મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ઋણી છું
લોગ ઇનઃ
ખમે છે ભાર જે મારો હું એ કણકણનો ઋણી છું,
છતાં માતા, પિતા શિક્ષક; વિશેષ એ ત્રણનો ઋણી છું.
મળ્યું વર્ષો પછી તો જળ મને અમૃત લાગ્યું છે,
તરસ મારી વધારી છે સતત એ રણનો ઋણી છું.
ભલે છૂટાંછવાયાં છે છતાં રેખાને જોડે જે.
સીધી લીટીમાં રહેનારા એ બિંદુગણનો ઋણી છું.
કહ્યું’તું જેમણે કે મને કંઈ પણ નહીં આપે,
રહી છે આબરૂ તો એમના ‘કંઈ પણ’નો ઋણી છું.
મેં ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ઋણી છું.
– સંદિપ પુજારા
‘સંજુ’ ફિલ્મમાં સુનિલ દત્તના સન્માનનો એક સિન છે, તેમાં સંજય દત્તે બોલવાનું હોય છે. જિંદગીભર પિતાનું ઋણ તે નહીં ચૂકવી શકે તેની કબૂલાત તેણે કરવી છે. કાર્યક્રમમાં તે બરોબર સ્પિચ તૈયાર કરીને આવે છે; પણ સંજોગો એવા સર્જાય છે કે તેને કાર્યક્રમમાં બોલવાની મંજૂરી નથી આપવામાં આવતી. ઘરે આવીને પિતા કહે છે, ત્યાં તારી સ્પિચ ન બોલી શક્યો તો કંઈ નહીં, અત્યારે મારી સામે વાંચી દે, પણ તે વાંચી નથી શકતો. કહે છે ફરી ક્યારેક સંભળાવીશ. બને છે એવું કે એ જ રાતે પિતાનું અવસાન થાય છે. પિતાનો આભાર પ્રત્યક્ષ ન માની શકવા માટે તેને ખૂબ જ વસવસો થાય છે. આપણે હંમેશાં સમયસર ઋણ ચૂકવાનું ભૂલી જતા હોઈએ છીએ. ઋણ ચૂકવવાની વાત દૂર, સરખી રીતે આભાર પણ નથી માની શકતા.
સંદિપ પુજારાની આ ગઝલ કણેકણથી લઈને મૃત્યુ સુધી જતી હર ક્ષણનો આભાર માને છે. જન્મનો આભાર તો કેક કાપીને કે પાર્ટી કરીને બધા માનતા હોય છે. અહીં તો કવિ મૃત્યુનું ઋણ પણ માથે ચડાવે છે. રાજેશ વ્યાસ મિસ્કીને આભારભાવ વ્યક્ત કરતી ગઝલ લખી છે. પળેપળ શ્વાસ ચાલે છે તે માટે પણ આભાર માનવો જોઈએ. ઘણાને હાથપગ, વાણી, શ્રવણશક્તિ કે દ્રષ્ટિ પણ નથી હોતી. છતાં આનંદથી જીવતા હોય છે. તમે સંપૂર્ણ સ્વસ્થ છો, હરી-ફરી, બોલી-ચાલી, સાંભળી-જોઈ શકો છો તે માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ.
સંદિપ પુજારા કહે છે કે જે મારો ભાર ખમે છે એ દરેક કણેકણનો હું ઋણી છું. ભાર ખમવામાં માત્ર પગના ચપ્પલ ન આવે. જિંદગીના તમામ ભારની વાત છે, પગ નીચે દબાતા નાનકડા રજકણથી લઈને, સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક, વૈચારિક એમ તમામ પ્રકારનો મારો ભાર જે કોઈ સહન કરે છે તેમનો હું ઋણી છું. વળી તેમાં કવ્યનાયક કહે છે તમામમાં માતા, પિતા અને શિક્ષક એ ત્રણનો વિશેષ ઋણી છું. સંસ્કૃતમાં તો ‘बलिहारी गुरु आपनी, जिन्हे गोविंद दियो बताय।’ કહીને ગુરુનો મહિમા ઈશ્વરથીય વિશેષ ગણાવ્યો છે. માતાપિતાના ઋણની તોલે તો કોઈ આવી જ ક્યાંથી શકે? કવિ એટલા માટે જ આ ત્રણનો વિશેષ આભાર માને છે.
આપણને કંઈક સરળતાથી મળી જાય તો તેનું આપણને કશું મૂલ્ય હોતું નથી. હિન્દીમાં કહેવત પણ છે કે ‘ઘર કી મુર્ગી દાલ બરોબર’. જે સરળતાથી હાથવગું છે તેનું આપણને કંઈ મૂલ્ય નથી. જે સંઘર્ષથી મળે છે તે કીમતી છે અને હોવું પણ જોઈએ. સંઘર્ષ છે તો મૂલ્ય છે. ખરું ઋણ તો સંઘર્ષનું માનવું જોઈએ. કાવ્યનાયક આ વાત સારી રીતે સમજે છે. વર્ષો પછી જળ મળ્યું તો અમૃત લાગ્યું, રોજ મળત તો કદાચ પાણી જ લાગત! વર્ષો પછી મળવા પાછળ રણ જવાબદાર છે, રણે સતત તરસ વધારી છે. કવિ પોતાની તરસ વધારનાર રણ પ્રત્યે પણ ઋણ વ્યક્ત કરે છે. આપણે ખરાબ સમયને ભાંડતા હોઈએ છીએ, સંઘર્ષને ગાળો દેતા હોઈએ છીએ. તેનો આભાર ક્યારે માનીશું? સંઘર્ષ થયો તો કશુંક બની શક્યા! ચમકદાર થવા હીરાએ પણ ઘસાવું પડે છે.
સ્ટિવ જોબ્સે આપેલ બિંદુગણનું વ્યાખ્યાન ખૂબ જ લોકપ્રિય છે, યુટ્યૂબ પર ઉપલબ્ધ છે, સાંભળજો. તેણે પોતાના જીવનને જુદા-જુદા બિંદુગણ સાથે સરખાવ્યું છે. તે બધાં બિંદુઓ એકબીજાં સાથે જાડેયાલાં છે. જેમ ઇન્ટરનેટની એક લિંક એકબીજા સાથે જોડાતી હોય છે તેમ! સંદિપ પુજારા એ જ ફિલોસોફી જુદી રીતે વ્યક્ત કરે છે. ચોથો શેર વાંચીને અશોક ચાવડાનો શેર યાદ આવી જાય. ‘મને ખબર છે મને તું કશું ન દેવાનો, કશું ન માગીને હું તારી શાન રાખું છું.’ નહીં માગીને અશોક ચાવડા શાન રાખે છે, પણ જેમણે કંઈ પણ નહીં આપવાની વાત કરી છે, તેમના ‘કંઈ પણ’ માટે સંદિપ પુજારા આભાર માને છે. કેમકે તેમના ‘કંઈ પણ’માં પણ તેમને ઘણું બધું મળ્યું છે. આપણા જીવનની દરેક ક્ષણ આપણા મૃત્યુ તરફની ગતિ છે. કાવ્યનાયકે મૃત્યુ તરફ ગતિ કરતી દરેક ક્ષણ પ્રત્યે ઋણ વ્યક્ત કર્યું, અર્થાત જિવાયેલી જિંદગીની તમામ ક્ષણનો આભાર માન્યો. શરૂઆતથી લઈને અંત સુધી કવિએ ઋણભાવનો રદીફ સુંદર રીતે જાળવ્યો છે.
લોગ આઉટઃ
ભાર હો તો ક્યાંક જઈ ઉતારીએ,
પણ અહીં આભાર જેવું છે સતત.
– ડો. મહેશ રાવલ