(સત્ય ઘટના પર આધારિત)
અસલાલી ગામની ભાગોળે બે ખાદીધારી ઝભ્ભોલેંઘો પહેરેલા વ્યક્તિઓ રામજીઠાકોરનું ઘર કયાં આવ્યું તેમ કોઈને પૂછી રહ્યા હતા. પૂછતાં પૂછતાં રામજી ઠાકોરની ઓસરી પાસે આવી પહોંચ્યા ને પૂછ્યું “લક્ષ્મણ ઠાકોરના ભાઈ રામજી ઠાકોરનું ઘર આ …જ ….કે? ત્યાં તો જશોદા, રામજી ઠાકોરની પત્ની હાકોટો પાડતી બહાર આવી “અરે …..એય……કુણસે…..ઈની માને………કે મારા ફળિયામાં આવીને એ કાળમુખા લખમણીયાનું નામ લે …સ!” જશોદા હાકોટા દેતી બહાર આવી. જશોદાના મોઢા પર એક જાતનો ઉશ્કેરાટ હતો. આગંતુક માણેકભાઈ અને હરિભાઈએ જશોદાને બે હાથ જોડી નમસ્કાર કર્યા અને કીધું, “બહેન અમે ‘સદવિચાર પરિવાર’ના કાર્યકર છીએ. તમારી સાથે થોડી વાત કરવા માંગીએ છીએ.”
જશોદાના પતિને તેના દિયર, લક્ષ્મણે ધારિયાથી હુમલો કરી મારી નાંખ્યો હતો. લક્ષ્મણ જનમટીપની સજા સાબરમતી જેલમાં કાપી રહ્યો હતો. માણેકભાઈ અને હરિભાઈ જશોદાને નાના દિયર સાથેનું વેર ભૂલીને તેને
માફ કરી દેવાનું સમજાવવા આવ્યા હતા. જશોદા તો વાત સાંભળીને જે…..ભડકી ને જોગમાયાનું સ્વરૂપ લઈ
મોટામોટા ડોળા કાઢી ગુસ્સા સાથે બોલી, “મારા ધણીને ઈયોને ભર ઊંઘમાં દગો દઈને ઘાસ વાઢે તેમ વાઢી
નાઈખ્યો અને તમે હું કોસ કે ભૂલી જઉં? તમને લગીરેય લાજ નથ આવતી? મને ઈ ટાણે આવું કહેતા……જેવા આયા સો એવા હેંડવા મોંડો અહીં કનેથી! નહીં તો તમારા ટોંટીયા પોંહરા કરી દેઈસ….હોવ….સુલેહ કરાવવા વારા ના જોયા હોય…..નીકરી પડયાસે…….”
રામજી ઠાકોર મોટાભાઈ હતા. તેમણે નાનાભાઈ લક્ષ્મણની જમીન પચાવી પાડી હતી. લક્ષ્મણ અને તેની પત્નીએ રામજીભાઈને પોતાની હક્કની જમીન પાછી આપવા બહુ સમજાવ્યા. ગામના લોકો અને મુખીના કહેવા છતાં રામજીભાઈ માન્યા નહી. લક્ષ્મણને ચાર નાના બાળકો. દાડિયાની મજૂરી કરીને ઘર ચલાવવાનું અને છોકરાંવને ભણાવવું – ગણાવવું, આ મોંઘવારીમાં પહોંચાતું નહોતું. પોતાની બાપાની જમીન હતી તો તેમાં તે ઘર બાંધે નેખેતી કરે તો શાંતિથી તેનો પરિવાર જીવી શકે. એક દિવસ ભૂખતરસથી પીડાતા પોતાના બાળકોને જોઈને અને સતત પત્નીના કકળાટથી ઉશ્કેરાયેલ લક્ષ્મણ રામજીભાઈ પાસે ગયો. રામજીભાઈને બહુ સમજાવતા તે માન્યા નહીં અને ઉપરથી લક્ષ્મણને ભાંડવા માંડ્યા. ગુસ્સામાં, વિફરેલ લક્ષ્મણે તેમને રાતમાં સૂતેલા જ વાઢી નાંખ્યા.
આ વેરની આગ ઓલવવાનું કામ માણેકભાઈ અને હરિભાઈએ માથે લીધું હતું. અનેક ધક્કા અને ગાળો ખાઈ
તેમણે આ કામ પાર પાડ્યું. રામાયણ, મહાભારત, ગીતા અને જ્ઞાનની વાતો જશોદાને સરળ શબ્દોમાં સમજાવી.
“તારા પતિએ ખોટું કર્યું છે, તે ગામના બધાં જ લોકો કહે છે. રામજી તો ભગવાનને પ્યારો થઈ ગયો. તું લક્ષમણને માફ કરીને મોટી બની જા. તારા છોકરાઓ મોટા થઈ ગયા છે. આ તારા દિયરના છોકરાંઓ ભૂખે મરે છે. લક્ષ્મણને
એની ભૂલની સજા મળી ગઈ છે .તે જેલમાં હવે ખૂબ પસ્તાય છે. તે પેરોલ પર આવે ત્યારે ગામ વચ્ચે તારી પગે પડીને માફી માંગવા તૈયાર છે. અમે તેને પણ સમજાવ્યો છે. તું પણ સમજી તારો જન્મારો તારી લે.”
ઘણી સમજાવટ પછી જશોદાના હ્રદયમાં રામ વસાવવામાં માણેકભાઈ અને હરિભાઈ સફળ થયા. જસીભાભીએ લક્ષ્મણને રક્ષાબંધનના દિવસે જેલમાં જઈને બીજા અનેક કેદીઓની સામે તાળીઓના ગડગડાટ સાથે રાખડી બાંધી. બંનેની આંખમાં પશ્ચાતાપ અને મિલનના આનંદના આંસુ હતા. દિવાળીમાં પોતાના હાથે મગજ ને સુખડી શેકીને લક્ષ્મણને જેલમાં ખવડાવ્યા.
માણેકભાઈ અને હરિભાઈની આંખો ને હ્રદય અનોખા આનંદથી ભીંજાઈ ગાઈ રહ્યું હતું
“રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”
આમ વેરની આગ શમાવી, પ્રેમનો દીવો પ્રગટાવવાની કેટલી મોટી વાત છે! આજે દિવાળી નથી પણ જ્યારે આપણા મનમાં પ્રકાશ થાય એજ દિવસ તો દિવાળીનો છે. તો, ચાલો, આપણે પણ સાથે મળીને પ્રેમનો દીવો આપણા અંતરમાં પ્રગટાવીએ, હ્રદયમાં નવા સંકલ્પ સાથે કે આપણા મનમાં કોઈની સાથે કોઈ ખારાશ, કોઈ વિચારભેદ, કોઈ મનભેદ હોય તો તે ભૂલી જઈએ અને અંતરમાં નિર્મલ પ્રેમની જ્યોત જલાવીએ. આજે દિવાળી ન હોવા છતાં, સાચા અર્થમાં, જે દિવસે આ દીવો અંતરમાં પ્રગટે, તે દિવસથી રોજ જ દિવાળી ઊજવીએ. જાતે પણ સદા આ ઝળહળ જ્યોતિમાં સ્નાન કરી ઉજળા થઈએ, ઉજળા રહીએ અને એ પ્રકાશ થકી સૌને ઉજાળીએ.
જ્યોતસે જ્યોત જલાતે ચલો, પ્રેમકી ગંગા બહાતે ચલો
રાહમેં આયે જો દીન દુ:ખી સબકો ગલે સે લગાતે ચલો……
Like this:
Like Loading...