અંતરની ઓળખ – (૨૦ ) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ
સંજોગો એ પરિણામ છે, કારણ નથી
કોઈપણ વસ્તુ કે બનાવ માટે બાહ્ય વસ્તુ કે બાહ્ય સંજોગો કારણભૂત હોય છે એમ માનવું તે એક વહેમ છે. પોતાના જીવનના સંજોગો વિષે ફરિયાદ કરવી એ હંમેશાં આપણી જાતે જેવા છીએ તેની બાહ્ય અભિવ્યક્તિ જ હોય છે.
વ્યક્તિ પોતે જે હોય છે, એ જ પ્રકારની, તેમ જ તેને અનુરૂપ વસ્તુઓ જ એને જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. જો કે અજ્ઞાન માનવ ન્યાયનો જે સિદ્ધાંત સમજી બેઠો છે એ પ્રમાણે આમ બનતું હોતું નથીઃ આ જે બને છે તે અજ્ઞાન માનવીય નિયમ કરતાં ખૂબ જ સૂક્ષ્મ, અતિ ગંભીર ને સૂક્ષ્મ સત્ય એવા નિયમ પ્રમાણે બનતું હોય છે.
સંજોગો આપણને પાઠ શીખવતા હોય છે
સંજોગો હંમેશાં છુપાઈને રહેલી નબળાઈઓને પ્રકટ કરતા હોય છે. જે નબળાઈઓને પ્રકટ કરતા હોય છે તે નબળાઈઓને આપણે જીતવાની હોય છે. પણ આપણે એને બદલે એને કોઈને કોઈ રીતે છુપાવવાની કોશિશ કરતા હોઈએ છે. જ્યાં સુધી સંજોગોની સમજણ નહીં આવે ત્યાં સુધી કદી આપણે આપણી નબળાઈઓને સુધારી નહીં શકીએ કે એને જીતી નહીં શકીએ.
જે કંઈ બને છે તે આપણને જે વસ્તુ શીખવાની જરૂર હોય છે એ વસ્તુ શીખવવા માટે જ બધું બનતું હોય છે. આ વસ્તુ સમય રહેતાં જ સમજાય છે. તે અને તે ઘડીએ આપણે કશું શીખવું પડે એવા સંજોગો પણ ઊભા થઈ શકે છે. જો એમાંથી ભૂલેચૂકે નિષ્ઠા ચૂક્યા તો સંજોગો આપણને ઘડી શકે એવી ઘડી આપણાં હાથમાંથી સરી જાય છે. આમ સાદા, બીજા શબ્દોમાં કહો તો જો આપણે “સાધના” માટે એકનિષ્ઠ હોઈએ તો એ વસ્તુઓ આનંદપૂર્વક તેમ જ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરવો જોઈએ.
- પરમ પૂજ્ય શ્રી માતાજી
- *********************************************************
જીવન શું છે?
જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સો ગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું આપો નહીં તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો તેવું મળે૩. જીવનને તમે શું આપ્યું છે? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે, કંજૂસાઈ છે, નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો, પછી જીવનમાં સારા પાકની આશા કેમ રખાય?
તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહીં, જીવન ફળ્યું નહીં, તમે છેતરાયા છો, ભરમાયા છો, પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરાતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવડાવે છે કે તમે કશું આપ્યું જ નથી.ક્યાં પ્રેમ કર્યો છે, ક્યાં સાહસ કર્યું છે, ક્યાં ભોગ આપ્યો છે, ક્યાં શ્રદ્ધા રાખી છે? તમે ઝંપલાવ્યું નથી, અજમાવ્યું નથી કે જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં તમને શું મળે? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગુનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલખ વ્યાજ તો તમને મળી ચૂક્યું હોત. એક જ સનાતન સત્ય સમજવાનું છે કે જીવન કદી જૂઠું બોલતું નથી.
Like this:
Like Loading...