ચાલો મારી સાથે – (૯) – ઉત્કર્ષ મઝુમદાર


ચાલો મારી સાથે.      – (૯) –              ઉત્કર્ષ મઝુમદાર

ગયા વખતે આપણે જોયું કે પ્યુરિટન્સ રાજકર્તાઓએ ગ્લોબ  થિયેટરને મૂળમાંથી ઉખેડી નાખી જમીનદોસ્ત કરી ત્યાં આગળ રહેઠાણ સંકુલ બાંધી દીધું  જેથી ભવિષ્યમાં એ જગ્યાએ કોઈ  પછી ત્યાં નવેસરથી થિયેટર જ ન બાંધી શકે, પણ વાચકો, ગ્લોબ થિયેટર તો ફિનિક્ષ પંખીની  જેમ ફરી બેઠું થાય છે. પણ એવું થતાં સાડા ત્રણસો વર્ષ વીતી જાય છે. એ કેવી રીતે પાછું ધબકતું થાય છે એ વાત કરીએ, એ પહેલાં થિયેટર ચાર્લ્સ બીજાના કાર્યકાલ દરમ્યાન કેવી રીતે પાછું સજીવન થાય છે ને નાટ્યક્ષેત્રે કેવા ધરમૂળથી ફેરફારો થાય છે તેની વાત જાણીએ.

નાટ્ય ક્ષેત્રે ફેરફારો તો થયા પણ એ પહેલાં રાજકારણમાં કેવા ભયંકર ખેલ ખેલાયા, એ પણ જાણીએ। પ્યુરિટનસે ઓલિવર ક્રોમવેલની સરકાર હેઠળ બ્રિટનના રાજા ચાર્લ્સ પ્રથમને બંદીવાન બનાવી ખટલો ચલાવી, ગુનેગાર ઠેરવી જાહેરમાં ફાંસી આપી. ક્રોમવેલના મરણ બાદ એનો દીકરો વરસેક માટે ગાદીએ આવે છે પણ એ બાજી સંભાળી નથી શકતો તેથી એના પછી થોડી અંધાધૂંધી થાય છે ને પછી લોન્ગ પાર્લામેન્ટ ભરાય છે. એમાં ચાર્લ્સના પુત્ર ચાર્લ્સ દ્વિતિયને રાજગાદી સંભાળવાનું આમંત્રણ મળે છે. એ આમંત્રણ સ્વીકારી ગાદીએ આરૂઢ થાય છે. હવે રોયાલીસ્ટ એટલે કે રાજા તરફી માણસો બદલો લેવા ઉત્સુક છે ને ક્રોમવેલ જે કબરમાં પોઢી ગયેલો એ કબરમાંથી તેને એટલે કે તેના શબને બહાર કઢાય છે. તેના શબને ચાર્લ્સ પ્રથમને ફાંસી અપાયાની બારમી સંવત્સરીએ એટલે કે 30મી જાન્યુઆરી 1661ના રોજ મરણોત્તર ફાંસી અપાય છે. ફાંસી અપાયા પછી ધડને ખાડામાં ફેંકી દેવાય છે ને માથું કાપી વેસ્ટમિનિસ્ટર હોલ આગળ સન 1685 સુધી પ્રદર્શનમાં મુકાય છે. પછી તો એ મસ્તકનું વેચાણ થાય છે ફરતું ફરતું છેવટે સન 1960માં કેમ્બ્રિજની એક કોલેજના ચેપલમાં ફરી દફનાવાય છે. જોકે ક્યાં દફનાવાયું છે તે જાહેર થતું નથી. માત્ર એક તખ્તી મુકાય છે કે અહીં કશેક એની કબર છે. કેવું વેરભાવનાનું સાચુકલું ચીતરી ચઢે એવું કૃત્ય નહિ ?

થિયેટર તરફ પાછા વળીયે. કેવી વિડંબના કે પ્યુરિટન્સ જેમણે નાટકને દેશવટો આપ્યો એમના જ કાળમાં યુરોપમાં પ્રચલિત એવા ઓપરાનો દેશી અવતાર નિર્માણ પામ્યો.

રાજા ચાર્લ્સ નાટ્યપ્રેમી હતો એથી થિયેટરને પ્રોત્સાહન મળ્યું અને અનેક નવા થિયેટરો આવ્યા ને નાટ્ય પ્રવૃતિઓ પછી જોરદાર ચાલવા લાગી। જોકે ગ્લોબ થિયેટર ફરીથી ઊભું ના થયું કારણ કે એના બધા જુના ભાગીદારો તો મરી પરવાર્યા હતા. એમના વારસદારો પાસે નવું થિયેટર બાંધવાના પૈસા નહિ હોય અથવા ઈચ્છા નહિ હોય. જુના નાટ્યકારો ને અદાકારોએ જગતના તખ્તા પરથી એક્ઝીટ લઇ લીધેલી. ઓપન એર થિયેટરનો જમાનો પતી ગયો હતો. એક આખો યુગ સમાપ્ત થઇ ગયો હતો એમ કહીએ તો ચાલે. નવા થિયેટરો જે બન્યા તે બંધ મકાનમાં બન્યા જ્યાં ટિકિટના દર ઊંચા હતા.

સૌથી મોટો ફેરફાર એ થયો કે અત્યાર સુધી પુરુષો સ્ત્રીઓના પાઠ ભજવતા હતાં. હવેથી સ્ત્રી પાત્રો ભજવતી થઇ ગયી. એલિઝાબેથના સમયથી જ યુરોપના અન્ય દેશો જેવા કે ઇટાલી, સ્પેન, ફ્રાન્સમાં નટીઓનું તખ્તા પર આગમન થઇ ચૂક્યું હતું.  રૂઢિચુસ્ત ઇંગ્લેન્ડમા જ એનું આગમન મોડેથી થયું. ચાર્લ્સ પ્રથમના રાજ્યકાળ દરમ્યાન સ્ત્રી નટીઓએ એ નાટકમાં ભાગ લીધેલો, પણ એ સ્ત્રીઓ ફ્રેન્ચ હતી. રાજાની પત્ની હેન્રીએટ મારિયા જે પોતે ફ્રેન્ચ હતી તે ફ્રાન્સથી એક નાટ્યમંડળી બોલાવે છે ને એમાં પેલી નટીઓ અભિનય કરતી હતી. લંડનના બ્લેકફ્રાયર થિયેટરમાં એના પ્રયોગો થયા. પ્રેક્ષકોના પ્રતિભાવો દ્વિધાભર્યા હતાં. એક બાજુ તેમને નટીઓનું આગમન ગમ્યું ને બીજી બાજુ સ્ત્રીઓને તખ્તા પર જોઈને ઘા ખાઈ ગયા. રૂઢિચુસ્તોને આ પરદેશી રસમ ગમી નહિ કારણ એ એમની પારંપારિક પ્રથાઓથી ઉફરી હતી. પ્યુરિટર્ન્સને તો આનાથી પોતાની ધાર્મિક માન્યતાઓ પર જાણે પ્રહાર થયો હોય એવું લાગ્યું. લંડન બિશપને તો થોમસ બ્રાન્ડે નામના શખ્સે પત્ર પણ લખ્યો. “સદનસીબે પ્રેક્ષકોએ એમનો હુરિયો બોલાવ્યો, પથરાઓ પણ ફેંક્યા આથી તેઓ અહીં આવવાની ફરીથી હિંમત નહિ કરે.”  જોકે એમાં કેટલાક એવા પણ હતા કે જેમને આમ કશો ઔચિત્ય ભંગ થતો હોય એવું દેખાયું નહિ. ટૂંકમાં કાગડા બધે કાળા. કોઈ પરદેશી આપણને જો એવું સંભળાવે કે “તમે ભારતીયો તો બહુ રૂઢિચુસ્ત, ક્યારે મોર્ડન બનશો “ત્યારે એમને આ વાત સામે કરી દેવાની. એક રાજકીય પ્યુરિટન આગેવાન અને લેખક વિલિયમ પ્રાઈને આવા બધાની લાગણીઓનો પડઘો પોતાના પોતાના પુસ્તક “હિસ્ટ્રીઓમેસ્ટિક” માં પાડ્યો છે. “આ ફ્રેન્ચ સ્ત્રીઓ તો  જાણે ઉદ્ધત, બેશરમ, બેહયા , ભાયડાછાપ હોય છે.” આ પ્યુરિટન્સને તો સ્ત્રીઓનો જ વાંધો હતો એમ નહિ, એમને તો પુરુષો સ્ત્રી પાત્રો ભજવે એની સામે પણ સખત રોષ હતો. આમ તખ્તા પર સ્ત્રીઓનું પ્રથમ આગમન તો સરિયામ નિષ્ફળ ગયું.

મઝાની વાત તો એ છે કે તખ્તા પર સ્ત્રીઓના આગમાં માટે પ્યુરિટન્સ જ કારણભૂત બન્યા ને એમણે નાટકો ભલે બંધ કરાવ્યા પણ તખ્તા પર સ્ત્રીઓનું આગમન એમના જ રાજમાં બન્યું. આ કેવી રીતે થયું એની રસિક વાત આવતા  વખતે કરીશું. તો મારી સાથે ચાલવાનું ન ભૂલતા. તો ચાલશું સાથે આવતા શનિવારે.   

(વધુ આવતા શનિવારે)

2 thoughts on “ચાલો મારી સાથે – (૯) – ઉત્કર્ષ મઝુમદાર

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s