Category Archives: જોરાવરસિંહ જાદવ

લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૧૩ (અંતીમ)

 

 

 

 

 

(પદ્મશ્રી સન્માનથી સન્માનિત શ્રી જોરાવરસિંહ જાદવનો એમના અણમોલ સાહિત્યને આંગણાં માટે ઉપલબ્ધ કરાવવા બદલ હ્રદયપૂર્વક આભાર – સંપાદક)

લોકસાહિત્યની વિરાસત – પાંચકડા

 લોકસાહિત્યની વ્યાખ્યા હું તળપદ લોકવાણીમાં આ રીતે આપું : “બરોબર ઊતરતો ઉનાળો ને બેહતું ચોમાહુ હોય, જેઠ અને અહાઢ મઈનાની ગડાહાંધ હોય, ખેડૂતો આંખ્યું માથે હાથનાં નેજવાં કરી આભલા ભણી મીટું માંડતા હોય ને એમાં આથમણા આભમાં ગાયની ખરી જેવડી નાનકુડી એવી વાદળી દેખાય. ઈ વધતી વધતી હાથીના બસડારોખી થાય. ઈ વધતી વધતી ડુંગર જેવડી થાય. વાયરે વીંટાઈને આવી વાદળિયું એકબીજીને ભેટતી હોય પણ કેવી રીતે ? નાનપણમાં ઘાઘરી-પોલકાં પહેરી ઢીંગલેપોતિયે રમતી બે સહિયરું ઉંમરના ઉંબરે ઊભી રહી ને પછી પરણીને હાહરે વઈ ગઈ હોય. બાર બાર વરહનાં વહાણાં વાઈ ગયાં હોય ને પછી એક દિવસ કાર્યમીક પિયરના પાદરના વડલા હેઠ એકબીજીને ભાળી જાય, ને ગડગડતી દોટ મેલી બાથમાં લઈને ભેટી પડે ઈમ બારબાર મઈનાની વિજોગણ વાદળિયું આભમાં એકબીજીને ભેટતી હોય, સમવરળક સમવરળક કરતી વીજળી ધરતીનાં ઓવરણાં લેતી હોય, અહાઢી મેઘાડંમર જોઈને મોરલા, ડોકની સાંકળના ત્રણ ત્રણ કટકા કરી ‘મે આવ, મે આવ’ કરતા મલ્હાર રાગ ગાતા હોય. બરાબર ઈ વખતે વરુણદેવ બાર બાર મઈનાની તપેલી ધરતી માથે વરસાદનું સરવડું વરસાવે ને ભીંજાયેલી ધરતીની માટીમાંથી ફટકેલી ફૉરમ-મહેક વછૂટે. ઈ સૂંઘતા જ માનવીના અંતરના બત્રીસે કોઠે આનંદના દીવડા પ્રગટી જાય. ઈમ અભણ, ઊર્મિશીલ માનવીના અંતરમાંથી એવી કોઈ પણ પળે કુંવારી કલ્પનાઓ મઢી કથાઓ, કહેવતો, દૂહા, ગીતો, ઉક્તિઓનાં સરવડાં વરસે ને લોકહૈયાંને આનંદથી ભીંજવી એને સંતૃપ્ત કરે એનું નામ ‘લોકસાહિત્ય’ એટલે તો મેઘાણીભાઈએ લોકસાહિત્યને ‘ધરતીનું ધાવણ’ કહ્યું છે. 

[1] લોકસમાજમાં હાસ્ય-રમૂજ રેલાવતાં પાંચકડાં

વિદ્વાનો એક કાળે જેને અભણ ગામડિયાનાં ગાણાં ગણાવતા હતા એ લોકસાહિત્યને ઝવેરચંદ મેઘાણીએ ધરતીના ધાવણ તરીકે ગૌરવપૂર્ણ રીતે ઓળખાવ્યું છે. અમૃતરોખુ મીઠું માનું ધાવણ બાળકને તંદુરસ્તી બક્ષનારું છે, એમ નિજાનંદ માટે રચાયેલા લોકસાહિત્યે માનવીને સંસ્કાર, શિક્ષણ અને મનોરંજન પૂરું પાડી, લોકજીવનને નિરામય બનાવવાનું મૂલ્યવાન કાર્ય કર્યું છે. આ લોકસાહિત્યના સીમાડા ડુંગરાની ગાળિયું ને જંગલઝાડિયું વચ્ચે ઝૂંપડીઓમાં વસતા આદિવાસીઓ, અંતરિયાળ ગામડાં ને વનવગડામાં વસનારા ગોપસંસ્કૃતિના વારસદારોથી લઈને સાગરકિનારાના ખારવા-ખલાસીઓ સુધી નિર્બદ્ધ રીતે વિસ્તર્યા છે.

લોકસાહિત્ય લોકગીતો, લોકવાર્તાઓ, ભજનો, ધોળ, સાવળો, સરજુ, છંદ, દુહા, ઉખાણાં, જોડકણાં, હરિયાળી, હડૂલા, રમતગીતો, હોળીના ફાગ, રામવળા, ચંદ્રવળા, હાલરડાં, સલોકા, ડીંગ, વડછડ, ભવાઈ ગીતો, છાજિયાં, રાજિયા, મરશિયાં ઈત્યાદિ અનેક પ્રકારોમાં એ પથરાયેલું છે. એમાં જોડકણાં ને ઉખાણાંને મળતો એક વિશિષ્ટ પ્રકાર પાંચકડાંનો છે. ભવાઈરસિયાઓ કહે છે કે જૂના કાળે ગામડામાં ભવાઈ અને રામલીલા ભજવાતી. એમાં વિદૂષકો હાસ્યરસથી છલકાતાં પાંચકડાં વિશિષ્ટ લહેકા અને અભિનય સાથે રજૂ કરી લોકસમાજનું મનોરંજન કરતા.

આ પાંચકડાં માટે કહેવું હોય તો કહી શકાય કે ‘પાંચ ચરણનું હાસ્યરસપ્રધાન જોડકણું’. એમાં ગંભીર વાતો હળવી શૈલીમાં કહેવામાં આવે છે. પાંચકડાંની લોકવાણીમાંથી જે તે પ્રદેશના લોકસમાજનું સાચું દર્શન પણ થાય છે. ભવાઈ કલાકારો જેવું જોતાં, અનુભવતા એ શિધ્ર જોડી કાઢેલા પાંચકડામાં કહેતા. એમાં ગામની, વ્યક્તિની, લોકોની રાખરખાવટની વાત હાસ્યરસમાં વીંટીને કહેતા. કટાક્ષ-ચાબખા પણ મારતા. એ સાંભળીને લોકસમૂહ હસી હસીને ગોટો વળી જતો.

સૌ પ્રથમ જોઈએ સ્થળવાચક પાંચકડાં. જેમાં જુદાં જુદાં ગામો અને ત્યાંના લોકોની વિશિષ્ટતાઓ અને ખાસિયતો વર્ણવાઈ છે. જેમ કે :

અમરેલીના ઊંચા ચૉરા, માથે મોટી ધજા;
ખાવાપીવાના ખેરસલ્લા, પણ જૈસી કૃષ્ણની મજા
હરિ તારાં પાંચ પાંચકડાં ગાવીં(1)


સારું ગામ સરવેડી ને, પાદર ઝાઝા કૂવા;
બાયું એટલી ભક્તાણીયું ને ભાયડા એટલા ભૂવા.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (2)

નોંધણવદર રમવા ગ્યાતા, તંઈ ઝમકુ ફુઈએ જાણ્યું;
ત્રણ વચાળે એક ગોદડું આખી રાત તાણ્યું.
હરિ તારાં પાંચ પાંચકડાં….(3)

વીરમગામમાં ઊંચી હવેલી, ઉપર ધોળી ધજા;
ખાવાપીવા કાંઈ નો મળે, સૂઈ રહેવામાં મજા.
હરિ તારાં પાંચ પાંચકડાં….(4)

લાખિયાણીની ઓરણી ને, સમઢિયાળાના ઢાંઢા;
છકમપરની છોડિયું ને ઝમરાળાના વાંઢા.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (5)

છલાળા ને બલાળા, ઊંચા ઢૉર વસિયા;
દેવા લેવામાં કાંઈ નો સમજે, જોવાના બઉ રસિયા.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (6)

કૌકા ગામમાં બડા કસાલા, પીવે ખારાં પાણી;
ચાર પાંચ બંધાણી ડેલીએ સૂવે, ખાય ગોળ ને ધાણી.
હરિ તારાં પાંચ પાંચકડાં….(7)

બરવાળામાં જઈને રમત કરી,રમત કરીને સૂતા;
બેટો મારો ચિયોક દોરી કાપી ગ્યો,રિયા મોં લૂતાં.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (8)

સારું ગામ સમાણી, નંઈ મોરલી નંઈ પાવા;
મોયાપાંતે મજા કરે છે, એક કૂતરી ને બે બાવા.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (9)

ગામડાગામમાં જૂના કાળે ચા, બીડી, તમાકુ, ચલમ, હોકાના હરડ બંધાણીઓ બહુ હતા. પાંચકડામાં આ બંધાણ અને બંધાણીઓની મજાક પણ મોજથી કહેવાઈ છે :

હોકો કહે હેરાન કર્યા, વાના જોવી વીહ;
તતડાવીને તૈયાર કર્યો, ત્યારે તાકી રહ્યા તરીહ.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (10)

કોઈને કરડ્યો મકોડો ને કોઈને કરડી કીડી;
એકે સળગાવ્યું લાઈટર ને પાંચે પીધી બીડી;
હરિ તારાં પાંચ પાંચકડાં…. (11)

ચૂલે મેલી ચાની તપેલી, ને હેઠે કર્યો તાપ;
ચા તો છોકરાં પી ગ્યાં, બેસી રિયો ઈનો બાપ.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (12)

ખોતરીને ખબખબાવી (ચલમને) માલીપા ઘાલી સળી;
તમાકુના તાકડા ન મળે, બંધાણી આખું ફળી.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (13)

હોકો પીવો હોકલિયું પીવો, સામી રાખો નજર;
પોટુભાનો કિરત આવશે તો બાળી મેલશે બજર.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (14)

બીડી પીવે બાવલો ને, ચલમ પીવે ઝાલો;
અલ્યા, ક્યારનો હું કરગરું છું, એક સટ તો મને આલો.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (15)

સવારે ઊઠીને છોકરું રુવે, કોઈ વાતે નો રિયે છાનું;
આપો એક ચાનો પાલો, પછી નામ નો લિયે ઈની માનું.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (16)

ચૂલે મેલી ચાની તપેલી, હેઠે ઘાલ્યા કાંટા;
ઈ ચા પીવા હાતર થઈને, કૈંક મારે છે આંટા.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (17)

જે જે એ ટાળ્યા રામરામ, છાંટે ટાળ્યો ચોકો,
ચાએ ટાળ્યું શિરામણ, અને બીડીએ ટાળ્યો હોકો.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (18)

લોકવાણીના પાંચકડાએ આદમીની ડફોળાઈ અને બાઈયુંનું ફૂવડપણું પણ કેવું હળવીરીતે નોંધ્યું છે !

ભવાન પટેલે ભેંસ લીધી, મોટા શીંઘડે મોહ્યા;
બોઘરણું લઈને દોવા બેઠા, ને પોકે પોકે રોયા.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (19)

કોઈ નખાવે રાંપ ને કોઈ નખાવે ડાઢો;
કાશી વહુએ તડકે બાંધી મારી નાખ્યો પાડો.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (20)

કોઈ કહે કોકડીને કોઈ કહે દડિયો;
હરિભાઈએ ઈની બાયડીને મારીને, ભાંગી નાખ્યો બડિયો
હરિ તારાં પાંચ પાંચકડાં…. (21)

કલાકાર એટલે કલાકાર. એનું સ્વમાન ન જળવાય, હડધૂત થાય ત્યારે દુભાયેલો જીવ પાંચકડાંમાં ગાળ પણ ઠપકારે છે :

ગણેહગઢમાં ગાવા ગ્યોતો, માણહ આવ્યું બઉં;
મારો દીકરો જોડાં ઠપકારી ગ્યો કોને જઈને કહું ?
હરિ તારાં પાંચ પાંચકડાં…. (22)

બાર હાથનો ચોરણો ને, તેર હાથની નાડી;
કુંભારવાડે કાન હલાવે, ઈ મથુરિયાની માડી.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (23)

વેરંચામાં વડી ગધાડી, વાઘલાની વહુ;
આલવું મેલવું જાણે નંઈ, ને ડોળા કાઢે બઉ.
હરિ તારાં પાંચ પાંચકડાં….(24)

પાંચકડામાં વહુ, વાંઢા, પરણેલા ને કુંવારાની હસીમજાક પણ આવે. થોડાક એવા ઉદાહરણો જોઈએ :

આંબા વાઢ્યા, મહુડા વાઢ્યા, બાવળ વાઢ્યા બઉં;
છપ્પનિયા તારા રાજમાં, વાંઢા પામ્યા વહુ.
હરિ તારાં પાંચ પાંચકડાં….(25)

કુંભાર ફેરવે ચાકડો ને, સુથાર ફેરવે સાયડી;
વાંઢા વલખતા ફરે, આ ભાયડાને બબ્બે બાયડી.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (26)

નદી વચ્ચે નેહડો ને, ગુંદા જેવડું ગામ;
કુંવારી છોડીને ત્રણ દીકરા, એને પરણ્યાનું શું કામ ?
હરિ તારાં પાંચ પાંચકડાં…. (27)

પાળે નાચે પારેવડાં ને વાડામાં નાચે મોર;
પરણ્યા એટલા માનવી, બીજાં હરાયાં ઢોર.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (28)

પાદરડા ખેતરમાં પાંચ પટલિયા, છઠ્ઠો પટલ રેવો;
સગી સાળીને ઉપાડી ગ્યો, ઠપકો કોને દેવો ?
હરિ તારાં પાંચ પાંચકડાં…. (29)

અજાણ્યા ગામમાં લાકડી વગર જઈએ તો શું થાય ? સાંભળો :

ટીલું કરતાં ટાઢું લાગે, સુકાય ત્યારે તરડે;
લાકડી વગર્ય ગામમાં જા’વી, હડફ કૂતરું કરડે.
હરિ તારાં પાંચ પાંચકડાં….(30)

આજકાલના જુવાનિયાઓ મોજશોખમાં રાચનારા છે. સારી વસ્તુ ખાવાપીવાને બદલે દેવું કરીને લોનના હપ્તા જીવનભર ભરે છે એમને માટે પાંચકડામાં કહ્યું છે :

શોભામાં ઘડિયાળ ને સરભરામાં ચા;
પહેરવામાં લૂગડાં ને ખાવામાં વા.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (31)

અને છેવટે ઉપસંહારમાં પાંચકડાં બોલનાર સૌનું ભલું થજો એમ કહે છે :

કોઈ ખાય ગોળ ને, કોઈ ખાય સાકર;
સાંભળે ઈનું ભલું કરે, મંદિરવાળો ઠાકર.
હરિ તારાં પાંચ પાંચકડાં…. (32)

જૂના કાળે લોકો મજાક, મશ્કરી, ઠોળ, ટીખળ આ બધું સાંભળીને એનો નિર્દંશ આનંદ માણતા. આજે તો આખો યુગ બદલાઈ ગયો છે. લગ્નપ્રસંગે ફટાણાં ગવાય કે ગામડામાં આવા મજાક-મશ્કરીનાં પાંચકડાં ગવાય તો ટૂંકા મનના લોકો સહન કરી શકતા નથી. મનોરંજનનાં માધ્યમો પણ બદલાઈ ગયાં છે. પરિણામે ફટાણાં (વિનોદગીતો) અને પાંચકડાં કાળની ગર્તામાં સાવ જ વિલીન થઈ ગયાં છે. 

[2] ગોર્યમાના વ્રતપ્રસંગે ગવાતાં વિનોદગીતો

બળબળતો જેઠ મહિનો જાવાની તૈયારી કરે ન કરે ત્યાં તો મેઘરાજાની છડી પોકારતો અલબેલો અષાઢ મહિનો આવે છે. અષાઢ મહિનો અનેક વ્રતોનો રસથાળ લઈને આવે છે. અષાઢ સુદી અગિયારસથી પૂનમ સુધી કુંવારી કન્યાઓ ‘મોળાકત’ કે ‘ગૌરીવ્રત’ની ઉજવણી કરે છે. ગૌરીને લોકબોલીમાં ગોર્યમા તરીકે ઓળખવામાં આવે છે. ગૌરીએ જગતમાતા પાર્વતી, હિમાલયનાં પુત્રી છે. તેમનો રંગ ગૌર હોવાથી એમને ગૌરી તરીકે ઓળખવામાં આવે છે. ગોર્યમાને આદર્શ કુમારિકા ગણી તેને પગલે પગલે કુમારિકાઓ સારો વર મેળવવા માટે ગૌરીએ કરેલું વ્રત અને પૂજન કરે છે. તેથી ગૌરીને પૂજનારી પણ સ્વયં ‘ગૌર’ કહેવાય છે. રાજસ્થાનમાં ‘ગણગોર’નું અને મહારાષ્ટ્રમાં ‘મંગલાગૌરી’નું વ્રત સૌભાગ્યવતી નારીઓ કરે છે.

ગોર્યમાના વ્રત પ્રસંગે કન્યાઓ મીઠા વગરનું ભોજન ‘અલૂણાં’ કરે છે. આ ઉમંગ અને ઉલ્લાસના પર્વ પ્રસંગે ગરબા, રાસડા, ટીટોડો, હીંચ, હમચી જેવા લોકનૃત્યની સાથે સરખે સરખી સહિયારો સામસામાં ગીતો ગાય છે અને નૃત્યપ્રધાન રમતો રમે છે. આ ગીતોમાં ભારોભાર વિનોદ ભરેલો જોવા મળે છે. એવાં કેટલાંક વિનોદપ્રધાન ગીતો અહીં આપણે જોઈએ :

નવા નગરથી વાંદરો રે આવ્યો
કઈ બહેનનું ઘર પૂછતો રે આવ્યો
રમાબહેનનું ઘર પૂછતો રે આવ્યો
નવડાવી-ધોવડાવી પાટલે બેસાડ્યો
આંખો આંજીને ટીલ્લકો તાણ્યો
હત ગધેડી, વાંદરો શું પાળ્યો ?
એક ગીત પૂરું થાય નો થાય ત્યાં તો હસતીગાતીરમતી કન્યાઓ તરત બીજું ગીત ઉપાડે :

ભેરૂભાઈ શાકના સવાદિયા
વાડીએ વેંગણ ચૂંટવા જાય
ચૂંટતાં-ચૂંટતાં મૂછે વળગ્યું માછલું ને
દાઢીએ વળગ્યું દેડકું
આઈ-આઈ કરતો જાય
આઈ ઓ રે બાઈ ઓ રે
મારા ભેરૂભાઈને કોણે માર્યો ?
એ તો પેલી રૂપલ વહુએ
વેંગણે-વેંગણે ધમકાવ્યો રે.
ભેરૂભાઈ શાકના સવાદિયા
વાડીએ વેંગણ ચૂંટવા જાય

રાત વહેવા માંડે એમ રમતગીતો જામવા માંડે :

લીંબડે ઝાઝી લીંબોળી ને હાલરહુલર થાય.
ચકો દૂધનો સવાદિયો પાડો દોવા જાય
પાડે મેલી પાટુ રે બાપ બાપ કરતો જાય
બાપે મેલી છે લાકડી રે મા મા કરતો જાય
માએ માર્યો છે લાફો રે ભાઈ ભાઈ કરતો જાય
ભાઈએ મારી છે થોંટ રે બેન બેન કરતો જાય
બેને આપ્યો છે લાડવો રે ખૂણે બેસીને ખાય.

ગુજરાતની કન્યાઓ જે રમતગીતો ગાય છે એવાં જ ગીતો દક્ષિણ ગુજરાતની કન્યાઓ પણ ગાતી સંભળાય છે :

સૂંપડું ભરીને મેં તો વાલોળ ઉતારી
છોલી ને છમકાવી હો બાઈ !
વાલોળની લાગી લડાઈ
વાટકી ભરીને હું તો સસરા ઘેર ગઈતી
સાસુએ મોં મચકોડ્યાં હો બાઈ !
વાટકી ભરીને હું તો જેઠ ઘેર ગઈતી
જેઠાણીએ મોં મચકોડ્યાં હો બાઈ !
હોળી-દિવાળીના ટાણાં રે આવ્યાં
મેં ઓસાવીતી સેવ
રમા રે તું તો રામ ભઈ વગર
જમવા બેઠી
બળી તારી ટેવ. બળી તારી ટેવ.

વિનોદ ગીતોની સરવાણી વહેવા માંડે પછી ભાગ્યે જ અટકે :

આવ રે ચકી વહુ મેંદી રે લઈએ
જમણે હાથે લઈએ કે ડાબે હાથે લઈએ !
મારી વાડીનું હાલ સ્હોય સ્હોયને લઈએ
સોહતાં સોહતાં વાર છે
ઝાંઝરનો ઝમકાર છે
મારા વીરાને આવવા દે
શેર સોનું લાવવા દે
તેની ઘડાવીશ ટોટી
મારા ભાઈની બૈયર મોટી
મોટી થાય તો થાવા દે
બેડે પાણી ભરવા દે
બેડા ઉપર ઠીંકરી
મારી ભાભીને આવી દીકરી
દીકરી દીકરી દિવાળી
સોનાની ઘાઘરી સિવાડી
સોનું મેલ્યું ઘોડલે
લે રે જમાઈડા જમતો જા
કાખમાં કોળિયો ઘાલતો જા
કાખમાં તો સાપ છે.
એ તો જમાઈનો બાપ છે.

મજાક-મશ્કરી ને વિનોદમાં જમાઈરાજ પણ ઝપટે ચડી જાય. પણ અહીં તો રમત એટલે રમત. નિર્દોષ આનંદ માણવા માટેની જ રમત :

કાળી ભોંયના કોદરા
ગધેડીનું દૂધ
ખાશે બાપડા રતુભૈ જમાઈ રે
એને ના મળે મા ને બાપ,
માની મેલી માળવે
ને બાપ ગયા પરદેશ
ભાઈ ભીલામાં ભેટવા રે
ભોજાઈ ઝાંપા હેઠ
અમે પરણાવ્યા જયશ્રીબાને
ના જોઈ અમે તમારી જાત
ઉકરડે ઓલાદ ઉકરડે ઓલાદ !

ઓલાદ વગરના જમાઈ પાસે ખેતી કરાવવામાં આવે. ગમ્મતગીતો આગળ ચાલે :

લીલા ચણાનું ખેતર રે ઝાકળિયાં લ્યો,
કોણ કોણ ખેડવા જાય રે ઝાકળિયાં લ્યો,
બનેસંગ જમાઈ ખેડવા જાય રે ઝાકળિયાં લ્યો,
એનાં ભાગ્યાં હળશી હોઠ રે ઝાકળિયાં લ્યો,
એની માડી શેકે લોટ રે ઝાકળિયાં લ્યો,
એની બેની શકે ધાણી-ચણા રે ઝાકળિયાં લ્યો.

પછી જમાઈરાજનો વારો કુંભાર બનવાનો આવે. કિલ્લોલતી કન્યાઓ ગાય :

કનુભાઈ જાતના કુંભાર
બેઠા-બેઠા તાવડી ઘડે છે
એની તાવડીમાં ઓર્યા છે વાલ
બેઠા-બેઠા ફાક્યા કરે છે
એની દાદીએ ચૂંટ્યા ગાલ
બેઠા-બેઠા રડ્યા કરે છે.
એની બેનીએ આપ્યો કંસાર
ખૂણે બેસી ખાધા કરે છે.

જમાઈરાજને રસોયા પણ બનવું પડે છે :

રતન તું તો ઘોઘે જઈ આવી
ઘોઘાનાં પાણી પીને આવી
માનસંગ જમાઈને ત્યાં મૂકીને આવી
બળી તારી ટેવ !
બળી તારી ટેવ !
આગળ એનો ઓટલો ને
પાછળ એનું ઘર
રતનબેન બેઠાં બારીએ,
ને રાંઘે એનો વર.
રતન તું તો ઘોઘે જઈ આવી
ઘોઘાનાં પાણી પી આવી.

રમતગીતો ગાતી-ગાતી નૃત્ય કરતી કરતી કન્યાઓ ડોસા-ડોસીની મજાક કરવાનું ભાગ્યે જ ચૂકે છે :

ડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો સૂંઠ
ડોસીને તો ભાવે નહીં ને ડોસો મરડે મૂંછ
ડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો કોપરાં
ડોસીથી ચવાય નહીં ને ખાય છૈયાં-છોકરાં
ડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો ખજૂર
ડોસીને તો ભાવે નહીં ને ને લખાઈ ગયાં મજૂર
નાનું સરખું ગધેડું ને એનું લાંબું પૂંછ
વગર વાંકે બાયડીને મારે એની વાઢો મૂછ
નાનો સરખો રેંટિયો ને એની લાંબી ત્રાક
બાયલો હોય ઈ બાયડીને મારે વાઢો ઈનું નાક
ડોસીની સુવાવડ આવી ડોસો લાવ્યો સૂંઠ
ડોસીને તો ભાવે નહીં ને ડોસો મરડે મૂંછ.

જમાઈ પછી બાપડી વહુનો વારો આવે. વહુની સાથે આખું એનું કુટુંબેય આવે. એના નામ-ઠામા ને કામાય આવે :

ખાખરડા ઉપર રે નોબત વાગે છે
ક્યા ભઈ બળિયા રે બીજી લાવે છે
બળવંતભાઈ બળિયા રે બીજી લાવે છે
શાંતુ વહુ ભોળાં રે ધ્રુસકે ધ્રુસકે રોવે છે
એનો બાપ બાવો રે લોટ માગે છે
એનો કાકો કોળી રે બળતણ વેચે છે
એનો મામો મોચી રે જોડા સીવે છે
એનો ભાઈ ભવાયો રે ઊભો નાચે છે.
ખાખરડા ઉપર રે નોબત વાગે છે
બળવંતભાઈ બળિયા રે બીજી લાવે છે.

પછી તો કોઈ બાઈને બગલું ઉપાડી જાય એમ કહીને અને એના પતિને રોતો રઝળતો બતાવીને રમતગીતો રંગત જમાવે :

બગલું આવે આવે ને ઊડી જાય રે
બગલું ફોગટ ફેરા ખાય રે
બગલું કઈ વહુને લઈ જાય રે
બગલું લીલા વહુને લઈ જાય રે
પાછળ દામજીભાઈ દોડ્યા જાય રે
ઓ મારી બૈયરને ઉપાડી જાય રે
મારા છોકરાં મા વગરનાં થાય રે
હાય મારા પૈસા એળે જાય રે
મારે નાણાં બેઠાં છે ઘણાં થોક રે
હું તો રળ્યો તે થયું ફોક રે.

લોકજીવનને હળવુંફૂલ રાખવા માટે કેટલી સફળ થઈ છે તેનો આ ગીતો પરથી સુપેરે ખ્યાલ આવે છે.

લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૧૨

ખૂંખાર ડાકુ જોબન વડતાલા

ખૂંખાર ડાકુ જોબન વડતાલાએ સવા બસો વર્ષ પૂર્વે પોતાની આત્મકથા લખી હતી

– જેનું નામ પડતાં રોતાં છોકરાં છાનાં રહી જતાં એવા

– કોઈ કહેતું કે જોબન પગીને માથે કોઇ પીરનો હાથ છે. એની પાસે માતાનો કાળો પછેડો છે. ઈ ઓઢીને નીકળે એટલે એને કોઈ ભાળે નઇં Continue reading લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૧૨

લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૧૧

પાંચા પટેલે જીવતાં જગતિયું કરી નાત અને બ્રાહ્મણોને લાડવા જમાડયા

આવળ, બાવળ અને બોરડીની અપાર સમૃદ્ધિ ધરાવતા ભાલપંથકની સૂકીભંઠ ધરતી માથે પારેવાના માળા જેવું પિપરિયા કરીને ગામ રહી ગયું છે. ગામની પંનરહેની વસ્તીમાં કણબી – પટેલના પંનરક ખોરડાં. આ ખોરડા અમથાય અછાના રિયે નંઇ. ગામમાં આંટો મારો એટલે તરત ઓળખાઇ જાય. Continue reading લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૧૧

લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૧૦

સાંગામાચી માથે બેસીને ડાકવાદન કરતા રાવળ-જોગીઓ

એમ કહેવાય છે કે ધરતીનું મંડાણ થયું તે દિ’થી શક્તિપૂજા થતી આવી છે. કણમાંથી મણ અનાજ આપનારી ધરતીમાં કોઈ શક્તિ છે. કોઈ વિલસતું પરમ ચેતનતત્ત્વ છે તે અનેકવિધ સ્વરૃપે લોકજીવન અને લોકધર્મ સાથે ઓતપ્રોત થઈ ગયું છે. શક્તિપૂજાનો એક ફંટાયેલો પ્રવાહ ધુણ્ય, ઓતાર, ફરુકો અને રાવળદેવના ડાક-ડમરું સાથે પરાપૂર્વથી જોડાયેલો જોવા મળે છે. નવરાત્રી પ્રસંગે એનું મહત્ત્વ સવિશેષ જોવા મળે છે. વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ એ આપણી નવરાત્રી છે. Continue reading લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૧૦

લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૯

જાણો કેવી હતી કાઠિયાવાડની મહેમાનગતિ….

લોક જીભે રમતી બહુ જાણીતી કહેવતઃઆથમણા આભીમાં કાળાંડિબાંગ વાદળાંનું કટક ચડી આવે પણ ઈ વરસશે કે વરસ્યા વિના વહ્યાં જશે? ‘આભ અને ગાભ એને થોડું જ કોઈ જાણી શક્યું છે?  ગાય ગાભણી હોય પણ ઈ ક્યા વારે ને કઈ તિથિએ વિયાશે? એને વાછડો આવશે કે બદૂડી-વાછડી? કાળા માથાનો માનવી એનું આગમ ભાખી શક્યો નથી. એવું જ ભઈલા, ‘મેહ અને મહેમાનો’નું છે. Continue reading લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૯

લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૮

ગુજરાતની પ્રખ્યાત વાવો અને તળાવો

ગુજરાતમાં સોલંકીકાળમાં અને મોગલ સલ્તનતના સમયમાં જળાશયો તળાવો અને વાવો બંધાવવાની પરંપરા રહી હતી. લશ્કરની અવરજવરને અને પ્રજાની જરૃરિયાતને ધ્યાનમાં રાખી નગરોમાં અને મારગ માથે આવા તળાવો બંધાવ્યાંના ઐતિહાસિક ઉલ્લેખો મળી આવે છે. કચ્છનું નારાયણ સરોવર, સિધ્ધપુરનું બિંદુ સરોવર અને ડાકોરના ગોમતી તળાવ સાથે ધાર્મિક શ્રધ્ધા જોડાયેલી જોવા મળે છે, ત્યારે કેટલાક તળાવો સહેલગાહો માટે પણ બંધાયાં હતાં. આવું એક તળાવ સલ્તનત સમયમાં મહમુદ બેગડાએ બંધાવ્યું હતું જે આજે ‘વડાતળાવ’ તરીકે જાણીતું છે. Continue reading લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૮

લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૭

ગામડાંઓની ભજનમંડળીઓનો રસપ્રદ ઇતિહાસ

આપણે આદરપૂર્વક અને માતૃભાષા કહીને ગૌરવ લઈએ છીએ એ ગુજરાતી ભાષાના અગણિત શબ્દો અનેક અર્થોની છાયા ધરાવે છે. એ જાણવું હોય તો આપણે ગોંડળના પૂર્વ સાહિત્યપ્રેમી રાજવી ભગવતસિંહજીએ તૈયાર કરાવેલ ‘ભગવદ્ગોમંડલ’ના નવ ગ્રંથો પર નજર કરવી પડે. ઉ.ત. એક શબ્દ લઈએ ‘ભજન’. ભજન સંદર્ભે કેટકેટલા શબ્દો સાંપડે છે ? ભજન એટલે ઈશ્વર સ્મરણ, સ્તૃતિ, પ્રાર્થના, ભક્તિ, નામસ્મરણ. બીજો અર્થ છે પદ, ગરબી, લાવણી વગેરે ઈશ્વર સંબંધી કવિતા ભક્તિનું કાવ્ય કે ગાન. Continue reading લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૭

લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૬

સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીના ગામડાંઓનું લોકજીવન આજે ઝડપી વિકાસના કેડે ચડીને યંત્રયુગની આંધિમાં ઉડાઉડ કરી રહ્યું છે. જૂના કાળે ભાંડ, ભવાયા, વાદી- મદારી, નટ- બજાણિયા, રાવણહથ્થાવાળા અને રામલીલા ભજવનારાઓ ગ્રામપ્રજાનું મનોરંજન કરાવી બાર મહિનાનું પેટિયું (રોટલો) રળી લેતા. આજે ટી.વી. ચેનલો, મોબાઇલ આવતાં મદારીની મોરલી, ભવાયાની ભૂંગળો અને તૂરી, બારોટના રાવણહથ્થા મૂંગામંતર બની ગયાં. ગ્રામ સંસ્કૃતિમાંથી ગાડાં, વેલડાં ને માફાની સાથે કાંકરેજી, વઢિયારા નાગોરી અને ગીર ગાયના દેશી બળદો ગયા. યુદ્ધ, ધીંગાણા ને મુસાફરીના ખપમાં લેવાતાં પાણીપંથા કાઠિયાવાડી દેવતાઇ અશ્વોનો આખો યુગ આથમી ગયો. જાનનાં ગાડાં વેલડાં અને લગ્નગીતોનાં ઝકોળાય ગયા. એની જગ્યાએ મોટરો, ટ્રેકટરો અને મોટર સાઇકલોએ બઘડાટી બોલાવવા માંડી. આથી અમારો લોકકવિ નિઃસાસો નાખતા કહે છે. Continue reading લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૬

લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૫

 ‘નટડા’

સિંધમાંથી આવીને સૌરાષ્ટ્રમાં વસેલી એક વિશિષ્ટ કોમ નટડા

અરબી સમુદ્ર અહર્નિશ જેના પગ પખાળે છે એવું સોહામણું સૌરાષ્ટ્ર ૧૬૦૦ કી.મી. લાંબો સાગરકાંઠો ધરાવે છે. આ સાગરકાંઠેથી સૌરાષ્ટ્રમાં અનેક સમુદ્રખેડુ જાતિઓ આવી. ક્ષત્રિયો આવ્યા. મેર, કાઠી અને આયરો આવ્યા. જૂના કાળે સૌરાષ્ટ્ર સમૃધ્ધ પ્રદેશ હોવાથી સ્થળ મારગેથી પશુપાલકોના ટોળાં અને પાટીદાર ખેડૂતોના જૂથો આવ્યાં. પશુપાલક એવા રબારી, ભરવાડ અને આયરો આવ્યા. કુંભાર, વણકર, સુથારો, સોની જેવા કારીગરો આવ્યા. ભ્રમણશીલ જાતિઓમાંથી ગધઈ, ગાડલિયા, તરિયાતાઈ, ભાંડ, ભોપા, મકરાણી, મતવા, મારવાડા, મદારી, વણઝારા, વાઢાળા, વાળંદ, વાઘેર, વાંઝા, સલાટ, સગર, સિપાઈ, સિદ્દી હાટી, ઓડ, અતીત જેવી સો ઉપરાંત જાતિઓનું સંગમસ્થાન જૂનાકાળથી સૌરાષ્ટ્ર બની રહ્યું છે. આ બધી જાતિયોએ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ધબકતી રાખી છે. પણ આજે એવી જ એક હિંદુ-મુસ્લિમ બંને કોમોના રીતરિવાજો પાળતી સૌરાષ્ટ્રની હિંદુ ગણાતી નટડા કોમ અને એમની સંસ્કૃતિનો અછડતો પરિચય કરાવવાનો ઉપક્રમ રાખ્યો છે.

Continue reading લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૫

લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૪

લોકકલાના જતન-સંવર્ધન માટે સમર્પિત વ્યક્તિત્વ જોરાવરસિંહ જાદવ (તુષાર જોષી)

‘એ બહુ મોટી કલાકાર તો ફ્રાન્સમાં ફરે છે, આવવાની તો છે ને આપણા કાર્યક્રમમાં?’ અમદાવાદના કર્ણાવતી ક્લબના તત્કાલીન માનદ્ મંત્રી ગિરીશ દાણીએ જોરાવરસિંહને પૂછ્યું. Continue reading લોકક્લાના જાગૃત સંત્રી જોરાવરસિંહ જાદવ – ૪