નિકી – વાર્તા – રાજુલ કૌશિક


“નિકી, કયા શબ્દોમાં અમે તારો આભાર માનીએ? વી હેવ નો વર્ડસ ટુ સે થેન્ક્સ” વોશિંગ્ટન અને વડોદરા વચ્ચે વૉનેજ ફોન-લાઇન ઉષ્મા અને આંસુથી ભીની થતી જતી હતી.

એના એક છેડે હતી નિકી –નિકીતા અને બીજા છેડે સ્પીકર પર હતા નિમિષ અને માધવી. નિમિષ અને નિકીતા જોડીયા પણ તેમનો સંબંધ ભાઇ-બહેન કરતાં મિત્રો જેવો વધુ હતો અને એમાં માધવીના નિકીતા પ્રત્યેના મૈત્રીપૂર્ણ વ્યહવાર અને સમજણે એને વધુ ને વધુ ગાઢ બનાવ્યો હતો. કોણ કહે છે ભાભી આવે એટલે ભાઇ વહેંચાઇ જાય? આ ભાભીએ તો ભાઇ- બહેનના સ્નેહભર્યા સંબંધમાં પોતાનો પ્રેમ ઉમેરીને એને વધુ સમૃદ્ધ બનાવ્યો હતો.

આ આભારનો સિલસિલો હજુ ય થોડો લંબાયો હોત પણ પપ્પાને આવતા જોઇને નિકીએ ભાઇ-ભાભી સાથેની વાતને ઝડપથી આટોપી લીધી. રખેને પપ્પા વાતના સૂર પરથી મર્મ જાણી લે તો એનું કર્યુ કારવ્યુ, એણે ઉગામેલું લાગણીનું શસ્ત્ર વિફળ જાય.

છેલ્લા ચાલીસ વર્ષથી રાજેશ અને સુધીરની ‘દો જીસ્મ મગર એક જાન હૈ’ જેવી જડબેસલાક દોસ્તી….સમય વહેતો ગયો એમ દોસ્તીની જડ વધુ મજબૂત થતી ગઈ. રાજેશ-રૂપાને એક દિકરો- કેવલ અને સુધીર- નયનાને બે સંતાનો, નિકીતા અને નિમિષ. સાથે રમીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ ગાતા ગાતા કેવલ,નિકિતા-નિમિષની ત્રિપુટી મોટી થતી ગઈ એમાં એક કામ સૌથી સારુ એ થયું કે એકબીજાને પસંદ કરતા નિકિતા અને કેવલના પ્રણય અને પરિણયના લીધે આ બંને પરિવારોનો સંબંધ વધુ ગાઢો બન્યો.

રાજેશ-રૂપા,  કેવલ અને નિકિતાનું નાનુ કુટુંબ સુખી કુટુંબ…કેવલે રાજેશનો બિઝનેસ સંભાળી લીધો અને નિમિષ ફાર્મસીમાં એમ.એસ. કરીને અમેરિકન કંપની સાથે જોડાઇ ગયો. સમય આવ્યે મમ્મી-પપ્પાની પસંદ માધવી સાથે પરણ્યો. માધવી સરસ છોકરી હતી. અમેરિકા જતાં સુધીમાં જેટલો સમય મળ્યો એટલા સમયમાં તો એ સૌની નજીક આવી ગઈ. એને સૌથી વધુ ફાવી ગયું નિકિતા જોડે.

“જો ભાભી, મને નિકિતાની પાછળ લાગેલું એ ભારેખમ બહેનનું વળગણ ના જોઇએ. બહેન શબ્દ સારો છે પણ મને તો માત્ર નિકિતા કે નિકિ કહીને બોલાવશો તો વધારે ગમશે.

“અને મને ભાભી કહીને મોટાભા કરવાની ય જરાય જરૂર નથી, મને પણ માધવી કહીને બોલાવવામાં આવશે તો જ મને ફાવશે.” માધવી પણ હક જમાવવામાં જરાય પાછી પડે એવી નહોતી. અને જોત જોતામાં તો નિકિ અને માધવી નણંદ-ભાભી મટીને સહિયર બની ગયા.

અમેરિકા સ્થાયી થયા પછી છેલ્લા પાંચ વર્ષમાં એક પણ વર્ષ એવું ગયું નહોતું કે જેમાં નિમિષ અને માધવી વડોદરા ના આવ્યા હોય. છેલ્લે તો મમ્મી-પપ્પાની સાથે નિકિ-કેવલ અને રાજેશ-રૂપા પણ નિમિષ માધવીનો સુખી સંસાર જોઈ અને એમની હુંફાળી મહેમાનગતિ માણી ગયા.

સરસ મઝાનો સમય વહેતો હતો. પણ આ સમયને પણ ક્યાં એક સરખું વહેવું ગમતું હોય છે? સાવ જ ટુંકા સમયની માંદગીમાં જ નિમિષ અને માધવી આવે પહોંચે તે પહેલા જ નયનાનું અવસાન થયું. હસતા રમતા પરિવાર પર કાળે કેર વર્તાવ્યો. પપ્પાને એકલા મુકીને જવાનું નિમિષ કેમે ય કરીને વિચારી શકતો નહોતો અને પપ્પા કેમે કરીને એની સાથે જવા તૈયાર થતા નહોતા.

છેવટે રાજેશભાઇએ વચલો માર્ગ કાઢ્યો. નિમિષને સમજાવ્યો…

“સમય જવા દે નિમિષ, તને લાગે છે કે આ નિર્ણય લેવો એટલો અઘરો નથી તો સાથે સુધીર માટે એકદમ આ નિર્ણય લેવો સહેલો પણ નથી જ .તું નિશ્ચિંતતાથી પાછો વળ. સુધીરને કળ વળવા દે અને એ સાવ એકલો ક્યાં છે? અમે છીએ , અને બધું થાળે પડે ત્યાં સુધી નિકિ અને કેવલ થોડા દિવસ સુધીર પાસે રહેશે.

નિકિતા પપ્પા પાસે રહી અને નિમિષ-માધવી ચિંતા અને ભાર સાથે પાછા ફર્યા. સૌ જાણતા હતા કે આ કાયમી ઉકેલ નહોતો. નિકિતા પણ કેટલું રહી શકે? રોજ સાંજ પડેને રાજેશ-રૂપા તો ક્યારેક રાજેશ સુધીર પાસે આવીને બેસતા. સમય આગળ વધતો હતો પણ કોઇ ઉકેલ આવતો નહોતો. રાજેશે સુધીરને સમજાવવાની એક પણ કસર છોડી નહોતી. એ પણ જોઇ રહ્યો હતો કે સુધીર એકલો સાવ એકલો, એકાકી બની ગયો છે. નિકી-કેવલની હાજરી હોવા છતાં પણ આ ઘર હવે તો એને ખાવા ધાતુ હતું.

સુધીર પણ મનથી સમજતો હતો કે આ ક્યાં સુધી? કેટલો સમય? ઓફિસે તો જવાનું એણે પણ ચાલુ કરી દીધું હતું. નિકીની હાજરીના લીધે ઘર સાવ સૂમસામ માળા જેવું ય નહોતું લાગતું. તેમ છતાં કશુંક ખુટતું હતુ અને મન અંદરથી તુટતુ જતું હતું. પોતાના માટે નિકીને પણ અહીં રોકી રાખવી યોગ્ય નથી એમ સતત લાગ્યા કરતું હતું. આજ સુધીની રાજેશની મૈત્રી કહો કે એની લાગણી વ્યહવારિકતાને અતિક્રમી જતી હોય એવું સતત એને લાગ્યા કરતું. એને તો કોઇ રસ્તો દેખાતો નહોતો પણ……

એક રસ્તો રાજેશને દેખાતો હતો અને એ રસ્તે એણે સુધીરને સમજાવવાના પ્રયત્નો આદર્યા.“ યાર, તું અને હું વેવાઇ બન્યા એ પહેલા મિત્ર હતા એ મૈત્રીના દાવે હું તને કંઇપણ કહું તો તું માને  કે નહી? નિકી અને કેવલ આમ વહેંચાયેલા રહે એના કરતાં તું અમારી સાથે આવીને રહીશ તો બધુ થાળે પડી જશે. આમ પણ હવે કેવલે ઓફિસ સંભાળી લીધી છે એટલે મારા માથે કામનું ભારણ પણ રહ્યું નથી તો મને પણ કંપની મળશે અને આપણા બંનેનો સમય સરસ રીતે પસાર થઈ જશે. ત્યાં બેઠા નિમિષ અને માધવીને પણ તારી ચિંતા થોડી હળવી થશે.”

ત્યારે સુધીરની એક માત્ર દલીલ હતી “ આ દુનિયામાં મારા સિવાય કોઇ એકલું પડ્યું જ નથી? સાથે રહેનારા સાથે જ વિદાય લે એવા સુખીયા જીવ આજ સુધી તો જોયા નથી. બધા ય પોત પોતાના રસ્તા કરતા જ હશે ને?”

“રસ્તા તો છે જ ને ? નિમિષ-માધવીનો આગ્રહ છે કે તું એમની સાથે રહે પણ મને ખબર છે કે ત્યાં તને ઝાઝુ ગોઠશે નહીં તો મેં કહ્યું એ દિશામાં તું કેમ વિચારતો નથી? એકવાર થોડા દિવસ માટે પણ તને અનુકૂળ આવે છે કે નહીં એ આવીને જો. અને જો દોસ્ત એક વાત કહું ? રાહ એમની જોવાની હોય જે તમારાથી કોઇ વળાંક પર અલગ થયા હોય પણ જે તમને રસ્તે ચાલતા જ છોડીને ગયા છે એની પાછળ મીટ માંડીને બેસી રહેવાનો શો અર્થ? હું પણ જાણું છું નયનાભાભીનું આમ અચાનક ચાલ્યા જવું બધાને બહુ વસમુ લાગ્યુ છે તો તને તો કેવું કપરું લાગતું હશે. હું એ પણ જાણું છું કે દિલાસો આપવો કે સલાહ આપવી સહેલી છે પણ શું કરુ? તારા માટે જીવ ખેંચાય છે ને એટલે બોલ્યા વગર પણ રહી નથી શકતો.”

ક્ષણો, કલાકો, દિવસો, મહિનાઓ પસાર થતા ગયા. નિકીને પણ સુધીરે આગ્રહપૂર્વક એના ઘેર પાછી જવા સુધીરે સમજાવી લીધી. નિકીએ એક શરતે ઘેર પાછા જવાનું મંજૂર રાખ્યુ..” પપ્પા રોજ સાંજ પડે તમારે મારા ઘેર આવશો અને જમશો..તો જ હું પાછી મારા ઘેર જઈશ નહીંતર તો મારા અડીંગા અહીં કાયમ માટે ખોડી દઈશ.”

હાલ પુરતી તો સુધીરે એ શરત મંજૂર રાખી . આજ સુધી રાજેશના ઘેર જવાની ક્યાં નવાઇ હતી? અરે ! આજ સુધી એ પોતે –નયના અને રાજેશ-રૂપા કેટલું સાથે ફર્યા હતા. કોઇ જુદાગરો જ નહોતો. આ હંગામી વ્યવસ્થા પણ સ્વીકારી લીધી. પરંતુ એણે અનુભવ્યું કે આજ સુધી અહીં આવવામાં જે સહજતા લાગતી હતી એ એટલી સાહજિક નહોતી લાગતી.

રાજેશ-રૂપાની વધુ પડતી કાળજી એને અકળાવતી હતી. સુધીરને શું ભાવશે અને શું ખાશે એના પરથી વાત શરૂ થઈને હવે ઘેર જઈને શું કરશે એની પર અટકતી.

“અરે ભાઇ ! હું તો અહીં આવીને કેટલીય વાર તૈયાર ભાણે જમી ગયો છું. ખીચડી અને ખાખરા પણ મને ભાવે છે તો શા માટે આટલી બધી આળપંપાળ ?  નિકી પણ જાણે પપ્પાને અનુલક્ષીને જ રોજનીશી ઘડતી. સુધીરને આ બધું જરાય ગમતું નહોતું.

એક દિવસ પાછા જતા પહેલા જ જણાવી દીધું…..કાલથી મારી રાહ પ્લીઝ ના જોતા. મારા માટે મહારાજની વ્યવસ્થા કરી લીધી છે.

નિકી અવાચક…

“રાજેશ પ્લીઝ, મને માફ કર. રૂપાભાભી તમે પણ જરાય દુઃખના લગાડતા. આ પણ મારું જ ઘર છે. મન થશે ત્યારે સામે ચાલીને કહી દઈશ પણ હવે મને મારી જાતને મારી રીતે ગોઠવતા શીખવા દો.

થોડો સમય તો પાછું બધુ થાળે પડતું ગયું. દહાડા દુઃખના ઓસડ જેવુ કામ કરી રહ્યા છે એવું ય સૌને લાગવા માંડ્યુ. સમય સરસ માઝાનો તો નહીં પણ સરળતાથી વહે છે એવું ય લાગવા માંડ્યુ પણ સમયને ક્યાં એક સરખું વહેવું ગમતું હોય છે?

શહેરમાં ફેલાયેલા ચિકન ગુનિયાએ સુધીરને સપાટામાં લીધો. શરૂઆતમાં સાંધાના દુખાવાને એણે ઝાઝુ મહત્વ ના આપ્યું.

“ચોમાસાની સીઝન છે ને બેટા, વાતાવરણ જ એવું છે કે શરીરમાં સુસ્તી ભરાઇ જાય છે. પણ એ તો બે દિવસમાં ઠેકાણુ પડી જશે.”

બે દિવસમાં તો કંઇ ઠેકાણુ ના પડ્યુ એના બદલે સાંધા જકડાવા માંડ્યા. સાંધાનો દુખાવો સ્નાયુ સુધી પહોંચ્યો. હાથના કાંડા, પગની ઘૂંટી પાસેનો સાંધા અત્યંત વેદના આપવા માંડ્યા.  માથાનો દુઃખાવો, અશક્તિ, ઉબકા, ઉલટીથી શરૂ થયેલી યાતના તાવ અને અંતે ચિકન ગુનિયાના નિદાને જઈને અટકી.

ફરી એકવાર નિકી સુધીર પાસે આવીને રહી. ફરી એકવાર રાજેશ-રૂપાની આવન-જાવન અહીં વધી ગઈ. સમજોને કે લગભગ રોજ સાંજે તો રાજેશનો એક આંટો સુધીર પાસે નિશ્ચિત થઈ ગયો. લગભગ એક મહિનો ચાલેલી માંદગીના અંતે નિકીએ નિર્ણય કર્યો.

સવારે ઉઠીને સુધીરે જોયું તો નિકી સુધીરનો સામાન પેક કરી રહી હતી. ..

“ આ શું કરે છે નિકી?”

“સામાન પેક કરું છું પપ્પા” નિકીએ ટુંકાણમાં સીધો સટ જવાબ આપી દીધો અને ફરી કામે વળગી.

“કેમ ? ક્યાં જવાનું છે?”

“ મારા ઘેર.”

“હેં?”

“હા..”

હા પર ભાર મુકીને નિકીએ પોતે લીધેલા નિર્ણયને ફરમાન રૂપે પપ્પા પાસે રજૂ કરી દીધુ.

“ હવે તમે અહીં એકલા નહી રહો. બહું થયું હવે.”

“ખોટી જીદ છે તારી નિકી.”

“ સાચી કે ખોટી … તમારે માની લેવાની છે.”

“નિકી….”

“પપ્પા. ધેટ્સ ઇટ, ઇનફ..હવે તમારું કશું જ સાંભળવામાં નહી આવે. આજ સુધી સાચી કે ખોટી તમારી જીદ  અમે પોષી હવે તમારો વારો પતી ગયો અને મારો શરૂ થયો. હવે હું તમને એકલા મુકીને જઈ શકુ એમ નથી અને હંમેશ માટે હું અહીં રહું એ તમને ય નહી ગમે એટલે મારી સાથે તમારે મારા ઘેર જ આવવાનું છે.”

“નિકી…..”

“નો નિકી… નથીંગ મોર ટુ સે….”

“ એક મિનીટ નિકી… નિમીષને ફોન કર અને એને હું ત્યાં કાયમ માટે અમેરિકા આવું છું એવું કહી દે.”

“પપ્પા??”

“ યસ નિકી.”

નિકીતાની આંખોમાં આંસુ ઉભરાયા.

“ હા બેટા! સાચું જ કહું છું. હું નિમિષના ઘેર અમેરિકા જવા તૈયાર છું.”

“બસ ને પપ્પા, અંતે તો તમે મારા અને ભાઇ વચ્ચે મારું સ્થાન ક્યાં છે એ બતાવી દીધું જ ને? કેમ દિકરાના ઘેર રહેવાય તો દિકરીના ઘેર કેમ નહીં? અને એ ઘર દિકરીનું પણ ક્યાં છે? એ તો તમારા જીગરી દોસ્તનું ઘર છે અને એ પણ એવું જ ઇચ્છે છે કે તમે હવે અમારી સાથે આવીને રહો.”

“દિકરીના ઘેર રહેવાય, દોસ્તના ઘેર રહેવાય પણ દોસ્તના ઘેર પરણાવેલી દિકરીના ઘેર ના રહેવાય. આમાં હું કોઇ પરંપરાગત સામાજિક ઢાંચાના લીધે આવું કહું છું એવું પણ નથી. હું વાસ્તવિક છું અને કેટલીક વાસ્તવિકતા અવગણી શકાય એમ નથી હોતી. આજ સુધી તું  આ બે ઘર વચ્ચે દોડાદોડ કરીને શારીરિક રીતે ઘસાતી હતી હવે જો હું તારા ઘેર આવીને રહું તો તું માનસિક રીતે કેટલી ઘસાય એની કલ્પના કરીને કહું છું. દિકરીનું લોહી છે ને બાપ તરફ ઢળે એ સ્વભાવિક છે . રખેને કાલ ઉઠીને તું મારી દરકાર કરવામાં તારી ફરજ ક્યાંક ચૂકે તો હું મારી જાતને ક્યારેય માફ ના કરી શકું. દિકરીની લાગણી માટે દોસ્તીને દાવ પર ના મુકી શકુ. મને તારા પર જેટલો વિશ્વાસ છે એના કરતાં ઘણો વધારે વિશ્વાસ રાજેશ માટે છે. એ પણ હંમેશ એવું જ ઇચ્છશે કે તું મારું બરાબર ધ્યાન રાખે અને માટે જ તમારા બધાની લાગણીને ધ્યાનમાં રાખીને જ હું આ નિર્ણય પર આવ્યો છું અને આમ પણ નિમિષ અને માધવીની ઇચ્છા પણ એવી જ છે ને કે હું ત્યાં એમની સાથે જઇને રહું.”

“પપ્પા…”

“ના બેટા ! મને બોલી લેવા દે. મારી વાત પુરી નથી થઈ. પહેલા પણ હું કહેતો હતો કે દુનિયામાં એકલો પડનાર પુરુષ હું જ છું એવું નથી. આજ સુધી કેટલાય લોકોને એમની એકલતાનો સામનો કરતા જોયા છે મને પણ એમ હતું કે તમારા બધાનો સાથ છે તો હું પણ મારી એકલતાને પહોંચી વળીશ પણ તમે બધાએ તો મને સાથ આપવાના બદલે જરા વધુ પડતો… જરૂર કરતાં પણ વધુ સાચવવા માંડ્યો. હવે તો મને તમારી લાગણીનો પણ ભાર વર્તાય છે બેટા. અને સૌથી વધુ તારી લાગણીની ચિંતા છે મને અને માટે જ હું નિમિષ-માધવી સાથે રહેવા તૈયાર થયો છું. થોડા સમય માટે તો થોડા સમય માટે પણ હું જઈશ. આ ઘર એમ જ મુકીને અને મને જો ત્યાં અનુકૂળ નહીં આવે તો મારા નિર્ણય હું લઈશ.”

ઢગલાબંધ આંસુથી નિકીના ગાલ ખરડાતા જતા હતા પણ મનથી એને સંતોષ હતો કે ભાઇએ કીધું હતું એમ એ કરી શકી.

નિમિષ અને માધવી પાસે એક જ છેલ્લુ શસ્ત્ર હતું પપ્પાને ઇમોશનલી મનાવવાનું. નિમિષને ખબર હતી કે પપ્પા કોઇ કાળે નિકીના ઘેર રહેવા તૈયાર નહીં થાય અને એટલે જ એણે નિકીને આ છેલ્લું શસ્ત્ર અજમાવવા સમજાવી લીધી.

પપ્પાનો નિર્ણય જણાવવા નિકીએ ફોન કર્યો ત્યારે  બંને જણ ગદગદ થઈ ગયા.. “નિકી, કયા શબ્દોમાં અમે તારો આભાર માનીએ? વી હેવ નો વર્ડસ ટુ સે થેન્ક્સ” વોશિંગ્ટન અને વડોદરા વચ્ચે વૉનેજ ફોન-લાઇન ઉષ્મા, આંસુ અને આભારવશતાથી ભીની થતી જતી હતી.

“ બસ ભાઇ! હવે તું તારા આ આભારનો ભાર મારા પર ક્યાં સુધી ઠલવ્યા કરીશ?”

4 thoughts on “નિકી – વાર્તા – રાજુલ કૌશિક

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s