Category Archives: અશોક વિદ્વાંસ

કાઠિયાવાડી ઘર-કાવ્ય-અશોક વિદ્વાંસ

કાઠિયાવાડી ઘર  

ઘરની રક્ષક ડેલી અમારી,  ડેલી દીધી એટલે ઘર સલામત. 

બા’ ર ઊભા રહી ડેલી દેવા (કે દીધેલી ડેલી ઉઘાડવા), આગળિયાની કરી કરામત. 

ડેલી ખોલી અંદર આવો, લાંબી ઓસરી, હીંચકો ભાળો. 

ઓસરીના ખૂણામાં ખાંડણી; પાણિયારે બેડાની માંડણી.  

ઓસરીને ડાબે પડખે એકબીજાને અડકીને, 

ઘરની મર્યાદા સાચવતા,

રાતે જાગી દિવસે સૂતા, 

જોડિયા ભાઈ જેવા બે ઓરડા. 

ઓસરી ઉતરી ફળિયે આવો, 

આભ અને ધરતીને ભાળો. 

શિયાળે તડકાની હૂંફ, ઉનાળે સૂવાનું સુખ. 

કરેણ છે ત્યાં, ને બારમાસી; સુંદર ક્યારે લીલા તુલસી. 

એકઢાળિયું સામી બાજુ, 

છાણાં ને લાકડાની વચ્ચે – 

ઘઉંની કોઠી સાચવનારું.  

એકઢાળિયા ને ઓસરી વચ્ચે, અંદર છેલ્લે છેક રસોડું. 

ચૂલા સામે બેસીને ત્યાં, ઘર-ધણિયાણી ઘડે રોટલો. 

તાવડી, કથરોટ, તપેલી છે ત્યાં – 

પણ રાંધવાનો ત્યાં નથી ઓટલો.  

સાવ સાદા ને સંપત વિનાનાં, કાઠિયાવાડી ઘર અમારાં. 

ઘડિયાળ, રેડિયો, ટી. વી. શા નાં?  જ્યાં કેલેંડરના નહીં ઠેકાણા. 

ખબર નથી, હજી યે હશે ત્યાં સુખી-સંતોષી માનવ રહેનારા?  

અશોક ગો. વિદ્વાંસ

રાજલક્ષ્મી -વાર્તા- અશોક વિદ્વાંસ

રાજલક્ષ્મી  

મારો અંદાજ છે કે એમની ઉમર ત્યારે સિત્તેરની આજુબાજુ હશે.  પણ, એ ઉમરે પણ તેઓ તંદુરસ્ત હતા અને એમના મો પર ભૂતકાળના સુખી (અને કદાચ સમૃદ્ધ પણ હશે, પણ મને ખબર નથી.) સંસારની નિશાની મોજૂદ હતી.  અમેરિકામાં આવી સ્થિર થયેલ સુખી મધ્યમવર્ગીય ભારતીય કુટુંબમાંનું જ એક, એમનું કુટુંબ હશે.  આગળ જતાં એમની વાતો પરથી – અને ખાસ તો વિશિષ્ઠ પ્રકારની રસોઈ કરવાની આવડત પરથી – ખબર પડી કે તેઓ ભારતના ગોવા કે કોકણ વિસ્તારના રહેવાસી હતા.  

Continue reading રાજલક્ષ્મી -વાર્તા- અશોક વિદ્વાંસ

રઘાદાદા – અશોક વિદ્વાંસ

રઘાદાદા

રઘાદાદા સોનગઢના અમારા પડોશી.  અમારી ખડકી અને એમની ખડકી વચ્ચે એક જ ઘર હતું  પણ એ ઘરના માલિક વેપાર માટે મુંબઈ જઈ વસેલા.  વરસમાં એકાદ બે વખત એ સહકુટુંબ ’દેશમાં આવે ત્યારે જ એ ઘરનું બારણું ખૂલતું.  બાકી આખું વર્ષ એ ખડકી બંધ જ રહેતી. 

Continue reading રઘાદાદા – અશોક વિદ્વાંસ

પશ્ચિમની બારી – વાર્તા – અશોક વિદ્વાંસ

પશ્ચિમની બારી

વેળાવદરના અનિલના ઘરને ’મેડી’ હતી.  ’મેડી’ એ કાઠિયાવાડી તળપદી ભાષાનો શબ્દ છે.  ઘરની ઉપર બીજે માળે એકાદ ઓરડો હોય તો એને કાઠિયાવાડમાં ’મેડી’ કહે છે.  આ મેડીને પશ્ચિમની દિવાલમાં એક બારી હતી.  અનિલ જ્યારે ૧૦મા અને ૧૧મા ધોરણમાં હતો ત્યારે એ મેડી જ એનો રૂમ હતી.  શાળા સિવાયનો મોટા ભાગનો સમય અનિલ ત્યાં જ પસાર કરતો.  આ પશ્ચિમની બારીમાંથી ગામનું ખુલ્લું પાદર, પાદરમાં ઉભેલો એક જૂનો, ઘટાદાર લીમડો, અને એની પાછળ લખુભાઈ મિસ્ત્રીની વંડી ચણીને બાંધી લીધેલી વાડી; એ બધું જ દેખાતું.  ખૂબ દૂર નજર કરીએ તો પાલીતાણાનો શેત્રુંજો ડુંગર ઝાંખો-ઝાંખો નજરે પડતો.  પાદરને છેડે જરાક ડાબી બાજુએ મુસ્લિમ વસ્તીનાં થોડાં ઘર હતાં.  આજે લગભગ સાઠેક વર્ષ પછી પણ અનિલના મગજમાં એ આખુંયે દ્રશ્ય હજી આંખ સામે જ હોય એવું સ્પષ્ટ હતું; અને એનું એક નાજુક કારણ હતું.  એ ઘરો પૈકીના એકમાં ઝુબેદા રહેતી’તી.  અનિલને ઝુબેદા ખૂબ ગમતી.  ’મનોમન સાક્ષી’ એ કહેવતની રૂએ એને ખાતરી હતી કે ઝુબેદાના મનમાં પણ પોતાને વિષે કૂણી લાગણી હતી.  બંને શાળામાં સાથે હતા.  નાનપણથી જ એક વર્ગમાં હતા.  એની આંખોમાંના ભાવ પોતે સ્પષ્ટ વાંચી શકતો.  વર્ગમાં માસ્તર સવાલ પૂછે અને જો પોતે એનો જવાબ આપે તો એ જવાબ સાંભળવા માટેની ઉત્સુકતા ઝુબેદાના મોં પર છતી થતી.  એક વખત ઝુબેદા વર્ગમાં એની કોઇ બહેનપણી સાથે વાતો કરતી હતી ત્યારે એણે કાંઈક નજીવું કારણ કાઢીને ઝુબેદા સાથે વાત કરેલી.  પણ એ સમયે પોતાના હાથપગમાં જે આછી ધ્રુજારી પ્રસરી ગયેલી એ હજુ પણ અનિલને બરાબર યાદ હતી. 

Continue reading પશ્ચિમની બારી – વાર્તા – અશોક વિદ્વાંસ

ગામડેથી ગગનપુર સુધી – અનુવાદકઃ અશોક વિદ્વાંસ

ગામડેથી ગગનપુર સુધી

મૂળ હું ગામડાનો રહીશ.  મારો જન્મ સાવ નાના ગામમાં થયેલો, ને શરૂના થોડા વર્ષ હું ત્યાં જ રહી મોટો થયો.  ગામડામાં રહેવાના ફાયદા અને ગેરફાયદા હતા અને હું એ બરાબર સમજતો’તો.

ફાયદા મને પસંદ હતા.  ત્યાંના બધા રહેવાસી ખેતરના કામમાં, કૂવો ખોદવામાં, કે કોઇનું ઘર બાંધવામાં પરસ્પર મદદ કરતા.  બાળકોથી માંડી વૃદ્ધો, માંદા અને અપંગ, એ સહુને ગામના લોકો આખા ગામની સહિયારી જવાબદારી સમજતા.  મને બરાબર યાદ છે કે જ્યારે મને તાવ આવેલો ત્યારે બાજુના ઘરડા દાદા પાસે બેસી મારા માથા પર પોતા મૂકતા’તા. 

પણ ગેરફાયદા મને ખૂબ કઠતા.  અમારે ત્યાં ઘરના દરવાજા પરોઢિયે જ ઉઘડી જતા અને મોડી રાતે બંધ થતા.  રસ્તે જતો વટેમાર્ગુ પણ ગમે ત્યારે ઘરમાં આવી શકતો.  ગામના લોકો એકબીજાની વાતમાં કાયમ ચંચુપાત કરતા, અને બંધ બારણે શું થઇ રહ્યું છે એ જાણી લેવાની બધાને કાયમ તાલાવેલી રહેતી.  કોઇક જો પોતાની ખાનગી વાત સવારે એક માણસને કહે તો સાંજ સુધીમાં આખા ગામને એની જાણ થઇ જતી.  પાંચસો ઘરના આવા ગામડાની નિશાળમાં સાતમું ધોરણ પાસ કરી હું તાલુકાને ગામ કાકા-કાકીને ત્યાં રહી ત્યાંની શાળામાં ભણવા દાખલ થયો. 

તાલુકાની નિશાળમાં મારો કોઇ ભાઈબંધ ન હતો.  હું ’ગામડિયો’ એટલે બીજા બધા મારી મશ્કરી કરતા.  મારા કપડા ઘરે સીવેલા અને સાવ લઘરવઘર હતા, અને મારી બોલી પણ ગામડિયા હતી.  ત્યાં, મારા ગામડા જેવા જ બીજા એક ગામડેથી આવેલા એક છોકરા સાથે મારે ઓળખાણ થઇ.  એય મારી જેમ નિશાળમાં એકલો પડેલો ને એને ય પોતાના ગામડાની યાદ પરેશાન કરતી’તી.  અમારી ભાઈબંધી થઇ અને અમને બંનેને જરા હૂંફ મળી. 

પછી એક દિવસ અમારા જ ગામનો એક છોકરો મને મળી ગયો.  ગામડે હતા ત્યારે તો એ મારો દુશ્મન હતો અને મારામારીમાં એક વખત એણે  મારા નાક માંથી લોહિ કાઢેલું.  પણ તાલુકાની શાળામાં મળ્યા ને અમે બંને હરખાઈને ભેટી પડ્યા.  માંડ બચાવેલા ચાર આના ખરચી મેં અમારા બંને માટે ચેવડો લીધો.  એના મોંમાંથી શબ્દો સરી પડ્યા, “પરગામમાં આપડા ગામનો માણસ મળે એટલે જાણે મા-બાપ મળ્યા હોય એવું લાગે!” 

હું મેટ્રિક પાસ થયો અને દૂરના શહેરની કોલેજમાં ભણવા ગયો.  ત્યાં કોઈને જરાય શાંતિ નહોતી.  સ્કૂટર, રિક્ષા, અને મોટરના ભૂંગળા, કાયમ ભસ્યે રાખતા.  દરેક માણસ પોતાનો જીવ જાણે મુઠ્ઠીમાં લઇને ચાલતા.  શહેર તો બસ આખી રાત જાગતું.  કોલેજના વિદ્યાર્થીઓએ જાણે મારું અસ્તિત્વ જ ન હોય એમ મારા તરફ જોવાની પણ તસ્દી ન લીધી.  એક દિવસ મેં જોયું તો તાલુકાની નિશાળમાં મારી સાથે ભણતો એક વિદ્યાર્થી મારી સામેથી આવતો હતો.  નિશાળમાં એ મને ટોણાં મારતો ને ખીજવતો એટલે એની તરફ જોયા વગર જ મેં ચાલ્યા કર્યું.  પણ એ જ દોડીને મારી પાસે આવ્યો અને અમે ભેટી પડ્યા.  એણે કહ્યું, “હાશ, સારું થયું તુ મળી ગયો.  આવડી મોટી કોલેજમાં મને એવું એકલું-એકલું લાગતુ’તુ કે બસ.  આ બધા શહેરી કોલેજિયન કોણ જાણે પોતાને શું સમજે છે!  આપણે બંને એક જ ગામના.  મારી રૂમમાં હજી હું એકલો જ છું, તારે મારી સાથે રહેવા આવવું છે?”  તાલુકાની નિશાળમાં હતા ત્યારે જે બન્યું હતું એ ભૂલી જઈ હું એની રૂમમાં રહેવા ગયો. 

આખરે કોલેજનો અભ્યાસ પૂરો કરી હું પીએચ. ડી. કરવા એક બહુ મોટા શહેરમાં પહોંચ્યો.  શહેરના પરા માંથી ઢગલાબંધ લોકો આવજા કરી શકે એ માટે ત્યાં ડબલ-ડેકર બસ, ટ્રામ અને આગગાડીનું જાળું ગૂંથેલું હતું.  કીડિયારું ઊભરાય એમ બધે માણસો ઊભરાતા ’તા.  માણસોને રહેવાની જગ્યા બહુ ઓછી હતી અને નાનકડી જગ્યામાં દસ-દસ બાર-બાર માણસ રહેતા.  એ રાક્ષસી શહેરમાં હું તો જાણે મોટા દરિયામાં પાણીનું એક નાનું ટીપું હતો!  ત્યાં એક દિવસ અચાનક મને શહેરની કોલેજનો એક સાથી મળી ગયો.  વિદ્યાર્થી તરીકે એ ખૂબ હોંશિયાર હતો અને કોલેજની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો.  છોકરીઓ તો કાયમ એની પાછળ ફર્યા કરતી!  કોલેજમાં તો એણે કદી મારી તરફ જોયું પણ નહોતું.  પણ તે દિવસે એ સામે ચાલીને મારી પાસે આવ્યો ને કહ્યું, “દોસ્ત તને જોઈને બહુ સારું લાગ્યું.  મારા ફ્લેટમાં હું એકલો જ છું, તારે આવવું છે મારી સાથે રહેવા?” ને હું એના ફ્લેટમાં રહેવા ગયો.

એ પછી પોસ્ટ ડૉક્ટરેટ ફેલોશિપ કરવા હું પેપચ્યુન દેશમાં ગયો.  ત્યાં તો ભાષા, વેશ, ખાવાપીવાનું, બધું જ સાવ જુદું.  ત્યાં અચાનક મને પેલા ’મોટા શહેર’ માંનો અમારો એક આસિસ્ટંટ પ્રોફેસર મળી ગયો.  શહેરમાં તો એ મારા જેવા પીએચ. ડી. કરનારા સાથે ભાગ્યે જ વાત કરતો.  પણ અહીં પરદેશમાં મને જોઈ ખુશ થયો.  અમે ક્યારેક-ક્યારેક મળતા અને પિક્ચર જોવા કે જમવા સાથે જતા.

પીએચ. ડી. કરતો હતો ત્યારે મેં “ગગનપુર ગ્રહ પર રહેવા જવા માટે માણસો જોઇએ છીએ.” એવી એક જાહેરખબર જોઈ.  મેં તરત જ અરજી કરી અને ત્યાં જવા માટે મારી પસંદગી થઇ.  ગગનપુરમાં પૃથ્વી પરના જુદા-જુદા દેશના માણસો તો હતા જ, પણ એ ઉપરાંત ભૂરા અને લીલા રંગના – આપણાથી સાવ જુદા જ દેખાતા – લોકો પણ હતા.  મને હવે અજાણ્યા પ્રદેશમાં એકલા રહેવાની ટેવ પડી હતી, અને દિવસો ચાલ્યા જતા હતા.  પણ, ત્યાં પણ એક દિવસ સાવ અનપેક્ષિત પણે મને પેપચ્યુનના મારા ડીપાર્ટમેંટ હેડ મળી ગયા.  પેપચ્યુનમાં તો એ અમારા હેડ તરીકે પોતાની આમન્યા રાખી વર્તતા અને અમારી સાથે બહુ ભળતા નહીં.  પણ ગગનપુરમાં મને જોઈ ઉત્સાહ પૂર્વક, જોર-જોરથી મારો હાથ હલાવી કહેવા લાગ્યા, “ગગનપુરમાં આપણા ઘરનું માણસ દેખાય ત્યારે કેવું સારું લાગે, નહીં? “

(નોંધ: ’રંગદીપ’ નામના વાર્ષિકના ૨૦૧૪ના અંકમાં પ્રથમ પ્રકાશિત થયેલ શ્રીમતિ લલિતા ગંડભીરનો આ વાર્તા/લેખ મૂળ મરાઠીમાં છે.  મને એનો અનુવાદ કરવાની અનુમતિ આપવા બદ્દલ હું લલિતાબેનનો આભારી છું.)

બીટવીન ધ લાઈન્સ – વાર્તા – અશોક વિદ્વાંસ

(“આપણા ત્રણે વચ્ચે સરસ મૈત્રી છે.  એટલે કાલની વાતની મને ગમે તેવી મીઠી ગેરસમજ કરી લઈ, મૈત્રીને ફટકો મારવાની મારી ઈચ્છા નથી .  પણ સાથે , ગઈકાલે જે બન્યું મને ખૂબ ગમ્યું છે હકીકત પણ મારે તમારાથી છુપાવવી નથી. ” સ્ત્રી પુરુષની મૈત્રી અને આકર્ષણ વચ્ચેની રેખાને આલેખતી સુંદર નવલિકા. વાંચવાનું ચૂકશો નહીં)

બીટવીન  લાઈન્સ 

તે રાત્રે ઘેર આવ્યો ત્યારે કાર્તિક કંઈક ન સમજાય એવા આનંદમાં મસ્ત હતો.  અનુરાધા એને અચાનક મળી ગઈ હતી, ભેટી હતી;  અને દ્રઢ આલિંગનમાં ભેટી પડી હતી.  આ પહેલા આવું કદી બન્યું ન હતું.  એક તો તેઓ ક્વચિત જ મળતા, અને અનુરાધા ઉષાની મિત્ર – બહેનપણી – એટલે કાયમ ઉષા સાથે હોય ત્યારે જ મળવાનું થતું.  તે દિવસે પહેલી જ વાર અનુરાધા એને ઉષાની ગેરહાજરીમાં મળી હતી અને મળતાં જ ખૂબ ઉમળકાભેર આલિંગન આપીને ભેટી પડી હતી.  એ બધું જેટલું મનને ગમી જાય એવું હતું એટલું જ ન સમજાય એવું પણ હતું.  ને એટલે જ કાર્તિક તે દિવસે ન સમજાય એવા આનંદમાં મહાલતો હતો. Continue reading બીટવીન ધ લાઈન્સ – વાર્તા – અશોક વિદ્વાંસ

ઘરનો મોભી – અનુવાદઃ અશોક વિદ્વાંસ

ઘરનો મોભી  

શુક્રવારની સાંજ હતી.  ઑફિસમાંથી નીકળી અમે બધા સીધા બારમાં ગયા.  ’સેલીબ્રેશન’ માટેનું કારણ તો નજીવું જ હતું.  પણ શુક્રવારે બારમાં જવા માટે કારણ હોવું જરૂરી નથી.  અમેરિકાના કોઇપણ શહેરમાં શુક્રવાર સાંજે બાર કે રેસ્ટોરાંમાં તરત જગ્યા મળવી અશક્ય જ.  એમાંય અત્યારે ’હૅપી અવર’ ની શરૂઆત હતી.  ટેબલ મળે ત્યાં સુધી અમે બધા બહાર જ ઊભા હતા.  અચાનક પાછળ કોઈના ખડખડાટ હસવાનો અવાજ આવ્યો અને મેં પાછળ જોયું.  ઘડીભર થયું, ’મિશેલ અહિંયા ક્યાંથી?’  પણ એ મિશેલ નહોતી.  હસનાર વ્યક્તિ પણ એક આફ્રિકન-અમેરિકન સ્ત્રી જ હતી એટલું બાદ કરીએ તો એનામાં અને મિશેલમાં બીજું કશું સામ્ય ન હતું.  Continue reading ઘરનો મોભી – અનુવાદઃ અશોક વિદ્વાંસ

અંજીરી સાડી અને ગોલ્ડન બ્લાઉઝ – વાર્તા –

કૉલેજમાંથી છૂટા પડ્યા પછી લગભગ અઢાર વર્ષે અભિષેક અચાનક જ લીનાને મળ્યો ’- મળી ગયો. એ મુલાકાત સાવ અણધારી હતી.

અમેરિકા આવીને M. S. કર્યા પછીના શરૂઆતના બે-ત્રણ વર્ષ બધાની જેમ અભિષેકને પણ જુદી-જુદી જગ્યાએ ફરવું પડ્યું. પણ એ દોડાદોડ દરમિયાન જ અભિષેકની એક ઍપ્લિકેશન બરાબર નિશાન પર લાગી અને એને જનરલ મોટર્સના “ડીઝલ એન્જિન ડિઝાઈન” વિભાગમાં સરસ પગારની નોકરી મળી ગઇ. એન્જિનીઅરીંગ કૉલેજમાં હતો ત્યારથી જ “ઇન્ટરનલ કમ્બશન એન્જિન” એ અભિષેકનો ગમતો વિષય હતો. આખર પરીક્ષામાં સરસ માર્ક મેળવી, પરિણામ હાથમાં આવ્યું કે તરત જ અભિષેક અમેરિકા આવ્યો. આગળ ભણ્યો અને પોતાને ગમતા ફિલ્ડની નોકરીમાં સફળતાથી આગળ વધવા લાગ્યો. અન્ય મિત્રોની જેમ જ એક વખત અભ્યાસ પૂરો થયો ને સરસ નોકરી હાથમાં આવી ગઇ પછી એણે લગ્નની દિશામાં પોતાનો મોરચો ફેરવ્યો. પપ્પાના જ કોઇક ઓળખીતાની દીકરી ડૉક્ટર થયેલી એને મળ્યો, એક કરતાં વધુ વાર બંને મળ્યા. બંનેએ ગણતરીના દિવસોમાં જ નિર્ણય લીધો, ને ઉતાવળ છતાં પણ ધામધૂમથી થયેલા લગ્નમાં બંનેએ એકબીજાને માળા પહેરાવી. અભિષેકે પોતાની ડોક્ટર પત્ની ઇન્દુને ખૂબ આદર અને પ્રેમ સાથે પોતાના જીવનમાં આવકારી. તો ઇન્દુ પણ અમેરિકામાં સરસ ભણીને કમાતા થયેલા પોતાના સાયબા પર ખરા દિલથી મોહી પડી. એક સુખી દાંપત્યની મંગળ શરૂઆત થઇ. પરણીને તરત જ અભિષેક અમેરિકા પાછો ફર્યો. પછી બહુ જ ટૂંકી મુદતમાં ઇન્દુ પણ અમેરિકા આવી ગઇ. મિશીગન રાજ્યના ડીટ્રૉઇટ શહેરથી થોડે દૂર આવેલા વૉશિંગ્ટનવિલ ગામમાં તેઓ સ્થિર થયા.

ઇન્દુ હોંશિયાર હતી. લગ્નની કોમળ વયે પણ પુખ્ત પણે વિચારી શકે એટલી ઠરેલ હતી. અભિષેક અને ઇન્દુના સંયુક્ત પ્રયાસોને કારણે ઇન્દુએ જોતજોતામાં ગાયનેકના બોર્ડની પરીક્ષા પાસ કરી, અને વૉશિંગ્ટનવિલથી નજીક આવેલા જ્યૉર્જટાઉન નામના ગામમાં કામ કરતા એક ગાયનેકોલોજિસ્ટ ગ્રુપ સાથે કામ કરવા લાગી. ઝડપથી, ચોકસાઈપૂર્વક , અને અચૂક નિદાન કરવાની એની કુનેહ ગજબની હતી. આ આવડત, ઇન્દુનું મુક્ત હાસ્ય, અને એની સ્વભાવગત નરમાશ, જેવા ગુણોએ બે-ત્રણ વર્ષમાં જ ઇન્દુને ગ્રુપના અન્ય ડૉક્ટરની સમતુલ્ય બનાવી દીધી. એ સમયમાં અભિષેક પણ રેસના ઘોડાની ગતિથી પોતાની કરીયરમાં આગળ વધતો હતો. ટર્બોચાર્જર સાથે સુપર-હીટર જોડવાની એની ડિઝાઈન સફળ થઇ, અને પરિણામે જનરલ મોટર્સે બનાવેલા ડીઝલ-એન્જિનની ગુણવત્તામાં મોટો ફરક પડ્યો. અભિષેકના કામની યોગ્ય કદર થઇ અને એ એના વિભાગનો ઉપરી બન્યો. બંનેની સફળ કારકિર્દી ના પરિણામે ઘરની આર્થિક સમૃદ્ધિ ખૂબ હતી અને રોજરોજ વધ્યે જતી’તી. એમના નવા વિશાળ ઘરને ’ઘર’ કહેવું કે ’મહેલ’ એ કોઈને પણ મૂંઝવે એવો સવાલ હતો. કોઇપણ નવા પરણેલા યુગલની જેમ એ બંને પણ કામ પરથી વૅકેશન લઇ દૂર-દૂર ફરવા જતા; શિયાળામાં બરફના ડુંગરા પર સ્કીઇંગ કરવા જતા; તો ઉનાળામાં શનિ-રવિની સાંજ મિત્રો સાથે પાર્ટીમાં પસાર કરતા. ’સુખ’ શબ્દને જો કોઇ મૂર્તિમંત સ્વરૂપ આપવું હોય તો એને ઇન્દુ-અભિષેકનું દાંપત્ય જીવન, એમ નિઃસંદેહ કહી શકાય.

આવી જ એક ઉનાળાની સાંજની પાર્ટી માટે બંને તૈયારી કરતા હતા. અભિષેક બારમાં કશું ખૂટતું તો નથીને એ તપાસતો હતો. ’માર્ગારીટા’ માટેની તૈયારી એણે ફરી એકવાર તપાસી લીધી અને ’વાઇન’ના ગૉબલેટ્સ ગણીને ગોઠવ્યા. ઇન્દુએ ફ્રીઝમાંથી ’ફોન્ડ્યુ’ માટેનું ખાસ ચીઝ બહાર કાઢ્યું, અને આગલી રાત્રે કરેલા ડીઝર્ટ કેક પર ’આઇસીંગ’ કરવાની શરૂઆત કરી. સાથેસાથે જ પાર્ટીમાં આજે કોણ-કોણ આવવાનું છે એની યાદી વિષે બંને બોલ્યે જતા’તા. ત્યારે ઇન્દુએ કહ્યું, “અભિ, તને કહેવાનું રહી ગયું. આજે આપણે ત્યાં પાર્ટીમાં એક ઍડ્વોકેટ આવવાની છે.” ઇન્દુનું સોશિયલ સર્કલ બહુ મોટું હતું. અભિષેકે ધાર્યું, એમાંથી જ એની કોઇ નવી ફ્રૅન્ડ આવવાની હશે. એણે સહજ રમૂજમાં કહ્યું : “સરસ. ચાલો ત્યારે પાર્ટીમાં એક વ્યક્તિ તો એવી હશે જે મૅડીસીન છોડીને કોઇ બીજા ફિલ્ડમાં કામ કરે છે. કોઇ ડૉક્ટરની વાઇફ છે?“ બંને વચ્ચેની કાયમી નિખાલસ ગમ્મતના તોરમાં ઇન્દુ બોલી, “ના. હજી એકલી જ છે. તારે ’ફ્લર્ટ’ કરવા માટે સારી તક છે.” નિખાલસતાથી બંને ખડખડાટ હસી પડ્યા. પણ પછી અવાજ જરા ધીમો કરી ઇન્દુ બોલી, “છોકરી ખરેખર બહુ સરસ છે. I mean દેખાવડી તો છે જ. પણ સ્વભાવમાં પણ એકદમ સરળ અને મોકળી છે. તારા માટે અગત્યનું એટલે એ તમારા અમદાવાદની જ છે. અને, આ બધાની સાથે જ પોતાના ફિલ્ડમાં એકદમ successful છે.” “શું કરે છે?” અભિષેકે પૂછ્યું. “ડિસ્ટ્રિક્ટ ઍટર્ની છે.” એટલું બોલીને ઇન્દુ પાછી પોતાના કામે લાગી.

ધીમે-ધીમે મહેમાનો આવવાની શરૂઆત થઇ. એમાં મોટાભાગના ઇન્દુના કલીગ્સ અને બીજા ઓળખીતા ડૉક્ટર હતા. અભિષેક સાથે બધાને મૈત્રી હતી. અલબત્ત, એમાં યે એકાદ બે એની જેવા પણ હતા કે જેમની પત્ની ડૉક્ટર હતી. સ્વાભાવિક રીતે જ અભિષેકને એમની કંપની વધુ ગમતી. તો જેમના હસબન્ડ્સ ડૉક્ટર હતા એવી સ્ત્રીઓ પણ પાર્ટીમાં ગપ્પાં મારવામાં સરસ ’ઇન્ટરેસ્ટિંગ કંપની’ આપતી. આવનારામાં કોણ શું ડ્રીંક લેશે એ અભિષેકને હવે એકાદ ઉસ્તાદ ’બાર ટેન્ડર’ ની માફક યાદ હતું. એણે ડ્રીંક્સ સર્વ કરવાની શરૂઆત કરી. હાથમાં વાઇનના ગ્લાસ લઇને અભિષેક બારની પાછળથી બહાર આવ્યો, અને બરાબર એ જ વખતે સુંદર ’ઈવનીંગ ડ્રેસ’ પહેરેલી એક આકર્ષક પણ નમણી યુવતી બારણામાં દેખાઈ. ક્ષણભર અભિષેક એને નીરખીને જોઇ રહ્યો, અને પછી ચમકીને, હાથમાંના ગ્લાસ જેમતેમ સંભાળતો એ બૂમ પાડી ઊઠ્યો : “લીના !!??” હા એ લીના હતી. આજે કેટલા બધા વર્ષો પછી આમ સાવ અચાનક જ બંને એકબીજાને જોતા હતા. નજીકમાં જે ટેબલ કે ટીપોય દેખાઈ એના પર ગ્લાસ પટકીને એ તરત જ લીનાને મળવા ધસ્યો. બંનેએ હસ્તાંદોલન માટે આગળ કરેલા હાથ આપોઆપ આલિંગનમાં ઓગળી ગયા. ઘડીક માટે બંને અવાક બની ગયા. ’અભિ, તું એમને ઓળખે છે?’ એમ પૂછતી ઇન્દુ સમયસર બંનેની મદદે પહોંચી ગઇ. ’ઇન્દુ, આ લીના અને હું અમદાવાદમાં કૉલેજમાં હતા ત્યારથી એકબીજાને ઓળખીએ છીએ.’ આશ્ચર્ય અને આનંદ, – બે માંથી કઇ લાગણી વધુ પ્રબળ હતી એ ન સમજાતા ગૂંચવાયેલો અભિષેક જવાબ તો ઇન્દુના પ્રશ્નનો આપતો’તો, પણ એની આંખો હજી લીના પર જ હતી. આવી પરિસ્થિતિમાં માત્ર સ્ત્રીઓ જ દાખવી શકે એવી સમયસૂચકતા દાખવી લીનાનો હાથ પકડી ઇન્દુ એને બધા મિત્રો વચ્ચે ખેંચી ગઇ અને બોલી : “Some of you know her. But for those who don’t, આ આપણાં ડિસ્ટ્રિક્ટ ઍટર્ની મિસ. લીના નાણાવટી“ તરત જ કેટલાકે ’હલો, લીના, I am ….” બોલીને પોતાનું નામ કહ્યું, કેટલાકે માથું હલાવી ’સ્માઇલ’ કર્યું, તો બાકીનાએ પોતાના ડ્રીંકના ગ્લાસ ઊંચા કરી એને આવકારી. લીનાએ પણ, પોતે બારણામાં દાખલ થતાં જ થયેલ ’અથડામણ’ બાજુએ સારીને સૌએ પોતાને આપેલ આવકાર યોગ્ય સ્મિતથી વધાવ્યો. આટલું થયું ત્યાં સુધીમાં અભિષેક પણ સ્વસ્થ થઇને પાર્ટીમાં જોડાયો. એમના ઘરની બધી જ પાર્ટીની જેમ જ આ પાર્ટી પણ બરાબર જામી અને રાત્રે મોડે સુધી ચાલી. જુદા-જુદા સવાલના જવાબ રૂપે લીનાએ પોતા વિષે આપેલી માહિતી ટૂંકામાં આવી હતી : “પોતે ભારતથી અમેરિકા આવી એને હવે દસ-બાર વર્ષ થયા છે. એ પહેલાં એણે મુંબઈ હાઇકૉર્ટમાં એક જાણીતા ’ક્રિમીનલ પ્લીડર’ની આસિસ્ટંટ તરીકે કામ કરેલું . અહીં આવ્યા પછી પણ એ જ કારકિર્દી ચાલુ રાખી; અને આજે પોતે ડિસ્ટ્રિક્ટ ઍટર્ની તરીકે કામ કરે છે, અને છેલ્લા ત્રણ મહિનાથી વૉશિંગ્ટનવિલમાં ’મૂવ્હ’ થઇ છે.” એક જ મુલાકાતની ઓળખાણમાં પણ ચિત્તરંજન દાસગુપ્તાએ જ્યારે ઘૃષ્ટતાથી “Are you single?” એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે એવી વેધક નજરથી લીનાએ એની સામે જોયું કે દાસગુપ્તાને કાપો તો પણ લોહી ન નીકળે એવો ફિક્કો પડી ગયો! પરંતુ એ એક પ્રસંગ સિવાય બાકી બધો વખત લીના એનું હાસ્ય વેરતી રહી અને સૌ સાથે મોકળા મનથી વાતો કરતી રહી. અભિષેક સાથેની એની વાતો એમના કૉલેજના દિવસોની આજુબાજુ જ અટવાતી રહી. એમાં ઘણાં મિત્રો અને થોડા પ્રોફેસરના નામ આવી ગયા. બંને વચ્ચે ભૂતકાળમાં ’અંગત’ કહેવાય એવું કશું જ બન્યું ન હતું, અને છતાં બંને વચ્ચેની વાતોમાં ક્યાંક ખાલી જગ્યા રહેતી’તી એમ બંનેને લાગતું’તુ. સારી વાત એ હતી કે એ ’ખાલીપણું’ માત્ર એમના બે સિવાય અન્ય કોઈના ધ્યાનમાં નહોતું આવ્યું. પાર્ટી પૂરી થઇ ત્યારે સહુને એક સરસ વ્યક્તિને મળ્યાનો આનંદ હતો. માત્ર અભિષેક થોડો ’કનફ્યુઝ્ડ’ હતો! મહેમાનો ગયા પછીની સાફસૂફી દરમિયાન વાતોમાં અભિષેકે એની સ્વભાવગત નિખાલસતાથી કૉલેજના વર્ષોમાં પોતે અને લીના સાથે હતા ત્યારની બધી જ વાતો કરી. ’પોતે ભણવામાં લીનાથી આગળ હતો, કૉલેજની ક્રિકેટ ટીમમાં પણ હતો, અને એક વર્ષે તો ડ્રામામાં પણ ભાગ લીધો હતો. એ વખતે લીનાએ પણ એ જ ડ્રામામાં ભાગ લીધો’તો અને પ્રેક્ટિસ માટે તેઓ ઘણીવાર મળતા. પછી પોતે ’એન્જિનીઅરીંગ’માં ગયો અને લીના સાથેની ઓળખાણ ત્યાં જ પૂરી થઇ.’ અભિષેકની વાતોમાં સચ્ચાઈનો એવો રણકો હતો કે ઇન્દુને એ વિષે બીજો વિચાર કરવાની ક્યાંય જરૂર જ ન હતી; ને છતાં પોતે કશું પૂછ્યા વિના જ અભિષેક આ બધું શા માટે બોલ્યે જતો’તો એ વાતનું એને અચરજ થતું’તુ.
એ પાર્ટી પછી ઇન્દુ અને લીના નિયમિત રીતે મળતા થયા. ઇન્દુએ જોયું કે લીનાની વાતો અને વર્તનમાંથી એના સ્વભાવની મક્કમતા છતી થતી હતી, પણ એમાં અતડાઈ નહોતી; પોતે ’એકલી છે પણ અબળા નથી’ એ હકીકત અંગે એને સભાન આત્મવિશ્વાસ હતો પણ એનું ખોટું અભિમાન નહોતું. ઇન્દુને આ વાતો સ્પર્શી ગઇ. લીનાને શોપિંગમાં ઇન્દુની કંપની મદદરૂપ થઇ. તો લીનાનો ટેનિસ અને સ્વીમીંગનો શોખ ઇન્દુને આકર્ષી ગયો. બંનેની મૈત્રી જામતી ગઇ. પણ અભિષેક એ મુલાકાતો અને મૈત્રીમાંથી જાણે આપોઆપ જ બાદ રહ્યો. ટેનિસ કોર્ટ પર ક્યારેક ભેગા થઇ જાય ત્યારે પણ માત્ર ઔપચારિક વાતો કરીને જ લીના અને અભિષેક છૂટા પડતા.
આમ છ-આઠ મહિના પસાર થયા. એક દિવસ પોતાના ’એન્યુઅલ ફિઝિકલ ચૅક અપ’ પછી અભિષેક હતાશ ચહેરે ઘેર આવ્યો. ડૉક્ટરને એના આંતરડામાં ચિંતા કરાવે એવી માંદગીનો અણસાર દેખાયો અને એ માટે તાત્કાલિક ’સ્પેશ્યાલીસ્ટ’ને મળવાની એમણે અભિષેકને સલાહ આપી. સ્પેશ્યાલીસ્ટે જુદા-જુદા ટેસ્ટ કરવાની શરૂઆત કરી. એક ટેસ્ટ પતે, એનું રિઝલ્ટ આવે પણ એમાંથી રોગનું નિદાન ન થાય, ને પરિણામે વળી બીજો ટેસ્ટ કરવાનું જરૂરી લાગે; એમાંથીયે કશું ન પકડાય એટલે ડૉક્ટર ત્રીજો ટેસ્ટ ફરમાવે. અને એ પછી વળી નવો ટેસ્ટ. આવી ઘટમાળ ચાલી. ઇન્દુએ જુદા-જુદા ડૉક્ટરની સલાહ લીધી, છતાં કશો ઉપાય હાથ ન આવ્યો. કોઇપણ ડૉક્ટરને ન સમજાય એવો રોગ અભિષેકને વળગ્યો હતો. ડૉક્ટરોના ’પ્રયોગો’ ચાલુ હતા. સામે અભિષેકની જિજીવિષા વૃત્તિ ઝંઝાવાતી લડાઇ લડતી હતી. ઇન્દુમાં રહેલી પત્નીની ખિન્નતાનો અંત નહોતો, અને એનામાં રહેલી ડૉક્ટરની હતાશાનો પાર નહોતો. અભિષેક વિનાનું જીવન કલ્પવું પત્ની તરીકે તેને માટે અસહ્ય હતું તો અભિષેકની બિમારીનું નિદાન ન થઇ શકવું ડૉક્ટર તરીકે એને માટે બહુ મોટો પરાજય હતો. દિવસે દિવસ માંદગીએ વધુ ને વધુ ડરામણું રૂપ ધારણ કર્યું. અભિષેકનું વજન ઓછું થતું ગયું, ઉત્સાહ અને શક્તિ ઘટતા ગયા, આંખો ઊંડી ઊતરતી ગઇ. યુવાનીના તરવરાટથી ઊભરાતો અભિષેક જાણે એકાએક વૃદ્ધ થઇ ગયો. કામ પરથી તો ઘણાં દિવસોથી એ ’લૉન્ગ ટર્મ ડીસેબીલીટી ’ પર ઊતરી ગયેલો. આવી હાલતમાં ઊંઘ તો શું આવે? બિછાનામાં પડ્યા-પડ્યા છત તરફ અનિમેષ નજરે જોયા કરવા સિવાય હવે એના જીવનમાં બીજું કશું જ બાકી નહોતું રહ્યું. ઇન્દુએ પોતાનું કામ ઘણું ઘટાડી દીધું અને એ સતત એના અભિ પાસે જ બેસી રહેવા લાગી. મોટે ભાગે તો બંને અબોલ બની બેસી રહેતા. ક્યારેક ખૂબ કષ્ટથી અભિષેક ઇન્દુનો હાથ પોતાના હાથમાં લેતો. એની આંખ આંસુથી ઊભરાઈ જતી. હાથનો સ્પર્શ એજ બંને વચ્ચેની આત્મીયતાનું એક માત્ર એંધાણ રહ્યું હતું. આમ છતાં ઇન્દુને ક્વચિત પોતાના કામ પર જવું જરૂરી બનતું, અને એવે પ્રસંગે કોઇ મિત્ર કે પડોશીની વ્યવસ્થા કરી ઇન્દુ ભારે હૈયે નીકળતી અને શક્ય તેટલી જલદી ઘેર પાછી આવી જતી.

આવા જ એક પ્રસંગે ઇન્દુએ લીનાને ફોન કરી અભિષેક પાસે બેસવા આવી શકશે કે કેમ, એમ પૂછ્યું. લીના અલબત્ત, તત્ક્ષણ હાજર થઇ. ઇન્દુ ગઇ અને લીના અને અભિષેક એકલા પડ્યા. બ્લુ-જીન્સ અને ટર્ટલનેકમાં સજ્જ થયેલી લીનાને અભિષેક નીરખી રહ્યો. અભિષેકની બાજુની ટીપોય પર તાજું ન્યુઝ પેપર હતું. લીનાએ અભિષેકને પૂછીને એમાંની ’હેડ લાઇન્સ’ વાંચવી શરૂ કરી. પણ પાંચેક મિનિટમાં અભિષેકે હાથના ઇશારે જ એને બંધ કરવા સૂચવ્યું. થોડીક શાંત પળો પછી લીનાએ અભિષેકને સૂપ કે ચ્હા જોઇએ છીએ? એમ પૂછી જોયું, અને અભિષેકે માથું ધૂણાવી ના કહી. ફરી થોડીવાર બંને ચૂપ રહ્યા. આખરે હિંમત અને શરીરમાં જે કાંઇ હતી તે શક્તિ, બંને એકઠા કરીને અભિષેક બોલ્યો : “લીના તને થોડી અંગત વાતો પૂછું?” લીનાએ સંમતિ સૂચક આંખો ઊંચી કરી એની સામે જોયું. “તું કાયમ એકલી જ રહી?” હવે ઇશારાથી વાત કરવાનો વારો લીનાનો હોય એમ એણે માત્ર ડોકું હલાવી ’હા’ કહી. પડખું ફરીને જમીન પર નજર રાખી અભિષેક બોલ્યો : “ શા માટે?” એક ઊંડો શ્વાસ મૂકી લીના ચૂપ જ બેસી રહી. થોડીક ક્ષણ પછી અભિષેક જ ફરી બોલ્યો : “જો કે આપણી વચ્ચે એવી કઈ આત્મીયતા હતી કે હું તને આવી અંગત વાત પૂછી શકું? જવા દે.” અને પછી મન મનાવીને કે વધુ પડતો શ્રમ લાગ્યો એટલે, અભિષેક આંખો મીંચીને પડી રહ્યો. ફરી થોડી શાંત પળો વીતી. શાંતિનો ભંગ કરી ફરી અભિષેક જ બોલ્યો : “તને ખબર તો હશે જ હવે મારા દિવસો ભરાઇ ચૂક્યા છે. ઇન્દુ, હું, તું, આપણે સહુ આ લડાઇ હારી ગયા છીએ અને જે અટળ છે એની માત્ર રાહ જોતા બેઠા છીએ. ઘણાં વર્ષો પછી અચાનક જ ગયા વર્ષે આપણે મળ્યા. ત્યારથી તને એકલી જોઇને આ સવાલ તો મનમાં ઘણીવાર આવ્યો, પણ ઇન્દુના સુખમાં ક્યાંય મેખ લાગે એવું મારે કશું ન’તુ કરવું. એટલે ભૂતકાળને ..….. પણ હવે મારા પાસે પૂછવા-કહેવાનો સમય નથી રહ્યો. અને મનની ગાંઠ બંધ રાખીને ચાલ્યા જવાની ઇચ્છા નથી. એટલે થયું કે ……” ઘણાં દિવસો પછી પહેલીવાર એક શ્વાસે અભિષેક આટલું બધું બોલી ગયો, અને પછી શરીરને પડેલો શ્રમ અસહ્ય થયો હોય એમ એક મોટો નિસાસો મૂકી ફરી ચૂપ થઇ ગયો. આ વખતે લીના માટે એ ચૂપકીદી અસહ્ય બની. આમ તો એ આ ગામમાં ’મૂવ્હ’ થઇ પછી થોડા સમયમાં જ એણે ઇન્દુ-અભિષેકના નામ સાંભળ્યા હતા. એક કાબિલ ડિસ્ટ્રિક્ટ ઍટર્ની માટે એ ’અભિષેક’ કોણ છે, એ જાણવું સાવ સહેલું હતું. પણ એવી માહિતી મળ્યા/મેળવ્યા પછી એણે સામેથી ઇન્દુ કે અભિષેકને મળવાનો કશો પ્રયત્ન ન કર્યો. પરંતુ વૉશિંગ્ટનવિલમાં ઇન્દુના ’સોશિયલ સર્કલ’થી દૂર રહેવું સહેલું ન હતું.. એકાદ વખત તો કાંઇક બહાનું બતાવીને લીનાએ ઇન્દુનું આમંત્રણ પાછું ઠેલ્યું. પણ બીજીવાર એમ કરવું અઘરૂં હતું અને લીનાના સ્વભાવની બહારનું હતું. લીના ઇન્દુની પાર્ટીમાં હાજર રહી, પોતાનો પુરાણો દોસ્ત અભિષેક મળશે એ ખ્યાલ હોવાથી કાંઇક સાવધ બનીને જ ગઇ, અને છતાં જ્યારે બારણામાં જ અભિષેક મળી ગયો ત્યારે એકાદ ક્ષણ માટે લીનાનો એ સાવધાનીનો અંચળો સરી પડ્યો. ઝડપભેર આ બધાં દ્રશ્ય લીનાની આંખ આગળથી પસાર થવા લાગ્યા. અભિષેકને મળ્યા પછીના આઠ-દસ મહિના દરમિયાનનું બંનેનું વર્તન કેવું નિર્લેપ હતું એની એણે બરાબર નોંધ લીધી’તી. એ બધા સંદર્ભમાં એને પોતાના કૉલેજના દિવસો યાદ આવ્યા. વાર્ષિકોત્સવ ના નાટકની પહેલી જ પ્રૅક્ટિસ વખતે પહેલી જ વાર દીઠેલ અભિષેક યાદ આવ્યો. ઓછાબોલો અને જરા સંકોચશીલ સ્વભાવનો, પણ એના વાંકડિયા વાળ અને માંજરી આંખને લીધે ફૂટડો દેખાતો, અને પહેલી મુલાકાતમાં જ પોતાને ગમી ગયેલો અભિષેક યાદ આવ્યો. પછી તો બંને ઘણીવાર મળ્યા. એમાંની ઘણી મુલાકાતો તો નાટકના ગ્રુપની સાથે જ થઇ’તી, પણ ક્વચિત બંને એકલા પણ મળેલા. એવી મુલાકાતો વખતે ક્યારેક એને અભિષેક અસ્વસ્થ લાગતો, જાણે એને કાંઇક કહેવું છે પણ કહી શકતો નથી, એવું લાગતું. આવી જ એક મુલાકાતમાં અભિષેકે જ્યારે પૂછ્યું : “આપણા નાટકમાં તું શું પહેરવાની છે?” ત્યારે પોતે ’રાણા સાહેબ કહેશે એ.’ એવો ટૂંકો જવાબ આપેલો. પ્રોફેસર રાણા નાટકના દિગ્દર્શક હતા. “તું તારી પેલી અંજીરી રંગની સાડી અને ગોલ્ડન કલરનું બ્લાઉઝ પહેરીશ? એમાં તું ખૂબ દેખાવડી લાગે છે.” એમ બોલતા પોતાની આંખમાં માંડમાંડ આંખ મિલાવી જોતો અભિષેક લીનાને આજે પણ યાદ હતો. નાટક થયું. એમાં, ’તું સલવાર-ખમીસ પહેરજે.’ એવા રાણા સાહેબના સૂચનનો અનાદર કરી લીનાએ અંજીરી સાડી અને ગોલ્ડન બ્લાઉઝ પહેરીને કામ કર્યું. એ નાટક બંનેના જીવનનો એકાદ પ્રવેશ માત્ર હોય એમ ભૂતકાળમાં વિલીન થઇ ગયું. એક સુખદ યાદથી વધુ કશું એમાંથી સાકાર ન થયું. નાટક પછી લીનાએ મળવા માટે કરેલા સૂચનો અભિષેકે ટાળ્યા. લીના આમાંથી કશું ભૂલી નહોતી.

આખરે ગળું સાફ કરી લીનાએ બોલવાની શરૂઆત કરી. “એ સાડી પર જાણે તારું નામ લખાયું હતું. આપણે છૂટા પડ્યા પછી મેં ફરી કદી એ સાડી નથી પહેરી. “ફરી થોડી શાંત પણ અસ્વસ્થ ક્ષણ પસાર થઇ. અભિષેકની આંખો લીનાના ચહેરા પર મંડાઈ રહી. “માત્ર એ સાડી જ નહીં, એ પછી મેં કદી સાડી જ નથી પહેરી. અભિ, તેં કેમ મને કદી લગ્ન માટે ન પૂછ્યું? નાટક પછી તું કેમ અચાનક અતડો થઇ ગયો?” “લીના, આપણી વચ્ચે એક મોટી ખાઇ હતી. તું અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરની દીકરી હતી. મારા પિતા એક સામાન્ય બૅંક-ઑફિસર હતા. આપણે માટે આગળ કોઇ શક્યતા દેખાતી નહોતી. પછી મૃગજળ પાછળ દોડવાનો શો અર્થ?” બંને સ્તબ્ધ બની, મૂંગા-મૂંગા એકમેક સામે જોતા રહ્યા. ઘણીવાર પછી અભિષેકે ગણગણવું શરૂ કર્યું : ’ કારવાં ગુઝર ગયા… ઔર હમ ખડે-ખડે ગુબાર દેખતે રહે !’. પછી એ આંખો મીંચીને ચૂપચાપ પડી રહ્યો. સામેની બારીમાંથી એના મોં પર આવતા સૂર્ય પ્રકાશને રોકવા લીનાએ ઊઠીને બારીના પડદા બંધ કર્યા.

થોડીવાર પછી ગરાજનું બારણું ખુલવાનો અવાજ આવ્યો અને ઇન્દુની ગાડી ગરાજમાં દાખલ થઇ.

કલ્પનાનો ઈશ્વર– અશોક વિદ્વાંસ

બી. ઈ. મિકેનિકલ થયો અને તરત જ મને નોકરી મળી એ વાતનો ઘરમાં બધાને, ખાસ તો મારી બાને, ખૂબ ગર્વ હતો. પણ નોકરી મુંબઈમાં હતી. એટલે હવે ઘર અને અમદાવાદથી દૂર થવાનું હતું. એટલું જ નહીં પણ, ’મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે’ એ કહેવત કેટલી બધી સાચી છે, એ સત્ય પણ મને હવે સમજાવાનું હતું. પરંતુ મુંબઈમાં ’ઓટલો’ મળવાનો પ્રશ્ન ધાર્યા કરતાં ખૂબ સહેલાઈથી ઉકલી ગયો! મુંબઈમાં વર્ષોથી વસતા મારા દાદાના દીકરા ભાઈનો પાર્લામાં ફ્લૅટ હતો. મુંબઈના હિસાબે સારો એવો મોટો કહેવાય એવો. તાત્પૂરતી મારા માટે ત્યાં રહેવાની ગોઠવણ થઈ ગઈ. ભાભીનું મન એમના ફ્લૅટ કરતાં યે ઘણું મોટું ને ઉદાર હતું. ’હું પારકે ઘેર રહું છું’ એવી લાગણી ભાભીએ મને કદી થવા ન દીધી. પાર્લાથી ચર્ચગેટની મારી રોજની ઘટમાળ શરૂ થઈ. મુંબઈની લોકલ ગાડીને પોતાના જીવનની જીવાદોરી સમજનારા અનેક કીટાણુમાં એકનો ઉમેરો થયો. શરૂઆતમાં એ રોજના ફેરા કરવાની બહુ મજા પડતી. નવા ચહેરા અને નવા, અનોખા સ્થળ આંખ આગળ કુતૂહલ નિર્માણ કરી જતા. મારું મન જાણે પ્રત્યેક વ્યક્તિ અને સ્થળ પાછળ છૂપાઈ રહેલ કથા વાંચવાનો પ્રયત્ન કરતું.

નવી નોકરી, ઑફિસ, સાથી કાર્યકરો અને નવું કામ, મેં ધારેલું એનાથી ઘણાં ઝડપથી પરિચિત થતા જતા હતા. મુંબઈના ચકડોળે ચડેલી દિનચર્યામાં મારો સમય ક્યાં પસાર થઈ જતો’તો એ ખબર જ નહોતી પડતી. લોકલ ટ્રેનની રોજની દોટ ધીમે-ધીમે કોઠે પડતી જતી’તી. રોજ દેખાતી વ્યક્તિઓ – ખાસ કરીને તરુણ છોકરીઓ – ના ચહેરા હવે જાણીતા થતા જતા હતા. એકાદ સુંદર તરુણી લાગલાગટ આઠ-દસ દિવસ ન દેખાય ત્યારે, ’એણે નોકરી તો નહીં બદલી હોય ને?’ કે, ’પરણી ગઈ હશે?’ એવા ચિંતિત કરનારા પ્રશ્નો મૂંઝવણ વધારે, ને પછી એટલામાં જ નવી સાડીમાં પોતાને વીંટી લઈને એ પાછી હાજર થાય; એવું યે બનતું.

લોકલમાં નજરે પડતી તરુણીઓની આવી સ્વાભાવિક ચંચળતા કરતાં તદ્દન વિરુદ્ધ પ્રકારનું સ્થાયીપણું લોકલના રસ્તાની બાજુએ ઊભેલ ઇમારતોમાં હતું. રસ્તા, પુલ, બિલ્ડિંગ, વગેરે સ્થળ ધ્રુવ તારા જેવા હતા. અમુક જગ્યાએથી ગાડી પસાર થાય ત્યારે અમુક રેસ્ટોરાં કે બૅંકની ઑફિસ ચોક્કસ નજરે પડવાની જ, એ બાબત કદી આંખની નિરાશા ન થતી. વાંદરાની ખાડી પરથી ગાડી પસાર થાય એટલે દુર્ગંધ, ને જાણે એના પર માત કરવા જ આવતી હોય એવી માહિમની ખાડી પરથી આવતી દરિયાની ફોરમ, બંને વચ્ચેનું દ્વંદ્વ કાયમી હતું. નજર અને મન પર છાપ પાડી જનાર આવી વિવિધ વ્યક્તિઓ અને સ્થળોમાં એક ઇમારતે – અથવા ખરું કહું તો ઇમારતના માથાના શિખરના ટોપકાએ – મારા મનમાં ક્યારે ઘર કરી લીધું એની મને પોતાને જ ખબર નહોતી. વેગથી પસાર થતી લોકલના રસ્તાથી થોડે દૂર આવેલ એ ઇમારત પોતે તો બીજા બે ઊંચા બિલ્ડિંગની પાછળ અદૃશ્ય જ રહેતી. માત્ર એના માથેના શિખરનું ટોપકું દેખાતું. એ ટોપકાના આધારે એ ઇમારત કોઈ મંદિર હશે અને મને દેખાતી ટોચ એ મંદિરના શિખરનું ટોપકું હશે, એમ સહજ જ મારા ધ્યાનમાં આવ્યું. અને આવી સામાન્ય કલ્પના કરવા માટે કોઇ કવિનું હૃદય હોવાની આવશ્યકતા ન હતી. રોજ સવારે ને સાંજે સૂર્યના કોમળ કિરણોમાં ચમકી ઊઠતી ટોચ મારા મન સામે આખાયે મંદિરનું કલ્પનાચિત્ર ખડું કરી દેતી. જતા આવતા રોજ, ગાડીની ભીડમાંથી યે નજર ખેંચી એ ટોચ પર આંખ ફેરવી લેવાની જાણે મને ટેવ જ પડી ગઈ.

સમય ઝડપથી પસાર થતો હતો. છ મહિના થયા અને મને નોકરીમાં ’પ્રમોશન’ મળ્યું. સામાન્ય રીતે બધાને જે એક વર્ષના અંતે પણ માંડ બનતું એ મારી બાબતમાં માત્ર છ જ મહિનામાં બન્યું, એથી હું હરખાયો. બૉસને મારું કામ પસંદ હતું. જે મારા સાથી કાર્યકર હતા એમાંના ત્રણ જણા હવે મારા આસીસ્ટન્ટ થયા. પણ ક્યાંય અદેખાઈ નહોતી આવી! પગાર વધ્યો એટલે એક સાથીની ઓળખાણ વાપરી મેં બોરીવલીમાં ભાડાની જગ્યા મેળવી. મોટાભાઈ-ભાભીનો ખૂબ-ખૂબ આભાર માની હું પાર્લાથી બોરીવલી રહેવા ગયો. ગાડીમાં હવે પહેલાથી વધુ વખત જતો’તો એ એક વાત જતી કરું તો બાકી કશો ફરક નહોતો થયો. આ સમય દરમિયાન મેં અમદાવાદની બે ટૂંકી મુલાકાત પણ લીધી.

બોરીવલીથી મને હવે ફાસ્ટ ટ્રેન મળતી’તી. પેલી ટોચ જે બે બિલ્ડીંગની વચ્ચેની ખાલી જગ્યા–ફટ– માંથી નજરે પડતી હતી એ ફટ હવે અગાઉથી પણ ઓછી ક્ષણમાં નજર આગળથી પસાર થઈ જતી’તી. પણ મારી ટેવાયેલી નજર એક અચૂક પારધીની જેમ એ ફટ, અને એમાંથી દેખાતી ટોચ, બરાબર ઝડપી લેતી. જેના આધારે એ ટોચ માથું ઊંચકી શકતી હતી એ શિખર, અને શિખરને પોતાના માથા પર લઈને ઊભું રહેલ મંદિર, જો કે કાયમ દૃષ્ટિ આડ જ રહ્યા હતા. પણ ટોચની ઝલક મને મંદિરની ભવ્યતાની કલ્પના કરવામાં ખૂબ મદદરૂપ હતી. સાંજે કામ પરથી પાછા આવતા તો ઘણીવાર એમ થતું કે આગળના સ્ટેશને ઉતરી એ મંદિર સુધી જવું અને એનું સ્થાપત્ય નિહાળવું. પણ ના, એ મંદિર નિહાળવા માટે મારે હજુ પુષ્કળ રાહ જોવાની હતી. મને જે વિસ્તારમાં એ ટોચ દેખાતી એ વિસ્તારમાં જ અમારી ઑફિસના એકાઉન્ટન્ટનું ઘર હતું. એ મંદિર વિષે એક વખત મેં એને પૂછ્યું. હું જાણે સાવ ધડ-માથા વગરની વાત કરતો હોઉં એવો ચહેરો કરી એણે મને જણાવ્યું કે એ ભાગમાં એવું કોઈ મંદિર જ નથી! મને એની દયા આવી. પોતે જ્યાં રહે છે ત્યાં જ પાસે આવેલ એક સુંદર મંદિર બદ્દલ જેને બિલકુલ ખબર નથી એવા માણસને શું કહેવું? પણ, આખરે એ રહ્યો એકાઉન્ટન્ટ. નગદ-નારાયણ સિવાય અન્ય કોઈ ભગવાન કે મંદિર વિષે એને ક્યાંથી ખબર હોય!
કોણ જાણે કેમ પણ મને થતું કે એ મંદિર શંકરનું હોવું જોઈએ. મારે કબૂલ કરવું જોઈએ કે હું જરાપણ આસ્તિક નથી. એ મંદિર ગમે તે ભગવાનનું હોય તો પણ હું કાંઇ ત્યાં માનતા માનવા જવાનો ન હતો. છતાં, શંકર ભગવાન વિષે મને આદર ખરો. એમનો ભોળો સ્વભાવ અને કશા પણ આડંબર વગરના સાદા વ્યક્તિત્વને કારણે મારા મનમાં એમનું વેગળું સ્થાન છે. અજાણ્યે જ મેં એ મંદિર અને એમાં વિરાજમાન શિવલિંગ વિષે કલ્પના કરવા માંડી.

ફરી એક વખત હું અમદાવાદ જઈ આવ્યો. આ મુલાકાતની મોટી સફળતા એટલે મારા લગ્ન નક્કી થયા. એક વધુ ટ્રિપ અને મારા ’ચાર-હાથ’ થયા. ત્રણ વર્ષ પૂર્વે ’સ્નાતક’ અને ’અવિવાહિત’ એમ બે અર્થમાં ’બૅચલર’ તરીકે મુંબઈ આવેલો હું, હવે ધીમે-ધીમે મુંબઈગરો થઈ ગયો. મે મહિનાની મુંબઈની અકળાવનારી ગરમી, જૂન-જુલાઇનો ધોધમાર વરસાદ, સપ્ટેમ્બરમાં ગણપતિ ઉત્સવ સમયે હિલોળે ચડતો મરાઠી લોકોનો અનેરો ઉત્સાહ, ને ઑક્ટોબરની દિવાળીમાં આખી રાત ચાલતી ફટાકડાની ધમાલ; હું એ બધી હકીકતનો હવે એક અવિભાજ્ય ઘટક બની ગયો હતો. સાથે જ, આ બધી ઘટમાળ વચ્ચે જ રોજ ગાડીમાંથી દેખાતી ટોચ અને એ ટોચની નીચે, આજ સુધી સદા ઓઝલ રહેલું મંદિર, મારા મનના ખૂણે અવિરત પણે જાગૃત હતું.

પાણિગ્રહણ વખતે એક રોમાંચક કલ્પનાનું મેં જતન કરેલું. બસ, એમ જ કરવું : લગ્ન પછી સજોડે એ મંદિરે જવું. પત્નીની સાથે એ દેવસ્થાનનું શિલ્પ અને સ્થાપત્ય નિહાળવું. એના દ્વાર પાસે બંનેનો સાથે ફોટો પાડવો. પછી અંદર જઈ એ ભોળા શંભુને કહેવું, “सर्वे सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणी पश्यन्तु, मा कश्चित दुःख भाग्दयेत.” પણ આ તો કેવળ મારા મનની ઈચ્છા. પત્ની મુંબઈ આવે એટલે પહેલા રવિવારે જ એને લઈને મંદિર જોવા જવાની મારી ઈચ્છા ભલે હોય, પણ મારા ભાભીના મનમાં કાંઈક જુદું જ હતું. બે દિવસ પહેલા જ ભાભીનો ફોન આવ્યો, “રવિવારે તમારે બંને જણાએ અહીં જમવા આવવાનું છે.” બસ, પત્યું. ભાભીને ના પાડવાનું શક્ય જ ન હતું. ટૂંકમાં, ’એ’ મંદિર જોવા જવાનું ત્યારે મુલતવી રાખવું પડ્યું.

થયું એવું કે એ પછી પણ કાંઇક ને કાંઇક કારણસર એ મંદિર જોવા જવાનું ન જ બન્યું. પણ, સાથે-સાથે જ એ વિષેનું મારું કુતુહલ દિવસો દિવસ વધતું જ ગયું. જે દિવસે ખાસ રજા લઈ ત્યાં જવાનો પ્રોગ્રામ ઘડ્યો હતો એની આગલી રાત્રે જ કૉલેજનો મારો ખાસ મિત્ર નવીન શાહ અચાનક જ દિલ્હીથી અમારે ત્યાં આવી ચડ્યો. ઑફિસના કામે હું દિલ્હી ગયેલો ત્યારે અચાનક જ ભટકાઈ પડેલા નવીનને મેં અમારું મુંબઈનું સરનામું આપેલું. અત્યારે એ સરનામાનો નવીને ’સદ્‍ઉપયોગ’ કર્યો હતો. અમદાવાદના નવીને મારી પત્નીને ’ભાભી’ જ કહ્યું હોત. પણ હવે એનામાં દિલ્હીની હવા ભરી હતી. એણે ભાભીનું ’ભાભીજી’ કર્યું. નવીન આવ્યો અને ગયો. અમારો મંદિર જોવા જવાનો પ્રોગ્રામ ફરી મુલતવી રહ્યો.

ગયા અઠવાડિયે ગાડીમાંથી રોજની જેમ નજર નાખી ત્યારે અચાનક ધ્યાનમાં આવ્યું કે જે બે ઊંચી ઇમારત વચ્ચેની તડ માંથી પેલી ટોચ ડોક કાઢતી હતી એ તડ જ હવે પુરાઈ જવાની હતી. એ બે બિલ્ડીંગની વચ્ચે એક ત્રીજું બિલ્ડીંગ હવે માથું ઊંચકતું હતું. મુંબઈની સતત વધતી જતી વસ્તીનો વિચાર કરતાં આ નવા બિલ્ડીંગનું ઊભા થવું વ્યાજબી જ હતું. પણ, આ પરિસ્થિતિએ મારા મનનો અજંપો વધારી મૂક્યો. હવે જરાપણ વિલંબ ન કરતા આ રવિવારે જ એ મંદિરની પ્રત્યક્ષ મુલાકાત લેવાનો મેં પાકો નિર્ણય કર્યો. પત્ની પિયર ગઈ હોવાથી એ મંદિરનું પ્રથમ-દર્શન મારે એકલા એ જ કરવું પડવાનું હતું.

રવિવારે સવારે નાહી, તૈયાર થયો ને નીકળી પડ્યો. રસ્તે ચાલતા સતત મારા મનમાં એ મંદિરના જ વિચાર આવતા હતા. મંદિર ખૂબ પુરાતન હશે? ’પૂજારી નક્કી કોઇ આદરણીય વૃદ્ધ હશે’, એમ મારું મન કહ્યા કરતું હતું. મંદિરના પ્રવેશદ્વાર માં દેખાનાર નંદી અને અંદરના થાળામાંનું શિવલિંગ જાણે મારી આંખ આગળ તાદ્રશ થયા. આજે રવિવાર એટલે ઘણુંખરું દર્શન માટે લોકોની ભીડ હશે, એવો વિચાર પણ આવી ગયો. ટોચથી શરૂ થયેલા એ વિચારોએ મારા મનનો પૂર્ણ કબજો લીધો, ને એમાંથી ઉદ્‍ભવેલી કલ્પના શિખર, મંદિર, અને શંકરદાદા સુધી વિસ્તરી. આખરે હું એ જગ્યાની સાવ લગોલગ પહોંચ્યો. કોઇપણ વસ્તુને જોવાનો દૃષ્ટિકોણ બદલાય એટલે એ વસ્તુ કેટલી ભિન્ન, બદલાયેલી લાગે, એ હકીકતનું મને અચાનક ભાન થયું. લોકલમાંથી જોતાં એ મંદિરને સદા ઢાંકી રાખનાર એ બે ઊંચા બિલ્ડીંગની પાછલી બાજુ હવે મારી સામે હતી. સામેથી સુંદર દેખાતા એ બંને બિલ્ડીંગની પાછલી બાજુ કેટલી વરવી હતી! મેં પ્રયત્નપૂર્વક નજરને ત્યાંથી વાળી લીધી, ને મંદિરની દિશામાં આગળ વધ્યો. એક સુંદર મંદિરનું વિશાળ પટાંગણ દબાવી બેઠેલા એ બંને બિલ્ડીંગ પર મને ગુસ્સો આવ્યો.

ગલીનું નાકું આવ્યું. ઝટ પગ ઉપાડી ખૂણા પરનો વળાંક પૂરો કર્યો ને સામે નજર નાખી. “પણ…… પણ…… આ શું? પેલું મંદિર ક્યાં છે? એનું શિખર? ને એની રોજ દેખાતી ટોચ? હું આ શું જોઈ રહ્યો છું?” મેં આંખ ચોળી જોઈ. ખાતરી થઈ કે આ સ્વપ્ન ન હતું. મારી આંખ સામે દેખાતી ઇમારત એક મસ્જિદ હતી. ગાડીમાંથી મને રોજ દેખાતી ટોચ એ મસ્જિદના માથે મઢેલા ચાંદ-તારાની ટોચ હતી!

અજાણપણે જ મેં ખિસ્સામાં નો રૂમાલ કાઢ્યો અને ઘડી ઉઘાડી માથે મૂક્યો. બાજુએ લટકતા છેડા કાન પર ભરાવ્યા. અંદર જે કોઇ ઈશ્વર તત્ત્વ હતું એને પામવા હું ધીમે પણ મક્કમ પગલે મસ્જિદની અંદર દાખલ થયો.

અશોક વિદ્વાંસ ,ઇસ્ટ વિન્ડસર, ન્યુ જર્સી.

એ પ્રજાસત્તાક દિન – વાર્તા – અશોક વિદ્વાંસ

આ વાતને આજે હવે આશરે પંચાવન કરતાં પણ વધુ વર્ષ થયાં હશે. હું ભાવનગર જિલ્લાના સોનગઢ નામના નાનકડા ગામમાં આવેલી ’ગુરુકુળ હાઈસ્કૂલ’ નામની શાળામાં ભણતો હતો. ભાવનગર જિલ્લો એ વખતે ’ગોહિલ વાડ પ્રાંત’ તરીકે ઓળખાતો હતો.
દેશ તાજો જ આઝાદ થયેલો. વડાપ્રધાન નહેરુ અને કોંગ્રેસ પક્ષ માટે એ સુવર્ણકાળ હતો. મને યાદ છે મારા મોટાભાઈના અભ્યાસના ટેબલ પાસે, કોટમાં ગુલાબનું ફૂલ ભરાવેલી, પ્રસન્નચિત્ત નહેરુચાચાની એક સુંદર તસવીર હતી. ૧૯૫૨ ની ચૂંટણીના પ્રચારની સાથે-સાથે નહેરુજી ભાવનગર પાસેની, પાલીતાણાની શેત્રુંજી નદી પર બંધાનાર બંધનું શિલારોપણ કરવા આવેલા ત્યારે એ તસવીરની અસંખ્ય નકલનું વિતરણ થયેલું. નહેરુજીની રાજકીય ભૂલો હજી થવાની હતી. ચીનના આક્રમણને તો હજી બીજા દસ વર્ષની વાર હતી. દેશપ્રેમ અને દેશાભિમાન ધરાવનાર પ્રત્યેક ભારતીય કિશોર, યુવાન અને પ્રૌઢ સ્ત્રી-પુરુષ માટે નહેરુ એ આઝાદ ભારતના જીવંત પ્રતિક સમાન હતા.
એ દિવસોમાં પ્રજા, ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવાર ખૂબ ઉત્સાહથી ઉજવતી. અમારી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સરઘસ વહેલી સવારે જ આખા ગામની પ્રભાત-ફેરી કરતું. ભૂરી ચડ્ડી અને સફેદ શર્ટમાં સજ્જ વિદ્યાર્થીઓ, અને સફેદ ફ્રૉક અગર સાડીમાં સજ્જ વિદ્યાર્થીનીઓ, એ સરઘસના ઉલ્લાસ અને તરવરાટનું હાર્દ બની રહેતા. ગુરુકુળ આશ્રમના વિદ્યાર્થીઓનું બૅન્ડ કૂચ-કદમના સૂર રેલાવતું. કિરીટસિંહ ગુરુજી બુલંદ અવાજે માર્ચ કરવાનો આદેશ આપતા અને જુસ્સાભેર કૂચ શરૂ થતી. બસ, પછી “મહાત્મા ગાંધીજી કી ……જય !” “સરદાર વલ્લભભાઈ પટેલ કી ….. જય !” “સુભાષચંદ્ર બોઝ કી …… જય !” “ઇન્કિલાબ ….. ઝિંદાબાદ !” “આઝાદી ….. અમર રહો !” ને એવા બીજા અનેક જયઘોષ અને નારાથી વાતાવરણ ઉષ્મા અને જુસ્સાથી છલકાઇ ઊઠતું. કૂચમાં ચાલતા વિદ્યાર્થીઓની બાજુમાં ચાલીને એકાદ શિક્ષક કે શિક્ષિકા “વિજયી વિશ્વ તિરંગા પ્યારા….. ઝંડા ઊંચા રહે હમારા…. “ જેવા દેશપ્રેમના ગીત ગવડાવે અને બાકીનો સમુહ એ ગીતને ઊંચા સાદે ઝીલી લે; અને સરઘસ બમણા ઉત્સાહથી આગળ ધપે.
સોનગઢ તો સાવ નાનકડું ગામ. ગામના એક છેડે અમારી ગુરુકુળ શાળા. આશરે એક માઈલ દૂર, ગામને બીજે છેડે મુનિ શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનો આશ્રમ. આખું ગામ એમને ’કલ્યાણજી બાપા’ કહે. એ જૈન મુનિની પ્રતિભા એવી તેજસ્વી કે સહજ આદર ઉત્પન્ન થાય. એમની આંખો એવી નિખાલસ કે સહજ પ્રેમ જાગે. આશ્રમના મુખ્ય દરવાજાની બહાર બાપા ઊભા હોય અને આખું સરઘસ એમની સામેથી અદબ ભેર કૂચ કરી પસાર થાય. સહુ રાષ્ટ્રનેતાઓના નામના જયજયકાર સાથે જ, સ્વયંભૂ પ્રેરણાથી કોઇક હાકલ દે, “પૂજ્ય કલ્યાણજી બાપાની ……… “ અને આખું ટોળું “જય !” એવો ગગનભેદી પ્રતિસાદ આપે.
ત્યાંથી સરઘસ પાછું વળે. હવે એમાં બાપાના આશ્રમના વિદ્યાર્થીઓ પણ જોડાયા હોય, ને સરઘસ ખૂબ લાંબું થયું હોય. એને છેડે દંડધારી કલ્યાણજી બાપાની સાથે ગામના અન્ય પ્રતિષ્ઠિત સજ્જનો સ્વચ્છ કપડામાં, માથે ગાંધી ટોપી, પાઘડી કે ફેંટો પહેરીને ચાલે. આઝાદીના ગીત અને જયઘોષથી વાતાવરણ તો સતત ગૂંજતું રહે. છેલ્લે સરઘસ પાછું શાળાના પ્રાંગણમાં દાખલ થાય. ત્યાં બાપા અગર કોઇ પ્રતિષ્ઠિત મહેમાન તિરંગો ધ્વજ હવામાં ફરકાવે. ધ્વજને સલામી આપવામાં આવે; અને “ધ્વજ મારા સ્વાધીન ભારતનો ….. નિર્મળ ગગને લહેરાય ફરી.” ના સૂર હવામાં લહેરાઈ ઊઠે. બાપા પ્રસંગને અનુરૂપ પ્રેરણાદાયી ભાષણ આપે. છેલ્લે, વિદ્યાર્થીઓને પ્રિય એવું મીઠાઈનું પડીકું વહેંચવામાં આવે. ઉત્સાહ તો હજી પણ ઊભરાતો હોય, પણ પેટમાં ભૂખ પણ લાગી હોય. ધીમે-ધીમે સહુ વિખરાઈને ઘર તરફ પાછા વળે દર વર્ષનો, ૧૫ મી ઑગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી નો આ શિરસ્તો. એમાં એક વખત ફેર પડ્યો. બન્યું એવું કે ………
સોનગઢ ગામ અને ગુરુકુળ હાઈસ્કૂલ વચ્ચે એક નાનકડી ટેકરી છે. એ ટેકરી પર બે માળ ઊંચી અને પ્રશસ્ત એવી એક ઇમારત છે. ઇમારતી લાકડાના ઊંચા દરવાજા અને મોટી, પહોળી બારીઓથી શોભતા એના ઓરડાઓની છત ઊંચી છે. ગામ આખામાં એ ઇમારત ’પ્રાંત સાહેબનો બંગલો’ એ નામે ઓળખાય. પ્રાંત સાહેબ એટલે અંગ્રેજ સરકારનો વહીવટ ચલાવનાર Political Agent. બ્રિટીશરોના કાળમાં એમનો કેવો રુઆબ હશે, અને એમની સત્તાની પ્રજા પર કેવી ધાક હશે, એ એના પ્રતિક સમા આ પ્રાંતના બંગલાને જોઇને ધ્યાનમાં આવે. આઝાદી આવી અને અંગ્રેજ ગયા. પ્રાંત સાહેબ પણ ગયા. માત્ર ’સાપ ગયા ને લિસોટા રહ્યા’ એ કહેવત પ્રમાણે ’પ્રાંત સાહેબનો બંગલો’ એ નામ ગામલોકની જીભ પર કાયમ રહ્યું. શરૂમાં તો એ બંગલો ખાલી જ પડી રહ્યો. પછી ત્યાં એક ’અધ્યાપન મંદિર’ ઉર્ફે ’Teachers’ Training College’ ની શરૂઆત થઈ. ત્યાં પણ ૮૦-૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમુહ રહેતો થયો. એ પછીના વર્ષની ૨૬ મી જાન્યુઆરીની વાત.
એમ ઠરાવવામાં આવ્યું કે એ વર્ષે પ્રભાતફેરી પછી સરઘસ પાછું ગુરુકુળમાં આવવાને બદલે, ટેકરી ચડીને પ્રાંતના બંગલાના ચોગાનમાં એકઠું થાય ને ત્યાં ધ્વજવંદન કરવામાં આવે. રાબેતા મુજબ બધું થયું. બાપાએ દોરી ખેંચી અને એમાં વીંટાયેલ તિરંગો ધ્વજ થાંભલાની ટોચે પહોંચ્યો. બાપાએ દોરીને જરાક આંચકો આપ્યો અને ધ્વજ હવામાં લહેરાઈ ઊઠ્યો. તાળીઓના ગડગડાટ અને જયઘોષથી વાતાવરણ ધમધમી ઊઠ્યું. ધીમે-ધીમે એ શોર શમવા માંડ્યો. પણ બાપા પોતાનું વક્તવ્ય શરૂ કરે એ પહેલા, ગામના જાણીતા ડૉક્ટર હરગોવિંદદાસ દોશી આગળ આવ્યા. ડૉ. દોશીએ સત્યાગ્રહ સંગ્રામમાં ભાગ લીધો હતો, અને એમનો દેશપ્રેમ અતિશય જ્વલંત હતો. માથું ઊંચકી, ભીની આંખે એમણે આકાશમાં લહેરાતા તિરંગી ધ્વજ સામે જોયું. પછી ગળગળા સાદે બોલ્યા, “બાપા, જ્યાં એક વખત ’યુનિયન જૅક’ ફરકતો હતો ત્યાં આજે આપણો તિરંગો લહેરાય છે.” ચશ્માં કાઢી એમણે હાથથી જ આંખમાં ઊભરાતા આંસુ લૂછ્યા. બે-ચાર ક્ષણ માટે, ઉત્સાહ અને ઉલ્લાસનો એ પ્રસંગ જાણે એક ગંભીર પ્રસંગ બની ગયો. બીજા પણ ત્યાં હતા જેમને એ જ ’ફ્લેગ-માસ્ટ’ પર લહેરાતો ’યુનિયન જૅક’ હજી યાદ હતો.
આખરે બાપા આગળ વધ્યા. એમણે ડૉક્ટરને ખભે હાથ મૂક્યો. પછી સમુહ તરફ જોઈ મોટા અવાજે હાકલ મારી, “ડૉક્ટર હરગોવિંદભાઈની ………. “ અને ટોળાએ જે જયનાદ જગાવ્યો એ અત્યાર સુધીના બધા જયનાદથી વધુ બુલંદ હતો. હજી પણ એ નારાના પડઘા હું મારી સ્મૃતિમાં સાંભળું છું.