Category Archives: કાવ્યોના રસાસ્વાદ

ગઝલઃ    “..બેસ..!” – ગઝલઃ અનિલ ચાવડા – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ગઝલઃ    “..બેસ..!”

બેસવાનું દે વચન તો પાળ, બેસ!
થઈ શકે તો તું જવાનું ટાળ, બેસ! Continue reading ગઝલઃ    “..બેસ..!” – ગઝલઃ અનિલ ચાવડા – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ઊંચાઈ – કાવ્યઃ યામિની વ્યાસ – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ઊંચાઈ

મને માન છે તિરંગા પર
અને હવે તારા પર પણ
કારણ
લીલો રંગ મને યાદ અપાવે આપણે સાથે વાવેલા લીલાછમ્મ સપનાઓ
સ્હેજ ઉપર નજર કરું તો
ખળખળ વહેતા ઝરણાનું અથડાતું સફેદ ફીણ,
જેમાં આપણે એકબીજા સાથે જીવનને વહેતું મૂકવાનો નિર્ણય કર્યો હતો.
ને એમાં વળી આકાશનાં નમણા
ભૂરા રંગે ઝૂકીને મ્હોર પણ મારી આપી હતી.
અને હવે તો આહાહાહા..મારા કેસરિયાનો કેસરિયો  મિજાજ..
બસ તન મનથી ન્યોછાવર થઈને ઓગળી જવાનો..
આનાથી વધુ ઊંચે ના જોઈ શકી
આંખો ઉલેચાઈને સ્થિર થઈ ગઈ..

આ ત્રણે રંગોમાં વીંટળાઈને તું સૂતો છે
મારી સેંથીના લાલ રંગમાં ભીંજાઈને!
માપી ન શકાય એટલી  ઊંચાઈ પર…

– યામિની વ્યાસ

કાવ્ય સંગ્રહ: સૂરજગીરી
પ્રકાશક: અનન્યા સીટી
રજૂઆત: ઘ્વનિ ત્રિવેદી

આભાર વહાલી ધ્વનિ

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

આ કાવ્ય વાંચતા આંખો ભીની ન થાય તો જ નવાઈ! સાચું કહું તો મને ઝવેરચંદ મેઘાણીનું અમર કાવ્ય, “રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે” ની યાદ આવી ગઈ. એ સમય હતો, આઝાદીની અમર લડતનો. એમાં શહીદ થનારા સુભષચંદ્ર બોઝની નેશનલ લીબરેશન આર્મી જેવા અનેક જૂટના, યુદ્ધ લડવાની કાયદેસરની તાલિમ પામેલાં હતાં, તો અનેક મારા-તમારા જેવા સામાન્ય જનો હતાં.  એ સમયે, આઝાદીની દુલ્હનને વરેલાં વીર સૈનિકો સાથે આમ જનતાએ પણ એ જંગમાં યા હોમ કરીને ઝંપલાવ્યું હતું. આજે પણ આપણે સતત, કોઈ ને કોઈ પ્રકારની આઝાદીની લડત”ને,  અનેકવિધ પ્રકારે લડતાં રહ્યાં છીએ, પણ હવે લડતનાં કારણો અને પ્રકારો બદલાઈ ચૂક્યા છે. કહેવાય છે ને કે,

“દુશ્મનો તો મર્દ છે, જે હોય સામી છાતીએ,
પીઠ પાછળ ઘા કરે એ દોસ્ત હોવા જોઈએ”

આ દેશનું આ કમભાગ્ય છે કે દોસ્ત તો દૂરની વાત છે, પણ અહીં ભાઈ-ભાઈ સમી જ પ્રજા અંદરોઅંદર, ક્યારેક ધર્મને નામે, ક્યારેક બે વિચારધારા વચ્ચેના માત્ર મતભેદ જ નહીં, હવે તો મનભેદને કારણે થતાં આંતરિક વિદ્રોહને નામે, ક્યારેક ‘અમીચંદ’ અને ‘જયચંદ’ સમા ઘરભેદુઓને કારણે તાકાતવર થતા વિદેશી પરિબળો સામે અને ક્યારેક દેશની સીમાઓ પર, આઝાદીની આ લડાઈ હજુ સતત ચાલ્યા કરે છે. હા, પણ સમરાંગણ- લડાઈનું કુરુક્ષેત્ર હવે બદલાઈ ચૂક્યું છે, બસ, જે નથી બદલાયું તે આ કુરુક્ષેત્રથી પાછી ઘર તરફ વળતી “રક્ત ટપકતી સો સો ઝોળી,” જે, હવે ત્રિરંગામાં લપેટાઈને પાછી આવે છે! એની અંદર વીંટળાઈને કોઈનો લાડકવાયો સૂતો છે, જે કોઈનો સાહ્યેબો છે. એની સાથે કોડભરેલી પ્રિયા સમી પત્ની અને પત્ની સમી પ્રિયાએ લીલાછમ સપનાંના વાવેતર કર્યાં છે.  બેઉએ મનોમન, હાથમાં હાથ લઈને, પર્વત પરથી શ્વેત ફેનરાશિ લઈને ખળખળ વહેતાં આ ઝરણાં જેવું સતત વહેતું નિર્મળ જીવન જીવવાના અને એ સપનાંના ખેતરોમાં ઊગેલી લીલોતરીનો આસવના ઘૂંટ પીતાં, પીતાં સાયુજ્ય માણવાનાં ઓરતા હતાં. નજર જેટલી ઊંચે જઈ શકે તેટલી ઊંચાઈથી ઝૂકેલા નીલા અંબરે આશીર્વાદ રૂપી આછા ભૂરા રંગના મંદારપુષ્પોની વૃષ્ટિ કરીને અલૌકિક સ્વીકૃતિ પણ આપી દીધી હતી.

પણ, માતૃભૂમિની રક્ષા કાજે એનો કેસરિયો, આજે કેસરિયા કરીને, એક વીર લડવૈયાને છાજે એવું વીર મૃત્યુ પામીને પાછો આવ્યો છે. આ કેસરી રંગની આભા તો પેલા ભૂરા આકાશની પેલે પાર સુધી પથરાઈ ગઈ છે, જ્યાં સુધી આંખો નિહાળી શકે ત્યાં સુધી અને એની આગળ પણ .. ન જાણે કેટલે ઉપર બ્રહ્માંડ સમસ્તમાં પહોંચશે! હવે તો એવું લાગે છે કે આ નભ પણ એના કેસરિયાના ચરણોમાં જાણે ઝૂકી ગયું છે!

દેશની, વતનની લાજ રાખવા હસતા મોઢે એણે તો જીવ આપી દીધો! જિંદગી જીવવા માટેના સપનાંનો લીલો રંગ, વહેતા ઝરણાંના ફેનરાશિની શુભ્રતાથી સજાવેલ જીવનનું વહેણ અને મૃત્યુની કેસરિયા આભાની પાવનતા- આ ત્રણે રંગોમાં વીંટળાઈને એ સૂતો છે, પણ પ્રિયા સમી પત્નીના લાલ સિંદૂરનો રંગ અને એના આંસુનો અભિષેક એના પાર્થિવ શરીર પર વેરાય છે.. અને એમાં ભીંજાય છે, આ ત્રિરંગાની અંદર રહેલો દેહ, જેની અંદરનો પ્રાણ, હવે તો આ ખોળિયું છોડીને, બ્રહ્મસ્થ થઈને, જીવનને સાર્થક કરીને, આંબી ન શકાય એવી ઊંચાઈ પર પહોંચી ગયો છે.

“મારી સેંથીના લાલ રંગમાં ભીંજાઈને!
માપી ન શકાય એટલી ઊંચાઈ પર…”

મા-ભોમ કાજે પ્રાણ હસતા હસતા ત્યાગી દેનારા યોદ્ધાને મારનારાઓ, તમે એટલું સાંભળી લેજો કે એ વીર લડતાં લડતા હેઠે પડ્યો છે પણ,

“કભી તો સોચ કિ વો શખ્સ કિસ કદર થા બુલંદ,
જો ઝૂક ગયા તેરે કદમોમેં આસમાં કિ તરહ!”

આ કાવ્ય પ્રણય કાવ્ય જ નથી પણ દેશભક્તિ, કર્તવ્ય અને શૃંગારનો અદભૂત સમન્વય છે, જેમાં લાગણી છે પણ લાગણીવેડા નથી, દેશભક્તિ છે, દેશ માટે મરી ફિટવાનો સંકલ્પ પણ છે અને શક્તિ પણ છે. ક્યાંય એકેય તત્વનો અતિરેક નથી થયો. આવા મિશ્ભવના કાવ્યમાં જે સમભાવ હોવો જોઈએ, ને જ્યાં જે ભાવ ઉજાગર થવો જોઈએ, એને કવયિત્રીએ કલાત્મકતાથી અને સહજતાથી સાચવ્યો છે. પણ, એ સાથે કાવ્યના ઊંડાણને જરાયે આંચ આવવા નથી દીધી. આથી જ આ કાવ્ય ભાવવિશ્વને ઝંકૃત કરી જાય છે. આ કવયિત્રીની સિદ્ધહસ્ત કલમનો કમાલ છે.

બહેન ધ્વનિ ત્રિવેદીએ કાવ્યની ગહનતાને એમના અવાજમાં યોગ્ય આરોહ-અવરોહ સાથે જાળવી છે એ બદલ એમને ખાસ અભિનંદન.

ઓડિયો વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક પર ક્લીક કરોઃ

https://youtu.be/wEsgh_lNPxE

Attachments area

Preview YouTube video કાવ્ય:ઊંચાઈ:યામિની વ્યાસ રજૂઆત:સુશ્રી ઘ્વનિ ત્રિવેદી

 કાવ્ય:ઊંચાઈ:યામિની વ્યાસ રજૂઆત:સુશ્રી ઘ્વનિ ત્રિવેદી

બે કાવ્યો – યામિની વ્યાસ – “આવર્તન” કાવ્ય આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ

કાવ્ય  ૧ –  “આવર્તન “‘ -વાચિકમ: યશ્વી સ્માર્ત

“આવર્તન “‘હેં મા આવર્તન એટલે શું ?”
“આવર્તન એટલે ફરી ફરીને પાછું આવે એ ….”
“રોજ વહેલા ઉઠવાનું – સ્કૂલ – હોમવર્ક…”
“હા…હા… એટલે જ કહું છું…જલ્દી કર… કશું અધૂરું નહિ મુકવાનું…”
દુનિયા આવર્તન પર ચાલે.
રસોઈ, રિવાજ, ફેશન બધું એનું એજ
ફરી ફરી ને નવા રૂપરંગ સાથે
વિજ્ઞાન કે કુદરત આવર્તન પર જ ચાલે
ખળખળ ઉછળતો સાગર તપે વરસાદ આવે
ખડખડ હસતી દીકરી મલકે માસિક આવે”
“તો મા આપણે બ્લડ ડોનેટ કરીએ તો એનું એજ ફરી થોડું આવે ?”
“હેં…હા…પણ કોઈનો જીવ બચાવતા આપણને શેર લોહી ચઢે એ આવર્તન જ કહેવાય”
“નાની ગુડ્ડુની પથારીમાં પ્લાસ્ટિક અને બાજુવાળા દાદાની પથારીમાં પ્લાસ્ટિક…!”
“હા…આવર્તન કહી શકાય.”

આવા આવર્તનના પાઠ શીખવતી મા મારી રાહ જોતી
…કદી મને સહેજ પણ આવતા મોડું થતું તો…
મા ની નજરમાં સર્જાતું પ્રતીક્ષાનું આવર્તન
પછી એ દીવો ધારતી
જેમ જેમ મોડું થાય તેમ તેમ દીવાની સંખ્યા વધતી
અને સર્જાતું પ્રકાશનું આવર્તન
એ મા ના ચહેરાની ઝળહળમાં કદી હું ખોટું બહાનું ન કાઢી શકતી
પછી મા નો હાથ પકડી એના પ્રિય હીંચકે દોડી જતી
અને રચાતું વહાલનું આવર્તન

મારા નાના પગની ઠેસે મોટું આવર્તન અને
માના મોટા પગની ઠેસે નાનું આવર્તન
એનાથી ઉલ્ટું થતું તો અમે ખૂબ હસતાં
આમ હસતાં હસતાં એક દિવસ મા ના પગ ની ઠેસે હીંચકો ઉપર ગયો…ગયો…ગયો…
પણ…પાછો ન આવ્યો…!

મા, આવર્તન પૂરું કરવાનું હોય !
તારું આ વર્તન જરાય ના ગમ્યું મા…!

હવે કેટલા દીવા ધારું ??

  • યામિની વ્યાસ (કાવ્યસંગ્રહસૂરજગીરી” ના સૌજન્યથી, સાભાર)

 ઓડિયો-વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક ક્લીક કરો

https://www.youtube.com/watch?v=JiJ-E2sNV0E

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટઃ

કુદરત આખી એક નિશ્વિત Frequency – એક ચોક્કસ સમયના અંતરમાં એની એ ગતિના વારંવાર થતી પુનરાવર્તનની ધરી પર ચાલ્યા જ કરે છે. આ જ આવર્તનોની વચ્ચેના ગાળામાં જીવાય છે તે જ કદાચ જીવન છે. પણ અહીં જ્યારે આવર્તનમાં બદલાવ આવે છે ત્યારે શું થાય છે? આ કલ્પનામાં રાચવા કરતાં આ આવર્તનોની મોજ માણી લેવી જોઈએ. આવર્તન અને પરિવર્તન વચ્ચે ક્યારેક મૂંઝવણ ઊભી થઈ જાય છે અને તે સમયે એક Confusion – વૈચારિક ગૂંચવણનું એક પ્લેટફોર્મ જન્મે છે. આ વૈચારિક ગૂંચવાડાના પ્લેટફોર્મ પરથી ટ્રેન, “અગતિગમન”ના સ્ટેશન તરફ આગળ વધે છે. આવર્તનની ચોક્કસ ગતિ ઓચિંતી ખોરંભાઈ જતાં, એ સ્થળ પરથી પાછા ફરવું અને એની એ જ ગતિનું પુનરાવર્તન થવું અસંભવ છે. અગતિગમનના સ્ટેશન પરથી આગળ, અન્ય આવર્તનો તરફ પ્રયાણ કરવું જ પડે છે. આવી સ્થિતિમાં એક જ સમજણ પડે છે કે મનુષ્ય માત્ર આવર્તનનો આનંદ, એ થતાં હોય ત્યાં સુધી માણે અને પછી પણ સુમધુર યાદોને મનમાં વાગોળીને માણ્યા કરે, એટલું જ કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવનના કોઈ પણ તબક્કામાં થયેલા આવર્તનના ભંગાણને અને એ પછીની ગતિવિધીને સ્વકારી લઈને, અન્ય તબક્કાના અવર્તનોને માણતાં માણતાં આગળ વધવું, જીવવું, પણ, “જો કમી થી જીવન મેં, વો કમી તો રહેગી” એ તથ્યને સ્વીકારી લેવું.

જીવનની સહજ ગતિ કાયમ આનંદ અને સલામતી તરફની છે પણ ગતિ અવરોધ થતાં આનંદ અને સલામતી ખોરવાય છે એ જિંદગીની કડવી સચ્ચાઈ પણ છે. આ કડવી સચ્ચાઈમાંથી, આંસુ સાથે ફરિયાદ પણ નીકળે છે.  આ કાવ્યમાં કવયિત્રી બહેનશ્રી યામિનીએ એક પુત્રીને પડેલી એની માતાની ખોટ અને એમાંથી નિષ્પન્ન થતી અસહ્ય વેદનાને વાચા આપી છે પણ એની સાથે, કુદરતના આવર્તનોનો સ્વીકાર કર્યો છે. પણ, પુત્રી એની સામે પોતાનો વિરોધ અને અણગમો મા ને ઉદ્દેશીને નોંધાવે છે. સાચા અર્થમાં તો આ અણગમો મા ના “કાઉન્ટર પાર્ટ” એવા ઈશ્વર સામે દર્જ થયેલો છે. કાવ્યનો વિકાસ વાતચીત અને રમત રમતાં થયો છે પણ આમ હસતાં રમતાં કવિ જ્યારે આ પંક્તિઓ કહે છે ત્યારે આ “ડિવાઈન કનેક્શન” – દિવ્યતાનો ઉઘાડ અનાયસે ભાવકના મનોવિશ્વમાં થઈ જાય છેઃ

“….પછી એ દીવો ધારતી
જેમ જેમ મોડું થાય તેમ તેમ દીવાની સંખ્યા વધતી
અને સર્જાતું પ્રકાશનું આવર્તન
એ મા ના ચહેરાની ઝળહળમાં કદી હું ખોટું બહાનું ન કાઢી શકતી “

દીવા માનવાની અને એની જ્યોતિની વાત એટલી સહજતાથી મૂકાઈ છે કે એ વાંચતાં જ શ્રદ્ધાનો ઉદભવ મનમાં અનાયસે થાય છે. અહીંથી આ કાવ્યનું સ્તર ઊંચકાય છે અને કાવ્ય આપણને સાથે લઈને અનંતતાની યાત્રાએ નીકળી પડે છે,

પુત્રીની અસહાયતા અને પુત્રીના આંસુ ભાવકના મનને ભીંજવી જાય છે, તે સાથે જ, કવયિત્રીના શબ્દો દ્વારા પથરાતો પ્રકાશ, વાચકના અંતરને અજવાળી જાય છે.  બહેન યશ્વી સ્માર્તનું પઠન – વાચિકમ, એમના અવાજના આરોહ-અવરોહ થકી, કવિતાને એની યોગ્ય ઊંચાઈને આંબવામાં હાથોહાથ ફાળો આપે છે. બહેનશ્રી યામિની અને યશ્વીને ખૂબ ખૂબ અભિનંદન.

 

કાવ્ય ૨ઃ   “જળની સામે”

ગીત:યામિની વ્યાસ સ્વર/સ્વરાંકન:નમ્રતા શોધન એડિટ:કેવલ ઉપાધ્યાય

જળની સામે કમળ મૂકીને, ફૂલની સામે મહેક મૂકીને
તારી આંખે વસી ગઈ લે, લાખ કરોડો ટેક મૂકીને
પાન આ લીલું જોયું તો હું હરખાઈ ગઈ છું કેમ પૂછી લે,
કાંઠા તો શું નદી જોઈ છલકાઈ ગઈ છું કેમ પૂછી લે,
પળની સામે પ્રેમ મૂકીને આંખે સપનું એક મૂકીને..
તારી આંખે…

હૈયું ડોલ્યું, જંતર વાગ્યું, તારા બે-ત્રણ મીઠાં બોલે,
આજ હવે લાગે છે મુજને કોઈ નહીં બસ તારી તોલે,
મેઘની સામે મોર મૂકીને, મોરની સામે ગહેક મૂકીને..
તારી આંખે…

  • યામિની વ્યાસ

ઓડિયો-વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક ક્લીક કરો

https://www.youtube.com/watch?v=H5n46WcsXn8

 

‘અલગ અલગ લાગે’ કવિશ્રી ભાવેશ ભટ્ટ – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

અસર સવારની સૌ પર અલગ અલગ લાગે
કે રોજ રોજ મને ઘર અલગ અલગ લાગે

ડૂબી જવાય છે ત્યારે જુદો જ લાગે છે
તરી શકાય તો સાગર અલગ અલગ લાગે

અમારી પર તો નજર ફક્ત એક જણની છે
છતાં દરેક જગા ડર અલગ અલગ લાગે

કદાચ હોઈ શકે એ ક્ષણોનું કાવતરું
બધા જ શ્વાસ સમયસર અલગ અલગ લાગે

સ્વભાવ જેનો જીવનમાં કદી ન બદલાયો
બધી ગઝલમાં એ શાયર અલગ અલગ લાગે
             –             ભાવેશ ભટ્ટ

આસ્વાદઃ  જયશ્રી વિનુ મરચંટ

સૂરજની ગતિ તો બ્રહ્માંડની રચનાના સમયથી એ ની એ જ છે. એક જ ઘટનાક્રમમાં સવાર અને સાંજ પડે છે. પણ એવું ક્યારેક નથી લાગતું કે આજની સવાર તો મારા માટે જ ઊગી છે? એવી સવાર ઉલ્લાસનો ઉત્સવ લઈને આવતી હોય છે. તો ક્યારેક એવું પણ થાય કે આ અંધારઘેરી રાત પછીની સવારની રાહ જોવામાં એવું લાગે કે જિંદગી આખી વિતી જશે આમ જ સવારની પ્રતીક્ષામાં, પણ એ કદીયે આવવાની નથી! ઉત્સાહ, ઉદાસી, આશા, નિરાશા આ બધાંને એની રીતે પોંખતી પોંખતી સવાર આવે છે ત્યારે મનની સ્થિતિ પ્રમાણે સવારનો મૂડ લાગે છે અને એના હિસાબે એના એ જ ઘરની દીવાલો, છત, બારી, બારણાં સહિત બધું જ જુદું લાગવા માંડે. એમ લાગે કે ઘર નવા ચહેરે રોજ સવારે આપણને આવકારે છે! આપણું જ ઘર કંઈ કેટકેટલાં નવા આયામો લઈને આપણી સમક્ષ રોજેરોજ ઉઘાડ પામતું હોય છે?

યાદ આવે છે, નિદા સાહેબ,

“બાંધ રખા હૈ કીસી સોચને ઘર સે હમકો,
વર્ના ઘર કી દરો દિવાર મેં રખા ક્યા હૈ?”

સાગરમાં ડૂબવું કે તરી જવું એ બેઉ પરિસ્થિતિમાં Constant – અવિચલ, સ્થાયી સ્વરૂપે જો કંઈ હોય તો તે સાગર છે. અનેકવાર જિંદગી એવા મોડ પર આવીને ઊભી રહી જાય છે કે એમાંથી ઉગરવાનો જેટલો પણ પ્રયાસ કરો, સફળતા નથી મળતી. જેમ જેમ આ દશામાંથી બહાર નીકળવાના પ્રયાસો કરો તેમ તેમ, વમળમાં અંદર અને અંદર ખેંચાતાં જ જઈએ છીએ. તે સમયે આત્મવિશ્વાસ જ સાથ છોડી દે છે તો બહારનાં લોકોની તો શી વાત કરવી? પણ જ્યારે પ્રેમના સાગરમાં ગળાડૂબ હોઈએ ત્યારે એ ડૂબવાની મઝા વર્ણવતાં પણ વર્ણવી શકાય નહીં. ત્યારે, પ્રેમના વમળોમાં ઘૂમરીઓ ખાનારાંને એમ જ લાગે છે કે “મહીં ડૂબ્યા તે મહાસુખ માણે..!” ડૂબતી અને તરતી વખતે સાગર કેવો લાગે છે એની વાત તો બાજુ મૂકીએ પણ ડૂબવા- ડૂબવાનાં કારણો અને હાલતમાં જ સમંદર જુદો જુદો ભાસે છે. સમુદ્રમાં તણાતાં હોઈએ અને ઉગરી જવાનો કોઈ રસ્તો ક્યાંય દેખાતો ન હોય, ત્યારે અચાનક, એક તરણું મળી જાય તો એના સહારે આખો ભવસાગર પાર કરી જવાય છે. એ વખતે મનમાં એક છાનો હાશકારો હોય છે. પણ, આપણે આપણા પ્રિયપાત્ર વિના જો માઈલો લાંબો સાગર ખેડી જઈએ તો આપણી તરવાની સિદ્ધિની ખુશી પર, પ્રિયજન વિના ગુજારેલી સફરનો રંજ, આપણને તરવાની આ પ્રક્રિયામાંથી મળેલી Accomplishment – પરિપૂર્ણતાને માણવા નથી દેતો.

“અકેલે હમ દરિયા પાર ભી કર લેં તો ક્યા બાત હુઈ
આપ સે જાતે જાતે ભી યહાં ન કોઈ મુલાકાત હુઈ!”

એમના વિના એકલા આખો દરિયો પાર પણ કરી ગયા તો કઈ મોટી વાત થઈ જશે? આ સફર પર એકલા જતા પહેલાં પણ, એમને મળી ન શકાયું એનું દુઃખ, દરિયો તરી ગયાના સંતોષ પર પાણી ફેરવી દેશે.

આપણે એક એવા ભ્રમમાં જ જીવતાં હોઈએ છીએ કે બધાં જ મારી વાત કરે છે. બધાં જ સતત જોયા કરે છે કે હું શું કરું છું. એટલું જ નહીં, પણ આપણે એમ પણ આપણી જાતને ભરોસો અપાવી દઈએ છીએ કે લોકોને આપણી ઈર્ષા છે. “મારી વાત કરવાની કોની હિંમત છે” એવું આપણી જાતને ઠસાવી દઈએ છીએ પણ એ ખબર નથી કે ઈશ્વર સિવાય કોઈની નજર પણ આપણા પર નથી, કોઈ બીજું ધ્યાન આપવાનું પણ નથી. આ કોઈથી ડરવાનો અને લોકોને ભય પમાડીને જીવવામાં એ ભૂલી જવાય છે કે આપણે આપણા જ પોતાના ડરનો શિકાર બનતાં હોઈએ છીએ. જીવનના અલગ અલગ તબક્કા પર, આ અલગ અલગ ભય લાગે છે, ક્યારેક આબરૂનો, ક્યારેક જે લૌકિક અને ભૌતિક શોખ સામગ્રી છે તે ખોવાનો, તો ક્યારેક વિરહનો જ નહીં, પણ મિલનનો અને પ્રેમ કરવાનો પણ ડર લાગતો હોય છે. એટલું ઓછું હોય તેમ માણસને પોતાના ઘરના આરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને પણ ડર લાગે છે કે હું કદાચ સાચે સાચ મને પામી જઈશ તો અથવા તો, ન કરે ને નારાયણ, મને જ હું નહીં મળી જઈશ તો? ફરાગ રુહ્વી નો શેર યાદ આવે છે;

“દેખા જો આયના તો મુઝે સોચના પડા
ખુદસે ન મિલ સકા તો મુઝે સોચના પડા!”

આ ભયનો ઓછાયો પોતાને પોતાની સાથે ન તો જીવવા દે છે અને ન તો જિંદગીને જીરવવા દે છે. એક ચોક્કસ સમયમાં અનેક ભાવ સાથે અનેક જાતના પાત્રો ભજવતાં, આપણે જીવી જવાનું હોય છે, આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી. કોઈક એવી ક્ષણો પણ આવે જ્યારે ‘જિંદગી ગુલઝાર હૈ” લાગે, તો ક્યારેક એમ થાય કે આ વેરાન જીવનમાં ફૂલના નામે કાંટા પણ નસીબ નથી થતાં! સમયને બધી જ ખબર છે તો આ ખરેખર અહીં કવિ કહે છે એમ, કોઈ મોટું કાવતરું ક્ષણો રચી રહી છે? કેમ શ્વાસે શ્વાસે સમય પણ અલગ અલગ અનુભવની વણઝાર લઈને આવે છે, કે જેથી કોઈ રીતે કાળના સિપાહીઓ સમી પળોને પકડીને સજા ન આપી શકાય?

“સ્વભાવ જેનો જીવનમાં કદી ન બદલાયો
બધી ગઝલમાં એ શાયર અલગ અલગ લાગે”

આ ગઝલનો આ છેલ્લો શેર પણ કવિ ભાવેશ ભટ્ટનો “સહી-સિકા”વાળો છેલ્લો શેર છે. સ્વભાવ એટલે કે પ્રકૃત્તિ તો પ્રાણ છે ત્યાં સુધી તો બદલાવાની નથી પણ આ તો શાયરની વાત છે, દરેક ગઝલમાં એ અલગ મિજાજમાં ઢળી જાય છે અને આમ, માત્ર પોતાના જ કે ઈશ્વરના જ નહીં, પણ, સમસ્ત જગતના અલગ અલગ પાસાને ઉજાગર કરવાનો જાદુઈ કિમિયો વાપરીને ગઝલના કેલિડોસ્કોપમાં નિતનવા રંગોની ભાત બતાવે છે. શાયર એક અનોખી, અલગ અલગ સૃષ્ટિનું શબ્દો વડે સતત સર્જન કરતો રહે છે અને એ રીતે એ ઈશ્વરની અને એની સર્જેનક્રિયામાં એક પ્રકારનું સામ્ય છે. આ વાત અધ્યાહાર રાખીને, ગઝલનો આ છેલ્લો શેર, આખી ગઝલને ઉન્ન્ત શિખર પર લઈ જાય છે.

મૂંઝવણ – યામિની વ્યાસ – આસ્વાદઃ જયશ્રી મરચંટ

મૂંઝવણ

દરિયામાં
પડું પડું થતાં સૂરજને
મેં મારી નજરથી ટેકવી રાખેલો..
તું આવે ત્યાં સુધી…..

ને પછી,

મારી આંખ જ દરિયો !
સૂરજની મૂંઝવણ
હવે ક્યાં ડૂબવું?!!

  • યામિની વ્યાસ

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

એક જીવનમાં કેટકેટલી લાગણીઓના ઊંડા સમુદ્રોમાં માણસે માત્ર પગ નહીં, પણ પગથી માથા સુધી જાત આખી ડૂબાડીને જીવતાં રહેવાનું છે! જિંદગીમાં ઉષ્માસભર સવાર માણી છે, બપોરના ધોમધખતા તડકાને પણ હસતાં, હસતાં જીરવી ગયાં કારણ કે સાથે પ્રિયપાત્ર હતું. હવે જીવનની ઢળતી સંધ્યાએ, આંખે કંકુના સૂરજ આથમવા આવ્યા છે. પ્રિયજન સાથે નથી. અને, કદાચ સાથે કદી પાછાં આવશે પણ નહીં, છતાં જીવનની સંધ્યાએ આથમતા સૂરજને, નજરની અમીટ આશના પાશમાં જકડી રાખીને, ડૂબવા નથી દીધો. માત્ર ને માત્ર, ‘કંઈક ચમત્કાર કદાચ થઈ જાય અને તેઓ આવી પણ જાય ઈચ્છાબળને કારણે બન્યું છે. “ચમત્કારમાં પણ થાય ચમત્કાર એવું પણ બને!” પણ જિંદગીમાં ખરેખર તો એવું ક્યાં થવાનું છે? પ્રિયતમ આવતો નથી અને હવે કવયિત્રી એક અદભૂત કાવ્યમયતા સભર શબ્દસૃષ્ટિ રચે છે;

ને પછી,
મારી આંખ દરિયો !
સૂરજની મૂંઝવણ
હવે ક્યાં ડૂબવું?!!”

સૂરજનું ડૂબવાનું નક્કી છે. અહીં, પંક્તિઓ વાંચીને, આત્મસાત કરીને જરા આંખો બંધ કરો તો દેખાશે, જીવતરની સમી સાંજનો સમય, જિંદગીના સાગરતટે, સંધ્યાની લાલિમા ફેલાવીને ડૂબવાની રાહ જોતો પ્રાણરૂપી સૂરજ, જેને રાહ જોતી આંખોની તરસમાં જકડીને રાખ્યો છે. રાહ જોવાયા કરે છે, પ્રિયતમ આવતા નથી, આંસુનો દરિયો હવે આંખોમાંથી વહેવા માંડે છેપ્રાણરૂપી સૂરજને એના નિશ્ચિત સમયે ડૂબવાનું તો છે , પણ એને હવે મૂંઝવણ થાય છે કે ક્યાં જઈને ડૂબે? આંખોમાંથી વહેતા સાત સમંદર મહીં કે પછી ક્ષિતિજ સુધી વિસ્તરેલી, સૂની, શુષ્ક, ડગરના ઝાંઝવામાં? શબ્દચિત્ર આખેઆખું તાદ્રશ થતાં વાચકની આંખોમાં આછા પાણી આવે તો નવાઈ! કવયિત્રીના શબ્દોનો ચમત્કાર છે. બહેન યામિનીબેનનીમૂંઝવણભાવકના દિલની મૂક મૂંઝવણને વાચા આપી જાય છે.

“આ સાંજ ઝળહળતી” – દેવિકા ધ્રુવ – આસ્વાદ; જયશ્રી વિનુ મરચંટ

“આ સાંજ ઝળહળતી…!”

સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો  અરે  સૂરજ, ન લાવો રાત ધસમસતી.

હજી  હમણાં  જ  ઉતરી  છે, બપોરે બાળતી ઝાળો,
જરા  થોભો  અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.

હવે   મમળાવવી  મારે  અહીં    કુમાશ  કીરણોની,
જરા  થોભી, ફરી  ખોલું  હતી બારી જે ઝગમગતી..

અહો   કેવી  મધુરી   સ્‍હેલ  આ   સંસાર  સાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.

કટુ  કાળી   અને   અંતે  જતી  અણજાણ   નિર્વાણે,
જરા  થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!

    • દેવિકા રાહુલ ધ્રુવ 

દેવિકા ધ્રુવ ના “આ સાંજ ઝળહળતી” નો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટઃ

ગીતનો રુમઝૂમતો રણકાર, ગઝલની ગુલાબી ગઝલિયતથી સભર ગુફતેગુ, અને છંદની અસ્ખલિત પ્રવાહિતા લઈને આવેલું આ કાવ્યનું સૌષ્ઠવ અને વૈવિધ્ય એને એક “સર્વપ્રકાર સંયોજિતતા” ના Unique Category – આગવા પ્રકારમાં ઢાળે છે.

માનવીની સવારનો સમય એટલે હસતું રમતું બાળપણ જેને કલાકોની અવધિમાં જીવી જવાય છે. સવાર હજી તો ઊગીને આંખના પલકારામાં જ બપોરમાં આવર્તિત થઈ જાય છે. હજી તો જીવીને વાગોળીએ એ સવારની હૂંફાળી ઉષ્મા ત્યાં સુધીમાં બપોરના પગરણ મંડાઈ જાય છે અને પછીનું જીવન આખું ધોમધખતા બપોરના તાપ સમી જિંદગીને સહન કરવામાં વિતી જાય છે. કેટકેટલું આપણે આપણા જીવનના મધ્યાહ્નમાં જીવી જઈએ છીએ? કિશોરવસ્થામાંથી મુગ્ધાવસ્થાનો “દુનિયાની તમા આપણે કેમ રાખવી” ના તબક્કામાંથી જન્મે છે નવયૌવન. આ યુવાનીની મસ્તીના સમયમાં હ્રદયની મસ્તી પર પણ યુવાનીનો કેફ છવાય છે અને એ સાથે પ્રણયના પગરણ પણ થાય છે. કદીક પ્રેમ પરવાન ચડે છે તો કદીક નિષ્ફળ થાય છે. પ્રણય, પરિણય, કૌટુંબિક જવાબદારીઓ, વ્યાવસાયિકતા, સામાજિક જાગરૂકતા, સફળતા અને નિષ્ફળતા, આ બધાનો નિભાવ એક સમતોલન અને સંતુલન સાથે જીવનની બપોરી વ્યસ્તતામાં કરવાનો હોય છે!

જરા અળગાં થઈને જોઈએ તો આ કામ કેટલું કપરૂં લાગે છે, પણ આપણે તોયે જીવીએ છીએ. કેટકેટલું કરતાં, કરતાં, આપણે મધ્યાહ્નકાળની ઘરેડમાં જીવાતી જિંદગીમાં ઘડી બે ઘડી ઊભા રહીને પોરો ખાવાનો વિચાર પણ નથી કરતાં. સતત ભાગતી, દોડતી આ જિંદગીમાં જો બે ચાર ક્ષણો પણ થંભી ગયા તો કોઈ અદીઠ રેસમાં પાછળ પડી જઈશું અને આવા એક છાના ભયમાં જ આપણે દરેક પળમાં બસ ભાગતા જ રહીએ છીએ. ન જાણે એવી તે કઈ લાચારીનો ઓછાયો આપણને જિંદગીની પળોને માણતાં રોકે છે?

“હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી ઝાળો,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.”

કવિ અહીં કહે છે કે સૂરજ જરા ધીમા તપો, અટકો, થોભો અને શ્વાસ તમે પણ ખાઈ લો અને અમને પણ આ સમયનો સ્વાદ ચાખવા પૂરતું તો ઊભા રહેવા દો. વિતેલી સવારની કુંવારી કુમાશ પર પડેલાં પગલાંને પાછાં ફરીને એકવાર જોવા માટે પણ થંભો. દેખીતી રીતે કહેણ સૂરજ માટે છે પણ વાત પોતાના અંતર સાથે જ કરી છે. જીવનને ભરપૂર ગતિમાં જીવો, ગતિનો આનંદ માણો, સુખના સમયમાં સ્નેહીઓ સાથેના સમાગમમાં સૈર કરો અને દુઃખની પળને સ્વીકારીને, એનો પણ ઉત્સવ ઉજવતાં હો એમ જીવવું એ જ તો જિંદગી છે.

જીવનની આ સુખદુઃખની બારીને સદા ઝળહળતી રાખીએ અને આગળ જોતાં રહીએ પણ પાછળ ઘણું બધું જીવાયું છે, જીવી ગયા છીએ, એનો વૈભવ માણવાની હવે આ ઢળતી સાંજે જે મઝા છે એને માણ્યા વિના આ ધરતી પરથી એમને એમ કેમ વિદાય લેવાય? સાંજ પડી ગઈ છે, રાતની કાળાશનો મહાસાગર પાર કરીને ક્ષિતિજની પેલે પાર જવાનું જ છે, એ નિશ્ચિત છે, તો તન અને મનથી એ મુસાફરી કરવા માટે પોતાને તૈયાર કરવાની બહુ મોટી વાત કવિ અહીં કહી જાય છેઃ

“કટુ  કાળી  અને  અંતે  જતી  અણજાણ   નિર્વાણે,
જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!”

સવાર, બપોર, સાંજ અને રાતની મુસાફરી કરતા સૂરજની સફરને જ માત્ર નથી વર્ણવી, સાચા અર્થમાં જિંદગીની સફરનો શિલાલેખ પણ કવિ લખી જાય છે.

કાવ્યોના શબ્દોની સંગીતમયતા આ કાવ્યને ભારી ન બનાવા દેતા, હસતા, રમતા ઝરણાં સમું, નિર્દોષ, નમણું અને નિર્મળ રાખે છે. આ નખશીખ સુંદર કાવ્ય બદલ દેવિકાબહેનને ખૂબ ખૂબ અભિનંદન.

સાંભળે કોઈ – ગઝલઃ ભાવિન ગોપાણી – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

“સાંભળે કોઈ…!”

છો વાગે નગારું નહી સાંભળે કોઈ
અહીં  એકધારું નહી સાંભળે કોઈ Continue reading સાંભળે કોઈ – ગઝલઃ ભાવિન ગોપાણી – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

“તેં સાંભળ્યું?” -વિનોદ જોષી-આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

“તેં સાંભળ્યું?” – ગઝલ – વિનોદ જોષી-આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

તેં સાંભળ્યું?’-


ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું?
રાતભરનો થાક લઈ પાછી વળી, મેં સાંભળ્યું.

આંગળી ખંડેરનો હિસ્સો નથી, તેં સાંભળ્યું?
છે હવે ગુલમહોરની કળી, મેં સાંભળ્યું.

ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.

છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.

સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.

આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.

આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.

                                 – વિનોદ જોષી – ૨૦૦૯

કવિશ્રી વિનોદ જોષીની ગઝલ ‘તેં સાંભળ્યું?’-નો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

પ્રિયતમાના આવવાની ઘડીની કાગડોળે રાહ જોવાની એક આગવી મજા છે. “જો મજા હિજ્ર મેં હૈ, વો મજા વસ્લમેં કહાં!” પણ એક દિવસ એવો આવે કે માંગેલી બધી જ દુવાઓ કબૂલ થઈ જાય અને આલિંગનમાં અચાનક જ પ્રિયતમા આવી જાય, અને એ પણ ફક્ત એક રાત માટે, તો શું થાય? ગઝલનો મતલા એની છાની પણ મજાની નમણી વાત લઈને આવે છે. એટલું જ નહીં, પણ કાનમાં ખુલ્લંખુલ્લા કહી જાય છે. આંગળીઓનું પોતાનું વજૂદ છે અને બીજા બધાં અંગોને આંગળીઓની ઈર્ષા આવે, એવું પણ કંઈક અચાનક જ બને તો? રાત આખી હવે ઊંઘ અને સપનાંનો સવાલ જ નથી ઊભો થતો. પ્રિયતમાના કેશમાં આંગળીઓ ફરતી રહી છે. આ અદભૂત ઘડીના કેફમાં વરસો સુધી આ ઘડી માટે તરસેલી આંગળીઓ રાતભર પ્રિયતમાના ઝુલ્ફોમાં ફરતી રહે છે.  ન જાણે કેટકેટલા વર્ષોની રાહ જોવાનો થાક એને ઉતારવાનો છે! પણ  રાતભર ન જાણે સેંકડો માઈલોની સફર ખેડી આવેલી એ આંગળીઓ થાકીને સવારમાં જાગે છે. ટેરવે ટેરવે થાક છે પણ આ મનગમતો થાક છે. એની ફરિયાદ આંગળીઓ નથી કરતી પણ રાત આખી સૂઈ ન શકેલી આંખો એની ચાડી કાનને કરે છે. ચાડીની સાથે થોડી કુથલી પણ કરે છે  કે, ‘ભઈ, અમે જે રાતભર જોયું, એ તેં સાંભળ્યું કે નહીં? આ આંગળીઓ તો પ્રિયતમાની ઝુલ્ફોને રાતભર સહેલાવતી રહી, જાણે કે જન્મોજનમનાં વિરહના ઓવારણાં લેવાનાં રહી ગયા હતાં!” કાનમાં વાત જાય તો જ પછી હોઠોં પર વાત આવે પણ અહીં કાન જ આંખ આડાં કાન કરીને કૉઇ વધુ રસ નિંદા કરવામાં બતાવ્યાં વિના કહી દે છે કે, “ઠીક છે, આંગળીઓ થાકી ગઈ એ મેં સાંભળ્યું!” અને, હા, આ આંગળીઓ થાકેલી જરૂર છે, શરીર પર જરાના ઓછાયા પણ આવી ચૂક્યાં હોય પણ હવે આંગળીઓ તો એ ખંડેર થતી ઈમારતનો હિસ્સો ક્યારેય નહીં રહે. કારણ, આ આંગળીઓ તો પ્રિયતમાનાં કેશને રાતભર સંવારતા સંવારતા, હવે મંદારપુષ્પ સમી ચિરયૌવના ગુલમ્હોરની કળી બની ગઈ છે!  આ જ તો પ્રણયનો જાદુ છે. 

આટલાં બધાં વર્ષોની લાંબી ડગર અને એકલાં કાપેલી સફર, એ આંગળીઓના કાપા પર ગણી શકાય એવું પણ ક્યાં છે? આજ સુધી એકમેક વિના, કપાયેલી બેઉની જિંદગીની મજલમાં, જે ગાઢો સૂનકાર હતો, એવા ચિર સન્નાટાનું આવરણ આ આંગળીઓએ પોતાના ટેરવા પર પહેરી લીધું હોય એવું લાગતું હતું. પણ પ્રિયજનના આવવાથી અને એના કેશમાં આંગળીઓ રાતભર ફેરવતા, ટેરવે ટેરવે હવે વાંસળીના સૂરની મિઠાશ વસી ગઈ છે. આંખ બંધ કરીને જરા સાંભળો, તો મુલાયમ સ્વરોનો જાદુ કાનને સંભળાયા વિના રહેશે જ નહીં. આંખોને તો ડંકાની ચોટ પરથી રાતની વાતનું એલાન કરવું છે. પણ, કાન તો પ્રણયની વાંસળીના સૂરો સાંભળી શકે છે.  અને, સમજે પણ છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં કૃષ્ણ હોય અને કૃષ્ણ સાથે કૃષ્ણની બાંસુરી તો હોય, હોય ને હોય જ. વાંસળીના સૂરમાં ડુબેલો પ્રેમ દિવ્ય જ હોય. ત્યાં નિંદા, વેરાની, સૂનકાર અને ભેંકારતા તો સંભવે જ નહીં.

પ્રિયાને જે પણ કંઈ કહેવું છે તે એક જનમમાં પણ કહેવાતું નથી તો એક રાત ક્યાંથી પૂરી પડે? એના રેશમી વાળમાં ફરતી આંગળીઓએ જમાનાએ આપેલા અનેક દુઃખ દર્દને પોતાના સ્પર્શથી સહેલાવ્યાં પણ એ ઉઝરડાઓ, અચાનક જ ત્રાટકી પડેલી વિરહની વિનાશકારી વિજળીના હતા. આ વાત કોને કહેવી? કાનને કહે તો જ મુખ થકી ફરિયાદ રૂપે કદાચ ઈશ્વર સુધી આ વાત પહોંચાડી શકાય..!

પ્રિયાના અંગો પર હાથ ફેરવતાં એક “આહ” નીકળી જાય છે કે જે અંગો ક્યારેક રેશમ-રેશમ હતાં, આજે ત્યાં વર્ષોની બરછટતાએ નિવાસ કરી લીધો છે. ન જાણે શું શું વીત્યું હશે એના પર? પોતાને પડેલી બધી જ તકલીફો ત્યારે ભૂલાઈ જવાય છે, જ્યારે પ્રિયપાત્ર સાથે હોય, સામે હોય! પણ બરછટતાને અડતાં જ, બસ, સ્પર્શના નાજુક પરપોટાં ફૂટી જતાં, વિતેલાં વરસોનું સરવૈયું પોતે જ મુખર બનીને રહસ્યોને ખોલવા તો માંડે જ છે. વિયોગના વરસો કેવા વીત્યા એ જાણવા માટે શબ્દોની લાંબી વણઝારની કોઈ જરૂર નથી.

“આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું?
 એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.”

આ અજાણ્યો દેશ ક્યો છે, અને શા માટે એની કબૂલાત કરવી પડે છે? કંઈક સંદિગ્ધતાથી, કદાચ, કોઈક ખાતરી મેળવવા કે હા, પ્રિયતમ પર જે વિત્યું છે, જે સંજોગોમાં વિત્યું છે એ હવે ભૂતકાળની વાત છે. પ્રેમ નામના સુખના પ્રદેશથી ભલે વંચિત રહ્યાં, પણ આજે આપણે સાથે છીએ. આ પ્રેમનો પ્રદેશ ને કાળ અજાણ્યો ભલે લાગતો હોય હમણાં, પણ સાંભળ, ધીમે ધીમે બધું ફાવી જશે. આ સમયે, જેમ કોઈ ધીર ગંભીર વડીલ કે વ્હાલા મિત્ર સધિયારો અપાવે એમ કાન કહે છે, “ચિંતા શું કરે છે? આજે તો આ પ્રણયની જાણીતી ગલીમાં છીએ ને? બસ, આજે એ ગલીમાંથી ગુજરતાં કશું જ અજાણ્યું નહીં લાગે, મેં તો એવું જ સાંભળ્યું છે.”

આ કવિશ્રી વિનોદ જોષીની સક્ષમ અને ખમતીધર કલમથી જ નિપજી અને, નીતરી શકે એવી આત્મવિશ્વાસથી છલાકાતી ખુમારી છે, ભરોસો છે, Assurance છે – “તુમ અગર સાથ દેને કા વાદા કરો, મૈં યું હી મસ્ત નગમે લૂંટાતા રહું!”

આ ગઝલનો છેલ્લો શેર, સમાપન કરે છે, સ્નેહનું, પ્રણયનું, એકમેકની સંભાળ લેવાની અદમ્ય ઝંખનાનું અને જો કોઈ પણ શંકા હજુ રહી ગઈ હોય તો, કે,

“આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું?
 કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.”

કાફિયા ઓઢવા એટલે “મને પણ”-Me too – ની પૂર્તિ કરવી. હવે પ્રિયા એકલી નથી, એના પર જે કંઈ પણ વીત્યું હોય તો એની સાથે “બેક સીટ” પર, ગઝલના રદીફ જેમ, હું પણ સાથે જ છું, ખુલ્લંખુલ્લા સાથે છું, બધા કાંઅળા ફગાવીને! અને, બસ, અહીં બધાં જ દ્વૈત ખરી પડે છે. ગઝલના રદીફ-કાફિયાની જેમ અતૂટ ઐક્ય સંધાય છે. કદાચ આ જ અદ્વૈત છે, આત્માથી આત્માનું, શરીરી તત્વોથી અશરીરી તત્વોનું. અહીં સાંભળવાની અને સંભળાવવાની ક્રિયા-પ્રક્રિયાઓ, બધું જ ખરી પડે છે અને પ્રેમ માત્ર “શિવોડ્હમ્ શિવોડ્હમ્, સચ્ચિદાનંદોડ્હમ્!” બની જાય છે.

આ ગઝલ વિરહની કે દુઃખની નથી પણ પ્રેમ નામના પ્રદેશનું રાષ્ટ્રગીત છે.

ક્લોઝ-અપઃ જિગર મુરાદાબાદી

“શબે-વસ્લ ક્યા મુખ્તસર હો ગઈ?

 જરા આંખ ઝપકી, સહર હો ગઈ.

નિગાહોંને સબ રાઝે-દિલ કહ દિયા,

ઉન્હેં આજ અપની ખબર હો ગઈ.”

ભાવાનુવાદઃ જયશ્રી વિનુ મરચંટ

રાત છે મિલનની પણ નાગવાર થઇ ગઇ છે

આંખ શું બિડાઈ ત્યાં તો સવાર થઇ ગઇ છે!

ભેદ દિલના આ દુનિયાને જો નજર કહી રહી છે!

એને પણ ખબર ખુદની લ્યો ધરાર થઈ ગઈ છે!”

“વાત કરવી છે ” -ગઝલ- ભાવિન ગોપાણી – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ગઝલ – “વાત કરવી છે”

લખીને એક ઉપન્યાસ વાત કરવી છે
શું હોય રાતનો અજવાસ વાત કરવી છે

વિતાવી શબ્દનો વનવાસ વાત કરવી છે
હતી મજા કે હતો ત્રાસ વાત કરવી છે

બધા જે દૃશ્યને જોઈ વિતાવે છે જીવન
એ સત્ય છે કે છે આભાસ, વાત કરવી છે

આ કારણે જ તને ખાનગીમાં છે મળવું
તું છે જ ખાસ અને ખાસ વાત કરવી છે

મને તું આપ હે ભગવાન આટલી હિંમત
તું સામે હોય ને બિન્દાસ વાત કરવી છે

તટસ્થતાથી રજૂઆત થાય એ માટે,
દબાવી હર્ષ ને ઉલ્લાસ, વાત કરવી છે

હરણ જો ભૂખથી વલખે તો વાત શું કરવી ?
જો વારતામાં ઊગે ઘાસ, વાત કરવી છે

                              ભાવિન ગોપાણી

શ્રી ભાવિન ગોપાણીની ગઝલ, “વાત કરવી છે નો આસ્વાદ- જયશ્રી વિનુ મરચંટઃ

વાત કરવા માટે કોઈની પાસે ક્યારે કેટલું જમા થઈ જાય છે એની કોઈ વહી-પોથી ક્યાં હોય છે? કોણ કેટલા તરસ્યા છે, એની સાબિતી જ્યારે જળાશય પાસે જાય ત્યારે જ ખબર પડે છે. શાયર શરૂઆત કરે છે કે એમને આખી નવલક્થા ભરાય એવી અને એટલી વાત કરવી છે અને એ ક્યાં કરવી છે એનાથી અવગત પણ નથી કરાવતા, એટલું જ નહીં, પણ, જેની સાથે વાત કરવી છે એ વ્યક્તિ ત્યાં હાજર છે કે નહીં. એ તો સૌની સંવેદના પર છોડી દીધું છે. અહીં બ. ક. ઠાકોરની આ પંક્તિઓ યાદ આવે છે, “ગમે તો સ્વીકારી લેજે ગત સમય કેરા સ્મરણમાં.” એક ઉપન્યાસમાં પ્રેમની વાત આવે, કુટુંબની વાતો આવે, તિરસ્કાર અને તોફાન પણ હોય, મૈત્રી અને દુશ્મની હોય, રાજકરણ અને સમાજની વાત હોય, કલા અને સંસ્કૃતિ પણ એમાંથી છલકે. આટલી બધી વાતો છાતીમાં ડૂમો ભરાઈને ઊભરાઈ રહી હોય ત્યારે વાત ક્યાંથી માંડવી? વાતનો પ્રારંભ અને પોત પરથી જ નિર્ણય થાય કે વાત હાજર રહેલા પ્રિયજનને કરવી છે કે પછી વિખૂટા પડી ગયેલા વ્હાલને યાદ કરીને, આમંત્રણ આપીને ફરિયાદ કરવી છે, કે, આવ, જરા જો, કેટકેટલી અને કેવી કેવી સુખ-દુઃખની વાતો કરવાની ભેગી થઈ છે. અને, એક નવલકથામાં હોય એટલી અને એવી લાંબી વાતો તો અંધારી રાતના પોતે જ દીવા બની જશે અને રાત આખી ઉજાસનો ઉત્સવ થઈ જશે!

“આંખોઆંખોમાં થઈ જાય વાત તો કેવું?

વાતો વાતોમાં થઈ જાય રાત તો કેવું?”

ન જાણે કેટલા વર્ષોથી શબ્દોને સંન્યાસ લેવડાવ્યો છે. આ સમય પણ કેવો હતો એ પણ કહેવું છે, થોડુંક રડીને અને થોડુંક હસીને!

જીવન આખું જે “મારું છે”, એવા માલિકીપણાના ભાવનું દ્રશ્ય સતત નજર સામે રાખીને, આખો ભવ માણસ કાઢી નાંખે છે અને આ “મારાપણા”નો અંત જિંદગીનો અંત આવે તોયે નથી આવતો.  શું આ “હું” અને “મારાપણું” જિંદગીનું સત્ય છે કે, પછી બસ, સત્યનો આભાસ છે? આ વાત સ્થૂળ અર્થમાં બધાં જ સમજતાં હોય છે અને છતાંય નથી સમજતાં. જેને માટે આટલા બધા ‘મોહ, મોહ કે ધાગે’ વણ્યાં હોય, એને જ પૂછી લેવાય, પણ, એની પાસે તો ઉત્તર ક્યાંથી હશે? એના કરતાં આ આસક્તિ જો પરમ તત્વમાં રાખીએ તો પછી અંતરપટ ખોલતાં જ સત્ય અને આભાસ વચ્ચેના ફરક અને એનો ઉઘાડ પોતાની મેળે થઈ શકે ખરો?

એક એવી ખાસ વાત કરવાની હોય, ગુફતેગુ કરવાની હોય તો ડંકાની ચોટ પરથી એ ખાનગી વાત ખાસ વ્યક્તિને કઈ રીતે કરી શકાય? અહીં નાજુકતાનો આવિર્ભાવ અદભૂત છે. વાત ખાનગી અને ખાસ છે, જેને કહેવી છે એ તો એનાથી પણ વિશેષ ખાસ છે, તો એને ખાનગીમાં જ આવવાનું ઈજન દેવું પડે ને? પણ, એ જો સામે આવશે તો શું થશે, એકેય વાત મોંમાંથી નીકળશે જ નહીં! વાત ક્યારેય કહેવાશે નહીં, પૂરી થશે નહીં અને આમ જ એક વાત કહેવાની ચાહમાં અને રાહમાં સાથે સાથે જ રહીને જિંદગી વિતી જાય તો, તો કહેવું જ શું?

નઝીર દેખૈયાની આ પંક્તિ યાદ આવે છે,

“સંભાળું હોઠને તો નયન મલકી જાય છે,

 બધી નાજુક અદાઓનું જતન ક્યાંથી બને?”

માણસ આખી જિંદગી મંદિરોમાં જઈને ઘંટારવ વગાડ્યા કરે કે ક્યારેક મને ઈશ્વર મળી જાય. પથ્થરની મૂર્તિ સામે તો ઊભા રહીને જે પણ બોલવું હોય તે બોલી નાંખી શકાય પણ જો ભગવાન એક દિવસ ખરેખર રૂબરૂ થઈ ગયા તો? ઈશ્વરના સતત નામ સ્મરણ લેતાં જ તે સમય પૂરતું અંતરમાં અજવાળું થઈ જાય છે, તો જરા વિચારો કે એ પ્રકાશપુંજ આખો ને આખો આપણી સમક્ષ આવીને ઊભો રહી જાય તો? એ તેજપુંજમાં અંજાઈ ગયેલું આપણું આખેઆખું અસ્તિત્વ, એની સમક્ષ કશું બોલવાની કે ફરિયાદો અને રોદણાં રડવાની હિંમત પણ કરી શકીશું ખરા? ત્યારે શું કંઈ પણ યાદ આવશે ખરું? જો ભૂલેચૂકે પણ આવું થાય તો હે પ્રભુ, મને હિંમત આપજે કે, જરા પણ શેહમાં રહ્યા વિના, અંજાયા વિના, તને પોતાનો માનીને જે પણ કહેવું છે તે આમને સામને, બિન્દાસ કહી શકું, અને, ત્યારે એટલી તટસ્થતા પણ રાખતાં શીખવાનું છે કે હર્ષ અને ઉલ્લાસનો અતિરેક ન રખાય. અહીં, ‘વાત કહેવી છે’ એમ નહીં, પણ, ‘વાત કરવી છે’ એમ કવિ ચતુરાઈ વાપરીને કહે છે. ઈશ્વરને આ ચેલેન્જ છે કે મને તું હિમ્મત આપ જેથી હું ખુલ્લંખુલ્લા, તારી જોડે સંવાદ સાધી શકું! આ બહુ જ મોટી વાત છે. પ્રભુને કહેવું કે ‘બેસ, મારી સામે અને આપણે એક લેવલ પર જીવ અને શિવ એક હોઈએ એમ વાત કરીએ! પણ આ તો જ બને જો આત્મા સાથેનું ઐક્ય લાધ્યું હોય!    

છેલ્લા શેરમાં, કવિ સાચે જ ‘ખંગ’ વાળે છે, એ કહે છે,

‘હરણ જો ભૂખથી વલખે તો વાત શું કરવી?
જો વારતામાં ઊગે ઘાસ, વાત કરવી છે.’

કવિ કહે છે કે જીવ રૂપી ‘હરણ’ ભૂખ અને તરસથી વલખાં મારે છે આજના આ યુગમાં. આપણે મોટી મોટી વાતો કરીએ છીએ વિજ્ઞાનની, વિકાસની, ટેકનોલોજીની, વિશ્વાસની. પણ, આ પૃથ્વી પર આજે પણ અનેક જીવોની ભૂખ અને તરસ મિટવવામાં આપણે એક જાગૃત સમાજ તરીકે સફળ નથી થયા ત્યારે આ મોટી વાતો કેટલી અર્થહીન લાગે છે, માત્ર એક કાલ્પનિક વાર્તા લાગે છે! હવે કદાચ એવું બની જાય કે આ વાર્તામાં આપણે ફળફૂલ, અનાજ ઊગાડી શકીએ અને એ રીતે કદાચ આ જગતમાંથી ભૂખ મટે! યાદ આવે છે, બહુ જૂની ફિલ્મ, ‘ઉજાલા’નું આ ગીત,

“સૂરજ જરા, આ પાસ આ, આજ સપનોં કી રોટી પકાયેંગે હમ.   અય આસમાં, તુ બડા મહેરબાં, આજ તુઝકો ભી દાવત ખિલાયેંગે હમ!”

આ ગઝલનો છેલ્લો શેર વાંચતા આફરીન કહેવાઈ ગયું પણ જેમ ઉકેલાતો ગયો તેમ, એક માણસ તરીકે, ૨૧મી સદીમાં પણ આપણે ભૂખ અને તૃષાની બેઝીક જરૂરિયાત પણ પૂરી દરેક જીવ માટે નથી કરી શક્યાં, એ સમજાતાં, મારું માથું શરમથી ઝૂકી જાય છે. કવિએ એક ચાબખો સમાજને અને સમાજની વ્યવસ્થાને માર્યો છે. ભગવાન કરે અને આ ચાબખાની કળ ત્યાં સુધી ન વળે જ્યાં સુધી આ પૃથ્વી પરની ‘ભૂખ-તરસ’ની સમસ્યાનું સમાધાન

“આવે? ના આવે!” -ગઝલ – અનિલ ચાવડા – આસ્વાદઃ જયશ્રી મરચંટ

                           “આવે? ના આવે!”

હળવે હળવે મંદિરિયામાં હરજી આવે? ના આવે;
તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે? ના આવે.

જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે,
અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે? ના આવે.

નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં,
બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે? ના આવે.

તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.

આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે? ના આવે.

                             –   અનિલ ચાવડા

કવિશ્રી અનિલ ચાવડાની ગઝલ, “આવે? ના આવે!” નો રસાસ્વાદ જયશ્રી વિનુ મરચંટઃ

‘હરિ તમે આવો ને’ નો આર્તનાદનો ઘંટારવ લગભગ ભારતની દરેક ભાષાના કવિઓએ એમની કૃતિઓમાં કર્યો છે. પણ આજના આ કળિયુગમાં નવયુવાન અને આગવો મિજાજ અને જોમથી તરવરતા, ધરખમ કવિ, શ્રી અનિલ ચાવડા જુદી જ વાત કરે છે. કવિને હરિને હ્રદયના મંદિરમાં પધારવાનું આમંત્રણ આપ્યા પછી, હળવે પગલે, ધીરે ધીરે એમના પધારવાની રાહ જોવાની, આ દોડતા યુગમાં મંજૂર નથી. કવિ તો એમની ખુમારીથી હરિને પોતાના માનીને બોલાવે છે કારણ એમને ખાતરી છે કે ઇશ્વર તમારો છે જ, યુગ કોઈ પણ હો. એક અધિકારથી બોલાવો, તો એ એક ઝાટકે આવશે જ! આ ભરોસો રાખો તો બેડો પાર છે. હરિ તો મા પણ છે અને પિતા પણ છે. જો સંતાનો માતાપિતાને આર્તનાદ કરીને નથી બોલાવતાં તો પછી પ્રભુને કરગરીને કેમ બોલાવવા? જેને પોતાના માનો એને કાકલૂદી શું કામ કરવી? એને તો હકથી હાકલ મારીને બોલાવાય. એકવાર આ સમજાય અને પ્રભુ હૈયામાં જ બિરાજતા હોય તો પછી આ શ્વાસોના ટાંકા તૂટી પણ જાય તો કોઈ રંજ નથી, કારણ, તૂટી ગયેલાં શ્વાસ શિવમય થઈ જશે. પછી એ શ્વાસોને સાંધાવાની સોય કે સાંધવાનો હુન્નર, શેનીય જરૂર નથી.

માણસનું વજૂદ કેટલું બટકણું અને ક્ષણભંગુર છે! ટટ્ટાર ગરદન અને છાતી પહોળી કરીને ચાલનારો માણસ તો કાળની એક ફૂંક લાગતાં જ કરમાઈ ગયેલાં અને જરાક પગલાં પડતાં જ ખખડતાં પાંદડાં સમો થઈ જાય છે. જીવનના વાવાઝોડામાં ફંગોળાવવા પોતાની મરજીથી આવો જીર્ણ પર્ણ સમો માણસ ક્યારે સામો ચડીને આવવાનો છે? પણ, સમયનું ચક્ર તો જેમ ફૂલોને ખીલવતી વસંત લાવે છે એમ જ વરસાદ, વિજળી અને વાવાઝોડું પણ લાવે છે. માણસ લાચાર છે. યાદ આવે છે,

“અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈં

રુખ હવાઓં કા  જિધર કા હૈ ઉધર કે હમ હૈં”

ભારતમાં ભવ્ય મંદિરોનું અસ્તિત્વ છે અને છતાં દેશ પરદેશમાં નવા નવા મંદિરો ચણવાની એક જાણે હોડ લાગી છે. ભગવાન મંદિરોમાં જ રહેતો હોત તો એ ક્યા મંદિરમાં રહેવાનું પસંદ કરત? એના કોઈ પરિમાણ – સ્ટાન્ડર્ડ્સ નથી. આ મંદિરો બનાવીને, અંદર પથ્થરની કે સોના-ચાંદીની મૂર્તિઓ સ્થાપવાથી ઈશ્વર આ આલિશાન મંદિરો ને એની મૂરતોમાં કેદ થવા શું કોઈ એપ્લીકેશન કરશે? ભગવાન તો જીવમાત્રમાં છે. જેણે આપણને સૌને બનાવ્યા છે એને આપણે ‘બનાવવાનું’ છોડી દઈશું તો પણ કદાચ એના દરબારમાં આપણી અરજી મંજૂર કરી લેવામાં આવે.

વર્ષોથી વિખૂટા પડ્યાં હોઈએ એના પછી, જો આપણે આપણા સ્વજનને આપણા ઘરમાં અને હ્રદયમાં પધારવાનું આમંત્રણ આપતાં હોઈએ તો પછી, ઈગો, લાજ-શરમની હદ છોડીને, કોઈ પણ જાતનો અવરોધ અને મર્યાદા – Inhibitions & Limitations – રાખ્યા વિના, પાલવ ખુલ્લો પાથરીને, જાજમ બિછાવીને, હ્રદયથી હ્રદયનું અનુસંધાન કરતાં હોય એ રીતે જ બોલાવવા. હા, કાગની ડોળે પછી રાહ જોઈ શકો પણ આપણાં તરફથી બધું જ તૂટેલો સંબંધ બાંધવા આપણે કરી છૂટ્યાં છીએ એનો સંતોષ તો રહેશે! ભલે, એ પ્રિયજન આવે કે ન આવે, એ એની મરજી. અહીં એક અદભૂત મોડ પર ગઝલ આપણને લઈ આવે છે. કવિ કહે છે કે, ‘’મારી અંદર જેટલું છે એ બધું જ તારું છે. હા, તારી પાસે પણ તારું અગાધ વિશ્વ છે જ. હવે તું જ નક્કી કર, તારે શું કરવું છે.” આ એક સેલ્ફલેસ પ્રેમની પરાકાષ્ઠા છે. સાચો પ્રેમ એ જ કહેવાય કે જે જવા ઈચ્છે એને જવા દો, પણ, એને પાછા કદાચ આવવાનું મન થાય, તો, એને માટે તમારા તરફથી બધી જ તૈયારીઓ રાખજો. પ્રિયજન આવે તો ભલે અને ન આવે તોયે ભલે. ન સ્નેહ ઓછો થાય કે ન પછી તૂટેલા કે વિખૂટા પડી ગયેલા સંબંધનો ભાર પણ લાગે!

અને, ગઝલનો આ છેલ્લો શેર આખી ગઝલને ઓપ આપે છે.

“આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
 વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે? ના આવે.”

આ છેલ્લા શેરમાં શેરિયત તો છલકાય છે જ પણ એમાં કવિશ્રી અનિલભાઈના શબ્દોએ રચેલું અદભૂત “કાવ્ય ચિત્ર” છે. કલ્પના કરો, ડૂસકાંના વાદળનું પડળ આંખોમાં, કીકીઓની આડે છવાયું છે અને આંસુ બની એ એની મેળે એક સંવેદનશીલ ક્ષણે વરસવા માંડે છે. ન આંખોને એની ખબર છે કે ન એ આંસુઓને રોકી શકવા માટે મન કે હ્રદય પર કોઈ જોર ચાલે છે. છાતી પર વિજળી પડી છે, એ પણ ચમકારા વિના. આંખોમાં વાદળ આંસુના સમંદર બની વરસું વરસું કરે છે અને છેવટે એક પળ એવી આવે છે કે એ રોક્યા રોકી શકાતા નથી. એટલું જ નહીં પણ, આપણી મરજીથી આપણે જ નક્કી કરેલી ઘડીએ જ આ આંસુ વહેશે એના એંધાણ પણ મળતા નથી. કારણ, આકાશના વાદળો તો વિજળીના ચમકારે ગરજતાં ગરજતાં આવે છે તો સમજ પણ પડે છે. અહીં તો દેખીતી રીતે ન વીજળી ચમકે છે કે ન તો વાદળો ગરજે છે, બસ, રોક્યાં રોકાય નહીં એમ ચૂપચાપ આંસુ વહેતા રહે છે. કવિને કારણો નથી આપવા કે તપાસવા, બસ એક અફર સચ્ચાઈથી ભાવકોને અવગત કરાવવા છે અને એમના ભાવજગત પર પોતપોતાના કારણો અને ચકાસણી સાથે છોડી દીધા છે. ગઝલ અહીં મૂઠી ઊંચેરી ઊઠે છે અને મનના કાંઠાઓને તોડીને પોતે પણ વિમુક્ત – Liberate – થાય છે અને ભાવકોને પણ ઉર્ધ્વગામી બનાવે છે. ભાઈશ્રી અનિલ ચાવડાને આવી ઉપરથી રમતિયાળ લાગતી પણ “મરમ ગહેરા” ગઝલ આપવા બદલ અભિનંદન.