Category Archives: જીંદગી એક સફર..

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૦ (જયશ્રી વિનુ મરચંટ)

અય મેરે પ્યારે વતન, તુઝપે દિલ કુર્બાન”

ઓગસ્ટ ૨૦૧૬, ૧૩ અથવા ૧૪મી એ અહીં ફ્રીમોન્ટમાં, ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હતી. પસીઓ પાદરે પર સવારના પરેડ અને પછી આખા દિવસના મનોરંજનની પણ વ્યવસ્થા હતી. ઓફ કોર્સ, જ્યાં દેશની વાત આવે અને ભારતીય વાનગી શોખીન પ્રજા માટે જો મનગમતાં ભોજન ન હોય તો કોઈ પણ ફંકશન સફળ કહેવાય જ ક્યાંથી? આથી જ, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ, ભાતભાતના દેશી ફૂડની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મારા એક બે મિત્રોએ પરાણે, તે દિવસે સવારે, એમ કહીને મને ઘરમાંથી બહાર ખેંચી, કે, “તારો ફેવરીટ એક્ટર, મનોજ બાજપાઈ ગ્રાન્ડ માર્શલ તરીકે આવવાનો છે. ધ્વજવંદન પછી, ખાઈ-પીને, પરેડ જોઈને, પાછી આવી જજે. શોપિંગમાં તો તને ક્યારેય રસ જ ક્યાં છે?” મારો “ના” જવાબ તો કોઈ સાંભળવાના નહોતા! ૩૮ વરસથી અમેરિકામાં હોવા છતાં, આજે, હું પહેલી વાર જ, અમેરિકામાં ઉજવાતા ઈન્ડીપેન્ડન્ટ ડેમાં જઈ રહી હતી. ખબર નહીં કેમ, ઓચિંતી જ, એંસીના દાયકાના પ્રારંભમાં, વિનુ અને હું,-અમે-, અમારા સંતાનોને, ફિલાડેલ્ફિયાથી ન્યુ યોર્ક, બોલીવુડના શો બતવવા લઈ જતાં હતા, એની યાદ આવી ગઈ!
અંતે અમે, ૨૦૧૬ની સવારે, ફ્રીમોન્ટના સ્વાતંત્ર્ય દિનના સેલીબ્રેશનમાં શામિલ થવા આવી પહોંચ્યા. મારા મિત્રો કોફી લેવા સ્ટારબક ગયા હોવાથી હું એમની રાહ જોતી એકલી જ ઊભી હતી. મારી બાજુમાં એક એંસી-પંચોતેર વરસની આજુબાજુ લાગતા, શીખ પતિ-પત્ની ઊભા હતા. ત્યાં જ સરદારજીએ મને ખભા પર ટેપ કરીને વિનયપૂર્વક, હિંદીમાં પૂછ્યું, “બહેનજી, સસ્રિયકાલ. આપ મારી પત્નીની ધ્યાન રાખશો, હું પાછો ન આવું ત્યાં સુધી? એ બ્લડપ્રેશરની દવા મારી ગાડીમાં ભૂલી ગઈ છે. અને દવા લેવાનો એનો ટાઈમ ક્યારનો થઈ ગયો છે, આથી મારે દવા લેવા મારી કારમાં જવું જ પડશે. પાર્કીંગ ઘણું દૂર છે. ઓછામાં ઓછી, મને વીસથી પચ્ચીસ મિનિટ તો લાગશે.” મેં કહ્યું, “જરૂરથી જાઓ. હું છું.” સરદાર બહેનજી હાથ જોડીને, હિંદીમાં બોલ્યા, “સસ્રિયકાલ બહેનજી. મારું નામ અમનપ્રીતકૌર છે.” મેં પણ હાથ જોડ્યા અને મારું નામ કહ્યું. એટલામાં તો ધ્વજવંદન, ઈન્ડિયન કાઉન્સીલ જનરલને હાથે પાંચ મિનિટમાં થશે એની એનાઉન્સમેન્ટ થઈ. મેં કહ્યું, “ભાઈ ધ્વજવંદન મીસ કરશે બહેનજી.” એમણે થોડા ઉદાસ ચહેરે કહ્યું, “હું ચાહતી જ હતી કે એ ના જુએ ધ્વજવંદન. જો ધ્વજવંદન જોશેને તો આ ધ્વજને, સલામ ભરીને અહીં તો રડશે પણ એના પછી પણ એ ન જાણે કેટલાય દિવસો સુધી રડશે!” હું હજુ વધુ વાત કરવામાં એન્ગેજ થાઉં, એટલી વારમાં, મારા મિત્રો કોફી લઈને આવી ગયા. ધ્વજવંદન પતી ગયું હતું. અમે ચાર બહેનપણીઓ આવી હતી. મારા સિવાય, બધાને દેશી કપડાંના શોપિંગ માટે જવું હતું. મેં કહ્યું, “તમે સૌ જાઓ, હું અહીં બેઠી છું, અમનપ્રીતકૌર બહેનજી સાથે. આમેય મારો પગ દુઃખે છે તો, તમારું શોપિંગ પતી જાય તો ટેક્ષ્ટ મી, અને જણાવજો કે, ક્યાં મળવું છે.” બધાં ગયા પછી, હું બહેનજી પાસે બેઠી. એમની આંખોમાં ઝળઝળિયાં હતા. મેં એમનો હાથ મારા હાથમાં લઈને સહેલાવ્યો. મારાથી ઉંમરમાં સહેજે આઠ-નવ વરસ મોટાં અમનકૌર બહેનને આમ ઢીલાં પડી ગયેલા જોઈ મને સમજાતું નહોતું કે બીજું શું કરી શકું. થોડા શાંત થઈ એમણે પોતાને સંભાળી લીધાં અને પછી કહ્યું, ઓફકોર્સ, હિંદીમાં જ, “આપને મારા કારણે અમસ્તાં જ બેસવું પડ્યું એનું મને દુઃખ છે. ક્ષમા કરજો બહેન, પણ આ ઉંમરે હવે, એમને આમ દર વરસે, પંદરમી ઓગસ્ટના સમારંભમાં, દેશને યાદ કરીને, રડતાં નથી દેખી શકાતું! એક જીવનથી પણ મોટી સજા, પોતાની ભૂલની, તેઓ, ખુદને જ આપી રહ્યા છે, વરસોના વરસોથી!”
હું કઈં પણ કહ્યા વિના ચૂપચાપ બેઠી હતી. મારે એમને પૂછીને એમના જૂના જખમને વધુ ખુરેદવો નહોતો પણ, બહેનજીને આજે હ્રદયનો બોજ ઠાલવી નાંખવો હતો. એ બોલ્યાં, “અમારું ખાનદાન, મારા પિયેર અને સાસરેથી, આર્મીનું જ છે. બેઉ પક્ષેથી, છેલ્લી પાંચ કે છ પેઢીથી, કુટુંબના એકેએક મરદે ઈન્ડિયન આર્મીમાં આજીવન સેવા આપી છે અને આજે પણ આપી રહ્યા છે. બસ, આ પરંપરા, અમારા બેઉ દિકરાઓ, ભારત મા માટે નહીં નિભાવી શકે, એ પણ, મારા પતિને લીધે, એનો રંજ, એમને, આજ સુધી રહ્યો છે અને બાકીની જિંદગીમાં પણ રહેશે.” આ સાંભળીને મારાથી બોલી જવાયું, ખરેખર તો મારે કઈં જ બોલવું નહોતું છતાંયે બોલાય જવાયું, “એવું શું થયું હતું, પણ હા, તમને તકલીફ પડે તો ખરેખર નહીં કહેતા બહેન!” અમનપ્રીતકૌર ડૂમા ભરેલાં અવાજે બોલ્યાં, “બહેન, ૧૯૭૧, ડિસેમ્બરમાં, બંગ્લા દેશની લડાઈમાં, ભારતે પોતાની મિલીટરી ઉતારી જેથી “મુક્તિબાહિની”- લોકલ બંગ્લા દેશની સેનાને સપોર્ટ મળે, અને સામા પક્ષની આર્મીના અત્યાચારમાંથી સ્વતંત્રતા અપાવી શકે. આ સમય દરમિયાન, મારા પતિ, મેજર જગત સીંગ, એમની ટુકડી સાથે ઢાકા યુનિવર્સીટીના એરિયાને રક્ષણ આપી રહ્યા હતા. સામા પક્ષની આર્મીના સિપાઈઓ, યુનિવર્સીટીમાંથી જુવાન હિંદુ અને બંગાલી કન્યાઓને ઉપાડી જઈને, ઢાકાની છાવણીમાં, એમના પર અત્યાચાર ગુજારતા અને બલાત્કાર કરતા હતા અથવા મારી નાખતાં. મારા પતિની ટુકડીના સૈનિકો, યુનિવર્સીટીના અનેક બિલ્ડિંગોમાં છુપાયેલી કન્યાઓ અને સ્ત્રીઓને, રાત-દિવસ રક્ષણ આપી રહ્યા હતાં. યુધ્ધ વિરામના ત્રણ દિવસ પહેલાં, સામી આર્મીના ખબરીએ, સાદા લિબાશમાં આવીને, જગતજીને પૂછ્યું કે, “મારી દિકરી અહીં, યુનિવર્સીટીથી ઘરે નથી આવી શકતી તો એ આટલા મોટાં કેમ્પસમાં ક્યા મકાનમાં છુપાયા છે, એ મહેરબાની કરીને કહેશે તો ઉપરવાળો તારું ભલું કરશે. મારે ફક્ત એટલું જ જાણવું છે કે મારી દિકરી સલામત છે.” જે બિલ્ડિંગને મારા પતિ અને અન્ય ત્રણ સિપાહી ગાર્ડ કરી રહ્યા હતા ત્યાં જ આ કન્યાઓ હતી. કેટલાય દિવસોથી, મારા પતિ દિવસરાત એક કરીને, પોતાની ટુકડીને પ્રોત્સાહન આપતાં હતાં અને એમની ડ્યુટી કરી રહ્યા હતાં. વેશ પલટો કરીને આવેલો એ સૈનિક કે ખબરી એટલી તો કન્વીન્સીંગ એક્ટિંગ કરીને રડતો હતો કે એમણે કોઈ નબળી પળે ઈન્ફરમેશન આપી દીધી! બસ, એ જ રાત્રે, બરાબર બે વાગે સવારના, સો માણસોની સામેવાળાની સેના ત્યાં આવી. મારા પતિને અને બીજા સૈનિકોને કેદ કર્યા અને એ સ્ત્રીઓ અને કન્યાઓને…..એમની સામે જ…………મારાથી તો બોલાતું પણ નથી… ને, આ ઘટનાનો બોજો, જગતસીંગજી પળપળ ઝેલીને, આમ જ અનેક સાલોથી જીવી રહ્યાં છે!” અને બહેનજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં..! અમારી આજુબાજુ ચહલ પહલ અને અનેક લોકોની ભીડ હતી પણ એની પરવા વિના, તેમનો બંધ વહી નીકળ્યો હતો! એમણે આગળ ચલાવ્યું, “ડિસેમ્બરની ૧૬, ૧૯૭૧ને દિને યુધ્ધ બંધ થયું, મારા પતિ અને એમની ટુકડીના સૈનિકો સહિત યુધ્ધ કેદીઓની, બેઉ પક્ષે અપ-લે થઈ. એમની ટુકડી અને એમના સૈન્યના વડાઓને પોતે સાચી વાત કહી. બધા જ એમને સમજાવતાં રહ્યાં, કે, જે થઈ ગયું એ ખૂબ જ ખરાબ થયું પણ એમણે કાનૂની રીતે હકીકતને ખુલ્લે આમ બ્યાન કરી અને ઢાકા યુનિવર્સીટીના એ બિલ્ડિંગમાં સંતાયેલી, એ કન્યાઓ અને સ્ત્રીઓ સાથે થયેલા કુકર્મ અને હત્યાકાંડની બધી જવાબદારી સ્વીકારી. એ ઘરમાં કે મિલીટરીમાં, એક જ વાત કહેતા, “હું એ નિર્દોષ, કન્યાઓ અને સ્ત્રીઓની સાથે જે થયું એને માટે મારી જાતને માફ જ કરી શકતો નથી. આ વાત છુપાવી શકું, એવું મારું કાળજું નથી!” એમનો રેકોર્ડ અને ફેમિલીની હિસ્ટરી જોઈને, એમને સર્વિસમાંથી, કોઈ પણ સજા આપ્યાં વિના, ફક્ત બરખાસ્ત કરવામાં આવ્યાં, પણ, એમને પોતાને સજા આપવાનું નક્કી કરી લીધું હતું. ત્યાર પછી, બે દિકરા અને અમે, બોટમાં બેસીને, ખૂબ તકલીફો સહી, અમેરિકા આવ્યાં. ભારત છોડ્યા પછી, અમે પાછા કદી ન ગયાં. અહીં ખૂબ મહેનત મજદૂરી કરી, ને, “એ” તો આજે પણ કરે છે.”
પછી, ઉદાસ આંખે, બહેનજી, શૂન્યમાં જોતાં હોય તેમ, ને જાણે, સ્વગત જ બોલતાં હોય એમ બોલતાં રહ્યાં, “એમને પોતાના વતન માટે એટલો બધો પ્રેમ છે, છતાં, અહીં હિજરાતાં જીવ્યા કરે છે! જો અહીં ભારતનો ઝંડો લહેરાવતાં જોયો હોત, તો, સલામ કરીને, નાના બાળકની જેમ રડતા હોત! ગયા વરસ સુધી, દર પંદરમી ઓગસ્ટના સમારંભમાં, આવું જ કરતા, પણ આજે મેં મારી જાતને કહ્યું કે નહીં, હવે, આ ઉંમરે, મારાથી સહન નથી થતું કે એ અહીં આવે ને પછી બચ્ચાની જેમ રડે! આથી હું જાણી કરીને દવા ભૂલી આવી જેથી એ ધ્વજવંદન ન જોઈ શકે! તોયે ઝંડો જોશેને, તો, એમની આંખોમાં પાણી તો આવશે જ.,! હું અને મારા દિકરાઓ કાયમ એમને કહીએ છીએ, કે, “તમે ભારતથી દૂર રહી, કદી પાછાં ત્યાં ન જઈને, કેટકેટલાં વર્ષોથી, પોતાને જ આટલું બધું દુઃખ પહોંચાડ્યું છે! ક્યાં સુધી આમ જ પોતાને ટોર્ચર કર્યા કરશો?” તો, એમનો એક જ જવાબ હોય છે, “છેલ્લા શ્વાસ સુધી!” એમણે પોતે જ, પોતાની જાતને, દેશનિકાલની સજા આપીને, પોતાના મરણ પર્યંત, ખુદને વતન માટે તડપતાં રાખવાની જાણે ઠાની જ લીધી છે!” અમનપ્રીતકૌરના મનનો ઊભરો નીકળી ગયો હતો. દૂરથી જગત સીંગજી આવતાં દેખાયા. મારાથી અમનપ્રીતકૌરને અનાયસે એક હગ અપાઈ ગઈ. હજી, જગત સીંગજીને આવતાં બે-એક મિનિટ થવાની હતી. મેં બહેનજીને પૂછ્યું, “તમારા દિકરાઓ પણ હવે તો મોટા થઈ ગયા હશે! બેઉ જણા શું કરે છે?” એમણે સહજતા કહ્યું, “બેઉ છોકરાઓ ડોક્ટરી ભણ્યાં અને હવે અમેરિકન આર્મીમાં અફઘાનીસ્તાનમાં સેવા આપી રહ્યાં છે.” ત્યાં સુધીમાં જગત સીંગજી આવી ગયાં અને પાણીની બોટલ ખોલી ને બ્લડપ્રેશરની દવા પત્નીને આપી. પછી આર્મીના પોઝમાં, ધ્વજને જોઈ, સેલ્યુટ કરી, “જય હિંદ” બોલ્યાં, ને આંખોમાં આવેલાં પાણી, ગાલ પર વહી જવા દીધાં, લૂછ્યાં વિના! મારી તરફ ફરીને પછી કહ્યું, “થેંક્યુ, બહેનજી.” પછી પોતાનું કાર્ડ કાઢીને આપ્યું, “કભી ભી ઉબર કી જરૂરત પડે તો યાદ કર લેના મૈં ઉબર ચલાતા હું.” મેં કાર્ડ લીધું ને પર્સમાં મૂક્યું. “બાય” કહીને, હસીને હું પાછી વળતી હતી, મારો ફોન જોતાં-જોતાં. મારી સખીઓનો ટેક્ષ્ટ આવી ગયો હતો. મારી સહેલીઓને વળતો ટેક્ષ્ટ કરતાં-કરતાં, કોણ જાણે, શુંય મારા મનમાં આવ્યું, કે, હું પાછી વળી અને જગત સીંગજીના પગે પડી. તો એ કહે, “અરે, અરે, નહીં, યે મત કિજીયે બહેનજી!” એમને પ્રણામ કરી, પાછું જોયા વિના, નીકળી ગઈ. મારી બહેનપણીઓને મેં મેસેજ કરી દીધો હતો, “આઈ એમ ઓન માય વે.” મારી બહેનપણીઓ ફોટોબુથ પાસે, મારી રાહ જોતી ઊભી હતી. સામે જ લંચ માટે અનેક બેન્ચીસ હતી. ગોળાકારમાં પથરાયેલાં આ એરિયામાં અનેક દેશી ફૂડના સ્ટોલ્સ હતાં. પૂર્વની દિશામાં એક નાનો સ્ટેજ સરસ રીતે સજાવેલો હતો ને ત્યાં “દેશી-બેન્ડ”, બોલીવુડના ગીતોને લાઈવ પરફોર્મ કરી રહ્યું હતું. લાઉડ સ્પીકરમાં એમસી એનાઉન્સમેન્ટ કરી રહ્યો હતો, “અબ આપ, હમારે અપને, બે એરિયાકે લોકલ મુકેશ ઓર કંચનકી આવાજમેં સુનિયે, “કુરબાની”કા યહ ગીત, “હમ તુમ્હેં ચાહતે હૈં ઐસે, મરનેવાલા કોઈ જિંદગી ચાહતા હો જૈસે!”

Advertisements

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૯ (જયશ્રી વિનુ મરચંટ)

“આજ ફિર જીનેકી તમન્ના હૈ”

ફેબ્રુઆરી ૭, ૨૦૧૭ને દિવસે, મારી કેટરેક્ટ-મોતિયાની સર્જરી પછી ઘરે આવી, મારા રુમમાં આરામ કરી રહી હતી. ત્યાં તો બાજુમાં પડેલા આઇપેડમાં દેશી-રેડિયો પર એડવર્ટાઈઝ સાંભળી, “રીલાયેબલ અને બેકગ્રાઉન્ડ ચેક કરેલા ઇન્ડિયન બેબીસીટર્સ માટે અમારી વેબસાઈટ, “ઓલદેશી.કોમ”ની મુલાકાત લઈ રજિસ્ટર કરો.” અને, મને યાદ આવી ગયા, ફઈબા! સાથે, અમેરિકન બેબીસીટર્સના ભાવ ન પરવડવાથી, ફિલાડેલ્ફિયામાં લેટ સેવેન્ટીઝમાં, ઈન્ડિયાથી બેબીસીટર્સ લાવવાની, અનેક મિત્રોની તકલીફો યાદ આવી ગઈ. આજે પણ, ફઈબાની યાદ સાથે, મારા હોઠ અને મન બેઉ મરકી પડ્યાં!

Continue reading જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૯ (જયશ્રી વિનુ મરચંટ)

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૮ (જયશ્રી વિનુ મરચંટ)

“અજીબ દાસ્તાં હૈ, કહાં શુરુ કહાં ખતમ”

૨૨-૨૩ વર્ષો બાદ, અમે, ડિસેમ્બર, ૨૦૦૦માં જ્યારે ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયાથી, ફ્રીમોન્ટ, કેલિફોર્નિયા મુવ થયા ત્યારે એક પ્રકારની અસલામતીની અનુભૂતિ તો હતી પરંતુ, એ સાથે ૬-૭ વરસો પછી, અમે બધા એક જ ટાઈમ ઝોનમાં રહીશું એનો આનંદ પણ એટલો જ હતો. આવી સંમિશ્રિત લાગણીઓ સાથે સાન ફ્રાન્સીસ્કોના એરપોર્ટ પર પગ મૂક્યો. તે સમયે, ફિલાડેલ્ફિયામાં હું અને વિનુ જ હતાં. દિકરો ન્યૂ યોર્કમાં જોબ કરતો હતો. મારી દિકરી ૧૯૯૪માં, બર્કીલીની લો સ્કૂલમાં ભણવા આવી અને પછી “કેલિફોર્નિયન” થઈને, અહીં સેટલ થઈ હતી. સન ૨૦૦૦ના એપ્રિલ માસમાં, વિનુના પોસ્ટ હાર્ટએટેકસ ને ઓપન હાર્ટ સર્જરી બાદ, અમે નક્કી કર્યું કે આપણે સહુએ એક જ ટાઈમ ઝોનમાં રહેવું. કેલિફોર્નિયા આવવાનું નક્કી તો કર્યું પણ મારા કે વિનુ, બે માંથી એકને તો હેલ્થકેર બેનીફીટસ માટે ફુલ ટાઈમ જોબ જોઈએ. વિનુની તબિયત હજુ સંપૂર્ણ સારી નહોતી. લોજીકલ ચોઈસ હતી કે મારે કેલિફોર્નિયામાં કામ શોધવું. શોધતાં તો “કામમારક” શિવજી મળે તો કામ શું ચીજ છે? મને પણ યુસીએસેફ હોસ્પિટલમાં કામ મળી ગયું. અમારો દિકરો, ન્યૂ યોર્ક સ્થિત કંપની, લીમેન બ્રધર્સમાંથી ટ્રાન્સફર લઈને સાન ફ્રાન્સીસ્કો આવી ગયો હતો. અને here we are, in the California! એરપોર્ટ પર, મારી દિકરી, જમાઈ અને દિકરો લેવા આવ્યા હતાં. સાચે જ અમે સહુ, હવે, કેલિફોર્નિયામાં એક જ ટાઈમ ઝોનમાં ભેગા હતાં, એ માનવામાં જ નહોતું આવતું! અમારી આંખોમાંથી ભેજ ડોકિયાં કરતો હતો અને શબ્દો તો સાવ જ પાંગળા લાગતા હતાં!

Continue reading જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૮ (જયશ્રી વિનુ મરચંટ)

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૭ (જયશ્રી વિનુ મરચંટ)

“યે સમા, સમા હૈ યે પ્યારકા”

૨૦૧૪, જૂન માસમાં, ફિલાડેલ્ફિયામાં રહેતી મારી ખૂબ જ વ્હાલી મિત્રની દિકરીના લગ્નમાં અમને સહકુટુંબ આમંત્રણ હતું.  વિનુ સામાન્ય રીતે, છેલ્લા થોડા સમયથી ફોરમલ પ્રસંગોમાં આવતા નહીં, આથી, મેં પણ આર.એસ.વી.પી. કરતાં પહેલાં, માત્ર ઔપચારિકતા ખાતર જ વિનુને પૂછ્યું. મને ખાતરી હતી કે એ “ના” જ પાડશે ને, છેવટે, હું અને મારી દિકરી ફિલાડેલ્ફિયા જઈશું! એ જ સમયે, મારા પતિદેવે “આઉટ ઓફ નો વ્હેર”, ઓચિંતું જ, ખૂબ જ ઉત્સાહથી કહ્યું કે એ પણ આવશે. ૪૨ વર્ષના લગ્નજીવનમાં મારે માટે મોટા shock ની વાત હતી. વિનુ, કે જે, “સમઃ સુખ દુઃખેષુ નિત્યમ્” એને આમ ફિલાડેલ્ફિયા, લગ્ન પ્રસંગ માટે જવાની વાત પર, ઉત્સાહથી તરવરતા, જવાબ આપતાં સાંભળવાનો પણ એક લ્હાવો હતો! ત્યારે ક્યાં ખબર હતી કે એ ટ્રીપ એમના જીવનકાળની અંતિમ ટ્રીપ બની જવાની હતી? અમે ભારતથી સીધા ફિલાડેલ્ફિયા જ આવ્યા હતાં આથી ફિલાડેલ્ફિયા, વતનથી દૂરનું વતન હતું. કેલિફોર્નિયા મુવ થતાં પહેલાં અમે ૨૨-૨૩ વરસો સુધી ત્યાં રહ્યાં હતાં અને કુટુંબ જેવા મૈત્રીના સંબંધો બંધાયા હતાં, એ સંબંધો આટલા બધાં વરસોથી ફિલાડેલ્ફિયા છોડ્યા પછી પણ એટલા જ મીઠાશવાળા રહ્યાં હતાં. અમે ફિલાડેલ્ફિયા પહોંચ્યાં. લગ્નના પ્રસંગો વચ્ચે એક દિવસ ખાલી હતો જેમાં ફરીથી વિનુએ મને shock આપ્યો, જ્યારે એમણે મને અને મારી દિકરીને કહ્યું કે એમનું મન હતું કે અમારા જીવનમાં જે લેન્ડમાર્ક છે એ સ્થળો જોવા જવાનો! સૌ પહેલાં, અમારા સૌથી પહેલાં એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષથી અમે આ સફર શરુ કરી, અમારા સંતાનોની સ્કૂલો, એમના અને મારા પહેલા જોબની જગા અને અન્ય જગાઓ જોઈ, ને પછી, અમારા હેવરટાઉનના ઘરને જોવા ગયાં. હું અને વિનુ કાર પાર્ક કરીને અમારા એ પહેલા હાઉસ પાસે ઊભા રહ્યાં, અને કેટકેટલાં દ્રશ્યો નજર સામે ફુલસ્પીડથી પસાર થવા માંડ્યાં. વિનુએ મને પૂછ્યું, “તું આપાણા ઘરની સામેના ઘરમાં રહેતી નર્સના કોન્ટેક્ટમાં છે? તારી જોડે એને સારા એવા બહેનપણાં હતાં.” મેં કહ્યું, “ફેસબુક પર ફ્રેન્ડ છું પણ એમિના ફેસબુક પર બહુ એક્ટીવ નથી અને મારી પાસે એનો ફોન નંબર પણ નથી. અહીં સુધી આવ્યા છીએ તો એના ઘરની રીંગ મારી જોઈએ.” અને મેં, એના પોર્ચના પગથિયાં ચડી રીંગ મારી. એક વૃધ્ધાએ દરવાજો ખોલ્યો. મેં એમને અંગ્રેજીમાં પૂછ્યું, “સોરી ટુ બોધર યુ લાઈક ધીસ વે. અમે એમિનાની સામેના ઘરમાં ૨૦ વરસ સુધી હતાં. એમિના અમારી નેબર પંદર વરસ સુધી હતી. શું એમિના ઓસ્મીર હજુ અહીં રહે છે?” પેલી વૃધ્ધાએ નમ્રતાથી ના પાડી અને દરવાજો બંધ કર્યો. પોર્ચના પગથિયાં નીચે ઊતરતાં, એમિના સાથેની અમારી દોસ્તીની ફિલ્મ, હું તાદ્રશ નિહાળી રહી હતી…!

Continue reading જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૭ (જયશ્રી વિનુ મરચંટ)

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૬ (જયશ્રી વિનુ મરચંટ)

“વો સુબહ કભી તો આયેગી!”

ડિસેમ્બર ૮, ૨૦૧૬ – આજે, મારા પતિ, વિનુના, એ જાનલેવા અકસ્માતને ૨ વરસ થયાં હતાં. દિવસ તો ઉદાસ ઉદાસ અમારા સહુ માટે વીત્યો હતો. મન હજુયે માનવા તૈયાર નહોતું કે વિનુ હવે આ ફાની દુનિયા છોડીને જતાં રહ્યાં છે, અને કદીયે પાછા નહીં આવે! ઓચિંતી જ, ૨૦૧૬ની નવમી ડિસેમ્બરની વહેલી સવારેના બે વાગે ઊડી ગઈ. મને એવો ભાસ થયો કે વિનુ અહીં મારી આજુબાજુ જ છે! પછી તો. કેટલાયે પાસા ઘસ્યા પછી પણ ઊંઘનું નામોનિશાન નહોતું. હું મારા ક્લોઝેટમાં મૂકેલા ફોટોગ્રાફના આલ્બમ લઈ આવી. બહુ ધીમા અવાજે, સોની ટીવી ચાલુ કર્યું અને મેં, મારા બેડ પર બેસીને આલબ્મ જોવાનું ચાલુ કર્યું. ઘરમાં સહુ સૂઈ ગયા હતાં. જૂના આલ્બમો, મેં અને વિનુએ વરસ પ્રમાણે ગોઠવ્યાં હતાં. મેં ૧૯૮૦ના વરસનું આલબમ લીધું હાથમાં. અમુક જૂના ચહેરાઓ વિસ્મરણની ગુફામાં ખોવાઈ ગયા હતાં. આજે એ બધાના ફોટા જોતાં જોતાં અનેક નાના-મોટાં પ્રસંગો યાદ આવવા માંડ્યાં. આમ, સ્મરણોની કેડીએ હું ફોટા જોતાં વિચરતી હતી કે, મારી નજરે એક ફોટો પડ્યો, એક બંગ્લાદેશી, વિનુ, મારો અને મારા બેઉ બાળકોનો. આ ફોટો એટલાન્ટિક સીટીના બોર્ડવોક પર લીધો હતો. પાછળ એટલાન્ટિક સમંદરના ઉછળતા મોજાંના ફીણ આટલા વરસો પછી પણ અકબંધ હતાં. આજે આ ફોટો જોતાં, ઘણું બધું યાદ આવતું હતું પણ એ ભાઈનું નામ યાદ નહોતું આવતું! હું એમનું નામ યાદ કરવાની કોશિશ કરતી હતી. એવું ભાગ્યે જ બનતું કે હું નામ અને ફોન નંબર ભૂલી જાઉં પણ વિનુના ગયા પછી હવે નામે ભૂલી જવાનું પણ એક જાણે રુટિન થઈ ગયું હતું. મેં ઊભા થઈ બેડરુમની બારી ખોલી. સામે પર્વતો પર છૂટા-છવાયા ઘરો પથરાયેલાં હતાં. એમાં ક્યાંક-ક્યાંક રોશની હતી. હું આ દ્રશ્ય ક્યાંય સુધી અપલક જોતી રહી. એકદમ મારા મનમાં ઝબકારો થયો, “યસ, યાદ આવ્યું આ ફોટાવાળા ભાઈનું નામ, રોશન અહેમર.” અમે સિત્તેરના દાયકામાં, અમેરિકા આવ્યા અને ફિલાડેલ્ફીયામાં વસ્યા. ૧૯૭૫માં એટલાન્ટિક સીટીનો નવો જન્મ થયો હતો. અમેરિકામાં આવેલા અમારા જેવા ઈમીગ્રન્ટો માટે અને અહીં વસતી પ્રજા માટે પણ એટલાન્ટિક સીટીની ઝાકઝમાળ અને કસીનોનું કૌતુક તથા આકર્ષણ ખૂબ હતું. આ સીટીનો ઇતિહાસ પણ જાણવા જેવો છે પણ એ વિગતો ફરી કોઈ વાર. આજ, તો, મને એક સાવ જ સાદી સીધી વાત રોશન અહેમરનો ફોટો જોતાં યાદ આવી.

Continue reading જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૬ (જયશ્રી વિનુ મરચંટ)

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૫ (જયશ્રી વિનુ મરચંટ)

“તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ”

મને બરાબર યાદ છે, તે દિવસે, ૨૦૧૬ની સાલ, ૪થી, જુલાઈ, અમેરિકાનો જન્મદિવસ હતો. ઘરના બધાં જ લોસ એન્જલસ ગયાં હતાં. સવારના આઠ વાગ્યા હતાં. હું આળસ મરડીને ઊભી થઈ. એક હાથમાં ચાનો કપ અને એક હાથમાં ‘ટાઈમ” મેગેઝીન લઈ, બહાર બેક યાર્ડમાં ગઈ. સવારના સૂરજના ખોળામાંથી ઓચિંતી જ કૂદકો મારીને નીકળેલી ગરમીનું બાળપણ હજુ મુગ્ધ વયમાં “આવું-આવું” કરી રહ્યું હતું. અહીં ફ્રીમોન્ટમાં મોસમ ખૂબ જ મજાની હતી. હું, મારા આઈ-ફોન પર, દેશી રેડિયો, “ભૂલે બીસરે ગીત” સાંભળતી, બેક યાર્ડમાં આરામ ખુરસી પર બેઠી ને ચાની સાથે, “ટાઈમ” મેગેઝીન ઉથલાવવા માંડ્યું. “ટાંઈમ” મેગેઝીને બ્લોગ્સ, કિન્ડલ, ડિજીટલ રીડીંગની દુનિયામાં હજુયે પોતાનું આગવાપણું જાળવી રાખ્યું છે. ચાની મજા લેતાં લેતાં હું વાંચી રહી હતી ને નજર એક એડવર્ટાઈઝ પર અટકી ગઈ. એક કોઈ હિપ્નોટિઝમથી ટ્રીટમેન્ટ આપવાની વાત હતી જેથી કોઈ ટ્રોમા કે ડીપ્રેશનમાંથી મુક્તિ મળી શકે. ન જાણે ક્યાંથી લગભગ પીસ્તાલીસ-પચાસ વરસ જૂની વાત યાદ આવી ગઈ ને મને યાદ આવી ગયા ડાહીકાકી…!

Continue reading જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૫ (જયશ્રી વિનુ મરચંટ)

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૪ (જયશ્રી વિનુ મરચંટ)

“તુ કહાં, યે બતા, માને ના મેરા દિલ દિવાના”

મારી બચપણની ખૂબ જ વ્હાલી સખી, મેધા, મેધા પાટીદર, ક્યાં હતી આજકાલ? મારા એક ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ સપનામાં આવીને મને અને મારી જિંદગીને હલબલાવી ગઈ હતી. મેધા અને હું બીજા ધોરણથી સાથે હતા. મલાડ, મુંબઈનુ, ફીફ્ટીસ અને સીક્સ્ટીસમાં, માંડ દસ થી પંદર હજારની વસ્તી ધરાવતું સબર્બ હતું. નો કમ્પ્યુટર, નો ઈન્ટરનેટ નો સેલ ફોન, નો સોશ્યલ મિડિયા એટલે કે નો ફસાદબુક – સોરી – નો ફેસબુક કે નો ટ્વીટરના શું સોનેરી દિવસો હતા! સાચે જ, “ते हि नः दिवसो गताः”! એ દિવસો તો સુખના જતા જ રહ્યા! સોશ્યલ મિડિયા નહોતા પણ માણસો સોશ્યલ હતા. માણસોને એકમેકને મળવા માટે ફોન કરીને સમય લેવાની પણ જરુર નહોતી. મિડીયા જેવું કોઈ મીડલમેન તત્વ હતું જ ક્યાં ત્યારે?

Continue reading જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૪ (જયશ્રી વિનુ મરચંટ)

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૩.

“મૈં જિંદગીકા સાથ નિભાતા ચલા ગયા!”

અમેરિકામાં ૪૦ વર્ષોથી વસવાટ કરતાં, મને હવે થોડા કેટલાક વર્ષોથી અહીંના પોલીટીક્સમાં પણ રસ પડવા માંડ્યો છે. આજ-કાલ અહીં રાજકરણનું બજાર ખૂબ ગરમ રહે છે. માર્ચ મહીનો ૨૦૧૬માં અમેરિકાની પ્રેસિડેન્સી માટે સીમાચીન્હ બની ગયો. અહીંની બે પોલીટીકલ પાર્ટી,-રિપબ્લીકન અને ડેમોક્રેટીક- બેઉના ઉમેદવારોએ સહુ પ્રથમ તો પોતપોતાની પાર્ટીના ઉમેદવારો સાથે પ્રાઈમરી ઈલેક્શનમાં લડવું પડે છે. લોકો તથા લોકોએ ચૂંટેલાં પ્રતિનિધિઓ –ડેલિગેટસ-ની સહમતી વત્તા પોતાની પાર્ટીના કન્વેનશનમાં સંમતિ મેળવીને પછી બેઉ પાર્ટી પોતપોતાના ઉમેદવારો પ્રમુખપદ માટે ઊભા રાખે છે જેમાં કાયદા-કાનૂન પ્રમાણે મતાધિકાર ધરવનારી સમગ્ર જનતા સજાગતાથી મતદાન કરે છે. આ ઈલેક્શન દરમિયાન, હું સતત જ ન્યૂઝ અમેરિકન ટીવી પર રોજ જોતી હતી. મારા સંતાનોએ મારી મજાક પણ કરી, ”કેમ, અમેરિકામાં દેશી ટીવી હવે આવતું બંધ થઈ ગયું કે શું કે આમ સતત અમેરિકન ટીવી જુએ છે?” કોને ખબર, પણ મને એક નિરાશા આ દેશમાં હંમેશા રહી છે કે આટલા બધા આંદોલનો અને વીમેન્સના રાઈટસ માટે આટલી બધી સજાગતા હોવા છતાં અમેરિકામાં એવો વર્ગ છે કે જેને આજની તારીખમાં પણ કે સ્ત્રી પ્રમુખ બને રાષ્ટ્રની, એ બિલકુલ પણ મંજૂર નથી. પ્રાઈમરીમાં જીતીને બીલીયનર ઉદ્યોગપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રીપ્બલીકન પાર્ટીના અને હીલરી ક્લીન્ટન ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારો તરીકે જુલાઈ ૨૦૧૬માં ઓફીસિયલી જાહેર કરાયા છે. ચૂંટાયલાં અમેરિકન પ્રમુખોની પત્નીઓને “ફર્સ્ટ લેડી” કહેવામાં આવે છે. ૨૦૧૬ સુધી અમેરિકાના ઈતિહાસમાં કોઈ સ્ત્રી પ્રમુખ થઈ નથી આથી આ વખતે, હીલરી ક્લીન્ટન જો ચૂંટાશે તો બીલ ક્લીન્ટન પહેલી વખત “ફર્સ્ટ જેન્ટલમેન” કહેવાશે એવો મને ઓચિંતો વિચાર આવ્યો. કેટલી બધી કપરી અને વિષમ પરિસ્થિતિમાંથી ક્લીન્ટન દંપતી પસાર થઈ ચૂક્યા છે અને આ ચૂંટણીમાં જે રીતે એમના પર પર્સનલ એટેક થઈ રહ્યા છે એ દર્શાવે છે કે આગળનો રસ્તો પણ એટલો જ કપરો ને વિકટ રહેવાનો છે! તદુપરાંત, જે વ્હાઈટ હાઉસમાં પોતે રાજાની જેમ આઠ વર્ષો સુધી રાજ કર્યું ત્યાં હવે પત્ની જો ચૂંટાઈ આવે તો “ફર્સ્ટ જેન્ટલમેન” તરીકે જવાનું જો થાય તો શું લાગણી અને સંવેદનાઓ બીલ ક્લીન્ટન અનુભવશે એવો વિચાર મને ઘણી વાર આવતો હતો, આ ચૂંટણીની સિઝનમાં. આજે પણ એ જ વિચાર મારા મનમાં ઘૂમરાતો હતો. રાતના દસ વાગ્યાના સમાચાર પૂરા થયા. ટીવી બંધ કરતાં, હું આવા વિચારોમાં જ ક્યારે નિદ્રાના ખોળે પોઢી ગઈ,

Continue reading જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૩.

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૨ (જયશ્રી વિનુ મરચંટ)

“ગાતા રહે મેરા દિલ”

અમારી કોલેજ એક ૨૧ એકરની એસ્ટેટના આગળના ૭ એકરમાં બનાવી હતી. સાઈઠના દસકામાં પણ ૭ એકરના કેમ્પસવાળી કોલેજ મુંબઈના પરામાં હોવી એ બહુ મોટી વાત હતી. માયાનગરી મુંબઈની મોટામાં મોટી સમસ્યા હંમેશા જગ્યાનો અભાવ અને સતત વધતા જતા ભાવ રહ્યા છે. અભાવ અને ભાવની વચ્ચે ઝૂલતી આ નગરીનું આકર્ષણ અહીં રહેનારાઓને અને આવનારાઓને કઈંક અદભૂત બીના જેમ જ સતત અને સદૈવ રહ્યું છે. અમારી કોલેજની માઈક્રોબાયોલોજીની લેબોરેટરી પહેલા માળ પર હતી. અને કોલેજનું મકાન અંગ્રેજી “Z” shape માં હતું. અમારી માઈક્રોબાયોલોજીની લેબની બારીઓ એસ્ટેટના પાછળના હિસ્સામાં ખૂલતી હતી. ત્યાં ઓછામાં ઓછા ૨૫-૩૦ નાના કોટેજીસ હતા, જે વર્તુળ આકારમાં પથરાયેલા હતા. આપણા રામનો ત્યારે પણ સીધો જ હિસાબ હતો, જો એક્સપરીમેંન્ટ જલદી પતે તો અને ન ગમતો હોય કે રસ ન પડતો હોય તો, બારીબહાર, જમીન અને આકાશ વચ્ચે પથરાયેલી આ કોટેજીસની માયાને અપલક નીહાળતા રહેવાનું અને ચાની ચુસકી લેતાં જેમ મજા આવે એવી જ મજા આ બારીબહારના દ્રશ્યો જોતાં ને માણતાં લેવાની. અમારી લેબની બરાબર સામેના કોટેજનો વરંડો જોવાનો એ જુનિયર વરસ દરમિયાન મારો નિત્યક્રમ બની ગયો હતો. ૧૮-૧૯ વર્ષની એ ઉમરનો તકાજો એટલો તો મજેદાર હતો કે બસ, એમ જ થતું, “મૈં હી મૈં હું દૂસરા કોઈ નહીં”. એ વખતે અને એ ઉમરે આ ફનાખોરીવાળી દુનિયાનું સત્ય સમજાયું નહોતું કે, “ખુદા હમકો ઐસી ખુદાઈ ન દે! કે અપને સિવા કુછ દિખઈ ન દે!” Continue reading જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૨ (જયશ્રી વિનુ મરચંટ)

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧. (જયશ્રી વિનુ મરચંટ)

“પ્યારકો પ્યાર હી રહેને દો!”

આજે, ૨૦૧૬, ફેબ્રુઆરીની પહેલી તારીખ છે. સાંજના ૪ વાગ્યા છે. હું હાથમાંનો કોફીનો કપ ટીપોય પર મૂકી, સોફા પર બેસી, બારી બહાર, આકાશને પળવાર તાકતી રહી. કોઇ પણ વિચાર નહીં, બસ સાવ શાંત! મેં પગ લાંબા કર્યા ટીપોય પર. ઘરમાં મારા સિવાય, બીજું કોઈ નહોતું. મેં દેશી રેડિયો ઓન કર્યો. ફ્રીમોન્ટ, કેલિફોર્નિયાના દેશી રેડિયો પર, ૧૯૬૯ અથવા ૧૯૭૦નું, બ્લેક એન્ડ વ્હાઈટ બોલીવુડ મુવી, “ખામોશી”નું એક સુંદર ગીત, “હમને દેખી હૈં, ઉન આંખોંકી મહેકતી ખુશ્બુ, હાથસે છુ કે ઉસે રિશ્તોંકા ઈલ્ઝામ ન દો!” વાગી રહ્યું હતું અને, ઓચિંતો, મને કેજીથી કોલેજકાળ સુધી, મારી સાથે ભણેલા, મારા ખૂબ વ્હાલા મિત્ર, સુધાંશુનો ૧૯૭૦નો પત્ર યાદ આવી ગયો! એની સાથે જ, મને એ મારા અમેરિકન સ્ટુડન્ટ લાઈફ અને યુનિવર્સીટીના કેમ્પસના દિવસો યાદ આવી ગયા. ૧૯૬૯-૧૯૭૦માં, ૨૦ વરસની હું, મુંબઈમાં કોલેજ પૂરી કરીને, આગળ અભ્યાસ કરવા માટે અમેરિકા નીકળી ગઈ હતી. આજે, આટલા વર્ષો પૂર્વે લખાયેલા એ પત્રના સ્મરણ સાથે જ, મારા વિચારોની અટારી પર બે ચહેરા ન જાણે કેમ, ઓચિંતા જ લટાર મારવા નીકળી પડ્યા. આ ચહેરા હતા, અમારી પ્રાથમિક શાળાના બે શિક્ષકો, શાહસર અને પ્રજાપતિસરના. બેઉ શિક્ષકો વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રિય અને પોપ્યુલર હતા. ૧૯૭૦ના ફેબ્રુઆરીની શિયાળાની (માઈનસ)-૨૦ ડિગ્રીવાળી, એ બર્ફીલી, ઠંડીગાર, મિશીગનની સાંજે, હું ક્લાસ પતાવીને ઘરે આવી. કમપ્યુટર હજુ તો “પા પા પગલી” ભરીને, યુનીવર્સીટીમાં “આવું-આવું” કરતું હતું તો ઇ-મેલની તો વાત જ શી? પ્રી-ઈન્ટરનેટના એ દિવસો હતા. અમે ગણીને ૩૫-૪૦ ઈન્ડિયા, પાકિસ્તાન અને શ્રી લંકાના વિદ્યાર્થીઓ એ યુનીવર્સીટીમાં ત્યારે ભણતા હતા. હું એક અમેરીકન ફેમિલી સાથે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. રોજ જેવી હું ઘરે આવતી કે ટપાલ પર તૂટી પડતી, એ જોવા કે, ઈન્ડિયાથી પત્ર આવ્યા છે કે નહીં. આમતેમની જંક ટપાલ, ખાસ કરીને બિલો બાજુમાં મૂકી, ઈન્ડિયાથી આવેલા કાગળો પર, ભૂખ્યો સિંહ જે રીતે શિકાર પર તરાપ મારે, એમ હું તરાપ મારીને ખોલતી. બર્ફીલી મોસમમાં આ પત્રો વતનથી માતા-પિતાની, સ્વજનોની તથા સહુ મિત્રોની હૂંફ અને ગરમાવો લઈને આવતા. એ બધા જ પત્રો હું અનેકવાર વાંચતી અને આંખોમાંના ભીના વાદળો ક્યારે ચુઈ પડતા, ને, ક્યારે ઘરઝૂરાપો આંસુ બનીને વહેવા માંડતો એનું ભાન ન રહેતું. Continue reading જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧. (જયશ્રી વિનુ મરચંટ)