Category Archives: જીપ્સીની ડાયરી

જીપ્સીની ડાયરી-૩૮ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

1971- વહ કૌન થી – ભાગ 2

જંગબહાદુરની વાત યાદ છે?

1971ના યુદ્ધ સમયે મોટા રણથી પરિચિત એવા જંગબહાદુરને ભારતીય સેનાના તોપખાનાની મદદ માટે ફરીથી ભૂજ મોકલવામાં આવ્યા. નસીબજોગે તેમને ઓફિસર્સ મેસના તેમના જૂના ઓરડામાં જગ્યા મળી. મેસમાં રહેનારા અન્ય અફસરોએ નજીકની સડક પર ઘણી વાર જંગબહાદુરને મધ્ય રાત્રીના સમયે એક બહેન સાથે વાત કરતા જોયા હતા. યુદ્ધ વિરામ જાહેર થયો, તેના બીજા દિવસે ભારતીય સેનાના આર્ટિલરી (તોપખાના)ના એક અફસરને બોર્ડર પર ખાસ કાર્ય માટે જવું હતું. તેમણે જંગબહાદુરને તેમની સાથે જવાની વિનંતિ કરી. ડ્યૂટી માટે તત્પર જંગબહાદુર તૈયાર થઈ ગયા. મેસમાં રહેનાર અફસરોનું કહેવું છે કે તે રાત્રે આ બહેન તેમને ખાસ મળવા આવ્યાં. તેમણે જંગબહાદુરને બોર્ડર પર જવાની મનાઈ કરી. જો તે જશે તો તેમનું મૃત્યુ નક્કી છે.

Continue reading જીપ્સીની ડાયરી-૩૮ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

જીપ્સીની ડાયરી-૩૭ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

બનાસકાંઠાના રણનું સાંધ્યક્ષેત્ર

બનાસકાંઠા – થરપારકરની સીમા પર આવેલ મારી કંપનીમાં ફરજ બજાવતી વખતે મારે ઘણી વાર નાડાબેટ જવાનું થાય. કંપની હેડકવાર્ટર્સથી ત્યાં જવા માટે રણના કિનારે આવેલ પાડણ થઈ સૂઈગામ અને ત્યાંથી નાડાબેટ જવાય. પાડણ – હા, પાટણ નહીં, પાડણ નામનું નાનકડું ગામ છે. અહીં સોલંકી રાજા મૂળરાજે બંધાવેલ ભવ્ય શિવમંદિર છે. અજાણી વેરાન જગ્યાએ આવું સુંદર દેવાલય જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગયો હતો. મંદિરના નાનકડા બગીચામાં માટીથી લીંપાયેલ સુઘડ એવા મોટા મોટા દસ-એક ગોળા છે. મંદિરના પૂજારીશ્રીના કહેવા મુજબ અવસાન પામેલા પૂર્વ મહંતોની આ સમાધિઓ છે. આ રસ્તેથી આવતાં જતાં હું હંમેશાં દર્શન કરવા રોકાતો. એક વાર મહાદેવનાં દર્શન કરીને બહાર નીકળ્યો. અહીંથી નાડાબેટ સ્પષ્ટ નજર આવે. આ વખતે મેં ત્યાં નજર કરી અને વિચારમાં પડી ગયો. વાયા સૂઈગામ જઈએ તો ચાલીસ-પચાસ કિલોમીટર થાય. ઓર્ડનાન્સના નકશા પ્રમાણે પાડણના મંદિરેથી રણમાં ઊતરી સીધી લાઇનમાં નાડાબેટ જઈએ તો કેવળ દસેક કિલોમીટરનું અંતર હતું. સ્થાયી હુકમ મુજબ પાડણથી રણમાં ઊતરી સીધા નાડાબેટ જવાની અમને મનાઈ હતી. ત્યાં ઊંડા ખારાપાટ છે, જેમાં માણસ ગરક થઈ ગયાના દાખલા હતા. મેં મારા ડ્રાઇવરને કહ્યું, `ચાલ, હિંમત કરીએ અને ખારાપાટમાંથી જીપ લઈ જઈએ.’ ડ્રાઇવર તો ચિઠ્ઠીનો ચાકર! તેણે રણમાં જીપ ઉતારી. Continue reading જીપ્સીની ડાયરી-૩૭ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

જીપ્સીની ડાયરી-૩૬ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

કચ્છનું મોટું રણ, વિગો કોટ, સત્ય અને…આખ્યાયિકાઓ!

પંજાબની લીલુડી ધરતીમાં ત્રણ વર્ષ પૂરાં કરી અમે ભૂજ પહોંચ્યાં. આ અગાઉ હું બનાસકાંઠા-રાજસ્થાન-પાકિસ્તાનની સીમા પર હતો. હવે તો કચ્છના `મોટા રણ’ને બદલે સાચા અર્થમાં વિશાળ રણમાં જવાનું થયું. Continue reading જીપ્સીની ડાયરી-૩૬ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

જીપ્સીની ડાયરી-૩૫ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

જાલંધર

`…પુરુષસ્ય ભાગ્યમ્’ તો દેવો પણ જાણી નથી શક્યા. એક વાત સાચી કે ગયા અનેક જન્મોના પ્રારબ્ધ લખાવી આવેલ મનુષ્ય તે ભોગવ્યા ઉપરાંત હાલના કે ભવિષ્યના જન્મનું ભાગ્ય તે પોતે દરરોજ લખતો હોય છે. આધુનિક શિક્ષણ, નિર્ણય લેવાની શક્તિ અને સૌથી મહત્ત્વની વાત – અંતરનો અવાજ સાંભળ્યા પછી પણ માણસ યુક્તિવાદ અથવા અંત:સ્ફુરણાના આધારે જે નિર્ણય લે છે, તેનું યથાયોગ્ય પરિણામ – આઘાત અને પ્રત્યાઘાત, કૃત્ય તથા તેની અસરની જેમ સમાન અને પરસ્પર equal and opposite હોય છે. મને કર્મની ફિલસૂફીનું જ્ઞાન નથી. સ્વાનુભવથી આ જીવ એટલું જ કહી શકે છે કે તેના જીવનમાં જે કટોકટીપૂર્ણ, આઘાતપૂર્ણ બનાવો બન્યા તેના માટે તે પોતે જ જવાબદાર હતો. તેણે જે ભોગવ્યું, અનુભવ્યું તે તેણે લીધેલા નિર્ણય અને તેના પર કરેલ અમલનું પરિણામ હતું. આ સીધોસાદો `cause and effect’નો નિયમ છે. આપણી કહેવત છે હાથનાં કર્યાં હૈયે વાગ્યાં, જેની ગહનતા મારા જેવા સામાન્ય માણસના જીવનના સંધ્યાકાળે જ સમજમાં આવતી હોય છે. આ સમય એટલો વિકટ હોય છે કે તેણે કરેલાં કામનાં ફળોનો ફાલ તો ઠીક, તેની સ્મૃિત સુધ્ધાં જીરવવાની ક્ષમતા ઘટી જાય છે. થોડું ઘણું જ્ઞાન હોય અને સ્વ-ઇચ્છાનો સદુપયોગ કર્યાે હોય તો અંતિમ પ્રવાસ થોડો સરળ બને છે. કર્મની ગતિનું મહત્ત્વ અને મહાત્મ્ય મારા યૌવનકાળમાં જો હું સમજી શક્યો હોત તો મારા free willનો મનસ્વી ઉપયોગ કરવામાંથી બચી શક્યો હોત. મેં લીધેલા કેટલાક ખોટા નિર્ણયોને મારા હાથે ભૂલ થઈ કહી તેની જવાબદારીમાંથી છૂટી જવાનો પ્રયત્ન કરવાના પાપમાંથી બચી શક્યો હોત. `લક્ષ્ય’ કદાચ ઓછું કષ્ટદાયી થાત! Continue reading જીપ્સીની ડાયરી-૩૫ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

જીપ્સીની ડાયરી-૩૪ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

જીવન અને મૃત્યુ વચ્ચે અંતર કેટલું?

એક સેન્ટિમીટર જેટલું!!!

વર્ષમાં એક વાર સૈનિકોને પોતાનાં અંગત હથિયાર અને ગ્રેનેડ વાપરવાનો મહાવરો કરવો જરૂરી હોય છે. સિપાહીને હોદ્દા મુજબ આપવામાં આવતા હથિયારને તેનું અંગત હથિયાર (personal weapon) કહેવામાં આવે છે. રાઇફલમૅનનું હથિયાર…શું હોય છે તે સમજી ગયા હશો! તેથી લાઇટ મશીનગન, સ્ટેનગન, પિસ્તોલ તેમજ ટુ-ઇંચ મોર્ટરના બોમ્બ અને ગ્રેનેડના ફાયરિંગની પ્રૅક્ટિસ કરવા માટે `ફિલ્ડ રેન્જ’માં જવું પડે. દરેક સૈનિકે નિયત કરેલ સંખ્યામાં ગોળીઓ, ગ્રેનેડનું ફાયરિંગ કરવું જરૂરી હોય છે. ગુજરાતમાં ધ્રાંગધ્રાની નજીક આવેલા ટીકર પાસેની `રેન્જ’માં આવું ફાયરિંગ કરવામાં આવે છે. ફાયરિંગ રેન્જની સંપૂર્ણ જવાબદારી એક ઓફિસરને સોંપવામાં આવે છે. ફાયરિંગ પૂરું થયા બાદ રેન્જમાં ઘણી વાર કેટલાક ગ્રેનેડ કે બે-ઈન્ચ વ્યાસના મોર્ટર બોમ્બ તેમાં રહેલા `ફ્યૂઝ’ની ખરાબીને કારણે અથવા કાટ લાગવાથી જામી ગયેલ હૅમરને લીધે ફાટતા નથી. આવા ગ્રેનેડ અને બોમ્બને `બ્લાઇન્ડ’ કહેવામાં આવે છે. રેન્જમાં પડેલા દરેક બ્લાઇન્ડને શોધી તેને નષ્ટ કરી, લેખિતમાં રિપોર્ટ આપવાનો હોય છે કે રેન્જ ઓલ ક્લિયર છે. ઘણી વાર આવી રેન્જમાં ગોવાળિયા, રેન્જનો શોર્ટકટ તરીકે ઉપયોગ કરનાર નાગરિક અથવા બાળકો રેન્જમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા હોય છે. ત્યાં આવી રીતે પડેલ એકાદ બ્લાઇન્ડને કોઈ અકસ્માતથી ઉપાડે, અથવા કોઈ પણ તેને સ્પર્શ કરે તો તેઓ વિસ્ફોટનો ભોગ બને. તેથી રેન્જમાં પડેલા બ્લાઇન્ડ ને નષ્ટ કરવાની જવાબદારી રેન્જ અધિકારીની હોય છે. Continue reading જીપ્સીની ડાયરી-૩૪ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

જીપ્સીની ડાયરી-૩૩ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

ઝાંઝર વજદી સુણ મૂંડીયે!

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ એક મહિનો આરામ કર્યાે અને મારી બદલી F Companyમાં થઈ. કંપનીની ત્રણે પ્લૅટૂન નદી પાર હતી તેથી ધુસ્સી બંધની પાછળ આવેલ ગામમાંથી મારું કંપની હેડકવાર્ટર્સ ખસેડીને રાવી નદીને પાર આવેલી એક પ્લૅટૂનમાં હું લઈ ગયો. આનું મુખ્ય કારણ એ હતું કે લડાઈ બાદ પાકિસ્તાન તરફથી અફીણ તથા બ્રાઉન શુગરને પંજાબમાં મોટા પાયા પર ઘુસાડવાનું શરૂ થઈ ગયું હતું. તે રોકવા અમે દિવસના સમય દરમિયાન ઘનિષ્ઠ પેટ્રોલિંગ તથા રાતના સમયે નદીના કિનારા પર કે બાઉન્ડરી પિલરની નજીક નાકાં ગોઠવવાનું શરૂ કર્યું. રાત્રે ક્યાં એમ્બૂશ લગાવવા તેના હુકમ અમને તે દિવસની સાંજે હેડકવાર્ટર્સમાંથી મળતા જેથી અન્ય કોઈને અગાઉથી માહિતી ન મળે કે અમુક દિવસે કે રાતે જવાનો ક્યાં પેટ્રોલિંગ કે નાકાબંધી કરવાના છે. રાતના સમયે નાકાબંધી કરવા મારા ત્રણ પ્લૅટૂન કમાન્ડરો અને હું વારાફરતી જતા. આમ દર ચોથી રાતે હું રાવી કાંઠે અથવા બાઉન્ડરી પિલરની નજીક `એમ્બૂશ પાર્ટી’ લઈને જતો. Continue reading જીપ્સીની ડાયરી-૩૩ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

જીપ્સીની ડાયરી-૩૨ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

ધ ગ્રેટ થાર ડેઝર્ટ

જાલંધરમાં અમારું ફ્રંટિયર હેડકવાર્ટર્સ હતું. શહીદો માટેની પરેડ પૂરી થઈ ત્યાં મારા કમાન્ડન્ટ મારી પાસે આવ્યા અને મને જણાવ્યું કે મારે તાત્કાલિક જોધપુર જવાનું છે. બે દિવસ બાદ ત્યાંના ટ્રેનિંગ સેન્ટરમાં `ડેઝર્ટ વોરફેર કોર્સ’ શરૂ થવાનો હતો અને અમારા ફ્રંટિયરમાંથી મને પસંદ કરવામાં આવ્યો. હું ઉતાવળે મારી બટાલિયનમાં પહોંચ્યો અને ત્રણ મહિના માટે જોધપુર જવા નીકળ્યો. Continue reading જીપ્સીની ડાયરી-૩૨ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

જીપ્સીની ડાયરી-૩૧ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

1972- `…જરા યાદ કરો…’

માણસ એક વ્યવસાય સ્વીકારે અને તેમાં ઓતપ્રોત થઈ જાય છે ત્યારે તેના મનમાં કદી એવું નથી આવતું કે તે કોઈ મહાન કામ કરી રહ્યો છે. તે જે કાંઈ કરે છે તે તેની દિનચર્યાનો ભાગ હોય છે. તેમાં તે આનંદ માણે છે. દિવસ વીત્યે જો તેને સારી નીંદર આવે તો તેણે સમજવું કે તેના હાથે તે દિવસનું કામ પ્રામાણિકતાપૂર્વક પૂરું થયું. તે દિવસની રોટી તેને સાર્થક થઈ. લડાઈમાં દુશ્મનોના ગોળીબાર અને બોમ્બવર્ષામાં આપણા જવાનો જે ભાવનાથી લડતા રહ્યા, તેમને મળેલી કેળવણીનો હિંમતથી પ્રયોગ કર્યાે તથા યુદ્ધમાં પોતાની પ્લૅટૂનને, કંપનીને, બટાલિયનને તથા દેશને વિજય અપાવ્યો, તેમાં તેમની નિષ્ઠા અને નમ્રતા વ્યક્ત થાય છે. સંતોખસિંઘ, અજાયબસિંઘ, મહેરસિંઘ, પ્રભાકરન નાયર – તેમણે દેશ માટે સર્વાેચ્ચ બલિદાન આપ્યું. અજિતસિંઘ, ઠાકુર કરમચંદ, ચંદર મોહન, દર્શનસિંઘ જેવા વીર પુરુષોના સહવાસમાં તેમની ભાવના અને કર્તવ્યપરાયણતાનાં દર્શન થયાં. તેમણે જીવન જીવી જાણ્યું અને તેમની વીરતા તથા નમ્રતાનો પ્રકાશ અમારા પર ફેલાવતા ગયા. Continue reading જીપ્સીની ડાયરી-૩૧ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

જીપ્સીની ડાયરી-૩૦ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

રેડ ઓવર રેડ… રિપીટ, રેડ ઓવર રેડ

એક વાર સૈનિક યાદોના કુંજવનમાં ખોવાઈ જાય, ત્યાર પછી તે તેમાં ખોવાતો જ જાય છે. બુર્જની લડાઈ, ખોવાયેલા સૈનિકોની શોધમાં ગયેલો જિપ્સી…યુદ્ધ દરમિયાન તેને મળેલા પ્રચંડ ધૈર્ય અને વીરત્વભર્યા પણ નમ્ર અને નિરભિમાની યોદ્ધાઓ – આ બધાની તેને હંમેશાં યાદ આવે છે. Continue reading જીપ્સીની ડાયરી-૩૦ (કેપ્ટન નરેંદ્ર ફણસે)

જીપ્સીની ડાયરી-૨૯(કેપ્ટન નરેંદ્ર ફણસે)

પૂર્વસૂચન…

દુશ્મનના ગોળીબારમાંથી બચીને મેજર તેજાના બંકર પાસે પહોંચ્યો. તેણે સ્મિત સાથે કહ્યું, `તુમ બડે તકદીરવાલે નિકલે! બાલ-બાલ બચ ગયે!’ મને સંતોષ હતો કે અમારા `ખોવાયેલા’ જવાનોને જર્નેલ અને હું મળી શક્યા હતા, અને તેમના પર મુકાયેલા desertion રણમેદાન છોડીને નાસી જવાના આક્ષેપને જૂઠો સાબિત કરી તેમના શૌર્યગાથા જાહેર કરી શક્યા હતા. તેજાને મેં અમારી બન્ને પ્લૅટૂન્સની deploymentની પૂરી માહિતી આપી અને નકશામાં તેમના ગ્રીડ રેફરન્સ બતાવ્યા. હવે તેણે આ કંપનીના ફાયરિંગ પ્લાનમાં ફેરબદલી કરી અને અમારા સૈનિકોને તેમાં આવરી લીધા. ત્યાંથી અમે સીધા અમારી ડેલ્ટા કંપનીના હેડકવાર્ટર્સમાં ગયા. અમારા જવાનો માટે ચા તથા બે વખતનું ભોજન બનાવડાવ્યું. કંપની હેડક્વાર્ટર્સનો અમારી બટાલિયન સાથે ટેલિફોન લાઇનનો સંપર્ક હતો તેથી અમારા સી. ઓ.ને અમારા અભિયાનનો રિપોર્ટ આપ્યો. ડેલ્ટા કંપનીના જૈફ કંપની કમાન્ડરને પ્લૅટૂનોના લોકેશનની માહિતી આપી, ભોજનની ગાડી રવાના કર્યા પછી અમે અમારા બટાલિયન હેડકવાર્ટર્સ તરફ જવા નીકળ્યા.

Continue reading જીપ્સીની ડાયરી-૨૯(કેપ્ટન નરેંદ્ર ફણસે)