પ્રકરણ – ૧૭
નેહાએ બેગ લઈને એ ચાલવા માંડ્યું હતું. એને રોકવા આકાશ નેહા તરફ ધસી ગયો, અને નેહાને પકડી, પિસ્તોલ કાઢી અને ટ્રીગર ચઢાવી દીધું. નેહા પણ પોતાને આકાશના ચુંગલમાંથી છોડાવવાની મથામણ કરતી હતી. સાગર પરિસ્થિતિ પામી ગયો અને નેહાને છોડાવવા, સાગર આકાશ તરફ ધસ્યો હતો. આકાશ અને સાગરની વચ્ચે ઝપાઝપી ચાલી રહી હતી અને નેહા આકાશના હાથમાંથી બચીને એક બાજુ જેવી ખસી કે, અચાનક, સાગરે આકાશના હાથમાં રહેલી પિસ્તોલને જોરથી એક એવો ઝટકો માર્યો કે પિસ્તોલ હવામાં ફંગોળાઈને, નેહાના હાથમાં પડી. આકાશનો ઈગો તો ઘવાયેલો જ હતો અને આમ સાગરે જોરથી મારેલા ઝટકાને લીધે, આકાશની બંદૂક પણ એના હાથમાંથી ફેંકાઈ ગઈ હતી. આકાશનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને એણે હતું એટલું બળ વાપરીને સાગરની ગરદન પકડી લીધી. આકાશ સાગરનું ગળું બેઉ હાથે દબાવતો જતો હતો. ક્રોધમાં, સાનભાન ભૂલેલા આકાશના માથા પર સાગરનું ખૂન સવાર થઈ ચૂક્યું હતું. સાગરને ગૂંગળાવીને મારી નાંખવાનો આ મોકો, આકાશ છોડવાનો નહોતો. સાગરનો આકાશના હાથમાંથી ગરદન છોડાવવાનો છટપટાત અને રૂંધાતો શ્વાસ, આકાશની પકડ કેટલી મજબૂત હતી એનો ક્યાસ આપી રહ્યાં હતાં. એ ઘડીએ, સાગરને છોડાવવા માટે, એક ઝનૂનમાં, નેહાથી ગુસ્સામાં ટ્રીગર દબાઈ ગયું અને સામે આકાશ ધરતી પર ઢળી ગયો. આકાશની પકડ ઢીલી પડી અને એ ઢળી પડ્યો. એકાદ બે ક્ષણ પણ જો મોડું થયું હોત તો સાગર માટે ફરી કદીયે શ્વાસ લેવાનું શક્ય ન થાત! ગરદન છૂટતાં જ, સાગર શ્વાસ લેવા, વાંકો વળીને ખાંસી ખાઈ રહ્યો હતો. નેહાના હાથમાં પિસ્તોલ હતી અને નેહા આખીને આખી ધ્રુજી રહી હતી. કઈં સમજવાનો કે કરવાનો મોકો મળે તે પહેલાં જ, બધું જ બસ, ક્ષણાર્ધમાં બની ગયું! “હે રામ આ શું થઈ ગયું?” હતપ્રભ નેહા, એકદમ નીચે બેસી પડી! “મારો તને મારવાનો બિલકુલ ઈરાદો ના હતો. આકાશ મને માફ કરી દે. હે ભગવાન મારે હાથે આ શું થઈ ગયું?” આકાશના શ્વાસ હજુ ચાલી રહ્યાં હતાં. આકાશે એક હાથે, પોતાનો જખમ દબાવી રાખ્યો હતો. હાથ લોહી વાળા થઈ ગયા હતાં, એણે પીડા સાથે, મહામહેનતે, બન્ને હાથ ઊંચા કર્યા અને નેહાની સામે જોડી દીધાં અને તૂટતા અવાજમાં બોલ્યો,” ને.હા, બની શકે તો મને માફ કરી દેજે. મેં તને ખૂબ દુઃખ આપ્યા છે..!મને ખબર નથી કે હું ઈશ્વરને શું જવાબ આપીશ?”
Continue reading ઉછળતા સાગરનું મૌન ( સપના વિજાપુરા ) →
Like this:
Like Loading...