ખાવું કે ન ખાવું?…… પીવું કે ન પીવું નો સવાલ સૌને એનકેન પ્રકારે સતાવવા લાગ્યો છે!
આ ખિચડી ખાવાની કે કઢી પીવાની વાત નથી. જોઈને જ મોઢામાં પાણી છૂટે એવી મનગમતી, રંગ-બીરંગી, યાદ પણ ન રહે એવા નામોવાળી વિવિધ વાનગીઓ આરોગવાની આ વાત છે. ગપ્પા મારતાં મારતાં ગરમા ગરમ ગોટા ને મરચાંના ભજીયાં ખાવાની આ વાત છે. જમતી વખતે સ્નેહીજનોના અતિ આગ્રહથી મોમાં મૂકાયેલી મીઠાઈ ગળે ઉતારી જવાની આ વાત છે. ઈન્ટરવલમાં સમોસા ને ભેળ ખાવાની આ વાત છે. પાણીની જેમ સ્કોચ, બર્બન, વીસ્કી કે બીઅર પીવાની આ વાત છે. એક પ્યાલી ચડાવ્યા પછી બીજી, અને ત્રીજી પ્યાલીના આગ્રહમાં ખેંચાવાની આ વાત છે. જીવવા માટે ખાવાની આ વાત નથી, પણ ખાવા માટે જીવવાની આ વાત છે. પરસેવો પાડ્યા પછી પાણી પીવાની આ વાત નથી, પણ એરક્ન્ડીશનની શીતળતામાં શરીરમાં ગરમી લાવે એવા પીણાની આ વાત છે.
દિવાળી આવે અને ત્યાર પછી આવે ‘થેક્સ ગીવીંગ’ ને પાછળ પાછળ આવે નાતાલ. વળી, વચમાં આવી જાય ‘મધર્સ ડે’, ‘ફાધર્સ ડે’ અને આપણા કેટલાક ભોજન ભર્યા ધાર્મિક તહેવારો, કોઈની સિલ્વર એનીવરસરી, સત્યનારાયણની કથા ને ગૃહપ્રવેશ, બેબી ‘શાવર’ ને જન્મદિનો, અને અંગત મિત્રોને ત્યાંના વાર્ષિક ખાવા-પીવાના પ્રસંગો. આ બધા દિવસોમાં ખાવા ને પીવાનું ખૂબ મળે એટલે પરાણે ખવાઈ જવાય છે, પીવાઈ જવાય છે. નાતાલના દિવસોમાં ઓફિસોમાં પરદેશીઓ એમની દેશની, પ્રાન્તની વિવિધ વાનગીઓ ખાસ પસંદ કરી કરી ઘેરથી બનાવીને લાવે છે. વાનગીઓની એટલી બધી વિવિધતાઓ હોય અને વર્ષમાં એકવાર મફતમાં ખાવા મળે ત્યારે ડાયાબિટીસની, કોલેસ્ટ્રોલની ને વધતા જતા પેટની ચિંતા છોડી દબાવી દબાવી ખાઈ લઈએ છીએ. દિવાળીના દિવસોમાં પણ ઘ્રર્મપત્ની અને મિત્ર-પત્નીઓના હાથે હોંશથી બનાવેલી, મોંમાં પાણી લાવે એવી વિવિધ વાનગીઓની, પ્રશંસા કર્યા વગર (મીઠાઈના સ્વાદમાં તરબોળ બની ગયેલી જીભલડી ક્યાંથી બોલે!), ન્યાય આપીએ છીએ; રોગો સામે ઘડીભર આંખ આડા કાન કરીને!
મક્કમ મનવાળાઓ કે જેને ભાવિ રોગોની બીક છે ને રાખે છે, એવા લોકો એક દિવસ આ બધી ચીજોથી દૂર રહેવા જાય, પણ બીજા જ દિવસે કે બીજા અઠવાડિયે બીજાને ખાતાં જોઈ એમનું મક્કમ મન પણ પલળી જાય છે, અને બધાંની સાથે લાઈનમાં આવી જાય છે. એમને મનમાં થતું હશે કે ક્યાં સુધી મનની ઈચ્છાઓને પરાણે માર્યા કરવાની! મરવાની તારીખ તો કોઈ બદલી શકવાનું નથી. એ વાત સાચી, પણ મરતાં સુધી શારીરિક મુસીબતોનો માર એકલા એકલા ખાવો પડે, અને આ સ્થિતિમાં આજના છોકરાઓ અને વહુઓ આપણી સંભાળ ઘેર લેવાને બદલે જો ઘરડાઘરમાં લેવાનું રાખે તો એનો વિચાર કરી શારીરિક સુખાકારી માટે કંઈક તો જાતે જ કરવું પડશે; જેમ આપ મૂઆ સિવાય સ્વર્ગે (કે નરકે) નથી જવાતું. આપણી જીભના સ્વાદિષ્ટ સ્વાર્થમાં અત્યારે તો સપડાઈ જઈશું, પણ પાછળથી એ આપણને બહું ભારે પડી જશે કે જ્યારે આપણા હાથ-પગ, કાન ને આંખો આપણી ઈચ્છા પ્રમાણે વર્તવા તૈયાર નહિ હોય. પાણી પહેલાં પાર બાંધવાની આ વાત છે!
દિવાળીના દિવસોમાં સામેથી ફોન કરી તમને ખાસ યાદ કરીને, બેસવા બોલાવ્યા હોય અને તમારી આગળ ચાની સાથે ડીશો ભરી ભરીને મઠિયા, ફાફડા, જલેબી, ફરસી પુરી, કાજુની કતરી, ઘૂઘરા, વગેરે પીરસ્યાં હોય ત્યારે સામાવાળાને ખોટું ન લાગે માટે દરેક ચીજને ન્યાય આપી ખાવી પડે છે. આ વખતે તંદુરસ્તીનો જો વિચાર કરીએ તો લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ને મોં ધોવા જવા જેવું થાય. એ વખતે ગળ્યું ઝાપટવા માટે (ડાયાબિટીસવાળાને) ઘેર જઈ ધર્મપત્ની દબડાવે તો એનું દુઃખ ગોળીઓ સાથે ગળી જવું, પણ પેટની પુકારને ફટકારવી નહિ જોઈએ. જીભને ખુશ રાખવામાં પત્ની બે ઘડી માટે નાખુશ થાય એ ચલાવી લેવાશે, પણ જો જીભ જો નાખુશ થઈ ને દાંત વચ્ચે આવી ગઈ, તો થોડા દિવસો માટે ખાવાની મોટી ઉપાધી આવી જાય એનો વિચાર ચતુર પુરુષોએ પહેલેથી જ કરવો જોઈએ!
શાસ્ત્રોમાં કહ્યું છે કે જેનો જન્મ છે એનું મરણ પણ નક્કી જ છે. તો પછી, મરણની ચિંતા કરી કરીને
મનને મારવું ન જોઈએ; ખાસ કરીને ખાવા-પીવાની બાબતમાં, અને તે પણ, બીજાને ત્યાં કે કોઈના અવસરમાં!
ઘેર ધર્મપત્ની આપણા માટે, આજકાલ મીઠાઈ બનાવે નહિ અને જો મહેમાનો માટે બનાવી હોય તો આપણે ને પૂરતી ખાવા પણ ન દે! બીજાને ત્યાં, ધર્મપત્ની આડે આવે નહિ અને અવસર વખતે એ સખીઓ સાથે ગામ ગપાટાં મારવામાં બીઝી હોવાથી, ક્યાંક આપણાથી આઘી હોય એટલે આપણું કામ થઈ જાય! મનુષ્ય જન્મ એક જ વાર મળવાનો છે (ભગવાનના સાચા ભક્તોની વાત અલગ છે!), અને આવી વાનગીઓ અને પીણાં પણ આ જન્મમાં જ મળવાનાં છે. બીજી યોનિમાં જન્મ લઈને જો ઘાસ ને કચરો જ ખાવાના હોય તો પેટની પૂજા અને જીભની સેવા કરી, ખાવાનું અને પીવાનું અહીં જ પતાવી દેવું જોઈએ એવું મને લાગે છે!
નાના હતા ત્યારે પણ આ બધુ ખાવા ન મળ્યું. પછી, ભણતી વખતે બહુ ખાવાથી ઊંઘ આવી જાય એટલે પૂરતું ન ખાધું. પરણ્યાના પ્રથમ વર્ષોમાં પત્નીએ પ્યારથી અને આગ્રહથી મોમોં મૂકીને ખૂબ ખવડાવ્યું. મિત્રો સાથે તણાઈને ખાવા-પીવા માંડ્યું અને હવે પેટ પણ વધવા માંડ્યું છે. સાથે સાથે, રોગો પણ માળા માન ન માન મેં તેરા મહેમાન બની પધારી જાય છે!
વાંચીને કે મિત્રો પાસેથી સાંભળીને જે સમજાતું નથી એ અનુભવ કરવાથી સરળ રીતે સમજાય છે. ડાયાબિટીસ થાય ત્યારે ખાંડ ઓછી કરવાનું આપો આપ સમજાય છે. કોલેસ્ટ્રોલ વધી જાય ત્યારે કોરી રોટલી ગળે ઉતરે છે અને સમોસા કે ગોટાની ગરજ પડતી નથી. પાણીનો રેલો પગ તળે જેને આવ્યો છે એની આંખ ખૂલી ગઈ છે. એકવાર આ આંખ ખૂલી એટલે તમે પકડાયા સંયમના સાણસામાં અને પૂરાઈ ગયા પીડાના પિંજરમાં! ખાવા-પીવામાં સંયમ રાખનાર શરીરે સુખી રહે છે અને એને પીડાના પિંજરમાં પૂરાવું પડતું નથી!
અમારા એક મિત્રને ખાવાનો ખૂબજ શોખ છે. ચોસલાં જોઈ એમનું ચિત્ત ચકડોળે ચડે છે, અને મન પરનો કાબુ ગુમાવીને, લાઈનમાં ઊભા ઊભા એક ચોસલું તો ચાખવાને બહાને પેટમાં સરકાવી દેતા હોય છે. બધા ભલે ભાણામાં મીઠાઈનું એક ચોસલું સંયમ રાખી લેતા હોય, પણ આ બંદા તો બે-ત્રણ ઉપાડી લે! ખાતા ખાતા પિરસનારના રોલમાં આવી જઈ એકાદ મોમાં મૂકાવે એ તો જુદું! જમ્યા પછી સિન્કમાં થાળી મૂકતાં મૂકતાં એકાદ તો એ વળી પાછું મુખમાં મૂકી દે! ડોકટરે એમને ડાયાબિટીસના દર્દી જાહેર કર્યા છે ત્યારથી, ચોસલા ખાવામાં એ નરમ જરુર પડ્યા છે.
બીજા એક મિત્રને ખાવા કરતાં પીવાનો ભારે શોખ છે. એ પાણી તો પિતા જ નથી! કોક કે સ્પ્રાઈટને એ પીણાંમાં ગણતા નથી! ‘હાર્ડ ડ્રીન્ક’ લીધા વગર એમને જમવાની રુચી જ પેદા થતી નથી! રસોઈમાં મરચું-મીઠું ઓછું હોય તો એ ચલાવી લે છે, પણ પીવા ન મળે તો એમનો મૂડ માર્યો જાય છે. જ્યાં ‘હાર્ડ ડ્રીન્ક મળવાનું ન હોય ત્યાં એ ઘેરથી લઈને જ જાય છે. ‘ચેકઅપ’માં ડોક્ટરે એમના લીવરની કરુણ કહાની સંભળાવી છે ત્યારથી એ ઢીલા પડી ગયા છે. પીણાંમાં એ હવે પાણીનો જ આગ્રહ રાખે છે.
ત્રીજા એક મિત્રની વાત પણ જાણવા જેવી છે. ખાવાના શોખને કારણે એમનું પેટ ખુબજ વધી ગયું છે. એ ઊભા હોય તો એમના પગના આંગળા એ પોતે જોઈ ન શકે! એમને કસરત કરવાનું કહી કહીને એમના પત્ની દૂબળા પડી ગયા છે, પણ ભાઈને પેટનું પાણી હાલતું નથી. બરડાનો ‘પ્રોબ્લેમ’ એવો તો એમને થયો છે કે ઓપરેશન કરાવ્યા વિના છૂટકો જ નો’તો. ખર્ચના ખાડામાં ઊતરીને એમને આપો આપ ઘણું સમજાઈ ગયું છે. એ હવે નિયમિત ચાલવા જાય છે અને ખાવા -પીવામાં ઘણો કાપ મૂક્યો છે. ઘર્મપત્નીનું એ હવે સાંભળે છે. પરિણામે, એમની પત્નીનું શરીર વઘવા માંડ્યું છે!
અમારા આ ચોથા મિત્રને મરચાંનો ભારે શોખ છે. જમવા બેસતાની સાથે જ એ યજમાનને પૂછેઃ ‘મરચાં બરચાં છે કે નહિ?’ એમને એ પણ વિચાર ન આવે કે યજમાનને પૂછાય કે નહિ, કે એમની પાસે હશે કે નહિ? એકવાર, આથેલાં મરચાં નીકળ્યા એટલે એની ઉપર પણ એમનો મારો શરૂ થઈ ગયો! અલ્સરના કારણે એમનો મરચાંનો મોહ હવે મરી પરવાર્યો છે.
અમારા આ પાંચમા મિત્ર ’ચેક-અપ’ માટે ડોકટર પાસે ગયા ને જ્યારે ડોક્ટરે એમને તાત્કાલિક ‘બાયપાસ કરાવવાનું કહ્યું, ત્યારે એમના પર જાણે આભ જ તૂટી પડ્યું! આખી જિંદગી કોઈ પ્રકારની પીડા ભોગવી ન હોય અને એકાએક આવી મોટી પીડા આવી પડે ત્યારે, મન ઘડીભર ગુંગળાઈ જાય છે. ગરમાગરમ રોટલીપર ઘીનો પથારો ન હોય તો એમને રોટલી ખાવાની મજા ન પડે. ‘લો ફેટ’ દૂધ એ કંઈ દૂધ છે! સમોસા કે ગોટા વગરર્નું ભાણૂં,ભાણું ન ગણાય. આવા એમના વિચારોમાં, મનની પાઈપો તો એમણે ખુલ્લી મૂકી, પણ તનની પાઈપો ધીરે ધીરે ‘ફેટ’થી પૂરાવા લાગી! પરિણામે, વધતી જતી બાઈપાસોના કેસોમાં એમણે પોતા થકી એક વધુ નો ઉમેરો કર્યો! એમનો હવેનો આહાર આપણને ન ગમે એવો બની ગયો છે, પણ એમને એ હોંશેહોંશે કે મનમાં રડીને પણ ચલાવી લેવો પડે છે. આ રીતે ખાવા-પીવામાં એમને એકદમ બ્રેક મારવી પડી એ કરતાં ધીમે ધીમે બ્રેક મારી હોત તો બાયપાસમાંથી કદાચ બચી ગયા હોત!
જે ઘર્મપત્નીઓ એમના પતિરાજોને ખાવા-પીવામાં રોકવાના મહા પ્રયત્ન કરી ચૂકી છે એમને હવે નિરાશ થયા વગર કોઈ નવો માર્ગ ખોળી કાઢવાનો છે. હવે તમે તમારા “એમને” એમની રીતે ખાવા દો, પીવા દો અને બને તો તમે એમને આગ્રહ કરી કરીને ખવડાવો. જૂઓ પછી એ સામે ચડીને તમને કહેશે, ‘તું તો મને ખાવા દેતી નો’તી, પીવા દેતી નો’તી અને હવે તું જ ખાવામાં અને પીવામાં દબાણ કરે છે! વગેર વગેરે તમારે મૌન રાખી બસ સાંભળવાનું. આનું પરિણામ એ આવશે કે તમારી ઉપર એમને દયા આવશે અને એમની વર્તણૂકમાં આપો આપ જોઈતો ફેરફાર આવી જશે.
જો. એમાં પણ સફળતા ન મળે તો એક બીજો રસ્તો પણ છે. માંસ નહિ ખાવાની શિખામણોની અસર સાંભળનાર પર અસરકારક નીવડતી નથી, પણ જો એમને કતલખાનાની એકાદ મુલાકાત કરાવવામાં આવે તો ઘણા બધા માંસ ખાવાનું આપોઆપ છોડી દે. એમ, જે વાનગીઓ તમારે છોડાવવી હોય એ અંગે આવું કંઈક કરવાનું રહેશે. દા.ત. સમોસા તરતી વખતે તમારે તમારા “એમને” સમોસા કેમ તરાય છે એ જોવા રસોડામાં બોલાવવા કે ખેંચી લાવવા. અને, પછી, તળાવના છીછરા પાણીમાં જેમ ભેંસ જઈ બેસી જાય અને નીકળવાનું નામ ન લે એમ, તાવડીના તેલમાં બેઠું બેઠું સમોસું કેટલું તેલ પી જાય છે, એ એમને પ્રત્યક્ષ જોવા મળશે તો એમનો સમોસા પ્રત્યેનો મોહ જરુર ઘટશે. એવી જ રીતે મીઠાઈમાં કેટલી ખાંડ વપરાઈ જાય છે, એ તમારા એમને પડખે રાખી બતાવશો તો એમનો મીઠાઈનો મોહ પણ મંદ પડવા લાગશે. કોકોકોલા ઘણો પીવાય છે, પણ કોકના એક ડબલામાં કેટલી ખાંડ પીવાઈ જવાય છે એની જાણકારી કોઈ કરાવતું નથી! એટલે કોકના ડબલાં ઘરમાંથી ઘટતા નથી!
રોગને પણ ખાવાનો અને પીવાનો ચસકો ઘણો છે. એને પણ જીભના સ્વાદ ઘણા છે. એટલે જ એને ખાવાના અને પીવાના શોખીનો સાથે સારું ફાવતું લાગે છે. રોગ એકવાર ઘર કરી જાય પછી નીકળવાનું નામ લેતું નથી! કોઈ નિયમિત કસરત કરે, પ્રાણાયામ કરે કે યોગ કરે એ એને બિલકુલ પસંદ નથી! કસરત રોગને કાઢવા મથે એ રોગને ગમતું નથી, ને રોગ, માન ન માન મે તેરા મહેમાન બની શરીરમાં બેસી રહે એ કસરતને ગમતું નથી. રોગને ખબર છે કે ઘણી વ્યક્તિઓને કસરત કરવી ગમતી નથી એટલે એને એ બાહ્ય બળો સામે તાકાત બતાવવાના પ્રસંગો ઊભા થયા નથી. આ બધાને કારણે રોગ શરીરમાં પડ્યો પાથર્યો રહી, એની સીમા વધારતો રહે છે,
રોગની ચિંતા કર્યા વગર ભાવતું ખાવું અને પીવું એ દિલવાળાનું કામ છે. એ માટે એમની પાસે જિગર છે. એવા દિલવાળાઓ પાસે રોગોને જવું ખૂબ જ ગમે છે! જીવવા માટે ખાનારા પાસે રોગને જવું ગમતું નથી, એટલે જ, એ ખાવા માટે જીવનારને છોડતો નથી અને એની સોડમાં સંતાઈને ફૂલ્યો ફાલ્યો રહી, ધીમે ધીમે એના પગ શરીરમાં પહોળા કરતો જાય છે, કે જેની ખબર આ દિલવાળોને પડવા દેતો નથી! દિલવાળાઓ પાસે એટલે જ દિલનું દર્દ પણ જતું હશે, કારણ, એકવાર એમની પાસે પહોંચી ગયા પછી જલ્દી ખસવાનો સવાલ જ ઊભો નહિ થાય!
Like this:
Like Loading...