Category Archives: ઉજાણી

ભરૂચના બે સર્જકો

(શ્રી કિરણ જોગીદાસે M.Com, PGDCS સુધીનો અભ્યાસ કરી, Art of living yoga ના શિક્ષક તરીકેની કારકીર્દી સ્વીકારી છે. ભરૂચના સાહિત્યપ્રેમીઓમાં એમનું નામ પણ સામીલ છે. એમની કેટલીક રચનાઓ electronic અને Print Media માં પ્રગટ થઈ ચૂકી છે. આજે આંગણાંમાં એમની બે કૃતિઓ મૂકતાં મને આનંદ થાય છે. – સંપાદક)

Continue reading ભરૂચના બે સર્જકો

તારા ગયા પછી-ગોરધનભાઈ વેગડ- (પરમ પાગલ)-અવલોકન (પી. કે. દાવડા)

તારા ગયા પછી

તારા ગયા પછી વૃંદાવનમાં વાંસળીના સૂર ખોવાયા

સઘળા અમ ચહેરા પરના નજારા નૂર ખોવાયા

Continue reading તારા ગયા પછી-ગોરધનભાઈ વેગડ- (પરમ પાગલ)-અવલોકન (પી. કે. દાવડા)

  કોને ખબર કેમ (અશ્વિન દેસાઈ)

(3 વાર્તા સંગ્રહ અમે ૭ નવલકથાના સર્જક, કુમાર ચંદ્રક વિજેતા, નાટ્ય કલાકાર, ઓસ્ટ્રેલિયા નિવાસી અશ્વિન દેસાઈએ એમની આ વાર્તા આંગણાંના મુલાકાતીઓ માટે મોકલી છે.)

Continue reading   કોને ખબર કેમ (અશ્વિન દેસાઈ)

લીલુડાં ખેતરો -રમેશ પટેલ (આકાશદીપ)  

લીલુડાં ખેતરો

(મારા જીવનનો  આ એક પ્રસંગ છે. ખેડા જીલ્લાના, મહુધા તાલુકાનું મહિસા ગામ મારું વતન . આઝાદીના ઉષા- કાળમાં દેશદાઝ ને વતન માટે કઈંક કરી છૂટવાના સંસ્કાર બીજ રોપાયેલા. વલ્લભ વિદ્યાનગરથી , બી.વી.એમ કોલેજમાંથી ઈલેક્ટ્રીકલ ઈજનેરની સ્નાતક પદવી બાદ, મારા વતન પ્રત્યેના અહોભાવની આ વા છે.)

કેમછો? આર.જે.પટેલ સાહેબ..નમસ્તે કહેતાં અમેરિકાથી આવેલ ઈજનેર મિત્ર રસિકે,ઑફિસમાં આવી સરપ્રાઈઝ આપ્યું.
રસિક ને હું ૧૯૭૧માં બીરલા વિશ્વકર્મા એન્જિનિયરીંગ,વિધ્યાનગરમાં સાથે ભણેલા.તે વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયો
અને હું જીઇબૉર્ડમાં કપડવંજ સબડિવીઝનમાં ઈલેક્ટ્રીકલ ઈજનેર તરીકે નોકરીમાં જોડાયો.આજ સાત વર્ષે અમે ભેગા થયા
ને મુખપર ખુશી છવાઈ.
રસિક અભ્યાસબાદ અમેરિકા સારી જોબ સાથે સ્થાયી થયો હતો. તેની પ્રગતિ અને પરદેશની ઝાકમઝાળના
ફોટા જોઈ મને ખૂબ જ આનંદ થયો.તેણે મારી કામગિરીમાં દિલચસ્પી લઈ વાતોનો દોર સાંધ્યો.નાનકડા તાલુકા
સ્થળે, આજથી ત્રીસ પૂર્વે,ઓછા ભાડાની જગ્યાએ ઑફિસો લેવાતી,ગામને ગોદરે સબસ્ટેશન બંધાતા. બહારથી આવેલાના
મનમાં અનેક પ્રશ્નો ઉઠતા.
રસિકે હળવેથી પૂંછ્યું..રમેશ તું કોઈ સર્કલ કે હેડ ઑફિસે બદલી કરાવી લેતો તારે આફીલ્ડ વર્કનો રઝળપાટ ટળે.
ફેંમીલીને પણ ગમે.
મેં સસ્મિત જવાબ આપ્યો,ભાઈ મને તો આ સ્થળ મારા વતનની નજીક છે એટલે ખૂબજ અનુકૂળ છે.
આપણે તો ખેડૂત પુત્ર ઍટલે બાળપણથી જ આ ખેતરોની માયા છે,લોકોની સમસ્યાને જરુરિઆત સમજતાં
મને મારી લાયકાત અહીં વધુ ફળદાયી બનશે તેમ લાગે છે.મને તો લાગે છે કે મારા સદનસીબે મનગમતું
કામ મળ્યું છે.
રસિકની વાત સાચી હતી,આજથી ત્રીસ વરસ પહેલાં ગામડાઓમાં સુવિધાનો ખૂબ જ અભાવ હતો.
વીજળી ,રસ્તા ,ટેલિફોન ને દવાખાનાઓની પાયાની જરુરિયાતનો અભાવ વરતાતો હતો.લોકો તે માટે
અધીરા હતા. ધૂળિયા રસ્તામાં પગપાળા સર્વે કરી.વિદ્યુત લાઈનો ઉભી કરાવવી અને આખા ગામને
ખેતીવાડી સાથે જોડાણ આપવું એ  કપરી મહેનતનું કામ હતું.શહેરી જીવડાને ફાવે તેવું ન હતું.

આ સમયે સરકાર દ્વારા રુરલ ઈલેક્ટ્રીફીકેશન યોજનાઓ આવી અને મને કામ કરવાનો મોકો મળ્યો .
સવારથી  માંડી સાંજ સુધી કામ ચાલતું અને ગામ લોકોનો ઉત્સાહ જોઈ એક જોમ ચઢતું.મારા સાત
વર્ષના કાર્યકાળમાં તાલુકાની રોનક ફરીગઈ,ખેતરો હરિયાળાં થઈ લહેરાવા લાગ્યાં.

રસિકને હું નજીકના ગામે જોવા લઈ ગયો. ચાલ દોસ્ત, તને વંચીત લોકોની બેહાલી દૂર થયા
પછીનો આનંદ બતાવું.એક વિશાળ ખેતરમાં લીલોછમ પાક લહેરાતો હતો,ત્યાં કુવાને થાળે ઓરડી પાસે
અમે ઊભા રહ્યા.એક કાકા આવકારો આપતા દોડી આવ્યા,આવો સાહેબ કહી પાણી પાયું ને આપ મેળે જ બોલ્યા.
વૈશાખમાં ધીખતા આ ખેતરમાં આજે આ સાહેબના પ્રયાસોથી ખેતીવાડી વીજ જોડાણથી આ લીલોતરી ખીલી છે.
અમે ત્રણ પાક પકવતા થયા છીએ અમારું ઓશીયાળાપણું દૂર થયું છે.કાકા ગળગળા થઈ ગયા.મેં કહ્યું
ભાઈ અમેતો નોકરી કરવા આવીએ છીએ,મહેનતતો તમારી છે.પરસેવો તો ખેતરમાં તમે પાડો છો .
કાકા તુરતજ બોલી ઊઠ્યા..મેં તમને  સગી આંખે કાળઝાળ તાપમાં સર્વે કરતા ને પેન્ટમા બશેર ધૂળ ભરી, ઘરે
પાછા જતા જોયા છે,કોઈના ભલામાં રાજી થતો જીવ જોયો છે એટલે કહું છું.
મારી અને ખેડૂતની વાત સાંભળી રસિક ભાવુક થઈ ગયો.
રસિક મને ફીલ્ડ વર્કની મહેનત પછી, લીલાછમ ખેતરો ને તેના નાનામોટા માલિકોના ચહેરા પર જે
આનંદ  જોવા મળે છે ત્યારે મારી મહેનત અને જીંદગી વસંતથી મ્હેંકતી લાગે છે.ફરજ દરમ્યાન આવો
આનંદ જ સાચી જીંદગી છે.
રસિકને હું સાથે ઘેર પાછા ફર્યા, જમ્યાને રસિક કહે,દોસ્ત મને પણ એક રસ્તો તેં ચીંદ્યો આજે.
અહીંના ભણતરે હું સારું કમાયો છું,આપણી યુનિવર્સિટી માં તારા જેવા તજજ્ઞ ભણતા રહે તે માટે
આજીવન દાન આપતો રહીશ.
હું કાર્યપાલક તરીકે નિવૃત થયો પણ જ્યારે  જ્યારે અમેરિકાથી રસિકનો ફોન આવે ત્યારે તે
એ લીલુંડાં ખેતરની વાત કહેવાનું ભૂલતો નથી.

(અને હવે જૂવો આ વીજ એંજીનીઅર દ્વારા લખાયલી અનેક કવિતાઓ અને અનેક ગીતોમાંથી એક. ૧ લી મે ના દિવસે ગુજરાત રાજ્યની થયેલી રચનાને અનુલક્ષીને આ કાવ્ય લખાયું છે. -સંપાદક)

પહેલી મે નું ગાણું

સાત સૂરોનું ભાથું બાંધી ,  ગાશું એક જ ગાણું

પહેલી મે નું  ટાણું

લાખેણું નઝરાણું… લાખેણું નઝરાણું

ધન્ય! ગુર્જરી પ્યારી મૈયા

દીધાં સાગર હૈયાં

સ્નેહ સમર્પણ સાવજ ત્રાડે

રંગે જાત જ છૈયાં

હાક દીધી ઈન્દુચાચાએ

ગર્જ્યા  સાગર ગુર્જર

જોમ સીંચ્યા ઑગષ્ટ ક્રાન્તિએ

ગાજ્યા ઘોષ જ અંબર

દીપમાળાઓ ઝગમગ ઝગમગ

દે   દાદા   આશિષું

તીર્થભૂમિના   સ્પંદન    ઝીલી

ધન્ય! માતના શિશુ

લીલુડી  ભાતે  ખીલે  ખેતર

ઠારે આંખ જ માડી

શ્વેતક્રાન્તિની ગંગા વહેતી

સીંચે  શૈશવ વાડી

વીર વલ્લભ ને ગાંધી બાપુ

વિશ્વ  અખિલના તારા

મૂક  દાનવીર કરે  સંકલ્પ

ગુર્જર  ગૌરવ  ન્યારાં

પ્રેમ અહિંસા આદર હૈયે

દ્વારે સ્વાગત શાણાં

જ્યાં વસીએ તેના જ થઈએ

હૈયે  ગુર્જર  ગાણાં(૨)

બે ગઝલ

(આ ગઝલનો રસાસ્વાદ કરાવવાની જરૂરત હું જોતો નથી. ગઝલનો પ્રત્યેક શેર જીવનની સચ્ચાઈ, જીવનના કડવા અનુભવો, અને નાની નાની તૃપ્તિની વાત ખૂબ જ રસપૂર્વક કહે છે-સંપાદક)

 

दीवारों से मिल कर रोना अच्छा लगता है

 

दीवारों से मिलकर रोना अच्छा लगता है

हम भी पागल हो जायेंगे ऐसा लगता है

कितने दिनों के प्यासे होंगे यारों सोचो तो

शबनम का क़तरा भी जिन को दरिया लगता है

आँखों को भी ले डूबा ये दिल का पागल-पन

आते जाते जो मिलता है तुम सा लगता है

इस बस्ती में कौन हमारे आंसू पोंछेगा

जो मिलता है उसका दामन भीगा लगता है

दुनिया भर की यादें हम से मिलने आती हैं

शाम ढले इस सूने घर में मेला लगता है

किसको पत्थर मारूँ ‘क़ैसर’ कौन पराया है

शीश-महल में एक एक चेहरा अपना लगता है

-‘क़ैसर’-उल जाफ़री

 

(અને હવે વાંચો કવિયત્રી જયશ્રી વિનુ મરચંટની એક ગઝલ. આમાં પણ મને રસાસ્વાદ કરવવાની જરૂર નથી લાગતી. તમે પોતે જ એનો રસ માણો-સંપાદક)

આવે છે!

લઈ પથ્થરો હાથમાં લોકો ભલેને મારવા આવે છે!

જોવું છે કે ક્યારે ખુદ ખુદા મને ઉગારવા આવે છે!

દુઃખોની અવિરત વર્ષા અને પહાડ જેવી જિંદગી!

જોઈએ ક્યારે કૃષ્ણ આ ગોવર્ધન ધારવા આવે છે!

ખેલ છે અંતે તો ઉછીની આવરદાનો આ જગમાં

હો જો આયુષ્ય બાકી તો તરણુંય તારવા આવે છે!

ઓઢીને તડકો ઝાકળ પણ શાંતિથી પોઢી જાય છે!

રાત અને ચાંદની ઝાકળને શું રમાડવા આવે છે?

વિખરાયેલા કેશ લઈ ક્ષિતિજની પાર તાકતી રહી!

જોઈએ કોઈ છે જે આ ઝુલ્ફોને સંવારવા આવે છે!

 “ભગ્ન” માફી માગ તો ખુદા કરશે બધાય ગુનાહો માફ!

 કબરમાં તારી આ બોજો ક્યાં બીજા વેંઢારવા આવે છે!

  • જયશ્રી વિનુ મરચંટ

કવિ કાગના કાવ્યનો રસાસ્વાદ (પ્રવીણ ક. લહેરી)

કવિ કાગના કાવ્યનો રસાસ્વાદ

તમારાં દ્ધાર ખોલો તો આવું

બાર તમારે કાયમ બેસું;

યાદ કરો તો આવું… તમારાં   (ટેક)

માન નથી, અપમાન નથી મન

હર્ષ શોક ના લાવું…

સાદ કરો તો દોડી આવું),

કાયમ ફરજ બજાવું… તમારાં – ()

કદીયે મારા મનમાં ના’વે,

ઉપર પડતું જાવું…,

દિલ પ્રમાણે ડગલું માંડું,

ઇંચ ન આગળ આવું… તમારાં – ()

કાઢી મૂકો એનું કદીયે

દિલમાં દુ:ખ ન લાવું…;

રોજ તળાઈએ પોઢું નહિ તો,

શેરીમાં સૂઈ જાઉં…   તમારાં – (3)

‘કાગ’ નિયમ છે કાયમ એવો,

ખુલ્લા દ્ધારમાં જાવું…;

હું અજવાળું જગ અજવાળું,

બાર નહિ ખખડાવું… તમારાં –().

(અજવાળાના પ્રતિક મારફત કવિ કાગ આપણને એક અણમોલ સંદેશો આપે છે. “આંતરચક્ષુ ખોલો, સર્વત્ર પ્રકાશ છે, સ્વમાન અને કર્તવ્યપાલન જ સુખના દ્ધારો ખોલે છે.”)

સૌથી વધુ ઝડપે ગતિ કરતો પદાર્થ હોય તો તે પ્રકાશ છે. બ્રહ્માંડની ઉત્પત્તિ કાળાં ડિબાંગ ઘન સમૂહમાંથી થઈ કે નહીં તે પ્રશ્ન છે. શ્રીમદ્દ શંકરાચાર્ય કહે છે કે, “તેજ ઉત્પનિસ્ય કારણમ્ |”

આપણા જીવનમાં પણ પ્રકાશનું એક કિરણ એટલે કે એક સુવિચાર આપણને જીવનનો નવો રાહ ચીંધે છે. ગામઠી ભાષામાં આપણે તેને ‘અજવાળું’ કહીએ છીએ. અટલવિહારી વાજપાઈ તેમના કાવ્યમાં કહે છે કે, “ઘના અંધેરા હૈ, મગર દિયા જલાને કી કહાં મના હૈ ?”   આવા જ ભાવમાં કવિ કાગ અજવાળાને વાચા આપીને આ ટૂંકા કાવ્યમાં એક અનેરું તત્ત્વજ્ઞાન કરાવે છે.

“તમારાં દ્ધાર ખોલો તો આવું, યાદ કરો તો આવું, બાર તમારે કાયમ બેસું”   એમ કહીને સંકલ્પનું મહત્ત્વ સમજાવે છે. ઈશ્વર હાજર જ હોય છે, જરૂર હોય છે તેને ઓળખવવાની.

“માન નથી, અપમાન નથી, મન હર્ષ શોક ના લાવું” પ્રકાશ સૌ માટે છે. એને સ્થિતપ્રજ્ઞની જેમ માન-અપમાન સરખા છે. હર્ષ કે શોક પણ નથી. કાયમ જાગૃત પ્રહરીની જેમ ફરજ બજાવવાનો ઉત્સાહ છે કે, “સાદ કરો તો દોડી આવું” ઈશ્ર્વરની કૃપા સૌ માટે છે. સૂર્યનું અજવાળું પાપી અને પુણ્યશાળી બંનેને ઉપલબ્ધ છે. ચોરી કરવા હું અંધકારના અંચળાને ઓઢું તો તેમાં દોષ મારો જ છે. પ્રારબ્ધની જેમ પ્રકાશને બોલાવવા માટે પુરુષાર્થ કરવો પડે છે. કવિ કાગ આગળ કહે છે કે, પ્રકાશ મેળવવાના લક્ષ્ય માટે ફરજ નથી પડાતી. પ્રકાશની – કાળની ગતિ અવિરત અને ન્યારી છે. તેના પ્રવાહને નાથવો શક્ય નથી.

પ્રકાશને વાચા આપીને કવિ કહે છે કે, “ તમે તમારા મનના દ્ધાર વાસી ધ્યો અને મને ન આવવા દો તો અફસોસ નથી” અમીર હોય કે ગરીબ સૌને માટે ‘અજવાળું’ હાજર છે – જરૂર છે સુવિચારની, સંકલ્પની અને સંઘર્ષની. છેલ્લી ચાર લીટીમાં કવિ કાગ આપણી ભાષાની મહત્તા વધારી શકે તેવો એક નિયમ કહે છે, ‘કાગ’ નિયમ છે કાયમ એવો, ખુલ્લા દ્ધારમાં જાવું’ આપણી મેળવવાની પાત્રતા કેળવીએ તો જ પ્રભુકૃપા પ્રાપ્ત થાય. છેલ્લે અજવાળું કહે છે કે, “સમગ્ર વિશ્ર્વને પ્રકાશમય કરી શકું, પરંતુ તમારા નસીબનું બારણું ખોલવા માટે ટકોરા તો ન મારું” પ્રભુકૃપાનો સર્વત્ર ફેલાયેલો પ્રકાશ પ્રાપ્ત કરવા માટે કવિ આપણને આહ્-વાન કરે છે. “દિલ દરિયા જેવું રાખો, મનમાં મોજ રાખો – સદ્દભાવના અને પુરુષાર્થ આપણને પ્રકાશની પ્રાપ્તિ કરાવે છે. આ પ્રકાશ એ જ્ઞાનનો પ્રકાશ હોય, વ્યક્તિત્વનો પ્રકાશ હોય, લક્ષ્મીનો ઉજાસ હોય કે વીરતાનું પ્રમાણ હોય તે સઘળું આપણે પ્રાત્પ કરવા માટે દ્ધારો ખુલ્લાં રાખીએ તો જ ઋગ્વેદની ઋચા પ્રમાણે સર્વ દિશાઓમાંથી શુભની પ્રાત્પિ થાય.”

આપણે આપણા ઘરનાં બારણાં બંધ કરીને જાતે જ અંધકારનું સર્જન કરીએ છીએ. કાર્ડિનલ ન્યૂટનના ‘Lead Kindly Light’ ભજનનો અનુવાદની (શ્રી નરસિંહરાવ દિવેટીયા) પ્રથમ પંક્તિઓ કેટલી સુંદર છે. “પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ” કવિ ન્હાનાલાલનો ઉપનિષદનો અનુવાદ “ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા” પણ આ જ વાત કરે છે.

સત્યની શોધ, પ્રકાશની પ્રાપ્તિ, બ્રહ્મનું દર્શન માનવ માટે શક્ય તે જ મનુષ્ય અવતારની વિશેષતા છે.

-(પ્રવીણ ક. લહેરી)

(સૌજન્યઃ મા ગુર્જરીને ચરણે)

વાહનયોગ (ભૂપેન્દ્રસિંહ રાઓલ)

(ભૂપેન્દ્રસિંહ રાઓલ સૌરાષ્ટ્ર્ના માણસા એસ્ટેટના રજવાડી કુંટુંબમાંથી આવે છે. એમના લખાણોમાં એમનો રજવાડી મિજાજ ડોકિંયા કરતું હોય છે. આ લેખમાં તમને પણ એ મહેસૂસ થશે.-સંપાદક)

વાહનયોગ

૭૫૦ રૂપિયાની એટલાસ સાયકલ મારો પહેલો વાહન યોગ હતો. મારી કુંડળીમાં વાહનયોગ છે જ નહિ એવું જ્યોતિષીઓ કહેતા. પિતાશ્રી એમના મિત્રોમાં કોઈ જ્યોતિષ જાણતું હોય એમને કુંડળીઓ બતાવે રાખતા. હું નાનપણમાં બિનજરૂરી આવું માનતો પણ સમજ આવ્યા પછી હસવામાં કાઢી નાખતો.

પિતાશ્રી કદી સાયકલ શીખવા જવા દેતા નહિ. એમને ડર હતો કે સાયકલ શીખી આ છોકરાઓ અકસ્માત કરી હાથપગ તોડશે. એટલે હું નાનપણમાં સાયકલ પણ શીખેલો નહિ. એકવાર પ્રયત્ન કરેલો. ભાડાની સાયકલ છાનામાના લઈ આમારા બચપણના મિત્ર ભલારામ સાથે ઠીકરીયા મેદાનમાં સાયકલ શીખવા ગયેલો. ભલીયો પરપીડન વૃત્તિ ધરાવતો. કોઈને તકલીફ થાય તો એમાંથી આનંદ મેળવે. મને એક ઢાળ ઉપર લઇ જઈ સાયકલ પર બેસાડી કહે હવે રગડાવી માર સાયકલ આવડી જશે. મને સમજ ના પડી કે આનો ઈરાદો ખરાબ છે. મેં કદી સાયકલ ચલાવેલી જ નહિ તો પણ ઢાળ ઉપર સાયકલ પર બેસાડી એણે ધક્કો મારી દીધો. રમરમાટ થોડે દૂર જઈ બંદા પડ્યા અને ઢીંચણ છોલાઈ ગયા. પણ એમાંથી ભલીયાએ બહુ હસીને પુષ્કળ આનંદ મેળવ્યો. ત્યાર પછી મેં કદી સાયકલ શીખવાનો પ્રયત્ન કર્યો નહિ. મનમાં ડર ઘૂસી ગયેલો.

બહુ મોટી ઉંમરે સાયકલ શીખ્યો તે પણ પહેલેથી એના પર બેસીને ચલાવતો.. મને બીજા મિત્રોની જેમ એક પેડલ પર પગ મૂકી સાયકલ થોડી દોડાવી પછી એના પર છલાંગ મારી બેસતા કદી આવડ્યું નથી. વડોદરે ભણવા ગયો ત્યારે ભાડાની સાયકલો લઇ હું અને મિત્ર કલ્યાણસિંહ યાદવ આચાર્ય રજનીશના પ્રવચનો સ્વરૂપમ રજનીશ ધ્યાન કેન્દ્રમાં ચાલતા ત્યાં સાંભળવા જતાં. રજનીશ તો પુનામાં રહેતા પણ એમની નેવું મિનિટની કેસેટ આ લોકો મુકતા તે સાંભળવા મળતું.

માણસા રહેવા આવ્યો ત્યારે જ્યોતિષીઓની ના છતાં પહેલો વાહનયોગ ૭૫૦ રૂપિયાની સાયકલ ખરીદવાથી બન્યો. મોટાભાગના જ્યોતિષીઓ મારી કુંડળી જોઈ માથું ધુણાવતા. એમને એમાં કોઈ શક્કરવાર લાગતો નહિ. પહેલે ધનનો સૂર્ય-ચન્દ્ર, બીજે બુધ, ચોથે મંગળ, છઠ્ઠે કેતુ, દસમે ગુરુ, બારમે શુક્ર-રાહુ-શની, માંગલિક કુંડળી જોઈ જ્યોતિષીઓ ચકરાઈ જતાં. સાવ બોગસ કોઈ દરિદ્રની કુંડળી લાગતી. કોઈ સારા યોગ એમને દેખાતા નહિ. ભણવામાં લોચાલાપસી હશે, નોકરી ધંધો પણ એવો જ હશે. ધનયોગ દેખાતો નહિ. કોઈ રાજયોગ કે સારો યોગ જણાતો નહિ. વાહનયોગ પણ જણાતો નહિ, ટાંટિયાતોડ યોગ જ જણાતો. જોકે રોજ દસ કિલોમીટર દોડીને, હજાર વખત દોરડા કુદીને, ૧૦૦ બેઠકો કરી ટાંટિયાતોડ કરતો.

જ્યોતિષીઓની આગાહી ખોટી પડવાની શરુ થઈ હતી, હવે ઘરમાં સાયકલ આવી ગઈ હતી. હહાહાહાહા એવામાં અમે ધંધા માટે ટાટા કંપનીની મીની ટ્રક ટાટા-૪૦૭ લીધી. મને સાયકલ સિવાય કોઈ વાહન ચલાવતા આવડતું નહિ. ડ્રાઈવરોની દાદાગીરીને લીધે મારા ભાગીદારે કહ્યું કે હવે તમે ટ્રક ચલાવતા શીખી જાવ. એટલે હું કલોલમાં એક ડ્રાઈવિંગ ક્લાસમાં ગયો. ત્યાં તુમાખીવાળા કોચ સાહેબે જુના જમાનાની ફિયાટ પર શીખવવાનું ચાલુ કર્યું. પહેલા દિવસે પ્રથમગ્રાસે મક્ષિકા જેવું, કોઈ બાઈક જોડે ટકરાઈ ગયા. કોચ મારી પર ભડક્યો કહે તમને બાપ જીન્દગીમાં કાર ચલાવતા નહિ આવડે. ખરેખર પહેલા દિવસે એણે ધ્યાન રાખવાનું હોય ઉલટાનો મને દોષ દેવા માંડ્યો. પછી કલોલ શીખવા જવાનું પણ બંધ કરેલું.

પણ અમારી ૪૦૭ના ડ્રાઈવરોમાં એક મહારાજ ડ્રાઈવર સારો હતો. મને પરાણે એની બાજુમાં બેસાડી શીખવે. એકવાર અમે રાત્રે કેળા ભરવા ગાંધીનગર ગયેલા. મહારાજ તો કેળાં ભરાય ત્યાં સુધી ઘોરવા માટે કેબીન પર ચડી ગયો. હું નીચે બેસી રહેલો. કેળા ભરાઈ ગયા પણ મહારાજ જલ્દી જાગે તેમ નહોતો. કેળાંનાં વેપારી દેવીપુજકભાઈ કહે ચાલો હવે જઈએ. મેં તો ટ્રક ચાલું કરી દીધી અને હંકારવાનું ચાલું કરી દીધું. થોડી વારે મહારાજને ટ્રક હાલવાથી જાગવાનું થયું, તે એકદમ ગભરાઈને ચાલું ટ્રકે નીચે આવીને બેસી ગયો. શરૂમાં ગભરાઈ ગયેલો પણ પછી કહે ચાલવા દો હું બાજુમાં બેઠો છું. બસ પછી તો હું ય ડ્રાઈવર બની ગયો આખરે. મહારાજને બસ ચલાવવાની નોકરી મળી ગઈ. બંદા પોતે હવે ચલાવતા. એવામાં ગાંધીનગર ડેરીમાં ટેન્ડર પાસ થઈ ગયેલું. નાના ગામડાઓમાંથી નાની મંડળીઓ જે ખેડૂતો પાસેથી દૂધ ભેગું કરી મોટી ડેરીમાં પહોચાડે, ત્યાંથી દૂધનાં કેન જે ૪૦ લીટરના હોય તે ગાંધીનગર ડેરીમાં પહોચાડવાનું શરુ થયું.

ડ્રાઈવરો છુટા થતાં હવે ટ્રક હું જ ચલાવતો હતો. ચારેક મહિના થઈ ગયેલાં પણ મારી પાસે લાયસન્સ નહોતું. ભાગીદાર આમારા ભઈલા ઘનુભા કહે યાર લાયસન્સ લઇ લો, કશું થશે તો વીમો નહિ પાકે. ૪૦૭ લઈને જ ટેસ્ટ આપવા ગયેલો. ટેસ્ટ પત્યા પછી આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર કહે કેટલા મહિનાથી ચલાવો છો? સાચું કહેજો. મેં હસતા હસતા કહ્યું ત્રણેક મહિના થયા હશે. મને કહે તમારી બેધડક સ્ટાઈલથી ખબર પડી ગયેલી કે જુના ડ્રાઈવર લાગો છો, પણ આવું નો કરાય ગેરકાયદેસર કહેવાય.

ડેરીમાં એકવાર કશું કામ હશે એટલે સ્ટોર પર બેસતા ક્લાર્ક કહે મારું સ્કુટર લઇ જાઓ. મેં કહ્યું મને સ્કુટર નથી આવડતું. તો હસવા માંડ્યા. ટ્રક ચલાવો છો ને સ્કુટર નથી આવડતું? મેં કહ્યું ખરેખર નથી આવડતું. હું સાયકલ પરથી સીધું ચારચક્રી શીખેલો. કોઈ સાયકલ શીખે, પછી લુના જેવા મોપેડ શીખે, પછી સ્કુટર શીખે, પછી બાઈક શીખે, પછી કાર ચલાવે અને પછી ટ્રક ચલાવે. મારે ઊંધું ચાલતું હતું. સાયકલ પછી ટ્રક, પછી સન્ની જેવું મોપેડ પછી બાઈક ચલાવતો થયેલો. અને પછી ક્યારેક સ્કુટર ચલાવેલું. બાઈકની કોઈ પ્રેક્ટીશ હતી નહિ અને બજાજ કાવાસાકી ખરીદી પોલો ગ્રાઉન્ડમાં ચાર ચક્કર મારી સીધો ઘેર. બાઈક પર બરોડાથી છેક માણસા સુધી ચક્કર મારેલા.

ખેર પાછા આગાહી પર આવીએ. મારા શ્વસુર અમેરીકા સેટ થયા એટલે મને ખબર હતી કે વહેલી મોડી ફાઈલ મુકાશે. એક મિત્ર જેવા જ્યોતિષને મારો હાથ અને જન્માક્ષર બતાવી પૂછ્યું કે અમેરિકા જવાશે કે નહિ? મને કહે કોઈ કાળે નહિ જવાય, નસીબમાં કોઈ રેખા જ નથી. હાથમાં કહેવાને બદલે નસીબમાં કહી બેઠેલા. મેં કહ્યું રેખા આપણને બહુ ગમતી નથી, બચ્ચનને ગમતી હશે, આપણને મોટા ગાલવાળી માંજરી આંખોવાળી રાખી ગમે છે, પણ દાઢી વગરનો સરદારજી(ગુલઝાર સાહેબ) એને બથાવી ગયો છે. મેં કહ્યું યાર સસરા અમેરિકા છે ફાઈલ મુકવાના જ છે. તો કહે ગમે તે હોય લોચા પડશે નહિ જવાય, કોઈ વિદેશ યોગ જ નથી.

પત્નીની ત્રીજીવારની પ્રેગનન્સી વખતે માણસામાં ખેતી કરતો હતો. વાહનમાં ઘરમાં ખાલી સાયકલ જ હતી. માઢમાં બે મિત્રોના ઘેર મહેન્દ્ર-જિપ હતી. પણ જે મોડી રાત્રે વેણ ઉપડી તે સમયે એકેય જિપ હાજર નહિ. સ્કુટર ધરાવતા મિત્રો પણ ગેરહાજર. ગામમાં રીક્ષાઓ પણ બહુ ઓછી, તે પણ અર્ધીરાત્રે કોણ જાગે? શ્રીમતીને સાયકલ પર બેસાડી સાયકલ મારી મૂકી પરમાર સાહેબના દવાખાને. બે દીકરા તો હતા, ત્રીજી દીકરી આવે તો સારું એવી અદમ્ય આશા પર પાણી ફેરવતા ડૉ.નૌતમબા જાડેજા આવી ને કહે દીકરો છે.

ગાંધીનગરમાં ક્યારેક ટાટા-૪૦૭માં શ્રીમતીને બેસાડી શાકભાજી લેવા જતો, તો ક્યારેક પેલી એટલાસ સાયકલ પર બેસાડીને જતો. કાયમ શાક લેવા જઈએ એટલે પરિચિત થઈ ગયેલા શાકવાળા ભાઈઓ બહેનોને નવાઈ લાગતી.

જે જે યોગ નહોતા નસીબમાં તે અનાયાસે કહો કે મહેનતને લીધે કહો પ્રાપ્ત થયા. વિદેશયોગ પણ બન્યો. પહેલી કાર જૂની વપરાયેલી નિશાન હતી. પછી વાહનયોગની કોઈ નવાઈ રહી નહિ. પણ પેલી એટલાસ પાછળ કે કાવાસાકી બજાજ પાછળ વહાલસોઈને બેસાડી શાક લેવા જતાં, તે પાછળ ચીપકીને બેઠી હોય, કમરમાં ગલીપચી કરતી હોય, એની ભીની માદક મહેંક જિંદગીને તરબતર કરતી હોય એની જે મજા હતી તે આજની મોંઘી કારમાં પણ આવે નહિ. :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, સ્ક્રેન્ટન.

 

હાલમાં બાપુના સ્ટેબલમાં તેજીલા તોખારો સાથે માણકી પણ જોડાણી

ઇન્ડિયન અમેરિકન …. (સત્યકથા ઉપર આધારિત) — વિનોદ પટેલ

(શ્રી વિનોદ પટેલ ઘણાં વરસથી “વિનોદ વિહાર” નામનો લોકપ્રિય બ્લોગ ચલાવે છે. બહુ નાની વયમાં પોલિયોના શિકાર થયા છતાં, મહેનત અને ખંતથી જીવનમાં ઘણી પ્રગતિ કરી છે. હાલમાં તેઓ પોતાના બ્લોગ ઉપરાંત “હાસ્ય દરબાર” અને “ઈ-વિદ્યાલય” નામના બે બ્લોગ્સમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.)

(ડાબેથી જમણે-સંપાદક અને લેખક)

 

ઇન્ડિયન અમેરિકન ….

 

“બેટા યશ,આ ડીસેમ્બરમાં હું અને દાદી દેશમાં જઈએ છીએ.તારે હવે ક્રિસમસનું વેકેશન પડશે,  તું પણ અમારી સાથે ઇન્ડિયા ચાલ. ઘણું નવું જોવાનું, જાણવાનું મળશે, મજા આવશે.”

“પણ દાદા, તમે મારી મમ્મી ડેડીને પૂછ્યું?” યશે શંકા બતાવી .

“હા બેટા, અમારી હા છે, સાથે સ્કુલના પુસ્તકો લેતો જજે. ફરવાનું અને સાથે અભ્યાસ પણ કરવાનો.” આમ કહી પલ્લવી અને સંજયે યશને ઇન્ડિયા જવાની રજા આપી.

અમેરિકાના ન્યુ જર્સી શહેરની રવિવારની એક ખુશનુમા સવારે આખું કુટુંબ કિચનના ટેબલ ઉપર રજાના મુડમાં ચા-નાસ્તાની મોજ માણી  રહ્યું હતું ત્યારે ઉપરનો સંવાદ થયો.

આખુ કુટુંબ એટલે ૬૫ વર્ષના નિવૃત નરેશભાઈ જોશી, એમનાં પત્ની જયવંતીબેન, નરેશભાઈનાં દીકરી પલ્લવી, દીકરા જેવો જ  જમાઈ સંજય અને દાદા-દાદીનો ચહીતો દોસ્ત, દસમા ધોરણમાં અભ્યાસ કરતો દોહિત્ર યશ.

યશ જન્મથી જ ભારત અને અમેરિકાની  એમ બે દેશની સંસ્કૃતિના સંસ્કારો વચ્ચે ઉછરીને મોટો થયો છે. એના જન્મથી જ એ નરેશભાઈ અને જયવંતીબેન સાથે ઉછર્યો છે. ભારત વિશેની ઘણી વાતો એણે દાદા પાસેથી જાણી છે.

અમેરિકામાં કાયમી વસવાટ માટે આવ્યા એ પહેલાં નરેશભાઈ જોશી અમદાવાદની એક જાણીતી કેમિકલ કંપનીમાં ૩૦ વર્ષની વફાદારીભરી સેવાઓ આપી જનરલ મેનેજર તરીકે ૬૦ વર્ષની ઉંમરે નિવૃત થયા હતા. સમાજમાં અને મિત્ર વર્તુળમાં એમના મળતાવડા સ્વભાવથી જોશી સાહેબ તરીકે દામ અને નામ પણ કમાયા હતા.

અમદાવાદની એક સોસાયટીમાં પોતાની કમાણીમાંથી બાંધેલ બંગલામાં રહી એમણે  એમનાં બે બાળકો, દીકરી પલ્લવી અને દીકરા જયંતને ઉછેરી એમને સારું શિક્ષણ આપ્યું હતું. કાળક્રમે નરેશભાઈ અને જયવંતીબેનએ એમની વ્હાલી દીકરી પલ્લવીને એના સારા ભવિષ્ય માટે વધુ અભ્યાસ માટે અમેરિકા મોકલી હતી. અમેરિકામાં પલ્લવીને એક સુશિક્ષિત અને અમેરિકાનો સિટીજન થયેલા ભારતીય યુવક સાથે પરિચય થયો હતો, જે પછી ઇન્ડીયામાં આવી લગ્નમાં પરિણમ્યો હતો. નરેશભાઈનો દીકરો જયંત પણ ભારતમાં સોફ્ટવેર એન્જીનીયરનો અભ્યાસ પૂરો કરી બેંગ્લોરની એક સોફ્ટવેર કમ્પનીમાં મેનેજરના પદ સુધી પહોંચ્યો હતો અને એની પત્ની સાથે ત્યાં સુખી હતો.

શરૂઆતના સંઘર્ષમય જીવન પછી છેવટે એમનાં બન્ને સંતાનો એમની કારકિર્દી બનાવી લગ્ન કરી સુખી થયેલાં જોઇને, વૃદ્ધાવસ્થામાં નરેશભાઈ અને એમનાં પત્ની જયવતીબેનનું અંતર ખુશીથી છલકાતું હતું.

આજથી ૧૨ વર્ષ પહેલાં નિવૃત્તિ પછી દીકરીએ પ્રેમથી નરેશભાઈ અને જયવંતીબેનને માટે ગ્રીન કાર્ડની વ્યવસ્થા કરી અમેરિકા તેડાવતાં તેઓ કાયમી વસવાટનો નિર્ણય કરીને દીકરીને ત્યાં ન્યુજર્સીમાં આવી ગયાં હતાં . અહીં દોહિત્ર યશનો સંગાથ અને વાંચન, લેખન, મિત્ર-મિલન ઉપરાંત બ્લોગની પ્રવૃતિઓમાં સાહિત્ય રસિક નરેશભાઈનો સમય આનંદથી પસાર થઇ જતો હતો. જ્યારે વતનની બહુ યાદ આવે ત્યારે પતિ-પત્ની અમદાવામાં એમના મકાનમાં રહી આવતાં, અને ફેફસામાં વતનની હવા ભરી તાજા માજા થઇ પરત અમેરિકા આવી જતાં .

આ ડીસેમ્બરમાં તેઓ યશને પોતાની સાથે લઈને જવાનાં હતાં એટલે મનથી ખુબ ખુશ હતાં. યશ પણ દાદા-દાદી સાથે ઇન્ડિયા જવાનું મળશે એથી ખુશ હતો.

સવારનો ચા–નાસ્તો પતાવી સોફા ઉપર બેસી અમદાવાદના સંબંધીઓ અને મિત્રોને યાદ કરી કોના માટે શું ભેટ લઇ જવી વિગેરે વાતો કરતાં બન્ને સોફા ઉપર બેઠાં હતાં ત્યારે નરેશભાઈને કૈક  યાદ આવ્યું હોય એમ એમનાં પત્નીને કહ્યું :

”જયવંતી તને યાદ છે, જ્યારે યશનો જન્મ થયો  ત્યારે પલ્લવીની ડીલીવરી વખતે તું એકલી ન્યુ જર્સી આવી હતી. મારી જોબને લીધે મારે અમદાવાદમાં એકલા રોકાઈ જવું પડ્યું હતું.”

જયવંતીબેન :” હા, કેમ નહિ, એ વખતે પલ્લવી અને સંજયની નવી નવી જોબ હતી . દીકરીની ડીલીવરી અને યશના ઉછેર માટે મારી હાજરી એક આશીર્વાદ રૂપ બની હતી .”

નરેશભાઈ :” એ વખતે અમદાવાદમાં જોબને લીધે હું એકલો રહેતો અને ટીફીન મંગાવીને જમતો હતો. તારી હાજરી અમદાવાદમાં પણ જરૂરી હતી. આવા સંજોગોમાં બધાં એ ખુબ વિચારીને યશના જીવનને સ્પર્શતો એક મોટો નિર્ણય લીધો હતો કે ત્રણ મહિનાના યશને લઈને તારે અમદાવાદ આવવું જેથી પલ્લવી અને સંજયની  નવી નવી જોબમાં કોઈ અડચણ ના આવે. અમેરિકામાં જોબનો કોઈ પણ ભરોસો નહિ.  જ્યારે યશને એમનો પ્રેમ આપવાનો હતો ત્યારે જ એમના ફૂલ જેવા નાજુક બાળને વિખુટો પાડતાં દીકરી અને જમાઈનો જીવ કપાયો તો હતો પરંતુ એમને હૃદયથી ઊંડી ધરપત હતી કે આપણે યશને પ્રેમથી ઉછેરીશું. મમી-ડેડીની કોઈ ખોટ સાલવા નહી દઈએ.”

જયવંતીબેન ખુશ થતાં બોલ્યાં:” હા આપણે દીકરીના હિતમાં ખુશીથી એક મોટી જવાબદારી સ્વીકારી હતી. પ્રભુ કૃપાએ એ જવાબદારીને  આપણે સફળતાથી નિભાવી શક્યાં હતાં. યશને પોણા બે વર્ષનો મોટો કરીને આપણે  બન્ને એને અમેરિકા લઇ આવ્યાં હતાં. જ્યારે અમેરિકા આવીને યશને એમનાં મા-બાપના હાથમાં આપણે સોપ્યો ત્યારે ખુશખુશાલ તંદુરસ્ત બાળક યશને જોઇને એને હૃદય સરસો ચોપીને પલ્લવી અને સંજય કેટલાં ખુશ થઇ ગયાં હતાં.!”

નરેશભાઈ :” ત્યાર પછી પણ યશ આપણી અને દીકરી-જમાઈની દેખરેખ નીચે મોટો થતો ગયો. એ ચાર વર્ષનો હતો ત્યારે મામા જયંતના લગ્ન વખતે એ ફરી અમદાવાદ આવ્યો હતો.”

જયવંતીબેનને કૈક યાદ આવ્યું હોય એમ કહે :

‘તમને યાદ છે ચાર વર્ષના યશને લઈને આપણે બન્ને જયંતના લગ્ન પ્રસંગે અમદાવાદ જવા ન્યુ જર્સીથી પ્લેનમાં નીકળેલાં. પલ્લવી અને સંજય પછીથી આવવાના હતા. એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન ઓફીસના ઓફિસરે યશનો પાસપોર્ટ જોઇને કહ્યું કે પાસપોર્ટ એક્સ્પાયર થઇ ગયો છે. આપણે મોટી ચિંતામાં પડી ગયાં હતાં. પલ્લવી-સંજયને ફોનમાં વાત કરી યશને ખુબ સમજાવીને એર લાઈનની એસ્કોર્ટ સર્વિસની મદદથી ફક્ત ચાર વર્ષના યશને ઈમિગ્રેશન એરિઆની બહાર એના મા-બાપ પાસે એકલો મોકલી દીધો.

નરેશભાઈ ખુશ થતાં બોલ્યા :” જયવંતી, એ વખતે ચાર વર્ષના યશની અદા અને નિર્ભયતા જોઇને એના અમેરિકન સ્પીરીટ ઉપર હું ઓવારી ગયો હતો .અમેરિકન કલ્ચરની એ જ તો છે  બલિહારી .આજે તો યશ અમેરિકા અને ભારતના સંયુક્ત કલ્ચરમાં ઉછરેલો પંદર વર્ષનો ચબરાક ટીન એજર થયો છે. કેટલો બધો સમજણો થઇ ગયો છે ! “

અને યશના દાદા-દાદી જે દિવસની આતુરતાથી રાહ જોતા હતા એ દિવસ આવી ગયો. દીકરી પલ્લવી અને સંજયની ન્યુયોર્ક એરપોર્ટ ઉપરથી ભાવભીની વિદાય લઈને શરદભાઈ, જયવંતીબેન અને યશ અમેરકાના બીજા છેડે હજારો માઈલ દુર આવેલા વતન અમદાવાદ તરફ જવા માટે એર ઇન્ડીયાના પ્લેનમાં ત્રણ જણની સીટમાં ગોઠવાઈ ગયાં .

કલાકોની થાક ભરી મુસાફરી હતી છતાં અમદાવાદના એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડ થતાં જ એ થાક ભુલાઈ ગયો, અને પોતાના ઘેર આવી પહોંચવાના ઉત્સાહમાં પરિવર્તિત થઈ ગયો. અમદાવાદમાં એમના બંધ ઘરને ખોલીને સામાન ગોઠવી દીધો. બે દિવસ તો બદલાયેલા વાતાવરણ અને ટાઈમ ઝોનમાં થાક ઉતારી સેટ થવામાં ગયા.

નરેશભાઈના આગમનના સમાચારથી એમના સ્નેહીજનો અને મિત્રો ખુબ ખુશ હતાં . યશ એમના માટે નવો ન હતો કારણ કે એ અહી જ પોણા બે વર્ષનો થયો હતો. પંદર વર્ષના “પલ્લવીના દિકરા’ ઉપર સૌના વ્હાલની વર્ષા થઈ રહી. ન્યુ જર્સીના સ્ટોરોમાં ફરી ફરીને નરેશભાઈએ યાદ કરી કરીને લાવેલી ભેટની ચીજો બધાંને  આપતાં, લેનાર અને આપનાર બન્ને ખુશ થયાં.

થોડા દિવસોમાં જ યશ આ નવા માહોલમાં સેટ થઇ ગયો. નરેશભાઈના મિત્રોને ત્યાં જમવા જવાનું થાય ત્યારે પણ જે ભરપૂર પ્રેમભર્યો આવકાર મળે, મનગમતી વાનગી ખવડાવે અને બાદશાહી સ્વાગત કરે, એમના સ્કુટર પાછળ બેસાડી ફરવા લઇ જાય, એ જોઇને યશ વિચારે ચડે કે “મેં કોઈને પહેલાં જોયાં નથી, ઓળખતો પણ નથી પરંતુ હું પલ્લવીનો દીકરો છું, એટલું  જાણીને જ પલ્લવી  ઉપરનું એમનું બધું વહાલ મારી પર વરસાવે છે. એટલું જ નહી હેતથી ભેટે અને કહે, ‘તું બરાબર પલ્લવી ઉપર જ ગયો છે.” આ બધું નજરે નિહાળીને યશ તો આભો જ થઇ ગયો. ઘરના માણસોને બાદ કરતાં આટલાં  પ્રેમાળ માણસો અમેરિકામાં એણે કદી જોયાં ન હતાં .

દાદા નરેશભાઈ દ્વારા એમના બડી યશને એના વેકેશનના સમયમાં ઇન્ડિયા વિશેનું શિક્ષણ આપવાનું કામ અમદાવાદથી જ શરું થઇ ગયું. અમેરિકામાં યશ હંમેશાં કારમાં જ બધે ફરેલો પણ નરેશભાઈએ અમદાવાદની પહેચાન જેવી રીક્ષા ભાડે કરી યશને એમાં બેસાડી અમદાવાદનાં બધાં જાણીતાં સ્થળો બતાવ્યાં. એનો ઈતિહાસ સમજાવ્યો. માણેકચોકની ભેલ-પૂરી અને પાણી પૂરી પણ બીતાં બીતાં ચખાડી. રોડ ઉપર ગીચ ટ્રાફિકમાંથી હોર્ન વગાડતી રસ્તો કાઢતી રીક્ષાની મુસાફરીથી એ કોઈ નવા જ પ્રકારની અનુભૂતિનો અહેસાસ કરી રહ્યો. એને ગુલીવર ટ્રાવેલ્સની વાર્તા યાદ આવી ગઈ.

ત્યારબાદ,નરેશભાઈ અને જયવતીબેન યશને લઈને એમના પ્લાન પ્રમાણે આબુ તથા ઉત્તર ભારતનાં મુખ્ય શહેરો –રાજધાની દિલ્હી, આગ્રાનો તાજ મહાલ, હરદ્વાર , વારાણસી વિગેરે સ્થળો બતાવ્યાં અને દરેકની વિગતે માહિતી આપી. નરેશભાઈનો દીકરો જયંત જ્યાં જોબ કરતો હતો ત્યાં બેંગ્લોરમાં એક અઠવાડિયું રોકાઈને  દક્ષીણ ભારતનાં જાણીતાં સ્થળોની મુલાકાત પણ લીધી. બેંગ્લોર એ  ભારતના  તેમજ વિશ્વના ઈનફૉર્મૅશન ટૅકનૉલૉજી ઉદ્યોગનું કેન્દ્ર છે. જેમ અમેરિકામાં કેલીફોર્નીયાનું સીલીકોનવેલી એવું જ ભારતનું બેંગ્લોર. યશને આ શહેરમાં ખુબ રસ પડ્યો. પોંડીચેરીમાં જઈને મહર્ષિ અરવિંદ આશ્રમનાં પણ દર્શન કર્યા અને યશને કરાવ્યાં. આ બધાં સ્થળો જોઇને ભારતના શહેરો, એના માણસો, એમની બોલી, ધર્મ, દેખાવ વિગેરે વિવિધતાઓ જોઈ યશને નવાઈ લાગી અને આ દેશ વિષે એના ચિત્તમાં એક સ્પષ્ટ ચિત્ર અંકાઈ ગયું! એને મનમાં થયું કે એના કલ્પનાના ભારત કરતાં એના અનુભવનું ભારત કઈક જુદું જ છે.

આમ યશને બધે ફેરવતાં અમેરીકા પાછા જવાની તારીખ ક્યારે નજીક આવી ગઈ એની ખબર પણ ના પડી.

અને નિર્ધારિત તારીખે નરેશભાઈ, જયવંતી બેન અને એમનો બડી યશ અમદાવાદથી એર ઇન્ડીયાના  વિમાનમાં બેસી માતૃભુમી ભારતની વિદાય લઈને કર્મ ભૂમિ અમેરિકા તરફ જવા ગગન વિહાર કરી રહ્યાં.

પ્લેનમાં લાંબી મુસાફરી દરમ્યાન યશ એની ભારત યાત્રા વિષે દાદા-દાદી સાથે વાતો કરતાં થાકતો ન હતો.

નરેશભાઈએ પૂછ્યું :”બોલ, યશ, તને ભારત કેવું લાગ્યું ?

યશ ધાણી ફૂટે એમ બોલવા લાગ્યો :

”દાદા હું ઇન્ડિયા આવ્યો અને પછી જે કઈ જોયું અને અનુભવ્યું એ પછી મને લાગ્યું છે કે આ દેશ પાસે એની આગવી સંસ્કૃતિ અને ૫૦૦૦ વર્ષ કરતાં વધુ પુરાણો ઈતિહાસ છે.અમેરિકામાં ઘણા દેશોની સંસ્કૃતિઓનું મિશ્રણ છે.ભારતમાં ભલે અમેરિકા જેવી આધુનિક સગવડોનો અભાવ હશે, ગરીબી હશે પણ એનો હેરીટેજ –વિરાસત અદભૂત છે. માણસોમાં પ્રેમ છે, મળતાવડાપણું છે. ઘણું બધું સારું છે .દાદા,મારા માટે તો ભારત યાત્રા એક શિક્ષણ યાત્રા બની ગઈ ! ”

નરેશભાઈ :” હા બેટા, અમેરિકાની સામે ભારતમાં હજુ ઘણા સુધારા કરવાના જરૂરી છે. અમેરિકામાં પણ બધું જ સારું છે એવું પણ નથી. બે દેશમાં જે સારું હોય એ અપનાવી લઈને ચાલવું એ બધી વાતનો સાર છે. એ યાદ રાખજે કે તું બે દેશની સંસ્કૃતિનો વારસ છે.”

યશ :”હા દાદા, કદાચ હું અવારનવાર ભારત ના  આવી શકું તો પણ મારા મનમાં ભારત હંમેશાં જીવતું રહેશે. આ ભારત યાત્રા પછી હું માત્ર કહેવાનો જ નહિ પણ એક સાચો “ઇન્ડીયન અમેરિકન” બનીને અમેરિકા  પાછો ફરી રહ્યો છું.”

-વિનોદ પટેલ,સાન ડીએગો

અરીસો (યામિની વ્યાસ, શામળ ભટ્ટ અને અનિલ ચાવડા)

(સુરતના સાંસ્કૃતિક જગતમાં ખૂબ જ જાણીતા કવિયત્રી યામિની વ્યાસની “અરીસો” શીર્ષક ધરાવતી સંવેદના જગાડતી આ કવિતા મને બહુ ગમી ગઈ એટલે આંગણાંના મુલાકાતીઓ સાથે share કરૂં છું.)

અરીસો

બાનો શૉક ઉતારતાં

તેરમે દિવસે શુભનાં ચાંદલાં થયાં,

હું ઘરની મોટી વહુ,

મારા કપાળ પર પણ થયો, સ્હેજ મોટો,

બાના કપાળ પર શોભતો એવો જ,

ગમ્યો, રહેવા દીધો.

આરતી પ્રગટાવી, ઉજાસ ફેલાયો,

આવો ઉજાસ તો બાના ચહેરા પર છેલ્લે સુધી હતો.

હાથ દુપટ્ટા પર ગયો,

હળવેકથી માથે ઓઢ્યો,

બા સાડલો ઓઢતાં, એ યાદ આવ્યું.

મારા મુખ પર પ્રસન્નતા આવી,

બાના મુખ પર તો કાયમ રહેતી.

આરતી પૂરી કરી દેવસ્થાનમાં આશ્કા આપી,

બાજુમાં જ બાનો ફોટો હતો ત્યાં આપવા ગઈ,

પણ..

ફોટો ક્યાં?

આ તો અરીસો….

(યામિની વ્યાસ)

(આજે જ અચાનક મને એમ મિત્રે ઈ-મેઈલથી શામળ ભટ્ટની એક ઉખાણા જેવી કવિતા અને જાણીતા કવિ શ્રી અનિલ ચાવડાએ કરેલો ઉખાણાનો ઉકેલ મોકલ્યા. આનો વિષય પણ “અરીસો” જ હોવાથી એ પણ તમારી સાથે share  કરૂં છું)

ઉખાણાંમાં અરીસો

સરસ સરોવર એક, ભર્યું છે નિર્મળ નીરે,

પીએ નહીં કોઈ પંથી, હંસ નવ બેસે તીરે.

તે સર સમીપ જાય, બૂડે જન જોતાં ઝાઝા,

દુઃખ ન પામે દેહ, રહે તરબીબે તાજા.

કવિ શામળ કહે કારમું, હોંશીજનને હિત હશે,

સ્વામી લાવો સોહામણું, તો સોળે પૂરા થશે.

– શામળ ભટ્ટ

કવિતા ઉખાણાં સ્વરૂપે છે. આપણે મગજ કસીને નક્કી કરાવનું છે કે એ ઉખાણું શેનું છે? કવિએ તો વાત કરી દીધી કે એક સરસ સરોવર છે, તેમાં નિર્મળ નીર ભર્યું છે, પણ એ નીર કોઈ પી શકતું નથી. એ સરોવરને આરે આવીને કોઈ હંસ પણ બેસતા નથી. કોઈ પંખી પણ આવતાં નથી એવું કહીને કવિએ જિજ્ઞાસા જગાવી છે. વળી આ સરોવરમાં અનેક લોકો ડૂબી ગયા છે એવું કહીને રહસ્ય પણ ઊભું કર્યું છે.

આ ઉખાણું અરીસા વિશેનું છે. અરીસો નિર્મળ અને સ્વચ્છ સરોવર જેવો હોય છે. તે સરોવરનો આભાસ ઊભો કરે છે. આપણે ત્યાં કવિતામાં અરીસાને સરોવર જેવો કે સરોવરને અરીસા જેવું ઘણી વાર કહેવામાં પણ આવ્યું છે, પણ અરીસારૂપી સરોવરનું પાણી કોઈ પી થોડું શકે? તેના કિનારે કોઈ પંખી ઓછાં બેસવાં આવે? વળી અરીસામાં જોઈને પોતાના રૂપની પાછળ ઘેલા થનારા આપણે ત્યાં ક્યાં ઓછા છે! સરોવરમાં ડૂબવાની વાત અરીસામાં જોઈને પોતાની જ પાછળ ઘેલા થવાની છે. પોતાના જ પ્રેમમાં પડવાની વાત તો ઘણી જૂની છે. હજારો વર્ષ પહેલાં નાર્સિયસ નામનો એક માણસ હતો. તે ખૂબ જ રૂપાળો હતો. પણ તે વખતે અરીસાની શોધ નહોતી થઈ. તેણે પોતાને ક્યારેય જોયો નહોતો. તેને જોઈને ઇકો નામની એક સુંદર યુવતી તેના પ્રેમમાં પડી હતી. પણ નાર્સિયસે તેને ઠુકરાવી દીધી, ધીરે ધીરે તે દુબળી પડતી ગઈ, એ હદે દુબળી પડી ગઈ કે તેનું શરીર સાવ જતું રહ્યું, માત્ર તેનો અવાજ જ બચ્યો. કદાચ આજે અવાજ માટે ઇકોસાઉન્ડ શબ્દ વપરાય છે, તે ત્યાંથી આવ્યો હોય તો નવાઈ નહીં! આ નાર્સિયસ એક દિવસ એક શાંત સરોવરમાં પાણી પીવા માટે ઉતર્યો. સરોવરમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને પોતાના જ પ્રેમમાં પડી ગયો. તે ચુંબન કરવા ગયો, ત્યાં તેનું પાણીમાં રહેલું પ્રતિબિંબ વમળોમાં વિખરાઈ ગયું. આવું વારંવાર થયું. તે ન પાણી પી શક્યો કે ન પોતાના પ્રતિબિંબને ચૂમી શક્યો. આખરે તરસને લીધે તેનું મૃત્યુ થયું. અરીસો પણ આપણને આપણા પ્રેમમાં પાડે છે, તેના આ ભેદી જાદુથી બચવા જેવું ખરું. પરંતુ આ ઉખાણાને અંતે કવિ ‘સ્વામી લાવો સોહામણું, તો સોળે પૂરા થશે.’ એવું કહી પતિ પાસે અરીસો મગાવતી નાયિકા દ્વારા અરીસાથી યૌવનને પૂર્ણતા મળે છે તેવો પણ સંકેત કરે છે.

(અનિલ ચાવડા)

બે ચિંતનાત્મક લેખ (જીતેન્દ્ર પાઢ)

સાચી મૈત્રી

 વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી  દીધું

 નીચે વિશાલ ધરતી ને ઉપર ગગન આપી દીધું

 જયારે પૂછ્યું  કહ્યું  કે એકલો જીવી શકીશ કેમ ?

 આભાર ઈશ્વરનો ભેટમાં મિત્રોનું ઉદ્યાન આપી દીધું  ….

        મિત્રતા અને મિત્ર વિષે ઘણું લખાયું અને લખાતું રહેશે  …. એરિસ્ટોટલે કહ્યું છે -એક શરીરમાં  રહેલાં બે આત્મા એટલે મિત્રતા ! વિલિયમપેન દોસ્તની વ્યાખ્યા પ્રમાને કરે છે; એક સાચો મિત્ર ઉચિત સલાહ આપે છે, સહજતાથી મદદ કરે છે, સરળતાથી  જોખમ ઉઠાવે છે, ધૈર્યથી બધું હસીને સહે  છે, હિંમતથી બચાવ કરે છે,અને વગર બદલે દોસ્તી નિભાવે છે –આવી દોસ્તી મેળવવી તે તકદીર ની વાત ગણાય, ઈશ્વર કૃપા ની વર્ષા ગણાય.

            કિસ હદ તક જાના હૈ  યે કૌન જાનતા   હૈ

           કિસ મંઝીલકો પાના  હૈ યે  કૌન જાનતા હૈ

           દોસ્તી  કે  દો પલ  તુમ  જી  ભર કે  જી  લો —

           કિસ રોજ  બિછડ જાના  હૈ  યે કૌન  જાનતા હૈ

                                 મૈત્રીની કલા શીખવાથી  જ હ્રદયના પ્રેમને  સદભાવના નું બળ મળે છે.  જ્યારે મૈત્રી- કોઈ આડંબર કે કોઈ ખોટી ભવ્યતા વિના સરળતા અને સૌજન્યતાથી બંધાય છે, ત્યારે સંવાદિતાનો સંવાદ ખીલે છે, આંખોમાં પ્રેમ અને પ્રકાશનો દરિયો ઊછળે છે, હોઠ પર નિરંતર અમૃત રેલાય છે.

ઓળખાણ મૈત્રી નથી, ઓળખાણમાં સ્વાર્થ અને બદલો હોય છે, તેથી સાચી હૂંફ નથી મળતી,  મિત્ર સુખદુ:ખનો સાચો સાથી બની ટકે છે. માણસને સ્નેહની તરસ મિત્રથીજ સંતોષાય છે. ધન, દોલત, પ્રતિષ્ઠાથી મિત્રતા ખરીદાતી નથી. સામાન્ય જીવનમાંથી સાચી મિત્રતા હાથ લાગે છે, ટકે છે, સાચી મૈત્રીનો સંબંધ  સદભાવ સાથે છે. જીવનમાં વિકાસ અને પરિવર્તનથી  ઉચ્ચત્તમ માનવ  પ્રતિભા ખીલવે  તે સાચી મિત્રતા છે

                  લાગણી અને મધુરતાનો ઉન્મેષ ન હોય તો મૈત્રી સંબંધ કહેવાય. લાભ મેળવી કામ પતેથી હડસેલી દેનારા ઘણાં મળે છે, સાચા મિત્રો દુર્લભ હોય છે.  મૈત્રીમાં નિ:સ્વાર્થ ભાવે-કાર્ય કરવા તૈયાર રહેવું પડે, તત્પર રહેવું પડે અને સાથીના ક્રોધ, ગુસ્સાને ભૂલી જઈ, પરિસ્થિતિ ને સમજીને માર્ગ કાઢી મૌન ધારણ કરી- કડવાશને ગળી જઈ મિત્રોને સાચવવા પડે છે. મૈત્રીનો મોટો અવરોધ અહં છે.

આત્મ નિરીક્ષણ અને કર્મશીલતા કેળવાય ત્યારે દ્ગષ્ટિની વિશાળતા વધે છે, સત્ય પરિસ્થિતિ સમજી શકાય છે, સંઘર્ષ ટળે છે અને મૈત્રી ટકે  છે. ઉગ્ર વચનો સાંભળી પ્રતિઘોષ રૂપે પ્રત્યુત્તર  આપો તો તે મૈત્રી તૂટવાનું કારણ બને છે. જાત સાથે મિત્રતા બાંધી ન શકનાર સાચી મિત્રતા પામી શકતો નથી.

રસ-રુચિ વિનાની મૈત્રી તે ઉપર છલ્લો સંબંધ છે.  જે મિત્ર પરસ્પરની મર્યાદાઓની સમજણ રાખી ઉદાર ભાવે વર્તન કરે છે, તે લાંબી મૈત્રી ટકાવી શકે છે. પરસ્પરની ઇચ્છાઓને માન આપવું અને ક્ષમા આપવી, તે મિત્રતા લંબાવવા માટે જરૂરી છે.   મિત્રો સાથે વિચારણાઓ સ્વચ્છ અને સ્પષ્ટ હશે તો જિંદાદિલી ખીલશે-મિત્રતા ટકશે. અંતરની ઉષ્મા મિત્રતા તરફ જ ઢળે છે.

                    મિત્રના દુર્ગુણો બતાવો તો તેના માટેના ઉમદા અભિપ્રાયો પણ પ્રગટ કરો. કાળજી સાથે મિત્ર પ્રતિ વિકટ પરિસ્થિતિમાં સભાનતાથી હૂંફ આપનાર મૈત્રી જગતમાં જીત મેળવે છે, લોકપ્રિય બને છે. દલીલોથી મિત્રતા જિતાતી નથી. મિત્રને સાંભળો-એકાંતમાં તે વિચારોને ચકાસો તો તમે મિત્રને સમજી શકશો

               મન અને હ્રદય સાથે મિત્રતાનો સંબંધ હોવાથી ક્યારે-કોઈ વાતથી, અણગમતાં વ્યવહારથી-મન જરૂર દુ:ખી થાય છે પણ તે ક્ષણિક હોવું જોઈએં. વારંવાર ફરિયાદ અને ટીકાઓ કરનાર મિત્રતાનો ઘાતક છે. ભૂતકાળને ભૂલી વર્તમાનમાં જીવી વ્યવહારો સાચવી, જે બીજાના પડખે ઊભો રહી હૂંફ આપે તે જ સાચો મિત્ર. મિત્રતા આપી જાણવાની કલા છે, માંગવાની નહીં. મિત્ર તમારી ધારણા કે તમારી મરજી મુજબ નહીં પણ તેના હ્રદયથી ચાલે છે. તેથી જીભાજોડી ટાળો, મિત્રતાને પામો. ખોટા માર્ગે કે નુકસાન થાય તેવા આચરણ તરફ જતાં મિત્રને જરૂર પડે અવરોધિને યોગ્ય સલાહ આપો.

પૈસાનો વ્યવહાર મૈત્રી તોડે છે, તો દુ:ખના પ્રસંગે આર્થિક મદદ કરનાર જ સાચો દિલોજાન દોસ્ત બને છે. તમારા માપદંડથી મિત્રોને માપતા નહીં-સાચો મિત્ર ગુમાવશો .

                  મિત્ર અને મિત્રતાને સાચવતાં આવડે તો ન્યાલ કરી  દે અથવા અધૂરી સમજ જીવનને કડવું બનાવી કાયમ દુઃખી બનાવે.  ત્યાગ, વફાદારી, નિસ્વાર્થ ભાવના, અરસપરસ શુભકરવાની  સતત તાલાવેલી, મિત્રતાને વધુ બળવાન  બનાવનારા ગુણો  છે.  મિત્રને  અણીના સમયે બચાવે -વિપદ માંથી મુક્તિ   અપાવે તે સાચો  મિત્ર !  સાથ ,સંગાથ અને સહવાસ ટકાવી શકે તે મિત્ર.

-જીતેન્દ્ર પાઢ

 જીવન પ્રેરક  પાઠશાળા

“ઇન્હીં ગમ કી ઘટાઓ મેં ખુશીકા ચાંદ નિકલેગા

અંધેરી રાત કે પર્દે મેં દિન કી રૌશની  ભી હૈ  (અખ્તર શીરાની)

મનુષ્ય જીવન અને કુદરત  જાણે કે એક સરખા  લાગે છે, પરિવર્તન, નવ પલ્લવિતતા અને સહન શીલતા તેના લક્ષણ ગણાય. મનુષ્યમાં બુદ્ધિ, વિચાર, ગુણ – દુર્ગુણ, પ્રેમ -રાગદ્વેષ, ગમો-અણગમો, માન- અપમાન, મમત્વ જેવા અનેક ભાવો, સ્પદંનનો  નું મિશ્રણ છે.  કુદરતને વાચા નથી  પણ મૌન સાથે સમજણની છૂપી  કલા છે.  માનવી, પ્રાણી અને પક્ષીઓ, જેમાં જીવ છે તે બધા કુદરતના  ખોળે રમે છે, વિહરે છે. પ્રકૃતિના નામે  કુદરતે પોતાની વિવિધતાનો મબલખ ખજાનો  અનંત  આકાશ ની નીચે વિસ્તરિત કર્યો છે. યુગો વીતી ગયાં  તેમાં કદી ટ આવી નથી. હા માનવીના કૃત્યે પરિવર્તનના નામે  પ્રકૃતિનું છેદન કરવા છતાં તેણે મૌન ધારણ કર્યું છે. પર્યાવરણનું સંતુલન ભૂલીને  અવનવાં અખતરાઓ કર્યા છે અને તેથી ઋતુઓ પોતાનાં વર્ષો જૂનાં ક્રમબદ્ધ સમીકરણો બદલ્યાં છે.

વાત ધ્યાનમાં લેવા જેવી છે કે -અતિ સહનશીલતા ક્યારેક પ્રકોપ બને છે, આ સનાતન નિયમ છે. તેથી પ્રકૃતિ પોતાનો અસલી મિજાજમાં  વિનાશકારક  આપત્તિ સાથે મહાપૂર,ધરતીકંપ ,વાવાઝોડાં, બર્ફીલા તોફાન, જંગલમાં આગ વગેરે તાંડવઃ રૂપે  દેખાડે છે  અને પછી શાંત થઈ જાય  છે. આવા સમયે  માનવ પણ માનવને, મદદ કરવાની અને નવસર્જન કરવાની વૃતિ દેખાડે છે. સંસ્થાઓ પરોપકારી બની એક  ય બીજા રૂપે જાગૃત થાય છે.

વૃક્ષો બારે માસ છાંયો આપે છે અને ઋતુઓ પ્રમાણે  ફળ-ફૂલ આપે છે. આમ કો ને  કોઈ રીતે અન્ય જીવો માટે મદદરૂપ થવાની ફર કશા જ લાભ કે વળતર વગર નિસ્વાર્થ ભાવે પુરી કરે છે. પ્રકૃતિ ઈશ્વરની મહાન ભેટ છે.

કુદરતનું રાત -દિવસ નું ચક્ર માનવી ને ઘણું બધું આપી જાય છે. રાતે દિવસ આખાના થાક માટે આરામ ની નિંદર, તો વહેલી સવારે તાજગી, પ્રસન્નતા, કામ કરવાની તક.

સાગર ની વિશાળતા, જંગલો ની ઘનતા, આકાશની અગાધતા  આ બધું મુંગા ઉપદેશકો સમાન  ઈશ્વરના સંકેતો છે. કુદરત મૂંગી રહીને માનવી ને જીવન જીવતાં  શીખવાડે છે, રેશનાલિસ્ટો (નાસ્તિકો ) પણ કુદરતને  માને છે. કોઈ અગમ્ય શક્તિ -power છે, જે જગત ને ટકાવે છે, ગતિશીલ રાખે છે.

કુદરત ને ચાહો અને પ્રકૃતિ માંથી જીવન જીવવાના નવા પાઠો શીખો ,સૃષ્ટિ એટલે જ મોટામાં મોટી શિક્ષણ ની પાઠશાળા   ……એ સત્ય સ્વીકારવું  જ રહ્યું !

–જીતેન્દ્ર પાઢ