Category Archives: ઉજાણી

ગાંઠિયાપંચક ! (જુગલકિશોર વ્યાસ)

(ગાંઠિયા વિષે અનેક લેખ, હાસ્ય લેખ અને વાર્તાઓ લખાઈ છે, પણ ગાંઠિયા ઉપર છંદમાં સોનેટ, અને તે પણ પંચક (પાંચ સોનેટ) તો માત્ર શ્રી જુગલકિશોર વ્યાસ જેવા અનુભવી સાહિત્યકાર જ લખી શકે. આજે ઉજાણીમાં જુભાઈના ગાંઠિયા.)

(સોનેટમાળાના પાંચ મણકા)

––––––––––––––––––––––––––––––––––

ગાંઠિયાને !  

(વસંતતિલકા)

જુદાં જુદાં શરીર તો પણ આત્મ એક;

આ વિશ્વની વિવિધતા મહીં ઐક્ય નેક.

પક્ષી–પશુ–જીવજીવાંત, મનુષ્ય સૌમાં

આત્મા રહે વિલસતો બસ એક છેક !

 આકાર, રૂપ, વળી રંગ થકી તમે સૌ

છોને દીસો અલગ – ‘બેસન’માધ્યમે તો  

સૌ એક માત થકી જન્મ ધરી જગે હા

ખ્યાતિ વિશેષ અહીં ગુર્જરદેશ પામ્યા ! 

સ્વાદે જરીક જરી ફેર છતાંય સૌ શા

કેવા રહ્યા પ્રસરી એક જ નામથી હા !

આબાલવૃદ્ધ સહુ એક અવાજ ચાહે

સવ્વાર–સાંજ, નિત નવ્ય પ્રસંગ માંહે ! 

(અનુષ્ટુપ)

ઉષ્ણ કે શીત હો છોને, ખાતાં સૌ અકરાંતિયાં 

હર્ષ કે શોકના ટાણે સૌમાં સ્વીકાર્ય ગાંઠિયા !! 

ગાંઠિયામાહાત્મ્ય – ૨

(અનુષ્ટુપ)

 ‘ચણો ના હોય ભારીલો; ખખડે, ખાલી હોય જો’

ક્હેવતે દીસતો એવો, ચણો તે વ્હાલો ભોજને !

વિવિધા  વાનગી  એની તુંડે તુંડે – સુયોજને

મઘ્મઘે વાનગી સૌના રસોડામાં ઘરે ઘરે !

અનાજે ઓળખાતો જે સ્વાદુ, કઠોળ જાતથી;

વખાણાતો પ્રદેશે સૌ ક્હેવાતો ‘જુદી ભાતનો’ !

શોભતો રંગ વૈવિધ્યે, શ્વેત, રાતો, પીળો અને

દેખાતો લોંઠકો કેવો, ગોળ–સુડોળ કાયથી !

પીસાતો ઘંટીએ જેવો, રસોડે લોટ થૈ, જતો –

ગુંદાતો મોણ–પાણીમાં વિધ્વિધ આકારે થતો;

તળાતો તેલમાં, જાણે શિક્ષા કો પાપની થતી !

છતાં કેવો સુગંધાતો – નીતર્યો તેલથી પછી !!

(વસંતતિલકા)

નાનો ભલે કદ મહીં – નમણો  ઘણો  જે,

પામ્યો સદાય બહુ ખ્યાતિ ઘણો ચણો તે !

 ગાંઠિયામાહાત્મ્ય (૩)

સર્વવ્યાપક ગાંઠિયા

(ઉપજાતિ) 

“જીવ્યા થકી જોયું ભલું” – કહે સૌ;

“જોયા થકી ખાધું ભલુ” – કહું હું…

ખાધા મહીં વ્યંજન આટઆટલા –

મિષ્ટાન્ન, ફર્સાણ, અચાર સામટાં,

એ સૌ મહીં એક અનન્ય વાનગી –

આરોગવા લાયક માત્ર ગાંઠિયા !! 

બ્રહ્માંડમાં ઈશ્વર એક માત્ર, જે

સર્વત્ર વ્યાપી રહી યોગક્ષેમ

સૌનાં કરે; લોકપ્રિય બની રહે.

એવું જ કૈં વ્યાપક સ્થાન ભોગવી

સૌનું કરી ક્ષેમ, બની રહે જે

લોકપ્રિય, લોકહિતાય ગાંઠિયા ! 

(અનુષ્ટુપ)

સારેમાઠે પ્રસંગે ને સાચેખોટે સમેસમે;

ગાંઠિયા આબાલવૃદ્ધ, સૌને નિશ્ચે ગમેગમે !! 

ગાંઠિયામાહાત્મ્ય – ૪

એકમેવ તું !

(ઉપજાતિ–વસંતતિલકા–અનુષ્ટુપ)

પ્રાત:વિધિ સર્વ પતાવતામાં

તારો થતો ગૃહપ્રવેશ, અને બધાંની

ઘ્રાણેન્દ્રિયો મઘમઘી શી રહે મજાની –

સ્વાદેન્દ્રી શી ટપકતી રહે સ્નિગ્ધતામાં !

માહાત્મ્ય તારું સમૂહે વિશેષ

આરોગવું ગમતું એકલપંડ રે ના !

થાળી મૂકી અધવચાળ અને તને સૌ

વર્તુળમાં રહી કરે અથરા, અશેષ !!

તું ઉત્સવે, શોક–પ્રસંગમાંય –

રે આવકાર્ય રહી સાચવતો બધાંના

વ્હેવાર – ના કદીય છોછ – યદાતદામાં;

તું સ્નેહનું ભાજન છે સદાય !

રંગમાં, રૂપમાં, સ્વાદે, સુગંધે ‘એકમેવ’ તું;

ખાદ્યાન્ને, મિષ્ટઅન્ને ને ફર્સાણે શ્રેષ્ઠ એવ તું !! 

ગાંઠિયામાહાત્મ્ય (૫)

ગાંઠિયા–ગાંઠ !

(અનુસ્ટુપ)

ચટણી, મરચાં સંગે કઢી સંગેય કોક દી’

પપૈયાછીણ ભેગાંયે તમોને ભાળતો કદી !

ઝીણા–જાડા, વણેલા ને તીખા, લસણિયા વળી

ફાફડા નામથી સૌના હૃદયે શા ગયા હળી !

તમારા નામઉચ્ચારે સવ્વારો કૉળી ઊઠતી !

તમોને પામતાંમાં તો અંગાંગે સ્ફૂર્તિ સ્ફૂટતી !

તમોને ઉદરે સ્થાપી કાર્યો સર્વે  કરું  શરૂ;

ગાંઠિયા–ગાંઠ વાળીને, નિશ્ચિંત નિશ્ચયે રહું.

ચણાને આશ્રયે છૂપી, ચણાને ગૌરવે મઢ્યા,

ચણાને વિશ્વમાં વ્યાપી ગાંઠિયા ચૌદીશ ચઢ્યા.

ગુંદાયા, વણાયા, તેલે તળાયા વેદના ભર્યા

ગાંઠિયા સ્નેહના સૌના ભાજન એટલે ઠર્યા !

કાવ્યના શબ્દશબ્દે જે ઊછળ્યાં ઉર સ્પંદનો –

સોનેટે સ્થાપીને વ્હાલા ! કરું હું કોટિ વંદનો !!

– જુગલકિશોર વ્યાસ

વરસ્યા વરસાદ આજ આભથી….રમેશ પટેલ(આકાશદીપ)

વરસ્યા વરસાદ આજ આભથી….રમેશ પટેલ(આકાશદીપ)

(ઉજાણીમાં આજે કવિ શ્રી રમેશ પટેલ (આકાશદીપ), વતનમાં અનુભવેલા ચોમાસાંને યાદ કરી, અહીં અમેરિકામાં મીઠી યાદોમાં ભીંજાય છે)

સ્મૃતિ કથા

ભાઈ આ ઉકળાટથી તો તોબાહ. લૂ વાળા વાયરાને પરસેવે રેબઝેબ, સૌ કોઈની મીટ મંડાય આભલે. હવાના મીજાજ બદલાય ને સાગરકાંઠેથી વાવડો છૂટે કે મેઘરાજાની સવારી આવી રહી છે. અષાઢનો ગાંડોતૂર પવન ફૂંકાયને ઝાડવાં ધૂણવા માંડે. ધૂળની ડમરીઓ ને વાદળો ઘેરા ઘાલે, ને પછી તો કડાકા- ભડાકા સાથે મેઘો તાંડવ નૃત્યનો આરંભ કરે. ધરણીનો વ્હાલો, સાંબેલા ધારે ત્રાટકે ને સર્વત્ર જળ તરબોળ. આકાશથી અમૃત વર્ષા ઝીલી, ધરતી સૌરભથી ખીલી ઊઠે ને મેહને વધાવતા ભાવો રમે…

શ્રીમંતાઘૂમતાઓ , ઝરમર ઝરને, આવને ભેટવાને

ને આવ્યો એ છવાતો, ગગન ગજવતો , આભલે વાત સંગે

પર્જન્યપ્રેમ ભીંનો, રસધર વસુધા, કાયને મ્હેંકાવીને

ઐશ્વર્ય અર્પવા એ, ગિરિ પર વરસી, કુંજલીલી રમાડે.

ખેતી પ્રધાન દેશની આ વ્હાલી ઋતુ એટલે વર્ષા ઋતુ. કબૂતરીયા રંગનાં શ્યામલ વાદળો મનમૂકીને જ્યાં વરસે, સૂકી ધરતી છબછબ કરતી વાટે રેલાતી જાય, ઝરણાં રમતાં –કૂદતાં નદીઓમાં જવા ઉતાવળાં થાય. ચોમાસામાં નદીઓનું યૌવન અંગડાઈ લે, ને બે કાંઠે છલકાવાની શરુઆત થાય. વર્ષા ઋતુનાં આ સંભારણાં આજે મન નભડે ઘૂમરાવા લાગ્યાં. મા ગુર્જરીની નાની મોટી અનેક નદીઓ..ચોમાસે ઉભરાતી, મદમાતી છલકાતી જોતાં જોતાં મોટા થયા છીએ. મહિસાગર અને સાબર કાંઠે, જીવનનાં વર્ષો સુખેથી ગાળ્યાં હોય, બે કાંઠે ઘૂઘવતી આ નદીઓને અનેક ચોમાસાઓમાં નજરે નીહાળી છે. તેના રોદ્ર સ્વરૂપનું અને કુદરતની મહા શક્તિઓ આગળ આપણું વામણાપણું, જોવું સમજવું એ પણ એક લ્હાવો છે.

નવયુગના માનવીઓએ બાંધેલા નાથેલા જળપ્રવાહથી કેટલાય સંકટો ટળ્યા છે, એ પણ અનુભવ્યું છે. આ અષાઢી વર્ષાનાં આગમન પછી ધરતી લીલુડા સાજ ધારણ કરે, હૃદયને ઊર્મિઓથી ભરે ને મુખલડે ફરફર છાંટણથી કામણ વેરે..સર્વત્ર ઠંડકનો આનંદ. આવો, મારા શીશુવયથી ઝીલેલી એ ભીંની વાતોથી ફરી ભીંજાઈ જઈએ.

ગુજરાતના ખેડા જીલ્લાનું પ્રકૃતિ ખોળે રમતું ગામ મહિસા એ મારું વતન. બાપોતો વ્યવસાય ખેતીવાડી, એટલે ધરતી અને વરસાદને ખોળે ઉછરતું જીવન. ખેતરો, ભર ઉનાળે ખેડી તૈયાર હોય, ને વરસાદની જેવી પધરામણી થાય..છોકરાંને મુખડે ગીત રમવા માંડે…

આવરે વરસાદ

ઢેબરીયો પરસાદ

ઉની ઉની રોટલી ને કારેલાંનું શાક

ખેડૂત પરિવારોના મુખ પર છવાતી એ ખુશહાલી એ સાચો વૈભવ, એવું સદાય મને લાગતું. સારું ચોમાસું એટલે દેશની સારી અર્થ વ્યવસ્થાની વધામણી ને તેની કૃષી સાથે જોડાયેલી સમાજ વ્યવસ્થા શરૂ થાય. એ વરસાદી વાતાવરણમાં, માડી ચૂલા પર ગરમા ગરમ વાળું તૈયાર કરી બેઠી હોય, ને ઉજાણી સાથે સૌ પહેલા વરસાદની મજા, અમે આખી ખડકીના પરિવારો સાથે માણીયે. ધડધડ નેવે પડતા વરસાદને ઝીલવા , બાળકો હાથ લાંબા કરે ને પલળવાની મજા માણે. અમૃત વર્ષાનાં એ ફોરાં , પતરાં પર વરસાદી સંગીતની મહેફીલ સજે ને ભીંની ભીંની ઋતુનાં કામણ. દોરી પર ઝૂલતાં દદડતાં પહેરણોમાં ચોમાસાની વાર્તા માંડે. પવન સપાટે ઉચકાઈ પટકાતાં, કોઈ ઘરનાં છાપરાનાં પતરાં તથા ઘર પર પાંખો ઊંચી કરી ન્હાતાં પારેવડાં , જોવાની બાળ માનસને સદા મજા પડતી…એ કેમ વિસરાય?

ગાજ્યાં ગગન ઘોર ગડગડ

ઝબૂકી વીજળી ઝળહળ ઝળહળ

અંગે ઓઢ્યું નભ નમણું ફરફર

ઝીલ્યું ચોમાસું ઝરમર ઝરમર

ખેતરની ખેડેલી ધરા, ઝરમર વરસાદ ઝીલી સંતૃપ્ત થાય ને, ખેડૂ લોક વાવણી કરવા બળદ જોડે. ઘૂઘરમાળ બળદને કંઠે રણકે ને એક પછી એક જતી એ વણઝાર જોવી એ, ગ્રામ્ય જીવનનો લ્હાવો હતો. અમે પણ મોટેરાં સાથે તે સમયે ગાડામાં બેસી જતા, રસ્તે વાડ પર ફેલાતા વેલાઓને લીલુડું ઘાસજોઈ , હરખપદુડા થતા ખેતરે પહોંચતા. ઝાડ નીચે બનાવેલી છાપરી નીચે પ્લાસ્ટિક પાથરી રમવાની મજા પડતી. ભીંની ઋતુમાં પેદા થતા અનેક જીવ-જીવડાં ને પંખીઓની મીજબાની એટલેકે કુદરતી સંતુલનની આ વાત મોટપણે સમજાણી, પણતે વખતે તો દેડકાનાં ડ્રાઉ ડ્રાઉની બોલીની નકલની મજા લાગતી…એ ગમતી. ત્રણેક દિવસમાં વાવેલુંબીયારણ ઊગી ચાસે પડતું ને એ લીલાછમ ખેતરો લહેરી ઉઠતા. આ નજર ઠારતો લ્હાવો એટલે જ વર્ષા ઋતુનો વૈભવની મહાપ્રસાદી.

નદીઓને ચોમાસે રમતી જોવા, અમે અમારા ગામથી થોડે દૂર વહેતી નદીને જોવા જતા. કોતરોમાંથી પસાર થતા એ રસ્તે જતાં, અમને ખૂબ રોમાંચ થતો, જેવો નદીનો ખળખળ વહેતો પ્રવાહ સામે નીરખીએ, છબછબિયાં કરવા,મન લલચાતું. આ સમયે એક વડીલ સૌને રોકી એક વાત કહેતા.. એ યાદ આવી ગયું… અત્યારે પ્રવાહ ખૂબ જ જુસ્સાદાર હોય, ઢીંચણ સમા નદીનો પ્રવાહ પણ આપણને આડાપાડી ખેંચી જાય..ડૂબાડી દે…નદીમાં ના ઉતરાય. સાંભળો છોકરાઓ ઘણી વખત નદીનો પ્રવાહ એકદમ શાન્ત દેખાય તો તુરત જ દૂર જતા રહેવું, કારણ કે થોડા જ સમય

પછી ઘોડાપૂર આવવાનું હોય. ટી.વી. ઉપર આવી રીતે ઘોડાપૂરમાં તણાતા પરિવારને જોઈ, તેમની આ સોનેરી અનુભવી શીખામણ માટે અત્યારે પણ અહોભાવ અનુભવાય છે. અમે ભૂલકાં તો નદીમાં તણાઈ આવતાં ઝાડી ઝાંખરાં જોતા, ને દૂર વળાંકે જળ થપાટોથી પડતી ભેખડો જોઈ રોમાંચીત થઈ ઉઠતા. અત્યારે તો આ જળપ્રપાત સાથે વીજ સુવિધા થકી, ભેજવાળી હવા જ્યારે અકસ્માતો સર્જે છે ત્યારે ખૂબ જ ખિન્નતા અનુભવાય છે.

વર્ષા ઋતુનું મહામૂલું કાર્ય એટલે વાતાવરણની શુધ્ધતા. ધૂળ ને ધૂમાડા સઘળું પાણીમાં ઓગળી ધરાએ ધરબાય. તાજગી દેતી હવા ખાવા અમે અગાસી પર રમવા જતા. વાદળછાયા વાતાવરણમાં ટોચે જઈ બેસવું એટલે આલ્હાદક વાતાવરણની મીઠી મજા માણવી…અનુભવે જ આ વાત પરખાય, માણે તેની મજા. અમારા ગામમાં મોરની વસ્તી ખૂબ જ અને વરસાદ ગાજે એટલે એક મોરલો જેવો ટહુકે..બીજો ત્રીજો સાથ પૂરાવા મચી પડે. શ્યામલ આકાશની નીચે એ ટહુકા સાંભળેલા તેની મીઠી ગુંજ આજે પણ મનમાં ગુંજતી રહેછે. ઝીણી ફુહારે પલળવાની મજા જેણે લૂંટી એના શ્રીંમંતાઈની ઈર્ષા કરવાની વાત હૃદયથી ભૂલાય તેમ નથી. ગડગડાટ સાંભળીએ ને વતનથી દૂર હોઈએ પણ, મોરલાના ટહુકા સાથે સાવજની દહાડનો આભાસ મનમાં રમી જાય ને કવિહૃદયમાંપડઘાય..

ગાજે મેહુલિયો ને સાવજની દહાડ

જાણજો એજ મારું વતન ગુજરાત

વરસાદની હેલી થતી જાય ને ગામના તળાવોમાં, નવા પાણી એક પછી એક પગથિયાં ઉપર આવતાં જાય. પાણીની સપાટી વધી ના જાય માટે એક ખરખડી બાંધી હોય એ વધારાનું પાણી બહાર જવા દે. ગામ લોકો જળ દેવતાની વધામણી કરે, મહાદેવને રીજવે. તરવૈયા ધબાધબ મોટા વડલેથી ભૂસકા દે ને તરવાની મજા લૂંટે. ઘણા તળાવના આ છેડેથી પેલે છેડે તરતા પહોંચે, કમળ કાકડી લેતા ખાતા મજા કરે. વરસાદની મસ્તી સાથે પશુ પંખી ને માનવજાત, ગ્રામ્ય જીવનના આનંદમાં તરબોળ થઈ જાય. આ મજાના વરસાદી દિવસો અમને આજીવન ભીંજવતા રહ્યા છે.

પહેલાના જમાનામાં પૂલોની સગવડ ઓછી ને વાહન વ્યવહારની અસુવિધાને લીધે, ચોમાસામાં ના છૂટકે જ લોકો યાત્રાએ નીકળતા. સંત સન્યાસી એક જ સ્થળે રોકાઈ ચાતુર માસ કરી, સત્સંગની ગંગા વહેવડાવતા. શ્રાવણ માસની આ ધાર્મિકતા અમે સંસ્કાર રૂપે બાળપણથી ઝીલી છે.

બાલિકાઓમાં સંસ્કાર સીંચતું પર્વ..ગોરમાનો વર કેસરિયોને નદીઓ ન્હાવા જાય મારો વાલમા..ગાતું નિર્દોષ ભોળું બાળપણ જવારા વાવી ..ચોમાસાની જે મજા લૂંટે છે, એ ભારતીય સંસ્કારની સુવાસ જ છે. જન્માષ્ટમી કે રક્ષાબંધન પર્વોની મજા, વરસાદી વાતાવરણમાં ઓર જ ખીલે ને જે મજા માણેલી એ સાચે જ અહોભાગ્ય છે. યુવાવયે જીઈબીમાં સબસ્ટેશનથી નોકરીની શરુઆત થઈ. વરસાદની શરુઆત એટલે વીજ વહનમાં વાંધા બાધા શરુ. ઈન્સ્યુલેટર્સ ફાટે કે વંટોળ કે ઝાડના ઝપાટે વીજ લાઈનો પડે. ઘનઘોર રાત્રે , તોફાની વરસાદમાં , જ્યારે સૌ કોઈ બારી બારણાં વાસી ઘરમાં પૂરાઈ જાય, અમે લાઈન સ્ટાફ સાથે જીપ લઈ, ખેતરાળું રસ્તે બહારવટે ચડીએ. વરસાદમાં વીંછી ને સાપના ઉપદ્રવ વધે ને વગડે વગડાના જીવો ભેટે. સાવધાની સાથે પ્રભુને ખોળે રમવા હામ જોઈએ..જે દેવાવાળો પણ ઉપરવાળો છે, જે હવે સમજાય છે. પહેલાં રસ્તાઓનો અભાવ, ફોનની નહીંવત સુવિધાઓ વચ્ચે એક જ ઊંડી નાળ, કે રસ્તે જીપ ફસાઈ જતી, કોઈનું ટ્રેક્ટર મળે તો જીપ બહાર નીકળતી. એક વખત આવા અંતરિયાળ રસ્તે , સખત વરસાદ વાવાઝોડામાં રસ્તો બંધ થવાથી, અઢાર માઈલ ચાલી અમે પરત આવેલા. ડિવિઝન ઑફિસમાં એ સમાચાર બની ગયેલા ને નોંધ લેવાયેલી…એ પણ વરસાદી મહેક યાદ આવી ગઈ.

ચોમાસુ એટલે ચોરલોકોની સીઝન.ગામડાઓમાં છેવાડાના ઘરોમાં , વરસાદી અવાજમાં ચૂપકીથી ચોરો દિવાલ કોચી ઘૂસતા. અમે રાત્રે વીજલાઈન ચેકીંગપર નીકળતા ત્યારે દૂરથી ઝાંખા બેટરી લાઈટના છૂપાછૂપી ઝબકારા દેખી , ગામમાં ફરતા ચોરોનો અંદેશો મળી જતો. અમે ગામની ભાગોળે ટ્રાન્સફરમાં ફ્યુઝ ચડાવી લાઈટ જેવી ચાલુકરતાં કે ચોરોની મજા બગડી જતી. ચોર લોકો પાછા લાઈન પર લંગરીયાં નાખી, અંધારુ કરવા મથતા ને અમારા કામમાં વધારો કરતા. ઘરવાળા અમારી આ રાતની, વગડાની જોખમી નોકરીથી ડરતા ને રીસાતા..અમારા સાસરિયા તો કહેતા કે ખોટી જગાએ દીકરી ભરાઈ પડી છે. અમારા એક તાજા પરણેલા સ્ટાફ મિત્રની પત્નિ કહેતી કે દિવસે ડ્યુટી કર્યા પછી કોઈ ઓફિસ રાત્રે કેવી રીતે બોલાવે? તમે ખોટાં ઊઠાં ભણાવો છો. છેવટે બીજી બહેને જ તેમને સમજાવી કે અમારવાળા પણ એમ જ કરે છે. જોકે પ્રભુએ આ તપનાં મીઠાં ફળ આ જીવને અમને આપ્યાં છે.

આ સંભારણા સાથે કહેવું પડે કે…

ઓ મારા વરસાદ ને વહુ

કેમ કરી દઈએરે જશ

તારા ધસમસતા ફાળકા ચોદિશ

ભાદરવે જ રેલાવે મહા રેલું

જાણે, ઠેકે જોબનવંતી વહુ…કેમ કરી દઈએ રે જશ?

જગ કલ્યાણી આ વર્ષા ઋતુની ભીંનાશ એટલી ઋજુ છે કે

લીલીછમ ધરા સાથે મન પણ લહેરાય ઊઠે છે ને વધામણી દેવા હૈયું થનગને છે…

ગાજતો રહેજે વરસતો રહેજે

દશેદિશાએ દોડતો રહેજે

વરસે વરસે ભીંજવતો રહેજે

સૃષ્ટિનેસજાવતોરહેજે

વ્હાલા મેઘા આવતો રહેજે…આવતો રહેજે…આવતો રહેજે

રમેશ પટેલ(આકાશદીપ)

બે ટુંકી વાર્તા (જુગલકીશોર વ્યાસ)

મોટરનો નંબર                                                               

સુદેશકુમાર વાસ્તુશાસ્ત્રમાં બહુ માને. પોતાને ઘેર આવતા છાપામાં તો ખરું જ પણ જ્યાં પણ વાંચવા મળે ત્યાંનાં છાપાંમેગેઝીનોમાં તેઓ વાસ્તુશાસ્ત્રના લેખો અવશ્ય વાંચી લે. ધીમેધીમે તેઓ આ વીષયના નીષ્ણાત કહેવાતા થઈ ગયેલા. જુદાં જુદાં છાપાંમાં લખતા વાસ્તુશાસ્ત્રીઓનાં મંતવ્યો એકબીજાથી ઉંધા હોય તો પણ સુદેશકુમારને એનો વાંધો હતો નહીં.

એમાંથી જ પછી તો આંકડાઓનું શાસ્ત્ર પણ સમજતા થયા. શી ખબર, આ શાસ્ત્રોના ચુસ્ત પાલનને કારણે જ હશે કે પછી પાછલાં જન્મોનાં કર્મોના બળે, પણ આર્થિક બાબતેય સુખી બની ગયેલા…. જયોતીષશાસ્ત્ર તો વળી વાસ્તુ અને અંકશાસ્ત્ર બન્નેનો બાપ ગણાય પણ એમાં સુદેશકુમારની ચાંચ બહુ ખુંચે નહીં એટલે ઓફીસમાં સાથે કામ કરતા એક શાસ્ત્રીનો આધાર જરુર મુજબ લઈને પોતાની કુંડળી બતાવતા રહેતા. સુદેશકુમારની કુંડળીની ઉપરછલ્લી જ જાણકારી ધરાવતો એ શાસ્ત્રી ભુલી ગયેલો કે સુદેશકુમારનું નામ એમના બાપાએ રાશી પ્રમાણે પાડ્યું નહોતું. તેમની રાશી કન્યારાશી હતી ને પ ઠ ણ અક્ષરો પરથી જ નામ પડે પણ મોટા પુત્ર સુરેશ સાથે પ્રાસ મેળવવા પીતાશ્રીએ સુદેશ નામ રાખેલું.

એક દીવસ વાતવાતમાં શાસ્ત્રીએ એમને કહ્યું કે દોસ્ત, તારા ગ્રહો તને વગર પૈસે મોટરયોગ કરાવે છે ! મોટર તારી પાસે સામે ચાલીને આવશે ! તારી જન્મની રાશી સાથે મેળ ખાતો સાતનો આંકડો મળે એવો નંબર પસંદ કરી રાખજે, નવી મોટરને આપવા માટે.

સામે ચાલીને મોટર તો ન આવી પણ વિચાર તો આવી જ ગયો કે ટેક્ષમાં રાહત લેવા મોટર લેવા જેવી ખરી. ને એક દીવસ ખરીદી લીધી. ખરીદવા માટેની તારીખનો આંકડો તપાસી લીધો, ખરીદવા જતાં પહેલાં ઘેરથી નીકળતી વખતે ડાબુંજમણું નસખોરુંય તપાસી લીધેલું, સામે જ મળેલી, પડોશીના આંગણે એંઠું ખાવા આવેલી ગાયનાં દર્શન પર કરી લીધેલાં, પાછળના ભાગે કોઈએ છીંક ખાધેલી તેય એમને શુકનવંતી હતી…..બધું જ સુયોગ હતું. ફક્ત મોટરનો નંબર સાતના સરવાળાનો લેવા માટે આરટીઓમાં સમજાવવાની વીધી બાકી હતી. આરટીઓમાં માણસો ‘ભલાભોળા’ હતા તે શક્ય તેટલા નંબરો બતાવીને એક મજાનો નંબર પણ આપી દીધેલો ! નંબર મળ્યો તે સમયે ચોઘડીયું તો એટલું બધું સરસ હતું કે એક સાથે બે મોટર લઈ લીધી હોત તો સારું હતું ! પણ જવા દો –

ઘેર ગાડી આવતાં જ નાનકડો એવો સમારંભ થયો ને આસપાસનાં સૌ ને મીત્રમંડળી વગેરેએ પેટભરીને મજા માણેલી. ગાડીમાં બેસીને બહાર લઈ જવાનો ઉત્તમ યોગ બીજા દીવસે શનીવારે હતો. તે દીવસ રજા પણ યોગાનુયોગ હતી. સૌ નવી નવી આશાઓનાં સ્વપ્નાંઓમાં આખી રાત ઝુમતાં રહ્યાં તેથી જાગવામાં થોડું મોડું થયેલુ તે બાબતને બાદ કરતાં બધ્ધું જ સુયોગે થયેલું.

સવારે જાગીને બ્રશ પણ હાથમાં લીધા વીના સુદેશકુમાર એવમ્ ઘરનાં યુવાન દીકરી સીવાયનાં સૌ સીધા જ ઘરના ડાબી બાજુમાં મુકેલી ગાડીના દર્શને ભેળાં થઈ ગયાં…..પણ ગાડી ત્યાં નહોતી.

ફાળ પડી કે શું થયું કોણ કહી શકે, પણ અરધાએક કલાકમાં જ બધા સમાચારો એક પછી એક મળી ગયા. યુવાન દીકરી અને થોડા મહીનાથી સુદેશકુમારની દક્ષીણ દીશામાં રહેવા આવેલો, કન્યારાશીવાળો પરેશ બન્ને ઘર છોડીને સામે ચાલીને આવેલી મફતની નવી મોટરમાં ચાલી નીકળ્યાં હતાં.

સુદેશકુમારે ઘડીયાળમાં જોઈ લીધું……બહુ જ ખરાબ ચોઘડીયાં ચાલી રહ્યાં હતાં.

*****************

પરસેવો                                                                         

અખુટ સંપત્તીના માલીક અચરતલાલનો મોટી ઉંમરે થયેલો પુત્ર વીશાલ સમજણો થયો ત્યારથી પોતાના વીશે સાંભળતો આવેલો કે આ છોકરો બહુ ભગ્યશાળી છે. એને જીવનભર કમાવું નહીં પડે. વાપર્યું ખુટે નહીં એટલો પૈસો બાપાએ ભેગો કરી રાખ્યો છે, છોકરા માટે.

વીશાલને નાનપણમાં જ મળી ગયેલા આ સંદેશાએ – અને આમેય લાડકોડ તો હતા જ – આળસુ બનાવી દીધેલો. ઉંમર અને છોકરાનું કદ સાથે સાથે વધતાં ગયાં ને એમ એના નામને સાર્થક કરતાં રહ્યાં.

ધન–વૈભવમાં આળોટતા વીશાલને છેવટે એક દીવસ ડૉક્ટરે યુવાની આવતાં જ કહી દીધું કે પરસેવો પાડો અને જીવો. પરસેવો નહીં પડે તો પર–સેવા લઈને જ જીવી શકાશે…જાતે કશું જ કામ નહીં કરી શકો.

ઘરે મોટરોનો કાફલો ને પેટ્રોલનો ગમે તેટલો ભાવવધારો થાય તોય જેનું રુંવાડું ફરકે નહીં એવો વીશાલ, એનું ચાલે તો બાથરુમ પણ મોટરમાં બેસીને જાય એવી ટેવ પડેલી એમાં પરસેવો ક્યાંથી લાવવો? પૈસા ખર્ચીને તો પરસેવો લવાય તેમ નહોતો, નહીં તો –

ડૉક્ટરના કહેવા મુજબ એણે પહેલાં ચાલવાનું શરુ કર્યું ને એનાથી તો કાંઈ ફેર પડવાનો નહોતો એટલે પછી ના છુટકે દોડવાનું શરુ કર્યું. જોકે ઘરનાંને ચીંતા સહજ હોય તેથી વીશાલની પાછળ પાછળ મોટર લઈને ડ્રાયવરે પણ જવાનું તો હતું જ. આગળ વીશાળ દોડે ને થોડું અંતર રાખીને પાછળ મોટર ચાલે. પરસેવો, પરસેવો, પરસેવો મનમાં પરસેવાનું રટણ કરતો વીશાલ જાણે કે પરસેવાની શોધમાં જતો હોય એમ ઘાંઘો થઈને દોડવા જેવું કાંઈક કરી રહ્યો હતો.

હજી કેમ દેખાતો નથી પરસેવો? ક્યારે આવશે? શરુઆત ક્યાંથી થશે પરસેવાની? આવશે તો ખબર તો પડશે કે નહીં – પરસેવો આવ્યો એની? હે ભગવાન જલદી પરસેવો દેખાડ, પરસેવો !

ને સાચ્ચે જ એને પરસેવો દેખાયો.

રસ્તાની બાજુમાં જ થોડે દુર કાળાડીબાંગ શરીરનો માલીક એવો એક જણ એણે જોયો. પીઠ પરથી, છાતી પરથી, વીધાતાની લખેલી નસીબની રેખાઓ જ્યાં વસે છે તે કપાળ આખા પરથી (ને એમ એ જણને લથબથ કરી દેતો) પરસેવો દદડતો જોઈને વીશાલ ઉભો રહી ગયો. ‘આટલો બધો પરસેવો?’

પાછળ આવતી મોટરના ડ્રાયવરને એણે નીશાની કરીને ઘેર પાછો મોકલી દીધો….અને જાણે નવેસરથી એણે દોડવાનું શરુ કર્યું.

 

 

 

 

 

 

 

 

 

 

 

ધ્યાન એક સાધના (સરયૂ પરીખ) રસાસ્વાદ લતા હિરાણી

(સરયુબહેનના આ કાવ્યનો રસાસ્વાદ લતાબહેન હીરાણીએ ૮ મે ૨૦૧૮ ના દિવ્ય ભાસ્કરમાં કરાવ્યો હતો. સરયુબહેનની પરવાનગીથી આ કાવ્ય અને રસાસ્વાદ આંગણાંના મુલાકાતીઓ માટે ઉજાણીમાં સામીલ કરૂં છું-સંપાદક)

ધ્યાન એક સાધના

ખૂલી  આંખના અંધારે ટમટમતો ઝાંખો દીવો,

ડૂબકી મારી  દૂર જઈ પાછો  ફરતો મરજીવો.

એક ક્ષણે એ અણધાર્યો અતિથ બનીને આવ્યો,

મારે કાજે અકળ અનાદિ એવો પરિચય લાવ્યો.

ઑમ મધુરાં  ગાણાંમાં એનો યે  સૂર  પુરાયો,

મનની ઊંડી વાવ મંહી જે જઈ જઈને ઘૂમરાયો.

ઝરમર ઝીણી ઝાકળ રજમાં ચમકારો વરતાયો,

પાછી પાની પગથી  મૂકી  ક્ષિતિજમાં  ખોવાયો.

કાગા નીંદરમાંથી  જાગી, રૂંવે   રૂંવે  ચમકારો,

તેજોર્મિનો પુનિત પરોણો પલકઝલક ઝબકારો.

– સરયૂ પરીખ

રસાસ્વાદ (લતા હિરાની)

ભક્તિભાવથી  ભીંજાયેલા અનેક પદો મીરાં, ગંગાસતી, તોરલ જેવી સંત કવિઓના મળી આવે છે. એની કક્ષાય જુદી છે. સાદા શબ્દોમાં ભાવસાગરનું અપ્રતિમ ઊંડાણ અને ચેતનાવસ્થાની પરમ ઊંચાઈ એમાં પામી શકાય છે. વર્તમાન સ્ત્રી કવયિત્રીઓમાં પણ ભજન, હરિકાવ્યો જરૂર મળે છે પરંતુ આધ્યાત્મિક અનુભૂતિને વર્ણવતા કાવ્યો કદાચ જૂજ છે અથવા મારા ધ્યાનમાં આવ્યા નથી. સરયૂ પરીખનું આ કાવ્ય એમાં ગણી શકાય.

ધ્યાન કે મેડીટેશન શબ્દ હવે ઘણો પ્રચલિત બન્યો છે. યોગનો પ્રચાર પ્રસાર એમાં કારણભૂત છે. યુ ટ્યુબ પર પણ ધ્યાન કરવાની પદ્ધતિઓના વિડીયો થોકબંધ મળે એ આનું પ્રમાણ છે. આનો અર્થ એ કે યુવાપેઢી પણ આપણા આ પ્રાચીન વારસા તરફ આકર્ષાઈ છે. સામાન્ય પ્રજા યોગ અને ધ્યાનનું મહત્વ સમજતી થઈ છે એ એક સારી નિશાની છે.  ધ્યાનમાં બેસવું એ એક વાત છે અને એ અવસ્થાને ક્ષણ માટે પણ પ્રાપ્ત કરવી, એની અનુભૂતિ થવી એ બહુ વિરલ બાબત છે.

ધ્યાનમાં એક ઝબકારાની જેમ જ્યોતનું દર્શન થાય જે પરમ ચૈતન્ય સાથે માનવીની ચેતનાને સાંકળે અને એક દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત થાય એવું આ અવસ્થાને મેળવી ચૂકેલા સંતો કહી ગયા છે/લખી ગયા છે. સ્વામી પરમહંસ કહે છે કે “ૐ એ સર્જક શબ્દ છે. શરીરની શિસ્ત, માનસિક સંયમ અને ૐ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેને ક્રિયાયોગ કહેવામાં આવે છે.” પતંજલિ કહે છે કે “ઈશ્વર એટલે ‘ધ્યાનમાં સંભળાતા ‘ૐ’નો ખરેખરો વિશ્વધ્વનિ”

આ કાવ્યમાં ધ્યાનમાં થતી અનુભૂતિને વ્યાખ્યાયિત કરવાનો સફળ પ્રયાસ થયો છે. બંધ આંખ સામે એક જ્યોતનું દર્શન થાય અને જાણે મહાસાગરનું મોતી લઈને મરજીવો પાછો આવ્યો હોય, આત્માને એવો અનુભવ થાય એવું એક પળનું ધ્યાન પણ સાર્થક છે. મનમાં ૐકારનું રટણ બીજી રાજસીક કે તામસી બાબતોને શક્ય એટલી દૂર રાખવામાં  સહાય કરે છે. આંખ બંધ હોય પણ નજર સામે સતત દુન્યવી બાબતો દૃશ્યમાન થયા કરતી હોય તો એનો કોઈ અર્થ નથી. ધ્યાનમાં બંધ આંખે ભ્રૂકુટિ પર રહેલા ત્રીજા નેત્ર તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે અને વિચારોને વિરામ આપવાનો હોય જે જે અત્યંત અઘરું છે. વિચારોના ઘોડાપૂરથી થાકી અનેક લોકો ‘આમ બેસવા કરતાં કશુંક કામ કરવું સારું’ એમ વિચારી પ્રયત્ન છોડી દે છે. પણ ભલે વિચારો આવતા રહે, એને થોડીક ક્ષણો માટેય રોકવા એ અત્યંત દુષ્કર અને વર્ષોની સાધના માગી લેતું કામ છે પણ એકાદ કલાક સુધી શાંત, સ્થિર બેસી શકાય તોય એ મોટી ઉપલબ્ધિ છે, એનાથી મન થોડું શાંત જરૂર થાય છે અને ધીમે ધીમે આ માર્ગે આગળ વધી શકાય છે.

બે આછાંદસ (નીલમ દોશી)

(ગુજરાતના અનેક અખબારો તેમજ સામયિકોમાં હાસ્યથી લઈને બાળનાટકો તેમજ જીવનપ્રેરક વાર્તાઓનું સુંદર સાહિત્ય પીરસનાર લેખિકા શ્રીમતી નીલમબહેનથી આંગણાંના વાચકો પરિચિત છે. એમના અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આજે અહીં એમના બે સરસ આછાંદસ કાવ્યો કોઈપણ જાતની ટિપ્પણી વગર મૂકું છું.)

અંતિમ પ્રયાણ

આદરી તૈયારી અંતિમ પ્રયાણની,

સાથે તો કયાં કશું છે લઇ જવાનું ?

સગેવગે રહ્યું કરવું

પથારા માંડયા સંકેલવા,

ફાઇલો ફંફોસી,

કાગળો ફાડયા,

માળિયા, પેટી, પટારા

સઘળું કર્યું ખાલીખમ્મ,

વરસોથી જતન કરેલા

પુસ્તકો ઠાલવ્યા પબ્લિક લાઇબેરીમાં..

આખરી સૂચનાઓ લખી

સૌ સંતાનોને..

હાશ..હવે હાશકારો.. !

પૂરી થઇ સૌ તૈયારી

ત્યાં..

હાથમાં આવી ચડી..

જૂની પુરાણી..

સાવ જર્જરિત..જીર્ણશીર્ણ…

પીળા પડી ગયેલ પાનાઓવાળી

એક ડાયરી..

એમાંથી ડોકાઇ,

ભીની ભીની બે આંખો..

મારું શું કરવા ધાર્યું છે ?

કયાં સગેવગે કરીશ મને ?

નીલમ દોશી

 

બિલ્લા નંબર…

લાલ યુનીફોર્મ,

બાવડે ચળકતો બિલ્લા નંબર..

સૂકાયેલ હાડ ચામડા

. જાણે વસૂકી ગયેલ કોઇ ગાય

ભૂખ્યો જઠરાગ્નિ…

ઘેર રાહ જોતા ભૂખ્યા બાલુડા…

દોડાવતા સદા ઉતાવળી ચાલે..

ફાંદાળા શેઠ શેઠાણી..

હીરા મોતી ઝાકઝમાળ

ઉતરી રહ્યા મર્સીડીઝમાંથી

પકડયો બિલ્લા નંબર 124 ને..

કરીને સારી એવી રકઝક

ઠરાવી ભાવતાલ કુશળતાથી

હરખાઇને કરાવ્યા દસ રૂપિયા ઓછા..

એક પછી એક બેગ

ગોઠવાઇ રહી મસ્તક પર..

હજુ એક આવી જશે.

ઓહ…

હાથ પર લટકાવ્યા

બે મસમોટા થેલા..

દોડ ભાઇ હવે જલદી જલદી..

બિલ્લા નંબર 124..

વદયો હળવેથી…

હજુ ડોક રહી છે બાકી..

. ત્યાં પણ લટકાવી દો બેગ બે ચાર…

બધીયે યાતનાઓનો

આવી જાય અંત.

આમ પણ હું તો ..

ફકત.. બિલ્લા નંબર…

-નીલમ દોશી

માતૃભાષા (મહેન્દ્ર મહેતા)

(શ્રી મહેન્દ્ર મહેતા માત્ર આંગણાંના શુભેચ્છક જ નથી, આંગણાંના સહાયક છે. કલાગુરૂ રવિશંકર રાવળ અને ધરતીના કલાકાર ખોડિદાસ પરમારની લેખમાળા માટે એમણે સક્રીય સહાય કરેલી. આજે આંગણાંમાં એમનો આ લેખ મૂકતાં હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.)

માતૃભાષા

અમારા મિત્ર બટુકભાઈ સાથે મળીને અમે એક મંડળ બનાવ્યું હતું . આદર્શવાદી વલણ હજી ઓસર્યું નહોતું , નવું કરવા ની ધગશ હતી એટલે અહી વસેલા મિત્રો માં ભાઈચારો વધે તે આશયે India Pakistan Friendship  Society નું મંડળ રચ્યું.

બટુકભાઈ ને કૈફી આઝમી સાથે મૈત્રી હતી, તેમણે કૈફી સાહેબ ને અમારા મંડળ ની વાત કરી અને પરિણામે શબાના આઝમી અમારા મંડળ ના ઉદઘાટન પ્રસંગે હાજરી આપવા અમેરિકા આવ્યા. તેમની હાજરી ને કારણે અમારા મંડળ માં રસ લેનારા અને સભ્ય બનનારા ની સંક્યા સારી એવી વધી.

શબાના ના માન માં ધનાઢ્ય સભ્યોએ બે ત્રણ Party નું આયોજન કર્યું હતું. એવી એક Party ની આ વાત છે. તે Party માં હાજરી આપવા  Sacramento થી અમે પાચ છ મિત્રો સાથે Oakland ગયા.

આવી Party માં બને છે તેમજ જે ઓરડા માં શબાના હતા ત્યાં ખુબ ભીડ,બદ્ધા શબાના સાથે વાતો કરવા અને તેમની સાથે ફોટા પડાવવા પડાપડી કરતા હતા. એક તો અમે મોડા પહોચ્યા,અને  ભીડ માં જવું ગમે નહિ વળી  ફોટા પડાવવા નો શોખ નહિ એટલે મેં અને મીરાએ બીજો ઓરડો શોધ્યો. હું તે ઓરડા માં હતા તે મિત્રો સાથે વાતે વળગ્યો તે દરમ્યાન મીરાએ ખુરશી શોધી. તેની બાજુમાં એક ૧૯-૨૦ વર્ષ ની યુવતી બેઠી હતી.

થોડી વાર માં મેં  મીરાના અવાજ માં પ્રશ્નો ની ઝડી સાંભળી : કયારે Due છો? શું ખોરાક લે છો? દરરોજ દૂધ પીવે છે કે નહિ? Vitamins લે છો? વગેરે. અમે ત્યાં હતા ત્યાં સુધી તે બંને ની વાત ના ખૂટી. જતા જતા મીરાએ પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું “ ગભરાઇશ નહિ અને ગમે ત્યારે મને ફોન કરજે”. ઘરે જતા રસ્તા માં મીરાએ મને કહ્યું કે તે યુવતી નવી નવી Bangladesh થી આવી હતી અને આવતા વહેતજ Pregnant થઇ હતી. તેને હિન્દી કે English આવડતું નહોતું.

અઠવાડિયા પછી એક શનિવારે ફોન આવ્યો, સામેની વ્યક્તિ મને કહે છે “ મારી પત્ની ને મમ્મી સાથે વાત કરવી છે “ મેં આશ્ચર્ય થી પૂછ્યું “મમ્મી?” તે સાંભળતા વહેતજ મીરાએ  એ ફોન મારા હાથ માં થી લઇ લીધો, અને તેની વાત ૨૦ ૨૫ મિનીટ ચાલી. વાત પૂરી થતા મને કહ્યું કે તે ફોને પેલી બંગલાદેશ થી આવેલી છોકરી નો હતો. મને આશ્ચર્ય થયું કે તેમણે એટલી લાંબી વાત કેવી રીતે કરી, મીરાં ને ના આવડે બંગાળી કે ઉર્દુ અને પેલી છોકરી ને ના આવડે હિન્દી કે અંગ્રેજી. પછી તો લગભગ દર અઠવાડીએ તે છોકરી નો ફોન આવે. બે મહિના પછી ખાસ્સો કલાક લાંબો ફોને આવ્યો, કહેવા કે મને પુત્રી જન્મી છે અને તેનું વર્ણન કર્યું  અને પ્રસુતિ ના અનુભવ ની વાત કરી  અને છેલે અમને પુત્રી ના નામકરણ ઉત્સવ માં ભાગ લેવા ખુબ આગ્રહ સાથે આમંત્રણ આપ્યું.

અમે  નામકરણ ઉત્સવ માં ભાગ લેવા ગયા, અમે નમાઝ પઢી અને તે છોકરી ના અતિ આગ્રહ ને વશ થઈ મીરાએ ગીત ગયું “ મેં તો એક ખાવ્બ હું”.

મને  લાગે છે કે મીરાં અને અમારી તે “દીકરીએ”  જે માધ્યમ માં વાતો કરી તેનેજ “ માતૃભાષા” કહેતા હશે.

મહેન્દ્ર મહેતા (પાલો અલ્ટો, કેલિફોર્નિયા)

૧ જૂન ૨૦૧૮ થી આંગણાંમાં

           ૧ જૂન ૨૦૧૮ થી આવતા ત્રણ માસ સુધી આંગણાંમાં

સોમવારઃ ધારાવાહીમાં “એક અજાણ્યા ગાંધીની આત્મકથા”-શ્રી નટવરગાંધી

મંગળવારઃ ઉજાણીમાં અલગ અલગ લેખક અને કવિઓની કૃતિઓ.

બુધવારઃ લલિતકળામાં ચિત્રકળા અને છબીકળા

ગુરૂવારઃ નવલકથામાઃ પડછાયાના માણસ-શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટ

શુક્રવારઃ ઝરૂખોમાં મહે હજી યાદ છે-શ્રી બાબુ સુથાર

શનિવારઃ ચંદરવોમાં દૃષ્ટીકોણ-શ્રી પરભુભાઈ મિસ્ત્રીના મનનીય લેખ

રવિવારઃ રવિપુર્તિમાં શ્રીમતિ પન્ના નાયકની વાર્તાઓ

હિતેન આનંદપરાની કવિતાઓ

પહેલી કૃતિ “કરતા રહો” માં કવિ કહે છે, કંઈ પણ મહત્વનું કામ કરતાં પહેલાં એને સમજી લેવું ખૂબ જરૂરી છે. સારી વસ્તુ જયારે મળે, જ્યાંથી મળે એને ગ્રહણ કરતા રહેવું જોઈએ, આવી આવી ઉપયોગી સલાહ આપતી હિતેન આનંદપરાની આ કૃતિની પ્રત્યેક પંક્તિમાં વિચારોનું ઊંડાણ છે. છેલ્લી બે પંક્તિઓમાં કેટલી માર્મિક વાત કહી છે. કેટલા સંબંધો એવા હોય છે જે હોઠ પર લાવવાનું કામ અઘરૂં છે, એને અભિવ્યક્ત કરવા માટે ‘ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો’

બીજી કવિતામાં કોમપ્યુટરના એકમો અને કોમપ્યુટરના વપરાશ દરમ્યાન વપરાતા શબ્દોને વણી લઈ, હળવી શૈલીમાં ઘણી માર્મિક વાતો કહી છે. માણસોના મનમાં એક વાત હોય પણ ચહેરા ઉપરના નકલી ભાવ બીજું દેખાડતા હોય, એવું કોમપ્યુટરમાં શક્ય નથી. એમાં તો હાર્ડ ડિસકમાં હોય તે જ સ્ક્રીન ઉપર દેખાય. આવી તો ઘણી બધી વાતો કરી છે આ કવિતામાં. હિતેન આનંદપરાની ઘણી કવિતાઓમાં “કહીં પે નિગાહે, કહીં પે નિશાના” જેવું હોય છે.

કરતા રહો

બેસી નિરાંતે બે ઘડી પૃથ્થકરણ કરતા રહો,
જે પણ મળે સારું, સતત ગ્રહણ કરતા રહો.

એ ભ્રમ કદી ન પાળો, આકાશ અહીંથી અહીં સુધી,
ક્ષિતિજ કંઈ સીમા નથી, જો વિસ્તરણ કરતા રહો.

જેની ઉપર ના હક હતો, ના છે, ના કદી બનવાનો,
મનમાં નિરંતર એ વ્યક્તિનું સ્મરણ કરતા રહો.

આ પ્રેમ નામના ગ્રંથનો ફેલાવ વધવો જોઈએ,
જો પ્રત કદી ખૂટી પડે, તો સંસ્કરણ કરતા રહો.

પીંડને ફરતે ત્વચા ને રક્ત-અસ્થિ-વસ્ત્ર હો,
અહીં તો પહેલેથી રૂઢિ છે, આવરણ કરતા રહો.

એ નામ અગર લખવું મુમકિન નથી, કંઈ નહીં,
ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો.

– હીતેન આનંદપરા

માનવીની જેમ હસતું નથી..

માનવી ની જેમ એ હસતુ નથી,રડતુ નથી

સ્થિતપ્રજ્ઞ છે મુનિની જેમ, એ ચળતુ નથી

સ્ક્રિન પર દેખાય છે એ ડિસ્ક પર ચોક્ક્સ હશે

મન અને ચહેરા અલગ હો એમ અહીં બનતું નથી

હાર્ડડિસ્ક થી ફ્લોપી માં કોપી થયા છે બે જણા

સ્પેસ ઓછો છે છતાં એકાંત અણગમતુ નથી

એક અંગત ફાઈલ નામે “પ્રેમ” ખોવાઈ ગઈ

કેટલુ શોધ્યુ પગેરું ક્યાંય પણ જડતુ નથી

કેટલા સંબંધ ડી-કોડિંગ કર્યા છે તે છતાં

બાદ કરતા સ્વાર્થ ને બીજુ કઈ મળતુ નથી

જે દિવસ થી છોકરી આવી છે ઑપરેટર બની

એકટસ જોયા કરે છે કામ કંઈ કરતું નથી

ટેરવા કીબોર્ડ પર વીખરાઈ ને રડતા રહ્યાં

જીંદગી માં ફીડ કરવા જેવુ કંઈ બનતુ નથી.

———હીતેન આનંદપરા

વિપદ પડે નવ વલખીયે…(મનિષા પંડયા)

વિપદ પડે નવ વલખીયે

આજથી પીસ્તાળીસ વર્ષ પહેલા એક ગાંધીવાદી શિક્ષક દમ્પતિએ ગુજરાતના અમરેલી જીલ્લાના તરવડા ગામમાં એક શિક્ષણ યજ્ઞ શરૂ કર્યો. તરવડાના દૂરસ્થ આશ્રમમાં કોઈ શિક્ષક પોતાની મરજીથી જવા તૈયાર થતાહતા, એવા સમયે દંપતીએ સ્વેચ્છાએ કામ માથે ઉપાડી લીધું. શિક્ષકે પોતે તો લોકભારતીમાંથી શિક્ષણ ગ્રહણ કરેલું, અને લોભારતીના ગાંધીવાદી રંગમાં પૂરેપુરા રંગાયલા હતા, પણ એમના ધર્મપત્નીએ પણ રાજીખુશીથી એમાં સાથ સહકાર આપવાનું નક્કી કર્યું.

સેવાના ભેખધારી પતિપત્નીએ ઘરે ઘરે ફરીને લોકોને બાળકોને શાળામાં મોક્લવા સમજાવ્યા. એમની મહેનત અને નિષ્ઠાથી અભિયાન સફળ થવા લાગ્યું, અને વર્ષો પછી લોકો પ્રયોગનું ઉદાહરણ આપવા લાગ્યા.

નાના ગામના લાંબા વસવાટ દરમ્યાન એમને ત્યાં ચોથી દીકરીનો જન્મ થયો. ત્રણ દીકરીઓના જન્મ પછી સગાંસંબધી દીકરાની આશા રાખતા હતા. દીકરીના જન્મથી આનંદ તો દૂરની વાત છે, પણ કુટુંબીઓમાં અને અડોસીપડોસીમાં નિરાશાનું વાતાવરણ ફેલાઈ ગયું. અરેરે, ચોથી દીકરી? અને જાણે નિરાશા ઓછી હોય તેમ નવ માસની નાની દીકરીને પોલિયોએ ઝડપી લીધી. જમણી બાજુના અંગો કામ કરતા બંધ થઈ ગયા. લોકો આને અપશુકન માનીને તો પેટે પથરો પડ્યો એવા શબ્દો ઉચ્ચારતા થઈ ગયા.

આસપાસના લોકોને હમદર્દી થતી, દીકરી અને પણ અપંગ? માબાપને ભવિષ્યમાં કેવી કેવી યાતનાઓનો સામનો કરવો પડશે? છોકરી તો ક્યારેય ચાલી નહીં શકે. નાની હશે ત્યારે તો કદાચ તેડી તેડીને ફરશે, પણ મોટી થશે ત્યારે શું કરશે?

સમય આજના જેવી મેડિકલ સગવડો હતી, અને તેમાં તો નાનું ગામડું. પણ ગાંધીવાદને સંપૂર્ણ રીતે પચાવી ચૂકેલા માબાપે નક્કી કર્યું, હા મુશ્કેલી છે, પણ એનો બહાદુરી પૂર્વક સામનો કરવાથી જરૂર કંઈ રસ્તો નીકળશે. એમણે કમર કસી, અને દિકરીનો ઈલાજએક વાતને જીવનમાં સૌથી મહત્વનું કામ ગણી લડત શરૂ કરી. દાકતરો, દવાખાના, શહેરો અને શહેરોની હોસ્પીટલો, જ્યાં જ્યાં આશા જેવું લાગ્યું ત્યાં ત્યાં દીકરીને લઈને પહોંચી ગયા. એમણે જૂની કહેવત, “વિપદ પડે નવ વલખીયે, વલખે વિપદ જાયને ગાંઠે બાંધી લીધી. સતત પાંચ વર્ષના સંધર્ષનું ધીમે ધીમે પરિણામ દેખાવા લાગ્યું. સારવાર, સર્જરી, કસરત, અને આશાના પરિણામે જમણી બાજુમાં પગ સિવાયના અંગોમાં સારો એવો સુધારો થયો. દરમ્યાનમાં માબાપે દિકરીને ઘરે શિક્ષણ આપવાનું પણ ચાલુ રાખ્યું. એક તરફ એને ચાલતા શિખવવું અને બીજી બાજુ એને ગણિત, ભાષા અને વિજ્ઞાનનું શિક્ષણ આપવાનું. બીજા બાળકો જ્યારે રમતા હોય ત્યારે છોકરી એના પિતા પાસે બેસી અને અભ્યાસ કરતી.

માતાપિતાએ પોતાની બધી ઇચ્છાઓને કોરે મૂકી, દીકરીનું ભવિષ્ય સુધારમાં પોતાના જીવનને ઢાળી દીધું. રેડિયોના સિગ્નન કેવી રીતે આવે છે જેવી આધુનિક વિજ્ઞાનની વાતો સાથે વેદ, રામાયણ અને મહાભારતની વાતો પણ સમજાવી, મેઘાણી અને મુન્શી નહીં, શેક્સપિયરની પણ વાતો કરી.

પિતાની વાતોમાં વિશ્વાસ અને પિતાની પ્રેરણાથી છોકરી કોઈની પણ મદદ વગર ચાલતી થઈ. પિતાએ કહેલું, “કદમ અસ્થિર હોય ત્યારે રસ્તો નથી જડતો, અને અડગ મનના માનવીને હિમાલય નથી નડતો.” દીકરીએ મનને અડગ બનાવ્યું. સાત વર્ષની વયે પરીક્ષા આપી સીધી ચોથા ધોરણમાં શાળામાં દાખલ થઈ. માતાપિતાએ દીકરીને સારૂં શિક્ષણ મળે એટલા માટે પોતાની કર્મભૂમિ છોડી અમરેલીમાં સ્થળાંતર કર્યું. એમણે દીકરીને જ્ઞાન અને જીવન ઘડતરનું ભાથું આપવાના કાર્યને પોતાના જીવનના ધ્યેય તરીકે સ્વીકારી લીધું.

વીસ વરસ સુધી લડત ચાલુ રહી. પુરૂષ પ્રધાન સમાજમાં અપંગ દીકરી માટે જગ્યા બનાવવી કોઈ સહેલું કામ હતું, પણ તન, મન, ધનથી ધ્યેયમાં રચ્યા પચ્યા હી, એમણે દીકરી ને સુરતની NIIT એંજીનીઅરીંગ કોલેજમાં દાખલ કરાવી, એંજીનીઅર બનાવી. દીકરીને કોઈની દયા ઉપર નહીં, પણ પોતાના આત્મવિશ્વાસ અને પોતાની મહેનત ઉપર જીવવાનું શીખવ્યું. પોતાની જાતને ભૂલાવી દઈ, દીકરીના ભવિષ્યને પગભેર કર્યું. દીકરી વડોદરામાં નોકરીએ લાગી ત્યારે માબાપનું મન આનંદમાં હીલોળા લેવા લાગ્યું. આખરે એમની કઠોર તપસ્યાનું પરિણામ નજરે જોવા મળ્યું.

આવા જીદ્દી બાપની દિકરી પણ કેમ જીદ્દી કેમ હોય? એને લાગ્યું કે આટલું પુરતું નથી. મારે આનાથી કંઈવિશેષ કરવું છે, અને બધી બાધાઓ પાર કરીને અમેરિકા પહોંચી ગઈ. અમેરિકામાં નોકરી મેળવી, અને પાછી સંધર્ષમાં જોડાઈ ગઈ. પિતાના આદર્શો અને પિતાની હિમ્મતને સદાયે ધ્યાનમાં રાખી, ઉતરો ઉતર પ્રગતિના સોપાન સર કરવા લાગી. વિશ્વની સૌથી વિખ્યાત આઈ.ટી. કંપનીએપલમાં તનતોડ મહેનત કરી, સેલફોન અને કોમપ્યુટરના ક્ષેત્રમાં ૫૦ થી વધારે શોધખોળ કરીને પેટન્ટ મેળવી. આજે દીકરી, એપલમાં સિનીયર એક્સીક્યુટીવ છે અને એક મોટી ટીમનું નેતૃત્વ કરે છે. આજે પણ કહે છે, બધું મારા પિતાના સમર્પણથી શક્ય થયું છે.

દીકરી એપલની સિનીયર ડાયરેકટર મનિષા પંડ્યા, અને પિતા પુસ્તક પરબના પ્રણેતા, એક શિક્ષક, એક સમાજ સેવક, એક ભાષા પ્રેમી અને લોકભારતીમાંથી નીવડેલા ડો. પ્રતાપભાઈ પંડ્યા. આજે પિતાના જન્મ દિવસે દીકરી માત્ર એટલું કહે છે, “લવ યુ પપ્પા.”

શ્રીમતિ રમાબહેન પંડયા અને ડો. પ્રતાપભાઈ પંડયા

( સત્ય ઘટનાના ત્રણે પાત્રોને હું છેલ્લા પાંચ વરસથી વ્યક્તિગત રીત જાણું છું. કુટુંબ તરફથી મને પણ પ્રેમ અને માન સન્માન મળ્યા છે. હું મનિષા દીકરીનો માતા રમાબહેન અને પિતા પ્રતાપભાઈ પ્રત્યેના પ્રેમને જોઈને રામાયણના શ્રવણકુમારને યાદ યાદ કરૂં છું.

પી. કે. દાવડા)

 

નરસિંહ મહેતા ઈડિયટ હતા (યશવંત ઠક્કર)

(મૂળ અમરેલી જીલ્લાના નાનીધારી ગામના શ્રી યશવંત ઠક્કર ૧૯૮૦થી વડોદરામાં રહે છે. ૧૯૮૦ થી ૧૯૯૫ સુધી વિવિધ પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની  વાર્તાઓ, કવિતાઓ અને હાસ્યરચનાઓ પ્રગટ થઈ હતી.

૭ જુલાઈ ૨૦૦૮ થી “અસર”  નામનો બ્લોગ ચલાવે છે. પાંચેક વર્ષ પહેલા ‘નરસિંહ મહેતા ઈડિયટ હતા’ એ નામનો હળવો લેખ લખ્યો હાતો. એ લખવા પાછળ કોઈ ખાસ ઈરાદો ન હતો, એને અવળવાણી કહી શકાય. એ લખવા માટેનો હેતુ એ દર્શાવવાનો હતો કે: ‘નરસિંહ મહેતા જેવા ભક્ત કવિઓએ એમના પરિવાર માટે ખાસ કર્યું ન હોય, પરંતુ સમાજ અને સાહિત્ય માટે ઘણું ઘણું કર્યું છે.’ એમણે હાસ્ય કે મજાકભરી રચનાઓમાં તેમના માટે મોટેભાગે ‘અમે’ કે ‘અમારું’ જેવાં સંબોધનો વાપર્યાં છે. જે ખરેખર  ખુદની મજાક માટે જ વાપર્યાં છે.  મોટાઈ માટે નહિ. આજે એમની મંજૂરી લઈને આ લેખ અહીં રજૂ કરૂં છું.)

નરસિંહ મહેતા ઈડિયટ હતા

મિત્રો, આપણે સામાન્ય ગુજરાતી જન જેને નરસૈયો તરીકે ઓળખે છે તે નરસિંહ મહેતાની જન્મજયંતિની આજે ઉજવણી થઈ રહી છે  ત્યારે, ‘નરસિંહ મહેતા ઇડિઅટ હતા!’  એવું શીર્ષક આપ સહુને આંચકો આપનારું લાગશે પરંતુ અમે બહુ જ ભેજામારી કર્યા પછી આ શીર્ષક પસંદ કર્યું છે. અમે ખૂબ જ પ્રેમપૂર્વક કહેવા માંગીએ છીએ કે : ‘નરસિંહ મહેતા ખરેખર ઇડિઅટ હતા! લગભગ 00 વર્ષો પહેલાંના ઇડિઅટ! છતાંય આજના થ્રી ઇડિઅટ્સ જેવા!’

અરે, આ આમીરખાને તો  હજી  હમણાં ‘થ્રી ઇડિઅટ્સ’  ફિલ્મ દ્વારા આપણને સંદેશો આપ્યો કે: ‘જેને જેમાં રસ પડતો હોય એ જ લાઇન લેવાય. દેખાદેખીમાં કારકિર્દી ન બનાવાય!’

આપણા આ નરસૈયાએ તો છસો વરસો પહેલાં પોતાને ગમતી હતી એ જ લાઇન લીધી. ન કુંટુબને ગાંઠ્યા, ન સમાજને ગાંઠ્યા, ન રાજાના સેવકોને ગાંઠ્યા, ન રાજાને ગાંઠ્યા! બસ પોતાને જે ગમતું હતું એ જ કર્યું.

એને ભક્તિ કરવી હતી તો કરી! એને કવિતાઓ રચવી હતી તો રચી! એને મન મૂકીને નાચવું હતું તો નાચ્યા. દિલથી જે ગાવું હતું તે ગાયું. વળી  એવી જગ્યાએ જઈને ગાયું કે જયાં ગયા પછી પોતાની ઘરે જવું ભારે પડ્યું!

હા, એ જમાનામાં આ મહેતાએ સમાજથી સાવ વિખૂટા પડેલા લોકોમાં ભળવાનું સાહસ કર્યું  જે આજે પણ સહેલું નથી. બોલો એ રીતે જોઈએ તો પણ  આ મહેતા ઇડિઅટ ખરા કે નહીં ?

નરસિંહ મહેતાએ પોતાનું ઘર સાજું ન કર્યું એવું કહેનારાં તો  ત્યારે પણ હતા અને આજે પણ હશે. પરંતુ એમણે  પોતાની ભાષાનું સાહિત્ય સાજું કર્યું એ જેવીતેવી વાત છે?

આજે પણ એકલી કાવ્યરચનાની પ્રવૃત્તિ કરીને બહુ જ ઓછા કવિઓ ઘર સાજુ કરાવે શકે છે.

કોઈ કવિપત્ની અવારનવાર એના પતિને પૂછતી જ હશે કે: ‘કવિતામાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો.’

નરસિંહ મહેતા જો  આમકવિ થવાના બદલે રાજકવિ થયા હોત તો એમણે પણ બંગલો બનાવ્યો હોત!

પરંતુ એમણે રાજાને રાજી રાખવાને બદલે ભગવાનને રાજી રાખ્યા.

એમણે પોતાની કલાને ગીરવે મૂકી, પણ રોકડી ન કરી!

રહી ચમત્કારની વાત. તો એમણે પોતે ક્યારેય ચમત્કાર કર્યા નહોતા!

હા છસો  વર્ષો સુધી પણ એમનાં ગીતો તાજાં રહ્યાં  એને ચમત્કાર ગણવો હોય તો ગણાવી શકાય! પુસ્તકો આવ્યાં, રેડિયો આવ્યો, ટીવી આવ્યું, ઇન્ટરનેટ આવ્યું, પણ નરસૈયો ટોપ જ રહ્યો!

આજે પણ  કોઈ ખેડૂત કે મજૂરને એ જેટલી રાહત આપે છે એટલી જ રાહત એ  કોઈ સાહિત્યરસિકને પણ આપે છે.

એનું અલગારીપણું એનું પોતાનું હતું. ભીતરનું હતું. એમાં દેખાદેખી નહોતી! એમાં દંભ નહોતો.

દેખાદેખીમાં ઝભ્ભા પહેરાય, દાઢી વધારાય, નશો કરીને કવિતાઓ લખાય, પણ એવું  તકલાદી અલગારીપણું માણસને નરસૈયા સમાન  ઇડિયટ બનાવી નથી શકતું.

એમની કલ્પનાઓ, એમની રચનાઓ, એમની હથોટી, એમની ભક્તિ, એ બધી બાબતો વિષે વિદ્વાનોએ ઘણું લખ્યું છે અને લખતા રહેશે.

પરંતુ એમના ભજનોના રંગે રંગાયેલો માણસ તો ગાતો જ રહેશે… ગાતો જ રહેશે.

અને નરસૈયો એ રીતે જ  બદલાતા જમાનામાં પણ  સચવાતો જ  રહેશે.

ખોટી વાત ?