હું એકાગ્ર ચિત્તે વાંચું છું
સામેની બારીનો રેડિયો
મારા કાનમાં કઈંક ગર્જે છે.
દિવાલ પરનું ઈલેક્ટ્રીકલ ઘડિયાળ
વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.
ટ્યૂબલાઈટનું સ્ટાર્ટર
તમરાનું ટોળું થઈ કણસ્યા કરે છે.
ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી
ડચકાં ભરતી ભરતી રણકે છે.
ઘરનો નોકર દૂધવાળા જોડે
અફવાઓની આપલે કરે છે.
પડોશણનો અપરિચિત ચહેરો
કુથલીના ડાયલ ફેરવે છે.
રસ્તા પરનો નાહકનો ઝઘડો
બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.
ને, ઓચિંતો ફ્યુઝ જતાં, લાઈટ
અંધારું થઈને પથરાઈ જાય છે.
મારો આખો માળો અંધરોધબ….
નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે
“કાલિદાસ ! તુકારામ ! અલ્યા નરસિંહ !
અરે, કોઈ તો
ઈલેક્ટ્રિશિયનને બોલાવો !”
બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે
“અરે ગિરિધર ! સાંભળે છે કે, —
પહેલાં મીણબત્તી તો લાવ….”
અને –
મારી ચાલીમાં
મારા માળામાં
મારા ઘરમાં
મારા દેશમાં—–
મીણબત્તીની શોધશોધ ચાલે છે………..!
આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
કવિશ્રી જગદીશ જોષી, વિષાદના કવિ, એમની કવિતામાં રેખાચિત્ર કે રૂપકોની સાથે અચાનક જ કાવ્યત્વસભર વેદનાની એકાદ આછી ટીસ આવે. પણ, એ ટીસ ઝીણું દર્દ બનીને વાંચનારના દિલમાં ચૂપચાપ ઘર કરીને બેસી જાય. આ ઝીણું દર્દ પાછું જાનલેવા નથી પણ એ દર્દીને જગાડવાનું કામ કરીને જીવને સધિયારો આપે છે, ઉમેદ આપે છે. દર્દને જગાડીને ભાવિ માટે આશાનો દિપક જલાવનારા વિષાદના કવિ શ્રી જગદીશ જોષીનું અત્યંત પ્રસિદ્ધ ગીત, “વાતેવાતે તને વાંકુ પડ્યું ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.” અહીં ટાંકવાનો મોહ જતો નથી કરી શકતી. એ ગીતની આ પહેલી પંક્તિમાં જ કેટલી સિફતથી વાત વિષાદની કરે છે પણ કઈંક છોડવાથી કઈંક સુધરી શકાશે એની તરફ એક subtle – નાજુક અને માર્મિક ઈશારો કરી જાય છે અને આ જ વાત વાચકના હ્રદય સોંસરવી ઊતરી જતાં વાંચનાર તરત જ કવિકર્મ સાથે અનાયસે જોડાઈ જાય છે.
કઈંક આવી જ પ્રક્રિયા આ “મીણબત્તીની શોધાશોધ” કાવ્યના અંત સુધી પહોંચતાં થાય છે. ઘરમાંથી આથમેલા પ્રકાશને સહજતાથી અને સિફતથી કવિ ચાલી, માળો અને દેશમાં લઈ આવે છે અને એ પહેલાં, જે શબ્દચિત્રો રચે છે, જે રૂપકો રચે છે તે પણ સાદી વાતવાતમાં જ સહજતાથી રચાયા છે. આપણી રોજિંદી જિંદગી જ્યાં સુધી એના નિત્યક્રમમાં આપણી આજુબાજુ, ફેમિલિયર વાતાવરણમાં એની ગતિથી ફર્યા કરે, ત્યાં સુધી આપણને કઈં ફરક પડતો નથી. આપણી ક્રિયા અને પ્રક્રિયાઓ પણ ગ્લોબલાઈઝશનના યુગમાં આપણી આસપાસના લોકો અને વાતાવરણ ની સાથે, પરસ્પર આધારિત બની ચૂકી છે. આમ બધાં જ એકલા છે અને આમ જુઓ તો સચરાચર સાથે એક રૂટિનના વર્તુળમાં, બધું એક નિશ્ચિત ધરી પર એની મેળે ચાલ્યા કરે છે, ત્યારે જ આપણને એક સલામતી અનુભવાય છે. એમાં કુથલી છે, રકઝક છે, રેડિયાનો ઘૉઘાટ છે, આજુબાજુવાળાની જરૂર વગરની બૂમાબૂમ પણ છે. જે પણ થઈ રહ્યું છે તે બધું જ દેખાય છે અને અંધકારની ગર્તામાં સરી નથી પડ્યું. પણ, જેવો સમજણની બત્તીનો ફ્યુઝ જાય છે કે આ વર્તુળની ધરી દેખાતી બંધ થાય છે. જેવું દેખાવાનું બંધ થાય છે તેવું જ અનુભવવાનું પણ બંધ થાય છે. કદાચ આજના આ જેટ યુગની આ દેન છે કે અનુભૂતિને પણ અનુભવવા માટે દ્રશ્યમાન હોવું જરૂરી છે. એક એવી પરિસ્થિતિ સર્જાય છે કે જેમાં ઘરના, માળાના, ચાલીના, દેશના સર્વે જે આપણી આજુબાજુ એક નિત્યક્રમની ધરી પર સતત ફરતાં હતાં, એની ગતિ ખોરવાય જાય છે. હવે તો આપણે માણેલું સુખ પણ અંધકારમાં વાગોળતાં ડરીએ છીએ. આપણી છ એ છ ઈન્દ્રિયોને પણ અજવાસ વિના માણી નથી શકતાં. પોતે પણ એક કોલાહલના સાગરમાં ડૂબીએ છીએ, સાથે, આજુબાજુવાળા બધાંને ડૂબાડીએ છીએ. આપણા આત્મજ્ઞાનનો ફ્યુઝ ચમકે અને એકાંતમાં અંદરના ઉજાસથી જોતાં શીખી શકીએ ત્યાં સુધી તો આપણે, આ અંધકાર દૂર કરીને, અંતરમાં જ્ઞાનની મીણબત્તીનો પ્રકાશ રેલાવા માટે આપણને કોની આવશ્યકતા પડે છે, એને કવિશ્રી જગદીશભાઈએ ખૂબ જ સરસ રીતે સેટાયરમાં કવિતા અને કવિતામાં કાવ્યસભર સેટાયર મૂકીને કવિત્વના ચરમ શીખરને આંબી લીધું છેઃ
“કાલિદાસ ! તુકારામ ! અલ્યા નરસિંહ !
અરે, કોઈ તો
ઈલેક્ટ્રિશિયનને બોલાવો !”
બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છે :
“અરે ગિરિધર ! સાંભળે છે કે, —
પહેલાં મીણબત્તી તો લાવ….”
કાલિદાસ, તુકારામ અને નરસિંહનું કામ તો ઈલેક્ટ્રીશિયનને આપણા સુધી લઈ આવવાનું છે જેથી કાયમી પ્રકાશ થાય પણ અંતરની મીણબત્તી આપવાનું કામ તો ગિરિધરનું છે. ગિરિધરને આપણે કહ્યા કરીએ છીએ કે “મીણબત્તી લાવ” અને ઘરમાં, ચાલીમાં, માળામાં ને પૂરા દેશમાં આપણે સહુની સાથે આ મીણબત્તીની શોધમાં લાગી જઈએ છીએ. કવિ અહીં બાકીની ખાસ વાત ભાવક પર છોડે છે કે કાલિદાસ, તુકારામ અને નરસિંહ તો ગુરૂકર્મ કરીને ફ્યુઝ રીપેર કરવા માટે રસ્તો બતાવશે, પણ આત્મજ્ઞાનની મીણબત્તી નહીં સળગે તો લાઈટ આવી જશે છતાં પણ અંતરમાં અંધારું જ રહેશે. આ આત્મજ્ઞાનની મીણબત્તી સુધી જવા ગિરિધરની આંગળી પકડવી જ રહી. ગિરિધરને મીણબત્તી માટે પૂછતાં પહેલાં આપણી સર્વે ઈન્દ્રિયોને સતેજ કરી લઈને ગિરિધરને આપણે સાંભળી શકીએ એ લાયકાત કેળવવાની આવશ્યકતા છે. આ લાયકાત માત્ર વ્યક્તિગત રીતે જ નહીં, પણ, સમસ્ત ઘરમાં, માળામાં, ચાલીમાં, નગરમાં અને આખા દેશમાં કેળવાય એ વિષે જાગરૂકતા ફેલાવવાની જવાબદારી સમાજ તરીકે અને વ્યક્તિ તરીકે આપણી જ છે. અહીં જે શોધાશોધ ચાલે છે તે આ જાગૃતિની છે. આ શોધાશોધ કરતાં એક દિવસ તો મીણબત્તી મળશે જ એનું છાનું સાંત્વન પણ છે. જગદીશભાઈ એમની કવિતાઓની લાક્ષણિકતા પ્રમાણે, અંધકારના નૈરાશ્યમાં અજવાળાના રહસ્યને સમજાવીને આશાનું કિરણ મૂકતા જાય છે અને એ જ આખી કવિતાનો ઉઠાવ છે. કવિશ્રી જગદીશ જોષીની આ “સીગનેચર” કવિતા આજે પચીસ-ત્રીસ વર્ષો પછી પણ આજના આ હાઈ-ટેક જમાનામાં પણ એટલી જ સાંપ્રત લાગે છે, જેટલી લખાઈ ત્યારે હતી. કદાચ, કવિતાનું આવું ચિરંજીવીપણું જ એક સક્ષમ અને ધરખમ કવિને સર્વકાલિન બનાવે છે અને વિશ્વસાહિત્યમાં અમરત્વ આપે છે. કવિશ્રી જગદીશ જોષીને સો સો સલામ!
ક્લોઝ-અપઃ
(અમૃતા પ્રીતમની પંજાબી કવિતાનો ભાવાનુવાદ)
“મેરી જિંદગીકી સફરકા સફરનામા
સિર્ફ ઈતના સા હૈ,
મૈં એક પ્યાસ લે કે બસ, ચલતી હી રહી ભરી ધૂપમેં
યે સોચકર કિ કભી તો યે ધૂપ ઢલ જાયેગી તો યે જલતી પ્યાસ ભી કમ હો જાયેગી
ફિર સોચા, અંધેરા હો ગયા તો?
મેરી પાસ તો મોમબત્તી ભી નહીં,
ઔર ઈતના હી નહીં
ઉસે જલાને કે લિયે
મેરી પાસ માચિસ કી ટીલી ભી નહીં!”
Like this:
Like Loading...