શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
લોગ ઇનઃ
શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
ભીંતનો અટ્ટહાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
એક ગમતી સાંજ ચાખ્યે કેટલાં વર્ષો થયાં
આંખનો ઉપવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
સાવ નિર્જન કોઈ ટાપુ છે હૃદયની મધ્યમાં
ત્યાં જ કારાવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
પાંગર્યું છે ઊર્મિલાનું મૌન મારી ભીતરે
જાતનો વનવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
– મિલિન્દ ગઢવી
ગઝલનું બંધારણ કહે છે કે તેમાં ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે ઓગણીસ શેર હોવા જોઈએ. અહીં મિલિંદ ગઢવીએ ચાર જ શેરની ગઝલ રચી છે, પણ સંઘેડાઉતાર છે. તેમણે ધાર્યું હોત તો તે પાંચ શેર લખી શક્યા હોત, પણ ચાર શેરમાં જ તેમણે પોતાની કમાલ બતાવી દીધી છે. સારો કવિ પાંચમા શેરની લાલચમાં નથી પડતો.
ગઝલની પ્રથમ પંક્તિમાં જ શૂન્યતાનો રાસ દોરવાની વાત કરી છે. રાસ રમવામાં તો ટોળું જોઈએ, વધારે લોકો જોઈએ. અહીં તો કોઈ નથી, શૂન્યતા છે અને વળી શૂન્યતાનો રાસ છે. નરસિંહ મહેતા કૃષ્ણની રાસલીલા જોવામાં લીન થઈ ગયા, હાથ બળી ગયો તે વાત આપણે સૌ જાણીએ છીએ, પણ અહીં તો ‘તું નથી’ નામની શૂન્યતા રાસ રમી રહી છે. શૂન્યતાનો રાસ હોય એવા સમયે ભીંતોના અટ્ટહાસ્ય સિવાય બીજું શું હોઈ શકે? તેમણે રદીફ પણ છેક સુધી સુંદર રીતે નિભાવ્યો છે. પ્રતિકો, કલ્પનોનું નાવિન્ય તરત ધ્યાન ખેંચે છે. કવિતાના ભાવને તે વધારે સઘન રીતે રજૂ કરી છે. કવિ નયન દેસાઈએ પ્રિય પાત્રના જવાથી થતા વિરહની વાત કંઈક આ રીતે લખી છે, ‘સુના ઘરમાં ખાલી ખાલી માળ-મેળિયું ફરશે, તમે જશોને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે.’ અહીં તો પાત્ર ઓલરેડી જઈ ચૂક્યું છે. એટલા માટે જ તો શૂન્યતાનો રાસ દોરીને કવિ લખે છે ‘તું નથી!’
પોતાના ગમતા પાત્ર સાંથે સાંજ વિતાવવી એ જીવનનો એક લહાવો હોય છે. આ લહાવો કાયમ ન પણ ટકે. ભગવતીકુમાર શર્માએ લખ્યું છે, ‘ઉદાસી આ સૂરજની આંખે ચડી છે, તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.’ મિલિંદ ગઢવીએ પ્રિય પાત્ર વિનાની સાંજને ચીવટાઈથી રજૂ કરી છે. કવિ બહુ સાબદા છે. સીધી રીતે તેમને કશું નથી કહેવું, તે વાતને થોડી મરોડે છે, કહે છે કે ગમતી સાંજને ચાખ્યાને વર્ષો વીતી ગયાં. સાંજને ચાખવાની વાત કેટલી અર્થસભર છે ! સાંજને ચાખી નથી શકાઈ, અર્થાત આંખ ભૂખી છે, એટલે કવિ અહીં ઉપવાસ દોરવાની વાત કરે છે. આંખના ઉપવાસની વાત ભાવવાહી રીતે કરે છે.
પ્રિય પાત્રના ન હોવાના ભાવને તે વધારે ને વધારે ઘૂંટે છે. હૃદયની મધ્યમાં કયો ટાપુ હોઈ શકે? ત્યાં તો ગમતી વ્યક્તિની યાદો હોય, વિતાવેલી પળો હોય. તેની હાજરીથી તો આ ટાપુ મઘમઘતો રહેતો હોય છે, પણ જ્યારે તે ન હોય ત્યારે હૃદયનો ટાપુ નિર્જન થઈ જાય છે. કવિ હૃદયના ભેંકાર ટાપુ પરના એક કારાવાસમાં કેદ થઈ ગયા છે. જોકે હૃદયમાં કારાવાસ ઓછો હોય? પણ ગમતી વ્યક્તિ સાથે ન હોય ત્યારે એ કારાવાસથી કમ પણ નથીને?
કવિ પોતાના મૌનને ઉર્મિલાના મૌન સાથે સરખાવે છે. લક્ષ્મણ રામ સાથે વનવાસમાં ગયા, પણ ઉર્મિલા તો ઘરે રહ્યા હતા. કવિએ પોતાના વિરહને રજૂ કરવા માટે ઉર્મિલાના પાત્રનું પ્રતિક લીધું છે. તેમની અંદર પણ વિરહનું મૌન સતત પાંગરીને મોટું થતું જાય છે. આ મૌન જાણે વનવાસમાં પરિવર્તિત થઈ ગયું છે. ‘જનનીની જોડ સખી નહીં મળે રે લોલ’ જેવું અમર ગીત લખનાર બોટાદકરે તો ઉર્મિલા વિશે મોટું ખંડકાવ્ય રચેલું છે. ઉર્મિલાનું પાત્ર જાણે વિરહનું જીવતું જાગતું પ્રતિક બની ગયું છે. મિલિંદ ગઢવી પ્રતિકનો પ્રયોગ સારી રીતે કરી જાણે છે. તે ગુજરાતી, ઉર્દૂ બંને ભાષામાં ગઝલ રચે છે. સંચાલનકળા પણ તેમને હાથવગી છે. બાહુબલિની જેમ તેમની સાહિત્યિક પ્રસ્તુતિમાંથી ગુજરાતી, ઉર્દૂ અને સંચાલનકળા એમ ત્રણે તીર એક સાથે નીકળે છે, જે ભાવકના હૃદયને વીંધવામાં કાબેલ છે. પ્રિય વ્યક્તિ ન હોવાથી ગઝલના શેર લખવા પડે છે, બેફામ સાહેબની ગઝલથી લેખને લોગઆઉટ કરીએ.
લોગ આઉટઃ
તું નથી એથી લખ્યા મેં શેર તારે કારણે,
ખાનગી વાતો બની જાહેર તારે કારણે.
દ્વાર ખુલ્લાં છે હવે ચોમેર તારે કારણે,
ઘર હતું તે થઇ ગયું ખંડેર તારે કારણે.
તું મને મળશે હવે તો ઓળખી શકશે નહિ,
એટલો મુજમાં પડ્યો છે ફેર તારે કારણે.
હું નહિ તો બહુ વ્યવસ્થિત જિંદગી જીવતો હતો,
થઇ ગયું છે આ બધું અંધેર તારે કારણે.
મારી પોતાની જ હસ્તીને કરૂ છું નષ્ટ હું,
જાત સાથે થઇ ગયું છે વેર તારે કારણે.
તારું સરનામું મને આપ્યું નહિ, તો જો હવે,
વિશ્વમાં ભટકું છું ઘેરઘેર તારે કારણે.
તું જીવાડે છે ભલે, પણ જો દશા ‘બેફામ’ની,
કેટલા પીવા પડે છે ઝેર તારે કારણે?
– બરકત વીરાણી ‘બેફામ’