Category Archives: જુગલકિશોર
સંધીકાળઃ ઋતુઓનો-જીવનનો (જુગલકિશોર વ્યાસ)
સંધીકાળઃ ઋતુઓનો-જીવનનો
પરિવર્તનના સમયગાળા દરમિયાન વિદાય થનારી અને આવનારી એવી બે સ્થિતિઓ, જેમ કે ઋતુઓ, એકબીજામાં ભળી જતી દેખાય છે તે સંધિકાળને લીધે. એ ઋતુ કે કાળની સંધિની વાત કરીએ તો પરિવર્તનનો સમયગાળો એ બન્ને ભૂત-ભવિષ્યને જોડનારો બની રહેવા ઉપરાંત બન્ને વચ્ચેનું અલગત્વ પણ ચાલુ રાખી આપે છે. પસાર થતો સંધિકાળનો સમય એકબીજાને છુટ્ટાં રહેવા દેશે જરૂર પરંતુ જનારા સમયે [અહીં ઋતુએ] આપેલી અસરો એટલી તો મજબૂત હશે કે એ બધી ભુંસાવાનું નામ ઝટ નહીં લે. એ અસરો કાળનાં પરિબળોને પણ થોડો ઘણો વખત અવગણતી રહે છે. આવનાર ઋતુ કે સમય કશી અસર ઊભી કરી રહે તે પહેલાં વીતી રહેલા સમયનું કશુંક તો એમાં અનીવાર્યપણે ભળી જ જાય છે, જેનો રંગ, આવનાર રંગોની આગોતરી ઓળખ મેળવીને જ હશે કદાચ, એ આવનારા રંગોનીય સંજ્ઞાઓ જાણે અપનાવી જ રહે છે !
આ એક રહસ્યમય બીના છે. વીતી ચુકેલી ઋતુ પોતાનું જોર દાખવે એ તો સમજી શકાય પરંતુ આવનારી ઋતુનું તત્ત્વ કઈ રીતે પોતાની અસરો આગોતરી ઊભી કરી શકે ? મરઘી-ઈંડાવાળો સવાલ અહીં પણ ઉપસ્થિત થાય છે : શિયાળો જાય છે એટલે ઉનાળો આવે છે કે ઉનાળો આવે છે તેથી શિયાળો જાય છે ?!
સમયની ધીમી છતાં મક્કમ અને / અથવા ગોઠવાયેલી ગતિ (એને જ નિયતિ કહેતાં હશે ?) આવનારા સમયના ગોઠવાયેલા કાર્યક્રમની સાથે વીતી રહેલા સમયની નબળી પડતી અસરોને જોડી આપતી હોવી જોઈએ. તો જ આમ બની શકે. તદ્દન અલગ છેડાની બે પરીસ્થિતિઓ એકમેક સાથે થોડો સમય પણ સાયુજ્ય સર્જી શકે છે ! ઋતુઓમાં તો આવું ખાસ બની શકે છે. વીતી રહેલી ઋતુની અસરો આવનારા સમયની અસરોને જલદી કાર્યાન્વિત થવા ન દે અને એ પાછલી અસરોને વશ રહીને જ હજી આવી રહેલો સમય પોતાની નાજુક / કોમળ અસરકારકતાને ઢીલી રહેવા દે છે.
પરંતુ આ સમગ્ર પ્રક્રિયાની વિશેષતા એ છે કે આ દરમિયાન જ વીતી રહેલો સમય ધીરે ધીરે પોતાની અસરો ઢીલી પાડતો રહે અને આવનારી ઋતુની અસરોને કાર્યાન્વિત થવા દે છે !!
આવનારો સમય પણ એની શાલીનતા બતાવ્યા વિના રહી શકતો નથી. વીતી રહેલા સમયની ઢીલી પડી રહેલી અસરોના રંગોમાં પોતાના આછા રંગોને એ સહજતાથી (જેને આપણે ‘આપોઆપ’ કહીને અપમાનીએ છીએ !) ભેળવતો રહે છે.
વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનાં શું કે દેશ-દેશવચ્ચેનાં શું, વિરોધાભાસી વાતાવરણ કે પરિબળોનું થોડો સમય પણ આ રીતનું સાયુજ્ય વિશ્વસમગ્રના પ્રશ્નોને ઉકેલી આપનારું બની શકે એવી, ભલે અતી સૂક્ષ્મ છતાં વહેવારમાં મૂકી શકાય એવી યોજના ક્યારે અમલમાં આવશે ?!! ( આ કોઈ તટસ્થ વ્યક્તિ કે દેશ દ્વારા થતા સમાધાનના પ્રયત્નો- પ્રયોગોની વાત નથી. આ વાત તો છે બે વિરોધાભાસી પરિબળોનું કળીમાંથી ફૂલ બનવા જેવું અને જેટલું સાવ સહજ અને દિવ્ય પરિવર્તન !)
રાત અને દિવસ જેવા સાવ સ્પષ્ટ વિરોધાભાસી તત્ત્વોની વચ્ચેનો તફાવત તો સમજાય પણ સવાર અને બપોર વચેનો, બપોર અને સાંજ વચ્ચેનો કે સાંજ અને રાત વચ્ચેનો ભેદ દર્શાવવાનું સરળ નથી. ઋતુનો સંધિકાળ પોતાની રીતે, તો જીવનનો સંધિકાળ એની આગવી રીતે ઓળખાતો રહ્યો છે. શિશુમાંથી કિશોર બની જતો ને પછી યુવાની ધારણ કરી લેતો માનવી એક દિવસ જીવનની સંધ્યાને પણ ચિર અર્ઘ્ય આપી બેસે છે !
છતાં માનવીને આટલું મોટું પરિવર્તન પણ ધ્યાનમાં આવતું નથી, એ એક અચરજ છે. નહીંતર જીવનના આવડા મોટા સંધિકાળને અવગણી શકાય જ શી રીતે ? એ કંઈ ઋતુસંધિની જેમ છાનોછપનો આવી જતો નથી. ખાસ્સી ચેતવણીઓ ઉચ્ચારીને અને ઘણીવાર તો ઢોલ ટીપીને આવે છે ! આપણા સંધિકાળને નજર અંદાજ કરવાનું કંઈ સરળ નથી. છતાંય એને અવગણીને આંખ આડા કાન કરવાનું આપણને ગમે છે ને ફાવેય છે. યુધિષ્ઠિરે યક્ષ સમક્ષ દુનિયાના પરમ આશ્ચર્ય તરીકે માનવીની આ આંખ આડા કાન કરવાની રીતિને કાંઈ અમસ્તી તો ગણાવી નહીં જ હોય ને !!
આયુષ્યનો અંત અને નવા જન્મ પહેલાંનો સમયગાળો કેટકેટલી સંભાવનાઓથી ભર્યો જણાય છે ! ( બે જન્મ વચ્ચેના ગાળાને આપણા સમયના પરિમાણથી ઓળખવાનું શું અનિવાર્ય છે ? સમય અને સ્થળ બન્નેથી પર, આપણી ઓળખશક્તિ અને પહોંચથી પણ પર એવા આ બે જન્મ વચ્ચેના ગાળાને સમયના માધ્યમથી ઓળખવાને કારણે જ કદાચ આપણે એ ગાળાની ગતિવિધિઓને ઓળખીન શક્યાં હોઈએ એવું બને !) કર્મનો સિદ્ધાંત, પ્રેતયોનિઓ, સ્વર્ગ-નરક અને કોણ જાણે કંઈ કેટલી….ય ભુલભુલામણીઓ આ અજ્ઞાત અને અગોચર ગાળામાં હોવાનું આપણને શીખવાડવામાં આવ્યું છે !
અહીં દરેકે દરેક ભુલભુલામણીને પોતાનો સંધિકાળ છે. એ સંધિકાળની વાતો કઈ રીતે, કઈ ભાષા-પરિભાષામાં કરવી ? બે જન્મો વચ્ચેની સંધિને સમજ્યા વિના, જીવનના આ અડબડિયા માર્ગે આવતી રહેતી નાનીમોટી સંધિઓને સમજવાનું, એને માણવાનું ને બને તો એને સહજતા ને સરળતાથી, સફળતાપૂર્વક ઓળંગતાં રહેવાનું જ આમ તો ગનિમત છે !
રસ્તા પર ઢોળાયેલો સફેદો (જુગલકિશોર વ્યાસ)
રસ્તા પર ઢોળાયેલો સફેદો
પુત્રની સાથે એના બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે જોયું તો એક ચાર રસ્તા ઉપર મોટા પ્રમાણમાં સફેદ રંગનો ઓઇલ પેઇન્ટ ઢોળાઈ ગયેલો હતો. પહેલી નજરે તો આટલા મોટા પ્રમાણમાં થયેલા બગાડનો જ વિચાર આવે, પરંતુ બાઈક જેમજેમ આગળ વધતું ગયું તેમતેમ એ સફેદ રંગના આછા થતા જતા લીસોટાએ મનને પકડી લીધું.
આરંભે, જ્યાં સફેદો ઢોળાયો હતો ત્યાં આખા રસ્તે ફેલાઈને ઘાટો સફેદ રંગ આખી સડકને કાળીમાંથી સફેદ બનાવી ચૂક્યો હતો ! પણ જેમજેમ સડક પર આગળ વધતા ગયા તેમતેમ એ રંગ આછો થતો ગયેલો જોવા મળતો હતો. સડક પણ આગળ જતાં કાળાશ પકડતી જોવા મળતી હતી. જેમજેમ કાળાશ વધતી જતી હતી તેમતેમ સફેદાઈ ઘટતી જઈને કાળાશને માર્ગ દેતી જોવા મળતી હતી.
હકીકતે જોવા જઈએ તો રંગ તો ચાર રસ્તા પાસે જ ઢોળાયો હતો. એ સફેદાઈ તો ત્યાં જ અટકી જવી જોઈતી હતી, પરંતુ સડક પરથી પસાર થઈ ગયેલાં વાહનોનાં પૈડાં એ સફેદાઈને પોતાની સાથે ચિપકાવી દઈને યથાશક્તિ આગળ સુધી લઈ ગયેલાં તેથી ઢોળાયેલો સફેદો ચાર રસ્તા સુધી સીમિત ન રહેતાં દૂર સુધી ફેલાઈ ગયો હતો.
આ રસ્તેથી વાહનો તો અનેક નીકળ્યાં હશે. કોઈ મોટાં, કોઈ નાનાં; કોઈનાં પૈડાં મોટાં ને કોઈનાં નાનાં; કોઈનાં પાતળાં, કોઈનાં જાડાં. કોઈ વાહનની ઝડપ ઓછી હશે, તો કોઈની વધુ પણ હશે. પણ આ બધાં ટાયરોએ એ જેમાં ફિટ થયેલાં હતાં એ વાહનની ઝડપ મુજબ સફેદાને રસ્તા પરના ડામરના કાળા રંગને સફેદાઈમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો હતો ! એ પણ જોવા મળ્યું હતું કે સફેદ રંગ આગળ જતાં ધીમેધીમે જુદાજુદા આકારમાં ફેરવાતો ગયો હતો ! રસ્તાની જમણી બાજુનાં વાહનો (ભારતમાં ડાબી બાજુ હંકારવાના હોવાના નિયમે કરીને) સ્વાભાવિક રીતે જ મોટાં અને ઝડપી હોય ને તેથી એનાં મોટાં પૈડાં પર સફેદો વધુ પ્રમાણમાં ચોંટીને વધુ દૂર સુધી લઈ જઈ શકે. વળી જમણી બાજુનાં પૈડાંની ઝડપ પણ – વાહનની ગતિના નિયમો અનુસાર – વધુ હોય તેથી વધુ સમય સુધી (અને વધુ અંતર સુધી પણ) સફેદાને ફેલાવી શકે…(‘સ્થળ–કાળ’નો શાશ્વત સંદર્ભ પણ અહીં યાદ આવી ગયેલો !)
છતાં જે જોવા મળ્યું તે જરા ‘હટકે’ હતું ! સાઇકલનાં ટાયરો કે જે છેક ડાબી બાજુ ચાલનારાં હોય છે, ઓછી ઝડપનાં હોય છે, પાતળાં હોવાથી સફેદાઈને ઓછી સ્વીકારનારાં હોય છે / હોઈ શકે છે, તો પણ મેં જોયું કે, ક્યાંકક્યાંક આ પાતળાં, ઓછી ઝડપવાળાં ને ઓછું સંગ્રહી–સ્વીકારી–ચોટાડી શકનારાં ટાયરો દ્વારા સફેદાઈ બહુ દૂર સુધી પહોંચી ગઈ હતી !!
આ નાનાં ટાયરોની કામગીરી જોતાં મને સમજાયું કે તેણે દૂર સુધી સફેદાઈને લઈ જવાનું જે કામ કર્યું તેનું એક કારણ એ હતું કે, એણે ક્યાંકક્યાંક મોટાં વાહનોનો લાંબા અંતર સુધી લઈ જવાયેલો સફેદ રંગ પણ પોતાના ટાયરો પર લગાડીને આગળ સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું !!!
રસ્તા પરની એ સફેદાઈ છેવટે સાવ પૂરી થઈ ગઈ. રસ્તો હતો તેવો જ પાછો થઈ ગયો – કાળોમેશ !! પણ વીચારો તો લાંબા ચાલ્યા. હું કલ્પનાના ચક્ષુઓથી જોઈ શક્યો કે ડામર તો શું, ખુદ રસ્તો પણ જાણે કોઈ ‘લીલા’નો માર્યો અદૃશ્ય થઈ ગયેલો દેખાયો. રસ્તા પછી શહેર પણ ક્યાંક ખોવાઈ જતું દેખાયું !! અહા, અહો, આ જગત પણ આમ જ, એક દી’ ??!
અવતારી વ્યક્તિઓ – એને ભગવાન કહો ન કહો – પણ તેઓ દરેક વખતે આવીઆવીને કાળા રસ્તા પર સફેદાઈ ઢોળી જતાં હોય છે. ત્યાં એમનું અવતાર–કાર્ય પૂરું થઈ જાય છે. સફેદાઈને સૌ કોઈ અનુયાયીઓ યથાશક્તિ/મતિ આગળ લઈ જતાં હોય છે કે લઈ જવા મથતાં હોય છે. કાળાશ કેટલોક સમય નામશેષ થાય છે. પણ કાળ ભગવાન (સમય) અને જગત (સ્થળતા – સ્થૂળતા) એને પાછી લઈ આવે છે !! આ જ સાચો ક્રમ છે. આસ્તિકો, નાસ્તિકો પોતપોતાની બુદ્ધિ અનુસાર એકબીજાને ગાળો દીધાં કરે એટલું જ, બાકી તો જે શાશ્વત છે તે તો કાળાશ પણ નહીં, સફેદાઈ પણ નહીં ! રસ્તો પણ નહીં, શહેર પણ નહીં !
જગત તો એક દી’ નથી જ નથી.
તો જે રહેવાનું છે; ન દેખાતું છતાં “રહેલું” “છે” તે શું ???
બાઇક પર બેઠાંબેઠાં – એ પણ પાછાં “કોઈ અન્ય”ના બાઇક પર !– કેટલુંક વિચારી શકાય ?! “ક્યાં સુધી” વિચારી શકાય ?!
પણ એક વાત નક્કી. ઢોળાયેલો સફેદો આજ સુધી, અહીં સુધી, મને લઈ આવ્યો….!
હા અને ના (જુગલકિશોર વ્યાસ)
હા અને ના
હા અને ના એ બન્ને કોઈ સવાલના જવાબો છે.
હા અને ના એ સાપેક્ષ બાબત છે, કારણ કે એ બન્ને માટે કોઈ સવાલ અનિવાર્ય હોય છે. એ બન્ને ભાગ્યે જ સાથે રહી શકે છે. લેખારંભે શીર્ષકરૂપે ભલે રહી શકતા હોય…
ના દરેક વખતે ના નથી હોતી, એમાં હા ‘પણ’ હોઈ શકે છે. ક્યારેક તો ના એ જ હા હોય છે ! એવું જ હા અંગે સમજવું. પ્રેમીઓની ‘ના’માં ‘હા’ વધુ હોય છે, જ્યારે ખોટાબોલાઓ અને વચનભંગીઓની ‘હા’માં ‘ના’ હોવાની શક્યતા ઘણેરી હોય છે.
હા અને ના પ્રગટ કરવા માટે મોંના શબ્દોચ્ચાર ઉપરાંત કેટલીક શારીરિક ચેષ્ટાઓ પણ કામે લગાડાતી હોય છે. જેમ કે –
૧) બોલ્યા વગર હા પાડવા માટે મુંડીને ઉપર–નીચે કરવામાં આવે છે.
૨) એવી જ રીતે ના પાડવા માટે મુંડીને ડાબે–જમણે ફેરવવામાં આવે છે.
૩) હા માટેનું મુંડીનું ઉપરથી નીચે આવવું તેને જ ગણતરીમાં લેવાતું હોઈ સાર્થક છે; જ્યારે નીચેથી મુંડીનું ઉપર જવું (હકાર–કાર્ય પુરતું) નિરર્થક હોય છે. હા ને નક્કર અને મજબૂત બનાવવા માટે મુંડીને એકથી વધુ વાર ઉપરનીચે કરવાનું જરૂરી હોય તો એવે સમયે મુંડીને ઉપર તો લઈ જ જવી પડે ! તેટલા પૂરતું એનું નીચેથી ઉપર જવું અનિવાર્ય હોઈ એનુંય હકાર–ચેષ્ટામાં સ્થાન ગણાય જ. (કેટલીક ઓફિસોમાં લિફ્ટની એકતરફી સગવડ હોય છે. તેમાં નીચેથી ઉપર જનારાને શ્રમ પડતો હોઈ લિફ્ટ ઉપર જતાં ભરેલી અને નીચે આવતાં ખાલી હોઈ નીચે આવનારીનું મહત્ત્વ ન ગણાય પણ એ જો ઉપર જ અટકી જાય તો નીચેવાળાંના શ્રમનો પ્રશ્ન ઉભો થાય તેથી ખાલી તો ખાલી પણ એ નીચે આવતી લિફ્ટ પણ ગૌરવ ધારે છે.)
૪) પણ ના પાડવા માટેની ડાબે–જમણે થતી મુંડીનું તો બન્ને બાજુનું ફરવાનું સરખું જ મહત્ત્વ ધરે છે. ઘણા લોકો, તેથી જ હશે, ના પાડવામાં એકાધીક વાર એને ફેરવતાં રહીને શ્રમ આપવાનું ચાલુ રાખે છે. હા પાડનારાંઓ – મુંડીનું એક જ વારનું સાર્થક હોઈ – આ બાબતે થોડાં કરકસરિયાં હોય છે.
૫) હાની નિશાની કરવામાં અંગૂઠો પણ ક્યારેક કામે લગાડાય છે. પશ્ચિમ દિશાએથી ‘થમ્સપ્પ’નો રિવાજ લાવીને અંગૂંઠાનેય આપણે કામે વળગાડ્યો છે. (સ્વામી રામદેવજીને એ નામથી જાણીતું પીણું પણ ગમતું નથી પણ આપણે ભાષાવાળાઓ વિષયાંતર કરીને કાંઈ બધે પહોંચી શકીએ નહીં.)
૬) ના પાડવા માટે એ જ અંગૂઠા બચાડાને નીચે લબડાવીને કામ પાર પાડવામાં આવે છે !
૭) હ–કાર એક જાતનો ‘કરાર’ હોઈ એને તાળી આપીને વધાવવામાં આવે છે. ના પાડવા માટે આવી કોઈ શારીરિક ચેષ્ટાને સ્થાન નથી હોતું.
૮) હા પાડીને પોઝિટિવિટીનો આનંદ વ્યક્ત કરવામાં આંખ, નેણ, હોઠ પોતાની નિયત સ્થિતિ કરતાં વિસ્ફારિત, બોલે તો, પહોળાં થાય છે જ્યારે ના પાડતી વખતે એ જવાબની નેગેટિવિટીને કારણે જાણે કે શોકાર્ત સ્થિતિ દર્શાવવા પેલાં આંખ, નેણ, હોઠ વ. મદદનીશો સંકોચાતાં જોવા મળે છે.
૯) હા કહેતાં હકારાત્મકતા એ આનંદ–સંતોષ–ઉમંગનો વિષય બની રહેવાને કારણે નાટક–સિનેમા–ગીતો વગેરેમાં બારી–બારણાં ખૂલી જાય, લાઇટો ઝગમગી ઊઠે, જ્યારે ના કહેતાં નકારાત્મકતાને કારણે બધું ધબોધબ બંધ થતું દેખાડવા–સંભળાવવામાં આવે છે.
૧૦) સંગીતનાં વાદ્યો પણ આવાં કામોમાં પ્રયોજીને હકાર કે નકારને ઉપસાવવામાં આવે છે. ચર્મવાદ્યો હકાર માટે, ફૂંકવાદ્યોમાં બંસરી હકાર માટે, શરણાઈ હકાર–નકાર બન્ને માટે, તંતુવાદ્યોમાં ઘસાઈને અવાજ કાઢતાં સારંગી, વાયોલીન વગેરે નકાર માટે, જ્યારે સિતાર, સરોદ, સંતુર વગેરે ખનકતાં વાદ્યો હકાર માટે પ્રયોજવામાં આવે છે. શરણાઈ શુકનની ગણાય છતાં તે વિરહની નકારાત્મકતા વખતે બહેનો વગેરેને રડાવવા માટે પણ વગાડાય છે. બંસરી આવી બેઉ બાજુની ઢોલકી બજાવતી નથી.
હા અને ના માટેની શારીરિક ચેષ્ટાઓને તપાસ્યાં પછી હવે ભાષાના માણસો એવાં આપણે આ ‘હા’ અને ‘ના’ને કેટલાક અવ્યયો–પ્રત્યયો સાથે મૂકીને એ બન્નેની વિશેષતાઓ તપાસી લઈએ –
૧) આ બન્નેની વચ્ચે ‘અને’ને મૂકીશું તો ભાગ્યે જ મેળ પડશે. શરૂઆતમાં કહ્યું તેમ, હા “અને” ના ભેળાં રહેતાં નથી. માણસના મનની અનિશ્ચિતતા, અવઢવ, અસ્થિરતા એ દર્શાવે છે.
૨) હા “અથવા” નામાં પણ અવઢવ દેખાય છે પણ એમાં કોઈ એકની પસંદગી તો થાય જ છે ! આવા ‘અથવાવાળા’ માણસો ‘તટસ્થ’ પણ હોય, ‘મૌની’ પણ હોય, ‘સમાધાનીય’ હોય અને ‘આળસુ’ પણ હોય !!
૩) હા “પછી” ના (અથવા ના પહેલાં હા) કે ના પછી હા કહેનારાં “સેકન્ડ–થોટી” ગણાય. એને વિચારશીલ કહી શકાય. વચન આપીને ફરી જનારાં પણ આ વર્ગમાં જ આવે !!
૪) હા “માટે” ના (કે ના માટે હા) કહેનારાં લાંબું વિચારનારાં ગણાય. સેવાભાવીઓ પણ આવાં જ હોય છે. પરંતુ રાજકારણીઓને પણ પાછા આ જ વર્ગમાં મૂકવા પડે એમ છે !!
૫) હા “કરતાં” ના (કે ના કરતાં હા) શું ખોટી ? એવું વિચારતાં વિકલ્પીઓ, અગમચેતિયાઓ ને સ્વાર્થીઓ પણ હોય છે.
૬) હા “ની” ના (ના ની હા) એટલે કે ‘હા છે તેથી જ, હવે તો ના, જાવ, થાય તે કરી લ્યો !’ એવું કહેનારાં આડોડિયા, વિઘ્નસંતોષી હોય છે. સરકસના સાતમા ઘોડા જેમ તેઓ બીજાં કરતાં ધરાર ઊંધા ચાલતા હોય છે. પણ હા ની ના કે ના ની હા કરાવનારાંય આ દુનિયામાં પડ્યાં છે. ગુંડાઓ ધમકી–હિંસાથી તો પ્રેમીઓ અને બાળકની માતાઓ પ્રેમથી આ કામ કરી શકે છે.
૭) હા “એટલે” હા (ના એટલે ના) એમાં કોઈ જ ફેરફાર ન કરનાર કે ન થવા દેનારાંનો આ વર્ગ છે. ડઠ્ઠરો, જડસુઓ અને – ક્ષમા કરે – સિદ્ધાંતવાદીઓ પણ આ પંગતનાં બેસનારાં હોય છે.
ભાષાની રીતે આપણે હા અને નાને જોયાં. હવે ગણિતની રીતે હા અને નાની ગણતરી પણ કરી લઈએ –
ગણિતમાં બે ઓછા ભેગા થાય તો વત્તા થાય છે (– – = +); બે વત્તા ભેગા થાય તો વત્તા થાય છે (+ + = +); પણ એક ઓછો અને એક વત્તા મળે તો વત્તા થાય છે ( – + = –).
હવે આ ગાણિતિક સંજ્ઞાઓની જેમ હા અને નાને તપાસીએ –
એક વાક્યને પ્રશ્નરૂપે બે રીતે પૂછી શકાયઃ
૧) તમને ચા ભાવે છે ? આ હકારાત્મક સવાલ થયો.
૨) તમને ચા નથી ભાવતી ? આ થયો નકારાત્મક સવાલ. હવે બન્નેના જવાબો જુઓ. તેના કઈ કઈ રીતના જવાબો મળી શકે છે –
સવાલ પહેલો – “તમને ચા ભાવે છે ?” જવાબ બે રીતે મળશે.
જવાબ ૧ – “હા, ભાવે છે.” જવાબ ૨ – “ના નથી ભાવતી.”
સવાલ બીજો – “તમને ચા નથી ભાવતી ?” તેના જવાબ ત્રણ રીતે મળે છેઃ
જ. ૧– “ના, નથી ભાવતી.” જ. ૨ – “હા, નથી ભાવતી.” જ. ૩ – “ના, ભાવે છે ને !” (અહી ‘હા, ભાવે છે ને !’ એમ જવાબ નહીં આપી શકાય !)
સાહિત્યમાં રસનિષ્પત્તીનાં કારણરૂપ પાત્રો, પ્રસંગો અને પરિસ્થિતિઓ વિવિધ રસ જાગ્રત કરવામાં ઉપયોગી થતાં હોય છે. પાત્રોની નકારાત્મકતા (વિલનપણું) પણ આપણને આ હા અને નાની વાતો કરતાં કરતાં યાદ આવી જાય તો શી નવાઈ ? નાટકો–સિરિયલોમાં જોવા મળે છે કે વિલન લોકો સારા માણસને દુઃખ પડે તો રાજી થાય છે. અહીં બે નેગેટિવ તત્ત્વો મળીને આનંદ અર્થાત હકારાત્મકતા પામે છે. પણ એ જ પ્રસંગ જોઈને પ્રેક્ષકો દુઃખી થાય છે ! આવે સમયે નકાર (દુઃખદ પ્રસંગ) + હકાર (પ્રેક્ષકો) + નકાર (દુઃખ) બને છે.
છેલ્લે બે કાવ્યોના સંદર્ભે આ વાત મૂકીને પૂરું કરીએ –
૧) – હિન્દી સિનેમાનું એક ગીત જાણીતું છે –
“ના, ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે !
કરના થા ઇન્કાર, મગર ઇકરાર તુમ્હીં સે કર બૈઠે…!!”
આ ગીતમાંના બે શબ્દો ઇન્કાર અને ઇકરારને છૂટા પાડીને હા–નાવાળી વાતની મજા લઈ લઈએ.
ઇન્કાર = ઈ–નકાર અને ઈકરાર = ઈ–કરાર. અહીં ઈ એટલે કાઠિયાવાડી ‘તે’ સમજવો.
ગીત ૨) – હરીન્દ્ર દવેનું પેલું જાણીતું કાવ્ય “માધવ ક્યાંય નથી મધુવનમાં”માં ગોપી છેલ્લે કહે છેઃ
“શિર પર ગોરસ મટુકી, મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો, ગયાં ભાગ્ય મુજ ફૂટી !”
એક પણ કાંકરો કાનાનો વાગ્યો નહીં ને તેથી હજી સુધી મારી મટુકી ફૂટી નથી ! મારું તો ભાગ્ય જ ફૂટી ગયું છે !! આમાં શું સમજવું ?! કાંકરો વાગે નહીં, ને માટલી ફૂટે નહીં તેને ભાગ્ય કહેવું કે દુર્ભાગ્ય ?!! ગોપી તો કાંઈ વિલન નથી. ને હોય તોય તે કાનો વિલન છે. વિલનને અવળું દેખાય પણ અહીં તો ગોપી જેવી ભોળીનેય અવળું સૂઝે છે. પરિણામે ગાણિતિક પરિભાષાને ખોટી પાડનારું સમીકરણ બને છે.
હા અને ના એ શરૂમાં જ કહ્યું હતું તેમ સાપેક્ષ બાબતો છે. સવાલ અને તેનો હેતુ શો છે તેના પર જ તેનો આધાર હોઈ ખરેખર જોવા જઈએ તો હા અને ના વચ્ચે કોઈ ભેદ રહેતો નથી !!
– જુગલકિશોર.
સવાલ, સવાલ, સવાલ….જવાબ (જુગલકિશોર વ્યાસ)
(શ્રી જુગલકિશોર વ્યાસનો આ લેખ વાંચી મને કાકાસાહેબ કાલેલકરનો લેખ “પગલાંની લિપિ ” યાદ આવી ગયો. -પી. કે. દાવડા)
સવાલ, સવાલ, સવાલ….જવાબ
બધા સવાલોના જવાબ નથી હોતા. બધા સવાલો જવાબ માટે નથી હોતા. બધા સવાલોના જવાબો હોય તો પણ ઘણી વાર આપવા લાયક નથી હોતા. કેટલાક સવાલોના જવાબ આપવાનું અત્યંત જરૂરી હોય છે તે જેટલું સાચું છે, તેટલું જ સાચું એ પણ છે કે કેટલાક સવાલોના જવાબો ન જ અપાય તે વધુ મહત્ત્વનું હોય છે !!
કેટલાક સવાલોના જવાબ મૌનથી આપી શકાય છે. તો મૌન જ કેટલાક સવાલોનો જવાબ હોય છે. કેટલાક સવાલોના જવાબ સામા સવાલથી આપી શકાય છે ને એ રીતે એવા સવાલોને એ રીતે જ ચૂપ કરી શકાય છે.
સવાલો સામાન્યત: જવાબની અપેક્ષાઓ સાથે પ્રગટતા હોય છે. જવાબોનીય પાછી કક્ષા હોય છે. જવાબોની કક્ષા વિકાસનો માર્ગ દોરી આપે છે. વિકાસના માર્ગોને ખુલ્લા કરવા કે રુંધવા તેનો આધાર જવાબોની કક્ષા ઉપર આધારિત હોય છે. જવાબોની કક્ષા સવાલો પૂછવા માટેની લાયકાત પણ બની રહેતી હોય છે !
સવાલોમાંય જવાબો હોય છે. ઘણી વાર સવાલો જ જવાબ હોય છે. કેટલાક તો જવાબ સાથે જ બલ્કે જવાબરૂપે જ પુછાતા હોય છે !
કેટલાક સવાલો જેમ વાંઝિયા હોય છે તેમ કેટલાકને જવાબો ન જ હોય તે અભિપ્રેત હોય છે ! કેટલાક સવાલોની લા–જવાબી એમાં જ રહેલી હોય છે કે એને જવાબી શકાય જ નહીં ! કેટલાક જવાબોને સવાલોના અપમાનરૂપ ગણીને ગુનાહિત કૃત્ય તરીકે જોવામાં આવે છે પરંતુ અપમાનને બદલે ગરીમાના ભંગ તરીકે એને ઓળખાવીને ઔચિત્યની જાળવણી પણ થઈ શકે છે !!
ઘણાખરા સવાલો બાલીશ હોય છે તો કેટલાક નર્યા નિર્દોષ, કુમળા અને કુદરતી આતુરતાથી છલકાતા હોય છે. બાલીશ સવાલોના જવાબ આપીએ તો બાલીશતા વધવાનો સંભવ રહે છે જ્યારે બીજા પ્રકારના નિર્દોષ સવાલોનો જવાબ ન આપવાથી જવાબદારોની બાલીશતા સિદ્ધ થઈ જાય છે ! એ નિર્દોષતા, કુમાશ અને આતુરતા જવાબો વગર મુરઝાઈ-નંદવાઈ જતી હોય છે !!
સવાલોને સવાલ તરીકેનું આગવું ને પોતીકું મૂલ્ય હોય છે. જવાબ હજી ન મળ્યો હોય તો પણ એક સવાલરૂપે જ એ સવાલ મૂલ્યવાન હોઈ શકે છે. જવાબ પછી, એ જવાબને કારણે પણ એના મૂલ્યમાં વધારો થઈ જતો હોય છે. જવાબો સવાલનું મૂલ્ય વધારવાનું કે અવમૂલ્યન કરવાનું કાર્ય પણ ઘણી વાર કરી નાખે છે !
“સવાલની સામે સવાલ નહીં !” કે પછી, “ચૂપ ! મારે કોઈ જવાબ ના જોઈએ !” વાળા સવાલો એ પ્રકારની આદતવાળા હોય છે. અને એ જ કારણે તેઓ ધીમે ધીમે એકલા અટુલા રહી જાય છે. એ પરિસ્થિતિ જ પછી તો સવાલ બનીને પેલા આદતી સવાલોને મૂંઝવતી રહેતી હોય છે !
સવાલોના જવાબો મૌન હોઈ શકે છે. પણ મૌન સવાલો પણ હોઈ શકે છે ! મૌન સવાલોનું એક વિશ્વ છે. જીભથી ન પુછાતા કે ઉચ્ચારાતા આ સવાલોનું મૌન પણ ઘણી વાર વધુ પડતું બોલકું ને ક્યારેક એનાથી તદ્દન વિરુદ્ધ એવું – સહૃદયતા જેમને વરી હોય એવાંઓને જ સમજાય તેવું – અઘરું હોય છે. બહેરાં-મુંગાઓની દુનિયાના સવાલો-જવાબો નવાં પરિમાણો ધરાવતાં હોય છે.
ટેબલ પર જોરથી પછાડાતા મુક્કા દ્વારા પુછાતા સવાલો બોલકા હોય છે. પરંતુ કચડાયેલા, દુભાયેલાઓ ને અનાથોની આંખમાં ફૂટી નીકળતા સવાલો સહૃદયી ને અનુકંપાનું વરદાન પામેલાંને જ સંભળાય કે સમજાય તેવા હોય છે.
કહેવાતા પાગલોની ચેષ્ટાઓમાં પ્રગટતા સવાલોને સમજવાનું ગજું તો એના કહેવાતા ડૉક્ટરોનુંય નથી હોતું.
સમાજને ન સમજાતા સવાલો અનુત્તર રહેવાને લીધે પ્રેતાત્માઓની માફક ભટકતા રહે છે…ને ક્યારેક, લાંબે ગાળે એનો જવાબ ક્રાંતિરૂપે મેળવી લેનારા હોય છે ! પણ પછી તો ઘણી વાર બહુ મોડું થઈ ગયું હોય છે ! સવાલ પૂછનારાંઓના એ અનુત્તરિત સવાલોના જવાબો પછી તો પાછળની પેઢીનાંઓને ‘ભોગવવાના’ રહે છે !
સામાજિક કે રાજકીય સવાલો એ ફક્ત વર્તમાનપત્રો કે વિધાનસભાઓ પૂરતા મર્યાદિત નથી. ત્યાં પુછાતા સવાલોનું ઉદ્ગમસ્થાન જેઓ છે તેમના સુધી જવાબો પહોંચાડવામાં આવે છે ખરા પણ એ સ્યુગરકોટેડ હોય છે. સમાજમાંથી ઉદ્ભવેલા અને રાજકારણમાં રંગાઈ જતા સવાલોના જવાબો અપાય તો પણ એ જવાબો જવાબ કરતાં વિશેષ તો નવા સવાલો બનીને પાછા આવનારા હોય છે !
વિજ્ઞાન કહે છે કે માનવીના કાન કેટલાક અવાજો પકડી શકતા નથી. સમાજ જેને કચડાયલાં કહે છે તેવાંઓના સવાલોનું પણ એવું જ કશું હોય છે ! એને સાંભળવાનુંય સહજ શક્ય નથી હોતું. એ સવાલો મુંગી ચીસ જેવા હોય છે. એ સાંભળવા માટેના કાન આઝાદી પછી શોધવાનો વિષય બની ગયા છે.
ગર્ભાવસ્થામાં સવાલો હશે ? ડૉક્ટરોના મતે ‘ના’ અને પુનર્જન્મમાં માનનારાંના મતે ‘હા’ હોઈ શકે છે. જન્મતાં પહેલાંનો ગર્ભ પૂર્વજન્મના અનુત્તરિત સવાલોને ઊંધે માથે 9 માસ સુધી જીરવી જાય છે. એના જન્મ વખતે થતા ખુશીના શોરબકોરમાં સવાલોનું રુદન કોઈને ન સંભળાય તો એમાં વાંક કોનો કાઢવો એ પણ નિરુત્તર રહેવા સર્જાયેલો સવાલ જ છે !!
મૃત્યુ પછી સવાલો હશે ? ન જાને ! પરંતુ મૃત્યુ પામનાર કેટલાક કાયમી સવાલો મૂકી જાય છે….નિરુત્તર !!
સવાલો વિના જવાબો હોતા નથી….હોય તો તે ફક્ત વિધાનો જ હોય છે.
___________________________________________________
શિક્ષણસંસ્થા : લક્ષ્ય અને લક્ષક્ષમતા (જુગલકિશોર વ્યાસ)
(શ્રી જુગલકિશોર વ્યાસ નામથી આંગણાંના મહેમાનો સારી રીતે પરિચિત છે. એમના આ ચિંતન લેખના પ્રત્યેક શબ્દ સાથે હું સહમત છું. એમણે એમના જાત અનુભવ ઉપરથી આ ચિંતન કર્યું છે, મારો અનુભવ પણ લગભગ આવો જ છે. સમાજના આગેવાનોને આ લેખ ઉપયોગી થઈ શકે એ આશયથી આજે આંગણાંમાં આ લેખ મૂકયો છે.)
શિક્ષણસંસ્થા : લક્ષ્ય અને લક્ષક્ષમતા
સંસ્થાઓ અનેક પ્રકારની હોય છે. સંસ્થાના સ્થાપક દ્વારા કોઈ ચોક્કસ હેતુ કે હેતુઓ માટે થઈને એની સ્થાપના થઈ હોય છે. આ સંસ્થાઓમાં કેન્દ્રસ્થાને એના સ્થાપકો હોય અને તેના સંચાલનમાં પણ તે સ્થાપકોનું મહત્ત્વ હોય તે સહજ છે. પરંતુ સંસ્થાનું લક્ષ્ય હેતુસિદ્ધિ જ ગણાય અને તે હેતુસિદ્ધિ માટે થઈને જ સર્વ રચના–યોજના–સંચાલન થાય તે અનિવાર્ય હોય છે.
સ્વાભાવિક છે કે જ્યાં સુધી સ્થાપકોની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી સંચાલન તેમના હાથમાં રહે. સ્થાપકો પોતે જ આગળ જતાં સંચાલકોની નવી પેઢી તૈયાર કરીને પોતે સ્વેચ્છાએ નિવૃત્તી લે તો તેવી વ્યવસ્થા ઉત્તમ ગણાય. એનાથી બે લાભો મળે છે. એક તો, નવી પેઢીને તૈયાર કરવાનો અવસર સ્થાપકોને મળી રહે છે અને બીજો લાભ એ છે કે સ્થાપકો કે જેઓની દૃષ્ટિ સમક્ષ મૂળભૂત હેતુઓ સચવાયેલા હોય છે તેને ધ્યાનમાં રાખીને બીજી પેઢીમાં પણ તે હેતુઓ કેન્દ્રસ્થાને રખાવી શકાય છે.
સંસ્થાના લાંબાગાળાના અસ્તિત્વ માટે હેતુસિદ્ધિ અનિવાર્ય હોઈ સંચાલકોમાં હેતુસિદ્ધિનું લક્ષ્ય સચવાઈ–જળવાઈ રહે તે પણ ખૂબ જ જરૂરી છે. સંસ્થાના અસ્તિત્વ માટે છેવટે તો સંચાલકો કરતાંય વધુ મહત્ત્વનું છે તે હેતુઓનું જળવાઈ રહેવું. કારણ કે સંસ્થાના સ્થાપકો–સંચાલકો–વ્યવસ્થાપકો તો અનિવાર્યપણે બદલાતા જ રહેવાના છે. વ્યક્તિ કાયમી નથી, જ્યારે હેતુ તો અનિવાર્યપણે કાયમી હોય છે.
અલબત્ત સંસ્થાઓમાં સમયને અનુરૂપ કેટલાક ફેરફારોની આવશ્યકતા હોય જ. સમયનો પ્રવાહ સમાજની માંગમાં ફેરફારો લાવે છે; નવીનવી શોધખોળો દ્વારા સાધનો અને માધ્યમો –કાર્યપદ્ધતિઓમાં પરિવર્તનો જરૂરી બનાવે છે અને એ રીતે સંસ્થાઓના બાહ્યસ્વરૂપમાં કેટલાક ફેરફારોને અનિવાર્ય બનાવી દે છે. જોકે મૂળભૂત હેતુઓને કોઈ ખાસ અસર ઉપરોક્ત કારણોસર થતી નથી. ઘણી વાર આવા અનિવાર્ય બાહ્યફેરફારોને લીધે સંસ્થા બદલાઈ ગઈ હોય તેવો ભાસ પણ કેટલાકને થાય, છતાં હકીકતે એવું હોતું નથી. લક્ષ્યશુદ્ધિ હોય છે ત્યાં સુધી હેતુસિદ્ધિને કોઈ તકલીફ રહેતી નથી. સમયનો પ્રવાહ ભલે બાહ્ય ફેરફારો લઈ આવે, પણ મૂળભૂત હેતુ તરફનું લક્ષ જ્યાં સુધી અચૂક રહે છે ત્યાં સુધી સંસ્થાનો પ્રાણ એવા હેતુઓ ટકી રહે છે.
સવાલ છે તે લક્ષ્ય તરફનું લક્ષ. લક્ષ્ય સ્થિર અને કાયમી છે પરંતુ તે તરફ લક્ષ આપનાર વ્યક્તિ કાયમી નથી. અરે, એક જ વ્યક્તિનું લક્ષ પણ આજે છે તે કાલે ન પણ રહે. વ્યક્તિ પોતે જ એક સંકુલ રચનાનો ભાગ છે. એનાં મન–વિચાર–કર્મમાં સૂક્ષતમ ફેરફારો સહજ થતા રહે છે. પરિણામે લક્ષ ક્યારેક કાં તો સહેજ ઘટે છે કે ક્યારેક ચુકાય છે. આ ક્યારેક ક્યારેક ઘટવા–ચુકાવાની ગતિવિધિઓ દરમિયાન જ સંચાલક વ્યક્તિની આસપાસ વીંટળાયેલી વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ નાનીમોટી બખોલો તૈયાર કરી નાખે છે, કે ક્યારેક નવી લપસણી કેડી તૈયાર કરી આપે છે. આ લક્ષ–શિથિલતા સંચાલકોના ફેરબદલા વખતે તો ખાસ્સી વધી જતી હોઈ લક્ષ્ય સુદ્ધાંને ન સુધરી શકે તેવું નુકસાન કરી બેસે છે.
સ્થાપકો, નવી પેઢીના સંચાલકો, સમયના પ્રવાહો, વિજ્ઞાનની શોધખોળો/સગવડો, સમાજની બદલાતી રહેતી માંગ, સાધનો/પદ્ધતિઓમાંના ફેરફારો અને આ સૌની ઉપર, સૌથી મહત્ત્વનું તે લક્ષ સંસ્થાઓનું ભવિષ્ય ઘડે છે. સ્થાપકની હયાતીનો સમય–ગાળો, તેની લક્ષ્યલક્ષી નિર્ધારિતતા–અડગતા, સમજપૂર્વકની નિવૃત્તી અને નવી પેઢીને કાર્યસોંપણી વગેરે દ્વારા સ્થાપકો પોતાની હયાતી ઉપરાંત બીજી પેઢી સુધી પણ સંસ્થાને લક્ષ્યસિદ્ધ રાખી શકે છે.
પરંતુ એની લક્ષ્યલક્ષિતા કેટલા પ્રમાણમાં અને ક્યાં સુધી બીજી પેઢી સાચવી–જાળવી શકશે તે બહુ મોટો અને ચિંતાભર્યો સવાલ છે.
ઘણી વાર તો ઘણીબધી પેઢીઓ વહી જાય છે. સંસ્થા અને વિચાર જાણે મર્યાં કે મરશે એવી ભીતિ અનુભવાય છે. શું સામાજિક વ્યવસ્થાઓ, શું ધાર્મિક સંસ્થાઓ/સંપ્રદાયો કે શું રાજકીય વ્યવસ્થાતંત્રો – બધાંને આ ચિંતાભર્યા સવાલો ભોગવવાના આવે છે જેના જવાબો આપવાનું સહેલું નથી હોતું.
છતાં સમયની એ પણ બલિહારી (કોઈ એને ઈશ્વરકૃપા કહે કે કુદરતની લીલા) છે કે, આ સંસ્થા, વિચાર, પંથ કે સંપ્રદાયને ક્યારેક અણધારી રીતે મૂળભૂત હેતુઓને અનુકૂળ–અનુરૂપ કોઈ વ્યવસ્થા મળી રહે છે; કોઈ વ્યક્તિજૂથ સાંપડી રહે છે કે કોઈ સિદ્ધહસ્ત, ચોટડૂક લક્ષક્ષમ, લક્ષ્યવેધી મળી આવે છે જે સમયાંતરે વિગલિતલક્ષ્ય બનેલ સંસ્થાને, વિચારને, કે સંપ્રદાયને નવેસરથી પાટા પર લાવી દે છે. આને કહેવો હોય તો ચમત્કાર કહી શકાય. પણ એ શક્ય છે, સહજ પણ હોઈ શકે છે.
આપણે શિક્ષણના માણસો ચારેબાજુથી ઘેરાએલાં હોઈએ છીએ. ‘ઘેરાએલાં’ એ અર્થમાં કે શિક્ષણ પોતે જ જીવનનાં બધાં પાસાંની સાથે સંબંધ ધરાવે છે. જીવનનું કોઈ એકાદ પાસું પણ કોરાણે રાખીને શિક્ષણ સાર્થક કહેવાતું/થતું/રહેતું નથી. એ બધાં જ જીવનપાસાંથી ઘેરાએલું છે એમ કહેવું તેના કરતાં એમ કહેવું વધુ યોગ્ય રહેશે કે, શિક્ષણ પોતાની આસપાસનાં બધાં જ અંગોને સ્પર્શનારું, એનાથી વીંટળાયેલું હોય છે. શિક્ષણનો આંશિક સ્પર્શ પણ જે–તે પાસાને, અંગને, પ્રકાશ આપવા સક્ષમ હોય છે. એ આ બધાં અંગોથી ઘેરાએલું રહે એમાં જ એની સાર્થકતા છે.
અને એટલે જ શિક્ષણની સંસ્થા સ્થાપવાનું કામ કાચાપોચાનું નથી. બીજી પ્રવૃત્તિઓ કરતાં કરતાં શિક્ષણસંસ્થા ચલાવવી શક્ય નથી. ફૅક્ટરી ચલાવવા માટે શ્રમિકો, સુપરવાઇઝરો, મૅનેજરો, મશીનો અને ક્વૉલિટીકંટ્રોલ વિભાગ વગેરે હોય તો ઘેરબેઠાં પૈસા પૂરા પાડીને તે ચલાવી શકાય છે. કારણ કે એનું લક્ષ્ય વેપાર–ઉદ્યોગ “ચલાવવાનું” હોય છે. એના દ્વારા પૈસો રળવાનો હોય છે. ઉદ્યોગપતિનું લક્ષ્ય આમ, સાંકડું અને મર્યાદિત હોય છે. એટલે બહાર રહીને, અન્ય કાર્યો કરતાં કરતાં તેના પર લક્ષ આપી શકાય છે. જ્યારે શિક્ષણસંસ્થાનું લક્ષ્ય અત્યંત સંકુલ, અત્યંત સૂક્ષ્મ અને અનેકવિધ પરીણામોને પ્રાપ્ત કરવા તાકનારું હોય છે. એ કોઈ એકાદ પક્ષીની એકાદ આંખ વીંધવા પૂરતું નથી હોતું.
શિક્ષણનું લક્ષ્ય વિદ્યાર્થી છે; તેનું કુટુંબ છે; સમાજ પણ છે અને સમગ્ર જીવનવ્યવસ્થા પણ છે. આ બધાંને પહોંચવા માટે કેન્દ્રિત થતું ધ્યાન – લક્ષ – સાધારણ હોઈ શકે જ નહીં. શિક્ષણક્ષેત્રનો માણસ અસાધારણ લક્ષક્ષમ હોય, એની ધ્યાનકેન્દ્રિતતા યોગીની નહીં પણ શતાવધાનીની હોય. ધ્યાનમાં મનને એક વિષય પર કેન્દ્રિત કરવાનું હોય છે. સમાધિની ઉચ્ચોચ્ચ સ્થિતિ તો નિર્વિકલ્પતાની હોય છે. જ્યારે શતાવધાની તો સો કેન્દ્રો ઉપર એક સાથે કેન્દ્રિત રહે છે. આ વિકેન્દ્રિત થતું લાગતું ધ્યાન – લક્ષ – ને “નહીં કેન્દ્રિત” એ અર્થમાં નહીં લેતાં “વિશેષ કેન્દ્રિત” કે “વિવિધ કેન્દ્રી” એ અર્થમાં લેવાનું રહે છે. અને તેથી જ શિક્ષણસંસ્થાના સ્થાપક કે સંચાલકે સંસ્થામાં રહીને જ, એમાં સર્વાંગ સમર્પિત થઈને કાર્ય કરવાનું રહે છે.
કોઈ પણ સંસ્થાના સ્થાપકે પોતાની હયાતીમાં નવી પેઢીને તૈયાર કરવાનું; નવી પેઢીના સંચાલકે આવી મળેલી કામગીરી–જવાબદારી પ્રત્યે પૂરતું લક્ષ આપીને લક્ષ્યસંધાન અકબંધ રાખવાનું; સમયના પ્રવાહોને સાચવતાં રહીને અનિવાર્ય ફેરફારો કરતાં છતાં મૂળભૂત હેતુઓની સિદ્ધિ માટે મથતાં રહેવાનું હોય છે.
અને એમ જ, સૌએ પછીની પેઢીને પણ લક્ષ્યલક્ષિતા સહિતનું બધું જ સોંપીને સ્થાપકોને પરમ સંતોષ પહોંચાડવાનો હોય છે.
શું વાંધો છે (૨)(૩)-જુગલકિશોર વ્યાસ
‘શું વાંધો છે?’ ગઝલ આપણે ગયા સપ્તાહે જોઈ. હવે જુગલકિશોરભાઈએ જ ગયા અંકમાં કહેલું તે મુજબ, તે ગઝલના જાણે કે જવાબરુપે ગઝલના જ ફોર્મમાં એક બીજી રચના અહીં આજે આપી છે. બન્ને ગઝલનાં શીર્ષકોમાં “વાંધો” એ મુખ્ય સુર છે.
જુઓ એક જ વીષય પરની આ બીજી રચના :
હા, વાંધો છે
ઝરમર આવું વરસે એનો વાંધો છે,
ઝીણું અમથું સ્પરશે એનો વાંધો છે !
ધોધમાર વરસે એનું તો સમજ્યાં પણ
ધરતી જરીય તરસે એનો વાંધો છે !
બ્હાર બધું મુશળધારે હરખાય, ઠીક છે –
અંદર કણીક કણસે એનો વાંધો છે.
ફાલ્યોફુલ્યો કહેવાનો સંસાર, આમ જે
વારે ઘડીયે વણસે એનો વાંધો છે !
શબ્દકોશમાં પાર વગરના શબદ પરંતુ
સમજ વીના જે ખરચે એનો વાંધો છે.
જનમ જનમની મુંગી શાણી જીભ –ખરું
ટાણું આવ્યે ના ચરચે એનો વાંધો છે !
આ ગઝલ એમની પ્રથમ ગઝલના જવાબવાને બદલે તદ્દન નવા જ ફોર્મમાં ઢાળીને લખાઈ હતી, તે અહીં ત્રીજી રચનારુપે પ્રગટ થઈ રહી છે !! આ ત્રીજી રચનાનું ફોર્મ અલગ છે, છંદોબદ્ધ કાવ્ય–સૉનેટનું !! ગઝલમાં દરેક શેર સ્વતંત્ર હોય છે. જ્યારે છંદોબદ્ધ કાવ્યમાં ભાવ કે વીચારનો એક ચોક્કસ આકાર હોય છે. એટલે પ્રથમ લખેલી ગઝલના છએ છ શેર એ બધાં છુટ્ટાં મોતીઓને એક સુગ્રથીત માળામાં (સૉનેટમાં) પરોવવાનો દુષ્કર પ્રયોગ અહીં જોવા મળશે !
ખાસ તો ગઝલમાં પ્રથમના ચાર શેર એક જ વીષય – વર્ષા દ્વારા મળતા જીવનસુખને – સ્પર્શે છે. બાકીના બે શેર સાવ જુદા જ છે. પ્રથમ ચાર શેરની આઠેય પંક્તીને અહીં સૉનેટના પ્રથમ ખંડ (આઠ પંક્તીનો) રુપે ફેરવી નખાઈ છે ! બાકીના બે શેરની ચારેય પંક્તીમાં સૉનેટની ૧૩–૧૪મી પંક્તીઓ ઉમેરીને બીજો ખંડ પણ ઉભો કરી લેવાયો છે !!
હવે સવાલ હતો તે આ બધાં છુટ્ટાં મોતીઓને આકારીત કરવાનો….આ માટે આભ–મન–શબ્દો એ ત્રણેયને એક બાજુ અને ધરતી–જીવન–કાવ્યને (આભ–ધરતી / મન–જીવન / શબ્દ–કાવ્યનાં જોડકાં) બીજી બાજુ ગોઠવીને સૉનેટના બન્ને ખંડોને સાંધી દેવાયા છે.
આરંભની બાર પંક્તીઓ વસંતતીલકા છંદમાં અને છેલ્લી બે પંક્તીઓ દોહરામાં ઢાળી છે. આશા છે આપને આ નવો પ્રયોગ / નવું સાહસ ગમશે.
એક જ વીષય પરની ત્રીજી રચના કાવ્ય સ્વરુપે –
આભ–ધરતી
(વસંતતીલકા)
આ આભથી ઝરમરે વરષા; શી સ્પર્શે
ઝીણું ઝીણું; મન ભરાય ન તેથી કાંઈ !
છો ધોધમાર વરસી સુખ દે, પરંતુ
જો આ ધરીત્રી તરસે નરી, તે ન ચાહું.
રે બ્હારનો હરખ મુશળધાર હોય,
ને ભીતરે કણસ હોય જરીક, તે તો
ફુલ્યા–ફળ્યા જીવનની કવીતા મહીં હા
પ્રારબ્ધના દીધ કરુણ વળાંક જેવું !!
શબ્દો ય આ વરસતા મન–આભથી જ્યાં
ભીંજાવતા જીવન–ભોમ ! અને, હવે તો
જન્મોની એ તરસ તૃપ્ત થશે – થવા દો,
આ શબ્દ–કાવ્ય, નભ–ભોમ મળ્યાં ફળ્યાં હ્યાં !!
(દોહરો)
ઓછપ અકળાવે છતાં, વર્ષા રીઝવી જાય;
છેવટ સૌનાં સામટાં મુખ કેવાં હરખાય !!
– જુગલકિશોર વ્યાસ
શું વાંધો છે ? (જુગલકીશોર વ્યાસ)
(શ્રી જુગલકિશોર વ્યાસના નામથી આંગણાંના વાચકો પરિચિત છે. આજે જુગલકિશોરભાઈ એક સર્જક અને એક વિવેચક એમ બેવડા રોલમાં આંગણાંમાં આવ્યા છે. આજની આ પોસ્ટ સર્જકોની એ શ્રેણી કે જેમની હજી શરૂઆત છે, એમને માર્ગદર્શન આપશે. સર્જકના મનમાં કેટલી ગડમથલ ચાલતી હોય છે એનું આ X-Ray છે.)
શું વાંધો છે ?
ઝરમર ઝરમર વરસે તો શું વાંધો છે ?
ઝીણું ઝીણું સ્પરશે તો શું વાંધો છે ?
ધોધમાર વરસે એનુંયે સુખ – પરંતુ
ધરતી થોડું તરસે તો શું વાંધો છે ?
બ્હાર બધું મુશળધારે હરખાય, છતાં જો
અંદર કુણું કણસે તો શું વાંધો છે ?
ફુલ્યો ફાલ્યો લીલોછમ સંસાર, વારતા
ઓચીતાંની વણસે તો શું વાંધો છે ?
શબ્દો મોંઘા, વેડફવા પોસાય નહીં, પણ
જરી ગઝલમાં ખરચે તો શું વાંધો છે ?
જનમ જનમની મુંગી શાણી જીભ બાપડી
આ વખતે કંઈ ચરચે, તો શું વાંધો છે ?
આ ગઝલ અંગે કેટલુંક :
આ રચનાને મેં ‘આ ગઝલ ચાલશે?’ કહીને મુકી હતી, કારણ કે મેં એની માત્રાઓ ચકાસી નહોતી. એનું બંધારણ ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગા એ મુજબ હતું, એની ખરાઈ પણ મેં કરી નહોતી. ફક્ત રદ્દીફ–કાફીયાને આધારે મુકી દીધી હતી.
રચનાનું શીર્શક અને રદ્દીફ “ક્યાં વાંધો છે ?” એમ પણ નક્કી કર્યું હતું પણ પછી “શું વાંધો છે ?” જ રાખ્યું. પણ વાચક જોઈ શકશે કે એ બન્ને વચ્ચે સુક્ષ્મ ફેર છે જ. આ સુક્ષ્મ ફેરફારને પણ મહત્વ અપાવું જ જોઈએ. આપણે ત્યાં બ્લોગજગતમાં આવી રીતે ખુલ્લી ચર્ચા કરવાની પ્રણાલી જણાતી નથી, નહીંતર મારા આ ખુલાસા.ઓનો જવાબ મળે તેમાંથી ઘણું જાણવાનું મળે….
બીજા શેરની પહેલી પંક્તીમા ૨/૧ માં એનું યે સુખ ને બદલે “એનું તો સુખ,” / ૩/૨માં “અંદર કુણું”ને બદલે “અંદર થોડુ” કે “અંદર ઝીણુ” રાખ્યું હતું; ૪/૧માં “ફુલ્યોફાલ્યો”ને બદલે “ભર્યોભાદર્યો” વીચાર્યું હતું પણ પછી એ ન રાખ્યું.
આ રચના જો કાવ્ય હોત તો ?
સમગ્ર ગઝલમાં પ્રથમ ચાર શેર એક જ વીષય –વરસાદ – સાથે જોડાયેલા છે. છેલ્લા બે અલગ પડે છે. ગઝલમાં દરેક શેરને સ્વતંત્ર રહેવાની છુટ હોય છે, પણ કાવ્યમાં સમગ્ર કાવ્ય દરમ્યાન એક જ વીષય અને તે પણ કોઈ ક્રમને જાળવીને આગળ વધતો હોવો જોઈએ, જે આ રચનામાં અલગ પડે છે. કાવ્યની વીશેષતા જ એ છે કે એમાં આરંભથી અંત સુધીનો એક આકાર હોય છે. આ રચનામાં એ તુટે છે. એટલે આને કાવ્ય કહેવામાંય જોખમ જ ગણાય !
રચનામાં વૈચારીક ભેદને ધ્યાનમાં રાખીને મેં એક પ્રયોગ પણ કરવા નક્કી કર્યું હતું. આ રચનામાં સર્જકને જે જે વાંધાઓ લાગ્યા છે તેને જરા જુદા દૃષ્ટીકોણથી પણ જોઈ શકાય !! આ વાતને ધ્યાનમાં રાખીને મેં એક બીજી જ રચના પણ વીચારી રાખી હતી. એમાં વાંધાઓ અંગે સાવ નવા જ દૃષ્ટીકોણથી જોવાનો ઉપક્રમ છે.
હજી પણ મને આ જ વીષય પર તદ્દન જુદો જ પ્રયોગ કરવાનું મન છે. ગઝલના ફોર્મમાં મુકાયેલી આ જ રચનાને સૉનેટના ફોર્મમાં મુકી હોય તો ? સૉનેટમાં મુકીએ એટલે પછી એ વીષયની પ્રકૃતી આખી બદલી જ જાય ! એને આવી જાડી ભાષામાં મુકવી યોગ્ય ન ગણાય. છતાં આ જ વીષયને સૉનેટ કે ઉર્મીકાવ્ય રુપે મુકવાનો અખતરો કરવાનું મન રોકી શકાતું નથી.
સુત્રે મણી – સોનેટ (શ્રી જુગલકીશોર વ્યાસ)
ભગવદગીતાના સાતમા અધ્યાયના સાતમાં શ્ર્લોકમાં ભગવાન કહે છે,
“હે અર્જુન, જગતમાં મારાથી ઉત્તમ કંઈ જ નથી. જે કંઈ અસ્તિત્વમાં છે એ મારાથી જોડાયલું છે, જેવી રીતે માળામાં મોતી દોરાથી જોડાયલા હોય છે.”
જુગલકિશોરભાઈએ અહીં ઈંટરનેટે બધાને કેવી રીતે જોડી રાખ્યા છે, એ વાત બખુબી સમજાવી છે. અનુષ્ટુપ છંદમાં લખાયલા આ સોનેટમાં માત્ર ઉત્તમ કાવ્યતત્વ જ નહીં, છંદ અને સોનેટના બંધારણનો પણ સારો નમૂનો પ્રસ્તુત કર્યો છે.
સુત્રે મણી
(સોનેટ / અનુષ્ટુપ)
‘નેટ’ની દોરીએ કેવાં પ્રોવાયાં આપણે સહુ
માળાના મણકા જેવા,સ્નેહના બંધને બહુ !
આવીયાં કેટલાં, કેવાં; ‘દેશ’થી હોંશથી ભર્યાં,
વ્હેંચાયાં વીશ્વને ખોળે, ઘી–શાં ઘીઠામમાં ઠર્યાં !
‘વેબ’નું વીસ્તર્યું જાળું તાંતણા તાંતણા થકી,
વીશ્વને ભરડો લેતું, હૈયાં સૌ સાંધતું નકી.
સમયો સૌના નોખા,નોખી નોખી ઋતુ,અને
નીયમો, સહુને નોખા રીવાજો, દેશ-દેશને.
છોને વ્યવસાયે વ્યસ્ત, ત્રસ્ત સંસારસાગરે,
તો ય આ‘નેટડે’મસ્ત સૌ છલ્કે નિજ ગાગરે!
વીવીધા આટલી ઝાઝી,ટેન્શનો આટલાં નર્યાં;
તો ય આ “વેબડો”સૌને રાખે ઉલ્લાસથી ભર્યાં!
વીસ્તર્યાં વીશ્વમાં આ સૌ,ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
સંધાયાં એક સૌ ભાષા-‘સુત્રે મણિગણા ઇવ’ !!
—જુગલકીશોર.
શ્રી જુગલકિશોર વ્યાસનું એક સોનેટ
(આજે ઉજાણીમાં માનનીય શ્રી જુગલકિશોર વ્યાસનું એક અનુષ્ટુપ છંદમાં લખાયલું સોનેટ રજૂ કરૂં છું)
સુત્રે મણીગણા ઈવ.*
સોનેટ / અનુષ્ટુપ
‘નેટ’ની દોરીએ કેવાં પ્રોવાયાં આપણે સહુ
માળાના મણકા જેવા,સ્નેહના બંધને બહુ !
આવીયાં કેટલાં, કેવાં; ‘દેશ’થી હોંશથી ભર્યાં,
વ્હેંચાયાં વીશ્વને ખોળે, ઘી–શાં ઘીઠામમાં ઠર્યાં !
‘વેબ’નું વીસ્તર્યું જાળું તાંતણા તાંતણા થકી,
વીશ્વને ભરડો લેતું, હૈયાં સૌ સાંધતું નકી.
સમયો સૌના નોખા,નોખી નોખી ઋતુ,અને
નીયમો, સહુને નોખા રીવાજો, દેશ-દેશને.
છોને વ્યવસાયે વ્યસ્ત, ત્રસ્ત સંસારસાગરે,
તો ય આ‘નેટડે’મસ્ત સૌ છલ્કે નિજ ગાગરે!
વીવીધા આટલી ઝાઝી,ટેન્શનો આટલાં નર્યાં;
તો ય આ “વેબડો”સૌને રાખે ઉલ્લાસથી ભર્યાં!
વીસ્તર્યાં વીશ્વમાં આ સૌ,ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
સંધાયાં એક સૌ ભાષા-‘સુત્રે મણિગણા ઇવ’ !!
—જુગલકીશોર.
===========================
* ભગવદ્ ગીતા-૭/૭.