આજે કાર્તિકભાઈના સ્ત્રીપાત્રો ઉપર આધારિત ચાર ચિત્રો રજૂ કરૂં છું.

૨૪” X ૩૦” ના કેનવાસ ઉપર ઓઈલપેન્ટથી દોરેલા આ ચિત્રમાં એક યુવાન સ્ત્રી એક પત્ર પોસ્ટ કરવા જાય છે. આ પત્ર એક પ્રેમપત્ર છે એ દર્શાવવા ઝાડ ઉપર એક પ્રેમી પંખીડાનું જોડું બતાવ્યું છે. જોડામાં નર અને માદાને અલગ અલગ રંગથી દર્શાવ્યા છે. સામાન્ય રીતે પીંક સ્ત્રીલીંગ સૂચક અને બ્લુ પુલીંગ સૂચક રંગોથી દર્શાવાય છે. યુવતીની નજરે એ પ્રેમીપંખીડાઓ ઉપર કેંદ્રિત છે. સ્ત્રીના વસ્ત્રો અને સ્કાર્ફ ઉપરથી ઋતુ સહેજે સમજાઈ જાય છે.

૨૪” X ૩૦” ના કેનવાસ ઉપર ઓઈલપેઈન્ટથી દોરેલા આ ચિત્ર માટે કાર્તિકભાઈએ મને કહ્યું “આ મારી મોનાલિસા છે.” દરેક કલાકારને પોતાનું સ્ત્રી પાત્રનું ઉત્તમ ચિત્ર મોનલિસા જ લાગે છે. લાંબા સમયના અમેરિકામાં વસવાટને લીધે, એમના સ્ત્રી પાત્રોમાં પરદેશી નારીઓના ચહેરા, પહેરવેશ, ઘરેણાંનો અભાવ વગેરે સ્પષ્ટ દેખાઈ આવે છે. ચહેરા અને આંખોમાં ન કળી શકાય એવા ભાવ, વાળ ઉપર ઢાંકેલું સ્કાર્ફ, વાળની એક છૂટી પડેલી લટ વગેરે ખાસ ધ્યાન આકર્ષે છે.

૨૪” X ૩૦” ના કેનવાસ ઉપર ઓઈલપેઈન્ટથી દોરેલા આ ચિત્રમાં એક મુગ્ધા એક બ્લુ પંખી સાથે વાતચીત કરી રહી છે. બ્લુરંગ પુલીંગ માટે વપરાય છે, મુગ્ધાના બ્લુરંગ પ્રત્યેના પક્ષપાતને દર્શાવવા એના સ્વેટરને પણ કલાકારે બ્લુરંગ આપ્યો છે. કન્યા આદીવાસી છે એ દર્શાવવા એના વાળમાં બાંધેલાં પાંદડા અને પાણીના સ્ત્રોતમાંથી પાણી લાવવા વપરાતા ઘડા નજરે પડે છે. એના ઘરેણાંની ડિઝાઈન પણ આદીવાસી કન્યાઓના ઘરેણાં જેવી છે.

૧૮” X ૨૦” ના કેનવાસ ઉપર ઓઈલપેઈન્ટથી દોરેલું એમનું “પાનખર” ઋતુનું આ ચિત્ર, અત્યાર સુધીમાં મેં રજૂ કરેલા કાર્તિકભાઈના ચિત્રોમાંથી મને સર્વાધિક ગમે છે. જીવનની વસંતમાં આવેલી કન્યા, કુદરતની પાનખર ઋતુમાં એકલી એક પાળ ઉપર વિચાર મગ્ન દશામાં બેઠી છે. એના મનમાં શું ચાલી રહ્યું છે એ કળવું મુશ્કેલ છે. ચિત્રમા કલાકારની મહેનત પાનખર દર્શાવત ખરેલાં અને ઝાડ ઉપરના સુકાં પાંદડા, વસ્ત્રોની ઝીણી ઝીણી ડીઝાઈન, પગના સેંડલની બારીકાઈ, હાથના આંગળા, પ્રત્યેક રેખામાં કલાકારની મહેનત અને સુઝબુઝના દર્શન થાય છે.
આ સાથે કાર્તિક ત્રિવેદીની કલાની આ ચિત્રોની હારમાળા સમાપ્ત કરૂં છું, અને કાર્તિકભાઈની પીંછી ઉત્તમ ચિત્રા સર્જતી રહે એવી શુભેચ્છા આપું છું.

Like this:
Like Loading...