Category Archives: અન્ય

ચિત્રલેખાના તાજેતરના અંકમાં આંગણું

 

                                                 

Advertisements

મહિપતરામના બચાવમાં (નાગરી નાત વતી નર્મદનું લખાણ)

(મૂળ ભાષા રહેવા દીધી છે જેથી તે સમયે શબ્દો અને જોડણી કેવા હતા તેનો ખ્યાલ આવે – સંપાદક)

(એ હેંડબિલ તા. ૧૫ એપરેલ ૧૮૬૧ ની રાતે રા. ભાઉદાજીને તાંહાં ભાઈ મહિપતરામને માન આપવાને મળેલા મિત્રોમાં વેંહેંચવામાં આવ્યું હતું.)

Continue reading મહિપતરામના બચાવમાં (નાગરી નાત વતી નર્મદનું લખાણ)

એક ડોસી ડોસાને હજીય સવાલ કરે છે (કલ્પના દેસાઈ)

ગુજરાતીના બહુ મોટા કવિ સુરેશ દલાલની બહુ જાણીતી રચના છે, ‘એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે.’ સાચી વાત છે. સ્ત્રીઓના સ્વભાવના મૂળમાં જ દયા, માયા, કરુણા, પ્રેમ ને લાગણીનો ધોધ વહેતો હોય છે. આખી જિંદગી તો ઘરનાં સૌને એ ધોધનો લાભ એણે આપ્યો હોય પછી ઘડપણમાં બાકી કોણ રહે ? તો અલો કે ડોસો જે ગણો તે. પછી ડોસીએ પેલા પ્રેમ ને લાગણી ઠાલવવાના ક્યાં ? ઘરની બહાર પણ જવાય એવું ખાસ રહ્યું ન હોય ત્યારે ડોસી ડોસાને વહાલ જ કરવાની ને ? ડોસાને પણ નિવૃત્તિમાં ઘરમાં બેસીને માખી મારવાનું સૂઝે નહીં એટલે એ પણ ડોસીને સાચવ્યા કરે. નહીં તો એનાં નખરાં કોણ ઊઠાવે ? લોકો કહે કે, કેવાં એકબીજાંને સાચવીને રહે છે ? એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે !

Continue reading એક ડોસી ડોસાને હજીય સવાલ કરે છે (કલ્પના દેસાઈ)

શ્રીમદ ભગવદ ગીતા …રમેશ પટેલ(આકાશદીપ)

(ગીતા જ્યંતિને અનુલક્ષીને આજે શ્રી રમેશ પટેલની એક રચના વધારાની પોસ્ટ તરીકે રજૂ કરૂં છું)

Continue reading શ્રીમદ ભગવદ ગીતા …રમેશ પટેલ(આકાશદીપ)

દિકરીનો બાપ ( એષા દાદાવાળા )

નરસિંહ મહેતા, કણ્વ ઋષિ અને મુકેશ અંબાણી :

શું આ પરંપરા તૂટવી ન જોઇએ..??

દિકરીનાં પિતાએ હાથ જોડીને કેમ ઊભા રહેવું પડે?

જેનું એક આમંત્રણ પણ જીંદગીનો મહામૂલો પ્રસંગ ગણાય એવો એ માણસ હાથ જોડીને ઊભો હતો. જેનાં એક જ અવાજે સેંકડો લોકોની તકદીર બદલાઇ જાય એવા એ માણસનાં અવાજમાં કંપ વર્તાતો હતો. આખા શહેરની ફાઇવ સ્ટાર હોટલો એણે બુક કરી લીધી હતી. લોકોએ ક્યારેય ન માણી હોય એવી ભવ્ય આગતા-સ્વાગતા હતી અને છતાં એ માણસ માફી માંગતો હોય એવા સૂરમાં કહેતો હતો-’ક્યાંક કોઇ કસર રહી ગઇ હોય તો થોડું સહન કરી લેજો…છેવટે અમે દિકરીવાળા છીએ !’

Continue reading દિકરીનો બાપ ( એષા દાદાવાળા )

પુષ્પિત ભાષા (જુગતરામ દવે)

પુષ્પિત ભાષા

બૂડ્યો પંડિત પુષ્પિત ભાષા;

            અલંકાર, ઝડ ઝમ્મક, પ્રાસા

માથે મોભ્ભાદાર પાઘડી,

            છટાદાર મુખ શાસ્ત્રવિલાસા.

ઋષિ, દેવતા, છંદ સમેતા,

            ચારે  વેદો  જિહ્‌વા  વાસા.

ક્યા શાસ્ત્રનું ક્યું વિવેચન–

            વાદ ચડે તો પડે  ન પાછા.

આપ વદે ને આપ ન બૂઝે,

            બહુ ધૂમ્ર ને  અલ્પ પ્રકાશા.

મંત્ર ભણ્યો પણ મર્મ ન કળ્યો,

             માત્ર  કંઠમાં મંત્રો  ઠાસ્યા.

ચિત્રવિચિત્ર ક્રિયા વિસ્તારી,

            ધર્મ નહિ  એ  ધર્મ તમાશા.

યજ્ઞ કર્યા પણ સ્વાર્થ ન હોમ્યા,

            મનમાં  ભોગૈશ્વર્ય   ફલાશા.

નિશ્ચય ટાણે ગડગડ ગબડે,

            અનંત    સર્‌જે   તર્કાકાશા.

જ્ઞાનગંગમાં બહુ નાહ્યા,

            કોરા પંડિત રહ્યા શિલા શા.

ગીતાનાં બહુ ગીતો ગાયાં,

            તોય હજુ ક્યાં હઠે નિરાશા!

          -જુગતરામ દવે

(૧ લી જાન્યાઆરીથી આંગણાંમાં યુધ્ધ…..

ભારતીય સેનામાં અફસર તરીકે કામ કરવું એટલે શું? ૧૯૬૫ અને ૧૯૭૧ ના પાકીસ્તાન સાથેના યુધ્ધની દિલધડક વિગત ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત, ભારતીય સેનાના એક અફસરના શબ્દોમાં “દાવડાનું આંગણું” માં ૧લી જાન્યુઆરીથી દરરોજ રજૂ કરવામાં આવશે. આ કોપીરાઈટથી સુરક્ષિત કથા રજૂ કરવા મને અને આંગણાંને ખાસ મંજૂરી મળી છે. એક પણ એપીસોડ વાંચવાનું ચૂકશો નહીં-પી. કે. દાવડા  (સંપાદક) )

ધોધમાર ઝંખનાનું ગીત ( હેમંત ગોહિલ “મર્મર” )

ધોધમાર ઝંખનાનું ગીત ( હેમંત ગોહિલ “મર્મર” )

હાલ્યને અટાણે સૈ, હાલીએ હટાણે મારે આખ્ખું ચોમાસું આજ વ્હોરવું….

મુઠ્ઠીભર માવઠામાં તળિયુંય ઢંકાય નહીં, કેમ કરી હાંડલીમાં ઓરવું ?

માંગ્યું મંગાય કૈંક માંગવાની રીતમાં

ચોમાસું કોઈનું મંગાય કૈં ?

વીંઝાતા વાયરામાં તૈડાતી જાય સીમ

ભીતરમાં કૈંક લંઘાય, સૈ.

અરધા આંધણ મૂઆં માગે ઓબાળ હજી,  છાણાને કેટલું સંકોરવું ?

ફળિયામાં આમતેમ ટોળે વળીને કોક

મેંદી મૂક્યાની કરે વાતું;

વાતું તો હોય સખી, ઝરમરીયું ઝાપટું,

ભીનું તરબોળ ક્યાં થવાતું ?

ચોમાસું હોય તોય મૂંગો મંતર એવા ખોટુંડા મોરમાં શું દોરવું ?

થઇ જાતી રાળ રાળ આખ્ખીયે સીમ એવો

ધીંગો વરસાદ મને ગોઠે;

માટીની મહેક બની ફોરે ગરમાવો ત્યારે

તરસ્યું છીપાય મારી હોઠે.

ક્યાં લગ તરાગડે મોતીડાં ઠેલતીક વણવરસ્યા દિવસોને પોરવું ?

મારે તમને મળવું છે (રિષભ મહેતા)

મારે તમને મળવું છે

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

અણમોલ રત્નઃ મહાદેવભાઈ દેસાઈ  ( ઘનશ્યામદાસ બિરલા )

અણમોલ રત્નઃ મહાદેવભાઈ દેસાઈ  ( ઘનશ્યામદાસ બિરલા )

મહાદેવભાઈ સાથે પહેલો પરિચય ક્યારે થયો તે તો આજે મને યાદ નથી. લાંબા વખતની ગાઢ મૈત્રીના થરની નીચે એ તિથિ એ ભૂલાઈ ગઈ છે, પણ જ્યારે હું તેમનાં મધુર સંસ્મરણો ઉપર દૃષ્ટિપાત કરું છું, ત્યારે મને એમ લાગતું જ નથી કે તેઓ મૃત્યુ પામ્યા છે. છતાં જ્યારે વિચારું છું કે તેઓ આપણા સારું સદાયને માટે અપ્રાપ્ય બની ગયા છે, ત્યારે એક ઊંડો નિશ્વાસ નીકળી જાય છે. મૃત્યુ આ જીવનનો નૈસર્ગિક અંત છે, અને મૃત્યુને અંતે જીવન જ હશે એમ સમજવું જોઈએ. તો પણ સ્વજનનું મૃત્યુ – અને તે પણ સુજનનું મૃત્યુ – ઊછળતા હૃદયને મૂર્ચ્છિત બનાવી દે છે, તેથી જ તો ભર્તુહરિએ કહ્યું છે કે,

‘સમજાતું નથી કે આ જગત વિષ છે કે અમૃત!’

મહાદેવભાઈનાં સંસ્મરણો લખવાનું મારે માટે સહેલું છે તેટલું જ મુશ્કેલ પણ છે. એટલાં અસંખ્ય સંસ્મરણો છે કે ક્યાંથી આરંભ કરું અને ક્યાં તેનો અંત લાવું? બધાં જ સંસ્મરણો અત્યંત સુખદાયી છે. મહાદેવભાઈ ચિડાયા હોય કે ક્રોધમાં હોય એવું જોયાનું મને યાદ નથી. હાસ્ય તો તેના ચહેરા ઉપર આઠે પ્રહર રમ્યા કરતું. મહાદેવભાઈ ભાવુક શ્રદ્ધાળુ હોવાં છતાં પણ વ્યવહારિક હતા. તેઓ દરેક ક્ષણ કામમાં મગ્ન રહેતા હતા. આળસનું તો તેમનામાં નામ પણ ન હતું. જ્ઞાનના તેઓ ભંડારરૂપ હતા. ગંભીર હોવા છતાં પણ વિનોદવૃત્તિ ઓછી ન હતી. બાપુના મંત્રીપદને તેઓએ ગૌરવપૂર્વક શોભાવ્યું. અને અંતે બાપુની સેવા કરતા મૃત્યુ પામ્યા. રાજાજીએ સાચું જ કહ્યું છે કે, ‘મહાદેવભાઈના મૃત્યુથી બાપુ અનાથ બની ગયા છે.’

કોઈ એક માનનીય વ્યક્તિને પત્ર લખતાં મહાદેવભાઈએ લખ્યું હતું કે, ‘હું બાપુના મંત્રી, સેવક અને પુત્રસમુચ્યયરૂપ છું.’ મેં મહાદેવભાઈને ત્રણે સ્વરૂપમાં જોયા છે. મારે તો મહાદેવભાઈ સાથે ગાઢ મૈત્રી હતી, તેથી એમના મંત્રીપદનો મારે માટે કશો વિશેષ અર્થ ન હતો, છતાં તેઓ મારી પાસે બાપુના મંત્રી બની આવી શકે તેવો એકવાર આકર્ષક અનુભવ થયો છે, ત્યારથી તેમના ગુણોનો હું વધુ પ્રશંસક બન્યો.

ઘણાં વર્ષો પૂર્વેની વાત છે. ગાંધીજી દિલ્હી આવ્યા હતા અને હરિજનનિવાસમાં ઊતર્યા હતા. આ જ સમયમાં કવિ સમ્રાટ ટાગોર પણ ‘વિશ્વભારતી’ માટે ફંડ કરવા નીકળ્યા હતા. તેઓ પણ દિલ્હી આવી પહોંચ્યા. કવિ સમ્રાટનો કાર્યક્રમ એ હતો કે સ્થળે સ્થળે પોતાની નાટ્યકળા લોકોને બતાવે અને પછી લોકો પાસે પૈસાની માગણી કરે. આ વસ્તુએ ગાંધીજીનું હૃદય વીંધી નાખ્યું. ગુરુદેવ જેવી મહાન વિભૂતિ વૃદ્ધાવસ્થામાં પૈસા એકઠા કરવા ફરે, અને તે પણ કેવળ સાઠ હજાર રૂપિયા માટે, અને પોતાની નાટ્યકલા અને નૃત્યનું પ્રદશન કરે, એ વાત ગાંધીજીને અસહ્ય લાગી. હું તો ગાંધીજીને હંમેશાં મળતો હતો, પણ તેઓએ મને આ સંબંધી કશું કીધેલું નહિ, તેમની વેદના વધતી જતી હતી. જ્યારે તેમને આ વેદના અસહ્ય થઈ ત્યારે તેમણે મહાદેવભાઈને પોતાનું બધું દર્દ કહી સંભળાવ્યું.

રાતનો એક પહોર વીત્યો હશે. હું હજી નિદ્રાવશ થયો ન હતો. નિદ્રાની રાહ જોતો પથારીમાં સૂતો પડ્યો હતો. બત્તી બુઝાવી દીધી હતી. અચાનક કોઈના પગરવથી હું જાગી ઊઠ્યો : ‘કોણ છે?’ મેં પૂછ્યું તો મહાદેવભાઈ ઓરડામાં આવીને પલંગ પાસે બેઠા. ‘મહાદેવભાઈ, તમે! રાત્રે કેમ? છે તો બધું કુશળ ને?’ ‘હા, બધું કુશળ મંગળ છે. થોડી વાતચીત કરવી છે.’ હું પલંગમાંથી ઊઠવા જતો હતો ત્યાં તો મહાદેવભાઈએ કહ્યું, ‘સૂઇ રહો. સૂતાં સૂતાં જ વાત કરી લઈએ, ઊઠવાની કંઈ જરૂર નથી.’ વળી, હું ઊઠવા ગયો, પણ અંતે મહાદેવભાઈના આગ્રહથી સૂઈ રહ્યો. ‘કહો, શું વાત છે?’ મેં કહ્યું.

બસ, પછી તો મહાદેવભાઈની વાગ્ધારા ચાલી. એને શબ્દબદ્ધ કરવાની મારી શક્તિ નથી. જે ઓજ અને કળાથી તેમણે ગાંધીજીની મર્મવેદનાનું ચિત્ર દોર્યુ હતું, તે ખરેખર જોવા લાયક હતું. આખુંયે દૃશ્ય મારી આંખ સામે રમી રહ્યું. મહાદેવભાઈની વાણીમાં ભાવુકતા હતી, મૃદુતા હતી અને તેજસ્વિતા હતી. ગુરુદેવનાં ગુણગાન, ગુરુદેવને આ વૃદ્ધાવસ્થામાં થોડા એવા પૈસા માટે નાચવું પડે એ આપણું દુર્ભાગ્ય અને બાપુની અંતરવેદના – આ બધી વસ્તુઓનું મર્મસ્પર્શી ચિત્ર મારા હૃદય ઉપર અંકિત થતાં મને રડવું આવી ગયું. ‘બાપુએ કહ્યું કે, ઘનશ્યામદાસને કહો કે તેઓ પોતાના શ્રીમંત મિત્રોને લખે અને છ જણ મળીને દશ દશ હજારની રકમ ગુરૂદેવને આપી હિન્દુસ્તાનને આ શરમમાંથી બચાવી લે. અને ગુરુદેવને નિશ્ચિંત કરીને શાંતિનિકેતન પાછા મોકલી આપે.’ મહાદેવભાઈએ પોતાનું વક્તવ્ય પૂરું કરતાં આ શબ્દો કહ્યા.

‘મહાદેવભાઈ, બાપુની વ્યથા હું બરાબર સમજી શકું છું; પણ તમે આટલી મોડી રાતે આવી કડકડતી ઠંડીમાં શું કામ આવ્યા? બાપુ પોતે જ નિર્ણય કરી શકતા હતા. હું કોની પાસે ભિક્ષા માગવા જાઉં? બાપુને કહો કે જે કાંઈ આપવાનું હોય તે મારી પાસેથી માગી લે અને ગુરુદેવને આપી દે.’ મેં એમ કહ્યું તો ખરું, પણ એનું શ્રેય તો મહાદેવભાઈને હતું, કેમ કે એમના શાંત પરંતુ માર્મિક વ્યક્તવ્યે મારા માટે બીજો કોઈ નિર્ણય જ રહેવા દીધો ન હતો.

એક ચતુર કલાકારના માટીના પિંડાને પોતાની આંગળીઓની કરામતથી જે રીતે મનમાન્યું રૂપ આપે છે તે રીતે મહાદેવભાઈએ લોકોના મન ઉપર મનમાની અસર ઉપજાવીને પોતાને અનુકૂળ બનાવી લેવાની શક્તિ હસ્તગત કરી હતી, અને તે શક્તિ અદ્ભુત હતી. તેની કલમમાં પણ એવું જ ઓજ હતું અને વાણીમાં પણ કાંઈ ઓછી કળા નહોતી. પારંગત મંત્રીને કોઈ વાર વિનમ્ર, કોઈ વાર ઉદાસીન, કોઈ વાર સહનશીલ, કોઈ વાર અસહિષ્ણુ, કોઈ વાર ભાવુક તો કોઈ વાર વ્યવહારિક બનવાની જરૂર પડે છે. મહાદેવભાઈ જરૂરિયાત અનુસાર આ ભાવોને પ્રદર્શિત કરી શકતા હતા.

ઠક્કરબાપાએ સિત્તરમા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તેના કેટલાક મિત્રોએ તેમની સિત્તેરમી જયંતી ઊજવવાનો નિર્ણય કર્યો. તે નિર્ણય તો સાવ દમ વિનાનો હતો. સિત્તેરમી વર્ષગાંઠને લક્ષ્યમાં રાખીને સિત્તેરસો એટલે સાત હજાર રૂપિયા એકઠા કરવા એટલો જ એ નિર્ણય હતો. ગાંધીજીએ આ વાત સાંભળી ત્યારે કહ્યું કે, ‘ઠક્કરબાપાની સિત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે માત્ર સિત્તેરસો! સિત્તેર હજાર કે સિત્તેર લાખ નહિ? ઓછામાં ઓછા સિત્તેર હજાર તો એકઠા કરવાના જ.’  પણ આ સિત્તેર હજારની રકમ પણ યોજકોને પહાડ જેવી લાગી. જયંતીના દિવસો નજીક આવવા લાગ્યા પણ ધારેલી રકમ એકઠી થઈ શકી નહિ. છેવટે ગાંધીજીએ મહાદેવભાઈને મુંબઈ મોકલ્યા. ત્યાં તો પૈસાનો વરસાદ વરસવા લાગ્યો અને બે દિવસમાં એક લાખ વીસ હજાર એકઠા થઈ ગયા. થોડા વર્ષ બાદ ગુજરાતમાં દુકાળ પડ્યો ત્યારે ફરી ગાંધીજીએ મહાદેવભાઈને પૈસા લેવા માટે મુંબઈ મોકલ્યા. નિર્ણય એવો હતો કે ત્રણેક લાખ એકઠા કરવા, પણ સાત-આઠ લાખ એકઠા થઈ ગયા. સૌથી વિશેષ આશ્ચર્યની વાત તો એ હતી કે ‘ચમડી તૂટે, પણ દમડી ન છૂટે’ એવા કેટલાક લોકો પાસેથી પણ મહાદેવભાઈને સારી એવી રકમ મળી હતી.

સાચોસાચ મહાદેવભાઈ ગાંધીજીના માત્ર મંત્રી જ નહિ પણ તેમની બીજી કાયા બની ગયા હતા, ગાંધીજીના વિચારો તેઓ એટલે સુધી પીને પચાવી ગયા હતા કે તેઓ માત્ર ગાંધીજીના મંત્રી જ નહિ પણ સમય આવ્યે ગાંધીજીના સલાહકાર અને સંચાલક સુદ્ધાં બની બેસતા.

થોડા સમય પહેલાં એક અંગ્રેજી વર્તમાનપત્રનો પ્રતિનિધિ ચાલુ પરિસ્થિતિ ઉપર ગાંધીજીનું નિવેદન લેવા આવ્યો. ગાંધીજીએ જમતાં જમતાં નિવેદન લખાવવા માંડ્યું. હું જોતો હતો કે મહાદેવભાઈની કલમ એવી સફાઈથી ચાલતી હતી કે જાણે તેમના વિચારોને રોમેરોમમાં ઉતારી તેઓ બાપુથી અભિન્ન થઈ ગયા હતા.

છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કેટલીયે વાર મહાદેવભાઈએ ગાંધીજી સાથે ચર્ચા કરીને તેમના ઉપવાસ સંબંધી વિચારો ઉપર પ્રહાર કર્યા હતા – કેટલીયે વાર ઉપવાસ સંબંધી નિર્ણયોને ફેરવ્યા હતા. આજે એવું કોણ છે કે જે ગાંધીજી સાથે શાસ્ત્રાર્થ કરે? એવા મંત્રી ક્યાં હોય છે કે જે મંત્રી પણ હોય અને સલાહકાર પણ હોય, જે સેવક પણ હોય અને પુત્ર પણ હોય?

કદાચ બધાને ખબર પણ નહિ હોય કે મહાદેવભાઈએ કેટલાંક વર્ષ પહેલાં ‘ગીતા’નો અંગ્રેજીમાં ટીકા સાથે પ્રમાણિત અનુવાદ કર્યો હતો. મહાદેવભાઈનો જ્ઞાનનો ભંડાર અનુપમ હતો. પાશ્ચાત્ય તત્વજ્ઞાન વિશે તેમને જેવું જ્ઞાન હતું તેટલું જ તેમને આપણાં શાસ્ત્રોનું જ્ઞાન હતું, અને તેથી જ તેઓ ‘ગીતા’નો અનુવાદ કરવાના શાસ્ત્રીય અધિકારી બન્યા હતા. પોતે કરેલ અનુવાદમાંથી કેટલાક ભાગ કોઈ કોઈ વાર મને તેઓ સંભળાવતા હતા, અને તે મને અત્યંત આકર્ષક લાગ્યા હતા. એ અનુવાદ આજ સુધી પ્રગટ થયો નથી. કેટલીયે વાર છપાવવા માટે મેં તેમને આગ્રહ કર્યો, પણ મૂળ વાત એ હતી કે ગાંધીજીની સેવા-ચાકરીમાંથી અનુવાદ છપાવવાની ફુરસદ ન મળી. ગાંધીજીના સંબંધમાં જુદે જુદે સમયે લખેલી એટલી બધી નોંધો તેમની પાસે હતી કે ગાંધીજીની વિસ્તૃત જીવનકથા માટે એ એક અત્યંત ઉપયોગી સામગ્રી બને. હું તેમને કહ્યા કરતો હતો કે, ‘મહાદેવભાઈ, ગાંધીજીની વિસ્તૃત જીવનકથા ક્યારેક પણ તમારે જ લખવાની છે.’ અને તેઓ ઉલ્લાસથી હામ પણ ભીડતા. પણ એ દિવસ આવ્યો નહિ. ‘મન કી મન હી માંહી રહી.’

(તા. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ મહાદેવભાઈ દેસાઈના થયેલા નિધન પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ આપવા લખાયેલો લેખ)

ગીતિનું આંગણું

૧૦ મી માર્ચ ૨૦૧૮ ના મારા ૮૨ મા જન્મ દિવસે, મારી ૧૨ વર્ષની પૌત્રી ગીતિએ પ્રથમ અંગ્રેજીમાં ડ્રાફટ કરી પછી On line translation ની મદદથી ભાષાંતર કરી, પ્રિંટઆઉટ કાઢી, વહેલી સવારે મને આ કાગળ આપ્યો. ગીતિ અહીં અમેરિકામાં જન્મી છે. એને ગુજરાતી લખતાં વાંચતાં આવડતું નથી, છતાં ટેકનોજીની મદદ લઈ એણે ગુજરાતીમાં convert કરીને આપ્યું. ગીતિ છ વર્ષની હતી ત્યારથી કોમપ્યુટર વાપરે છે. મારા આ ચાર ફોટા એણે ઈંટરનેટ વાપરી શોધી કાઢ્યા છે. હું દિવસનો મોટો ભાગ દાવડાનું આંગણું ઉપર જ કામ કરતો હોઉં છું એ એને ખબર છે, એટલે એણે આ પત્રને ગીતિનું આંગણું નામ આપ્યું.

ગીતિનું આંગણું

10 માર્ચ, 1936 ના રોજ, એક મહાન વ્યક્તિ, મારા દાદા, પુરૂષોત્તમ દાવડા જન્મ્યા હતા. તેનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમને સિવિલ એન્જિનિયરિંગનું શિક્ષણ મળ્યું. વર્ષ 1961 માં, તેમણે બી.ઇ. ડિગ્રી મેળવી. તેમને ભાવેશ દાવડા અને જાસ્મિન દાવડા નામના બે અદ્ભુત બાળકો છે. મારા દાદા ખૂબ સરસ બ્લોગ લખે છે અને પ્રેરણાત્મક પ્રવચન આપે છે, બીજાઓને પ્રોત્સાહન આપવું એમને ગમે છે. મારા દાદા હંમેશાં યોગ્ય માર્ગ પર જાય છે, અને દરેકને યોગ્ય રીતે માર્ગદર્શન આપે છે. તે બાળકો સાથે ખૂબ જ રમુજી છે. અને તે કેલિફોર્નિયામાં રહે છે. તે ખૂબ જ સક્રિય છે, 82 વર્ષની વયે પણ, કારણ કે તે સવારમાં અને સાંજના રોજ રોજ ચાલવા માટે જાય છે. મારા દાદા પુરણપોળીને બહુ પસંદ કરે છે. તે બધાની સાથે દરેક સમયે સમાન રીતે વર્તે છે. તે ખૂબ જ નિષ્ઠાવાન અને સહાયભૂત છે. તેની પૌત્રી તરીકે, હું ખરેખર ખુશ છું. આજે 10 મી માર્ચ, 2018 એ પુરૂષોત્તમ દાવડાના 82 મો જન્મદિવસ છે. મારા દાદા માટે હંમેશા તેમની સાથે મારી શુભેચ્છાઓ છે. હેપ્પી બર્થ ડે દાદા!

ગીતિ