ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૭ – દીપક મહેતા


ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૭

વાડિયા મૂવીટોન, હન્ટરવાલીથી શ્રી કૃષ્ણલીલા

ભૂસ્તરશાસ્ત્રી અને ઉદ્યોગપતિ વાડિયાઓ 

________________________________________________

દીપક મહેતા

જમશેદ અને હોમી વાડિયા

વાડિયા કુટુંબ વિશેની વાત ગયે અઠવાડિયે અધૂરી રહી હતી એ આજે આગળ વધારીએ. હન્ટરવાલી, હિન્દ કેસરી, મિસ ફ્રન્ટિયર મેલ, પંજાબ મેલ, ડાયમંડ ક્વીન, બમ્બઈવાલી, બચપન, શ્રી રામ ભક્ત હનુમાન, ધૂમકેતુ, શ્રી ગણેશ મહિમા, જંગલ કે જવાહર, ચાર દરવેશ, ખિલાડી, શ્રી કૃષ્ણ લીલા, એડવેન્ચર્સ ઓફ અલ્લાદીન. જેમને આપણી જૂની ફિલ્મોમાં રસ હશે તેમને તો તરત ખ્યાલ આવશે કે આ બધાં નામો એક જમાનામાં બહુ ગાજેલી ફિલ્મોનાં નામ છે. અને સાથોસાથ કેટલાકને કદાચ સવાલ પણ થશે કે  વહાણ બાંધકામના ક્ષેત્રે આખી દુનિયામાં નામ કાઢનાર ખાનદાનની વાત કરતી વખતે આ બધી ફિલ્મોનાં નામ લેવાની શી જરૂર? પણ જે લવજી વાડિયાએ અને તેમના બેટાઓએ વહાણો બાંધીને તરાવ્યાં  તે જ કુટુંબના બે નબીરાઓએ આ અને આવી બીજી ફિલ્મો બનાવીને ફરતી મૂકી હતી.

જમશેદ બોમન હોમી (જે.બી.એચ.) વાડિયાનો જન્મ ૧૯૦૧ના સપ્ટેમ્બરની ૧૩મી તારીખે, અને તેઓ બેહસ્તનશીન થયા ૧૯૮૬ના જાન્યુઆરીની ૪થી તારીખે. એમના ભાઈનું નામ હોમી વાડિયા. એમનો જન્મ ૧૯૧૧ના મે મહિનાની ૨૨મી તારીખે અને ૨૦૦૪ના ડિસેમ્બરની ૧૦મી તારીખે તેઓ ખોદાઈજીને પ્યારા થઈ ગયા. આ બંને ભાઈઓએ મળીને વાડિયા મૂવિટોન નામની કંપની શરૂ કરેલી, અને તેના નેજા નીચે તેમણે ઘણી બધી હિન્દી ફિલ્મો બનાવી. બે ભાઈઓમાંથી જમશેદ વાડિયા ફિલ્મોનું દિગ્દર્શન કરતા, પટકથા લખતા, ફિલ્મોનું નિર્માણ કરતા. આ બંને ભાઈઓ જ્યારે ફિલ્મ ઉદ્યોગમાં દાખલ થયા ત્યારે હજી આપણે ત્યાં મૂંગી ફિલ્મનો જમાનો ચાલતો હતો. જમશેદ વાડિયાએ પહેલી ફિલ્મ ‘વસંતલીલા’ ૧૯૨૮માં બનાવી અને પછી બીજી 11 મૂંગી ફિલ્મો દાદરના કોહિનૂર સ્ટુડિયોમાં બનાવીને લોકો સમક્ષ રજૂ કરી. આ ફિલ્મોને પ્રમાણમાં સારો આવકાર મળ્યો હતો.

મૂંગી ફિલ્મો પછી આપણે ત્યાં બોલપટ — ટોકીઝનો યુગ શરૂ થયો. એટલે પોતાના નાના ભાઈની સાથે જમશેદભાઈએ ૧૯૩૩માં વાડિયા મૂવિટોન નામની કંપની શરૂ કરી અને પહેલી બોલતી ફિલ્મ તેમણે બનાવી તેનું નામ લાલ-એ-યમન. તેની કથા અરેબિયન નાઇટ્સ પર આધારિત હતી. આ ફિલ્મને ધાર્યા કરતાં ઘણી વધારે સફળતા મળી. ત્યારથી હિન્દી ફિલ્મોના ક્ષેત્રે વાડિયા મૂવિટોનનું નામ ગાજતું થયું. અને જમશેદભાઈએ પોતાના આ કામમાં ભાઈ હોમીને, ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર મનચેરશાહ બિલીમોરિયાને, અને તાતા કુટુંબના બે ભાઈઓ બરજોર અને નાદિરશાહને પણ વાડિયા મૂવિટોનમાં ભાગીદાર બનાવ્યા.

વાડિયા મૂવીટોને હિન્દી ફિલ્મ ક્ષેત્રે કેટલીક નવી બાબતો દાખલ કરી. તેમણે ઇન્ડિયન ગેઝેટ નામની એક ફિલ્મ બનાવી જેમાં પહેલી વાર એક સ્ટન્ટ એક્ટ્રેસ મુખ્ય પાત્ર ભજવતી હતી. આ ઉપરાંત તેમણે હરિપુરા કોંગ્રેસ વિશે પણ એક લાંબુ દસ્તાવેજી ચિત્ર તૈયાર કર્યું હતું. એ જમાનાના કેટલાક શાસ્ત્રીય સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીતના ગાયકોને લોકો સામે રજૂ કરવા માટે તેમણે વાડિયા મૂવિટોનનો વેરાઈટી પ્રોગ્રામ તૈયાર કર્યો. તેમાં પંડિત ફિરોઝ દસ્તુર, બાલ ગાંધર્વ, મલ્લિકા પુખરાજ, અને પંડિત તીર્થંકર જેવા સંગીતકારોને તેમણે લોકો સમક્ષ રજુ કર્યા. વાડિયા મૂવિટોને એક બીજી નવાઈની વાત કરી. તેમણે બનાવેલી ‘નવજવાન’ નામની ફિલ્મમાં એક પણ ગીત નહોતું. તે અગાઉ ફિલ્મો માટે ગીતો અનિવાર્ય મનાતાં હતાં. આ ઉપરાંત તેમણે ‘કોર્ટ ડેન્સર’ નામની ફિલ્મ અંગ્રેજીમાં બનાવી હતી પણ સાથોસાથ તેનું હિન્દી અને બંગાળી રૂપાંતર પણ રજૂ કરવામાં આવ્યું હતું. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા અને આપણો દેશ સ્વતંત્ર થયો તે પછી સિંધી ભાષામાં સૌથી પહેલી ફિલ્મ ‘એકતા’ પણ વાડિયા મૂવિટોને બનાવી એટલું જ નહીં, આપણા દેશમાં જ્યારે ટેલિવિઝન દાખલ થયું ત્યારે તેને માટે સૌથી પહેલી સિરિયલ પણ વાડિયા મૂવિટોને બનાવેલી જેનું નામ હતું હોટેલ તાજમહાલ.

૧૯૩૦ના દાયકામાં જમશેદ વાડિયા દેશની આઝાદી માટેની લડત સાથે નિકટતાથી સંકળાયેલા રહ્યા. પહેલાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના તેઓ એક અનુયાયી હતા. પછીથી તેઓ એમ. એન. રોયની અને તેમના રેડિકલ હ્યુમનીઝમની અસર નીચે આવ્યા. એમ. એન. રોય સાથેની મૈત્રીને કારણે વાડિયા દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પરિવર્તન કરવાના આગ્રહી બન્યા. નારીમુક્તિ, અંધશ્રદ્ધા નિર્મૂલન, જ્ઞાતિવાદનો વિરોધ અને દેશના એકેએક નાગરિકને માટે શિક્ષણની અનિવાર્યતા જેવી બાબતોને તેમણે પોતાની ફિલ્મોમાં વણી લેવાનું શરૂ કર્યું. તેમની આવી કેટલીક ફિલ્મો એટલે રાજનર્તકી, વિશ્વાસ, બાલમ, મદહોશ, મેલા આંખ કી શરમ, મંથન અને અમર રાજ. પણ તેમની ફિલ્મ કારકિર્દીમાં મોટો પલટો આવ્યો તે તો ડાયમંડ ક્વીન નામની ફિલ્મથી. તેમાં મુખ્ય પાત્ર રૂપે ફિયરલેસ નાદિયાએ કામ કર્યું હતું અને એ ફિલ્મ દ્વારા દેશમાં સમૂળી ક્રાંતિ લાવવાની અને ભ્રષ્ટાચારને દૂર કરવાની હિમાયત વાડિયાએ કરી હતી. અને સાથોસાથ ફિયરલેસ નાદિયાના પ્રેક્ષકોના શ્વાસ થંભાવી દે તેવા સ્ટંટ પણ એ ફિલ્મમાં તેમણે બતાવ્યા હતા.

જમશેદ વાડિયાએ એમ.એ. અને એલ.એલ.બીની ડિગ્રી મેળવી હતી અને ફારસી, ગુજરાતી, અને ઉર્દૂ જેવી ભાષાઓ પર તેઓ સારું એવું પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત કાયદાના ક્ષેત્રે કરી, પણ થોડા વખતમાં જ તેમને સમજાયું કે તેમના રસનું ક્ષેત્ર આ નથી, પણ સિનેમા છે. કુટુંબનો આવો ભણેલો-ગણેલો છોકરો વકીલાત કરવાને બદલે ફિલ્મ લાઈનમાં પડે એ તેમનાં કુટુંબીજનોને જરાય ગમ્યું નહોતું અને એટલે તેમણે જમશેદ અને તેમના ભાઈ હોમી બંનેનો શરૂઆતમાં વિરોધ કર્યો હતો. પણ જેમ જેમ તેમની ફિલ્મોને સફળતા મળતી ગઈ તેમ તેમ કુટુંબનો વિરોધ ઓછો થતો ગયો.

ફિયરલેસ નાદિયા

પણ થોડા જ વખતમાં જમશેદ અને હોમીનો વિરોધ કરવા માટે તેમનાં કુટુંબીજનોને એક બીજું કારણ મળી ગયું. પોતાની ફિલ્મોમાં સ્ટન્ટ એક્ટ્રેસ તરીકે કામ કરવા માટે જમશેદજીએ મેરી એન નામની અભિનેત્રીને શોધી કાઢી અને તેની પાસે પોતાની ફિલ્મોમાં દિલધડક સ્ટન્ટ કરાવ્યા. પણ તેને જોઈને નાના ભાઈ હોમીનું દિલ કોઈ જુદી જ રીતે ધડકવા લાગ્યું. તેઓ મેરી એન ઇવાન્સના પ્રેમમાં પડ્યા અને છેવટે તેને પરણ્યા. જમશેજીએ આ પ્રેમ પ્રકરણમાં સતત તેમનો સાથ આપ્યો અને ધીમે ધીમે કુટુંબીજનોને સમજાવ્યાં. પણ આ બંને ભાઈઓનાં મા ધનમાઈ છેવટ સુધી આ વાત માનવા તૈયાર થયા નહોતાં. એટલે તેમની હયાતીમાં હોમીએ લગ્ન કર્યાં નહીં. માતાના અવસાન પછી છેક ૧૯૬૧માં પ્રમાણમાં મોટી ઉંમરે હોમી અને મેરીએ લગ્ન કર્યાં. હોમી વાડિયાનાં પત્ની ફિયરલેસ નાદિયા મૂળ ઓસ્ટ્રેલિયાનાં હતાં અને તેમનું નામ હતું મેરી એન ઇવાન્સ. તેમનો જન્મ ૧૯૦૮ના જાન્યુઆરીની ૮મી તારીખે અને અવસાન ૧૯૯૬ના જાન્યુઆરીની ૯મી તારીખે. લશ્કરમાં કામ કરતા પિતા સાથે ૧૯૧૩માં પાંચ વર્ષની ઉંમરે તેઓ હિન્દુસ્તાન આવ્યાં. પણ પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૧૫માં તેમના પિતા જર્મન સૈનિકોને હાથે મરાયા. આથી કુટુંબ પેશાવર ગયું. ત્યાં તેઓ ઘોડેસવારી, શિકાર, મચ્છીમારી, અને નિશાનબાજી જેવાં જાતજાતનાં હિંમતભર્યાં કરતૂત શીખ્યાં. ૧૯૨૮માં માતાની સાથે તેઓ ફરી મુંબઈ આવ્યાં અને માદામ આસ્ત્રોવા પાસે બેલે નૃત્ય શીખવા લાગ્યાં. એમ કહેવાય છે કે એક અમેરિકન જોશીએ કહ્યું હતું કે આગળ જતાં તમારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ થવાની છે પણ એક શરતે: તમે જે ક્ષેત્રમાં કામ કરો તે ક્ષેત્રમાં તમારા પોતાના નામથી નહીં, પણ અંગ્રેજીના N અક્ષરથી શરૂ થતા નામથી કામ કરો તો જ સફળતા મળશે. આથી તેમણે પોતાનું અસલ નામ પાછળ મૂકીને નાદિયા નામ અંગીકાર કર્યું. તેમણે થોડો વખત નાટકોમાં અને સર્કસમાં પણ કામ કર્યું, પણ પછી જમશેદ વાડિયાની નજરે તેઓ ચડ્યાં અને ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી. નાદિયાએ સર્કસમાં કામ કરેલું એટલે જાતજાતના સ્ટંટ કરવામાં તેઓ ખૂબ જ કુશળ હતાં. તેથી જમશેદ વાડિયાએ તેમને કેન્દ્રમાં રાખીને એક પછી એક ફિલ્મો બનાવી જેને એ જમાનામાં ખૂબ લોકપ્રિયતા મળી. તેમની પહેલી ફિલ્મ હન્ટરવાલી ૧૯૩૫માં રિલીઝ થઈ અને ૧૯૬૮માં રિલીઝ થઈ તેમની છેલ્લી ફિલ્મ ખિલાડી. જમશેદજી પોતે હિલ્લા પટેલ નામની પારસી યુવતીને પરણ્યા હતા. તેમને બે બાળકો થયાં, દીકરો વિન્સી અને દીકરી હૈદી. તેમાંથી વિન્સી વાડિયાએ નરગીસ ખંભાતા સાથે લગ્ન કર્યાં. આ નરગીસ ખંભાતાએ ઈન્ટરપબ્લીસિટી અથવા ઇન્ટરપબ નામની એડવર્ટાઇઝિંગ એજન્સી શરૂ કરી. માત્ર ભારતમાં જ નહિ, આખા એશિયા ખંડમાં આવી એજન્સી શરૂ કરનાર તેઓ પહેલાં મહિલા હતાં.

જમશેદજીના નાનાભાઈ હોમી વાડિયા સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી કોલેજમાં દાખલ થયા, પણ ફક્ત એક દિવસ માટે જ. કારણ તેમણે નક્કી કરી લીધું કે આ ભણવા-બણવાનું કામ આપણું નહીં. આપણે તો ફિલમ બનાવવાનું કામ જ કરવાનું. અને એટલે તેઓ મોટાભાઈની સાથે તેમના કામમાં જોડાઈ ગયા. હોમીભાઈએ બનાવેલી છેલ્લી ફિલ્મ રાજનર્તકી ૧૯૪૧માં રજૂ થઈ હતી. ત્યારબાદ ૧૯૪૨માં એમનો વાડિયા મૂવિટોનનો સ્ટુડિયો વી. શાન્તારામે ખરીદી લીધો અને એ જગ્યાએ રાજકમલ કલામંદિરની સ્થાપના કરી. એ પછી હોમી વાડિયાએ પોતાની નવી કંપની શરૂ કરી, એનું નામ બસંત પિક્ચર્સ રાખ્યું. ૧૯૪૭માં તેમણે બસંત સ્ટુડિયોની સ્થાપના કરી. ૧૯૮૧ સુધી આ સ્ટુડિયો કામ કરતો હતો. હોમીભાઈએ ફિલ્મો ઉપરાંત નાટકોમાં પણ કામ કર્યું. તેમની નાદિયા સાથેની ફિલ્મો હંટરવાલી, મિસ ફ્રન્ટિયર મેલ,હાતિમ તાઈ, વગેરેને કારણે હોમીભાઈનું નામ ગાજતું થયું. થયું પણ ૧૯૮૧માં યુનિયન લીડર દત્તા સામંત સાથે તેમને ઝઘડો થયો અને તેમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો ન જણાતાં તેમણે સ્ટુડિયો વેચી દીધો અને ફિલ્મ ક્ષેત્રમાંથી સંન્યાસ લઇ લીધો.

વાડિયા કુટુંબનું એક મોટું ઔદ્યોગિક સાહસ તે બોમ્બે ડાયિંગ. તેની સ્થાપના ૧૮૭૯માં થઈ હતી. તેનું વડું મથક મુંબઇમાં આવેલું છે અને દેશના કાપડ ઉદ્યોગમાં આ ગ્રુપ મહત્વનું સ્થાન ધરાવે છે. હાલમાં નસ્લી વાડિયા તેના ચેરમેન છે. વાડિયા ઉદ્યોગ સમૂહમાં બોમ્બે ડાઈંગ ઉપરાંત ગો એર, બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે.

ડી.એન. વાડિયાનાં માનમાં ૧૯૮૪માં બહાર પડેલી ટિકિટ

આ ઉપરાંત વાડિયા ખાનદાનના ઘણા નબીરાઓએ જુદાં જુદાં ક્ષેત્રોમાં આગળ પડતું કામ કર્યું છે. તેમાંથી કેટલાંકનાં નામ અને કામ જોઈએ. દારાશાહ નોશેરવાન વાડિયાનો જન્મ ૧૮૮૩ના ઓકટોબરની ૨૫મી તારીખે અને એમનું અવસાન ૧૯૬૯ના જૂનની ૧૫મી તારીખે. આપણા દેશના શરૂઆતના જિયોલોજિસ્ટ (ભૂસ્તરશાસ્ત્રી)ઓમાંના તેઓ એક હતા, અને તેમણે સર્વે ઓફ ઇન્ડિયામાં હિમાલયના અભ્યાસ અંગે મહત્ત્વની કામગીરી બજાવી હતી.  ૧૯૫૮માં ભારત સરકાર તરફથી તેમને પદ્મભૂષણનું સન્માન મળ્યું હતું. આપણા ટપાલ ખાતાએ ૧૯૮૪માં તેમના માનમાં ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. નેવિલ વાડિયાએ વેપાર ઉદ્યોગના ક્ષેત્રે નામના મેળવી હતી અને ઘણાં વર્ષો સુધી તેઓ બોમ્બે ડાઇનિંગના ચેરમેન રહ્યા હતા. પણ તેમનું નામ લોકોની જીભે ચડ્યું તે તેમનાં લગ્નને કારણે. પછીથી પાકિસ્તાનના સ્થાપક બનેલા મહંમદઅલી ઝીણાની દીકરી દીના સાથે ૧૯૩૮માં તેમણે લગ્ન કર્યાં. નેવિલ હતા પારસી અને પત્ની હતાં મુસ્લિમ. એથી એ જમાનામાં સારો એવો ઊહાપોહ થયો હતો. જો કે તેમનું આ લગ્ન બહુ લાંબું ટકયું નહીં. ૧૯૪૩માં તેમણે છૂટા છેડા લીધા. તેમને બે સંતાનો, નસલી વાડિયા અને ડાયના વાડિયા. તેમાંથી પિતાના અવસાન પછી નસલી વાડિયા બોમ્બે ડાઇનિંગના ચેરમેન બન્યા.

વાડિયા મૂવીટોનનો લોગો

હવે વાડિયા ખાનદાનની વિદાય લેતાં પહેલાં એક ખાસ વાત: વાડિયા ભાઈઓએ વાડિયા મૂવીટોન નામની કંપની અને સ્ટુડિયો શરૃ કર્યાં અને તેને માટે લોગો પણ બનાવ્યો. પણ આ લોગોમાંનું ચિત્ર ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલું નહોતું, પણ એ લોગોમાં એક વહાણ મૂકવામાં આવ્યું હતું, અને એ રીતે વાડિયા ખાનદાનના આદિ પુરુષ લવજી નસરવાનજી વાડિયા પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું.

વાડિયા મૂવીટોનની ફિલ્મનું પોસ્ટર

પારસી વાડિયા ભાઈઓએ કેટલીક હિંદુ પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો પણ બનાવી હતી. તેમાંની એક શ્રી કૃષ્ણ લીલા (૧૯૭૧). આજે દહીં કાલાના તહેવારના દિવસે એ ફિલ્મના એક ગીતની થોડી પંક્તિઓ:

સત્યમ્ શિવમ્ સુન્દરમ્,

અનુપમ, અમર કૃષ્ણલીલા,

મનોહર મધુર કૃષ્ણલીલા,

કે જય જય સીરી કૃષ્ણલીલા. 

xxx xxx xxx

(વધુ આવતા ગુરુવારે)

2 thoughts on “ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૭ – દીપક મહેતા

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s