Category Archives: જયશ્રી મરચંટની વાર્તાઓ

નફિકરો – વાર્તા – જયશ્રી વિનુ મરચંટ

નફિકરોવાર્તાજયશ્રી વિનુ મરચંટ

મારી અને ચંદુની દોસ્તી અમારી શાળાના પ્રથમ દિવસથી શરૂ થઈ હતી. ગામની એક માત્ર અડધી કાચી, અડધી પાકી બંધાયેલી નિશાળના ધૂળધોયા ઓટલા પર, પાંચ વર્ષનો હું, શાળાના માસ્તરની સામે હીબકાં ભરીને રડતો હતો. મારી બા મને માસ્તરને સોંપીને પોતે પણ આંખો લૂછતી લૂછતી પાછી ફરી રહી હતી એ મેં ત્રાંસી આંખે જોઈ લીધું હતું જેને લીધે પણ હું મારું રડવાનું બંધ નહોતો કરી શકતો. શાળામાં એ મારો પ્રથમ દિવસ હતો. ત્યાં ઓટલા પર, મારી પાછળથી મારા એક ભેરુ જેવો અવાજ આવ્યો, “ફઈમા, તું જા. હું નહીં રોઉં.” અને એક ગોરો, ગોળ મોઢાવાળો મારા જેવડો જ છોકરો મારી બાજુમાં, માસ્તરની સામે ઊભો રહી ગયો. એ બિલકુલ મારી લગોલગ ઊભો હતો. પહેલાં માસ્તરે મને મારું નામ પૂછ્યું, મેં ડૂસકાં ભરતા કહ્યું, “રમણીક.” માસ્તરે એમની સામે પડેલા ચોપડામાં કંઈક જોયું અને પછી મને કશું કહેવાને બદલે, પેલા બીજા છોકરા સામે ફર્યા અને કહે, “નામ?” Continue reading નફિકરો – વાર્તા – જયશ્રી વિનુ મરચંટ

મારું ઘર ક્યાં? (જયશ્રી વિનુ મરચંટ)

મારું ઘર ક્યાં?

લુફ્તાન્ઝાના જમ્બો જેટમાં ગોઠવેલી મારી સીટની નાનકડી બારીમાંથી, જે.એફ.કે. એરપોર્ટને થોડીક લાપરવાહીથી દ્રષ્ટિમાં મેં ભરી લીધું. મનમાં એવી લાગણી થઈ કે હવે ફરી કદી આ ધરતી પર ન આવવાનું થાય તો કેટલું સારું! બસ, હવે તો મારું વતન ભારત જ છે અને બાકીની જિંદગી ત્યાં જ પસાર કરીશું. ફરી કદી આ વિદેશની ધરતી પર ન આવવાનું થાય તો કેટલું સારું! હું મારા આત્માની પોઠ પર વિદેશી ધરતીનો બોજો સારી સારીને હવે થાકી ગઈ હતી. એક વણઝારાપણાની જિંદગીથી વિશેષ બીજું શું હું અહીં અમેરિકામાં જીવી રહી હતી? ન ક્યાંય રસ્તો, ન મંઝિલ, ન કાયમી ઘર કે ન ઘરના આસાર પણ….! અમેરિકામાં અમને મોર્ડન સગવડો અને સજાવટ સભર હાઉસ તો મળ્યું પણ અમારું પોતીકું લાગે એવું એક ઘર નથી મળ્યું. એ પોતીકું ઘર જેની દિવાલો, બારી, બારણાંઓ અને પાયામાં જીવંતતા ધબકતી હોય, એટલું જ નહીં, પણ એ ઘર મારા વતનની ધરતી પર હોય. આ વિચાર આવતાં જ હું તો વતનની ભીની હવામાં તરબતર થઈ ગઈ! મારું મન તો હિલોળે ચડ્યું! પ્લેનમાં બેઠી બેઠી હું તો વિચારોના હિંડોળે ઝૂલતી રહી.     Continue reading મારું ઘર ક્યાં? (જયશ્રી વિનુ મરચંટ)

કુંતી કોણ થશે? (જયશ્રી વિનુ મરચંટ)

                સૂર્ય તેને નાનપણથી ખૂબ ગમતો હતો. દિવસના કોઈ પણ સમયે એને કશું જ કરવાનું ન હોય ત્યારે, રસ્તાની ફૂટપાથ પર, એકલા ઊભા રહીને સૂર્યને તાક્યા કરવું એને ખૂબ પસંદ હતું. એ નાનો હતો ત્યારથી એને વાંચવાનું ખૂબ જ ગમતું. હિંદીના ક્લાસમાં જ્યારે એ રામધારી સીંગ “દિનકર” નું દીર્ઘ કાવ્ય, “રશ્મિરથી” ભણતો હતો ત્યારે એ મંત્રમુગ્ધ થઈ જતો. એક ક્ષણ તો એને થતું કે આ યુગનો મહાદાનવીર સૂર્યપુત્ર કર્ણ એનામાં જ ક્યાં છુપાઈને બેઠો છે! એ વિચારોમાં ખોવાઈ જતો કે અચાનક એક દિવસ સદ્યજાત શિશુ બનીને, એનામાં જ એ, કર્ણ બનીને જન્મે છે. સૂર્યના કિરણોના ઝૂલામાં વર્ષોના વર્ષો ઝૂલીને પછી, એની અંદર રહેલો ગોપનીય કર્ણ એની જ હસ્તી સાથે એકરૂપ બની જાય છે, અને, એ બની જાય છે, કવચકુંડળધારી મહાદાનેશ્વરી કર્ણ! એ કર્ણ કે જેણે મૃત્યુને પણ અમર બનાવી દીધું, જેને મહાભારતના યુદ્ધમાં મ્હાત કરવા કૃષ્ણ જેવા કૃષ્ણને છળનો આશરો લેવો પડે છે! આવા વિચારો અને કલ્પના માત્રથી એના રોમરોમે આહલાદનો અવનવો અનુભવ થતો. આ કલ્પનો જ એની એકલવાયી જિંદગીના સાથી-સંગી હતા. એકલવાયી જિંદગી, જેમાં કોઈ અવાજ પણ નહોતો, સદંતર પદરવહીન…! વર્ષો વિતતાં ગયા અને સમજણનો પારો પણ ચઢતો ગયો. એ મોટો થઈ ગયો હતો અને આટલું તો સમજી ગયો હતો કે આમ જ આખી જિંદગી રસ્તા પર એક બાજુ ઊભા રહીને એ જો સૂર્યને તાક્યા કરશે તો પણ એનામાં કર્ણનું રૂપ આવિર્ભૂત થવાનું નહોતું! Continue reading કુંતી કોણ થશે? (જયશ્રી વિનુ મરચંટ)

હરખીમાસી (જયશ્રી વિનુ મરચંટ)

                મારી હરખીમાસીની વાત માંડવા બેસું તો મને એક જનમ પણ ઓછો પડે! આમ તો મારું મોસાળ સુરત પણ હરખીમાસી, એમના લગ્ન પછી માસાની પોસ્ટ ઓફિસની નોકરીને અને બાપદાદાની ખેતીવાડીને કારણે, સુરત પાસેના એક નાના કસબા, સુમેરપુરમાં રહેતાં હતાં. માસી જો મુંબઈ કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં રહેતા હોત તો નાટકના તખ્તાના ધુરંધરો અને દિગ્ગજ કલાકારોને પણ નાટકના સ્ટેજ પર શ્રેષ્ઠ અભિનેત્રીના ખિતાબ માટે તગડી હરિફાઈ આપત! મારી હરખીમાસી જેવી ડ્રામા ક્વીન મેં મારી આખી જિંદગીમાં નથી જોઈ! હું અમેરિકાથી ભારત આવવાની છું એનો ફોન મારી બાને ભલે હું ન કરું પણ માસીને ન કરું તો એની “શુદ્ધ દેશી સુરતી ગાળો” ખાવા માટે મારો આખો જનમ પણ ઓછો પડે! મેં ત્યારે માસીને મારા ભારત આવવાના ખબર આપવા જ્યારે ફોન કર્યો અને હરખીમાસીની ‘ફુલ ઓન’ નાટક કંપની શરૂ થઈ ગઈ. મને કહે, “લે..! આજે તને માહી યાદ આવી! આ મહિના પે’લા મને મલેરીયા થે’લો તીયારે તું રાં….ની કાં મરી ગેલી? તારી માહી તો મરવાની ઊતી, પણ વા’લા મૂઈ મારો જીવ તારામાં ભરાઈ’લો, તે ઉં ઉપરથી પાછી આવી! બાકી ઉં તો ઉપર જ પોંચી ગેલી ઉતી! તને તારી માઈએ કેઈલું ની ઓહે! એને તો રાં… ની ને પે’લેથી જ પેટમાં દુઃખે કે એની પોયરીને હું આટલી વા’લી કેમ! ઉં ગામમાં રે’મ પણ હમજું બધું જ!” આગળ મને બોલવાનો કોઈ મોકો મળે એ પહેલાં તો ગામમાં મલેરીયાનો રોગચાળો ફાટી નીકળ્યો એને માટે અમેરિકા કેવી રીતે જવાબદાર છે એ પોતાના જ મગજની પેદાશથી ઉપજાવી કાઢેલા ‘ફેક્ટસ એન્ડ ફીગર’ સાથે સમજાવી દીધું! હું માંડ હસવાનું ખાળીને એની સાથે વાતો કરતી. મને કલાકેકનો વખત ન હોય તો માસીને ફોન ન કરવો એટલું તો મને સમજાઈ ચૂક્યું હતું. હું અને મારા પતિ સાન ફ્રાન્સિસ્કોથી સાંજના, કારપુલ લેઈન મળે એટલા માટે સાથે જ ઘરે જતાં. અમને ઘરે પહોંચતાં સહેજે કલાક થઈ જતો. મહિને, બે મહિને, અમે આ સમયનો સદઉપયોગ કરીને, માસીને ફોન કરી લેતી. માત્ર એક જ તકલીફ એમા હતી કે હું કારના સ્પીકર સાથે મારા ફોનને બ્લુ ટુથ દ્વારા કનેક્ટ કરતી. માસીની લાંબી વાતો દરમિયાન, ફોન કાન પર મૂકીને સાંભળ્યા કરવાની મારામાં તાકાત નહોતી. આ સાથે એક ગેરફાયદો એ હતો કે મારી સાથે, મારા પતિને પણ આ વાતો સાંભળવાની ફરજ પડતી. પણ માસીની વાતો એટલી તો મજેદાર રહેતી કે રેડિયો પર જાણે સુરતી ગાળો સાથેનું પ્રહસન ચાલતું હોય! Continue reading હરખીમાસી (જયશ્રી વિનુ મરચંટ)

મારું નામ મીરાં (જયશ્રી વિનુ મરચંટ)

શું રંગ છે આજે તો પાર્ટીમાં…! ૧૯૯૧ની સાલના બધાં જ રંગો આજે અહીં ઢોળાયાં હતાં…! રંગબેરંગી દુપટ્ટાઓ અને જાજરમાન સાડીઓના ઠસ્સામાં આજે તો જાણે ભારતની વસંત સદેહે શાહ દંપતીના ચાર   મિલીયન ડોલરના મેન્શનમાં હિલોળે ચડી હતી…! મહેમાનોની ભીડ જમા થઈ ચૂકી છે એનો અંદાજ વધતી જતી પર્ફ્યુમની સુંગંધની તીવ્રતાથી આવતો હતો. આ બધાં જ મહેમાનો “Elite” અને “Who is who of the Philadelphia and Tristate Area” ના ખાસ પર્સનાલીટીસ હતાં. એટલું જ નહીં, પણ છેલ્લા વીસ-પચીસ વર્ષોથી અહીં આવેલા ભારતના બુદ્ધિજીવી વર્ગનું નવનીત હતાં. આ સહુએ એમની પ્રતિભાથી અને મહેનતથી અમેરિકામાં સફળતા અને સિદ્ધિના શિખરો સર કર્યાં હતાં. ધીરે ધીરે, વારે તહેવારે ભારતીય હોવાનું ગૌરવ લેતાં અને લેવડાવતાં એમને ફાવી પણ ગયું હતું. અહીં હાજર રહેલાઓની વાતોમાં આ હકીકતનો ખ્યાલ આવી જતો હતો. Continue reading મારું નામ મીરાં (જયશ્રી વિનુ મરચંટ)

જયશ્રી મરચંટની વાર્તાઓ – ૧

સુખ – વિલા

કાકાને હું કહી કહીને થાકી હતી કે તમે અમેરિકા આવો, પણ હંમેશા આ એક વાત કહીને તેઓ ટાળી દેતા. ”હું અને તારી બા આવીએ, પણ, આઠ-દસ દિવસોથી વધુ નહીં. મને મારા ચંપાના છોડોની માવજત વિના એકેય દિવસ ફાવે નહીં, તો આઠ-દસ દિવસો તો બહુ થઈ ગયા!” હું હસીને કહેતી, “ઠીક છે તમે રહો તમારા ચંપાના ઝાડ સાથે! હું બાને એકલીને લઈ જઈશ અને બે મહિના સુધી પાછી નહીં મોકલું, જોજો તમે!” કાકા હસતા અને કહેતા, “લઈ જા.” એ માત્ર બે શબ્દો ‘લઈ જા’ માં, અધ્યાહાર રહેલા બીજા છ શબ્દો હતા કે, ‘મારા વિના તારી બા આવે તો.. લઈ જા!’ આ સાથે એમના આત્મવિશ્વાસનો એક રણકો હતો કે, ‘મારા વિના તારી બા આવશે જ નહીં!’ જે, તે સમયે મને ચીઢવવા માટે પૂરતો હતો. હું થોડીક સાચી તો થોડીક ખોટી રીસથી કહેતી, “કાકા, તમે તો સરાસર અંચી કરો છો. તમને ખબર છે કે તમને એકલા મૂકીને બા નહીં જાય, એનો જ ફાયદો તમે ખુલ્લંખુલ્લા ઊઠાવો છો!” બાપુજી બાની સામે અછડતું જોઈને મૂછમાં હસી લેતા. હું પણ એમને ચીડવતી, “તમે જોજો, હું એક દિવસ સાચે જ બાને એકલીને લઈ જઈશ, પછી, આ રોજ સવાર-સાંજ ચંપાનું ફૂલ તોડીને જેને આપો છો, એ જ જો વતનમાં નહીં હો ત્યારે તમારા ચંપાનું શું કરશો?” જવાબમાં બાપુજી મારા માથા પર વ્હાલથી ટપલી મારી લેતા અને હું છણકો કરતાં કહેતી, “તમે, તમારો ચંપો અને તમારી ચંપા…!” Continue reading જયશ્રી મરચંટની વાર્તાઓ – ૧