થોડી ખાટી, થોડી મીઠી – (૧૭) – દિપલ પટેલ


હું 2014માં અમેરિકા આવી. ધીમે ધીમે નવા દેશમાં ગોઠવાઈ. શરૂઆતમાં હું ક્યાંય જાઉં અને બેઠી હોઉં તો કોઈ વ્યક્તિ મારી બાજુમાં આવીને ન બેસે, એ દૂર બીજી બેન્ચ ઉપર જઈને બેસે. મને ખરાબ લાગતું કે કેમ આ લોકો આવો વ્યવહાર કરતાં હશે? ધીમે ધીમે સમજાયું કે “America respects privacy!”. અને મને અમેરિકાની અમુક બાબતો ગમે છે એમની આ એક 🙂 

બીજી મને ગમતી વાત હોય તો એ છે “Everyone is different”. આ વાત પ્રસંગથી સમજાવું. આ વાત જય વસાવડાએ કહી છે એમનો પ્રસંગ છે. એ કોઈક બહારના દેશના એરપોર્ટ ઉપર બેઠા હતાં અને એક અમેરિકન છોકરી એમની બાજુમાં આવીને બેસી. જય વસાવડા થેપલા ખાઈ રહ્યા હતાં અને એમણે એ બહેનને પણ ખાવા માટે ધર્યા. એ બહેન એ ખાધા. ચોક્કસથી એમના માટે તીખાં હતા. જય વસાવડાએ એમને પૂછ્યું કે કેવાં લાગ્યા? તો એમણે જવાબ આપ્યો “It is different!!” આ પ્રજાને બીજી વ્યક્તિઓ કે વસ્તુઓને અલગ રીતે જોવાની કળા છે. સારું કે ખરાબ છે એના કરતાં કંઈક અલગ છે એવું માનવાવાળી પ્રજા છે! અને એ વાત મને બહુ પ્રભાવિત કરી ગઈ હતી અને મારા જીવનમાં મેં અપનાવી પણ. કોઈ વ્યક્તિ 10 વાગે ઉઠે, તો એ આળસુ જ હોય એવું જરૂરી નથી, એ કદાચ બહુ સુંદર પેન્ટર હોઈ શકે. એ આપણા કરતાં અલગ છે એનો અર્થ એ નહિ કે ખોટો કે ખરાબ કે સારો છે. આ બાબતે મને જજમેન્ટલ બનતાં રોકી. 

ત્રીજી વાત મને અમેરિકાની ગમી એ ત્યાંના લોકોની શિસ્ત અને સામાન્ય સિવિક સેન્સ. આ લોકો માટે એમની શિસ્ત એજ એમના સંસ્કાર! પોતાનું વાહન મૂકે તો પહેલાં એ જુએ કે બીજાના વાહનને નુકશાન નથી થતું ને? એમ્બ્યુલન્સ આવે અને ભરચક રોડ હોય તો પણ ગાડીઓ ખસીને એનાં માટે જગ્યા કરે. (આવું દ્રશ્ય જયારે મેં એક ઓવરબ્રિજ ઉપરથી જોયેલું ત્યારે હું સાચેમાં રડી હતી અને સલામ કર્યું હતું આ દેશના નાગરિકોને). 

એક નાનકડો કિસ્સો જે મારી સાથે થયો હતો એ જણાવું, એક દિવસ અમે સાંજે અમારી ગાડી લઈને બહાર જવા નીકળ્યા અને ગાડીના કાચ ઉપર વાઈપરમાં એક વળેલું એન્વેલોપ હતું. અમે જઈને જોયું તો એમાં એક ભાઈએ કંઈક આવું લખ્યું હતું. “મારુ નામ જો છે, આજે મારો દીકરો અમારી ગાડીનો દરવાજો જોરથી ખોલવા ગયો અને તમારી ગાડીને જોરથી વાગ્યો અને એના કારણે તમારી ગાડી ઉપર સ્ક્રેચ પડ્યો છે, માફ કરશો. આ મારો નંબર છે, તમારી ગાડીને રીપેર કરવાનો ખર્ચો હું આપવા તૈયાર છું. ફરીથી સોરી.” 
હા, ગાડી ઉપર સ્ક્રેચ પડ્યો હતો. બહુ મોટો નહિ, પણ હતો. અમે એ ભાઈને ફોન કરીને આભાર માન્યો. અને એ સ્ક્રેચ કદી રીપેર કરાવ્યો નહિ. એ સ્ક્રેચ જોઈને આ દેશના લોકોની પરવરિશમાં જે પ્રામાણિકતા છે એ હંમેશા અમને યાદ રહે એટલે. ગાડી અમે વેંચી ત્યારે પણ અમે એ સ્ક્રેચ રીપેર નથી કરાવ્યો. અને એ ચિઠ્ઠી હું અત્યારે પણ મારી સાથે લઈને આવી છું, સોવેનિયર તરીકે. 

મજાની વાત એ છે કે એ ભાઈ જયારે આ ચિઠ્ઠી લખતાં હશે ત્યારે અજાણતાં જ એમણે એમના દીકરાને પણ આ પ્રામાણિકતા શીખવી દીધી હશે અને આજ એમના સંસ્કાર 🙂  



ReplyForward

4 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – (૧૭) – દિપલ પટેલ

  1. મને આવો અનુભવ થયેલ છે . હું ગેસ સ્ટેસન પર હતી મારું ધ્યાન મિટર ગેઝ પર હતું એક આફ્રો અમેરિકન મારા ખભા પર લટકાવેલ પુર્સ સ્નેચ કરી ભાગ્યો . હવે મારી પાસે એક કોડી નહીં ગેસના પૈસા ક્યાંથી આપુ?એક આફ્રિકન લેડી આવી કાઉંટર પર ગઈ પૈસા ભરી દીધા. મને કહે જા પૈસા ભરાય ગયા છે , આ ખરાબ એરિયા છે અહી કદી આવીશ નહી. મે તેનું એડ્રેસ માગ્યુ જેથી હું તેણીને ચેક મોક્લાવી શકુ, જવાબ ડૉન્ટ વરી ગો. ગાડી સ્ટાર્ટ કરી જતી રહી …

    Liked by 1 person

  2. પશ્ચિમનીય એક સંસ્કૃતિ છે. જય વસાવડા કહે છે એમ It is different અને Everyone is different.

    અમેરિકનની પ્રમાણિકતા અને શિસ્તનો અમનેય અનુભવ છે. બસમાં રહી ગયેલું વૉલેટ ચાર દિવસે એકપણ ચીજ આઘીપાછી થયા વગર અકબંધ પાછું મળ્યુ છે.

    Liked by 1 person

પ્રતિભાવ