Category Archives: કુન્તા શાહની ચિત્રકળા

કુન્તા શાહની ચિત્રકલા-૫ (અંતિમ)

રાજ મહેલ

કુન્તાબહેન જ્યારે ઉદયપુરની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાંના રાજ મહેલોની શોભા જોઈને એમને ખૂબ આનંદ થયો હતો. ચિત્રમાં એક દરબારીની પત્નિ પોતાની હવેલીની કમાનોમાંથી, તળાવની સામી પાળે રાજ મહેલમાં રાજાને મળવા ગયેલા પતિની આતુરતાથી રાહ જોતી અને આંટા મારતી જણાય છે. સ્ત્રીના રાજસ્થાની વસ્ત્રો અન આભુષણો, તળાવમાં મકાનોન અને વૃક્ષોના પડછા, આકાશના સંધ્યાકાળના રંગ વગેરેને યાદ કરી કરીને આલેખ્યા છે.

ક્યાં માળો બાંધીયે?

કુન્તાબહેનને ચિત્રકળાની બારીકાઈઓ શીખવી હતી, અને એના ઉપર હાથ અજમાવવો હતો. એમણે વિચાર્યું, પક્ષીઓના પીછાંમાં જે જીણવટ છે અને જે રંગોની વિવિધતા છે, બીજે ક્યાં જોવા મળશે? એમના મનમાં એક દૃષ્ય ખડું થયું. કોણીફરસના વ્રુક્ષ ઉપર ચડતી એક વેલ હોય, અને નર અને માદા પક્ષી પોતાના આવનારા સંતાનો માટે માળો બાંધવા માટે યોગ્ય જગ્યા શોધતા હોય. બસ દૃષ્યને એમણે મૂર્ત સ્વરૂપ આપી દીધું. માનવ આકૃતિનો પડછાયો પણ કોઈ ગુઢ વાત કહી રહ્યો હશે!! 12” X 16” એક્રીલીક રંગોવાળું ચિત્ર ૨૦૦૭ માં તૈયાર કર્યું છે.

કોડ લેન્ગવેજ

ચિત્ર કુન્તાબહેનને ખૂબ પ્રિય છે, કારણ કે એમના દિકરાને લિયોનાર્ડો વિંચીની કલાકૃતિ અને કોડમાં ખૂબ રસ પડ્યો હતો. આવા કોઈ કોડને કુન્તાબહેને ચિત્રમાં છૂપવી દીધો છે. એ  સુત્રને ગુઢ રીતે વ્યક્ત કરવા બગીચાની વાડની કમાન, બોલ રમતા પુત્ર અને પૌત્ર, ઇટાલિઅન સાયપ્રસ વૃક્ષ, પથ્થર અને સુર્યમુખિ ફૂલોની સહાય લીધી છે. 24” X 18” ના એક્રીલીક રંગોવાળા ચિત્રને ૨૦૧૭ માં તૈયાર કર્યું છે.

ઘર આંગણે બગીચો

કુંતા બહેનના દીકરાએ જ્યારે ડુંગરાળ  જમીન પર બગીચો બનાવ્યો ત્યારે કુન્તાબહેનને એણે વિનંતિ કરી કે એને ચિત્રમાં મઢી લે.  આબેહૂબ ચિત્ર બનાવવા માટે દિવાલ ઉપરની એક એક પથ્થરની લાદી ગણવી પડેલી. પ્રત્યેક લાદીનો રંગ ધ્યાનમાં લેવો પડેલો. આ કામ એટલી બધી ધીરજ અને મહેનત માગી લે છે, કે જો તમે ચિત્રકલાના વિદ્યાર્થી ન હો તો તમે ન સમજી શકો. 30” X 24” મોટા કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી આ ચિત્ર એમણે ૨૦૧૭ માં તૈયાર કરેલું.

આ ચિત્ર એમણે મને એમના સેલ ફોનમાં દેખાડેલું, ત્યારે મને પહેલીવાર ખ્યાલ આવ્યો કે જે કુન્તાબહેનને હું પાંચેક વરસથી ઓળખું છું એ એક સારા ચિત્રકાર છે.

૨૦૧૭માં, ૩૦”  ૨૪”ના કેનવાસ પર એક્રિલિક રંગોથી આ ચિત્ર સજાવ્યું છે.

 મારા આંગણાંમાં તમારા ચિત્રો પ્રદર્શિત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર કુન્તાબહેન. ફરી નવા ચિત્રો દોરો ત્યારે મને જાણ કરજો.

કુન્તા શાહની ચિત્રકલા-૪

શિયાળો

અમેરિકામાં શિયાળાની સખત ઠંડીથી લોકો ડરે છે. ચિત્રમાં કુન્તા બહેન કહે છે, શિયાળાની ઠંડીથી ગભરાયા વગર શિયાળામાં કુદરતની સુંદરતા જુવો. ચિત્રમા થીજેલા તળાવની ચારે બાજુ ઠંડીમાં પણ અડીખમ ઊભેલા વૃક્ષો અને લાકડાની કેબિન જેવું ઘર કેટલું વાસ્તવિક દર્શાવ્યું છે. 11″ x 14″ ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોનું ચિત્ર ૨૦૧૧ માં તૈયાર કર્યું છે.

નર્તન

કુન્તાબહેનની દિકરીના નૃત્યકલાના શોખથી પ્રેરિત થઈ કુન્તાબહેને ચિત્ર તૈયાર કર્યું છે. ચિત્ર એમણે એમની દિકરીને ભેટમાં આપ્યું છે. પ્રકાશની સામે ઊભી રહીને નૃત્ય કરતી નર્તિકાનો પારદર્શક ઉપવસ્ત્ર, નર્તિકાનો પાછળની દિવાલ ઉપર પડતો પડછાયો, દિવાલ ઉપરનું ચિત્રામણ, દિવાલની પાછળના વૃક્ષો, ફરસ, સ્વીમીંગ પૂલ વગેરેને ચિત્રમાં આવરી લીધાં છે. કુન્તાબહેન કહે છે, “.  I am watching her with all my love (find me in the tree trunk)”. 9″ x 12″ ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોવાળું ચિત્ર ૨૦૧૩ માં તૈયાર કર્યું છે.

સ્વપ્ન

ચિત્રમાં કુન્તાબહેને એક દિવસ એક દિવાસપનું જોયું. સપનાને એમણે ચિત્રમાં કેદ કર્યું છે. સપનામાં એમણે જોયું કે કુદરતને ખોળે એનું કોટેજ છે. એમના લગ્ન થવાના છે, અને ઘર કુદરતી નજારો છોડીને જવાના છે. સામેના ડુંગરા, એમાંથી નીચે ઉતરતી નદી, વગેરેથી દૂર જવાના છે. પિતૃઓ પાસેથી આશીશ માંગે છે. ચિત્રમાં, દિવાસ્વપન જોતાં બેઠેલા દેખાય છે. 11″ x 14″ ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોવાળું ચિત્ર ૨૦૧૫ માં તૈયાર કર્યું છે.

ધ્યાન ધરવા માટેની જગ્યા

મેડિટેશન માટે શાંત અને કુદરતી વાતાવરણ જોઈએ. કેલિફોર્નિયા રાજ્યના સાનડિયેગોમાં આવું એક મેડિટેશન પાર્ક મેં જોયું છે. ત્યાં દાખલ થતાં સેલફોન બંધ કરી દેવામાં આવે છે. કોઈ એક બીજા સાથે જરાપણ વાતચીત કરતું નથી. કુદરતી વાતાવરણ વચ્ચે એકલા બેસીને ધ્યાન ધરી શકાય એવી ઘણી જગ્યાઓ છે. આવા કોઈ ધ્યાન ધરવા યોગ્ય વાતાવરણની કુન્તાબહેનની કલ્પના ચિત્રમાં અંકિત થઈ છે. 18″ x 24″ ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોવાળું ચિત્ર કેટલું બધું કહી જાય છે. ચિત્ર ૨૦૧૪ માં તૈયાર કર્યું છે.

કુન્તા શાહની ચિત્રકલા-3

કુન્તાબહેન ૧૯૬૪માં નાયર હોસ્પિટલ, મુંબઈમાં, કાર્ડિઓલોજી ડિપાર્ટમેન્ટ્માં રિસર્ચ ટેકનીશિયન તરીકે કામ કરતા હતા, ત્યારે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો ગરીબીમાં પણ ભારતિય સંસકૃતિને કેવી રીતે નિભાવે છે તેનો અભ્યાસ કર્યો. આમ કલાકાર બનવા જરૂરી સંવેદનશીલતા કેળવવાના એમને અનેક અવસર મળેલા.

બીચ

કુન્તાબહેનને કુદરતના નજારા ખૂબ ગમે છે, પછી તે ગમે તે રૂપમાં હોય. 9” X 12” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી દોરેલું ચિત્ર બીચનું છે. ૨૦૦૯ માં તૈયાર કરેલા ચિત્રમાં બીચ ઉપરની રેતી કેટલી આબેહૂબ દેખાય છે. મુખ્ય સમુદ્રના એક ફાંટાનું પાણી અને મુખ્ય સમુદ્રના દૂર દેખાતાં મોજાંનું આવું દૃષ્ય મેં મુંબઈમાં મડ આયલેન્ડના બીચ ઉપર જોયું છે.

ચિત્રક્ળાનું શિક્ષણ

કુન્તાબહેનનું પ્રથમ પેઈન્ટીંગ છે. ચિત્રકળા શિખવાની શરૂઆત કરવા એમણે ચિત્રથી કરી. પાણી, ખડક, વૃક્ષ અને એના મૂળીયાં, નદીના વળાંક વગેરે કેનવાસ ઉપર કેવી રીતે અંકિત કરવા એની પ્રેકટીસ કરવા ચિત્ર તૈયાર કર્યું. 18” X 24” ના મોટા કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી ૨૦૦૮ માં શરૂ કર્યું અને ૨૦૧૦ સુધી એની ઉપર સુધારા કરતા રહ્યાં. ફરી આવો પ્રયોગ ૨૦૧૮ માં 30” X 40” ના કેનવાસ ઉપર કર્યો. આમ કુન્તાબહેન કાયમ એક ચિત્રક્ળાના વિદ્યાર્થી રહ્યા છે.

ખીણ

ચારે તરફ ડુંગરોથી ઘેરાયલી ખીણની વચ્ચેના તળાવમાં માછલીઓ જોઈને કુન્તાબહેન ખૂબ આશ્વર્યચકિત થતા. આસપાસના ડુંગરાના શિખરો એમને બીજી દુનિયામાં લઈ જતાં. એમને થતું કોણે કહ્યું સ્વર્ગ ખૂબ ઉપર છે, એમને તો એમની આસપાસના વાતાવરનમાં સ્વર્ગ દેખાતું. મને માછલી દેખાય છે, તમને મળી?

વન વગડાનાં ફૂલ

પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે છે, અને સૂર્યની આસપાસ પણ ચકકર લગાવે છે. બધી ગતિ માટે ગુરૂત્વાકર્ષણનું બળ કારણભૂત છે. ઉત્તર અને દક્ષિણ દિશાઓ તો આપણે નક્કી કરી છે, અને રીતે સ્વર્ગ અને નર્કની કલ્પના પણ આપણે કરી છે. કુન્તા બહેન કહે છે, સ્વર્ગ અને નર્ક બન્ને અહીં છે. 16” X 20” ના કેનવાસ ઉપર ૨૦૧૨ માં એમણે અહીં સ્વર્ગ અંકિત કર્યું છે.

કુન્તા શાહની ચિત્રકલા-૨

કુન્તાબહેન ચિત્રકળા ઉપરાંત સામાજીક પ્રવૃતિઓમાં પણ ગુંથાયલા છે. ફુરસદના સમયમાં ભારતની ફોજના સૈનિકો માટે હાથના મોજાં ગુંથતા અને હવે અમેરિકન વેટરન્સ માટે ગોદડી બનાવે છે.

એમના જીવનની ફીલોસોફી છે, અપેક્ષા વગર કામ કરવું.   બીજા પહેલા, હું પછી. માત્ર ભગવદગીતા વાંચતા નથી, ગીતામય જીવન જીવે છે.

અપૂર્ણતામાં પૂર્ણતા

ચિત્ર કુન્તાબહેનની સુપુત્રીને ખૂબ ગમે છે. ચિત્ર અધુરૂં છે, પણ એમની પુત્રીએ એમને આમાં કંઈ પણ વધારે ઉમેરવામાંથી રોક્યા. ચિત્રમાં ડાબી બાજુએ નીચેના ભાગમાં સ્નોફોલ જેવું લાગે છે હકીકતમાં કેનવાસ તૈયાર કરવા માટે લગાડેલું Gesso છે. એમને તો દૂરના ઘરોના છાપરા ઉપર દેખાતા સ્નોના છૂટા છવાયા ટુકડાને ચિત્રમાં વણી લેવા હતા. 18” X 24” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી તૈયાર કરેલું ચિત્ર ૨૦૦૯ માં બનાવ્યું છે.

શાસ્તા શિખર

કુન્તાબહેન એમની દિકરીના કુટુંબ સાથે શાસ્ત પર્વતની મુલાકાતે ગયા હતા. સાંજના થોડું મોડું થયું હતું, અને એમની મોટેલ થોડે દૂર હતી. કારમાંથી એમને જે દૃષ્ય દેખાયું એમણે મનમાં અંકિત કરી લીધું, ખાસ કરીને દૃષ્યના રંગોને યાદ કરી લીધા. પછી એમણે 9” X 12” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી ૨૦૦૯ માં ચિત્ર તૈયાર કર્યું.

લાસન નેશનલ પાર્ક, કેલિફોર્નિયા

શાસ્તા શિખરના પ્રવાસ વખતે લાસન રસ્તામાં આવે. મોડી સાંજનો સમય અને વરસાદથી ભીંજાયેલી પર્વતોની ફરતે ઘાટીની સડક પરથી કાર વળાંક લેવાની હતી ત્યાં પાણીના ખાબોચિયામાં લાલ લાઈટનું વિખરાયલું પ્રતિબિંબ જોતાં દ્ર્ષ્ય મનમાં કોરાઈ ગયું. પછી એમને 9” X 12” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોથી ચિત્ર ૨૦૦૯ માં તૈયાર કર્યું,

કેટલાં પક્ષીનો કોયડો

ન્યુયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝીયમમાં એમણે એક ચિત્ર જોયું. એમને ચિત્ર એટલું ગમી ગયેલું કે એમણે એને મનમાં અંકિત કરી લીધું. પછી 9” X 12” ના કેનવાસ ઉપર એક્રીલીક રંગોમાં યાદને કાયમી સ્વરૂપ આપ્યું. ચિત્ર પણ ૨૦૦૯ માં તૈયાર કરેલું.

 

કુન્તા શાહની ચિત્રકલા-૧

૧૯૩૯ માં મુંબઈમાં જન્મેલા કુંતા બહેન એક ડોકટર પિતા અને કલાકાર માતાનું સંતાન છે. વિજ્ઞાનના વિષયના સ્નાતક હોવા છતાં, માતાની જેમ એમણે પણ કલામાં રસ લઈ, કલાના અનેક ક્ષેત્રોમાં કુશળતા હાંસિલ કરી. અહીં હું માત્ર એમની ચિત્રકળા રજૂ કરીશ.

૨૦૧૪ થી હું એમનાથી પરિચિત હતો, છતાં એમની ચિત્રકળા વિષે મને ૨૦૧૭ ના અંતિમ મહિનાઓમાં જાણકારી મળી. એમણે પોતાના સેલફોનમાં પોતાનું દોરેલું એક ચિત્ર દેખાડ્યું. વધારે વાતચીત કરતાં એમની પ્રતિભાની જાણ થઈ. મારી વિનંતીને માન આપીને એમણે તૈયાર કરેલા ૨૦ ચિત્રો મને મોકલ્યા છે, જે હું પાંચ હપ્તામાં આંગણાંમાં રજૂ કરીશ. આજે એનો પ્રથમ હપ્તો રજૂ કરૂં છું. ચિત્રો એમણે પોતાની દિકરીના સંતાનોને રાજી કરવા દોરેલા હતા, એટલે ચિત્રોની નીચે એમણે Nani લખ્યું છે.

મા સરસ્વતીનું ચિત્ર કુન્તાબહેને દોરેલું પહેલું ચિત્ર નથી, પણ એમણે મને કહેલું કે આંગણાંમાં મારાં ચિત્રો મૂકો તો ચિત્રને પ્રથમ મૂકજો. કેનવાસ ઉપર એક્રીલિક રંગોવાળું ચિત્ર માટીની મૂર્તિ ઉપર મૂર્તિકારે ચમકીલા રંગો ચઢાવ્યા હોય એવો ભાસ આપે છે. ચિત્રમાં સરસ્વતિના વસ્ત્રોની ડીઝાઈનમાં અને અલંકારોમાંની બારીકાઈ કુન્તાબહેનના પરિશ્રમને છતો કરે છે. 11” X 14” નું ચિત્ર ૨૦૦૯ માં તૈયાર થયું હતું.

એક્વાર કુન્તાબહેન અમેરિકાના યુટા રાજ્યના મોઆબ શહેર પાસે આવેલા કેનિયનલેંડમાં નેશનલ આર્ચીસ પાર્ક જોવા ગયેલા. અગાઉ એમણે અહીંની કમાનોના ચિત્રો નેશનલ જ્યોગ્રોફી મેગેજીનમાં જોયેલા. પ્રથમ તો એમણ કમાન ઉપર ઉભા રહીને પોતાનો ફોટો પડાવ્યો, અને પછી ઘરે આવીને એમણે કેનવાસ ઉપર એક્રીલિક રંગોથી ચિત્ર તૈયાર કર્યું. 18” X 24” નું ચિત્ર ૨૦૧૦ માં પુરૂં કર્યું હતું.

૧૦મી મે ૧૯૬૯ ના કુન્તાબહેન અમેરિકાના કનેક્ટીકટ રાજ્યના વોલકોટ શહેરમાં આવ્યા. ત્યાં એમના માતાપિતા જેવા લેન્ડ લોર્ડનું ઘર હતું. ત્યાર બાદ ૨૦૦૧ સુધી તેઓ ન્યું ઈંગ્લેન્ડમાં રહ્યા. ન્યુ ઈંગ્લેંદની યાદમાં એમણે ચિત્ર બનાવેલું. ચિત્ર એમના પતિ દિલીપ શાહને ખૂબ ગમેલું, પણ કુન્તાબહેનને એની જાણ હોવાથી ચિત્ર એમણે એમની ભાણેજને ભેટમાં આપી દીધું. પછી જયારે એમને ખબર પડી ત્યારે એમણે પોતાના પતિ માટે ચિત્ર ફરી બનાવ્યું. પ્રથમ ચિત્ર ૨૦૦૯ માં 14” X 11” નું હતું. ફરી બનાવેલું ચિત્ર 20” X 16” નું છે અને ૨૦૧૦ માં તૈયાર કર્યું છે.

કુંતા બહેનને આકાશમાં વાદળોના ઝુંડ જોવાનું બહુ ગમે છે. એમાં એમની બારીમાંથી દેખાતી ટેકરી ઉપરનું સુકાઈ ગયેલું ચમકીલું ઘાસ જોઈને એમનો કલાકાર જીવ ખૂબ હરખાઈ જતો. વાદળાં અને ઘાસને કેનવાસ ઉપર એક્રીલિક રંગોમાં એમણે બહુ સરસ રીતે આલેખ્યું છે. ચિત્ર 11” X 14” નું છે અને ૨૦૧૨ માં તૈયાર કર્યું છે.