ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૬ -દીપક મહેતા


ચલ મન મુંબઈ નગરી(હપ્તો ૬) દીપક મહેતા

અમેરિકાનું રાષ્ટ્રગીત લખાયું હતું, મુંબઈમાં બંધાયેલ વહાણ મિન્ડેનના તૂતક પર

૧૯મી સદીમાં મુંબઈનું બંદર અને ગોદી

આજે આપણા પારસી ભાઈ બહેનોનું નવું વરસ છે એટલે સૌથી પહેલાં તો એમને નવરોઝ મુબારક. અને આજે જેમનું નવું વરસ છે તે કોમના એક ખાનદાનની વાત આજે કરવી છે. આ ખાનદાનનું નામ માત્ર મુંબઈમાં જ રોશન નથી થયું. આ ખાનદાનનું નામ માત્ર હિન્દુસ્તાનમાં જ રોશન નથી થયું. પણ આ ખાનદાનનું નામ આખી દુનિયામાં રોશન થયેલું છે.

વાતની શરૂઆત આપણે ઈસવીસન ૧૭૩૫થી કરવી પડશે. એ વખતે મુંબઈમાં કંપની સરકારનું રાજ હતું. એટલે સરકાર હતી મોટી વેપારી કંપની જેવી. એનું મુખ્ય કામ વેપાર કરવાનું અને એ વખતે દેશાવર સાથેનો બધો વેપાર દરિયાઇ માર્ગે જ થતો. પણ ખાટલે મોટી ખોડ એ હતી કે મુંબઈમાં વહાણ બાંધવાની કે વહાણનું સમારકામ કરવાની સગવડ ક્યાંય નહોતી. એટલે એવા કામ માટે સુરત પર આધાર રાખવો પડતો હતો. હવે બન્યું એવું કે કંપની સરકારનું ધ ક્વીન નામનું એક વહાણ  સુરતમાં બંધાતું હતું. એના બાંધકામ ઉપર દેખરેખ રાખવાને માટે મુંબઈ સરકારે પોતાના મિસ્ટર ડડલી નામના એક અધિકારીને સુરત મોકલ્યા. એ સાહેબે સુરતમાં બંધાતું હતું તે જહાજ  પર દેખરેખ તો રાખી જ પણ એમની ચકોર નજરે ત્યાં કામ કરતા એક કારીગરને ઓળખી લીધો. એ કારીગરનું નામ લવજી નસરવાનજી વાડિયા. પેલા અંગ્રેજ અધિકારીએ ધીમે ધીમે લવજીભાઈ ને સમજાવ્યા કે અહીં સુરતમાં પડયા રહેવા કરતાં જો તમે મુંબઈ આવો તો ત્યાં ઘણાં મોટાં મોટાં કામ કરી શકો એવી આવડત અને લાયકાત તમારામાં છે. પણ લવજીભાઈ હતા એમના શેઠ ધનજીભાઈને પૂરેપૂરા વફાદાર. એટલે એમણે કહ્યું કે મારા શેઠ જો રાજીખુશીથી મને જવાની પરવાનગી આપે તો જ હું તમારી સાથે મુંબઈ આવું. ડડલીની વાત પહેલાં તો શેઠે માની નહિ. એટલે એ અધિકારીએ પોતાના ઉપરીને કહીને સરકારનું દબાણ કરાવ્યું. એટલે શેઠે છેવટે કહ્યું લવજીભાઈને કે તમારે જવું હોય તો સાહેબ સાથે મુંબઈ જાવ, મને વાંધો નથી.

અને પોતાના બીજા થોડા સાથી કારીગરોને લઈને લવજીભાઈ નસરવાનજી ૧૭૩૫માં સુરતથી મુંબઈ આવી પહોંચ્યા. અહીં આવીને તેમણે પોતાના કામ માટે પહેલાં તો એક જગ્યા પસંદ કરી અને કંપની સરકારને કહ્યું કે આ જગ્યા મને આપો તો અહીં વહાણ બાંધવાની અને તેનું સમારકામ કરવાની સગવડ હું ઊભી કરી આપું. સરકારે એમને જમીન આપી અને આજે પણ જ્યાં મુંબઈની ગોદી આવેલી છે ત્યાં એક નાનકડા પ્લોટ પર લવજીભાઈએ મુંબઈનો પહેલો જહાજવાડો ઊભો કર્યો.

આમ કંપની સરકાર લવજીભાઈને સુરતથી મુંબઈ તો લઈ આવી પણ લગભગ એક વર્ષ સુધી વહાણનું બાંધકામ શરુ થઇ શક્યું નહીં. કેમ? કારણ વહાણ બાંધવા માટે જે લાકડું જોઈએ એ તો મુંબઈમાં મળતું જ નહોતું. છેવટે સરકારે લવજીભાઈને જ કહ્યું કે તમે ઉત્તર હિન્દુસ્તાનમાં જઈને વહાણ માટે જરૂરી હોય તેવાં લાકડાં મેળવવાનો બંદોબસ્ત કરી આવો. અને પાછા ફરતાં તમારા કુટુંબને પણ અહીં મુંબઈમાં રહેવા માટે સાથે લેતા આવજો. આ રીતે લવજીભાઈ લઈ આવ્યા લાકડાં અને પોતાનાં કુટુંબીજનોને અને પછી શરૂ કર્યું કામ કંપની સરકાર માટે વહાણો બાંધવાનું. શરૂઆતમાં તો કંપની સરકારે લવજીભાઈને વેપાર માટે સામાન લાવવા લઈ જવા માટેનાં (કાર્ગો) વહાણો બાંધવાની વરદી આપી. પણ પછી થોડા જ વખતમાં અમલદારોએ જોયું કે આ લવજીભાઈ તો વહાણો બાંધવાના કામમાં જબરા કુશળ છે એટલે પછી તેમને સરકારના નૌકાસૈન્ય માટે લડાયક જહાજો બાંધવાનું કામ પણ સોંપવામાં આવ્યું અને લવજીભાઈએ કંપની સરકાર માટે ફ્રિગેટ પ્રકારનાં વહાણો બાંધ્યાં. વહાણોનું સમારકામ કરવા માટે લવજીભાઇ અને તેમના ભાઈ સોરાબજીએ ૧૭૫૦માં મુંબઈમાં ડ્રાય ડોક પણ બાંધ્યો જે માત્ર હિન્દુસ્તાનનો જ નહીં પણ આખા એશિયા ખંડનો પહેલો ડ્રાય ડોક હતો. હા, લવજીભાઈએ આ જહાજવાડામાં પોતાના કુટુંબીજનોને કામ પર રાખ્યા હતા ખરા, પણ એ બધાએ બીજા કારીગરોની જેમ જ હાથમાં હથિયાર પકડીને કામ કરવું પડતું અને તેમને મહિને ૧૨ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો. આ રીતે ૩૯ વર્ષ સુધી લવજીભાઇએ કંપની સરકારની સેવા કરી. ૧૭૦૨માં જન્મેલા લવજીભાઈ ૧૮૭૪માં બેહસ્તનશીન થયા ત્યારે એમની પાછળ કુટુંબને માટેનું એક રહેણાંકનું મકાન અને ૨૦ હજાર રૂપિયાની રોકડ પુંજી મૂકતા ગયા હતા.

લવજીભાઈ અને તેમનાં કુટુંબીજનોએ કંપની સરકાર માટે લગભગ ૪૦૦ જેટલાં વેપારી તેમ જ લશ્કરી વહાણ બાંધ્યાં અને એ વહાણો સાતે સમંદર ખૂંદી વળ્યાં હતાં. પણ તેમાંથી ત્રણ લશ્કરી વહાણનો પોતાનો આગવો ઇતિહાસ છે. તેમણે બાંધેલું એક વહાણ તે એચએમએસ કોર્નવોલિસ.આ વહાણ બ્રિટીશ સરકારની નેવીમાં કામ કરતું હતું. ચીન અને બ્રિટન વચ્ચેના પહેલા અફીણ યુદ્ધ (ઓપિયમ વોર)માં ચીનની હાર થઇ. અને ચીને નાનકિંગની સંધિ દ્વારા હોંગકોંગ ઇંગ્લેન્ડને સોંપ્યું ત્યારે એ અંગેના કરાર પર સહીસિક્કા એચએમએસ કોર્નવોલિસ પર થયા હતા, ૨૯ ઓગસ્ટ ૧૮૪૨ને દિવસે.

એચએમએસ ત્રિન્કોમાલી

બીજું જહાજ તે એચએમએસ ત્રિન્કોમાલી. લવજીભાઈએ બાંધેલાં બીજાં બધાં જ વહાણોની જેમ ૧૮૧૭માં બંધાયેલું આ વહાણ પણ સાગના લાકડાનું બનેલું છે પણ તેની વશેકાઈ એ છે કે  ઇંગ્લેન્ડમાં આવેલા મ્યુઝિયમ ઓફ ધ રોયલ નેવીમાં આ જહાજ હજી આજે પણ દરિયામાં તરતું જોવા મળે છે. બ્રિટનનું આ સૌથી જૂનું વહાણ છે જે આજે પણ દરિયાનાં પાણી પર તરી રહ્યું છે.

જમશેદજી વાડિયા
એચ એમ એસ મિન્ડેન

અને ત્રીજું વહાણ તે એચએમએસ મિન્ડેન. લવજીભાઈના દીકરા જમશેદજીભાઈને કંપની સરકારે ૧૮૦૧ના જુલાઈની નવમી તારીખે આ વહાણ બાંધવાનો ઓર્ડર આપ્યો અને ૧૮૧૧ના  ફેબ્રુઆરીની આઠમી તારીખે એ જહાજે મુંબઈનો કિનારો છોડ્યો. આ જહાજનું વજન ૧૭૨૧ ટન હતું અને તે સાગના લાકડાનું બનેલું હતું. તેની લંબાઈ ૧૬૯ ફૂટ અને ૬ ઇંચ હતી. પાંચ લાખ રૂપિયાને ખર્ચે તે બંધાયું હતું. તેના ઉપર ૭૪ તોપ ગોઠવવામાં આવી હતી. અત્યાર સુધી આવાં મોટાં લડાયક વહાણો માત્ર ગ્રેટ બ્રિટનમાં જ બંધાતાં હતાં. પણ આ મિન્ડેન ગ્રેટ બ્રિટનની બહાર બંધાયેલું આવું પહેલું જહાજ હતું. પણ આ વહાણ અંગેની સૌથી વધુ રસપ્રદ વાત જાણવા માટે આપણે મુંબઈ છોડીને અમેરિકાના બાલ્ટિમોર જવું પડશે.

તો ચાલો, બોમ્બે ટુ બાલ્ટિમોર. જ્યારે આપણા દેશમાં અંગ્રેજ શાસનનાં મૂળ વધુ ને વધુ ઊંડાં જઈ રહ્યાં હતાં ત્યારે પૃથ્વીને સામે છેડે અંગ્રેજો એક ખૂનખાર યુદ્ધમાં સંડોવાયેલા હતા. લાંબા યુદ્ધને અંતે ૧૭૭૬માં અમેરિકાને આઝાદી તો મળી. પણ હજી અંગ્રેજો અને અમેરિકા વચ્ચે ઝઘડો ચાલુ હતો. અંગ્રેજો અમેરિકનોને બરાબરનો પાઠ ભણાવવા માગતા હતા અને એટલે તેમણે પોતાનાં કેટલાંક લડાયક વહાણોને અમેરિકા મોકલ્યાં હતાં. આ વહાણોમાંનું એક હતું મુંબઈમાં વાડિયાઓને હાથે બંધાયેલું એચએમએસ મિન્ડેન. અંગ્રેજોએ નક્કી કર્યું કે આપણે અમેરિકાના બાલ્ટિમોરનો ફોર્ટ મેક હેન્રી નામનો કિલ્લો ઉડાવી દઈએ અને અમેરિકનોને પાઠ ભણાવીએ. અમેરિકનો સાથેની આ લડાઈમાં મેરીલેન્ડના કેટલાક અમેરિકનોને અંગ્રેજોએ બંદીવાન બનાવ્યા હતા.

ફ્રાન્સિસ સ્કોટ કી

ફ્રાન્સિસ સ્કોટ કીના હસ્તાક્ષરમાં સ્ટાર સ્પેન્ગલ્ડ બેનર

 તેમને છોડાવવા માટે કર્નલ જોન સ્કીનરની સાથે ફ્રાન્સિસ સ્કોટ કી નામનો એક વકીલ પણ ગયો હતો. આ વકીલભાઈ વકીલાત કરવા ઉપરાંત ક્યારેક ક્યારેક કવિતા પણ લખતા. આ બંને જ્યારે એચએમએસ મિન્ડેન પર પહોંચ્યા ત્યારે બાલ્ટિમોરના કિલ્લા ઉપર હુમલો કરવાની યોજના ઘડાઇ ચૂકી હતી અને આ બંને અમેરિકનોને એ અંગેની ઘણી માહિતી મળી ચૂકી હતી. એટલે અંગ્રેજોએ આ બંને અમેરિકનોને પણ એચએમએસ મિન્ડેન પર બંદીવાન બનાવીને રાખ્યા. એ જ રાતે અંગ્રેજ નૌકાસૈન્યે બાલ્ટિમોર ઉપરનો હુમલો શરૂ કર્યો. ફ્રાન્સિસ સ્કોટ કી આ હુમલો જોઈ રહ્યો, મનમાં ને મનમાં સમસમી રહ્યો, પણ એ અંગે તે કશું કરી શકે તેમ નહોતો. પણ બીજે દિવસે સવારે તેણે વહાણના તુતક પરથી જોયું કે બાલ્ટિમોરના કિલ્લા પર હજી અમેરિકાનો ધ્વજ ફરકી રહ્યો હતો. આખી રાતના હુમલા પછી પણ અંગ્રેજો એ કિલ્લાને સર કરી શક્યા નહોતા. આ જોઈને તેના મનમાં એક પછી એક કાવ્ય પંક્તિઓ સ્ફુરવા લાગી. શરૂઆતમાં એ કાવ્ય The Defence of McHenry તરીકે ઓળખાતું હતું. છુટકારો થયા પછી આ વકીલ ઇન્ડિયન ક્વીન નામની એક હોટેલમાં ગયો અને ત્યાં તેણે આ કાવ્ય પૂરું કર્યું. ત્યાર પછી તેનું નામ બદલીને તેણે The Star Spangled Benner એવું રાખ્યું. એ પછીનાં સો વર્ષમાં આ કાવ્ય અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય બન્યું. તેને અમેરિકાનું રાષ્ટ્રગીત બનાવવા અંગેનો ખરડો છ વખત રજૂ થયો અને છ વખત નામંજૂર થયો. છેવટે ૧૯૩૧ના માર્ચની ત્રીજી તારીખે ખરડો મંજૂર થયો અને ૧૯૩૧ના માર્ચની ચોથી તારીખે પ્રેસીડન્ટ હર્બર્ટ હૂવરે એ કાયદા પર સહી સિક્કા કર્યા અને તેને અમેરિકાનું રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું. ત્યારથી આજ સુધી જે ગીત અમેરિકાનું રાષ્ટ્રગીત બની રહ્યું છે તે રચાયું હતું એચએમએસ મિન્ડેન પર અને આ વહાણનું બાંધકામ કર્યું હતું વાડિયા ખાનદાનના નબીરાઓએ અને એ ખાનદાનના નબીરાઓ કામ કરતા હતા મુંબઈમાં. એટલે કે મુંબઈ અને અમેરિકાના રાષ્ટ્રગીતને એકબીજા સાથે સીધો સંબંધ છે. એચએમએસ મિન્ડેન પર આ ગીત રચાયું ઇસવીસન ૧૮૧૪ના સપ્ટેમ્બરની ચૌદમી તારીખની વહેલી સવારે.

વ્યક્તિની જેમ વહાણોને પણ જન્મ-જરા-વ્યાધિ અને મૃત્યુના ચક્રમાંથી પસાર થવું પડે છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં લડાયક કામગીરી કર્યા પછી આ વહાણ પણ હવે વૃદ્ધ થયું હતું. ૧૮૪૧માં હોંગકોંગ ખાતે આવેલ રોયલ નેવલ હોસ્પિટલનું જહાજ વાવાઝોડામાં નાશ પામ્યું એટલે તેને બદલે હોસ્પિટલ તરીકે ઉપયોગમાં લેવા માટે એચએમએસ મિન્ડેનને મોકલવામાં આવ્યું અને હોંગકોંગના કિનારે ઊભા રહીને ૧૮૪૨થી તેણે નેવીની હોસ્પિટલ તરીકે કામ કર્યું. ૧૮૪૬ સુધી તેની આ કામગીરી ચાલુ રહી. ત્યાર બાદ તેની જગ્યાએ એચએમએસ એલિગેટર નામનું બીજું જહાજ આવ્યું અને મિન્ડેનનો ઉપયોગ નેવીનો માલ સામાન ભરવા માટેના ગોદામ તરીકે કરવામાં આવ્યો. છેવટે ૧૮૬૧માં તેને ભંગારવાડે મોકલવામાં આવ્યું અને એચએમએસ મિન્ડેનની જ્વલંત કારકિર્દીનો અંત આવ્યો. પણ તેની યાદને કાયમ રાખવાને માટે હોંગકોંગના બે રસ્તાઓને તેનું નામ આપવામાં આવ્યું છે. એક રસ્તાનું નામ છે મિન્ડેન રો અને બીજા રસ્તાનું નામ છે મિન્ડેન એવન્યુ. વાડિયા કુટુંબનાં વહાણોની વિદાય લેતી વખતે મનમાં સુંદરજી બેટાઈના જાણીતા ગીતની પંક્તિઓ ગુંજ્યા કરે છે:

અલ્લાબેલી, અલ્લાબેલી, અલ્લાબેલી,

બંદર છો દૂર છે, જાવું જરૂર છે.

બેલી તારો, બેલી તારો, બેલી તારો તું જ છે,

બંદર છો દૂર છે, જાવું જરૂર છે.

પેઢી દર પેઢી નવાંનોખાં કામ કરનાર વાડિયા ખાનદાનની બધી વાત કાંઈ એક સાથે થાય નહિ. એટલે બીજા કેટલાક નબીરાઓ અને તેમનાં કામ વિશેની વાત હવે પછી.

                                                                                       (વધુ આવતા ગુરુવારે)

4 thoughts on “ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૬ -દીપક મહેતા

 1. ચલ મન મુંબઈ નગરી – (હપ્તો ૬) – દીપક મહેતામા ૧૯મી સદીમાં મુંબઈનું બંદર અને ગોદી અને વહાણવટા ઉદ્યોગની અદભુત વાતો માણી
  સુંદરજી બેટાઈના જાણીતા ગીતની પંક્તિઓ ગુંજ્યા કરે છે:
  અલ્લાબેલી, અલ્લાબેલી, અલ્લાબેલી,
  બંદર છો દૂર છે, જાવું જરૂર છે.
  બેલી તારો, બેલી તારો, બેલી તારો તું જ છે,
  બંદર છો દૂર છે, જાવું જરૂર છે.
  અમેરિકાનું રાષ્ટ્રગીત લખાયું હતું, મુંબઈમાં બંધાયેલ વહાણ મિન્ડેનના તૂતક પર વાત જાણી આનંદ

  Liked by 1 person

 2. 210 yrs ago built made in india yudha jahaj. great honerable thing made by jamsedji wadia. english people use great indian workers made in INDIA. to day same thing need in india. india shall be world !st country. BEHIND CHINA, USA. FRANCE, RUSSIA . 201 yrs ago quality products made by india in BOMBAY. GREAT HONORABLE JAMSEDJI BHAI WADIA NE ANE IT’S FAMILY MEMBER. EXCELLENT INFORMATION BY DIPAK BHAI MEHTA ALLABEL ALLABELI ALLBELI BANDER CHO DUR JANVU JARUR CHE.BY SHRI DIPAK BHAI MEHTA THAKI JANVU JARUR CHE BELLI TARO….

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s