એવું જ માગું મોત,
હરિ, હું તો એવું જ માગું મોત!
આ થયું હોત ને તે થયું હોત ને
જો પેલું થયું હોત…
અન્ત સમે એવા ઓરતડાની
હોય ન ગોતાગોત! હરિ, હું0
કાયાની કણીકણીથી પ્રગટે
એક જ શાન્ત સરોદ:
જોજે રખે પડે પાતળું કદીયે
આતમ કેરું પોત! હરિ, હું0
અંતિમ શ્વાસ લગી આતમની
અવિરત ચલવું ગોતઃ
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે
ઊડે પ્રાણકપોત!
ઘન ઘન વીંધતાં, ગિરિગણ ચઢતાં,
ખરતાં સરિતાસ્રોત.
સન્મુખ સાથી જનમજનમનો
અંતર ઝળહળ જ્યોત!
હરિ, હું તો એવું જ માગું મોત!
– કરસનદાસ માણેક
મોત માગવા જેવી વસ્તુ નથી. દુનિયામાં આવવા માટે અંજળ જોઈએ ને અલવિદા કહેવા માટે જિગર જોઈએ. રાતે સૂતી વખતે એક ક્ષણ માટે વિચારો કે સવારે નહીં ઊઠું તો? ઊંઘ બળવો પોકારશે. હૈયું ધબકારો ચૂકી જશે. મોત આવવું સહજ છે, સ્વીકારવું સહજ નથી.
અસંતોષ સાથે મોતને આવકારો ન અપાય. ઘણી મહત્વાકાંક્ષાઓથી આપણું મન ફાટફાટ થતું હોય છે. આ બનું, તે બનું, આમ કરું, તેમ કરું… એવા અનેક પ્લાનમાં બાન થયેલી જિંદગી ફોકસ ન થઈ શકે ત્યારે અસંતોષ જન્મે. જે કામ ભાગે આવ્યું હોય એ નિભાવવાની જીવની ફરજ છે. દરેક માણસમાં બધું જ ન મળે.
ચાની જાહેરખબરમાં એક કેચ લાઈન આવે છેઃ ઊઠો નહીં જાગો. આ જાગવું જેટલું સમયસર થાય એટલી ઊંઘ સાર્થક થાય. નિરાંતે આથમતા શ્વાસ પાસે ગરિમા હોય છે. અધૂરા ઓરતા સાથે મૂકાતા શ્વાસ ભગવાન જાણે કઈ ગતિ પામતા હશ! એન્ટ્રી થઈ છે તો ઍક્ઝિટ લેવાની જ છે. કોઈનો અને પોતાનો આત્મા પણ દુભાય નહીં. કવિ કહે છે એમ દેહની સરોદમાંથી શાંત સૂર ઝંકૃત થવા જોઈએ, ઉહાપોહ નહીં.
પ્રત્યેક જિંદગી એક પ્રયોજન છે. પ્રત્યેક શ્વાસ રિફિલીંગ છે. પ્રત્યેક સમજણ શોધ છે. પ્રત્યેક સમર્પણ ભક્તિ છે. આપણે શું કરવા આવ્યા છીએ કે આપણે શું કરવા લાયક છીએ એની ગતાગમ પડતાં પડતાં લગભગ અડધી જિંદગી વીતી જાય છે. બાકીની અડધી આ ગતાગમને ઉજાળવાની હોય છે. જીવની યાત્રા સ્વથી સર્વસ્વ તરફ અને સર્વસ્વથી સ્વ તરફની છે. જ્યાંથી શરૂ કર્ય઼ું ત્યાં જ પાછું પહોંચવાનું છે. વચ્ચેનો પ્રવાસ આપણને સમૃદ્ધ કરે છે, દૃષ્ટિને ખોલી આપે છે.
આ પ્રવાસ દરમ્યાન આપણે ઓતપ્રોત થવાનું હોય છે. સાંપ્રત દૃષ્ટિએ વિચાર કરીએ તો માત્ર મૂર્તિ સામે બેસી રહેવું એ જ ભક્તિ નથી. તમે જે કામ કરો છો તેમાં નિષ્ઠા હોય, તમારી સમજણનો લાભ સમાજને મળતો હોય, તમારા થકી કોઈની જિંદગીને સધિયારો મળતો હોય, તમારા કારણે કોઈ આગળ આવતું હોય તો એવા બધા સદ્કાર્યો પૂજા જ છે. માળા ફેરવવાથી મણકા જરૂર ફરે, માણસાઈ તો લોહીમાં જ ફરવી જોઈએ. સ્માર્ટફોનની ભાષામાં વાત કરીએ તો તમારી એક એપ્લિકેશનથી ખરેખર કોઈનું ફંક્શન સ્મૂધ થતું હોય તો એ તમારું યોગદાન કહેવાય.
જિંદગીના અંતિમ વરસોમાં અરીસો લાજશરમ નેવે મૂકીને એક સોંસરવો સવાલ પૂછવાનો. ભઈલા! તે શું કર્ય઼ું આખી જિંદગી? માત્ર ટક્યો? સર્વાઈવલની સોગઠાબાજી એટલી સંકુલ છે કે બીજું બધું આડે હાથે મૂકાઈ જાય. જેને ઓડકાર આવતો હોય એણે બીજાની ભૂખ વિશે વિચારવું જોઈએ. જેની પાસે સમૃદ્ધિ હોય એણે ઍટલિસ્ટ આસપાસના લોકો વિશે વિચારવું જોઈએ.
હે ઈશ્વર! મારી વાસના પર ઉપાસના હાવી થાય, મારી ઝંખના પર તૃપ્તિ હાવી થાય, મારી લાલસા પર કરુણા હાવી થાય એવી કૃપા વરસાવજે. મોત આપોઆપ સુધરી જશે. મંદિરમાં એક પૈસાની લાંચ આપ્યા વગર.
***