“વનિતા, તું ક્યાં છે?”- રશ્મિ જાગીરદાર


વ્હાલી સખી વનિતા,

મારી આ વખતની દિવાળી અમેરિકામાં થઇ, ખરેખરતો શું દિવાળી? ના સાથિયા, ના દીવડા, ના તોરણ, ના ફટાકડાના સતત સંભળાતા અવાજો!

આપણે તો દિવાળીની સાંજથી નવા વર્ષના આગમન સુધી સતત ફટાકડા ફૂટવાનો અવાજ અને લોકોના હર્ષની ચિચિયારીઓ અને કલબલાટ સાંભાળવા ટેવાયેલા. તો વળી મહિના પહેલેથી તો ઘર આંગણની સફાઈ ચાલુ થઇ જાય, શ્રાદ્ધ ચાલુ થાય એટલે સફાઈ ચાલુ. અને સફાઈ પતે પછી અવનવાં વ્યંજનો અને મીઠાઈઓની મહેકથી આખું ગામ મઘમઘી ઉઠે. વિવિધ રંગોળીથી ઘરના ઉમરા અને આંગણાં શોભી રહે. આપણી દિવાળી માટેની તૈયારી તો એવી કે, ઉડતાં પક્ષી અને ગામના કુતરાને પણ ખબર પડી જાય કે, દિવાળી આવે છે. આપણને અહીંની દિવાળી મોળી તો જરૂર લાગે પણ છતાં અહીં વસેલા આપણા ગુજરાતીઓ પણ સમયની અને કાયદાની મર્યાદામાં રહીને ખુબ ઉત્સાહથી ઉજવણી કરતાં હોય છે. ત્રણ- ચાર વિક-એન્ડ સુધી દિવાળી પાર્ટીઓ યોજાતી રહે. ડોલરની કમાણીમાંથી વસાવેલી મોંઘી દાટ સાડીઓ અને અનારકલી જેવા ટ્રેડીશનલ ડ્રેસો, બહાર નીકળે અને સજીધજીને બહેનો મેકપથી સુંદરતાને ઓપ આપીને નીકળે ત્યારે લાગે કે પરીઓ સ્વર્ગથી ઉતરી આવી છે! વળી આપણી દિવાળીની ટ્રેડીશનલ મીઠાઈઓ જેવી કે, ઘૂઘરા, ઘારી, મગજ, મોહનથાળ. તેમજ મઠીયા, સુવાળી, મઠરી અને ફરસી પુરી જેવા વ્યંજનો પણ આરોગવા મળે પણ આ બધું જ વિક એન્ડ ટુ વિક એન્ડ!

વનિતા, આ બધી દિવાળીની વાત તો મેં લખી નાખી, પણ આજે મને તારી ખુબ જ યાદ આવી ગઈ તેનું કારણ કહું? જો ને અહીં બધા મળે એટલે “હેપી ન્યુયર” બોલતા હોય પણ ગઈ કાલે હું એક દિવાળી પાર્ટીમાં ગયેલી ત્યાં મોટા અક્ષરે “સાલમુબારક” લખેલું બોર્ડ લટકતું હતું. તે જોતાં જ મને તારી યાદ આવી ગઈ. તને યાદ આવે છે એ ઉમરે એક દિવાળી વખતે તેં મને સાલમુબારક કહ્યું, તો સામે મેં તને કહ્યું,”સાલમુ બાળક” તારે તું હસી પડી અને કહ્યું, “બુધ્ધુરામ, આ કોઈ બાળક નથી સાતમું બાળક કે આઠમું બાળક ના જેવું સાલમુ બાળક નથી. આ તો છે સાલ-મુબારલ.” આ તારા તરફની મેં મેળવેલું પહેલું જ્ઞાન. અહીં સૌ એક બીજાને સાલમુબારક કહીને વધાઈ આપતાં હતાં. તે સંભાળીને મને આપણી બધી સખીઓની દિવાળી યાદ આવી ગઈ.

તને યાદ છે? વનિતા, આપણા ફળિયામાં આઠેક છોકરીઓ હતી. એમાં તું સૌથી મોટી હતી અમે બધા હજુ પહેલાં -બીજા ધોરણમાં હતા ત્યારે તું પાંચમાં ધોરણમાં હતી. એ સમયે અમને ન સમજાતી અનેક વાતો અમે તને જ પુછતા. તારો અનુભવ અમારા કરતાં થોડો વધારે, એટલે અમારા કેટલાક બાલીશ પ્રશ્નોના ઉત્તરો તું એક ગુરુની અદાથી આપતી. અત્યારે પણ મને એ દ્રશ્ય યાદ આવે છે, જ્યારે અમને બધાને ઓટલા પર નીચે બેસાડીને, તું અમને સમજાવવા ઉભી થઇ જતી. અમને એ વનિતા ખુબ ગમતી. બે લાંબા ચોટલા કમર સુધી લટકતા હોય, ચમકતો ગોરો રંગ તારા હાથ-પગ અને ચહેરાને અનન્ય સુંદરતા બક્ષતો. વળી અત્યંત નમણા ચહેરા પર મોટી વિશાળ-કાળી આંખો, નાનકડા રાણી-ગુલાબી રંગના હોઠ અને એકદમ ઘાટીલું ચુની પહેરેલું નાક! તું એટલી સુંદર લાગતી કે, ઘણીવાર તો અમે બધી છોકરીઓ તું શું કહે છે, તે સાંભળવાને બદલે તને જોવામાં એ પણ ભૂલી જતાં કે અમે શું પૂછ્યું હતું અને તું શું સમજાવે છે. પણ તું તો એ ઉંમરે પણ પાકી શિક્ષક હતી. જો અમારો પ્રશ્ન ભણવાના કોઈ વિષય બાબત હોય, તો તું બધાનો ક્લાસ લેતી હોય તેમ ભણાવવાનું ચાલુ કરે અને જવાબ સમજાવીને અમને આવડ્યું કે નહિ તે ચેક કરવા પ્રશ્નો પૂછે. અમે બાકીની બધી છોકરીઓ તો એક જ કક્ષામાં, એટલે જે યોગ્ય જવાબ ના આપે તેને બે વાર લખવાની સજા પણ ફટકારે! આમ છેક નાની ઉંમરે તું અમને ગુરુ જેવી લાગતી. કંઈ ના આવડે તો વનિતાને પૂછવાનું, એવી હૈયા ધારણ રહેતી.. રમત રમતી વખતે કે, બેઠા હોઈએ ત્યારે અમે બોલવામાં વિવેક ચૂકીએ કે, સંબોધનમાં કોઈ અયોગ્ય શબ્દો વાપરીએ તો તું ટોકતી થોડો પ્રેમ ભરેલો ગુસ્સો પણ કરતી. ત્યારે તું અમને “મોટી બેન” લાગતી.

જેમ દિવસો જતા ગયાં તેમ આપણે સાથે ઉછરતાં ગયાં અને મોટા થતાં ગયાં. આપણા બે નું ઘર એકદમ પડોશમાં જ, અને ગામમાં સળંગ ઓટલા તેમજ પાછળ સળંગ વાડા હોય તેવા ઘરો. એટલે આપણે તો એક જ ઘરમાં ઉછરતા હોઈએ તેવું વાતાવરણ. મને યાદ છે, તારી સાથે તારા દાદી રહેતા. તારા મમ્મી તો, તું ખુબ નાની હતી ત્યારે જ ગુજરી ગયેલા. તું એમને ખુબ મિસ કરે ત્યારે મારી મમ્મી તને પ્રેમથી બોલાવે, હસવું આવે તેવી વાર્તા કરે, અને કેટલીક વાર મારી નાનપણની વાતો કહીને તને હસાવે. યાદ છે એકવાર તારી મમ્મીના શ્રાધ્ધના દિવસે તું મને દૂધપાક આપવા આવેલી, ત્યારે તારો રડમસ ચહેરો જોઇને મારી મમ્મીએ કહેલું, “જો વનિતા, આજે હું પૂજા કરવા બેઠી હતી, ત્યારે આ તારી બેનપણી પણ હાથ જોડીને, ક્યાંય સુધી પ્રાર્થના કરતી રહી. પછી મેં જ્યારે પૂછ્યું કે, તેં ભગવાન પાસે શું માંગ્યું? તો ગાંડી કહે, મેં કહ્યું, હે ભગવાન, મને મારી મમ્મી જેવા ચશ્માં આંખ માટે આપજો!” સંભાળીને તું કેવી ખડખડાટ હસી પાડેલી, યાદ છે?

તે વખતે મારી મમ્મીની ઉમર પણ માંડ પચ્ચીસેક વર્ષની એટલે ઘણી વાર તે પણ તારા દાદીની સલાહ લેતી. બધું તો યાદ નથી પણ તે દિવસે સવારે મમ્મીએ મારા દાદીને ચા નાસ્તો આપવા ઉઠાડ્યાં, ત્યારે તેઓ બોલ્યા નહિ તો, મમ્મીએ તારા દાદીને તરત બોલાવ્યાં. દાદીએ તરત જ ડોક્ટરને બોલાવડાવ્યાં. તેમની સમજ અને સલાહ હંમેશા ખુબ કામ લાગતી. તે દિવસે મારા દાદી પણ અમને છોડીને ગયાં. ત્યારે આપણે બંને ખુબ રડ્યાં. પછી તેં કહ્યું,” ભગવાન કેવું કરે છે! તારી દાદીને લઇ ગયા અને મારી મમ્મીને!” તે દિવસે અને પછીના ત્રણ દિવસ અમારી રસોઈ તારા ઘરે જ બની.આપણા બંનેના ઘર વચ્ચે સહેજ પણ પરાયાપણનો અહેસાસ ક્યારેય નથી થયો. તને ભાવતું મારી મમ્મી બનાવે તો, તારે અચૂક મારા ઘરે મારી સાથે જ ખાવાનું એ એક આગ્રહ જ નહિ જાણે નિયમ હતો. બરાબર એવો જ નિયમ મારા માટે પણ હતો જ. નવા અથાણા બને ત્યારે એક નાની બરણીમાં ખાટું અથાણું દાદી મારા માટે મોકલી આપે કારણકે મને તેમનું અથાણું વધારે ભાવતું. ને તને ભાવતો, મારી મમ્મીનો છૂંદો, તારા માટે હું પોતે જ આપી જતી. આવી નાની નાની બાબતોમાં રહેલો સુક્ષ્મ આનંદ, આપણને આ ઉમરે પચાસ લાખની લોટરી લાગે તોય ભાગ્યે જ મળે, શું કહે છે?

અમે જ્યારે ટીનેજમાં પ્રવેશતાં હતાં ત્યારે તું તો ઘણી સમજદાર થઇ ગયેલી. એટલે એ વખતની નાની મોટી સમશ્યાઓ અને જરૂરી જાણકારી માટે, અમે તને જ પસંદ કરતાં. ઘરમાં મમ્મી કે મોટી બેન સાથે જે વાત કરતાં સંકોચ થતો તે તારી સાથે વાત કરવામાં નહોતો થતો. તું અમારી સાથે હોય એટલે અમારી મમ્મીઓને પણ કોઈ ચિંતા રહેતી નહિ. એટલે જ તો નવરાત્રીના દિવસોમાં સાંજની આરતી માટે, અને ત્યાં ગવાતા પાંચ ગરબાઓ માટે, તને ગોવાળિયો બનાવીને અમારા બધાની મમ્મીઓ અમને તારી સાથે મોકલી આપતી. અત્યારે યાદ કરું છું તો, તારી સૌ તરફની કાળજી -દેખરેખ અને જવાબદાર વર્તન મને આશ્ચર્ય પમાડે છે.

વનિતા, અમારી ફ્રેન્ડ, ફીલોશોફાર અને ગાઈડ તું ક્યા છે? તું પણ મારી જેમ ભગવાનને પ્રાર્થના કર કે આ ડીજીટલ યુગની ઝડપી રફતાર આપણને મળવાનો આનંદ બક્ષે. તથાસ્તુ.

લી. તારી વ્હાલી સખી અને તેના અંતરમાં ઉભરાતી લાગણીઓ.

રશ્મિ જાગીરદાર

4 thoughts on ““વનિતા, તું ક્યાં છે?”- રશ્મિ જાગીરદાર

 1. અમેરીકામા ઉજવાતી દીવાળીના અમારા અનુભવોનુ સુંદર વર્ણન
  સાથે અમારી વનિતા, ફ્રેન્ડ, ફીલોશોફાર અને ગાઈડ ની મધુરી યાદ
  ધન્યવાદ સુ શ્રી રશ્મીબેન

  Liked by 1 person

 2. અમેરિકામાં સાલમુબારક સાંભળવા મળે એ અહોભાગ્ય જ કહેવાય. વનિતાની મૈત્રી અને ગામમાં પડોશી વચ્ચેનો સ્નેહ, ક્યાંય પારકાપણુ ના લાગે.
  આશા છે તમને તમારી વનિતા જલ્દી મળે.

  Like

 3. ગામડાના પડૉશી પ્રેમ, અહી અમેરિકામાં તો પડોશીને ત્યાં ફોન કર્યા વગર જવાય નહીં
  રશ્મીબહેન તમને આ ડિજીટલ યુગમાં સખી વનિતા જરૂર જલ્દી મળશે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s