

એવી જ વિધવિધ અને બહુરંગી શોભા છે આ મુંબઈ નગરીની પણ. એના એક નવા રંગ વિષે હવે પછી વાત.

(વધુ આવતા ગુરુવારે)

2 thoughts on “ચલ મન મુંબઈ નગરી – દીપક મહેતા

  1. બાણગંગા તળાવ, વાલકેશ્વરનું મંદિર અને બાબુલનાથનું મંદિર અંગે રસપ્રદ વિગતો આજે માણી
    મલબાર હીલ પરથી મુંબઈ –
    ચડીને ઊંચે બેસતાં, વદતાં મોઢે હાસ,
    પામ્યો હું આનંદ બહુ, જોતાં ચારે પાસ.
    અનુભવ્યું

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s