બે કાંઠાની વચ્ચે – (૧૮) – પ્રીતિ સેનગુપ્તા
ઘણા વખતથી વામાના કોઈ ખબર નથી, એમ કેતકીને લાગેલું. એક વાર સુજીતે પણ એને પૂછ્યું, હમણાં વામાનો ફોન-બોન આવ્યો નથી લાગતો.
વામાનું અત્યાર સુધીનું જીવન સુખ અને સ્નેહના વાતાવરણમાં ગયેલું. આર્થિક અછતનો તો એને ખ્યાલ જ નહતો, પણ માનસિક અજંપો પણ એણે ક્યારેય અનુભવ્યો નહતો. અમેરિકામાં અભ્યાસ દરમ્યાન યુવાનો એનાથી આકર્ષાતા રહ્યા હતા, ને બેએક સાથે સારી મૈત્રી પણ થયેલી.
છતાં, એ પ્રેમમાં પડી મૅલવિલની સાથે. ન્યૂયૉર્કમાં સફળ થયેલો એ આર્ટિસ્ટ હતો. દેખાવે, તેમજ સ્વભાવે અલગારી હતો. જુદો જ પડે જ્યાં હોય ત્યાં. બંને જણ એટલાં નજીક આવી ગયેલાં, કે લગ્ન કરવાનું બંનેને બિન-જરૂરી લાગતું હતું. વામાને વિશ્વાસ હતો, કે એ બંને હંમેશાં સાથે જ રહેવાનાં છે.
પણ ખરેખર તો, આ કમિટ નહીં કરવાનું બહાનું હતું. જો બંધન નહતું, તો સાચું સંધાન પણ નહીં જ હોય, નહીં તો આવું બને શા માટે?, વામા ઉદાસ થઈને વિચારતી હતી. બન્યું એવું, કે મૅલ સાથે વીક-ઍન્ડ સરસ ગયો, પછી છૂટાં પડતી વખતે એણે કહ્યું, કે વામા, હવે તું બૅગો પૅક કરવા માંડજે.
શેને માટે?, વામા સમજી નહીં.
તને સરપ્રાઇઝ આપવાની છે. મને ટૅક્સાસ યુનિવર્સિટીમાં બહુ સરસ ઑફર મળી છે- રૅસિડન્ટ આર્ટિસ્ટ તરીકેની. આપણે ઑસ્ટીનમાં રહીશું હવેથી. બહુ ક્યુટ શહેર છે. તને બહુ જ ગમશે.
મારું આખું જીવન બદલવાની વાત છે, ને તું આમ તદ્દન કૅઝ્યુઅલિ કહે છે? મને આગળથી કહ્યું નહીં, પૂછ્યું નહીં, તેં નક્કી કરી દીધું, ને હવે માને છે, કે હું —-
મૅલવિલે રુડલિ એને અટકાવી. તું મારી સાથે આવે છે, કે નહીં- તે કહી દે. બસ, બીજું બધું પછી.
આની આ જ સૅકન્ડે હું તને નહીં કહી શકું. મારે વિચાર કરવો પડે આ બાબતે. મૅલ, આપણે બંનેએ સાથે મળીને વિચારવું પડે – જીવનના આવા મોટા ચૅન્જને માટે.
પણ મૅલવિલ એકદમ ઊભો થઈ ગયેલો, અને વામાથી દૂર થઈ જઈને, જબરાઈથી એણે કહેલું, કે જો તને રસ ના હોય મારી સાથે ટૅક્સાસ રહેવા આવવામાં, તો હું મિરાન્ડાને ઇન્વાઇટ કરું ને? એ મારી સાથે બહુ ખુશીથી રહેશે ત્યાં.
એટલે? એટલે શું અર્થ થયો આ વાતનો?, વામા પણ સડાક ઊભી થઈને મૅલના ફ્લૅટમાંથી બહાર નીકળી ગઈ હતી. એક જ નામ લઈને, એના પ્રેમીએ, એને નહીંવત્ કરી દીધી હતી. એટલેકે મૅલ પેલી છોકરીની સાથે પણ સંબંધ રાખતો થઈ ગયો હતો? તેથી નહતો આવતો, વામાની સાથે, ઘણા શનિવારે?
મને કશો ખ્યાલ કેમ ના આવ્યો? મનને અંધ કરી દે તેવો પ્રેમ કર્યો, પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો એટલે? શું એ જ ભૂલ થઈ મારી?, વામા જાતને પૂછતી રહી.
પહેલી વારનો આ આઘાત બહુ તીવ્ર હતો. દોષ પોતાનો જ હતો. આવા પ્રેમ અને વિશ્વાસને ભોળપણ નહીં, મૂર્ખામી જ કહેવાય.
જીંદગીમાં પહેલી વારનો આવો વિચ્છેદ વામા સહી શકતી નહતી. કેટલાયે દિવસો સુધી, કામ પછીનો બધો સમય, એ પોતાના ફ્લૅટના એકાંતમાં વિતાવતી રહી. થોડા દિવસ બહાર જાઉં છું, પાછી આવીશ ત્યારે ફોન કરીશ, કહીને, ચંદાબહેનને પણ આવવાની ના પાડી દીધી. સાચું તો કોઈને કહેવું નહતું, પણ આન્ટીને તો સાવ જુઠું પણ ના કહેવાય. એમને પરાણે બેએક વાર મળી, ને ક્યારેક, આજે ઠીક નથી, કહીને ચલાવ્યું.
મૅલનો ફોન આવ્યો હતો. હવે એ વામાને મનાવવા ટ્રાય કરતો હતો. ડાર્લિન્ગ, તું જાણે તો છે મારો બધો પ્રેમ તારે માટે જ છે. પેલી મિરાન્ડા મારી પાછળ પડી. એણે જ મને લલચાવ્યો. બાકી મારે મન એ કશું જ નથી. ચાલ, આપણે મળીને, તેં કહ્યું એમ, સાથે ડિસ્કસ કરીએ.
ભલે આ મૉડર્ન જમાનો છે, વૅસ્ટર્ન સ્ટાઇલની લાઇફ છે, પણ એક સિરિયસ રિલેશનશિપ હોય, ને કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવા માંડે, એ વ્યક્તિને માફ કઈ રીતે કરી શકાય? આવા વિશ્વાસભંગ પછી વામાનું હૃદય મૅલની નિકટ જવા ઇચ્છતું નહતંુ. જે એક વાર આવું કરી શકે, તે ફરી નહીં કરે એની ખાત્રી શું? મૅલ પ્રત્યે પ્રેમ ને તિરસ્કારનાં મિશ્ર સંવેદન હતાં, ને આમ છેતરાયાની અંગત નાલેશી વામા પોતાને પ્રત્યે ભોગવી રહી હતી. ના, એની એ ભૂલ ફરીથી થવા દે, એટલી મૂર્ખ તો એ નથી જ.
લાયબ્રેરીમાંથી એણે બે-ત્રણ દિવસની રજા લઈ લીધી. થોડું વાંચ્યું, પણ વધારે સમય બ્યુટીફુલ મ્યુઝીક સાંભળતાં પસાર કર્યો. બીથોવનની મૅગ્નિફિસન્ટ નોટ્સ, સનિ રૉલિન્સનું પર્ફેક્ટ જાઝ, આન્દેસ પર્વતીય વાંસળીની કરુણ સૂરાવલિ, બેગમ અખ્તરના અવાજમાં ગાલિબની ગઝલ. દુનિયામાંના ઉત્તમ સંગીતનો પરિચય, તે ડૅડ પાસેથી મળેલો અખૂટ વારસો. આવા સમયે, ને કોઈ પણ સમયે, કામમાં આવે તેવી સંપત્તિ.
ડૅડ અને મમ્મી યાદ આવતાં એની આંખો છલકાઈ ગઈ. એમણે મને જે જે આપ્યું છે તે બધું મને જરૂર સાચવી લેશે. હમણાં, અને હંમેશાં, વામાએ આંખો લુછી.
એક સાંજે, ફોન પર સુજીત હતો. હું આટલાંમાં જ છું, તને મળવા આવી શકું?
પહેલાં તો વામાએ, નહીં ફાવે આજે, કહીને ના જ પાડી. પણ સુજીત પ્લીઝ, થોડી વાર માટે?, કરતો રહ્યો. એનો અવાજ કોઈ બેસૂરા થયેલા વાજિંત્ર જેવો સંભળાતો હતો.
ભલે, સુજીત, વામાએ કહ્યું.
એ તો બે મિનિટમાં જ ઉપર આવી ગયો. બિલ્ડીન્ગની લૉબિની અંદરના પબ્લિક ટૅલિફોન પરથી ફોન કર્યો હશે એણે.
દર વખતની જેમ, એ બહુ બોલતો કે હસાવતો નહતો. વામા પણ અત્યારે શબ્દોની સ્માર્ટ રમત ઍન્જૉય કરી શકે તેમ નહતી. શું થયું છે, સુજીત?, વામાએ પૂછ્યું, તો એણે એટલું જ કહ્યું, ઑફીસના પ્રૉબ્લૅમ છે. આપણે એની વાત નથી કરવી.
પણ હંમેશની અટક્યા વગરની વાતોની જગ્યાએ આજે ચૂપકીદી હતી.
બંનેનાં મનની હાલત સરખી હતી. બંને ઉદાસ હતાં.
સુજીત વાઇનની બૉટલ લઈને આવેલો. એણે ખોલેલી, વામાએ વાઇન ગ્લાસ કાઢેલા, ને બંને ચૂપચાપ, ધીરે ધીરે, વાઇનના સહેજ સહેજ ઘૂંટ લેતા રહેલા. થોડી વારે, અચાનક, બંનેના હાથમાંના ગ્લાસ ટેબલ પર મૂકી દઈને, એણે વામાને પાસે ખેંચી. કશું બોલ્યા વગર એને જોરથી ચાંપી, એવા જ જોરથી કિસ કરી. વામા પોતાની જાતને છૂટી ના કરી શકી. એના તરછોડાયેલા દિલને ઘણા દિવસે પ્રેમનો મલમ લાગી રહ્યો હતો.
સુજીતના હાથ વામાનાં પીઠ ને ખભા પરથી સરકવા લાગ્યા. સ્પર્શનો રોમાંચ થવાની સાથે જ, વામાનું મન કહેવા તો માંડ્યું, આ ખોટું છે, આ ખોટું છે, પણ હજી એ સુજીતના બાહુપાશમાં તો હતી જ.
ફોનની ઘંટડી વાગતાં એ ચમકી, જાણે ભાનમાં આવી. સુજીતે કહ્યું, પ્લીઝ, વામા, ના લેતી ફોન, પ્લીઝ.
ના, લેવો તો પડશે જ. આન્ટી હશે. નહીં લઉં તો ચિંતા કરશે. એ જાણે છે, મારી તબિયત ઠીક નથી.
થોડી વાર પછી “પાછો ફોન કરું છું”, કહીને વામાએ ફોન મૂકી દીધો, પણ સુજીતની પાસે એ ગઈ નહીં. સુજીત ઊભો થઈ ગયો હતો. જલદીથી, ફરી, વામાને એણે આલિંગનમાં લીધી, અને આવેગથી કિસ કરવા માંડ્યો. ડૂબવા માંડેલી વ્યક્તિ જેવી નિરાધારતા હતી એ ક્રિયામાં. ને હુંફ તો બંનેને મળતી હતી.
કંઇક સ્નેહથી, અને કંઇક નિરૂપાયે, વામાએ એને અળગો કર્યો. ઑફીસમાં જે પણ મુશ્કેલી હશે તેનો નિકાલ આવી જશે, સુજીત. પણ આ રીતે આપણે વર્તી ના શકીએ. જાણીએ જ છીએ ને?
સુજીત એને છોડી નહતો શકતો. વામા ચાહે તો એને આગળ વધવા દઈ શકે તેમ હતી, પણ એણે પૂરું ભાન પાછું મેળવી લીધું હતું. એણે ફ્લૅટનું બારણું ખોલ્યું, ને સુજીતને કહ્યું, આપણે મિત્રો છીએ, ને મિત્રોની જેમ જરૂર મળીશું- ફરી ક્યારેક. પણ અત્યારે આપણે કોઈ ભૂલ ના કરવી જોઈએ.
નીચું માથું કરીને, જે રીતે, સુજીત બહાર નીકળ્યો, તેની યાદથી વામા ઉદાસ થતી રહી. ધારો, કે એણે સુજીતની માગણી પૂરી કરી હોત, તો શું? આ તો મૉડર્ન ટાઇમ છે, જેને જે ગમે તે કરે, ને જ્યાં સુધી કોઈને દુઃખી ના કરીએ ત્યાં સુધી — આહ, પણ જો પોતે અને સુજીત શારીરિક સંબંધ એક વાર શરૂ કરે, તો એ થોડો, અથવા વધારે વખત, ચાલુ જ રહેવાનો, ને પછી શું એ સંબંધ કેતકીને દુઃખી નહીં કરવાનો?
આ જ વિચારને કારણે વામા સભાન બની જઈ શકી હતી, એ જ ઘડીએ, અને અટકાવી શકી હતી, એ આખી હોનારતને. સારું થયું, કે પોતાના પ્રેમના કરુણાંતને કારણે બીજા કોઈનાં જીવનમાં વિચ્છેદ થતો એ રોકી શકી.
આ પછી, ઘરમાં એકલાં બેસી રહેવાને બદલે વામાએ કામના કલાકો વધારી દીધા. નવા પ્રૉજૅક્ટમાં એનું મન પરોવાતું ગયું. એ દરમ્યાન ડૅડ અને મમ્મીના ફોન પણ આવતા હતા. એમને યુરોપ જવાનું હતું, ને વામાને ત્યાં મળવા આવવા આગ્રહ કર્યો. છેક ઇન્ડિયા ના આવે, તો હાફ-વે તો આવ, ડૅડનું કહેવું હતું.
આ દલીલ બરાબર હતી, વામાને લાગ્યું, અને થોડા દિવસ બહાર નીકળી જઈશ, તો મન પણ છૂટું થશે. એણે જૉબ પર પાછી રજા મૂકી દીધી. કપાતે પગારે રજા મળી શકે છે, તે ય ઘણું છે, એને લાગ્યું.
એ નીકળે તે પહેલાં, એક દિવસ ત્સિવિયાનો ફોન આવ્યો. અરે બ્યુટિફુલ વુમન, વ્હૅર આર યુ?
પછી કહે, મારો વર તને યાદ કરે છે.
કોણ, જોહાન?
હાસ્તો, બીજું કોણ? એણે પુછાવ્યું છે, કે ક્યારે મળીશ?
વામા યુરોપ જવાની છે, સાંભળીને, અમસ્તાં?, ત્સિવિયાએ પૂછ્યું.
વામાએ જણાવ્યું, કે વિઍનામાં હું ડૅડ અને મમ્મીને મળીશ. ડૅડને કોઈ મીટિન્ગ છે ત્યાં. તું જાણે છે ને, કે એમનું કાંઈ ને કાંઈ કામ ચાલતું જ હોય છે. પછી અમે ત્રણેય, મોત્ઝાર્ટ ફૅસ્ટીવલના કેટલાક કાર્યક્રમો સાંભળવા માટે, સાલ્સબર્ગ જઈશું. બોલ, આવવું છે તારે અને જોહાને? તમે બંને ઑસ્ટ્રિયાનાં જ છો ને?
જોહાન ત્યાંનો ખરો. હું સ્વિત્ઝરલૅન્ડની છું. અમે બંને જ્યુઇશ છીએ, ખ્યાલ છે ને?
હા, ત્સિવિયા, એ તો મને યાદ છે.
અમારાંથી અત્યારે નીકળાય તેમ નથી. પણ તારે મઝા છે, વામા.
ના, એવું જરા યે નથી. પણ આ રીતે, ડૅડ અને મમ્મીની સાથે થોડા દિવસ રહી શકાશે.
વામા જાણતી હતી, કે આજે આમ ફોન કરવાનું કારણ એ, કે એમને, ને એવી રીતે ન્યૂયૉર્કના આર્ટ-સર્કલમાં બધાંને, ખબર પડી જ ગઈ હશે, કે વામા અને મૅલ છૂટાં પડી ગયાં છે. એમાંનાં કેટલાંક ખુશ પણ થયાં હશે. મૅલવિલ બહુ ફેમસ આર્ટીસ્ટ હતો, ને કેટલીયે અમેરિકન સ્ત્રીઓ એની ગર્લફ્રૅન્ડ થવા આતુર હતી.
પણ ત્સિવિયા અને જોહાનને વામા ઘણા વખતથી ઓળખતી હતી. બંને એનાં નજીકનાં મિત્રો હતાં, અને એમનો ઇરાદો એને કંપની આપવાનો જ હતો, તે વામા સમજતી હતી. એણે ખાતરી આપી, કે પાછી આવશે પછી, એ જ ત્સિવિયાને ફોન કરશે.
બહુ સમયસર યુરોપ જવાનું ઊભું થયું. ડૅડ અને મમ્મીને પણ જાણે ઇન્સ્ટીન્ક્ટીવલિ ખબર પડી ગઈ હતી, કે વામાને થોડા દિવસના ચેન્જની જરૂર છે. પર્ફેક્ટ ટાઇમિન્ગ.
બાકી, મમ્મી, અને ડૅડ પણ, મારું મોં જોઈને જ જાણી જાય, કે કંઇક થયું છે; પણ કશું પૂછે નહીં. પોતાની દીકરી સાથે પણ, એવો અવિવેક ના કરે, ડૅડ તો. એવી સ્ટાઇલ હતી એમની. વામાને ડૅડ પર વહાલ ઊભરાઈ આવ્યું.
એમના જેવું બીજું કોઈ મેં જોયું નથી હજી સુધી. શું ક્યારેય મળશે મને, બીજું કોઈ એમના જેવું?, ઍટલાન્ટીક પરથી ઊડતા જતા પ્લેનમાં બેઠી બેઠી વામા વિચારી રહી હતી.
અમેરીકામા યુવાનોના જીવનની કશ્મકશ ની વાતનૂ સહજ નિરુપણ અને ‘ બેઠી બેઠી વામા વિચારી રહી હતી. આગંળની વાતની રાહ્
LikeLiked by 1 person
અમેરિકન યુવાનોની સ્વતંત્ર્તા કે સ્વછંદતાની વાત સહજતાથી જણાવી! પિતા પુત્રીના મિલનની વાતની રાહ…
LikeLiked by 1 person
વામાની મનોવેદના, અણીના સમયે સુજીતના બાહુપાશમાં થી મુક્તિ અને વામાનુ મનોમંથન સરસ ઉજાગર કર્યું.
પિતાની જેમ વામાને સમજવાવાળું બીજું કોઈ મળશે કે નહિ એની રાહ જોવી રહી.
LikeLike