Category Archives: અમર ભટ્ટ

હું વાદળ જેવો એકલવાયો…” -ગીતઃ સુરેશ દલાલ-રજુઆતઃ અમર ભટ્ટ

“હું વાદળ જેવો એકલવાયો” – સ્વરકાર અને ગાયકઃ અમર ભટ્ટ

કવિ શ્રી સુરેશ દલાલ (જન્મતારીખ 11/10)નું એક ગીત આજે માણો.


એમણે કવિ વર્ડ્ઝવર્થના એક ગીતની પ્રથમ પંક્તિનો અનુવાદ કર્યો અને પછી બાકીનું ગીત પોતાની રીતે લખ્યું-
“‘હું વાદળ જેવો એકલવાયો ભટકું છું’
ખીણ ખીણમાં ફરી વળું ને શિખર શિખર પર ભટકું છું.
સરવરમાં હું કદી જોઉં છું તરવરતા પડછાયાને
એક પલકમાં લઉં સમેટી મારી વિધ વિધ માયાને
અનેક મારાં રૂપ છતાંય અરૂપનું હું લટકું છું
એકલો છું પણ એકલતાની મારા મનમાં શૂળ નથી
સભર થાઉં ને વરસી જાઉં એકાન્ત સમ કોઈ ફૂલ નથી
વિશાળ આ આકાશમાં હું તો નાનું અમથું ટપકું છું”

કવિ: સુરેશ દલાલ
સ્વરકાર: ગાયક: અમર ભટ્ટ
સુ.દ. કવિતામાં  પ્રયોગો માટે જાણીતા છે. લોકગીતની પ્રથમ પંક્તિ લઇ ગીત પોતાની રીતે પૂરું કરવું, કહેવત પરથી ગીત લખવું, મધ્યકાલીન કવિતાની પ્રથમ પંક્તિ લઇ ગીત લખવું…..
અહીં વર્ડ્ઝવર્થની પ્રથમ પંક્તિ લીધી છે.
બીજી પંક્તિમાં ‘શિખર શિખર પર ભટકું છું’ એમ એમણે લખ્યું; પણ ગાતાં ગાતાં મને વિચાર આવ્યો કે સિદ્ધિનાં એક શિખર પર પહોંચાય પછી ઘણાને અટકેલા જોયા છે એટલે ‘શિખર શિખર પર અટકું છું’ એમ ગાવાની છૂટ લીધી છે.
‘લટકું’ શબ્દ  ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ ને ‘વારી જાઉં રે સુંદર શ્યામ તારાં લટકાંને’ યાદ કરાવશે 
‘ટપકું’ એટલે કે બિંદુ- એટલે કે નજીવું અસ્તિત્વ કે (કાળું) ટપકું ?
અમર ભટ્ટ

“નમતું દીઠું નેણ તરાજુ” – રાજેન્દ્ર શુક્લ – રજુઆતઃ અમર ભટ્ટ

“નમતું દીઠું નેણ તરાજુ” – અમર ભટ્ટ

રાજેન્દ્ર શુક્લ: (જન્મદિન- 12/10)

‘નમતું દીઠું નેણ તરાજૂ
ઓછું અદકું કોણ કરે અબ કોણ કરે અબ થોડું ઝાઝૂં

સવા વાલનું પલ્લું ભારી
હેત હળુવાળીથી હળવા પળમાં તો ગોવર્ધન ધારી
લોક અવાચક ધારી ધારી નિરખે ઊભૂં આજૂ બાજૂ

અક્ષય પર અક્ષય ઓવારી
આપે આપ ઊભા પરવારી; કોણ રહ્યું કોના પર વારી ?
આઘું ઓરું કોણ કરે અબ સાવ અડોઅડ હું જ વિરાજૂં’
– રાજેન્દ્ર શુક્લ

આ પદ ડાકોરમાં દર્શન વખતે કવિને જે ભાવ થયો તે પરથી લખાયું. એક જ અંતરો એમણે લખેલો.
‘સપ્તક’ દરમિયાન બે કાર્યક્રમ વચ્ચેના ગાળામાં પાન ખાતાં ખાતાં  એમણે મને આ વાંચી સંભળાવેલું.
મારા અત્યાગ્રહને વશ થઇ ઘણા વખત પછી એમણે  એનો બીજો અંતરો લખ્યો. માટે આ રચના પૂર્ણ કરાવવામાં હું કારણભૂત છું એમ હું માનું  છું. એટલે જ એમણે છેલ્લી પંક્તિમાં  વિરાજ પરથી ‘વિરાજૂં’ શબ્દ વાપર્યો છે એમ પણ માનવા પણ સબળ કારણ છે.


ગોરખ કલ્યાણ રાગ પર આધારિત આ પદ છે અને પખાવજનો ઉપયોગ હવેલી સંગીતનું વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ થાય છે.
અમર ભટ્ટ

“સંગીતનાં સગપણ: 4: એકમેવ રાસભાઈ ” – અમર ભટ્ટ

સંગીતનાં સગપણ: 4: એકમેવ રાસભાઈ

(આજે, ૮મી ઓક્ટોબરે, ગુજરાતી સુગમ સંગીત – કાવ્ય-સંગીતના એક પાયાના સ્તંભ એવા દિવંગત શ્રી રાસબિહારીભાઈ – સહુ ગુજરાતી સંગીતપ્રેમીઓના લાડલા ‘રાસભાઈ’ની પુણ્ય તિથિ છે. એ નિમિત્તે એમના શિષ્ય અને ગુજરાતી સુગમ સંગીત – કાવ્ય સંગીતનું સૂરીલું અને બહુ મોટું નામ એવા અમરભાઈ ભટ્ટ તરફથી આ લેખ મળ્યો એને હું ‘દાવડાનું આંગણું’ નું સદભાગ્ય માનું છું. રાસભાઈને શત શત નમન અને અશ્રુભરી શ્રદ્ધાંજલિ.)

ક્ષેમુભાઈને ત્યાં ‘શ્રવણમાધુરી’ નામની શ્રુતિ વૃંદનાં ગાયકોની ઍલપીની  શ્રવણ બેઠકમાં રાસબિહારી દેસાઈ (હવેથી રાસભાઈ કહીને ઉલ્લેખીશ)ના અવાજમાં  ‘આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર’ સાંભળ્યું હતું.  એ અવાજ સાંભળીને ટાગોર કહે છે તેવી અનુભૂતિ મને થઇ હતી- શુનિ શેઇ સૂર,સહસા દેખિતે પાઈ દ્વિગુણ મધુર આમાદેર ધરા – એ સૂર સાંભળીને પૃથ્વી છે તેનાથી બમણી સુંદર લાગવા માંડી. ત્યારે તો ખબર નહીં કે રાસભાઈ સાથે સંગીતનું આ સગપણ થશે. 2011માં કવિશ્રી ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષમાં એમના ઉપરના અમારા આલબમ ‘ગીતગંગોત્રી’ માં એક ગીત લેવાનું હતું –

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી

પૃથ્વી પગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ વિશ્વંભર ભરવા નયણે રે હો જી

Continue reading “સંગીતનાં સગપણ: 4: એકમેવ રાસભાઈ ” – અમર ભટ્ટ

“The Only Poem”- મહાત્મા ગાંધી

અંગ્રેજી શબ્દ: મોહનદાસ કરમચંદ ગાંધી
પઠન: આત્મન વકીલ
અનુવાદ: ઉમાશંકર જોશી
ગાયક: અમર ભટ્ટ
આલબમ: કાવ્યસંગીતયાત્રા:2

ગાંધીજયંતિ

સાઉથ આફ્રિકામાં ફિનિક્સ સૅટલમેન્ટમાં આ અંગ્રેજી લખાણ નીચે એમ લખ્યું છે– The Only Poem Composed by Gandhi.
9 સપ્ટેમ્બર 1934ના દિવસે ગાંધીજીએ હૈદરાબાદ વેલફેર સેંટરનાં મિસ માર્ગારેટને અંગ્રેજીમાં એક સંદેશો લખી આપેલો તે આ લખાણ. ગાંધી આશ્રમમાં ‘હૃદયકુંજ’ ની બહાર પણ આ લખાણ જોવા મળે છે. અંગ્રેજી કાવ્ય પઠનસ્વરૂપે અને ગુજરાતીમાં ઝૂલણા છંદમાં એનો ગેય અનુવાદ ઉમાશંકર જોશીએ કર્યો તે ગાન સ્વરૂપે અમારા આલબમ ‘કાવ્યસંગીતયાત્રા:2’માં છે તે આજે ખાસ માણો. 

અમર ભટ્ટ

“Lord of Humility”
“દીન દુખિયા તણી”

‘રાધા આજ રીસાઈ અકારણ’ – -અમર ભટ્ટ

ક્ષેમુ દિવેટિયાના જન્મદિવસે (1/10) ….

‘આજ રીસાઇ અકારણ રાધા…
બોલકણી એ મૂંગી થઇ ને મૂંગું એનું મારણ…

મોરલીના સૂર છેડે માધવ વિધવિધ રીતે મનાવે
નીલ-ભૂરા નિજ  મોરપિંચ્છને ગોરા ગાલ લગાવે
આજ જવાને કોઇ બહાને નેણથી નીતરે શ્રાવણ
રાધા.. આજ રીસાઇ અકારણ

છાની છેડ કરે છોગાળો, જાય વળી સંતાઇ,
તોયે ન રીઝે રાધા, કા’નનું કાળજું જાયે કંતાઇ
થાય રે આજે શામળિયાને અંતરે બહુ અકળામણ
રાધા… આજ રીસાઇ અકારણ’

કવિ : સુરેશ દલાલ
સ્વરકાર: ક્ષેમુ દિવેટિયા
ગાયક: અમર ભટ્ટ
આલબમ : સંગીતસુધા

1984માં ક્ષેમુભાઇ અને સુધાબેનને 60 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ક્ષેમુભાઈનાં સ્વરનિયોજનોનો 4 કૅસેટનો સંપુટ “સંગીતસુધા” એ નામે સંગીરપ્રેમીઓને સાંપડ્યો.
એમાં ક્ષેમુભાઈએ મારા જેવા સાવ નવા ગાયક પાસે એક ગીત ગવડાવવાનું સાહસ કર્યું. સંગીતક્ષેત્રમાં  રસવશ મારો પ્રવેશ  1981માં થયેલો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુંબઈમાં હોવાને કારણે રેકોર્ડિંગ સ્ટુડિયો મુંબઈમાં હતો. એમણે ધાર્યું હોત તો જાણીતાં ને સ્થાપિત  કલાકારો પાસે પણ એ આ ગીત ગવડાવી શક્ય હોત. પણ એમને નવી પેઢીમાં વિશ્વાસ હતો.
મને સ્ટેજનો પ્રથમ અનુભવ ક્ષેમુભાઇ થકી મળ્યો. આઇએનટીના નાટક “સપનાંનાં વાવેતર”માં  પ્રવીણ જોશી,સરિતા જોશી ને સુરેશ રાજડા સાથે અમદાવાદના શૉઝ પૂરતો બાળકલાકાર તરીકે મને ક્ષેમુભાઈના કહેવાથી લેવામાં આવેલો.
માઈક પર પ્રથમ વાર ગાવાનો અનુભવ પણ ક્ષેમુભાઈએ સ્વરબદ્ધ કરેલા માધવ રામાનુજના કાવ્ય “એકવાર યમુનામાં આવ્યું’તું પૂર” થી મળેલો. આ ગીત મારાં મમ્મીની ગરબા સંસ્થા “નૂપુરઝંકાર”માં 1980-81માં રાસ તરીકે લેવાયેલું.
રેકોર્ડિંગ સ્ટુડીઓમાં ધ્વનિમુદ્રણનો પ્રથમ અનુભવ પણ ક્ષેમુભાઈએ મારા અવાજમાં આ ગીત રેકોર્ડ કરીને કરાવ્યો.
વાત ક્ષેમુભાઈની શબ્દસૂઝની-
બીજા અંતરામાં બીજી પંક્તિ છે-
‘તોયે ન રીઝે રાધા, કા’નનું
કાળજું જાય કંતાઈ’
એમાં પ્રથમ ખંડ બે વાર ગવાય છે પણ કઈ રીતે?
‘તોય ન રીઝે રાધા’ -એટલું  બે વાર ગવાય છે- ‘તોય ન રીઝે રાધા, કા’નનું’ એમ બે વાર નથી ગવાતું. કારણ? ‘રાધા’ શબ્દ પછીનો અલ્પવિરામ છે- બોલવામાં ‘તોય ન રીઝે રાધા’ પછી પૉઝ અને પછી વાક્ય પૂરું-‘કા’નનું કાળજું જાય કંતાઈ’.  આ અલ્પવિરામનું મહત્ત્વ ક્ષેમુભાઈએ શીખવ્યું. ‘અકળામણ’ શબ્દમાં એ ભાવ કઈ રીતે લાવવો એ એમણે ગાઈ બતાવેલું.
ગીતના રેકોર્ડિંગ વખતે સ્વરકાર દક્ષેશ ધ્રુવ મારો વિશ્વાસ વધારવા હાજર રહેલા ને રેકોર્ડિંગ વ્યવસ્થિત થઇ ગયું એની ખુશાલીમાં રેસ્ટોરન્ટમાં જમવા પણ લઇ ગયેલા તે આજે યાદ આવે છે.
2008ની 10 મેના દિવસે મારાં સ્વરનિયોજનોના આલબમ “શબ્દનો સ્વરાભિષેક”નું ધ્વનિમુદ્રણ શરુ કર્યું ત્યારે મારા આગ્રહથી ક્ષેમુભાઇ પ્રથમ ગીતના ધ્વનિમુદ્રણ સમયે એમની 84 વર્ષની ઉંમરે સ્ટુડિયોમાં હાજર રહેલા ને મને પ્રોત્સાહન આપેલું એ વાતનું પણ સાનંદ સ્મરણ કરું છું.
36 વર્ષ પહેલાં મેં ગાયેલું ક્ષેમુભાઈનું આ ગીત સાંભળો.
‘સંગીતસુધા’ હવે યુટયુબ ઉપર પણ સાંભળી શકાશે એમ ક્ષેમુભાઈના પુત્ર અને જાણીતા સ્વરકાર માલવભાઈએ મને જણાવ્યું.
ક્ષેમુભાઈને સૂરવંદન
અમર ભટ્ટ

(ઓડિયો સાંભળવા નીચે,  GurjarI લખેલા શબ્દો ને ક્લીક કરો)

Attachments area

ભજનયાત્રા – અમર ભટ્ટ

‘ભજનયાત્રા’
‘યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી’. નર્મદના આ શબ્દો લૉક ડાઉન :4ના છેલ્લા દિવસે; કહો કે અનલૉક :1ના પહેલા દિવસે ફરીથી યાદ કરું છું. વિશ્વકોશ થકી સાહિત્યસંગીત વહેંચવાનો આનંદ આવ્યો.
આજે ભજનયાત્રા માણો.નરસિંહ મહેતા, દયારામ, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ, ઉશનસ્, મકરન્દ દવે ને સુંદરમ્ ની રચનાઓ જેમાં પરમ ભાવ કે લયનું સામ્ય હોય કે સૂફી મિજાજ હોય અને જે સરખી વેનની રચનાઓ મને લાગી તે એક કાર્યક્રમમાં મેં એક સાથે ગાયેલી તે આજે પ્રસ્તુત છે-

https://youtu.be/eL76lCIwZBs

ભજનયાત્રા:પ્રથમ પંક્તિના શબ્દો:
નરસિંહ મહેતા
ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહીં રે
દયારામ:
નિશ્ચેના મ્હેલમાં વસે મારો વાલમો, વસે વ્રજલાડીલો રે
ઉમાશંકર જોશી:
સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી
રાજેન્દ્ર શાહ:
ખાટી રે આંબલીથી કાયા રે મંજાણી
એને તેજને કિનારે એણે આણી રે
ઉશનસ્:
એ જી.. અષાઢે તણખલું ના તોડીએ જી…
મકરન્દ દવે:
કોઈ ઘટમાં ગહેકે ઘેરૂં
બાવાજી મુંને ચડે સમંદર લ્હેરું
સુંદરમ્:
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
સ્વરાન્કન: પ્રસ્તુતિ: અમર ભટ્ટ

પછી થોડો વિરામ રાખીશું?
એ પછી કૈંક નવી વાત સાથે પાછો ઉપસ્થિત થઈશ.
આમ પણ ઘાયલસાહેબનો શેર છે-
‘આગળ જતાં એ રંગ અનોખો જ લાવશે
‘ઘાયલ’ ગઝલના આ તો હજી શ્રીગણેશ છે.’
અમર ભટ્ટ
(ટેકનિકલ મદદ માટે ઋષભ  કાપડિયાનો આભાર માનું તો એને નહીં ગમે.)

Attachments area

“આજ મારૂં મન માને ના, માને ના” – અમર ભટ્ટ

“આજ મારૂં મન માને ના, માને ના”

આજ મારૂં મન માને ના, માને ના
કેમ કરી એને સમજાવું?
આમ ને તેમ ઘણું   રિઝાવું
રેઢું મૂકી આગળ શેં  જાઉં?
વાત મારી લે કાને ના કાને ના. આજ…

ચાલ, પણે છે કોકિલ-સારસ;
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ,
સમજતું કોઈ  બા’ને ના, બા’ને ના. આજ…

ના થઈએ પ્રિય! છેક જ આળા,
છે જગમંડપ કૈંક રસાળા.
-એ તો જપે બસ એક જ માળા:
કેમ મળે તું આને ના, આને ના? આજ મારૂં મન…’

કવિ: ઉમાશંકર જોશી
સ્વરકાર: અમર ભટ્ટ
ગાયક: ગાર્ગી વોરા
આલબમ: સ્વરાભિષેક: 6

મન કેમે કર્યું માનતું નથી એ માટે કવિ ‘માને ના’ શબ્દ બે વાર ઉપયોગમાં લે છે. મનને રેઢું મૂકીને આગળ જવાતું નથી. મનને મનાવવાનાં  બ્હાનાં શોધાય છે, પણ  એ માનતું નથી.  એની તો એક જ રટ છે.
કવિએ ‘માને ના’, ‘કાને ના’, ‘બા’ને ના’, ‘આને ના’ શબ્દો બે વાર ઉપયોગમાં લીધા છે ને એટલે જ આઠ માત્રાના તાલમાં એની સ્વરગૂંથણી કરતાં સ્હેજે મુશ્કેલી નથી પડતી. રાજેન્દ્ર શાહે પણ એક ગીતમાં આવો પ્રયોગ કર્યો છે-
‘મન મેં તારું જાણ્યું ના જાણ્યું ના’.
ગીતમાં બીજા અંતરામાં આવતો ‘જગમંડપ’ શબ્દ ન્હાનાલાલના   ‘તુજ શરણું એ મમ પરમ જોમ હરિ ૐ હરિ ૐ હરિ ૐ’  ગીતની યાદ અપાવી ગયો જેમાં એક પંક્તિમાં ‘નભમંડપ’ શબ્દ છે –
‘નભમંડપની દીપમાળા’
મારા શાસ્ત્રીય સંગીતના ગુરૂ ઉસ્તાદ ગુલામ અહેમદ ખાંસાહેબ પાસે રાગ નટ બિહાગની ત્રિતાલમાં બંદિશ શીખેલો-

‘ઝનઝનઝનઝન પાયલ મોરી બાજે
જાગે મોરી સાસ નનદિયાં ઔર દેરનિયા હાં જેઠનિયા’
ક્ષેમુભાઈના એક ગીતની  પ્રથમ પંક્તિ પણ નટ બિહાગમાં ખેમટા તાલમાં છે-
‘સ્હેજ ઊભી’તી તરૂવરની છાંયમાં
ને બાઈ હું તો લીલીછમ લીલીછમ થઇ’
આમ પણ છાયાનટ મારો પ્રિય રાગ છે ને એમાં બિહાગનું મિશ્રણ થાય ને પાછું આ ગમતા કવિના ગમતા શબ્દો મળે! વાદ્યસંગતમાં બાંસુરી ને સરોદ છે. મન અને હૃદયની  આ ગુફતેગુ ગમશે.

ઓડિયો વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક પર ક્લીક કરોઃ

https://www.youtube.com/watch?v=d2N3Hqc-Yew

 

Attachments area

Preview YouTube video આજ મારું મન માને ના માને ના || Gargi Vora || Ramkatha || Morari Bapu

આજ મારું મન માને ના માને ના || Gargi Vora || Ramkatha || Morari Bapu

 

 

કવિ ભગવતીકુમાર શર્મા -એક સુરીલી સ્મૃતિવંદના – અમર ભટ્ટ

કવિ ભગવતીકુમાર શર્મા (જન્મ તારીખ :31 મૅ): જન્મદિને સુરીલી સ્મૃતિવંદના

https://youtu.be/xqrYDQmK9Z8

ગીત, ગઝલ, સૉનેટ, અછાંદસ વગેરે તમામ કાવ્યપ્રકારોને સરખી કુશળતાથી તાગનાર ને ખેડનાર કવિ. એમનું  ખૂબ જાણીતું ગીત છે –
‘મારે રુદિયે બે મંજીરાં,
એક જૂનાગઢનો મ્હેતો ને બીજી મેવાડની મીરાં’.
એમની આ ગઝલ જુઓ-
‘અમે આંધી વચ્ચે તણખલાંના માણસ
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ
ફટાણાંના માણસ, મરશિયાંના માણસ,
અમે વારસાગત સમસ્યાના માણસ,
અમે અમને જ મળવાને ઝૂરતાં જ રહીએ
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ’
એમની ત્રણ રચના અહીં પ્રસ્તુત છે. પ્રથમ એક ગઝલ પઠન સ્વરૂપે છે- ‘ગઝલબઝલ’- પ્રયોગશીલ ગઝલ  છે. દ્વિરુક્તિ શબ્દપ્રયોગથી  આપણે અજાણ નથી જ- દાખલા તરીકે  ‘પાણીબાણી પીશો?’,  ‘કાંઈ કામબામ હોય તો કહેજો’-
ગઝલમાં કવિએ એ પ્રયોગ કર્યો છે.
‘અક્ષરબક્ષર કાગળબાગળ શબ્દોબબ્દો
પરપોટેબરપોટે ક્યાંથી   દરિયોબરિયો
શ્વાસબાસમાં વાસ જાતા માંસની આવે
સમયબમયનો ખાધોબાધો   ફટકોબટકો’
‘અર્થબર્થ સૌ વ્યર્થ’; ‘ફટકોબટકો’ જેવા પ્રયોગો અર્થસભર પણ ગમશે.
બીજી એક ગઝલ તરન્નુમમાં ગાનરૂપે છે. શરણાઈ, હરિફાઇ, તનહાઈ, અદેખાઈ ને સરસાઈ તરફ કવિ નમ્રતાપૂર્વક ધ્યાન દોરે છે- ‘તો જુઓ!’.

કેવી હઠે ચડી છે   આ શરણાઈ તો જુઓ
ડૂસકાંની સાથે એની હરિફાઇ તો જુઓ.

આવ્યું-ગયું ન કોઈ તમારાં સ્મરણ સિવાય
કેવી સભર  બની છે આ  તનહાઈ તો જુઓ

અંધાર લીલોછમ અને ટહુકાના આગિયા
ઝળહળ સુગંધ વેરતી અમરાઈ તો જુઓ.

પડછાયાનીયે કેવી કરે છે એ કાપકૂપ
સૂરજની મારા પરની અદેખાઈ તો જુઓ

બે મત પ્રવર્તે એના વિશે હું તો છું જ છું.
ઈશ્વર ઉપરની મારી આ સરસાઈ તો જુઓ.
કવિ: ભગવતીકુમાર શર્મા
સ્વરકાર-ગાયક: અમર ભટ્ટ

છેલ્લે એક રમતિયાળ ગીત છે જે અમારા આલબમ સ્વરાભિષેક:3માં  વિરાજ ઉપાધ્યાય અને બીજલ ઉપાધ્યાયે ગાયું છે-
‘સૂડી વચ્ચે સોપારી ને સોપારી નંગ સોળ
કે રાજ લવિંગ લ્યો!
સોળ વરસની છોરી એને કાળજે કૂણા સોળ
કે રાજ લવિંગ લ્યો! ‘

કવિ ભગવતીકુમાર શર્માને સાદર અંજલિ.

અમર ભટ્ટ

Sent from my iPhone

Attachments area

Continue reading કવિ ભગવતીકુમાર શર્મા -એક સુરીલી સ્મૃતિવંદના – અમર ભટ્ટ

ભગતસાહેબનાં કાવ્યોના ગાન – ગીત-સંગીત પ્રસ્તુતિઃ અમર ભટ્ટ

18 મૅ નિરંજન ભગતનો જન્મ દિવસ.
ભગતસાહેબનાં કાવ્યોના ગાનનો એક કાર્યક્રમ વિશ્વકોશમાં 10 જુલાઈ 2015ના દિવસે કરેલો. ભગતસાહેબ પઠન કરે એ જ કાવ્ય મેં ગાનરૂપે રજૂ કરેલું.વિશ્વકોશની ઈચ્છા હતી કે ભગતસાહેબની યાદમાં એમના 95મા જન્મદિને એક કાર્યક્રમ હું કરૂં- થોડુંક ગાન હોય, થોડીક એમની સર્જનપ્રક્રિયાની વાતો હોય.  ‘લોક ડાઉન’અને ‘સોશિયલ ડીસ્ટન્સ’ના સંજોગોમાં ને
ટેક્નોલોજીથી પૂરો ટેવાયો નથી; તે છતાં પણ એકાદ કલાકનો કાર્યક્રમ તૈયાર થયો.

વિશ્વકોશ અને નિરંજન ભગત મેમોરીયલ ટ્રસ્ટના ઉપક્રમે ભગતસાહેબનાં કાવ્યો મેં માત્ર હાર્મોનિયમ સંગતમાં મારા ઘરમાં જ ગાઈને વિશ્વકોશની યુટયુબ ચેનલ પર મૂક્યાં છે; જેમાં એમની સર્જન પ્રક્રિયાની કેટલીક વાતો પણ છે. આજે સવારે 10 વાગ્યાથી આ લિંક પર આ કાર્યક્રમ માણવા વિનંતી છે-

નીચેની લીંક ક્લીક કરીને આખો પ્રોગ્રામ જોઈ શકાશે.

“રામ રમકડું જડિયું” – કવયિત્રીઃ મીરાંબાઈ – સ્વરકારઃ અમર ભટ્ટ

(મીરાંબાઈનું આ પદ વાંચીને વાગોળવા જેવું છે અને એનું જ, અમર ભટ્ટ દ્વરા કરેલું સ્વરાંકન (જે નીચે આપેલી લીંકમાં સાંભળી શકશો) આંખો બંધ કરીને માણવા જેવું છે. શબ્દો અને સૂરની આ રજૂઆત આપ સહુને અભિભૂત કરી જશે એની મને ખાતરી છે.)

રામ રમકડું જડિયું રાણાજી મુંને રામ રમકડું જડિયું
રૂમઝુમ  કરતું મારે મંદિરે પધાર્યું, નહીં કોઈને હાથે ચડિયું
મુંને રામ રમકડું જડિયું
મોટા મોટા મુનિજન મથી મથી થાક્યા
કોઈ વિરલાને હાથે ચડિયું રે
મુંને રામ રમકડું જડિયું
શૂન શિખરના ઘાટથી ઉપર,
અગમ અગોચર નામ પડિયું રે
મુંને રામ રમકડું જડિયું
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર
મારૂં મન શામળિયાશું જડિયું રે
મુંને રામ રમકડું જડિયું


કવયિત્રી: મીરાંબાઈ
સ્વરકાર: અમર ભટ્ટ


મીરાંબાઇનું આ સરળ ને જાણીતું પદ છે. કૃષ્ણ માટે મીરાંનો  ‘રામ રતનધન’ શબ્દપ્રયોગ જાણીતો છે (પાયોજી મૈંને રામ રતનધન પાયો)  તેમ ‘રામ રમકડું’ પણ.  આ ‘રમકડું‘ તે બાળપણમાં એના હાથમાં સોંપેલી કૃષ્ણની મૂર્તિ હશે?  એ રમકડું એને જડે છે ને એની સાથે મીરાંનું મન જડાય છે-(‘હું તો પરણી મારા પ્રીતમ સંગાથ, બીજાના મીંઢળ કેમ રે બાંધું? કે પછી ‘માઈ રી મ્હેં તો સુપણામાં પરણ્યાં રે દીનાનાથ’)
સારંગ રાગના કોઈ પ્રકારની અસર નીચે ને રાજસ્થાની અંગ માં થયેલું આ સ્વરાન્કન ભગતસાહેબના મીરાં ઉપરના પ્રવચનને સાંભળ્યા પછી ને શ્રી કુમારપાળ દેસાઈના આગ્રહથી થયું ને સૌ પ્રથમવાર વિશ્વકોશમાં ડિસેમ્બર 2017માં ગાયેલું તેનું સુખદ સ્મરણ છે.

અમર ભટ્ટ

Sent from my iPhoneAttachments areaPreview YouTube video Amar Bhatt|Mirabai|Ram Ramkadu JadiyuAmar Bhatt|Mirabai|Ram Ramkadu Jadiyu