Category Archives: જગન મહેતા
ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧૧
આજે ગાંધીજીના તસ્વીકારે લીધેલી ગાંધીજીની આઠ તસ્વીરો મૂકી, ગાંધી તસ્વીરોનો અનુક્રમ સમાપ્ત કરૂં છું. આવતા અઠવાડિયે આ લેખમાળાનો અંતિમ લેખ મૂકી, લેખમાળા સમાપ્ત કરીશ.
હરિપુરા કોંગ્રેસ અધિવેશન વખતે ગાંધીજીના બે મુખ્ય મદદનીશો સાથેની આ તસ્વીર ઐતિહાસિક છે. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મંત્રી (ગાંધી ટોપી સાથે ડાબી બાજુએ) અને ગાંધીજીના તબીબ ડો. સુશીલા નાયર (જમણીબાજુએ) સાથે અધિવેશન તરફ જતાં ગાંધીજી.
બાળકોને જોઈ ગાંધીજી ખુબ ખુશ થઈ જતા. ગમે તેવી વ્યવસ્તા વચ્ચે પણ એ બાળક સાથે રમી લેતા. આ તસ્વીર બિહારની શાંતિ યાત્રા દરમ્યાન છે. ૨૮ મી માર્ચ, ૧૯૪૭ ના સાઈસ્તાબાદ ગામમાં મુસ્લીમોની એક સભામાં એક મુસ્લીમ બાળકને ફળ આપતા નજરે પડે છે.
આખરે બિહારમાં ગાંધીજીની કઠોર તપસ્યા અસરકારક નીવડી. હિન્દુ મુસલમાન બધા એક સાથે ગાંધીજીની શાંતિયાત્રામાં જોડાયા. આ માણસમાં જબરી શક્તિ હતી. જાનના જોખમે પણ એમનું ધાર્યું કરાવીને રહેતા.
બિહારમાં એમના ઉતારે આંગણાંમાં સવારે ચાલવા જતા ત્યારે મનુગાંધી અને ડો. સુશીલા નાયરના ભભાનો ટેકો લેતા. ત્યારે પણ એમના મુખ ઉપર ચિંતનના ભાવ જગન મહેતાએ સ્પષ્ટ ઝડપી લીધા છે.
બિહારમાં હિનદુએ એક મસ્જીદમા તોડફોડ કરી હતી. એ મસ્જીદની મુલાકાત લઈ ગાંધીજી મૃદુલા સારાભાઈ સાથે બહાર આવે છે. પાછળ સરહદના ગાંધી બાદશાહ ખાન (ખાન અબ્દુલ ગફારખાન) દેખાય છે.
ડાબીબાજુ મૃદુલા સારાભાઈ અને જમણીબાજુ મનુગાંધી સાથે બિહાર યાત્રા દરમ્યાન ચિંતનમય મુખમુદ્રામાં ગાંધીજી.
ગાંધીજીની આ યાદગાર તસ્વીરમાં ડાબીબાજુ આભાગાંધી અને જમણીબાજુ મનુગાંધી. આ પોત્રવધુ અને પૌત્રી ગાંધીજીની લાકડીઓ હતી. મનુગાંધીનું પુસ્તક “બાપુ મારી બા” વાંચો તો ખબર પડે.
એક હરિજન બાળક સાથેની મૂળ તસ્વીર જગન મહેતાએ કેમેરામાં કેદ કરેલી. ચિત્રકારે એ તસ્વીર ઉપરથી આ ઓઈલપેઈન્ટ ચિત્ર તૈયાર કર્યું છે.
ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૧૦
બિહાર દંગા દરમ્યાન અમથુવા અને બેલા નામના ગામોમાં મસ્જીદોને નુકશાન કરવામા આવ્યું હતું. ગાંધીજીએ પગપાળા એ ગામોમાં જવાનું નક્કી કર્યું. રસ્તા ખાબડખુબડ હતા. સાથે વયોવૃધ્ધ ખાન અબ્દુલ ગફારખાર અને મૃદુલા સારાભાઈ, મનુ ગાંધી વગેરે હતા. ૨૭ મી માર્ચ, ૧૯૪૭ ના ગાંધીજી ત્યાં પહોંચી ગયા. તસ્વીરમાં રસ્તાની હાલત દેખાય છે.
શાંતિયાત્રા દરમ્યાન જેહાનાબાદ જીલ્લાના અબદુલ્લાચક ગામમાં એક મુસ્લીમ મહિલાએ મૃદુલા સારાભાઈને અને ગાંધીજીને કહ્યું, દંગામાં મારા પતિ અને બાળકોને દંગાખોરોએ મારી નાખ્યા છે. ગાંધીજીની આંખોમાં આંસુ સરી પડ્યા.
ઝુલ્ફીપુર નામના એક ગામમાં મુસલમાનોને મારીને એમના શબ એક નાના દુવામાં નાખી દેવામાં આવ્યા હતા. તસ્વીરમાં જે ઘર દેખાય છે એ એક મધ્યમવર્ગી મુસલમાનનું ઘર હતું, જેમાં તોડફોડ કરવામાં આવી હતી. ગાંધીજીના મનમાં એ કૂવો જોઈને શું વિચાર આવ્યા હશે એની તો હું કલ્પના પણ કરી શકતો નથી.
સાંજે ગાંધીજી ઓકરી નામના ગામમાં પહોંચ્યા અને પ્રાર્થના સભામાં મુસલમાનોને બોલાવ્યા અને શાંત્વના આપી. એમણે કહ્યું કે માણસ જ્યારે રાક્ષસ બની જાય ત્યારે જ આવું બની શકે. ફોટામાં બાદશાહખાનની બંધ આંખો અને ચહેરાના ભાવ જોઈને આજે પણ ધ્રૂજી જવાય છે.
ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૯
એપીસોડ–૯ (બિહાર શાંતિયાત્રા)
“મને તો મારો ફોટો લેવાય એ પણ પસંદ નથી. ફોટો કોઈ ખેંચે છે તો તે ગમતું નથી. પણ કોઈ કોઈ ખેંચી લે છે.” ગાંધીજીના આ શબ્દો જગ જાહેર છે. આવા સંજોગોમાં ૧૯૪૭ ના માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગાંધીજી જ્યારે બિહારના જહાનાબાદમાં તોફાનોનો શિકાર બનેલા લોકો વચ્ચે બાદશાહ ખાન અને મૃદુલા સારાભાઈ સાથે ફરતા હતા, ત્યાર લીધેલી જગનદાદાની તસવીરો વિના કોઈ પણ ગાંધીસંગ્રહાલય અધૂરું ગણાય. ગાંધીજીની શાંતિયાત્રાની ચુનંદી આઠ તસવીરોનો એક સંપુટ પ્રસિદ્ધ થયો હતો. તેના પ્રારંભમાં કાકાસાહેબ કાલેલકરે લખ્યું હતું, ‘ચિત્રકાર જગન મહેતા કો ભારતવર્ષ કી ઓર સે ધન્યવાદ મિલના ચાહિયે.’ ગાંધીજી અંગેની આ ફોટોગ્રાફીએ જગનભાઈને ખૂબ જ પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા અપાવ્યાં
આમાની જે તસ્વીરો હું ઉપલબ્ધ કરવામાં સફળ થયો છું, એ આજે આંગણાંના મુલાકાતી વચ્ચે વહેંચવામાં (મારા સ્વભાવ વિરોધી રીતે) ગર્વ અનુભવી રહ્યો છું.
‘પ્રકાશનો પડછાયો’ શીર્ષકવાળી આ તસવીરમાં ગાંધીજી મનુ ગાંધીના ખભે હાથ મૂકી વહેલી સવારે પદયાત્રા કરી રહ્યા છે અને તેમની સાથે જ સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફફારખાન પણ જોડાયા છે. ડો. સૈયદ મહમ્મદના બંગલના કંપાઉંડમાં ૨૪ મી માર્ચ, ૧૯૪૭ ના પાડેલી આ તસવીરે તો સમસ્ત જગતનું ધ્યાન ખેંચ્યું છે. પડછાયા આગળ છે એટલે સુર્યોદય પાછળ છે. સૂર્યની સામે ઊભા રહીને આટલી સ્પષ્ટ તસ્વીર એ સમયના ઉપલબ્ધ કેમેરાથી લેવી એ જગન મહેતા શિવાય કોણ કરી શકે?
તા. ૨૩મી માર્ચ ૧૯૪૭ ની સવારે જગન મહેતાએ જોયું કે એક અંધ ભિક્ષુક ગાંધીજીના ઉતારા બહાર ઊભો ઊભો તુલસીદાસજીની ચોપાઈ રટતો હતોઃ ‘અબ રામ કબ મિલેગેં?’ એ એનો હાથ પકડી એને અંદર લઈ ગયા. એ દિવસે ભીખમાં એને જે કંઈ મળ્યું હતું તે બધું જ તેણે ગાંઘીજીના ચરણમાં ધરી દીધું-પેટપૂજા માટે પણ તેણે કશું રાખ્યું નહીં. આવું પાવક દૃશ્ય ક્યાં જોવા મળે? એમણે એની તસવીર લઈ લીધી.
(આજની પોસ્ટના પ્રત્યેક ચિત્રના ઇતિહાસની શોધખોળ માટે અત્યાર સુધીની કોઈપણ પોસ્ટ કરતાં ખૂબ વધારે સમય લાગ્યો હતો. આંગણાંના મુલાકાતિઓ આની કદર કરે છે એટલે જ મને થાક નથી લાગતો.)
એક જગાએ ખૂબ પાણી ભરાયું હતું અને ત્યાં લાકડાં રોપી કામચલાઉ પુલ જેવું બનાવવામાં આવ્યું હતું-એક જ માણસ તેના પર થઈને ચાલી શકે એવું. બાપુ એ પુલ પર થઈને ચાલ્યા-જગન મહેતાને એ પુલ હિંદુમુસલમાન એકતાના દુર્ગમ પથ જેવો દેખાયો. એમણે અમૂલ્ય ઘડીની તસવીર લઈ લીઘી.
એક વૃધ્ધ મહિલા અચાનક આવી ચડીને ગાંધીજીના ચરણો પકડીને બેસી ગઈ, અને બોલી “તમારા સિવાય અમને કોણ બચાવશે?” જગન મહેતાએ સજાગતાથી આ પ્રસંગને કેમેરામાં કેદ કરી લીધો.
ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૮
એમ કહેવાતું કે “જગન મહેતા ક્લિક્સ વન્સ’” એ તેમની ખુમારી અને એ તેમનો આત્મવિશ્વાસનો પરિચય છે. એકસાથે ધડાધડ ક્લિક કરવાના ડિજિટલ યુગમાં, ફ્લેશ વિના ઉત્તમ તસવીરો લેનાર જગનદાદા ખરા કેમેરાના કસબી કહેવાય.
આઝાદીની ચળવળમાં સર્જનાત્મક છબીકલામાં સંવેદનશીલતા અને કલ્પનાશક્તિના સર્જક અને ગાંધીજીની અલભ્ય તસ્વીરકાર જગન એક ભેખધારી તસ્વીર કલાકાર તરીકે જીવનના છ દાયકા સુધી ફોટોગ્રાફી કરી ફોટોગ્રાફીમાં નામના મેળવી હતી. તેમણે એક ગુજરાતી તરીકે ફોટોગ્રાફી કરી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ભારતના ૫૦ વર્ષના ઈતિહાસની ફોટોગ્રાફી કરી, શ્રેષ્ઠ તસવીરોમાં સ્થાન મળે તેવી તસવીરોનું સર્જન કરી વિશિષ્ઠ સ્થાન મેળવ્યું છે.
આજે જગન મહેતાએ પાડેલી ગાંધીજીની તસ્વીરો રજૂ કરૂં છું.
૧૯૩૮ માં હરિપુરાના ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશનની આ તસ્વીર છે. ગાંધીજી એમના મંત્રીઓ મહાદેવભાઈ દેસાઇ અને પ્યારેલાલ (ડો. સુશીલા નાયરના ભાઈ) સાથે એમનો સવારના ચાલવાનો ક્રમ પતાવવા સાથે રાજકીય મુદ્દાની ચર્ચા કરતા જણાય છે.
સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન સાથે, મનુ ગાંધી અને આભા ગાંધીના ખભે હાથ મૂકી ગાંધીજી વહેલી સવારે એમનો ચાલવાનો નિત્યક્રમ પતાવવા નીકળ્યા ત્યારની તસ્વીર છે. આ વિશ્વ પ્રસિધ્ધ તસ્વીરનો ઈતિહાસ જગન મહેતાના શબ્દોમાં કંઈક આવો છે. “ગાંધીજી કયા સમયે ક્યાં ફરે છે, તેનું હું બરાબર ધ્યાન રાખતો હતો. મળસ્કે ફરવા જવાનો તેમનો રૂટ પણ મેં જોઇ લીધો હતો. આ બધું જાણી ગયા પછી એક સવારે હું બરાબર સજ્જ થઇને ગાંધીજીના મોર્નિંગ વોકના માર્ગ પર પહોંચી ગયો અને મારી પોઝિશન લઇને ગોઠવાઇ ગયો. કયા એન્ગલથી દૃશ્ય લેવું અને ફ્રેમમાં શું આવશે, એ તો મેં વિચારી રાખ્યું હતું. મનમાં થોડા ફફડાટ સાથે હું ગાંધીજીની રાહ જોતો હતો અને ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને સારો ફોટો મળે તેમ કરજો. વાતાવરણમાં પરોઢિયાનો ધુમ્મસમિશ્રિત પ્રકાશ છવાયેલો હતો. નક્કી સમયે મનુબહેન-આભાબહેનના ખભે હાથ મૂકીને મક્કમ ડગલાં ભરતા ગાંધીજી દૃષ્ટિમાન થયા. સાથે પહાડ જેવા પડછંદ પઠાણ બાદશાહખાન હતા. ચાલતાં ચાલતાં જેવા એ લોકો મારી કલ્પેલી ફ્રેમમાં આવ્યા કે તરત મેં ચાંપ દાબી. ત્યાર પછી આ સ્થળે અને સમયે જુદા જુદા દિવસોએ મેં પાંચ-છ ક્લિક કરી. સદ્નસીબે તેમાંથી બે-ત્રણ તસવીરો ખરેખર માસ્ટરપીસ થઇ.”
ગાંધીજી સતત પ્રવાસમાં રહેતા. જે ગામમાં રાત રોકાવાના હોય ત્યાં સાંજની પ્રાર્થના કરતા. ગામવાસીનો એમના માટે કામચલાઉ મંચ તૈયાર કરી લેતા. વીજળીની સગવડ ન હોય ત્યાં પેટ્રોમેક્ષથી કામ ચાવી લેતા. લાઉડસ્પીકર વગર પણ લોકો શાંતિ રાખી એમને સાંભળતા. ૧૯૪૭ માં ઓકરી ગામની પ્રાર્થના સભાની આ તસ્વીર છે.
૧૯૩૧ માં ગુજરાત વિદ્યાપીઠના દીક્ષાન્ત સમારંભમાં મુખ્ય અતિથી તરીકે ગાંધીજીએ હાજરી આપી હતી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦માં કરી હતી.
ગાંધીજીના તસ્વીરકાર-જગન મહેતા-૭
જગન મહેતાએ અનેક વિષયની બેનમૂન તસ્વીરો લીધી છે, પણ એમની સૌથી વધારે પ્રસિધ્ધી ગાંધીજીની ઐતિહાસિક તસ્વીરો માટે છે. ૧૯૪૭ ના માર્ચ મહિનામાં, બિહારમાં સળગેલી કોમી આગને ઠારવા ગાંધીજી અને ખાન અબ્દુલ ગફારખાન ગયેલા ત્યારે જગન મહેતા સતત એમની સાથે રહેલા. ગાંધીજીની આ ઐતિહાસિક તસ્વીરો વિશ્વ પ્રસિધ્ધ થઈ અને દુનિયાના અનેક દેશોમાં એમને પ્રદર્શિત કરવામાં આવી.
ગાંધી–તસ્વીરોની શરૂઆત કરવા હું આજે મને ગમેલી થોડી અન્ય તસ્વીરો મૂકું છું. બિહારની તસ્વીરો આવતા અંકથી શરૂ કરીશ.
૧૯૩૨ માં ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાર્થના સભા દરમ્યાન લેવાયલી ગાંધીજીની આ તસ્વીર કેટલીય વાતો છતી કરે છે. જે વાસ્તુમાં ગાંધીજીની વ્યાસપીઠ છે અને ગાંધીજીની વ્યાસપીઠ એ બન્ને ગાંધીજીની સાદગી અને સામાન્ય માણસો સાથે ભળી જવાનો પ્રયાસ દર્શાવે છે. ગાંધીજીના મુખભાવમાં ભક્તિ અને એકાગ્રતા અજોડ છે. ક્યારેક તો એમ લાગે કે આ ગાંધીજી છે કે એમની પ્રતિમા !
૨૩ મી જુલાઈ ૧૯૩૩ના પાલડી, અમદાવાદના વિદ્યામંદિરમાં લેવાયલી આ તસ્વીરમાં પણ ગાંધીજીની સાદી વ્યાસપીઠ અને એમને સાંભળવા ભેળા થયેલા ગાંધીટોપી પહેરાલા માણસોનું નાનું જૂથ, એ સમયના વાતાવરણની ઝાંખી કરાવે છે. ગાંધીજી કેમેરા સામે જોઈને આપેલું સ્મિત મેળવવા બધા ફોટોગ્રાફર ભાગ્યશાળી ન હતા.
જગન મહેતાએ લીધેલી તસ્વીરોમાંથી ગાંધીજીની આ તસ્વીર ખૂબ જ જાણીતી છે. આ તસ્વીરમાં ગાંધીજીનું મનમોહક સ્મિત અને એમની આસપાસ બેઠેલા લોકોમાં હિન્દુ–મુસ્લીમોનું ગાંધીજી પ્રત્યેનું આકર્ષણ છતું થાય છે.
આ તસ્વીરમાં ગાંધીજીની મંડળી એક ગામથી બીજે ગામ જાય છે. ગાંધીજીની સાથે મૃદુલા સારાભાઈ છે. એક અતિ ધનાઢ્ય કુટુંબની સ્ત્રી ઉપર પણ ગાંધીજીની ચળવળની કેવી અસર થઈ હતી તેનું આનાથી મોટું ઉદાહર કયું હોઈ શકે?