Category Archives: કવિતા/ અછાંદસ

આ લંડન…ઈલા કાપડિયા

 

આ લંડન, આ લંડન છે. ઈલા કાપડિયા

એની ટાઢ હિમ એનો તાપ કૂણો, મેધા વરસે બારે માસ
વરસ  અડધું અંધારું ને  અડધે રવિ આથમે મોડી રાત
સૂરજ દાદા ઝળહળે ત્યારે હૂંફાળી બને વાત
આ લંડન, આ લંડન છે

માણસ કરતાં વાહન ઝાઝા શેરીઓ સ્વચ્છ ને વળી શાંત
કાસ્ટ ક્રીડ કે રંગ ધર્મના વાડા નહીં કોઈ વાડ
પણ જો કોઈ ચીંધે આંગળી વાદ પહોંચે પાર્લામેંટની પાર
‘હી’ અને ‘શી’ છે સમાન, અહીં રાણી પણ કરેછે રાજ
સ્થપિત સદીઓની લોકશાહી મેગ્નાકાર્ટા ખરડે
હાઈડપાર્કનો સ્પીકર્સ કોર્નર ‘ફ્રી સ્પીચની’ ખ્યાતિ કરે
આ લંડન, આ લંડન છે

બક’મ પેલેસ, સ્ક્વેરથી નીરખે નેલ્સન જંગ ટ્ર્ફાલગર
ડાઉનિંગ સ્ટ્રીટમાં વસે  યુ.કે.ના પી.એમ. ને ચાન્સેલર
કાળ કરાલ કહાની કહેતો લંડન ટાવર આજ
(ભારતનો)કોહીનુર હીરો ઝગમગાવે રોયલ ઝવેરાત
ચક્કર ચક્કર ફરી કરાવે સેર ‘આઈ લંડન’
કરો ક્લિક મેડમ તુષાદ સાથ શાહરૂખ, એશ ને બચ્ચન
આ લંડન, આ લંડન છે
———–
ઈલા કાપડિયા. મહિ         

વસંત —- ! – જયશ્રી વિનુ મરચંટ

વસંત…!

વસંત ફૂલ હોય છે,
ફૂલ છે વસંતના ભીના ચહેરાની કુમાશ….!

વસંત પાળે છે સપનાં
કોઈ પાંડુની હ્રદયની વ્યથામાં…!
વસંત ઉજવે છે ઉત્સવ
યમુનાના તટે, મધરાતે, પંચમની સુરસુધામાં
તરબતર થયેલ ગોપી સંગે, છટાથી ડોલતા
કૃષ્ણની રાસલીલાની મસ્તીમાં..!

પછી, વસંત હિમાલયના બરફમાં સંતાકૂકડી રમવા જતી રહે છે,
અને, ત્યાં રમતાં રમતાં થાકી જાય છે ત્યારે
ચક્રવાક મિથુનને શોધતી શોધતી
હિમાલયના ગગનચુંબી શૃંગો પરથી દડબડતી દડબડતી
નીચે ઊતરી આવે છે પ્રણયીની આંખોના વનમાં…!
પછી, પ્રણયીની આંખોના વૃક્ષો ને સૂરજ સંગે તડકે –છાંયે રમીને થાકે છે, ત્યારે,
ચૂપચાપ, એક દિવસ
વસંત ચાલી નીકળે છે..!

ને, પછી, સૂકાભઠ થઈ ગયેલા આંખોના વનમાં લાગે છે દવ,
ઉન્માદના સૂકા પડી ગયેલા પેલા એક વખતના લીલા વાંસના ઘર્ષણથી..!
…ને, પછી…
બળતરા, રાખ અને રાખમાં અડધી બુઝેલી ચિનગારી..!
વસંતને આવતાં તો આવડે છે, પણ…
હા, જવાની રીત નથી આવડતી…!

– જયશ્રી વિનુ મરચંટ

પરપોટાનું નગર….! – જયશ્રી વિનુ મરચંટ

પરપોટાનું નગર,
ને, એમાં પરપોટાનું ઉપવન,
ને, એમાં પરપોટાના વૃક્ષો,
ને, એ પર પરપોટાના પંખી,
ને, એની પરપોટાની પાંખો,
ને, એની પરપોટાની આંખો,
ને, એ આંખોમાં લહેરાતાં પરપોટાના ગુલમ્હોરો…!
ને, અચાનક…,
પાનખરની સળી વાગી…!
ને, નગર આખુંયે પાણી પાણી…!
ને, ઉપવન આખુંયે પાણી પાણી…!
ને, પંખીના ટહુકા પાણી પાણી…!
ને, એની આંખોમાં લહેરાતાં ગુલમ્હોરો વહ્યા બનીને પાણી પાણી…!
ને, ને…
મારી આંખોથી વરસ્યાં, પરપોટાના સાતેય સમંદર … પાણી પાણી…!

– – જયશ્રી વિનુ મરચંટ

ભાવેશ ભટ્ટની કવિતા -‘બને’ – આસ્વાદ- જયશ્રી મરચંટ

બને

બંધ ઘરના બારણામાં થી કોઈ સોંસરવું અંદર પ્રવેશ્યું
તાળાને પરસેવો છૂટી ગયો,
દીવાલોમાં ગુસપુસ થવા લાગી,
છબીઓએ અંદરો-અંદર સંકેત કર્યા,
બારીનો વ્યંગ સમજી શકાય એવો હતો,
દર્પણની હાલત સૌથી કફોડી હતી, એની આબરૂનો પ્રશ્ન હતો,
ઘડિયાળની બે-ફીકરાઈ ઉડીને આંખે વળગે એવી હતી,
પણ બારણાં સિવાય કોઈને ખાસ ફરક પડતો ના હતો,
એનું તો અસ્તિત્વ જોખમમાં હતું,
અચાનક
પાયાનું મૌન આખા ઘરને
હચમચાવવા લાગ્યું. Continue reading ભાવેશ ભટ્ટની કવિતા -‘બને’ – આસ્વાદ- જયશ્રી મરચંટ

ખીલો ~ શેફાલી રાજ

કબાટ ખોલ્યું,
મોં વકાસીને મારી સામે જોઈ રહી
મોંઘી સાડીઓ, દુપટ્ટા
ખૂબ માવજતથી સાચવેલા ઘરેણાં,
મારાં કોઈ કામના જ નથી!

આખું ઘર દિવસમાં
ત્રણ વાર ફરીફરીને જોઈ લઉં છું
અને મને વધુ ને વધુ ગમતું જાય છે.
મારા ચપ્પલ, શૂઝના ઢગલા
ચૂપચાપ ખાનામાં સૂતા છે, નિરાંતે!
મારો હીંચકો મને રોજ સાંજે,
કંપની આપીને જીવનમાં ગતિ ભરી દે છે!

મસાલાનો ડબ્બો, દાળ ચોખા,
મને જોઈને ખુશ થઈ જાય છે.
મ્યુઝિક સાંભળતા બનાવેલી રસોઈ પછી
મારું પેટ તો,
ડાઇનિંગ ટેબલ પર
વાહવાહની ધૂનથી  જ  ભરાઈ  જાય છે !

દીકરી, વર, સાસુ, દીકરો ને વહુ
મને આટલા વ્હાલા કેમ ક્યારેય નથી લાગ્યા??
મારા  ફેવરીટ કૂર્તામાં ને સ્લીપરમાં
દિવસ એવો સુગંધિત થઇ જાય છે
કે પરફ્યુમની જરૂર જ નથી વર્તાતી

ઘરની આસપાસનાં ઝાડ, પક્ષીઓ, ફૂલો
જાણે મારાં ઘરમાં ઉતરી આવ્યા હોય, 
એમ મને પોતાના લાગે છે!
આ બધી ક્ષણોની સુગંધ,
મારે ફ્રેમમાં મઢાવીને
મારા ઘરની દીવાલ પર ટાંગવી છે…
પણ ખીલો જ નથી મળતો.

29-3-2020