All posts by jayumerchant

પ્રાર્થનાને પત્રો – ૧૧૨ ને ૧૧૩ – ભાગ્યેશ જહા

[૧૧૨] પ્રાર્થનાને પત્રો…

પ્રિય પ્રાર્થના,

‘કોરોનાવાઈરસ’ની વૈશ્વિકખાંસી સંભળાઇ રહી છે, કદાચ જગત હાથને અને નાકને ઢાંકવાના નવા નુસખા શોધવામાં મગ્ન થઈ જાય, એવા બધા લક્ષણો છે. સ્પર્શના નવા સમીકરણો અને વ્યાખ્યાઓ અને પ્રોટોકોલ ગોઠવાય તેવી શકયતા છે.આપણે ત્યાં તડકો છે એટલે થોડા બચી ગયા છીએ. જો કોરોનાવાઈરસ ઘુસ્યો તો આપણને ખાસ્સુ નુકશાન કરી શકે. કારણ એક તો આપણી અધધ વસ્તી, મુંબઈમાં તો બધા એકબીજાને અથડાઈ અથડાઇ ચાલે, અને બીજું, આપણી નબળી હાઈઝીન-સ્વાસ્થ્યરક્ષક-સ્વચ્છતા… ચિંતા થાય એવી પરિસ્થિતિ છે. અમેરિકા તો વધારે પડતું સાવધાન હોય તેવું રીપોર્ટ પરથી લાગે છે. આશા રાખીએ જગત આ સંકટમાંથી જલ્દીથી બહાર આવી જાય.

Continue reading પ્રાર્થનાને પત્રો – ૧૧૨ ને ૧૧૩ – ભાગ્યેશ જહા

અંતરની ઓળખ – (૨૦) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

અંતરની ઓળખ – (૨૦ ) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

સંજોગો એ પરિણામ છે, કારણ નથી

કોઈપણ વસ્તુ કે બનાવ માટે બાહ્ય વસ્તુ કે બાહ્ય સંજોગો કારણભૂત હોય છે એમ માનવું તે એક વહેમ છે. પોતાના જીવનના સંજોગો વિષે ફરિયાદ કરવી એ હંમેશાં આપણી જાતે જેવા છીએ તેની બાહ્ય અભિવ્યક્તિ જ હોય છે.

વ્યક્તિ પોતે જે હોય છે, એ જ પ્રકારની, તેમ જ તેને અનુરૂપ વસ્તુઓ જ એને જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. જો કે અજ્ઞાન માનવ ન્યાયનો જે સિદ્ધાંત સમજી બેઠો છે એ પ્રમાણે આમ બનતું હોતું નથીઃ આ જે બને છે તે અજ્ઞાન માનવીય નિયમ કરતાં ખૂબ જ સૂક્ષ્મ, અતિ ગંભીર ને સૂક્ષ્મ સત્ય એવા નિયમ પ્રમાણે બનતું હોય છે.

સંજોગો આપણને પાઠ શીખવતા હોય છે

સંજોગો હંમેશાં છુપાઈને રહેલી નબળાઈઓને પ્રકટ કરતા હોય છે. જે નબળાઈઓને પ્રકટ કરતા હોય છે તે નબળાઈઓને આપણે જીતવાની હોય છે. પણ આપણે એને બદલે એને કોઈને કોઈ રીતે છુપાવવાની કોશિશ કરતા હોઈએ છે. જ્યાં સુધી સંજોગોની સમજણ નહીં આવે ત્યાં સુધી કદી આપણે આપણી નબળાઈઓને સુધારી નહીં શકીએ કે એને જીતી નહીં શકીએ.

જે કંઈ બને છે તે આપણને જે વસ્તુ શીખવાની જરૂર હોય છે એ વસ્તુ શીખવવા માટે જ બધું બનતું હોય છે. આ વસ્તુ સમય રહેતાં જ સમજાય છે. તે અને તે ઘડીએ આપણે કશું શીખવું પડે એવા સંજોગો પણ ઊભા થઈ શકે છે. જો એમાંથી ભૂલેચૂકે નિષ્ઠા ચૂક્યા તો સંજોગો આપણને ઘડી શકે એવી ઘડી આપણાં હાથમાંથી સરી જાય છે. આમ સાદા, બીજા શબ્દોમાં કહો તો જો આપણે “સાધના” માટે એકનિષ્ઠ હોઈએ તો એ વસ્તુઓ આનંદપૂર્વક તેમ જ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરવો જોઈએ.

  • પરમ પૂજ્ય શ્રી માતાજી
  • *********************************************************

જીવન શું છે?

જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સો ગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું આપો નહીં તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે૩. જીવનને તમે શું આપ્યું છે? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજૂસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો, પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય?

 તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહીં, જીવન ફળ્યું નહીં, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરાતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવડાવે છે કે તમે કશું આપ્યું જ નથી.ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે? તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી કે જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં તમને શું મળે? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગુનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલખ વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. એક જ સનાતન સત્ય સમજવાનું છે કે જીવન કદી જૂઠું બોલતું નથી.

  • પરમ પૂજ્ય ફાધર વાલેસ

બે કાંઠાની અધવચ – (૧૯) – પ્રીતિ સેનગુપ્તા

           બે કાંઠાની  અધવચ  – (૧૯)  –  પ્રીતિ  સેનગુપ્તા

                                      (૧૯)

ગ્રીન કાર્ડ આવશે, આવી જશે- કરતાં કરતાં, ઘણા મહિના વીતી ગયા. મોડું થઈ રહ્યું છે, એવા કશા ભયથી કેતકી ક્યારેક ફફડી જતી. શું થવાનો ભય હતો, તે સ્પષ્ટ કહી શકતી નહતી.

સચિન ત્રણ વર્ષનો થવા આવ્યો હતો. કેતકીને ઘેર, સચિનને જોવા બધાં ઉત્સુક હતાં. દેવકીનું નક્કી થવામાં હતું. લગ્નમાં કદાચ ના જવાય, પણ વિવાહ વખતે ત્યાં હોઈએ તો સારું. દીજીની તબિયત કેમ હશે? કોઈએ કશું લખ્યું નહતું એ બાબતે, પણ કદાચ એ જ ભય હતો કેતકીના મનમાં.

સુજીતે કેતકીને કહ્યું નહતું, પણ એક વાર દેશ જઈ આવવાની સલાહ પ્રજીતે એને આપેલી. તમે ફાધર પાસેથી ઘરના દસ્તાવેજ પર સહી કરાવી લેજો, ને ઘર આપણા બેનાં નામે કરાવી લેજો.

કેમ, રંજીતનું નામ પણ મૂકવાનું ને?

અરે, એમણે ક્યાં સંબંધ રાખ્યો છે આપણી સાથે? એ ક્યાં છે, એ પણ આપણે જાણતા નથી.

ગજબ ચાલે છે આ પ્રજીતની બુદ્ધિ. શુંનું શું વિચારતો હશે. વધારે પડતો હોંશિયાર થઈ ગયો લાગે છે મને 

તો, સુજીતને થયું. પણ દસ્તાવેજ કરાવી લેવાની સલાહ ખોટી નહતી. આવો દસ્તાવેજ કરાવી તો લેવો જોઈએ. ફાધર અને અમ્મા ક્યાં સુધી રહેવાનાં? ઘર બધાના હાથમાંથી સાવ જાય, એના કરતાં એક વાર ખર્ચો કરીને દેશ જઈ આવવું સારું. આ અગત્યનું કામ તો પતે.

આમ કરતાં જરૂરી પેપર્સ અને પરવાના મળી ગયા, સુજીત અને કેતકીને. સચિનને લઈને બંને દેશ ગયાં ત્યારે કેતકીએ સાસરે જ રહેવાનું ધાર્યું હતું. પણ સુજીતની ઈચ્છા એવી હતી, કે કેતકી નાના સચિનને લઈને, એનાં દીજીને ત્યાં રહે. મુસાફરીનો થાક ઊતરે પછી, ફાધર ને અમ્માને મળવા, લઈ જઈશ તમને બંનેને, સુજીતે કહ્યું. જરાક નવાઇ બધાંને લાગી, પણ થયું કે બરાબર છે, થાક ઊતરે પછી જશે.

કેતકીને પણ નવાઈ તો લાગી, પણ આ નિર્ણય જ વધારે ગમ્યો. આટલા વખતે આવ્યા પછી, પહેલી નજરે એને ઘર જુદું લાગ્યું. કદાચ ઇન્ડિયામાં બત્તીઓનું અજવાળું ઓછું હોય છે, તેથી હશે, કેતકીએ વિચાર્યું. પણ નાનપણના એ ઘરમાં ફરીથી રહેવાનું મળી રહ્યું હતું, એ જ કોઈ ઇનામ જેવું લાગતું હતું એને.

ઘરનાં બધાંને જોઈને એ ખુશ તો થયેલી જ, પણ ચિંતિત પણ થયેલી. પાંચેક વર્ષમાં બધાં કેવાં સૂકાઈ ગયેલાં લાગતાં હતાં. બાપ્સ અને માઇનાં મોઢાં પર આટલો થાક કેમ? અને દીજી તો સાવ નંખાઈ ગયાં હતાં. એક દેવકી બહુ ખીલી હતી.

જગતની સાથે એક હૉસ્ટૅલમાં રહેતાં રહેતાં, અને એક કૉલૅજમાં ભણતાં ભણતાં, બંને પ્રેમમાં પડેલાં. પહેલેથી જ સાથે હરવા-ફરવાની તક, તેમજ છૂટ પણ, એમને મળી ગયેલી હતી. કોઈ રોકનાર કે ટોકનાર હતું નહીં. જીંદગીના પ્રથમ પ્રેમને બહુ માણ્યો એમણે.

લગ્ન કરવાનું બંનેએ જાતે નક્કી કરી લીધું, ને તે પછી દેવકી જગતને, બાપ્સ સાથે મેળવવા, ઘેર લઈ આવી. માઇ જરા ચોંકી ગયાં હતાં. દીજી જાણે, કે હવે જમાનો બદલાઈ ગયો છે, જુવાનિયાં જાતે જ નક્કી કરી લે. બાપ્સને વાતચીતમાં જગત પસંદ પડી ગયો. ભણવામાં સારો હતો, બોલવામાં ઠરેલ હતો, અને એના કુટુંબનો સહેજ ખ્યાલ બાપ્સને હતો પણ ખરો.

આ આખી વાત સાંભળી, ત્યારે કેતકીના મનને જરા ઓછું આવી ગયું હતું. પોતાને પણ જીંદગીનો પ્રથમ પ્રેમ થયો હતો, પણ ક્યાં બન્યું, આવું બધું એના જીવનમાં? ક્યાં હરી-ફરી, કે હસી-બોલી, એ એના પ્રિયજનની સાથે?

અરે, પણ એમાં, ઘરનાં કોઈની રોકટોકનો સવાલ નડ્યો જ નહતો. પ્રેમ ક્યાં પાંગર્યો જ હતો, એનો? કેતકીની સાન જાણે પાછી આવી. હા, ઘરનાં કોઈનો વાંક નહતો. એવો પ્રેમ એના નસીબમાં જ નહતો.

પણ તો, સુજીતે શું ઓછું કર્યું એને માટે? પૂરતો રોમાન્સ ના આપ્યો એણે? અરે, હજી યે ક્યાં અટક્યો છે એ?

આ પછી, કેતકીના મનમાંથી દેવકીને માટેનો ઇર્ષાનો ભાવ નીકળી ગયો. બંને નસીબદાર હતાં. બંનેને પ્રેમ મળ્યો હતો, પણ જુદી જુદી રીતે. બસ, હવે દેવકીના વિવાહમાં બહુ મઝા પડશે.

દીજી સચિનને બહુ વહાલ કરતાં રહ્યાં. રોજ એમની પાસે જ રાખે બાબાને. હાથમાં, ખોળામાં, પણ એને ઊંચકીને હવે એ ચાલી ના શકે. દીજી, તમે બરાબર ખાતાં કેમ નથી?, એમને ગળે વળગીને કેતકી પૂછતી.

દીજી કહેતાં, અરે તુકી, ખવાય તેટલું ખાઈ લીધું જીંદગી આખી. હવે આ બાબાને જોઈને જ પેટ ભરાઈ જાય છે.

પોતાના દીકરાની દીકરીનો દીકરો. વાહ, ઘરમાં ચાર ચાર પેઢીઓ હતી અત્યારે. જોજો, કોઈની નજર ના લાગી જાય મારા લાલજીને. એ માઇને કહેતાં, સચિનની નજર ઊતાર. એના કાનની પાછળ મેંશનું ટીલું કર.

સચિન બોલવા માંડ્યો હતો, પણ હજી થોડું કાલું હતું. એટલું તો મીઠું લાગે. ને એને બોલતો, ને દોડતો, ને બધાં સાથે હળી જતો જોઈને, કેતકીને પરમ સંતોષ થતો.

પેલી બાજુ, સુજીતે ધાર્યું હતું તેમ, ઘરના દસ્તાવેજની બાબતે ફાધરે આભ માથે લીધું. એમની ટેવ પ્રમાણે ઘાંટા પાડ્યા, અને સુજીતને ગાળો ભાંડી. આ સલાહ મને પ્રજીતે આપી છે, એને ગાળો દો, સુજીતે સામે કહ્યું. પણ ફાધર બરાડ્યા, હોઈ જ ના શકે, પ્રજીતના નામે જુઠું બોલતાં પણ શરમાતો નથી તું?

છેવટે સુજીતે ફોન બૂક કરાવીને, પ્રજીત સાથે ફાધરની વાત કરાવી. લાઇન બરાબર નહતી, અને માંડ માંડ સંભળાતું હતું, પણ પ્રજીતે ફાધરને ખાતરી આપી, કે થોડા જ વખત પછી, એ ખાસ એમને મળવા ઇન્ડિયા આવી જશે. ત્યારે નિરાંતે વાતો કરીશું, પણ હમણાં દસ્તાવેજ પર સહી થઈ જાય, તો ઘણું સારું, વગેરે.

એની ડાહી ડાહી વાતોથી ફાધર માની ગયા, એટલે કે એમને માની જવું પડ્યું. પ્રજીત બરાબર જ સમજે ને. વળી, મળવા પણ આવવાનો છે. હવે એ જ આશા પર ફાધર ટકવાના હતા.

દસ્તાવેજ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ થઈ. વકીલોનું અને કૉર્ટનું કામ જલદી નથી જ થતું, એ જાણતો હોવા છતાં, સુજીત ચિંતામાં રહેતો હતો, પણ બહારથી ધીરજ રાખતો હતો. આમ ને આમ તો જવાનો દિવસ આવી જશે. ને તોયે જો તૈયાર નહીં થયો હોય, તો શું મારે પણ, પ્રજીતની સાથે ફરી આવવું પડશે?

એટલા ખર્ચાના વિચારે એ વધારે ચિંતિત થતો હતો.

પણ આખરે વકીલે કહ્યું, કે દસ્તાવેજ તૈયાર છે. ફાધરને લઈને સુજીત કૉર્ટમાં ગયો. ત્યાં બેસી રહેવું તો પડ્યું જ, પણ સહી-સિક્કા થયા ખરા. વકીલે કહ્યું, કે દસ્તાવેજ સુજીત અને પ્રજીતના નામે થઈ ગયો છે. પણ એમનો હક્ક બનશે ફાધર, તેમજ અમ્મા, નહીં હોય ત્યાર પછીથી.

વકીલની વાતથી સુજીતે નિરાંતનો શ્વાસ લીધો. ચાલો, એ હંમેશ માટે રહેવા પાછો દેશ આવે કે ના આવે, એનું પોતાનું ઘર તો રહેશે. પ્રૉપર્ટીના ભાવ તો વધતા જવાના, એટલે બીજું કાંઈ નહીં, તો પૈસા તો મળશે.

પોતે પ્રજીતથી જરાયે ઓછો હોંશિયાર નથી, સુજીત મનોમન ફુલાયો. આ દરમ્યાન ક્યારેક એને રંજીત યાદ આવતો હતો. એને મળવા જવાનું તો બન્યું નહીં, ફોન પર પણ સંપર્ક ના થયો. કાંઈ નહીં, ફરી આવીએ ત્યારે. શું કરું?, બધું તો ક્યાંથી થાય?

આ પછી સુજીત હળવો થઈ ગયો. એ કેતકી અને સચિનની સાથે રહેવા આવી ગયો. બાપ્સને સમજાવી દીધું, કે ફાધરને આમાં વાંધો નથી. સુજીતની હાજરીથી ઘરમાં સરસ વસ્તી રહેતી હતી. ને હવે દેવકીને એણે ધીરેથી કહી દીધું, કે જીતજી કહેવાને બદલે સુજીતભાઈ કહે તો એને વધારે ગમશે. આમે ય હવે જીતજી ને જગતજીમાં ગોટાળા થવાનો સંભવ છે, ખરું કે નહીં? બધાં બહુ હસ્યાં આ મજાક પર.

કેતકીને માટે પણ આ સમય ખૂબ આનંદનો હતો. અમેરિકામાં છેલ્લે છેલ્લે સુજીત થોડો દૂર થતો જતો લાગ્યો હતો. એવું સમજવાની મારી જ ભૂલ હતી. કશો ફેર નથી પડ્યો, કેતકીએ ડાઉટને ખંખેરી નાખ્યો. સુજીતની ભૂખરી-લીલી આંખોમાં ડૂબવાનું હજી એને એટલું જ ગમતું હતું. 

કેતકીએ કૉલૅજની બે-ચાર બહેનપણીઓને મળવાનો ટ્રાય કર્યો, પણ બહુ શક્ય ના બન્યું. સચિન, સુજીત, દીજી, માઇ, બસ, આટલાંમાં જ જાણે દિવસ વીતી જતો. સુમી સચિનને રમાડવા એક વાર ઉતાવળે આવી ગઈ. એને સાસરામાંથી બહુ ટાઇમ નહતો મળતો. સૂકાઈ ગયેલી લાગી.

કેમ, બહુ કામ કરાવે છે?, હસતાં હસતાં કેતકીએ પૂછ્યું.

સુમી જરા ગંભીર થઈ ગઈ. કદાચ એવું જ કહેવાય. કામ બહુ ના હોય, પણ ઘરની બહાર જવા દેવાનું બહુ ગમે નહીં –

કોને, તારાં સાસુને?

અરે, એથી યે વધારે વાંધા નણંદને હોય. કંઇક ને કંઇક બહાનું કાઢે, મને ઘેર રાખવાનું. શરદ બધું જુએ, ને સમજે, પણ ના માને કશું કહી શકે, ના નાની બહેનને યે કશું કહી શકે.

નીલુની કંપની સારી રહી. એને રોજ આવવા દીજીએ કહેલું. તું હોય તો તુકીને વાતો કરવાનું ગમે ને. હજી એનાં લગ્ન નહતાં થયાં, એટલે એ નીકળી શકતી હતી. કેતકીનો સંસાર જોઈને, પોતાને માટે જ એનો થોડો જીવ બળતો. શું થશે મારું? ક્યારે થશે આવી મારી જીંદગી?

પણ કેતકી પર દ્વેષ નહીં. તું થોડી બદલાઈ તો છું જ, હોં, તુકી, એણે કહેલું.

કેતકી વિચાર કરવા લાગેલી. તો શું ઘરમાં પણ બધાંને એવું લાગતું હશે? શું ખરેખર બદલાઈ ગઈ હતી પોતે? એણે કહ્યું, કદાચ એવું હોઈ શકે, નીલુ. ત્યાંનું જીવન એવું જુદું છે, કે એ પ્રમાણે તમારે મનને ઍડજસ્ટ કર્યા કરવું પડે, અને જાતને વધારે ને વધારે ડિવેલપ કર્યા કરવી પડે. બધું જાતે જ કરવાનું, એટલે જાણે ઘડીએ ઘડીએ, કાંઈ ને કાંઈ, નવું શીખવું પડે, જાણવું પડે.

પછી કહે, મને એવું લાગે છે, કે તું પણ ત્યાં આવી જઈશ. ત્યાં રહેતો છોકરો જ મળશે તને, તું જોજે.

નીલુ ભારે મનથી કહે, ખરેખર? મને તો થાય છે, કે હું કુંવારી જ ના રહી જાઉં.

ના હવે, આવું શું બોલે છે?, કહીને કેતકી સચિનની પાછળ દોડેલી.

સુજીત અને કેતકીને લાગ્યું, કે બધું કામ સારી રીતે પતતું જતું હતું. હવે ખરીદી કરવા માટે ટાઇમ કાઢી શકાય તેમ હતો. કેતકી બે-ચાર પંજાબી ડ્રેસ ખરીદવા માગતી હતી. સુજીતને બસ, એ સાડી પહેરે તે જ ગમે. એમાં દલીલો કરવી પડી કેતકીએ, કે અહીં આવ્યાં છીએ, ને નવાં કપડાં લઈ લઉં, તો મારે ચાલેને બીજાં ત્રણેક વર્ષ. પાર્ટીમાં સાડી બરાબર છે, જોકે હવે પાર્ટીમાં પણ ભાગ્યે જ કોઈ સાડી પહેરે છે, પણ સાધારણ કામ માટે નીકળો ત્યારે તો ડ્રેસ જ સારો પડે ને.

દીજી વચમાં પડ્યાં, કે હું આપું છું પૈસા, તુકીને જે ગમે તે ભલે ખરીદતી.

સુજીતને ચીડ ચઢી ગયેલી, જરા મોઢું ચઢેલું, પણ કોઈને ખાસ ખ્યાલ ના આવ્યો.

વિવાહના પ્રસંગોમાં તો કેતકી સાડી જ પહેરતી હતી, તેથી સુજીત ખુશ થઈ ગયો, અને ચીડ ભૂલી પણ ગયો. એક દિવસ, એ જાતે જઈને, એક સાડી કેતકીને માટે લઈ આવ્યો. વાહ, શું ટેસ્ટ છે, સુજીતભાઈ, તમારો, દેવકીએ સાડીનાં વખાણ કરેલાં.

સુજીત જાણતો હતો, કે એ નારાયણપેઠી સાડી હતી. કહે, મેં એ નામ દઈને કઢાવડાવી. મને પણ સાડીઓની થોડી ખબર પડે છે ખરી, હોં.

સાડા ત્રણ અઠવાડિયાં તો આમ ક્યાંયે વીતી ગયાં. બસ, તુકી, તું જવાની? એટલાંમાં વખત થઈ ગયો? દીજીને પહેલી વાર ઉદાસ થયેલાં જોયાં હશે કેતકીએ.

સહેજ બોલે, ને દીજીનો શ્વાસ ઊંચો ચઢી જતો હતો. સાવ નરમ અવાજે કહે, ક્યારે મળીશ તું ફરીથી? ક્યારે હું જોવા પામીશ મારા લાલજીને ફરીથી? એને લઈને જલદી પાછી આવીશ ને, તુકી?

કેતકી પાછી એમને વળગી. આવીશ જ ને, દીજી. તમે જીવ ના બાળો.  એ જોઈને સચિન પણ વળગ્યો, દી, જી, ના, બાલો

(વધુ આવતા ગુરુવારે)

અંતરનેટની કવિતા – (૧૬) – અનિલ ચાવડા

મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ઋણી છું

લોગ ઇનઃ

ખમે છે ભાર જે મારો હું એ કણકણનો ઋણી છું,
છતાં માતા, પિતા શિક્ષક; વિશેષ એ ત્રણનો ઋણી છું.

મળ્યું વર્ષો પછી તો જળ મને અમૃત લાગ્યું છે,
તરસ મારી વધારી છે સતત એ રણનો ઋણી છું.

ભલે છૂટાંછવાયાં છે છતાં રેખાને જોડે જે.
સીધી લીટીમાં રહેનારા એ બિંદુગણનો ઋણી છું.

કહ્યું’તું જેમણે કે મને કંઈ પણ નહીં આપે,
રહી છે આબરૂ તો એમના ‘કંઈ પણ’નો ઋણી છું.

મેં ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ઋણી છું.

સંદિપ પુજારા

સંજુ ફિલ્મમાં સુનિલ દત્તના સન્માનનો એક સિન છે, તેમાં સંજય દત્તે બોલવાનું હોય છે. જિંદગીભર પિતાનું ઋણ તે નહીં ચૂકવી શકે તેની કબૂલાત તેણે કરવી છે. કાર્યક્રમમાં તે બરોબર સ્પિચ તૈયાર કરીને આવે છે; પણ સંજોગો એવા સર્જાય છે કે તેને કાર્યક્રમમાં બોલવાની મંજૂરી નથી આપવામાં આવતી. ઘરે આવીને પિતા કહે છે, ત્યાં તારી સ્પિચ ન બોલી શક્યો તો કંઈ નહીં, અત્યારે મારી સામે વાંચી દે, પણ તે વાંચી નથી શકતો. કહે છે ફરી ક્યારેક સંભળાવીશ. બને છે એવું કે એ જ રાતે પિતાનું અવસાન થાય છે. પિતાનો આભાર પ્રત્યક્ષ ન માની શકવા માટે તેને ખૂબ જ વસવસો થાય છે. આપણે હંમેશાં સમયસર ઋણ ચૂકવાનું ભૂલી જતા હોઈએ છીએ. ઋણ ચૂકવવાની વાત દૂર, સરખી રીતે આભાર પણ નથી માની શકતા.

સંદિપ પુજારાની આ ગઝલ કણેકણથી લઈને મૃત્યુ સુધી જતી હર ક્ષણનો આભાર માને છે. જન્મનો આભાર તો કેક કાપીને કે પાર્ટી કરીને બધા માનતા હોય છે. અહીં તો કવિ મૃત્યુનું ઋણ પણ માથે ચડાવે છે. રાજેશ વ્યાસ મિસ્કીને આભારભાવ વ્યક્ત કરતી ગઝલ લખી છે. પળેપળ શ્વાસ ચાલે છે તે માટે પણ આભાર માનવો જોઈએ. ઘણાને હાથપગ, વાણી, શ્રવણશક્તિ કે દ્રષ્ટિ પણ નથી હોતી. છતાં આનંદથી જીવતા હોય છે. તમે સંપૂર્ણ સ્વસ્થ છો, હરી-ફરી, બોલી-ચાલી, સાંભળી-જોઈ શકો છો તે માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ.

સંદિપ પુજારા કહે છે કે જે મારો ભાર ખમે છે એ દરેક કણેકણનો હું ઋણી છું. ભાર ખમવામાં માત્ર પગના ચપ્પલ ન આવે. જિંદગીના તમામ ભારની વાત છે, પગ નીચે દબાતા નાનકડા રજકણથી લઈને, સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક, વૈચારિક એમ તમામ પ્રકારનો મારો ભાર જે કોઈ સહન કરે છે તેમનો હું ઋણી છું. વળી તેમાં કવ્યનાયક કહે છે તમામમાં માતા, પિતા અને શિક્ષક એ ત્રણનો વિશેષ ઋણી છું. સંસ્કૃતમાં તો बलिहारी गुरु आपनी, जिन्हे गोविंद दियो बताय। કહીને ગુરુનો મહિમા ઈશ્વરથીય વિશેષ ગણાવ્યો છે. માતાપિતાના ઋણની તોલે તો કોઈ આવી જ ક્યાંથી શકે? કવિ એટલા માટે જ આ ત્રણનો વિશેષ આભાર માને છે.

આપણને કંઈક સરળતાથી મળી જાય તો તેનું આપણને કશું મૂલ્ય હોતું નથી. હિન્દીમાં કહેવત પણ છે કે ઘર કી મુર્ગી દાલ બરોબર. જે સરળતાથી હાથવગું છે તેનું આપણને કંઈ મૂલ્ય નથી. જે સંઘર્ષથી મળે છે તે કીમતી છે અને હોવું પણ જોઈએ. સંઘર્ષ છે તો મૂલ્ય છે. ખરું ઋણ તો સંઘર્ષનું માનવું જોઈએ. કાવ્યનાયક આ વાત સારી રીતે સમજે છે. વર્ષો પછી જળ મળ્યું તો અમૃત લાગ્યું, રોજ મળત તો કદાચ પાણી જ લાગત! વર્ષો પછી મળવા પાછળ રણ જવાબદાર છે, રણે સતત તરસ વધારી છે. કવિ પોતાની તરસ વધારનાર રણ પ્રત્યે પણ ઋણ વ્યક્ત કરે છે. આપણે ખરાબ સમયને ભાંડતા હોઈએ છીએ, સંઘર્ષને ગાળો દેતા હોઈએ છીએ. તેનો આભાર ક્યારે માનીશું? સંઘર્ષ થયો તો કશુંક બની શક્યા! ચમકદાર થવા હીરાએ પણ ઘસાવું પડે છે.

સ્ટિવ જોબ્સે આપેલ બિંદુગણનું વ્યાખ્યાન ખૂબ જ લોકપ્રિય છે, યુટ્યૂબ પર ઉપલબ્ધ છે, સાંભળજો. તેણે પોતાના જીવનને જુદા-જુદા બિંદુગણ સાથે સરખાવ્યું છે. તે બધાં બિંદુઓ એકબીજાં સાથે જાડેયાલાં છે. જેમ ઇન્ટરનેટની એક લિંક એકબીજા સાથે જોડાતી હોય છે તેમ! સંદિપ પુજારા એ જ ફિલોસોફી જુદી રીતે વ્યક્ત કરે છે. ચોથો શેર વાંચીને અશોક ચાવડાનો શેર યાદ આવી જાય. મને ખબર છે મને તું કશું ન દેવાનો, કશું ન માગીને હું તારી શાન રાખું છું. નહીં માગીને અશોક ચાવડા શાન રાખે છે, પણ જેમણે કંઈ પણ નહીં આપવાની વાત કરી છે, તેમના કંઈ પણ માટે સંદિપ પુજારા આભાર માને છે. કેમકે તેમના કંઈ પણમાં પણ તેમને ઘણું બધું મળ્યું છે. આપણા જીવનની દરેક ક્ષણ આપણા મૃત્યુ તરફની ગતિ છે. કાવ્યનાયકે મૃત્યુ તરફ ગતિ કરતી દરેક ક્ષણ પ્રત્યે ઋણ વ્યક્ત કર્યું, અર્થાત જિવાયેલી જિંદગીની તમામ ક્ષણનો આભાર માન્યો. શરૂઆતથી લઈને અંત સુધી કવિએ ઋણભાવનો રદીફ સુંદર રીતે જાળવ્યો છે.

લોગ આઉટઃ

ભાર હો તો ક્યાંક જઈ ઉતારીએ,
પણ અહીં આભાર જેવું છે સતત.
ડો. મહેશ રાવલ

થોડી ખાટી, થોડી મીઠી- (૧૮) – દિપલ પટેલ

હું વાત કરી રહી હતી, અમેરિકાના લોકોની પ્રામાણિકતા વિષેની. 
આજ વાત આગળ વધારતા એક બીજો કિસ્સો જણાવું. સમય હતો થેન્ક્સગિવિંગનો. જેમાં દુકાનોમાં ખુબ ભીડ અને ચેકઆઊટ કાઉન્ટર ઉપર લાંબી લાઈન હોય. હું પણ આવી જ એક લાઈનમાં કલાકથી ઉભી હતી.

Continue reading થોડી ખાટી, થોડી મીઠી- (૧૮) – દિપલ પટેલ

સાંજને રોકો કોઈ – વાર્તા યામિની વ્યાસ

વાર્તા: સાંજને રોકો કોઈ – યામિની વ્યાસ

‘નિરાંત’ ઘરડાંઘરનો સૂરજ નિરાંતે જ ઊગતો. કોઈ ઉતાવળ નહીં, કોઈ ભાગદોડ નહીં. રોજની માફક જ પ્રફુલદાદા પ્રાણાયામમાં ને કલાદાદી પૂજાપાઠમાં વ્યસ્ત. બાજુની પાટ પર હરિદાદા સૂતા હતા ને અન્ય વૃદ્ધો ધીમે ધીમે પોતાનું કાર્ય કર્યે જતાં. પ્રફુલદાદાને કલાદાદી ઘણાં વર્ષોથી અહીં રહેતાં. એમનાં દાંમ્પત્યની મીઠી નોકઝોક અને બીજા માટે કંઈ કરી છૂટવાનો સ્વભાવ સૌને આકર્ષતો.

પૂજા પૂરી થતાં જ કલાબા સહેજ નિરાશાથી, ”હર હર મહાદેવ, હે કેદારદાદા, ભોળાનાથ તારે દર્શને આવવાની હવે શક્તિ નથી રહી કે નથી સંજોગો! હવે અહીં બેઠાં બેઠાં જ તારી ભક્તિ કરું છું, સ્વીકારજો. ચાલો, હવે બહોત ગઈ ને થોડી રહી.” પ્રફુલદાદા બોલ્યા વગર કંઈ રહે! ”હોય કંઈ! થોડી ગઈ ને બહોત રહી કહેવાય, અભી તો હમ..” ”જવાન નહીં હૈ હમ” કલાબાએ પૂર્તિ કરી. કલાબાનો ભરાય આવેલો અવાજ સાંભળી, ”અરે દીકો ન રહ્યો તો શું થયું? હું છું ને, ચાર શું ! તું કહે એટલા ધામ જાત્રા કરાવીશ બસ.” ને દાદીની આંખો લૂછતાં, ”સો.. નો રોના, ધોના..” ને કંઈ યાદ આવ્યું હોય એમ હરિદાદા તરફ ફરી એમનું ઓઢવાનું ખેંચતા બોલ્યા ”એ હરિયા, ઊઠ, આજે તો તારો જન્મદિન છે, હેપી બર્થ ડે. ” હરિદાદા ચારસો પોતાની તરફ ખેંચતા બોલ્યા ”સુવા દો ને, માંડ હમણાં આંખ લાગી છે, રાત આખી જાગતો જ હતો” ”તે અલ્યા તું કહેતો હતોને કે રાત્રે બાર વાગે તને વિશ કરવા તારા દીકરાનો ફોન આવવાનો હતો, તે આવેલો? ”હરિદાદા બેઠા થતા ”ના, પ્રફુલભાઈ ના. માફ કરજો, મેં બહુ ગપ્પા માર્યાં, બહુ ડંફાસો મારી, મારો કોઈ દીકરો આવવાનો નથી કે નથી એનો ફોન આવવાનો. તમને બધાને હંમેશા જુઠ્ઠું કહેતો રહ્યો. અરે! ફોન તો શું, એઓ મારું મોઢું પણ જોવા નથી માગતાં. મારી પત્નીનાં અવસાન પછી તો તેઓએ મને ઘરમાંથી કાઢી જ મૂક્યો છે. ભાઈ, આજે નહીં તો કાલે તમને આ વાતની ખબર પડવાની જ હતી પ્રફુલભાઈ, કલાબેન.” બોલતા તો એમની આંખો ભીની થઈ ગઈ. કલાબા સાંત્વન આપતાં કહે, ”મન ઉદાસ ન કરો ભાઈ, પણ તમે તો અવારનવાર ફોન પર વાતો કરો છો, એટલે મને થયું..!” ”અરે ના રે કલાબહેન, એ તો આપણને મળવા આવે છે ને કોલેજના છોકરાઓ, એમાંથી એક, બિચારો બહુ ભાવ રાખે છે. એને કહ્યું હતું કે ભાઈ, કોઈ વાર ફોન કરજે, ગમશે. પણ કાલે બિચારો ભૂલી ગયો હશે! આપણાં જ આપણાં ના રહે તો..! બર્થ ડે તો ઠીક મારા ભાઈ!”

ને ત્યાં જ આ ઉદાસ વાતાવરણમાં ખુશીઓથી ભરપૂર વવાઝોડું પ્રવેશ્યું. કોલેજનાં ચારેક યુવક યુવતીઓ ”હેપી બર્થ ડે હરિદાદા”ના ગુંજારવ સાથે કેક અને ગિફ્ટ લઈ આવી પહોંચ્યાં. હરિદાદાને વિશ કર્યું. આરોહી, રોનકે કેક કાઢી ટેબલ પર સજાવી. સાહિલ, અનેરીએ બાજુમાં ગિફ્ટ મૂકી. આરોહી બોલી, ”સોરી, યાર કેન્ડલ રહી ગઈ લાગે છે!” કલાબા તરત જ બોલ્યા, ”લે આ દીવો, હરિભાઈનો જન્મદિન મીણબત્તી બૂઝાવીને નહીં, દીવો પ્રગટાવીને મનાવીએ” આરોહીએ દીવો પ્રગટાવ્યો. હરિદાદા પાસે કેક કપાવી, રોનકે મોબાઈલ પર મ્યુઝિક મૂક્યું. ને વડીલોનો હાથ પકડી ડાન્સ કરાવ્યો. બધાં ખુશમિજાજ, ફક્ત અનેરી બહુ મૂડમાં નહોતી! સાહિલ હરિદાદાને ગિફ્ટ આપતા, ”હરિ દાદા, ગિફ્ટ ફોર યુ.” હરિદાદા આભારવશ ગળગળા થઈ બોલ્યા, ”દીકરાઓ, થેંક્યું, તમે મને દાદા કહો છો, પણ મારી પાસે તમને રિટર્ન ગિફ્ટ આપવા કાંઈ નથી, મારી પાસે તો..” આરોહી હરિદાદાને આગળ બોલતાં અટકાવીને બોલી, ”છેને! આપની પાસે અનુભવોનું ભાથું છે, કોઠાસૂઝ છે, દાદા ઘણીવાર ‘થોથાસૂઝ’ કામ ન લાગે ને ત્યાં કોઠાસૂઝ કામ લાગતી હોય છે. આ પુસ્તકો વાંચી તમારે અમને સમજાવવાનું છે.” ”અને હા, ફિકર નહીં કરો. દાદા, પુસ્તક લાઈબ્રેરીનું છે અને અઢાર દિવસમાં પરત કરવાનું છે, વાંચી લો, પછી લઈ જઈશું, બીજા દાદા દાદી માટે, ને તમને બીજું લાવી આપીશું.” પ્રફુલદાદા બોલ્યા, ”આ ખૂબ સરસ વાત પણ, અમને બધાને આપશો તો તમને કોઈ પુસ્તકની જરૂર હશે, તો તમે ક્યારે વાંચશો?” રોનકે કહ્યું, ”ઓ દાદા, અમે બધાએ અમારા પોકેટ મનીમાંથી લાયબ્રેરીની ડયુઅલ મેમ્બરશીપ. લીધી છે, એક અમે વાંચીએ અને એક આપ બધાં માટે, ચાલો અમે જઈએ.” કલાદાદી પ્રસાદનો વાટકો લાવતાં બોલ્યાં, ”લ્યો બેટા પ્રસાદ લેતા જાઓ.” ને અનેરીને સંબોધી કહ્યું, ”કેમ બેટા તું કંઈ નથી બોલતી?” અનેરીને બદલે આરોહીએ જવાબ આપ્યો, ”પહેલીવાર આવી છેને! બીજીવાર આવશે ત્યારે એટલું બોલશે કે મોઢું બંધ કરાવવું પડશે.” અનેરીએ પરાણે સ્મિત આપ્યું. એઓ ‘બાય, બાય’ કરને ગયાં. હરિદાદાથી બોલાઈ ગયું, ”પોતાનો પુત્ર કુપુત્ર નીકળે ત્યારે ભગવાન આવા દેવદૂતોને મોકલી આપતા હોય છે!” કલાદાદીથી ના રહેવાયું, ”અરે, કેટલાં  મીઠડાં છે ! અમારો દીકરો હોત તો એને ત્યાં ય કદાચ આવડાં છોકરાં હોત! પ્રભુની ઇચ્છા, બીજું શું?”
***
વૃદ્ધાશ્રમમાંથી નીકળતાં જ સાહિલે અનેરીને પૂછ્યું, ”કેમ અનેરી તને મજા ન આવી?” આરોહી બોલી, ”એ તો ના જ પાડતી હતી. હું એને ખેંચીને લાવી.” અનેરી તરત જ ”યાર, આઈ લવ સોશિયલ વર્ક બટ આઈ હેઈટ ઓલડીઝ.” અનેરીની વાત અટકાવતાં જ આરોહી બોલી, ”મેં તને પૂછ્યું ત્યારે તું ખુશી ખુશી ગ્રુપમાં જોડાઈ હતી. આપણો ‘મોટો’ (Motto) જ એમના ચહેરા પર ખુશી લાવવાનો છે. જો આ પ્રફુલદાદા અને કલાદાદીનો એકનો એક દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો, હવે એમને કોઈ જોનાર નથી, ને હરિદાદા રોજ રાહ જુએ પણ..” ”આઈ નો બટ.. આઇ રિયલી ડોન્ટ નો વાય.. બટ આઇ  હેઈટ ધીસ ઓલ્ડ પીપલ, રીંકલવાળા ફેઈસ, ટિપિકલ હેબિટ્સ! ખોંખારો ખાયા કરે, અને ગમે ત્યાં ત્યાં થૂંકે, નકામું બોલ બોલ કર્યા કરે, હમારે જમાને મેં ઐસા થા, વૈસા થા…. બ્લા બ્લા બ્લા..!” રોનક તરત જ બોલ્યો, ”નો અનેરી, ધે આર ક્યૂટ, તારે દાદા દાદી હોત તો..” ”આઈ ડોન્ટ નો, હું શું કરત! હું જન્મી પણ નહોતી ને પપ્પાએ એમના મા-પપ્પા ગુમાવેલા.. નો નેવર, હું બીજીવાર નહીં આવું. અરે, હું જુદું સમજી હતી. મને તો સ્વીટ કિડ્સ, ક્યૂટ ડોગ્સ, કે ઈવન બલાઈન્ડસ..પણ ગમે..! એટ લીસ્ટ બ્લેક સનગલાસ પહેર્યા હોય એટલે સારા લાગે!” સાહિલ વાત અટકાવતાં જ બોલ્યો, ”છોડો, ચાલો જલદી, ક્લાસનો ટાઈમ થઈ ગયો.” અનેરીએ જવાબ આપ્યો, ”ઓકે, લન્ચ બ્રેકમાં મળીએ છીએ પિત્ઝા પબ પર.. મારા તરફથી..!”

આ ચારેયની પાક્કી દોસ્તી, બધે સાથે જ જાય પણ વૃદ્ધાશ્રમની મુલાકાતે ત્રણ જ જાય. આમ તો અનેરીના ઘરેથી કોલેજ જતાં વૃદ્ધાશ્રમ વચ્ચે જ આવે પણ ત્રણેય મિત્રો એને વૃદ્ધાશ્રમ આવવા દબાણ કરતાં નહીં.

એક વખત ચારેય મિત્રો ફિલ્મ જોઈને પરત ફરતાં હતા. સાહિલ આરોહીને મુકવા ગયો. ને રોનક અનેરીને.. રોનકની બાઈક બગડી, બહુ મહેનત કરી પણ વ્યર્થ! અનેરીએ કહ્યું, ”તું ફિકર નહીં કર, જો પેલ્લું દેખાય મારું ઘર! વોકિંગ ડિસ્ટન્સ જ છે, જતી રહીશ. પહોંચી ફોન કરી દઈશ સ્યોર.” એ પ્રોમિસ લઈ રોનક બાઇક ઘસડતો ચાલવા લાગ્યો.

અનેરીએ ચાલતાં ચાલતાં આરોહી સાથે પણ વાત કરી, છેલ્લે હસતાં કહ્યું ”લે તમારાં વૃદ્ધાશ્રમ પાસેથી જ પસાર થાઉં છું, બાય ત્યાં જ પાછળથી કોઈ મવાલી ધસી આવ્યો. અનેરીને પકડી છેડછાડ કરવા લાગ્યો. અનેરી ખૂબ ગભરાઈ ગઈ હતી છતાં ચીસાચીસ કરી મૂકી. ઊંઘ ન આવતા પ્રફુલદાદા બહાર જ આંટો મારતાં હતાં એઓ લાકડી ઠોકતાં દોડી આવ્યા. મોટેથી ઘાંટો પાડ્યો ને મવાલી ભાગી ગયો. કલાદાદી, હરિદાદા પણ દોડી આવ્યા. અનેરીને અંદર લઈ જઈ શાંત પાડી. અનેરી આભારવશ થઈ ‘થેન્ક યુ સો મચ, દાદા આપ ના હોત તો!’ કલાબાએ હેતથી હૈયે વળગાડી કહ્યું, ”અરે અમે હોઈએ તો કોઈ હાથ તો લગાડે અમારી દીકરીને! ચાલ, બહુ મોડું થઈ ગયું છે. મમ્મી, પપ્પાને ફોન કરી દે, તને લઈ જાય. આટલા મોડાં એકલાં નહીં જવાનું દીકરા.” અનેરીએ બધી જ વાતો કરી ને કહ્યું મમ્મી, પપ્પા અમેરીકા છે. મારું આ લાસ્ટ ઈયર પતે પછી જઈશ. હમણાં એકલી જ છું, પણ ઘર સાવ નજીક જ છે, હું જતી રહીશ.” કલાબાએ વ્હાલથી હાથ ફેરવ્યો અને વોચમેનને બોલાવીને એને અને વોચમેનની પત્નીને, અનેરીને ઘરે મૂકવા મોકલ્યા.

બીજે દિવસે જ અનેરી એકલી પહોંચી ગઈ વૃદ્ધાશ્રમ દાદા દાદી માટે કંસાર લઈને! દાદા દાદીએ એને આવકારી ને કંસાર જેવી વાનગીથી આ પેઢી પરિચિત છે, વળી જાતે બનાવે જાણી આનંદ વ્યક્ત કર્યો. અનેરીએ પોતના હાથે ખવડાવ્યો. દરમ્યાન ત્રણેય મિત્રો આવી ગયાં. ખરેખર તો કાલની ઘટના બાબત આભાર માનવા જ આવ્યા હતાં પણ ત્યાં અનેરીને જોઈ સુખદ આશ્ચર્ય થયું અનેરીએ એમને પણ કંસાર ધર્યો. ”કંસાર અને તું?” બધાંનાં ચહેરા વાંચી આરોહી બોલી, ”યાર, ગુગલ સર્ચ કરી ઓલડીઝને.. સોરી દાદાદાદીને શું ભાવે એ શોધી બનાવ્યું.” કહી ચમચી આરોહીના મોઢામાં મૂકી. ”ઓયે, આટલો ખારો! મીઠું નાખ્યું છે, સ્ટુપીડ..” થું થું કરવા લાગી. અનેરીએ દાદાદાદી સામે જોયું, દાદાદાદી બોલ્યા, ”દીકરીના હાથનું મીઠું જ લાગે. અમે તો છોકરાઓના વહાલના ભૂખ્યા છીએ” સોરી કહેતા અનેરીની આંખ ઊભરાઈ ગઈ. પણ બધા ખુશ હતા.

હવે અનેરી પણ નિયમિત વૃદ્ધાશ્રમ આવતી. અરે, નજીક જ રહેતી હોવાથી ઘણીવાર એકલી પણ આવતી, એ દાદાદાદીની વધુ નજીક થતી ગઈ. હવે તો અનેરીએ રોજ જ જવા માંડ્યું હતું. અલકમલકની વાતો થતી. અનેરી દાદી પાસેથી વિવિધ વાનગી, અથાણાં, ભરતગુંથણ, વિવિધ નુસ્ખા વિગેરે શીખતી ને અનેરી દાદાને મોબાઈલમાં જુદી જુદી એપ્સ, ગુગલ વિગેરે ટેકનોલોજી સમજાવતી. દાદી અનેરીને માથામાં તેલ માલીશ કરતી તો અનેરી દાદીને આગ્રહ કરી પેસીયલ કરી આપતી.

કોલેજના એન્યુઅલ ગેધરીંગમાં બધાના આગ્રહથી દાદાદાદીએ જવાનું જ. ત્યાં અનેરીએ નાટકમાં કલાબાનાં ગેટઅપમાં દાદીનું પાત્ર ભજવેલું, જોઈ ખૂબ ખુશ થયેલા.

રોજની જેમ જ અનેરી વૃદ્ધાશ્રમ ગઈ, આજે ખૂબ ખુશ હતી, ખાસ તો એટલે કે અનેરી એની બર્થ ડે માટે દાદાદાદીને આમંત્રણ આપવા આવી હતી, ”દાદાદાદી, કાલે મારી બર્થ ડે છે, તમારે આવવાનું છે, મેં ઘરે જ નાનકડી પાર્ટી રાખી છે.” દાદી બોલ્યા. ”અરે, અમને ઘરડાંને રહેવા દે, અમારાં આશિષ છે જ.. તું મિત્રો સાથે પાર્ટી કર.” એમ નહીં, દાદાદાદી, તમારો જે સમાન લેવો હોય એ લઈ લો, તમને વાંધો ન હોય તો હું તમને દત્તક લેવા માંગું છું, મારા પ્રિન્સીપાલસાહેબ અને અહીંના મેનેજમેન્ટની મદદથી પરમિશન મળી ગઈ છે. પેપર્સ તૈયાર છે. ખાલી તમારી હા બાકી છે. તમારે દીકરી નથી ને મારે દાદાદાદી નથી. તો હવે એકે અક્ષર નહીં સાંભળું, બસ મને વહાલ કરતાં હો તો માની જાઓ.” દાદાદાદી એકબીજા સામે જોયું. ”અરે બેટા, ચાલ, પાર્ટીમાં ચોક્કસ આવીશું. પણ દત્તક.. કાયમ.. તો તને ભારે પડીશું.” ”હું કંઈ ના જાણું” કહેતી અનેરી નીકળી ગઈ. બીજે દિવસે દાદાદાદી ઘરે પહોંચતા જ, ”બહુ જ નજીક છે તારું ઘર બેટા” ”હા મારી કોલેજ નજીક પડે એટલે અહીં આ વન બીએચકે લીધું છે. મોટું ઘર દૂર છે.” હેપી બર્ઢ ડે અનેરી અને વેલકમ દાદાદાદી આમ બે કેક સજાવ્યા હતા. ”ચાલો, દાદાદાદી, પહેલા તમે કેક કાપો..” ડોર બેલ પડતાં જ અનેરી ખોલવા ગઈ, ખુશીથી ઝૂમી ઊઠી, એનાં મમ્મી પપ્પા અમેરિકાથી સરપ્રાઈઝ આપવા આવ્યાં હતાં, ”અરે હું પણ તમને સરપ્રાઈઝ આપું આવો..! દાદાદાદી, આ મારા મમ્મી પપ્પા ને મમ્મી પપ્પા, આ મારા દાદાદાદી..” દાદાદાદી પોતાના જ દીકરા-વહુને અને મમ્મીપપ્પા પોતાના જ મા બાપને જોઈ અવાચક થઈ ગયાં.. દાદા તરત જ ”માફ કરજે બેટા અનેરી” કહી કલાદાદીનો હાથ પકડી ઘરમાંથી નીકળવા જાય, અનેરીને કાંઈ ન સમજાય, પપ્પા દાદાને પગે પડ્યા અને મમ્મી પણ તેમને અનુસરીને, માફી માગતાં કહે ”મા, બાપુજી, ફોરેન સેટ થવાના ને એકલા રહેવાના અભરખાંમાં અનેરીના જન્મ પહેલા મેં જ તમને દૂર મોકલી દેવાની જીદ કરેલી, નહીં તો આત્મહત્યા કરી લેવાની ધમકી આપેલી..” પપ્પા બોલ્યા ”એ ભૂલ અમને જિંદગીભર સતાવતી રહી.. અમે હવે અહીં જ રહેવા વિચારીએ છીએ. આપની સાથે.. હવે તો અમારી પણ સાંજ ઢળશે.” અનેરીથી બોલાઈ ગયું ”ઓહ, ગોડ.. તો, એકબીજાને મન તો મારા મમ્મી-પપ્પા અને દાદા-દાદી તો જીવતા છે જ નહીં!” કલાબાનો માનો જીવ જરા ખેંચાયો. આ   જોઈ દાદા કલાબાનો હાથ જોરથી ખેંચી બોલ્યા, ”ચાલ કલા..” અનેરીએ ડૂસકાં સાથે દાદાની કફનીની બાંય ખેંચતા આજીજી કરી ”રોકાઈ જાઓ..” ને ઘરની ગરમ થયેલી આબોહવા ગાતી હતી..

‘તપી ગયેલા સૂરજને ટોકો કોઈ..
વહી જતી આ સાંજને રોકો કોઈ..’ 

ચાલો મારી સાથે – ૧૦) – ઉત્કર્ષ મઝુમદાર

ચાલો મારી સાથે       – (૧૦) –        ઉત્કર્ષ મઝુમદાર

ગત વખતની અધૂરી રહી ગયેલી વાત આગળ વધારીએ. બ્રિટનમાંથી નાટકોની,થિએટરની હકાલપટ્ટી કરાવનાર, થિયેટરો ધ્વસ્ત કરી નાખનાર પ્યુરિટન્સના  રાજમાં નાટકોમાં સ્ત્રી પાત્રો સ્ત્રીઓ જ ભજવવા લાગી એવું હું  કહું તો માનવામાં ના આવે ખરું? કેટલાક વાચકોને તો વિચાર પણ આવે કે ઉત્કર્ષભાઈ એ ‘છાંટો-પાણી’ કરીને આ લેખ લખ્યો છે કે શું? કારણ કે, આ કઈ રીતે શક્ય છે? નાટકો પર જ બંધી હોય તો પછી નાટકો કેવી રીતે થાય ને જો નાટકો જ ન થાય  હોય તો પછી સ્ત્રી કલાકારો સ્ત્રી પાત્ર ભજવે એ સંભવી જ કેવી રીતે શકે, બરોબર?  ના. લખનારે ‘છાંટો-પા’ણી કરીને આ લેખ લખ્યો નથી ને વાત મારી પુરેપુરી સાચી છે. કોઈ રાજ્યમાં એ દેશમાં દારૂબંધી હોય તેનો અર્થ શું એવો થાય કે ત્યાં દારૂ મળતો જ ના હોય? જાહેરમાં ન મળે પણ ખાનગીમાં તો એ મળી જ રહે ને! બસ તમારા સંપર્કો હોવા જોઈયે બસ એમ જ.

Continue reading ચાલો મારી સાથે – ૧૦) – ઉત્કર્ષ મઝુમદાર

“વારતા રે વારતા”- (૧૭) – બાબુ સુથાર

હાડકાંની અદલાબદલી

બાબુ સુથાર

(આજની આ વાર્તા કદાચ ૧૯૪૫-૫૦ માં લખાઈ હશે. મૂળ વાર્તા પણ અહીં જેમ કહેવામાં આવ્યું છે તેમ માત્ર દોઢ જ પાનાંની છે, પણ, એનું છેલ્લું વાક્ય આજના સમસ્ત વિશ્વની પરિસ્થિતિના સંદર્ભમાં પણ કેટલું બંધબેસતું છે, એનો સહુ સહ્રદયી વાચકે વ્યક્તિગત રીતે વિચાર કરવો ઘટે છે. આપણે માત્ર વ્યક્તિગત જ નહિ, આપણે રાષ્ટ્રિય સ્તર પર પણ, ધર્મના, જાતિના, વિસ્તારવાદ વગેરે જેવા અનેક નામે અનેક પ્રકારના યુદ્ધ લડતાં રહીએ છીએ. પણ ક્યાંય એકમેક પ્રત્યેના ધિક્કરને યુદ્ધ પછી પણ ભૂલી શકીએ છીએ ખરા? આ સવાલનો જવાબ , સવાલ બનીને જ આપણી સમક્ષ ઊભો રહી જાય છે અને કોઈ પાસે આજે પણ એ સવાલ બનેલા જવાબનો કોઈ જવાબ નથી! આપણે સહુ વાચકોના સદભાગ્ય છે કે ડો. બાબુ સુથાર દર અઠવાડિયે આવા અનેક રત્નો વિશ્વસાહિત્યના સાગરમાં ડૂબકી મારીને લઈ આવે છે અને આપણી વચ્ચે મૂકે છે. તો ચાલો, આજની આ ટૂંકી પણ સુંદર કથા માણીએ.)

મહાભારતના કવિએ તો કહી દીધું કે યુદ્ધની કથા રમણિય હોય છે. પણ, ના. કાયમ એવું નથી હોતું. સ્વિડીશ લેખક પાર લેજરવિસ્કની ‘અદલાબદલી’ વાર્તા વાંચો તો તરત જ આ વાત સમજાઈ જશે.

               માંડ દોઢ પાનાની આ વાર્તામાં લેખકે યુદ્ધના બિહામણા સ્વરૂપની જે વાત કરી છે એ કદાચ એક મહાકાવ્યમાં પણ ન કરી શકાઈ હોત. આ વાર્તામાં કોઈ નાયક નથી. કોઈ નાયિકા નથી. વાર્તા શરૂ થાય છે બે દેશો વચ્ચે થયેલા યુદ્ધની. લેખક કહે છે: બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હતું. ક્યાં બે રાષ્ટ્રો વચ્ચે? લેખકે એ કહ્યું નથી. આ બે રાષ્ટ્રોનાં નામ ન આપીને લેખકે ઘણું બધું કહી દીધું છે. એ ગમે તે બે રાષ્ટ્રો હોઈ શકે. એમાંનું એક રાષ્ટ્ર કદાચ વાચકનું પણ હોઈ શકે.

               યુદ્ધ પુરુ થયા પછી પણ હજી બન્ને રાષ્ટ્રોના લોકો એ યુદ્ધની વાત કરતા. અને જ્યારે પણ એ યુદ્ધની વાત કરતા ત્યારે સામેના દેશને ધિક્કારતા. આ રીતે એમની યુદ્ધની વાતો આખરે તો લાગણીની વાતો બની જતી. લેખક કહે છે કે એમાં પણ જે લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધેલો અને યુદ્ધના અન્તે બચી ગયેલા એ લોકો તો ખૂબ જ ઝનૂનથી યુદ્ધની વાત કરતા.

               યુદ્ધ પુરુ થયા પછી બન્ને દેશોએ પોતપોતાની યુદ્ધભૂમિ પર સૈનિકોનાં સ્મારકો બનાવેલાં. એમની સ્મૃતિમાં. કેમ કે એમણે દેશ માટે બલિદાન આપ્યું હતું. અને બન્ને દેશો એ બલિદાનને યાદ રાખવા માગતા હતા.

               બન્ને રાષ્ટ્રોએ એ યુદ્ધમેદાનને પ્રવાસનું સ્થળ બનાવી દીધું હતું. બન્ને દેશના નાગરિકો ત્યાં જતા અને એમના બહાદૂર સૈનિકોને યાદ કરતા.

               પણ, કોણ જાણે કેમ. થોડાક વખત પછી એ યુદ્ધમેદાનમાં કશુંક વિચિત્ર, કશુંક ન સમજાય એવું બનવા લાગ્યું. લોકો એની વાતો કરવા લાગ્યા. એ કહેવા લાગ્યા કે બન્ને દેશના કેટલાક સૈનિકો રોજ રાતે કબરમાંથી બહાર નીકળે છે અને સીમા ઓળંગીને એકબીજાને મળવા જાય છે. એટલું જ નહીં, એ લોકો એકબીજા સાથે વાતો પણ કરતા હોય છે અને કશાકની આપ લે પણ કરતા હોય છે. લોકો એમ પણ કહેવા લાગ્યા કે એ સૈનિકો એકબીજાને ભેટ આપતા હોય છે.

               દેખીતી રીતે જ, આવી અફવાઓને પગલે બન્ને દેશના નાગરિકો દુ:ખી થઈ ગયા. એમને થયું કે આપણે આપણા સૈનિકો માટે શું નથી કર્યું? આપણે એમનાં સ્મારકો બનાવ્યાં. એમનાં કુટુમ્બોની કાળજી લીધી. એમના નામનાં કાવ્યો રચ્યાં. બાળકોને એમના જીવનના પાઠ ભણાવ્યા. તો પણ આ સૈનિકો દુશ્મન દેશના સૈનિકોને મળવા જાય?

               આખરે આ વાત સરકાર સુધી પહોંચી.

               સરકાર પણ વિચારમાં પડી ગઈ: આવું તે કેમ બને?

               પછી સરકારે પણ એક તપાસ પંચ નીમ્યું અને કહ્યું કે જાઓ, સત્ય શું છે એ શોધી કાઢો.

               ત્યાર બાદ સત્યશોધક પંચ યુદ્ધમેદાનમાં જાય છે. એ પણ રાતે. એ લોકો એક ઝાડ પાસે બેસે છે. ત્યાં જ બન્ને દેશની યુદ્ધભૂમિમાંની કેટલીક કબરોમાંથી સૈનિકો બહાર આવે છે. સત્યશોધક પંચ પોતાના દેશના સૈનિકોને રોકે છે. કહે છે: આ શું કરી રહ્યા છો? તમને શરમ નથી આવતી? તમને અમે આટલું બધું માન આપીએ છીએ અને તમે દુશ્મન દેશના સૈનિકોને મળવા જાઓ છો?

               સૈનિકો કહે છે: અમારી દુશ્મનાવટ તો ચાલુ જ છે. અમે આજે પણ એકબીજાને એટલા જ ધિક્કારીએ છીએ. પણ, અમે તો રોજ રાતે અમારાં હાડકાંની અદલાબદલી કરીએ છીએ. બહુ મોટો ગોટાળો થઈ ગયો છે. યુદ્ધ પછી એમના સૈનિકોનાં હાડકાં આપણા સૈનિકોનાં હાડકાં ગણાઈને અહીં દાટવામાં આવ્યાં છે.

               ૧૯૫૧માં સાહિત્યનું નોબલ ઇનામ મેળવનાર પાર લેજરવિસ્કની (Pär Lagerkvist) આ વાર્તામાં એક બીજું પાસું પણ જોવા જેવું છે: મરણ પામેલા સૈનિકો પણ કબૂલ કરે છે કે એ હજી દુશ્મન દેશના સૈનિકોને એટલા જ ધિક્કારે છે.

આપણી વાર્તાનો વૈભવ – લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર

ઈશ્વર પેટલીકર

(પરિચયઃ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, (૯ મે ૧૯૧૬ – ૨૨ નવેમ્બર ૧૯૮૩) જેઓ ઇશ્વર પેટલીકર વડે જાણીતા હતા, જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર હતા. તેમના સર્જનમાં સામાજીક સંસ્કૃતિ અને ઉત્થાનની વાતો જોવા મળે છે. ગ્રામીણ સમાજ એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓએ એમને સાહિત્યક્ષેત્રે આગવું સ્થાન અપાવ્યું છે. એમની પ્રથમ છતાં યશોદાયી નવલકથા ‘જનમટીપ’ (૧૯૪૪)માં મહીકાંઠાના ખેડ-ઠાકરડાની પછાત કોમનાં પાત્રો અને તેમના લોકવ્યવહારની સાથે કથાનાયિકા ચંદાની ખુમારી અને છટાનું પ્રભાવક રીતે નિરૂપણ થયું છે. એમની નવલકથાઓમાં ગ્રામપ્રદેશનાં મનુષ્યોનાં સુખદુઃખ, આશાનિરાશા, સાંત્વનો, સમસ્યાઓ, રાગદ્વેષ, ગુણદોષ વગેરેનું એમણે પોતાના નક્કર અનુભવો તથા સમુચિત ભાષાશૈલીના બળ વડે સ્પર્શક્ષમ નિરૂપણ કર્યું છે.

Continue reading આપણી વાર્તાનો વૈભવ – લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર

ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૬ -દીપક મહેતા

ચલ મન મુંબઈ નગરી(હપ્તો ૬) દીપક મહેતા

અમેરિકાનું રાષ્ટ્રગીત લખાયું હતું, મુંબઈમાં બંધાયેલ વહાણ મિન્ડેનના તૂતક પર

૧૯મી સદીમાં મુંબઈનું બંદર અને ગોદી

આજે આપણા પારસી ભાઈ બહેનોનું નવું વરસ છે એટલે સૌથી પહેલાં તો એમને નવરોઝ મુબારક. અને આજે જેમનું નવું વરસ છે તે કોમના એક ખાનદાનની વાત આજે કરવી છે. આ ખાનદાનનું નામ માત્ર મુંબઈમાં જ રોશન નથી થયું. આ ખાનદાનનું નામ માત્ર હિન્દુસ્તાનમાં જ રોશન નથી થયું. પણ આ ખાનદાનનું નામ આખી દુનિયામાં રોશન થયેલું છે.

Continue reading ચલ મન મુંબઈ નગરી – હપ્તો ૬ -દીપક મહેતા