ખોડીદાસ પરમાર સૌરાષ્ટ્રની લોકકળાની ફોરમને પારખી ચિત્રાંકન કરતા અને તે ચિત્રોને અલૌકિક સ્વરૂપ આપી દેતા.એમણે એમનું સમગ્ર જીવન લોકકલા, લોકસાહિત્ય અને ચિત્રકલાને સમર્પિત કરી દીધું હતું. પોતે જે ધરતી પર જન્મ્યા, રમ્યા, ભમ્યા એ ગોહિલવાડની ધરતીની લોકકલાને પોતાની પીંછી વડે ગૌરવપૂર્ણ બનાવી અને વિશ્વના ચોક વચ્ચે મૂકી. ખોડિદાસભાઈને સૌરાષ્ટ્રની લોકકલા અને લોકસાહિત્યના આભને અડતો ચંદરવો કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. તેમણે સૌરાષ્ટ્રની લોક કલાનું તેજ પારખ્યું, અને એને આત્મસાત કરી. એમણે ભૂમિની ભાવનાઓને ચિત્રકલા વડે અભિવ્યક્ત કરી હતી.
ખોડિદાસભાઇએ રીતસરની કોઇ ચિત્રશાળામાં ચિત્રકલાની તાલીમ લીધી ન હતી, પણ સૌરાષ્ટ્ર અને કચ્છી લોક કળાઓ અને લોક સંસ્કુતિઓનો વિગતે અભ્યાસ કરી ચિત્રોમાં ઉજાગર કરી દેખાડ્યા હતા.
સંસ્કૃતિમાં નિરૂપાયેલા જોમ જુસ્સથી ભરપૂર પાત્રોને તેઓએ ધીંગી રેખાઓથી કંડાર્યા છે. વિવિધ ઉત્સવોની ઉજવણી, વિવાહ સંસ્કાર, તહેવારો, કૃષ્ણ કે રામની જીવન કથાના પાત્રો, કાલિદાસની કૃતિના પાત્રો તેમની આગવી ઓળખ સમા બની ગયાં છે.
૩૦મી માર્ચ, ૨૦૦૪ના રોજ ખોડિદાસભાઇ સવારે તો ચિત્ર કાર્યમાં મશગુલ હતા પણ એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો અને બપોરે 3 કલાકે તો આ ફાનિ દુનિયાને અલવિદા કહી દીધી. ધરતીના કલાકારના પંચતત્વો ધરતીમાં મળી ગયા.
એમના શબ્દોથી જ આ લેખમાળા સમાપ્ત કરૂં છું
” હું ચિતારો અલક મલકનો,
ચીતર્યાં મેં બહુ સ્વરૂપ,
કાનડ કાળા, મુખ મોરલીવાળા,
હવે તવ દર્શનની ભૂખ.”
-પી. કે. દાવડા
(આવતા અઠવાડિયે પ્રિષાના પેન્સીલ ચિત્રો)