(આંગણાની સમસ્ત ટીમ વતી હું શ્રી નટવરભાઈ ગાંધીનો હ્રદયપૂર્વક આભાર માનું છુ. એમણે “દાવડાનું આંગણું”માં એમની આત્મકથા “એક અજાણ્યા ગાંધીની આત્મકથા” સતત ૪૮ અઠવાડિયા સુધી આપીને “આંગણું”ને શોભાવ્યું છે. એમની આ પ્રેરણાદાયી આત્મકથા દેશ-વિદેશના વાચકોનું આકર્ષણ બની રહી છે. આશા છે કે શ્રી નટવરભાઈની લેખણીનો આંગણાંને ફરી લાભ મળશે. શ્રી નટવરભાઈની આત્મકથાને ઉત્સાહભર્યો આવકાર આપવા માટે આંગણાંના સર્વ વાચકોનો પણ આભાર માનું છું. – જયશ્રી વિનુ મરચંટ (આંગણાંના સલાહકાર) )
અને અંતે
આજે નિવૃત્ત થયા પછી મારી સીએફઓ તરીકેની તેરેક વર્ષની કારકિર્દીનો હું વિચાર કરું છું ત્યારે થોડીક વસ્તુઓ સ્પષ્ટ થાય છે. પહેલી વાત તો એ કે વિશ્વની મહાસત્તા સમા અમેરિકાની રાજધાની વોશીન્ગ્ટનના સીએફઓ થવું એ મારે માટે ન માન્યામાં આવે એવી મોટી વાત હતી. એક તો હું પહેલી પેઢીનો એશિયન ઈમિગ્રન્ટ, બોલું ત્યારે મારી ભાષામાં ઇન્ડિયન ઉચ્ચારોની છાંટ હજી પણ સ્પષ્ટ તરી આવે. ભલે હું અમેરિકન સીટીઝન થયો, પણ દેખાવમાં પ્રેક્ટીકલી ફોરેનર જ જોઈ લો. અહીં કાળાઓની બહુમતિ. વોશીન્ગ્ટન એક જમાનામાં ચોકલેટ સીટી તરીકે ઓળખાતું. એનું આખું રાજકારણ કાળાગોરાના ભેદભાવથી રંગાયેલું. દાયકાઓથી ગોરા કોંગ્રેસમેન અને તેમના ખાંધિયાઓ અહીં રાજ કરતા હતા. ડીસ્ટ્રીકની બહુધા બધી ઉચ્ચ કક્ષાની પોઝિશન એ લોકો પચાવીને બેઠા હતા. હોમરુલ મળ્યા પછી કાળા લોકો અને તેમના પોલીટીશીયનોને થયું કે આ તો આપણું શહેર છે, એ બધી પોઝિશન હવે કાળા લોકોને મળવી જોઈએ. આ કારણે વિલિયમ્સ મેયર થયા એ પહેલાં આવી કોઈ પોઝિશનમાં કોઈ ગોરો માણસ મળે તો એ અપવાદ રૂપે જ.
Continue reading “એક અજાણ્યા ગાંધીની આત્મકથા-૪૮ (અંતીમ)”-અને અંતે