મ્હાંને ચાકર રાખોજી,
ગિરધારી લાલ, મ્હાંને ચાકર રાખોજી!
ચાકર રહસું, બાગ લગાસૂં, નિત ઊઠ દર્શન પાસૂં;
વૃંદાવન કી કુંજ – ગલનમેં, ગોવિંદા – લીલા ગાસૂં રે !
મ્હાંને ચાકર રાખોજી!
ચાકરી મેં તો દરસન પાઊં, સુમરિન પાઊં ખરચી;
ભાવ–ભગતિ જાગીરી પાઊં, તીનોં બાતાં સરસી રે !
મ્હાંને ચાકર રાખોજી!
મોર મુકુટ પીતામ્બર સોહે, ગલે બૈજંતી માલા;
વૃન્દાવનમાં ધેનુ ચરાવે, મોહન મૂરલીવાલા રે!
મ્હાંને ચાકર રાખોજી!
ઊંચે ઊંચે મહલ બનાઊં, બિચ બિચ રાખું બારી;
સાંવરિયા કે દરસન પાઊં, પહિર કસુમ્બી સારી રે !
મ્હાંને ચાકર રાખોજી!
જોગી આયા જોગ કરનકો, તપ કરને સંન્યાસી;
હરિભજન કો સાધુ આયે, વૃન્દાવનકે વાસી રે !
મ્હાંને ચાકર રાખોજી!
મીરાં કે પ્રભુ ગહિર ગંભીરા, હૃદે રહોજી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દીજો, જમુનાજી કે તીરા રે!
મ્હાંને ચાકર રાખોજી!
– મીરાંબાઈ
મીરાં એટલે તો ભક્તિનું મૂર્તિમંત અને સ્ફૂર્તિમંત સ્વરુપ. મીરાં જેવી કર્મયોગી પણ બીજી કોઈ નહીં મળે. મેવાડ છોડ્યું, વૃંદાવને વ્હાલું કર્યું અને સંપૂર્ણ જીવન માત્ર ભક્તિ અને ભક્તિના પ્રસારમાં વ્યતીત કર્યું. કૃષ્ણપ્રેમ એ જ એનો કર્મયોગ અને એ જ એનો ભક્તિયોગ. જ્યાં કર્મ અને ભક્તિનો સંગમ થાય ત્યાં જ કર્મયોગની પરમ અને ચરમ સીમા છે. આ સીમા પાર કરી જાઓ પછી બસ, ઈશ્વરની અસીમ કૃપાનું બ્રહ્માંડ ઊઘડે છે. મીરાં પાસે નાનું અમથું જાણે ઝાકળબિંદુ કૃષ્ણપ્રેમનું ,જે વિસ્તરતાં બની જાય છે, જ્ઞાનનો આખો સમુદ્ર!
મીરાંની ભક્તિની પરાકાષ્ઠા એવી કે બીજું કશું ત્યાં ટકી જ ન શકે કે જે કૃષ્ણ સાથે નિયોજીત કે સંયોજીત ન હોય. મીરાં એટલે સર્વસમર્પણ, ચરણાગતિ અને શરણાગતિનું સાયુજ્ય. ‘મ્હાંને ચાકર રાખોજી”, આ ઉદગારમાં “જી” અક્ષરમાં નરી આરત ભરી છે. વિનંતી છે, કોઈ પણ શરત વિનાની શરણાગતિ છે, કારણ, સમસ્ત વિશ્વના વિધાતાના ચાકર રહેવામાં એના સાંનિધ્ય માટેની અમીટ તૃષા છે. એની સાથે ભીની ખુમારી એવી છે કે ઈશ્વરને પણ કહે છે કે તારા માટે અમે બાગ રચી આપીશું. મીરાં બાગને ઉછેરે છે કે ભક્તિને ઉછેરે છે એ મીરાંની અને આપણી મીઠી મૂંઝવણનો વિષય છે. બાગ ઉછેરવાનું તો બહાનું છે. મૂળ કારણ તો રોજરોજ એ બાગના ફૂલો સાંવરિયાનાં ચરણે ધરીને એના દર્શન પામવાનું છે. પણ આ તો મીરાં નો બાગ છે, એ કંઈ જેવો તેવો ન હોય! મીરાંનો બાગ તો આખું વૃંદાવન જ હોય! એક ક્ષણ માટે આંખો બંધ કરીને કલ્પી જોઈએ ઈશ્વરને માટે બાગ રચવાનો, એ બાગમાં રહેવાનું, રોજરોજ ગોવિંદની લીલા ગાવાની, હરિના દર્શન કરવાનાં, એમના ચરણોમાં ભક્તિપ્રેમનાં બાગમાં ઊગાવેલાં તાજાં, મઘમઘતાં પુષ્પો ધરવાનાં અને કૃષ્ણના સ્મરણનો સતત ઓચ્છવ ઊજવવાનો! આ કેટલું અદભૂત હોય, એ વિચાર આવતાં જ પળવાર મીરાંની અમીરાતની અસૂયા થયા વિના રહે નહીં. મીરાંની પાસે મોટામાં મોટી મૂડી જે છે, તે છે એની ભાવભક્તિ. ઈશ્વરનું સોહામણું સ્વરૂપ મીરાંના જીવનની પળેપળને રળિયામણું કરે છે અને અહીં જ આ ભજન ન રહેતાં કવિતા બની જાય છે. એટલું જ નહીં, એની પરાકાષ્ઠાને પાર કરે છે. અહીં કલ્પનાશીલતા તો જુઓ, ઊંચાઊંચા મહેલ અને બીચબીચ બારી, જે આપણને સીધી પરમાત્માની સાથે જોડી આપે છે! રાજકુંવરી અને રાજરાણી મીરાંની ભક્તિમાં પણ રાજવી ઠાઠમાઠ છે. વાત શરૂ કરતાં કહે છે કે ‘મને ચાકર રાખોજી’ પણ પછી કહે છે કે હું બગીચો રચી આપીશ. ભાવનાને કોઈ અંત નથી હોતો. કહે છે કે, ઊંચાઊંચા મહેલ બનાવીશ, વચ્ચેવચ્ચે બારીઓ રાખીશ અને સંવારિયાનાં દર્શનનો પ્રસંગ એ કંઈ જેવોતેવો નથી. એ દર્શન કરીશ ત્યારે કસુંબી સાડી પહેરીને કરીશ. કસુંબી રંગ પણ સાંકેતિક છે. મીરાં તો જોગ, તપ વગેરેથી પણ પર થઈ ગઈ છે. એ તો હરિભજનમાં રમમાણ થઈ ગઈ છે અને એને તો રસ છે વૃંદાવનવાસી થઈ જવામાં. છતાં સાંવરિયાને રીઝવવાએ કસુંબી રંગના વસ્ત્રો ધારણ કરવા તૈયાર છે કારણ એના હૈયા પર તો પિયુનો કસુંબી રંગ ક્યારનોય ચડી ચૂક્યો છે. એણે પોતાની આસપાસ એક ભજનમય ભાવસૃષ્ટિ રચી છે જેમાં વૃંદાવન છે, યમુનાના નીર છે, યમુનાના તીર છે અને એની સામે એનો ‘મનમોહના’ સાંવરિયો શ્રી કૃષ્ણ છે. આ જ છે મીરાંનું સદેહે રચેલું સ્વર્ગ. આ સ્વર્ગમાં એ એના સાંવરિયા કૃષ્ણના દર્શન કરશે ત્યારે એના સિવાય બીજું કોઈ નહીં હોય, હશે સામે એક માત્ર એનો પિયુ, એનો પ્રીતમ, અને એ મનોમન ગુંજતી હશે, “મૈં તો હરિગુણ ગાવત નાચૂંગી”.
મીરાંની કવિતાને બાહ્ય સંગીતની જરુર નથી પડતી કારણ, એ તો મીરાંના રોમરોમથી નીતરતા આંતરસંગીતથી છલોછલ છલકાય છે.
(સુરેશ દલાલ સંપાદિત પુસ્તક “ભજનયોગ”ના સૌજન્યથી, સાભાર . )
મ્હાંને ચાકર રાખોજી- મીરાંબાઈનુ સૌનુ જાણીતુ માનીતુ કાવ્યનો
મા સુરેશ દલાલ જેવાનો સ રસ આસ્વાદ
ધન્યવાદ
LikeLiked by 1 person