Category Archives: ખોડિદાસ પરમાર

ધરતીના કલાકાર-૪

સૌરાષ્ટ્રની લોકકલાને ચિત્રકલામાં પલોટવાનો એક અભિનવ પ્રયોગ લોક કલાકાર ખોડિદાસ પરમારે કર્યો છે, અને તેઓએ જે અસરકારકતાથી કાર્ય કર્યું છે, તેથી કહી શકાય કે ખોડિદાસ પરમારની લોકશૈલીને એક સ્કૂલનું નામ આપવુ પડે. તેઓએ ધરતીની લોકકલાની ફોરમને પિછાની, તેને આત્મસાત કરીને તેનાં સૌંદય સત્વને પ્રમાણીને ચિત્રાંકન કર્યું જેથી ખોડીદાસભાઈના લોકચિત્રો લૌકિકને અલૌકિક સ્વરૂપે રજૂ કરે છે.

                                          (ભેંસોનું ખાંડું)

અનેક પ્રદર્શોનોમાં પ્રશંશા પામેલું ખોડિદાસ પરમારનું આ પ્રખ્યાત ચિત્ર છે. મનુષ્ય, પશુ અને પક્ષીને એક જ ચિત્રમાં સમાવી એમણે સમગ્ર પ્રકૃતિને રજૂ કરી છે. ભરવાડોના જીવનને છતું કરતાં સંકેતો સ્પષ્ટ પણે નજરે ચડે છે.

                             (ગોવાલણો)

ગ્રામ સંસ્કૃતિથી અજાણ લોકો આ ચિત્રનું મુલ્યાંકન કરવા કદાચ અસમર્થ નીવડે. સ્ત્રીઓના ખાસ પ્રકારના વસ્ત્રો, ખાસ કરીને એમની ચોલીઓ, અને ઓઢણીઓ, એમના રંગ, એમના પગમાં કડાં અને ઉઘાડા પગ. ખોડિદાસભાઈના પાત્રોની આંખો એ તો જાણે એમનો ટ્રેડમાર્ક જ જોઈલો.

                               (વલોણું)

વલોણું એમનું કૃષ્ણ સિરીઝનું ચિત્ર છે. ગોપીની સાથે મળીને વલોણું કરતા કૃષ્ણનું આ ચિત્ર કોઈપણ કૃષ્ણ ભક્તને મોહિત કરી લે એવું છે. ગોપી અને કૃષ્ણની આંખોમાં એક બીજા પ્રત્યેનો પ્રેમ જોઈને ભાવવિભોર થઈ જવાય એવું છે.

Advertisements

ધરતીના કલાકાર-૩

ખોડિદાસભાઈએ ભાવનગર જીલ્લાના ગામડામાં વસતા લોકોના જીવનને દર્શાવતા ચિત્રોનો મોટો સંગ્રહ તૈયાર કર્યો છે. આમાં લોકગાથાઓ, લોકાનૃત્યો, બાળકથાઓ, ભરત-ગુંથણ અને તહેવારોના ચિત્રોનો સમાવેશ થાય છે.

હાથીના આ ચિત્ર જેવા ચિત્રો ઘરની ભીંતો ઉપર, વસ્ત્રોમાં ભરતકામમાં અને ગાદલાં-તકીયા-પાથરણાંમાં જોવા મળે છે. ખોડિદાસભાઈએ એ દર્શાવવા આ સ્કેચ તૈયાર કાર્યો છે.

મને લાગે છે કે આ ચિત્ર એમણે કોઈ બાળવાર્તાને ધ્યાનમાં રાખી દોર્યું હશે. બાળકો દોરી શકે એવી રેખાઓ દોરી એમણે બાળકોને ચિત્રકળા શીખવવાનો પ્રયત્ન પણ કર્યો હોય. બાલિકાના ઘાઘરામાં અને સિંહ ઉપર નાખેલા વસ્ત્રોમાં સામ્ય ધ્યાન ખેંચે છે.

વૃત-તહેવારોની શ્રેણીના આ ચિત્રમાં સ્ત્રીઓ દ્વારા રખાતા જીવૃતને ચિત્રદેહ આપ્યો છે. આ વૃત સ્ત્રીઓ પતિ અને પુત્રના લાંબા આયુષ્ય માટે કરે છે. ચિત્રમાં પાત્રોની નજાકત, રંગોનું ચયન, વસ્ત્રો અને ઘરેણાંની બારીકાઈ ખૂબ જ ધ્યાન ખેંચે છે.

ધરતીના કલાકાર-૨

ખોડિદાસ પરમારને શ્રીકૃષ્ણ પ્રત્યે ખૂબ જ આકર્ષણ હતું. દરેક જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના જીવનને લખતું એક ચિત્ર દોરતા. એમનું આ રંગીન ચિત્ર ખૂબ જ પ્રસિધ્ધ છે.

,

ચિત્રમાં બાળ કનૈયો જશોદામાના ખોળામાં બેઠો છે. એના હાથમાં એની પ્રિય વાંસળી છે. ગોવાલણો કાનાને રમાડવા આવી છે, અને એના માટે દુધ અને માખણથી ભરેલી મટુકીઓ લઈને આવી છે. ચારે પાત્રોની આંખો, વસ્ત્રો અને ત્રણે સ્ત્રીઓના ચહેરાનું સૌંદર્ય ખૂબ જ આકર્ષક છે. ચારે પાત્રોના હાથ અને પગનું સૌંદર્ય ખૂબ જ આકર્ષક છે, અને ચિત્રમાં Bright રંગોનો ઉપયોગ ચિત્રને ખાસ ઉઠાવ આપે છે.

હવે પછી આપણે ખોડિદાસભાઈના ગ્રામ્ય જીવનના ચિત્રો જોઈશું.

ધરતીના કલાકાર-૧

ખોડિદાસ પરમાર

૧૯૩૦ માં એક ગરીબ કરડિયા રજપૂત મા-બાપને ત્યાં એક બાળકનો જન્મ થયો. ખોડિયાર માતાની માનતા રાખ્યા પછી જન્મેલા આ બાળકનું નામ રાખ્યું ખોડિદાસ. પિતાની નોકરી ચોકીદારની અને ઘોડાગાડી હાંકનારની, અને માતા હતી માટી ઉપાડનારી દહાડી મજૂર.

કોઈ કલ્પના પણ ન કરી શકે કે ગોહિલવાડની ધરતી ઉપર, એક પછાત કોમમાં, ગામડામાં જન્મેલો આ બાળક ભણીગણી ને M.A. થશે અને Ph.D. ના વિદ્યાર્થીઓના માર્ગદર્શકની પદવી મેળવશે. કોઈ કલ્પના પણ ન કરી શકે એ ગ્રામ્ય સંસ્કૃતિ અને પછાત પ્રજા વચ્ચે જેનું પાલન પોષણ થયું હતું, એ બાળક એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો ચિત્રકાર થશે?

ખોડિદાસ પરમારને સદનશીબે સોમલાલ શાહ જેવા કલાગુરૂએ શિષ્ય તરીકે સ્વીકાર્યો, અને શિષ્યે પોતાનું કૌવત દેખાડ્યું. ગુજરાતી ભાષામાં M.A. કરી ભાવનગર યુનિવર્સીટીમાં પ્રાધ્યાપકની નોકરી કરતાં કરતાં પણ એમણે ધરતી સાથેનો સંપર્ક એક ક્ષણ માટે પણ ન છોડ્યો. એમની ચિત્રકળામાં ધરતી, ધરતીના પ્રાણીઓ અને ધરતીના મનેખ સિવાય તમને કશુંયે નહીં મળે. કોમના ઝુપડાંની દિવાલો ઉપર ચિતરેલા ચિત્રો, કોમના રીતરિવાજના ચિત્રો, ગામડાની રમતો, ગ્રામ્ય તહેવારો, ધાર્મિક ઉત્સવો, આમ ગ્રામ્ય જીવનના ધબકાર જીલનાર ચિત્રકાર એટલે ખોડિદાસ પરમાર.

૨૦૦૪ માં આ ધરતી ઉપરથી વિદાય લીધી તે અગાઉ કેટકેટલા માન-સન્માન મળેલા? ૧૯૫૭ માં નેશનલ એકાદમી એવોર્ડ, ઓલ ઇન્ડિયા આર્ટ અને ક્રાફટ સોસાયટિના ૧૯૬૦, ૧૯૬૨, ૧૯૬૩, ૧૯૬૪, ૧૯૬૫, ૧૯૬૬ અને ૧૯૯૨ માં, અખિલ ભારતીય કાલિદાસ સન્માન ૧૯૫૯, ૧૯૬૧, ૧૯૬૪, ૧૯૬૬, ૧૯૬૮, ૧૯૬૯ અને ૧૯૯૫ માં, બોમ્બે આર્ટ સોસાયલીના એવોર્ડ ૧૯૫૨, ૧૯૫૩, ૧૯૫૬, અને ૧૯૬૧ માં, લલિત કલા અકાદમી એવોર્ડ ૧૯૬૦ અને ૧૯૬૫ અને હાલમાં ઝવેરચંદ મેધાણી એવોર્ડ (એક લાખ રુપિયા). છે બીજો કોઈ માઈનો લાલ જે વણ માગ્યા આટલા એવોર્ડ મેળવ્યા છતાં એટલો નમ્ર, કે બહુ ઓછા લોકોએ એનું નામ સાંભળ્યું હોય?

આજથી થોડા દિવસ હું આંગણાંના મુલાકાતીઓને એમના થોડા ચિત્રો સાથે મેળાપ કરાવીશ.

-પી. કે. દાવડા