હરિ, હું તો એવું જ માગું! – કરસનદાસ માણેક – આસ્વાદઃ સુરેશ દલાલ


હરિ, હું તો એવું જ માગું! – કરસનદાસ માણેક

એવું જ માગું મોત,

               હરિ, હું તો એવું જ માગું મોત!

આ થયું હોત ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,

અંત સમે  એવા  ઓરતડાની હોય ન  ગોતાગોત!

         હરિ, હું તો એવું જ માગું મોત!

અંતિમ શ્વાસ લગી આતમની અવિરત ચલવું ગોતઃ

ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણ-કપોત!

         હરિ, હું તો એવું જ માગું મોત!

કાયાની કણી કણીથી પ્રગટે  એક જ  શાન્ત સરોદઃ

જોજે રખે પડે પાતળું  કદીયે  આતમ  કેરું પોત!

         હરિ, હું તો એવું જ માગું મોત!

ઘનવન વીંધતાં ગિરિગણ ચડતાં, તરતાં સરિતા સ્ત્રોતઃ

સન્મુખ સાથી જનમજનમનોઃ અંતર ઝળહળ  જ્યોત!

         હરિ, હું તો એવું જ માગું મોત!

આસ્વાદઃ સુરેશ દલાલ

ઈશ્વર જીવન આપે છે. મનુષ્ય યથાશક્તિમતિ, એ જીવન જીવે છે. સંધર્ષો, મથામણો, આનંદ આ બધાંનો અનુભવ કરે છે. પ્રત્યેક મનુષ્ય વ્યાસ વિનાનું મહાભારત છે અને એની મનોભૂમિ કૃષ્ણ વિનાનું કુરુક્ષેત્ર છે. માણેક તો મહાભારતના અઠંગ અભ્યાસી.

કવિએ મોતને માગ્યું છે આ કાવ્યમાં. મનુષ્યને ઈચ્છા પ્રમાણેનું જીવન તો મળતું નથી, પણ ઈચ્છા પ્રમાણેનું મૃત્યુ મળે તો પણ કેવી ધન્યતા! મૃત્યુ એ જીવનનું પૂર્ણવિરામ છે કે નવજીવનની શરૂઆત છે એની ચર્ચા તત્વજ્ઞાનીઓ માટે છે. કવિ જે મૃત્યુને ઝંખે છે એ મૃત્યુ અત્યંત શાંત, નીરવ, સ્વસ્થ. મૃત્યુ પોતે જ જાણે કે ગીતા કે ગીતાનો સ્થિરપ્રજ્ઞાયોગ.

અંતિમ વેળાએ, અબળખા, ઓરતા, વાસના, મનોરથ, કોડ આ બધાંનાં વળગણ શા માટે? અ બધાંથી પર જીવનની જાણે કે સ્વાભાવિક ગતિ હોય એવી મૃત્યુની સ્થિતિ, ઉપસ્થિતિ હોવી જોઈએ.

મૃત્યુ આવે છે ત્યારે આપણે જીવન માટે વલખાં મારતા, તરફડિયાં મારતા માણસોને જોયા છે. જિજીવિષા એ રેશમનો તંતુ છે, કાથાનું દોરડું નહિ. પણ મનુષ્ય એ રેશમનું દોરડામાં રૂપાંતર કરી નાખે છે. આ કાયા, આ લોહી, લોહીનો લયઃ- આ બધાંનો ઘોંઘાટ નહિ કોલાહલ કે ધમાલ નહિ, પણ શરીરમાંથી એક શાંત સરોદ પ્રગટ્યાં કરે એની જ ઝંખના. આખી જિંદગી તો આત્માને ઓળખ્યા વિના ચાલી જતી હોય છે. અંતિમ સમયે શોધ બીજા કશાની નહિ, કેવળ આત્માની, આત્મા પાછળ છુપાયેલા પરમાત્માની જ હોય. હું મારામાં લીન થાઉં ત્યારે પણ પ્રાણ ઊડે તો જ કોઈક અ-લૌકિક આકાશ પામ્યાનો અર્થ અને આનંદ.

જીવનમાં કેટલીયે કપરી વિષમતાઓ વેઠી. સારાનરસા સઘળા અનુભવો કર્યા. વન પણ વીંધ્યા અને વાદળોનાં વન પણ વીંધ્યા. પર્વતોનાં કપરાં ચડાણ પણ કંઈ ઓછાં નહોતાં અને આ બધાંનો થાક ઊતરે એવી એક સરિતા પણ અવહેતી, જે પોતે તરતી અને તારતી. કવિનું અંતિમ સ્ત્રોત છે કે મૃત્યુ આવે ત્યારે આંખ સામે હોય કેવળ જનમોજનમનો સાથી- આપણા સૌનો, આપણે બધા જ સ્વજનથી વિખૂટા પડતા હોઈએ ત્યારે આપણો એકમાત્ર સ્વજન – સજ્જન – સજન પરમાત્મા. દયારામે પણ અંત સમયે અલબેલો ચેલો આવે એવી પ્રાર્થના કરી હતી. અને ટાગોરે સન્મુખે શાંતિનો પારાવાર હોય એવી ઝંખના પ્રગટ કરી હતી.

આખા જીવનની અશાંતિ વેઠ્યા પછી કોઈ પણ જીવ શાંતિને ઝંખે એ યાચના સ્વાભાવિક છે. મૃત્યુનું આ નાનકડું ગીત હકીકતમાં તો જીવનના વ્યાકરણનું પૂર્ણવિરામ છે.

*********

આ સાથે કરસનદાસ માણેકની અત્યંત પ્રસિદ્ધ કવિતા , “આ અમને સમજાતું નથી” ના પઠનની લિંક અહીં મૂકી રહ્યાં છીએ.

2 thoughts on “હરિ, હું તો એવું જ માગું! – કરસનદાસ માણેક – આસ્વાદઃ સુરેશ દલાલ

  1. મા કવિ કરસનદાસ માણેકની સુંદર રચના હરિ, હું તો એવું જ માગું! –
    અને આ સુરેશ દલાલ જેવા પ્રખર સાહીત્યકારનો આસ્વાદ
    ધન્ય
    સાથે અમને ખૂબ ગમતી અત્યંત પ્રસિદ્ધ કવિતા , “આ અમને સમજાતું નથી” ના પઠનનુ મધુર પઠન માણવાની મઝા આવી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s