Category Archives: ચિત્રકળા

ચિત્રકળા-૮ (પી. કે. દાવડા)-ચિત્રકળાનો રસાસ્વાદ

ચિત્રકળાનો રસાસ્વાદ

ચિત્રકાર સામાન્ય રીતે દૃષ્ય જગતની રજુઆત એના ચિત્રોમાં કરે છે. કોઈપણ વસ્તુના આકાર અને કદ જ્યારે આપણી સામે આવે છે ત્યારે આપણું મન તેનો પ્રતિભાવ આપે છે. જો ચિત્રમાં આકાર અને કદનું પ્રમાણ ચોક્કસ માત્રામાં હોય તો આપણને ગમે છે. જો આપણા અનુભવથી અલગ હોય તો બેહુદું લાગે છે. એવું રંગોનું છે. અમુક રંગો આપણને ખૂબ આકર્ષિત કરે છે. ચિત્રમાં દર્શાવાયલી વસ્તુ જો એના કુદરતી રંગો સાથે મેળ ખાતી હોય, તો આપણને વધારે ગમે છે. જે ચિત્ર જોતાં વેત ગમી જાય, ચિત્રનું મુલ્ય વધારે છે (અને એની કીમત પણ વધારે અંકાય છે.)

ચિત્રકળામાં રસ હોય માણસ ચિત્રોનો રસાસ્વાદ કરાવી શકે. અંગેજીમાં એક કહેવત છે કે “Beauty is, in the “eye of the beholder.” આનો અર્થ થયો કે પ્રત્યેક વ્યક્તિનું ચિત્રકળાનો રસાસ્વાદ અને મુલ્યાંકન અલગ અલગ હશે. તેમ છતાં રસાસ્વાદ અને મુલ્યાંકન માટેના થોડાક નિયમો સામાન્ય રીતે સરખા હોય છે. અહીં હું કેટલાક પ્રાથમિક નિયમોની યાદી આપું છું.

() ચિત્રના મુલ્યાંકન અગાઉનું ચિત્રની સાદું વર્ણન. તમને શું દેખાય છે બસ એનું વર્ણન.

() ચિત્રના માધ્યમ. કઈ સપાટી ઉપર ચિત્ર દોરવામાં આવ્યું છે? કાગળ, કેનવાસ, બોર્ડ કે અન્ય કોઈ માધ્યમ? કયા માધ્યમના રંગો વપરાયા છે, પેન્સીલ. ચારકોલ, શાહી, વોટર કલર, એક્રીલીક રંગો, ઓઈલ પેઇન્ટ કે અન્ય વસ્તુઓ?

() ચિત્રની ઊંચાઈ અને પહોળાઈનું માપ. ચિત્ર ઊભું છે કે આડું?

() ચિત્ર કયા પ્રકારનું છે? લેન્ડસ્કેપ, પોર્ટ્રેઈટ, સ્ટીલ લાઈફ, એબસ્ટ્રેક્ટ, મોર્ડન આર્ટ, ઐતિહાસિક કે અન્ય કોઈ જાણીતો પ્રકાર?

() ચિત્રની રેખાઓ સીધી છે કે વળાંકવાળી છે (contour)? રેખાઓ ઝીણી છે, માફકસરની છે કે જાડી છે? અને રેખાઓ ચિત્રને ઊઠાવ આપવામાં કઈ રીતે મદદ કરે છે?

() ચિત્રમાં બતાવેલા પદાર્થો કે પાત્રોના કદ નાના છે, સામાન્ય છે કે વધારે પડતા મોટા છે. બધા અલગ અલગ છે, કે કેટલાક એકબીજાને થોડે ઘણે અંશે ઢાંકી દે છે?

() રંગોની પસંદગી ( મહત્વની વાત છે.)

() ચિત્રનો ઉઠાવ (Texture) કેવો છે. Smooth, rough, shinning વગેરે.

() ચિત્ર કયા સમયમાં દોરવામાં આવ્યું છે. (કયા વરસમાં)? કઈ જગ્યાએ દોરવામાં આવ્યું છે. (સમય અને સ્થળની સંસ્કૃતિની અસર ચિત્રમાં વર્તાય છે.)

(૧૦) ચિત્ર શું દર્શાવે છે? કલાકારે જે જોયું માત્ર ચિત્રમાં ઝડપી લીધું? કલાકારે કોઈ વાતની કલ્પના કરી કલ્પના ચિત્ર સ્વરૂપે રજુ કરી છે? કોઈવાત એણે ગુઢ રીતે રજૂ કરી છે, જે સરળતાથી નથી કહી શક્તો?

(૧૧) ચિત્રમાં ચિત્રકાર કોઈ લય બતાડે છે, એક વિચારની અનેક વાર પુનરાવ્રુતિ કરીને (Repetition) દર્શાવ્યો છે?

(૧૨) રંગોના મિસ્રણથી પ્રકાશ, પડછાયા, અંધકાર, ચમક વગેરે દર્શાવવામાં ચિત્રકાર કેટલી હદે સફળ થયો છે?

(૧૩) ચિત્રકારની આર્ટ જગતમાં ખ્યાતિ.

કેટલાક ચિત્રો માત્ર ચિત્રકારે જે દૃષ્ય જોયું એને ચિત્રમાં અંકિત કરી લીધું, એમાં કોઈ કલ્પના કે વિચાર વ્યક્ત કરાયેલો નથી, પ્રકારના હોય છે. કેટલાક ચિત્રો માત્ર અગાઉ થઈ ગયેલા ચિત્રકારોના ચિત્રોની નકલ હોય છે. કેટલાક ચિત્રો એક ઐતિહાસિક પ્રસંગનું માત્ર ચિત્રમાં આલેખન હોય છે. કેટલાક ચિત્રો આનંદ, ક્રૂરતા, દુખ, વેદના દર્શાવવા તૈયાર કરવામાં આવે છે. કેટલાક ચિત્રો ઉપદેશ આપવા રૂપક તરીકે તૈયાર કરવામાં આવે છે.

ચિત્રકળા વિષે વાતો કરવા માટે મારી પાત્રતા એક વિદ્યાર્થીની જ છે. એટલે આ લેખ સાથે આ લેખમાળા પૂરી કરૂં છું. લેખમાળાના અંતમાં એક પ્રખ્યાત ચિત્ર રજૂ કરૂં છું.

૧૯૩૨ માં માત્ર ૧૯ વર્ષની વયે અમૃતા શેરગીલે દોરેલું પોતાનું પોર્ટ્રેઈટ ખૂબ જ પ્રખ્યાત છે. આ લંડનના ક્રીસ્ટીના લીલામમાં વેંચાયલા એમના આઠ ચિત્રોમાંનું પહેલું ચિત્ર છે. એમના આ ચિત્રમાં એમના આંતરમનમાં ચાલતા વિચારો એમના ચહેરા અને આંખોમાં રહસ્યમય રીતે દેખાય છે. એના લાલ હોઠ અને એની ખુમારી, કન્યામાંથી સ્ત્રી થવાના લક્ષણોની પ્રતિતી કરાવે છે.

ચિત્રકળા-૭ (પી. કે. દાવડા)-એક્રીલીક રંગોથી બનાવેલા ચિત્રો

એક્રીલીક રંગોથી બનાવેલા ચિત્રો

છેલ્લા પાંચ દાયકાઓથી એક્રીલીક રંગો ચિત્રકારોની પ્રથમ પસંદગીના રંગો બન્યા છે, કારણ કે પાણીના રંગો (વોટર કલર) અને ઓઈલ પેઈંટ્સ બન્ને કરતાં એક્રીલીક રંગોમાં કામ કરવું વધારે સુવિધાવાળું છે.

એક્રીલીક રંગો અનેક પ્રકારના ફલક ઉપર વાપરી શકાય છે, પણે મોટે ભાગે કેનવાસ ઉપર વધારે પ્રમાણમાં વપરાય છે.

રંગીન પદાર્થ પોલીમરને બાઈન્ડર તરીકે વાપરી રંગો તૈયાર કરવામાં આવે છે. એની ખાસ ખૂબી છે કે એને ઘાડાપાતળા કરવા માટે પાણી વપરાય છે. જો કે હાલમાં બીજા અનેક થીનર પણ ઉપલબ્ધ છે, જે પાણી કરતાં વધારે સારૂં પરિણામ લાવી શકે છે.

એક્રીલીક રંગોને પાતળા કરી વોટર કલરની જેમ વાપરી શકાય છે, અને ખૂબ ઘાડા રાખી ઓઈલ પેઈન્ટની જેમ પણ વાપરી શકાય છે. એક્રીલીક રંગોનો સૌથી વિશેષ ફાયદો છે કે સૌથી વધારે ઝડપથી સૂકાય છે, એટલે ચિત્ર તૈયાર કરવામાં ઓછો સમય લાગે છે.

વોટર કલરમાં એક રંગ સુકાઈ જાય પછી પણ એની ઉપર તમે બીજો રંગ ચઢાવવાની કોશીશ કરો તો મૂળ રંગ નવા રંગ સાથે ભેળસેળ થઈ જાય છે. ઓઈલ પેઈન્ટમાં આવું થતું નથી, પણ પ્રથમ રંગને સુકાવવા માટે ઘણો સમય લાગે છે. એક્રીલીક થોડા સમયમાં સુકાઈ જાય છે, અને એની ઉપર બીજો રંગ ચઢાવતી વખતે મૂળ રંગ નવા રંગમાં ભળતો નથી.

એક્રીલીક રંગો ઓઈલ પેઈન્ટની જેમ ટકાઉ છે. મોટે ભાગે કાગળ ઉપર એક્રીલીકના ચિત્રો તૈયાર કરવામાં આવતા નથી, કારણ કે રંગ સુકાયા પછી કાગળ જરાપણ વળે તો રંગ તરડાઈ જાય છે. રંગકામ કરતી વખતે પણ કાગળ નરમ થઈને ફાટી જાય છે, કારણ કે વોટર કલર કરતાં રંગો ચઢાવવામાં વધારે પ્રેસર આવતું હોય છે.

એક્રીલીક રંગો મેટલ ઉપર કે હાર્ડબોર્ડ ઉપર લગાડવા હોય તો પહેલા ફલકને સેંડ પેપરથી થોડી રફ કરવી પડે છે. લીસી સપાટી ઉપર રંગો ટકતા નથી.

એક્રીલીક રંગોજો જો ઘટ્ટ વાપરવા હોય તો એના માટે કડક પીંછીઓ જોઈયે, જો પાતળા રંગો વાપરવા હોય તો નરમ પીંછીઓ ઉપયોગમાં લેવાય છે. જો ખૂબ બારીકાઈવાળું ચિત્ર હોય અને વધારે સમય લાગે એમ હોય તો રંગોમાં સુકાવાની ઝડપ ઓછી કરવા માટેના પ્રવાહી પણ ઉપલબ્ધ છે.

અહીં મેં એક્રીલીક રંગોથી તૈયાર કરેલા અલગ અલગ વિષયના પાંચ ચિત્રો આપ્યા છે.

એક્રીલીક રંગોમાં પોરટ્રેઈટ

એક્રીલીક રંગોમાં સ્ટીલ લાઈફ

એક્રીલીક રંગોમાં નેચર અને એનીમલ્સ

તળાવમાં સૂર્યાસ્તનું પ્રતિબિંબ

એક્રીલીક રંગોમાં બ્રસના ઝડપી સ્ટ્રોક્સથી બનાવેલું સિંહનું ચિત્ર

ચિત્રકળા-૬ (પી. કે. દાવડા)-વોટર કલર

વોટર કલર

કેટલાક રંગીન તત્વો પાણીમાં ઓગળી જાય એવા હોય છે. એમને પાણીમાં ઓગાળી, જરૂરત પ્રમાણે ઘટ્ટ બનાવી, કાગળ, કેનવાસ, લાકડું કે ચામડા ઉપર અલગ અલગ જાતની પીંછીની મદદથી ચિત્રકામ કરવામાં વાપરવામા આવે છે. આ સૌથી જૂની ચિત્રકલા છે. આવા રંગોના ચિત્રો માટે કાગળને ફલક માધ્યમ તરીકે વધારે પસંદ કરવામાં આવે છે.

પીંછીઓની સાઈઝ માટે નંબર વાપરવામાં આવે છે. સામાન્ય રીતે ૧ થી ૧૦ નંબરની પીંછીઓ અને ત્યાર બાદ ૧ ઈંચથી ૪ ઈંચ સુધીના બ્રશ વપરાય છે. કાગળની પસંદગી પણ ખાસ ધ્યાન માંગી લે છે. વજનદાર કાગળ જે ૧૦૦ ટકા કોટન માંથી બનાવેલું હોય એને વધારે પસંદ કરવામાં આવે છે.

રંગો મેળવવા પોર્સેલીનના કે પ્લાસ્ટીકના પેલેટ રાખવાથી સારી સગવડ થાય છે. પીંછીમાંથી વધારાનું પાણી દૂર કરવા ઝીણું વસ્ત્ર પણ સાથે રાખવામાં આવે છે. એક કપ કે નાના ગ્લાસમાં પીંછી ધોવા અને બીજ ગ્લાસમાં રંગો મેળવવા સ્વચ્છ પાણી રાખવામાં આવે છે.

દરેક ચિત્ર માટે આવા રંગો બનાવવા ન પડે એટલે રંગીન તત્વોને એક ખાસ પ્રકારના મીણ સાથે મેળવી એની પેસ્ટ કે ચોસલા બનાવવામાં આવે છે, જેમાં જરૂર પૂરતું પાણી મેળવી, જોઈએ એટલું ગાઢું કે પાતળું કરી વાપરવામાં આવે છે.

સૌ પહેલા હલકી પેન્સીલથી કાગળ ઉપર ચિત્રની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવે છે. ત્યાર બાદ ચિત્રકારના મનમાં જે સ્વરૂપ હોય એ પ્રમાણે જાડી ઝીણી રેખાઓ અને રંગોનો ઉપયોગ કરી ચિત્ર તૈયાર કરવામાં આવે છે.

આ ચિત્રો બનાવતી વખતે ભીના રંગો કાગળ ઉપર સંપુર્ણ રીતે સૂકાઈ જાય ત્યાંસુધી એની કાળજી લેવી પડે છે. આવા રંગો સૂકાઈ જાય પછી પણ એની ઉપર સહેલાઈથી બીજા રંગો ચઢી શકતા નથી. વોટર કલરના ચિત્રોને કાચવાળી ફ્રેઈમમાં પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી એને ભેજની અસર, અથવા કોઈ હાથથી અડે એની સામે એનું રક્ષણ થાય છે.

આ રંગોના પણ બે પ્રકાર છે. એક પ્રકારને પારદર્શક (Transparent) તરીકે ઓળખવામાં આવે છે. આવા રંગો પૂર્યા પછી એના નીચેના માધ્યમની ઝલક ડોકિયાં કરતી હોય છે. દા.ત. સફેદ કાગળ ઉપર પીળો રંગ લગાડ્યો હોય તો પણ સફેદ કાગળનું Texture દેખાય છે. જો બ્લુરંગ લગાડ્યા પછી એની ઉપર જ પીળો રંગ લગાડિયે તો પણ નીચેના બ્લુ રંગની ઝાંય દેખાતી હોય છે.

બીજો પ્રકાર અર્ધપારદર્શક કે અપારદર્શક હોય છે. જે જરા ગાઢું હોય છે. એની પાછળના મૂળ રંગ છૂપાઈ જાય છે.

કેટલાક રંગોના મૂળ તત્વો દાણેદાર હોય છે. એ કાગળના Texture માં ગોઠવાઈ જાય છે અને ચિત્રને સારો ઊઠાવ આપએ છે.

૧૪ ઈંચ બાય ૨૧ ઈંચનું પેપર ઉપર ચિત્રાયલું ઉપરનું ચિત્ર વોટર કલરનો નમુનો છે. એમાં અનેક રંગોનું સંયોજન કરવામાં આવ્યું છે. કમળના ફૂલમાં સફેદ અને ગુલાબી રંગનું સંયોજન ખુબ જ અનુભવ માંગી લે છે.

પારદર્શ વોટર કલરનો આ સરસ નમૂનો છે. પહેલા પાણીમાં દેખાતા પ્રતિબિંબને દોરી લીધા પછી ઉપર પાણીનો રંગ ચઢાવવામાં આવ્યો છે, છતાં નીચેનો રંગ દેખાય છે.

વોટર કલર ઓઈલ કરતાં અઘરું માધ્યમ છે. ઓઈલમાં દસ વાર કામ કરીને તેનાં પર દસ વાર નવું કામ થઇ શકે. વોટરમાં ન થાય. કરવા જાઓ તો પેપર ફાટી જાય.

વોટરમાં તમે કલર પેલેટ પર બનાવી ન શકો. એ માધ્યમ એટલું પાતળું છે કે, તમારે કલર મિક્સિંગ કલર કેક પર જ કરવું પડે અને એ કલર પેપર પર કેવો લાગશે એ બ્રશ કેટલું ભીનું છે તેનાં પર નિર્ભર કરે. એટલે, એક કાગળની પટ્ટી ટેસ્ટર રાખવી પડે. બ્રશ પેપર પર અડાડતાં પહેલાં તેનાં પર ટેસ્ટ કરી લેવું પડે.

નીચે વોટર કલર ચિત્રોના બે વધુ નમુના આપેલા છે.

શ્રી ચેતન અગ્રવાલનું હમ્પી

શ્રી બાલકૃષ્ણનું લેન્ડસ્કેપ

ચિત્રકળા-૫ (પી. કે. દાવડા)-ચિત્રકલાની સમજ

વિષયનો અભ્યાસ મેં અંગ્રેજી લેખ અને અંગ્રેજી પુસ્તકો વાંચીને કર્યો છે. ઘણીવાર મને કોઈ કોઈ અંગ્રેજી શબ્દોના ગુજરાતિ પર્યાય નથી મળતા, અને મળે છે બેહુદા લાગે છે, એટલે મેં ઘણી જગ્યાએ મૂળ અંગ્રેજી શબ્દો વાપર્યા છે.

નેચર અને રિયાલિસ્ટીક આર્ટ બે ર્ચિત્રકળાના બે જાણીતા પ્રકાર છે. એબસ્ટ્રેક્ટ આર્ટ પ્રમાણમાં નવો પ્રકાર છે અને સામાન્ય માણસ માટે સમજવો અઘરો છે. એબસ્ટ્રેક્ટ આર્ટમાં કોઈ ચોક્કસ આકાર હોતો નથી, પણ એક થીમ (લય) હોય છે. પ્રકારને સમજી શકનારને તો ઘેરા રંગોના લપેટા લાગે.

હાલમાં ઈંક ઓન પેપરથી પણ લોકો એબસ્ટ્રેક્ટ ચિત્રો દોરે છે. ક્યારેક ભૂમિતીના આકારોને ગુંચવી નાખીને એબસ્ટ્રેકટ ચિત્રો તૈયાર કરે છે.

અત્યાર સુધી આપણે ગ્રેફાઈટ પેન્સીલ, ચારકોલ પેન્સીલ અને ઈંકના ચિત્રો વિષે વાતો કરી. હવે આપણ અન્ય માધ્યમો, જેવા કે પાણીમાં ઓગાળેલા રંગો (વોટર કલર), એક્રીલિક કલર, ઓઈલ પેઈન્ટસ વગેરેથી તૈયાર કરેલા ચિત્રોની વાત કરીશું. પેન્સીલ અને પેનથી તૈયાર કરેલા ચિત્રોની સરખામણીમાં પીંછીથી તૈયાર કરેલા ચિત્રોમાં રંગોની મેળવણી, ચિત્રની smoothness, અને હકીકતને રજૂ કરવાની વધારે સરળતા હોય છે. આવા ચિત્રોમાં ભૂલ સુધારવાનો પણ વધારે અવકાશ હોય છે.

દરેક ચિત્રકારની પોતાની એક આગવી સ્ટાઈલ હોય છે. જ્યારે જાણીતા ચિત્રકારોની સ્ટાઈલની અન્ય ચિત્રકારો નકલ કરે ત્યારે એવા નકલકારોને જાણીતા ચિત્રકારની સ્કૂલના ચિત્રકારો કહેવાય છે.

ચિત્રકળામાં ઘણીવાર અમૂક ભાવ વ્યક્ત કરવા અમૂક રંગ વાપરવામાં આવે છે. સફેદ રંગ શુધ્ધતાનું પ્રતિક ગણાય છે. વાદળી કે ભૂરો રંગ શાંતિનું પ્રતિક છે. લીલો રંગ વૃધ્ધિનો પ્રતિક છે. લાલરંગ વર્ણાગી છે. લાલરંગની બિંદી સૌભાગ્યનું પ્રતિક છે. લાલરંગની મહેંદી સ્ત્રીની નાજુકતા અને કમનિયતાનું પ્રતિક છે.

કાળો રંગ જાદુ-ટોણાં, રાત્રી, વિરોધનો પ્રતિક છે. પીળોરંગ સર્જનાત્મક રં છે.

ચિત્રકાર સૌથી પહેલા એના મનમાં શું ચાલી રહ્યું છે અને કેવી રીતે ચિત્ર દ્વારા વ્યકત કરી શકે નક્કી કરે છે. ત્યાર બાદ નક્કી કરે છે કે ચિત્રનું કયું કદ વિચારને સારી રીતે વ્યક્ત કરી શક્શે, કયું ફલક (કાગળ કે કેનવાસ કે હર્ડબોર્ડ) અને કયું માધ્યમ (કઈ જાતના રંગોએક્રીલીક, ઓઈલ વગેરે) એના માટે યોગ્ય થશે.

સાઈઝ, ફલક અને માધ્યમ નક્કી થઈ જાય એટલે પહેલા વિચારને ઝાંખી પેન્સીલથી ફલક ઉપર અંકિત કરે છે.

ત્યાર બાદ એમાં પ્રાથમિક રંગો પૂરે છે.

હવે ચિત્રની બારીકીયોને અલગ અલગ સાઈઝની પીંછીઓ અને યોગ્ય રંગોથી ન્યાય આપે છે. કામ દિવસો સુધી ચાલે છે,

અંતમાં એને સંતોષ થાય ત્યારે એ ચિત્ર પુરૂં થયું કહેવાય.

ચિત્રકળા-૫ (પી. કે. દાવડા)-પેપર ઉપર ઈંક ચિત્રો

પેપર ઉપર ઈંક ચિત્રો

પેન્સીલ ચિત્રો પછી, ઓછા સાધનોની જરૂરતવાળ ચિત્રોમાં ઈંક ચિત્રોનો નંબર આવે છે. અલગ અલગ શાહી ભરેલી પેનો કે શાહીની બાટલીઓ અને જાત જાતની કલમો અને પીંછીઓથી પ્રકારના ચિત્રો તૈયાર કરી શકાય છે.

હવે તો ચિત્રકામ માટે અનેક પ્રકારની પેનો મળે છે, જેવી કે ડ્રોઈંગ પેન, ફાઉન્ટન પેન, ગ્રાફીક પેન, ડ્રાફટીંગ પેન અને બોલપોઈન્ટ પેન. બધી પેનથી અલગ અલગ પ્રકારનું ચિત્રકામ કરી શકાય છે. જાડીજીણી રેખાઓ માટે અલગ અલગ પેન હોય છે. ચિત્રકામ માટે વપરાતી શાહી મોટે ભાગે વોટરપ્રુફ હોય છે.

તમે માત્ર કાળી શાહી વાપરીને પણ ઊઠાવદાર ચિત્ર દોરી શકો છે. કાગળના સફેદ રંગનો આવા ચિત્રોમાં ખુબી પૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. જો તમે જાત જાતના રંગની શાહી વાપરતા હો તો આવી ખૂબી જરૂરી નથી.

પેન્સીલ અને ચારકોલ ચિત્રો કરતાં ઈંક ચિત્રો દોરવા કઠીન છે. પેન્સીલ અને ચારકોલ ચિત્રોમાં ભૂલ સુધારી લેવાનો અવકાશ છે. ઈંક ચિત્રોમાં આવો અવકાશ નથી. ક્યારેક એક નાની ભૂલ કલાકોની મહેનત ઉપર પાણી ફેરવી દે છે. ઈંક ચિત્રોમાં ખૂબ સૂક્ષ્મ કામ કરી શકાય છે, જે પેન્સીલ કે ચારકોલ કરતાં વધારે ઊઠાવદાર હોય છે.

ઈંક ચિત્રો માટે ખાસ પ્રકારના ડ્રોઈંગ પેપર બજારમાં મળે છે. આવા કાગળ ટકાઉ અને સમય જતાં પીળાં પડી જાય એવા હોય છે. ૠતુઓની અસર સામે પણ ટકી શકે એવા હોય છે.

ચિત્ર તૈયાર થઈ જાય અને સુકાઈ જાય પછી એની ઉપર એક ખાસ પ્રકારનું પ્રવાહી સ્પ્રે કરવામાં આવે છે. આને લીધે એની ઉપરની શાહીને હાથથી અડવાથી પણ નુકશાન થતું નથી.

અહીં થોડા ઈંક ચિત્રોના નમૂના આપ્યા છે.

કાગળ ઉપર શાહીથી બનાવેલું લાલટેન (ફાનસ)નું ચિત્ર. આ ચિત્રમાં જાડી-ઝીણી રેખાઓ માટે અલગ અલગ પ્રકારની પેનોનો ઉપયોગ કરાયો છે. કાગળ ઉપર પહેલા વોટર કલરનો વોશ આપી એને સુકાવા દેવામાં આવ્યો છે.

આવા ચિત્રોને સ્ટીલ લાઈફ ચિત્રો કહેવામાં આવે છે. અલગ અલગ વસ્તુઓને એક જગ્યાએ ગોઠવી, ચિત્રકાર એનાથી દૂરની એક જગ્યાએ બેસીને એને જે દેખાય એનું ચિત્ર દોરે છે. કાગળ ઉપર શાહીથી સ્ટીલ લાઈફનું આ ચિત્ર એક સરસ ઉદાહરણ છે.

માઈકલ જેકશનનું આ પોરટ્રેઈટ ચિત્ર કાગળ ઉપર શાહીથી દોરેલા પોરટ્રેઈટનો બહુ સરસ નમૂનો છે. એના વસ્ત્રોમાં જે બારીકી જોવા મળે છે, એ ખૂબ ધીરજ અને મહેનતનું ફળ છે.

અલગ અલગ શાહીઓ વાપરી Harvest નું આ ચિત્ર વસ્તુ અને એની બારીકીનો ઉત્તમ નમૂનો છે. તમે જાતે જ એમા દેખાડેલા પ્રતિકો જોશો તો આશ્ચર્ય ચકિત થઈ જશો.

ફક્ત કાળી શાહીથી દોરેલું આ નાના બાળકના ચિત્રની બારીકી અને એના મુખભાવ, એના વાળની નજાકત જોઈને ચિત્રકારને વાહ કહેવાનું મન થઈ જાય છે.

માત્ર કાળી શાહીથી દોરેલું આ શહેરના એક વિસ્તારનું ચિત્ર અને એમાં દર્શાવેલી પ્રત્યેક વિગત કલાકારની એક આગવી છાપ ઊભી કરે છે, ખાસ કરીને રસ્તા ઉપરના માણસો.

ચિત્રકળા-૪ (પી. કે. દાવડા)-પેપર ઉપર ચારકોલ ચિત્રો

પેપેર ઉપર ચારકોલ ચિત્રો

ચારકોલ ચિત્રો માટે તમને ડ્રોઈંગ પેપર, ચારકોલ પેન્સીલ, ચારકોલ સ્ટીક અને ચારકોલનો ટુકડો અને રબ્બરની જરૂર પડશે.

પેન્સીલ ચારકોલમાં પણ ડ્રોઈંગ પેન્સીલની જેમ હાર્ડ અને સોફ્ટ એવા પ્રકાર હોય છે. ચારકોલ પેન્સીલની અણી પણ ખૂબ ઝીણી કરી શકાય છે. આના માટે ખાસ પ્રકારના રબ્બર પણ મળે છે.

ચારકોલના ચિત્રકામ માટેના ટુકડા એક ખાસ પ્રકારના ઝાડની ડાળખીઓને બાળીને તૈયાર કરવામાં આવે છે. ખૂબ નરમ હોય છે, એટલે તમારા કાગળના ટેક્ષચરમાં સારી રીતે ચોંટે છે, અને ગહેરી કાળાશ આપે છે. એમાં થોડી ચમક પણ દેખાય છે.

ચારકોલની સ્ટીક્સ પણ હાર્ડ અને સોફટ પ્રકારની હોય છે. એનાથી ગહેરો કાળો રંગ આવે છે.

ચારકોલ વાપરી વખતે તમે હાથથી કેટલું દબાણ આપો છો એના ઉપર કાળાશની ગહેરાઈનો આધાર છે.

પેન્સીલ ડ્રોઈંગની જેમ પ્રકારમાં પણ પહેલા હલકે હાથે ઝાંખી પેન્સીલથી ચિત્રની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે, અને પછી અલગ અલગ પ્રકારના ચારકોલથી ચિત્રને પુરૂં કરવામાં આવે છે.

કાગળ કરતાં કેનવાસ ઉપર પ્રકારના ચિત્રો બનાવવાનું વધારે અઘરૂં છે.

પેન્સીલ ડ્રોઈંગની જેમ ચારકોલ ડ્રોઈંગમાં પણ રબ્બરનો ઉપયોગ કરીને ચિત્રને ગજબનો ઊઠાવ આપી શકાય છે.

અહીં થોડા ચારકોલ ચિત્રો નમૂના તરીકે મૂક્યા છે.

ચિત્રકળા-૩ (પી. કે. દાવડા)-પેપર ઉપર પેન્સીલના ચિત્રો

પેપર ઉપર પેન્સીલના ચિત્રો

ચિત્રકામ માટે અનેક પ્રકારની પેન્સીલ વપરાય છે, જેમાં ગ્રેફાઈટની પેન્સીલ મુખ્ય છે. ગ્રેફાઈટ પેન્સીલ અનેક પ્રકારની હોય છે, જેને હાર્ડનેસ અનુસાર નામ આપવામાં આવે છે, જેમકે H પેન્સીલ કરતાં 2H વધારે હાર્ડ હોય છે. નરમ ગ્રેફાઈટવાળી પેન્સીલોને બ્લેક રંગ માટે B ની સંજ્ઞા આપવામાં આવી છે. B કરતાં 2B વધારે નરમ અને વધારે કાળાશવાળી હોય છે. નરમ પેન્સીલો 6B સુધી વપરાય છે.

વધારે જાડી રેખાઓ દોરવા ગ્રેફાઈટ સ્ટીક્સ વપરાય છે. આવી સ્ટીક્સનો ઉપયોગ બેકગ્રાઉન્ડ દર્શાવામાં ઉપયોગી થાય છે.

પેન્સીલમાં બીજો પ્રકાર ચારકોલ પેન્સીનો છે. કોલસાને ખૂબ દબાણ આપી તૈયાર કરવામાં આવે છે. ચિત્ર દોરવામાં ગ્રેફાઈટ કરતાં વધારે નરમ અને વધારે કાળાશવાળું હોવાથી ઘેરા કાળા રંગના ચિત્રો માટે વધારે વપરાય છે. ગ્રેફાઈટ પેન્સીલ કરતાં હલકા હાથે ચિત્ર દોરી શકાય છે.

પેન્સીલમાં ત્રીજો પ્રકાર એટલે રંગીન પેન્સીલો. મીણ જેવા પદાર્થમાં રંગો મેળવી પેન્સીલો તૈયાર કરવામાં આવે છે. આવી પેન્સીલોથી રંગીન ચિત્રો તૈયાર કરવામાં આવે છે.

ગ્રેફાઈટ પેન્સીલથી ચિત્રકામ કરવાનો એક ફાયદો છે કે તમે રબરની મદદથી તમારી ભૂલ સુધારી શકો છો. ચારકોલ અને રંગીન પેન્સીલોમાં સગવડ નથી.

મોટાભાગના ચિત્રકારો પહેલા હળવે હાથે ઝાંખી પેન્સીલથી પોતાના મનના વિષયની રૂપરેખા કાગળ ઉપર તૈયાર કરે છે, અને ત્યારબાદ અલગ અલગ પ્રકારની પેન્સીલનો ઉપયોગ કરી ચિત્રને મૂર્ત સ્વરૂપ આપે છે.

એક અગત્યની વાત એવી છે કે કઈ પેન્સીલ વાપરવી એનો આધાર કઈ ક્વોલીટીનો કાગળ વાપર્યો છે એના ઉપર પણ હોય છે. ખૂબ લીસ્સા પેપર ડ્રોઈંગ કરવા માટે બહુ ઉપયોગી થતા નથી.

હવે આપણે દરેક માધ્યના નમૂના જોઈએ.

કાગળ અને પેન્સીલનું સુરેખ ચિત્ર

 

કાગળ ઉપર પેન્સીલથી એક કુદરતનો નઝારો

રંગીન પેન્સીલોનો ઉપયોગ

પેપર ઉપર પેન્સીલ સાથે રબ્બરનો ઉપયોગ દર્શાવતો એક ઉત્તમ નમૂનો

 

ચિત્રકળા-૨ (પી. કે. દાવડા) ફલક અને માધ્યમ

ચિત્રકળા માટે ફલક અને માધ્યમ બે પાયાની જરૂરત છે. માધ્યમ દ્વારા ફલક ઉપર ચિત્રકારના મનના વિચારો અભિવ્યક્ત કરવામાં આવે છે. ચિત્ર માત્ર કામચલાઉ કાર્ય માટે દોરવામાં આવ્યું હોય તો બ્લેકબોર્ડ જેવું ફલક અને ચોક જેવું માધ્યમ પણ ચાલે, પણ ચિત્રને લાંબ સમય સુધી ટકાવી રાખવું હોય તો ફલક અને માધ્યમ બન્ને ટકી રહે એવા જોઈએ.

જેના ઉપર રંગ ચોંટી શકે, અને લાંબા સમય સુધી ટકી રહી શકે એવા પદાર્થને ફલક તરીકે વાપરી શકાય. કાગળ, કેનવાસ, દિવાલ, પથ્થરની શીલા, માટીના વાસણો, ધાતુના પતરા, પ્લાયવુડ, લાકડું બધા જરૂરત અનુસાર ફલક તરીકે લઈ શકાય. એમ. એફ. હુસેને તો જીવતા સફેદ ઘોડાનો ફલક તરીકે ઉપયોગ કરેલો.

મોટા ભાગના ચિત્રો માટે કાગળ કે કેનવાસને ફલક તરીકે પસંદ કરવામાં આવે છે. હાર્ડબોર્ડનો પણ ફલક તરીકે વપરાશ વધારે થાય છે.

ચિત્રકામ માટે ખાસ પ્રકારના કાગળ બનાવવામાં આવે છે. જે કાગળ બ્લોટીંગ પેપર જેવા હોય, અને જેના ઉપર શાહી પ્રસરે, એવા કાગળ ચિત્રકળા માટે ચાલે. જે કાગળ એટલા લીસ્સા  હોય કે જેના ઉપર રંગ ચોંટે નહીં, એવા કાગળ પણ ચાલે. આવા કાગળને એક બોર્ડ ઉપર મૂકીને ચિત્રો તૈયાર કરવામાં આવે છે. કાગળનું ટેક્ષ્ચર પણ લક્ષમાં લેવામાં આવે છે.

મોટાભાગે કાગળ ઉપર પેન્સીલ, શાહી, ચારકોલ, વોટર કલર અને એક્રીલિક કલરના માધ્યમોનો ઉપયોગ થાય છે. કાગળ ઉપર તૈયાર કરેલા ચિત્રોને પારદર્શક કાચવાળી ફ્રેમમાં મઢી લેવામાં આવે છે, જેથી એની ઉપર હવામાનની, કે કોઈના હાથ અડવાની અસર સામે રક્ષણ કરી શકાય.

(પેપર ઉપર પેન્સીલ)

અલગ જાતના રંગોના મિડિયમ માટે અલગ અલગ જાતના ડ્રોઈંગ પેપર ફલક તરીકે વાપરવામાં આવે છે. દા.ત. પેન્સીલ ચિત્રો માટે અને વોટર કલર ચિત્રો માટે અલગ અલગ જાતના ડ્રોઈંગ પેપર વાપરવામાં આવે છે.

(પેપર ઉપર વોટર કલર)

ડ્રોઈંગ પેપર માટે આજકાલ એની લંબાઈ અને પહોળાઈ પ્રમાણે A1 થી A5 સુધીની સાઈઝના માનક નક્કી કરવામાં આવ્યા છે. પેન્સીલ ચિત્રો માટે A3 સાઈઝ વધારે પસંદ કરવામાં આવે છે, જે આસરે ૧૨ ઈંચ બાય ૧૬ ઈંચ સાઈઝના હોય છે. જરૂરિયાત અનુસાર મોટી સાઈઝના પેપર પસંદ કરવામાં આવે છે. ડ્રોઈંગ પેપર મજબુત અને ટકાઉ હોય છે.

ચિત્રકળા માટે એક ખાસ પ્રકારના કેનવાસનો ઉપયોગ કરવામાં આવે છે. કેનવાસને એક લાકડાની ફ્રેમ ઉપર ચાર બાજુથી બરાબર ખેંચીને ફીક્ષ કરવામાં આવે છે. કેનવાસ માધ્યમમાંથી પ્રવાહી તરત ચૂસી લે એટલા માટે એની ઉપર ખાસ પ્રકારનું કોટીંગ કરવામાં આવે છે. મોટેભાગે કેનવાસ ઉપર એક્રીલીક રંગો અને ઓઈલ પેઈંટ માધ્યમ તરીકે વપરાય છે. આવા ચિત્રોને કાચવાળી ફ્રેમની જરૂર પડતી નથી. સારી રીતે સુકાઈ ગયા પછી લાંબા સમય સુધી ટકી રહે છે.

હવે થોડા માધ્યમની વાત કરીયે. એક શબ્દમાં માધ્યમની વાત કરવી હોય તો શબ્દ છે રંગ. રંગો પૃથ્વીના તળ ઉપરથી કે થોદા ઊંડેથી કુદરતી રૂપમાં મળે છે. વનસ્પતિમાંથી અને રસાયણોમાંથી પણ રંગોનો મોટો શ્રોત મળી આવે છે. ખરેખર તો ચિત્રકળામાં માધ્યમ શબ્દનો ઉપયોગ રંગોને બાંધી રાખતા પદાર્થ માટે વપરાય છે, દા.. પાણી, તેલ, મીણ વગેરે.

ચિત્રકળામાં જે માધ્યમોનો વધારે ઉપયોગ થાય છે તે પ્રમાણે છે. પેન્સીલ, ચારકોલ, ઈંક, વોટર કલર અને ઓઈલપેઈંટ. માધ્યમોની પસંદગીન કારણો અને માધ્યમોની ખૂબીઓ હવે પછીના લેખમાં જણાવીશ.

ચિત્રકળા-૧ (પી. કે. દાવડા)

 ચિત્રકળા-૧

ચિત્રકળા દેશ અને કાળથી પર છે. ચિત્રક્ળા હજારો વર્ષ જૂની છે. પાષાણ યુગમાં પણ હતી. અનેક શિલાલેખ, ગુફાઓમાં થયેલા કોતરકામ વગેરે પૂરાવાઓ આજે પણ અસ્તિત્વમાં છે.

 આપણી લાગણીઓને પ્રગટ કરવાનું અથવા તો એકબીજા સાથે લાગણીઓને શેર કરવાનું માધ્યમ એટલે આપણી ભાષા. જૂનામાં જૂની ભાષા ચિત્રો ગણાય. જયારે ભાષા ફક્ત બોલાતી હતી એટલે કે લેખિત સ્વરૂપ ન હતું ત્યારે પણ ચિત્રો દ્વારા એકબીજાને સંદેશાઓ આપવાનું કાર્ય ચાલતું હતું.

જે વાત શબ્દોમાં ન સમજાવી શકાય એ વાત સમજાવવાની તાકાત ચિત્રકળાના માધ્યમમાં છે.

કુદરતી તત્વોમાંથી રંગો બનાવી ચિત્રકામ કરવાનો હુન્નર પણ સદીઓ પુરાણો છે.  ચિત્રકળાના ઈતિહાસ વિષે લંબાણમાં લખવાને બદલે હું લેખમાં ચિત્રકળાના મૌજુદા પ્રકારોની માહિતીથી લેખમાળાની શરૂઆત કરૂં છું.

સમજવામાં સહેલું પડે એટલે ચિત્રકળાના માધ્યમો અનુસાર પ્રકારોનું વર્ગીકરણ કરૂં છું. સૌથી વધારે વપરાશના ફલક તરીકે કાગળ અને કેનવાસનો ઉપયોગ થાય છે. એની ઉપર ચિત્રકામ માટે વપરાતા રંગો અને અન્ય સામગ્રી અનેક પ્રકારની હોય છે. કાગળ અને કેનવાસ સિવાયના ફલકનું લીસ્ટ પણ ઘણું લાંબું છે, જેવાકે લાકડું, ધાતુ, પથ્થર, પ્લાસ્ટર વગેરે વગેરે. ટુંકમાં જે ફલક ઉપર રંગો ચોંટી શકે ફલક વાપરી શકાય. એમ. એફ. હુસેને તો સફેદ ઘોડાને ફલક બનાવેલું.

રંગોના મુખ્ય ચાર પ્રકાર વધારે વપરાશમાં છે. Oil Paints, Pastel Colours, Acrylic Colours અને Water Colours. આમાના પ્રત્યેકની ખાસિયતો આપણે હવે પછીના લેખમાં જોઈશું.

રંગો સિવાય પેન્સીલ, ચારકોલ અને શાહીથી પણ સુંદર ચિત્રો તૈયાર થયા છે અને થાય છે.

કેટલાક ચિત્રોમાં ગરમ મીણનો ઉપયોગ કરવામાં આવે છે.

મુરલ અને ફ્રેસ્કોનો પણ ચિત્રકળામાં સમાવેશ થાય છે. એનેમલ પેઈન્ટીંગ, ગાઉચ, સ્પ્રેપેઈન્ટ અને ટેમ્પારા ચિત્રક્ળાના અન્ય પ્રકારો છે. હવે તો ડીજીટલ પેઈંટીંગ પણ ચિત્રકળાનો એક પ્રકાર ગણાય છે.

ચિત્રકળા દ્વારા કલાકાર વાસ્તવિકતા અથવા પોતાના મનના ભાવો વ્યકત કરે છે. વાસ્તવિકતામાં જે જૂવે છે એને કેમેરાની જેમ ઝડપી લઈ અને કાગળ, કેનવાસ કે અન્ય માધ્યમ ઉપર રજૂ કરે છે. આમાં મનુષ્યોના ચિત્રો, પશુપક્ષીઓના ચિત્રો કે કુદરતના નજારાનો સમાવેશ થાય છે. મનના ભાવ વ્યક્ત કરવા કોઈક કાલ્પનિક રૂપકોને ચિત્રનું સ્વરૂપ આપે છે. ઈતિહાસની સાચવણીમાં ચિત્રકળાએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

ચિત્રનું આંકલન કરવા માટે અનેક વાતો ધ્યાનમાં લેવામાં આવે છે. ચિત્રનું કદ, ચિત્રના માધ્યમ, રંગોનો તાલમેલ, રંગોની તીવ્રતા અને ઝાંખપ, ચિત્રની પ્રવાહિતા, ચિત્રનું સૌંદર્ય વગેરે વગેરે.

ચિત્રોનું વર્ગીકરણ પણ એક અલગ વિષય છે. દા.. લેન્ડસ્કેપ, પોરટ્રેઈટ, સ્ટીલ લાઈફ, એબ્સ્સ્ટ્રેક્ટ, સમકાલિન, પ્રાચીન વગેરે વગેરે.

બધી બાબતોમાં મારૂં જ્ઞાન સીમિત છે, પણ જેટલું છે એટલું આંગણાંના મહેમાનો વચ્ચે વહેંચવા પ્રયતન કરીશ.

                                     

મુન્શીજીના કાલ્પનિક પાત્રો

આજે મુન્શીજીના એક નાટક અને ત્રણ સામાજીક નવલકથામાંથી ચાર પાત્રોના કલાગુરૂએ તૈયાર કરેલા ચાર રંગીન ચિત્રો રજૂ કરું છું.

     (૧) મોટાભાઈ અને પ્રેમલી            (૨) તનમન અને જગત

          

(૧) હાસ્ય નાટક “બ્રહ્મચારી આશ્રમ”ના પાત્રો  (૨) સામાજીક નવલકથા “વેરની વસુલાત”ના પાત્રો

 

         (૩)મુચકુંદ                                      (૪)  રાજબા

      

(૩) સામાજીક નવલકથા “કોનોવાંક” નું પાત્ર     (૪) સ્વતંત્રતા માટેની ચળવળ ઉપર લખાયલી નવલકથા “તપસ્વિની”નું પાત્ર.