શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ઓગણીસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ
પ્રથમ સ્કંધ – ઓગણીસમો અધ્યાય –મહારાજ પરીક્ષિતનું અનશન-વ્રત અને શુકદેવજીનું આગમન
(પ્રથમ સ્કંધના અઢારમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, રાજા પરીક્ષિત ભૂખ તરસથી વ્યાકુળ બનીને શમીક ઋષિના આશ્રમમાં પાણીની શોધમાં આવી ચડે છે. શમીક ઋષિ તો એમની બ્રહ્મ સમાધિમાં લીન હતા. મહારાજના બોલાવવા છતાં એમણે કોઈ જવાબ ના આપતાં ક્ષુધા અને તૃષાથી પીડાતાં મહારાજને ગુસ્સો આવતાં, પાસે પડેલો મરેલો સાપ એમના ગળામાં નાખીને ક્રોધાવશ ત્યાંથી ચાલી નીકળ્યાં. શમીક ઋષિનો પુત્ર ઘણો તેજેસ્વી હતો. તે બીજા ઋષિકુમારો સાથે નજીકમાં જ રમતો હતો. જ્યારે તેણે સાંભળ્યું કે રાજાએ એના પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે ત્યારે એ ઋષિપુત્ર, હાથમાં કૌશિકી નદીનું જળ લઈને આચમન કરીને પોતાની વાણીરૂપી વજ્રનો પ્રયોગ કરીને, પોતાના તપોબળ થકી રાજા પરીક્ષિતને શાપ આપે છે કે આજથી સાતમા દિવસે તક્ષક નાગ તેને ડસશે.
ત્યાર પછી એ બાળક આશ્રમમાં આવીને પિતાના ગળામાં પડેલા મરેલા સાપને જોઈને અત્યંત દુઃખી થઈને જોરથી રડવા લાગ્યો. હે શૌનકજી, પોતાના પુત્રનું આમ રડવું-કકળવું સાંભળીને શમીકમુનિએ ધીરેધીરે આંખો ખોલી અને પૂછ્યું, “બેટા, તુ આટલો દુઃખાર્ત થઈને કેમ રડી રહ્યો છે?” ત્યારે બાળકે બધી બીના કહી સંભળાવી. પરિપક્વ અને ઠરેલ બ્રહ્મર્ષિ શમીક અને એના નાદાન બાળકની વિવેકબુદ્ધિમાં ઘણો ફરક છે. રાજાને અપાયેલા શાપની વાત સાંભળીને, શમીક ઋષિ પોતાના નાદાન પુત્રને કહે છે કે હે, મૂર્ખ બાળક, સિદ્ધિ હોય તોયે આમ વિવેકહીન દંડ ન અપાય. રાજા પરીક્ષિત એક પ્રતાપવાન અને કુળવાન રાજા છે. એક સારા રાજા અને પ્રજાનું કલ્યાણ કરનારા રાજ વિવેક જરૂર ચૂક્યા છે પણ એના માટે આવો મૃત્યુ દંડ ન અપાય. કારણ, એક સારા રાજાનું કસમયે અપમ્રુત્યુ થવાથી દેશમાં લૂંટફાટ વધશે, અરાજકતા ફેલાશે અને કેટલાયે નિર્દોષ લોકો આ અરાજકતાના ચુંગલમાં પોતાના જાનમાલનું નુકસાન સહેશે. તને ખબર છે કે એ પાપમાં આપણે પણ પરોક્ષ રીતે શામિલ હશું? રાજા પરીક્ષિત તો યશસ્વી અને ધર્મપાલક રાજા છે અને ભગવાનના પ્રિય ભક્ત પણ છે. તે રાજર્ષિ ભૂખ-તરસથી વ્યાકુળ બનીને આપણા આશ્રમમાં આવ્યા હતા. તેઓ કદાપિ આવા શાપને પાત્ર નથી. આ અબુધ બાળકે પ્રજાના નિષ્પાપ સેવક જેવા મહાન રાજાનો અપરાધ કર્યો છે. હે ઈશ્વર, કૃપા કરીને એને ક્ષમા કર. પછી પોતાના સંતાનને સમજાવતાં શમીક ઋષિ કહે છે કે ભગવદભક્તોમાં કદીયે બદલો લેવાની ભાવના ન હોવી જોઈએ. હવે અહીંથી વાંચો આગળ ઓગણીસમો અધ્યાય)
સૂતજી કહે છે – રાજધાનીમાં પહોંચ્યા પછી રાજા પરીક્ષિતને પોતે ક્રોધાવેશમાં આવીને કરેલા નિંદ્ય કર્મ બદલ ઘણો પસ્તાવો થયો. તેમના જેવા યશસ્વી અને ભગવાનના પરમ ભક્તને આવો હીણો વિચાર આવ્યો અને તેઓ એ પ્રમાણે વર્ત્યા એનો એમને અપાર પસ્તાવો હતો. એમને તો ઋષિપુત્રએ આપેલા શ્રાપની ખબર નહોતી. તેઓ અત્યંત ઉદાસ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે ‘મેં એક મહાજ્ઞાની પવિત્ર અને તેજસ્વી ઋષિ સાથે આવો અધમ વ્યવહાર કર્યો છે તે ખરેખર નિંદનીય છે અને એના ફળસ્વરૂપે મારા પર નકી કોઈ ભયંકર આપત્તિ આવશે જ. હું પણ મારા ઘોર પાપકર્મનું પ્રાયશ્વિત કરવા ઈચ્છું છું કદાચ આ વિપદા જ મારું પ્રાયશ્વિત હોય. હે પ્રભુ! મને મારા મનમાં આવેલા આ દુષ્ટ વિચારને આધીન થઈ જવા બદલ કોઈ તો નિવારણ સૂઝાડ. મારા દુષ્કર્મોનું ફળ મારી નિર્દોષ પ્રજા ન ભોગવે, હે હરિ!”
સૂતજી આગળ કહે છે કે, હે શૌનકાદિ મહાન મુનિઓ, એક સારા રાજાના આ જ લક્ષણ છે કે પ્રજા પર કોઈ આપદા ના આવે એમના લીધે, એ બદલ પરીક્ષિતની જેમ જ સતત સતર્ક રહે. તેઓ આ પ્રમાણે મનમાં વિચારીને દુઃખી રહેતા હતા ને ત્યાં જ કોઈ એક બ્રાહ્મણે એમના દરબારમાં આવીને શમીક ઋષિના પુત્ર, શ્રુંગીએ એમને આપેલા શાપની વાત કરી કે એમને આજથી સાતમે દિવસે તક્ષકના ડંખથી મૃત્યુ પામશે. તેઓ એક રીતે તો આ સાંભળીને પોતાની માનસિક દશામાંથી વિમુક્ત થયા અને માન્યું કે એમના માટે કદાચ આ જ સજા હિતકારી છે. એમણે વિચાર્યું કે કેટલાક સમયથી તેઓ સંસારમાં આસક્ત થઈ ગયા હતા. આ રીતે એમને વિરક્તિનું એક સુંદર કારણ પણ મળી ગયું. આમેય પરીક્ષિત પહેલેથી જ માનતા હતા કે આ લોક અને સ્વર્ગાદિ પરલોકના ભોગ બધાં જ ત્યાજ્ય છે તો એનો મોહ રાખવો જ શું કામ? તેઓ બધું જ છોડીને, શ્રી કૃષ્ણની સેવાને જ સર્વોપરી માનીને, આમરણ અનશન-વ્રત લઈને ગંગાકિનારે જઈ બેઠા. તેમણે સંસાર અને દેહની સઘળી આસક્તિ અને રાગનો ત્યાગ કરી દીધો અને મુનિઓનું વ્રત અપનાવીને અનન્ય ભાવથી શ્રી હરિના ચરણોનું ધ્યાન ધરવા લાગ્યા. તે સમયે ત્યાં અત્રિ, વસિષ્ઠ, ચ્યવન, શરદ્વાન, અરિષ્ટનેમિ, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, મેધાતિથિ, ભારદ્વાજ, ગૌતમ, ભગવાન વ્યાસ, નારદ તથા અનેક દેવર્ષિઓ ત્યાં આવ્યા. આ પ્રમાણે વિભિન્ન ગોત્રના મુખ્ય-મુખ્ય ઋષિઓને એકત્ર થયેલા જોઈને રાજાએ તે સૌનો યથાયોગ્ય સત્કાર કર્યો અને તેમનાં ચરણોમાં માથું મૂકીને વંદન કર્યા. જ્યારે સર્વે મહાનુભાવો પોતપોતાના આસન પર શાંતિથી વિરાજમાન થયા ત્યારે મહારજ પરીક્ષિતે તેમને ફરી પ્રણામ કર્યા અને તેમની સમક્ષ નમ્રતાથી ઊભા થઈને, શુદ્ધ ચિત્તે, પોતાને મળેલા ઋષિપુત્રના શાપની વાત કરી. પછી બે હાથ જોડીને એમને કહે છે, કે હે મહાવિદ્વાન દેવર્ષિઓ, આપ સહુના આગમનથી અને દર્શનથી હું ધન્ય થયો છું. હું પણ સંસારમાં એવો લિપ્ત થઈ ગયો હતો કે ઈશ્વરનું સ્મરણ અને કીર્તન વિસ્મરી ગયો હતો. એટલે સ્વયં પ્રભુએ જ મારા પર બ્રાહ્મણપુત્રનો શાપ વરસાવીને એક રીતે તો કૃપા જ કરી છે. હે મહાઋષિઓ, મેં પોતાનું ચિત્ત તો ભગવાનનાં ચરણોમાં સંપૂર્ણ રીતે સમર્પિત કરી દીધું છે. મારી આપને અને મા ગંગાજીને એક જ પ્રાર્થના છે કે મુજ શરણાગત પર આપ અનુગ્રહ કરો. ઋષિપુત્રના શાપથી સ્વયં તક્ષક આવીને ડસે એનો મને ભય નથી પણ કૃપા કરીને આપ ભગવાનની રસમયી લીલાઓનું યશોગાન કરો. હું આપના ચરણોમાં ફરી પ્રણામ કરીને માત્ર એક જ વાત કરું છું કે મારો જન્મ ભલે હવે કોઈ પણ યોનિમાં થાય, પણ મારા છેલ્લા શ્વાસ સુધી મારો અનુરાગ ભગવાનના ચરણોમાં જ રહે એવા મને આશિર્વાદ આપો.
દ્રઢનિશ્વયી મહારજ પરીક્ષિત તો પરમ ધીર હતા. રાજકારભારનો ભાર તો તેઓએ તેમના પુત્ર જનમેજયને પહેલેથી જ સોંપી દીધો હતો. તેઓ આમરણ અનશનનો દ્રઢ નિશ્વય કરીને ગંગાજીના દક્ષિણ તટ પર પૂર્વાગ્ન, દર્ભાસન પર ઉત્તરાભિમુખ થઈને બેઠા. તે સમયે આકાશમાં સ્થિત અન્ય દેવતાઓ પણ એમની પ્રશંસા કરીને આનંદથી એમના પર ફૂલોની વર્ષા કરવા લાગ્યા. ઉપસ્થિત રહેલા સહુ ઋષિગણો તો પરીક્ષિતના આ નિર્ણયની પ્રશંસા કરીને ‘ધન્ય, ધન્ય અને સાધુ, સાધુ’ ના ઉચ્ચારો કરવા લાગ્યા. અને પછી આ મહાન ઋષિઓ કહે છે કે મહારજ, આપ પાંડુના વંશજ છો. આપે આપના કુળની પ્રતિષ્ઠા અનુરૂપ જ નિર્ણય લીધો છે. અમે સહુ ત્યાં સુધી અહીં જ રહીશું જ્યાં સુધી ભગવાનના પરમ ભક્ત આપ, પોતાનો આ નશ્વર દેહ છોડીને, માયાદોષ તેમ જ શોકરહિત થઈને ભગવાનના ધામમાં સિધાવી ન જાઓ.
સૂતજી આગળ કહે છે – હે શૌનકજી, મહારાજ પરીક્ષિત મહર્ષિઓના આવા વચનો સાંભળીને ગદગદ થઈ ગયા. તેમણે ફરીથી સહુનું અભિવાદન કર્યું અને શુદ્ધ ચિત્તે પૂછ્યું, કે, હે મુનિવરો, તમે સહુ શાસ્ત્રોના પ્રખર જ્ઞાતા છો. મુજ પર કૃપા કરીને જણાવો કે મારા જેવા અનેક મનુષ્યો માટે, આવી પરિસ્થિતિમાં કે જ્યારે મૃત્યુ આટલી નિકટ છે તો શુદ્ધ અંતઃકરણ અને શરીરથી કરવા જેવું વિશુદ્ધ કાર્ય શું હોય શકે?
સૂતજી પછી કહે છે – તે જ સમયે પૃથ્વી પર સ્વેચ્છાએ વિચરણ કરતા, કરતા કશાયની અપેક્ષા ન રાખનારા વ્યાસપુત્ર શ્રી શુકદેવજી ત્યાં પધારે છે. તેમનો વેશ અવધૂતનો હતો. ઉંમર સોળ વર્ષની હતી. હાથ, પગ, જાંઘ, ભુજાઓ, અન્ય અંગો અને મુખારવિંદ અત્યંત સુંદર અને સુકુમાર હતાં. દિગંબર વેશમાં પણ તેઓ શ્રેષ્ઠ દેવતાઓ જેમ તેજસ્વી લાગતા હતા. એમનું આગમન થતાં, સહુ પોતપોતાનું આસન છોડીને ઊભા થઈ ગયા. રાજા પરીક્ષિતે અતિથિ રૂપે પધારેલા શ્રી શુકદેવજીને માથું નમાવીને પ્રણામ કર્યા, પૂજા કરી અને તેમને અનુરૂપ શ્રેષ્ઠ આસન આપ્યું. વાસ્તવમાં તો બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજર્ષિઓના સમૂહથી ઘેરાયેલાં શ્રી શુકદેવજી તો ગ્રહો, નક્ષત્રો અને તારાઓથી ઘેરાયેલા પૂર્ણિમાના ચંદ્ર સમા શોભાયમાન લાગતા હતા. જ્યારે શ્રી શુકદેવજી શાંતભાવે આસનસ્થ થયા ત્યારે ભગવાનના પરમ ભક્ત પરીક્ષિતે તેમની નજીક જઈને, ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા અને મધુર વાણીથી એમને પૂછ્યું, કે, ‘હે બ્રહ્મસ્વરૂપ ભગવન! હું એક અપરાધી હોવા છતાં આપ સમા સંત-સમાગમનો મને અધિકાર મળ્યો!’ હે શૌનકાદિ મુનિઓ, અહીં એક વાત ધ્યાન કરવા જેવી છે. વિનમ્રતા, જાગરૂકતા, સજ્જતા અને સમજદારી જેવા સદગુણોથી યુક્ત રાજા હોય તો અપરાધ સ્વીકારીને પશ્વાતાપ કરતાં, સંત સમાગમના અધિકારી થવાય છે. આગળ પછી રાજા કહે છે કે, આપના જેવા મહાત્માઓના સ્મરણ માત્રથી જ ગૃહસ્થોના ઘરો પણ પવિત્ર થઈ જાય છે તો પછી આપના દર્શન, સ્પર્શ, પાદપ્રક્ષાલન, આસનદાન વગેરેનો સુઅવસર મળે તો પછી કહેવું જ શું? મારા પર નક્કી જ શ્રી કૃષ્ણની કૃપા રહી છે, જેથી કરીને જ મારા જીવનનો અંત સમય આટલો નજીક હોવા છતાં આપ જેવા એકાન્તવાસી, અલક્ષ્ય-ગતિ, પરમ સિદ્ધપુરુષના દર્શન થયા. હે ભગવંત, આપ, યોગીઓના પણ ગુરુ છો, તેથી આપને પરમ સિદ્ધિના સ્વરૂપ વિષે અને તેના સાધન વિશે પ્રશ્ન પૂછી રહ્યો છું. જે મનુષ્ય સર્વથા મરણાસન્ન હોય, એણે શું કરવું જોઈએ? એ સાથે એ પણ બતાવો કે મનુષ્યમાત્રએ શું કરવું જોઈએ? જીવનમાં મનુષ્યએ સતત કોનું સ્મરણ રાખવું જોઈએ, કોનો જપ, અને ભજન કરવા જોઈએ અને શેનો સદા ત્યાગ કરવો જોઈએ? અહીં એક ઉત્તમ રાજા તરીકે હે શૌનકાદિ મુનિઓ, પરીક્ષિત માત્ર પોતાના જ ઉદ્ધારની વાત નથી કરતા પણ સમસ્ત પ્રજાના ઉત્થાનને માટે પણ ચિંતા કરે છે. શુકદેવજી આમ તો કોઈનેય ત્યાં વધુ રોકાતા નહોતા પણ અત્યંત વિનમ્રતાથી અને શ્રદ્ધાથી પૂછાયેલા આ સવાલોના જવાબો પ્રસન્નતાથી શુકદેવજી આપવા ઉદ્યત થાય છે.
ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો “શુકાઆગમન” નામનો ઓગણીસમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
ઈતિ પ્રથમ સ્કન્ધઃ સમાપ્તઃ I
II શ્રી હરિ ૐ તત્સત II
વિચાર બીજઃ
૧. અહીં રાજધર્મ અને દેવધર્મ બેઉની વાત શીખવા જેવી છે. અપરાધ કર્યા પછી, સમસ્ત આર્યાવર્તનો રાજા એનું પ્રાયશ્વિત કરવા માટે સ્વયં તૈયાર થાય છે. દરેક શાસકે કોઈ પણ યુગમાં સુશાસન કરવું હોય તો આ આત્મદર્શન કરવું જ જોઈએ.
ખુબ રસપ્રદ કહાણી વિસ્તારથી વાંચવાં મળી. સરસ રજુઆત, જયશ્રીબેન.
LikeLiked by 1 person
સુ શ્રી જયશ્રી વિનુ મરચંટનો શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –ઓગણીસમો અધ્યાય ની સરળ ભાષામા રસપ્રદ રજુઆત
આજના રસપ્રદ વિચાર બીજમા ‘ દરેક શાસકે કોઈ પણ યુગમાં સુશાસન કરવું હોય તો આ આત્મદર્શન કરવું જ જોઈએ’
સટિક વાત માનવામા આવે તો રામરાજ્ય થાય !
LikeLiked by 1 person