કઈંક ખાસ… સરયૂ પરીખ, હરીશ દાસાણી, ઈલા મહેતા
નીતરતી સાંજ
ચિત્રઃ દિલીપ પરીખ નીતરતી સાંજ
આતુર આંખો રે મારી બારણે અથડાય,
વાટે વળોટે વળી દ્વારે અફળાય.
ગાજવીજ વર્ષા ને વંટોળો આજ,
કેમ કરી આવે મારા મોંઘેરા રાજ!
અરે! થંભોને વાયરા આગંતુક આજ,
રખે એ ન આવે તમ તાંડવને કાજ.
મૌન મધુ ગીત વિના સંધ્યાનું સાજ,
ઉત્સુક આંખોમાં ઢળે ઘનઘેરી સાંજ.
વિખરાયાં વાદળાં ને જાગી રે આશ,
પલ્લવ ને પુષ્પોમાં મીઠી ભીનાશ.
ટપ ટપ ટીપાંથી હવે નીતરતી સાંજ,
પિયુજીના પગરવનો આવે અવાજ.
—— સરયૂ પરીખ
“પ્રીત ગુંજન” અને “દેશવિદેશ” માં પ્રકાશિત.
પ્રતિભાવઃ સપ્ટેમ્બર ૨૦૦૭. શબ્દોની પસંદગી અને ભાવનું નિરુપણ મઝાનું છે. ચિત્રાત્મકતા અને પ્રતિકાત્મકતા પણ ધ્યાન ખેંચે છે. જુઓ : આંખોનું અંદર-બહાર અથડાઈને વળી વળી પાછું બારણે આવવું; મૌન અને ગીત વગરનું સંધ્યાનું સાજ (વાદ્ય); ઉત્સુક આંખોમાં ઢળતી ‘ઘનઘેરી’ સાંજ (બહુ મઝાનો સમાસ -ઘન =સઘન અને વાદળ બંને અર્થો થાય ! એનાથી ઘેરાયલી !!) ‘સાજ’ અને ‘સાંજ’ શબ્દોનો વિનિયોગ માણો !! ઉપરાંત વાદળના વિખરાવા સાથે જાગતી આશાની પ્રતિકાત્મકતા; અને છેલ્લે તો આગળ કહ્યું તેમ કાવ્યના નાયકના આવવાના અવાજ સાથે કાવ્યની સફળતાનો સંકેત જ જાણે મળી જાય છે !! છેલ્લી બે પંક્તિઓમાં ‘હવે’ શબ્દની તાકાત જુઓ! એ શબ્દના આવવાથી છેલ્લી પંક્તિ આખા કાવ્યને એક નવું જ પરિમાણ આપી દે છે. સર્જકની આખા કાવ્ય દરમિયાનની ઝંખના ‘હવે’ શબ્દથી નીખરી ઊઠે છે…જુગલકિશોર.
—
ચિંતનઃ દિલીપ પરીખ… નીતરતી સાંજ. આ કાવ્યનું શિર્ષક છે અને એ અમારા પુસ્તકનું મથાળું છે. સ્થુળ ભાવ – literal meaning વરસાદ અને તોફાનની વચ્ચે પ્રિયતમની આતુરતાથી રાહ જોતી પ્રેમિકાનું ચિત્ર છે. પ્રિયતમ આવશે કે નહીં તે ભય અને શંકાથી તેનું મન વિહ્વળ છે….થોડીવારમાં વાતાવરણ શાંત થાય છે અને પ્રેમિકાની આશા જાગૃત થાય છે.પ્રિયતમના પગની આહટ અનુભવે છે. આ એક romantic ભાવ છે.
બીજો એક સુક્ષ્મ ભાવ પણ છે. જીવનમાં આવતા Conflictsને વરસાદ, તોફાનની સાથે સરખાવ્યા છે. એ બધાં અવરોધોની વચ્ચે “આત્મજ્ઞાન” (self knowledge)ની પ્રાપ્તિ માટે પ્રયત્નો હોય છે. જ્યારે એ શંકા ને ભયગ્રસ્ત મન થોડીક પળો માટે શાંત થઈ જાય છે, ત્યારે એ નીરવતામાં કાંઈક સુંદર અનુભૂતિ થાય છે. આ અનુભૂતિને “પ્રિયતમનો પગરવ” – ઈશ્વરનાં પરિચયની ઝાંખી ગણી છે.
——-
નીતરતી સાંજ Essence of Eve. Saryu Parikh
Paintings by Dilip Parikh. our book published in 2011
https://saryu.wordpress.com
————————————————————————————————————————————
રાષ્ટ્ર વંદન
“સ્વ”ની સમજથી સમૃદ્ધ આ રાષ્ટ્રને નમું.
વંદન આ માતૃભૂમિને. ૠષિ-રાષ્ટ્રને નમું.
અવતારોની આ ભૂમિને, સૌરાષ્ટ્રને નમું..
માટી ચડાવી મસ્તકે આ રાષ્ટ્રને નમું…
સુંદર ને સત્ય,શિવ રવીન્દ્ર રાષ્ટ્રનેનમું…
હરીશ દાસાણી.
.
