Category Archives: જ્યોતિ ભટ્ટ

વિશિષ્ટપૂર્તિઃ ફોટોગ્રાફ સાથેના પ્રસંગો – શ્રી.જ્યોતિ ભટ્ટ

ફોટોગ્રાફ સાથેનો પ્રસંગ…શ્રી.જ્યોતિ ભટ્ટ
1955માં રાષ્ટ્રીય લલિત કલા અકાદમી સ્થપાઈ તે જ વર્ષથી ત્યાં રાષ્ટ્રીય ધોરણે કલા-પ્રદર્શન પણ યોજાવા લાગ્યું. થોડાં વર્ષ પછી અકાદમીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રિ-વાર્ષિકી કલા-પ્રદર્શન યોજવાનું નક્કી કર્યું. એ સંદર્ભે 1974 દરમિયાન ભારતીય વિભાગ માટે કલાકૃતિઓ પસંદ કરવાની જવાબદારી ત્રણ કલાકારોને સોંપાઈ. મારો પણ તે કમિટીમાં સમાવેશ કરાયેલ. પસંદગી માટે ભારતમાં વિવિધ સ્થળોએ ફરવાનું બન્યું હતું.
jy.Bh.docx

West Bengal, 1974

શાંતિનિકેતન જવા માટે હું અને સમિતિના બીજા સદસ્ય વિખ્યાત મૂર્તિકાર શ્રી ધનરાજ ભગત કોલકાતાના હાવડા સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર અમારી ટ્રેંનની રાહ જોતા ઉભા હતા. મારી પાસે કેમેરા હતો તેથી હું પ્લેટફોર્મ પર લટાર મારવા લાગ્યો, અચાનક મારી નજર પ્લેટફોર્મ પર બેઠેલા પાંચ લોકોના સમૂહ પર પડી. તેમાં નાના બાળકો અને તેમના માતા-પિતા જેવી દેખાતી બે વ્યક્તિઓ પણ હતી. તેમના ચહેરાના ભાવ એટલા તો સ્પર્શી ગયા કે મેં તરત જ તેમની છબી લઈ લીધી.

1978 દરમિયાન જર્મનીમાં દર બે વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ‘ફોટોકિના’ (Photokina) યોજાવાનું હતું. તે વર્ષે આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠનનું ત્રીસમું વર્ષ પણ હતું. તેથી ‘ફોટોકિના’ના એક નાનકડા ભાગ તરીકે એક છબીસ્પર્ધા પણ યોજાયેલી. વડોદરાના ઘણા છબીકારો આ પ્રકારના પ્રદર્શનોમાં ભાગ લેતા રહ્યા છે અને સારી એવી સંખ્યામાં પુરસ્કારો પણ મેળવ્યા છે. ‘ફોટોકિના’માં આયોજાયેલ સ્પર્ધા માટે ‘Work and Leisure’ – વિષય આપવામાં આવેલ.

વડોદરાનો એક યુવાન છબીકાર એ સ્પર્ધામાં ભાગ લેવા ઉસ્તુક હતો. તેથી પોતાની છબીઓ મને દેખાડવા મારા ઘરે આવેલો. તેણે મને ‘ફોટોકિના’ના પ્રદર્શન અંગે વાત કરી ત્યારે ‘ફોટોકિના’ એ શું છે તે હું બિલકુલ જાણતો ન હતો, પરંતુ તે છબીકાર પ્રદર્શન અંગેની માહિતી આપતું પરિપત્ર (બ્રૉસ્યોર) સાથે લાવેલો. પરિપત્ર વાંચીને મને પ્રદર્શન અંગે થોડી માહિતી મળી. જે મેં તેને સમજાવવા પ્રયત્ન કર્યો. કામ કરવાનું તેમજ આરામ કરવાનો એ માનવીનો મૂળભૂત અધિકાર છે. તે દેખાડતી છબીઓ પ્રદર્શન માટે મંગાવેલી. આ વિષય અંગે શબ્દોથી તેને હું સમજાવી શક્યો નહિ તેથી મારી થોડી છબીઓ તેને દેખાડી તે સમૂહમાં કોલકાતાના હાવડા સ્ટેશન પર લીધેલી છબી પણ હતી. એમાં બેઠેલા લોકો આરામ કરતા હોય તેવું તો જરાય ન હતું. પરંતુ કામધંધા વિના બેકારીના ભોગ બન્યા હોય તેવું લાગતું હતું. મને થયું કે આ છબી ‘ફોટોકિના’ પ્રદર્શનમાં મોકલી શકાય કેમકે કામ  (work) જે માનવીનો પાયાનો અધિકાર છે તેનાથી મારી છબીમાં દેખાતા લોકો વંચિત રહ્યા હતા.

મારી સમજ બહુ અસ્પષ્ટ તો હતી જ પરંતુ નકારાત્મક સ્વરૂપ તેનાથી અવળા હકારાત્મક સ્વરૂપનો પણ ખ્યાલ આપે તેવું કંઈક મારા મનમાં ત્યારે લાગેલું. જેમ કે, એક પ્યાલામાં અર્ધે સુધી પાણી ભર્યું હોય તો તે બાબતને અર્ધો ભરેલો કે અર્ધો ખાલી એમ બંને રીતે વ્યક્ત કરી શકાય.

પેલા યુવાન છબીકારને તેની છબીઓમાંથી થોડી છબીઓ પસંદ કરવામાં મેં મદદ કરી. આથી તેણે કહ્યું કે, પોતાની છબીઓ સાથે તે મારી છબીઓ પણ મોકલી આપશે આમ, અનાયાસે ‘ફોટોકિના’ માટે મારી છબી મોકલવાનું બન્યું. ત્યાર પછી એક દિવસ અચાનક ટપાલમાં પત્ર મળ્યો કે મારી પૂર્વોક્ત છબીને ‘ફોટોકિના’ પ્રદર્શનમાં પ્રથમ દસ સમાંતર પુરસ્કારોમાં સ્થાન અપાયું છે. અને તે પુરસ્કાર લેવા માટે જર્મની આવવા જવાનો વિમાન ખર્ચ તથા ત્રણેક દિવસ સ્થાનિક પરોણાગત પણ ‘ફોટોકિના’ દ્વારા કરાશે.

1978માં જર્મની બે વિભાગમાં વહેંચાયેલું હતું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની તેથી પશ્ચિમ જર્મનીની રાજધાની ‘કોલોન’ હતી. ત્યાં ગયા પછી જ મને જાણવા મળ્યું કે, ત્યાં ‘ફોટોકિના’ એ ફોટોગ્રાફી તથા સિનેમા ક્ષેત્રે વપરાતા દરેક પ્રકારના સર-સાધનો બનાવતી ઔદ્યોગિક કંપનીઓ તથા વિક્રેતાઓ માટેનો ઇન્ડસ્ટ્રીયલ ફેર (ઔદ્યોગિક મેળો) છે. આ તકનો લાભ લઈને ત્યારે જર્મની તથા આજુબાજુના દેશોમાં ફરીને ઘણાં બધાં આર્ટ મ્યૂઝીયમો પણ જોઈ શકાયાં.

પદ્મશ્રી. જ્યોતિ ભટ્ટ.

ઈમેઈલ: jotu72@gmail.com

મિત્રો સાથે વાતો…એક વિશિષ્ટ પૂર્તિ

મિત્રો સાથે વાતો…એક વિશિષ્ટ પૂર્તિ. જ્યોતિ ભટ્ટ

રવિવારની એક વિશિષ્ટ પૂર્તિ… કલાકાર જ્યોતિ ભટ્ટ, પદ્મશ્રી. સવ્યસાચી સારસ્વત એવોર્ડ.

                                     મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો જ્યોતિ ભટ્ટ

    Chokari-Bhatt Saurashtra, 1967

મારા કુટુંબમાં એક લગ્નપ્રસંગે હું ભાવનગર ગયેલો. લગ્નવિધિ ચાલી રહ્યો હતો ત્યારે મારુ ધ્યાન પ્રવેશદ્વાર તરફ ગયું. ત્યાં એક નાની પોલિયોને લીધે લંગડી બનેલી બાળકી ઉભી ઉભી લગ્નવિધિ કુતૂહલપૂર્વક જોઈ રહી હતી. આ બાળકીની છબી લેવા કેમેરા આંખ પાસે લાવ્યો ત્યારે ધ્યાન ગયું કે, બાળકીની પાછળ રસ્તા ઉપર કેટલાક બાળકો રમી રહ્યા હતા. આથી છબીમાં દોડતો કિશોર પણ સમાય એની રાહ જોઈને જયારે એ દેખાણું ત્યારે જ કેમરાની ચાપ દબાવી.

1978 દરમિયાન આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણીના ભાગ તરીકે ભારત સરકારની The Director of Advertising & Visual Publicity (D. A. V. P.)  દ્વારા બાળક સાથે સંકળાયેલ એક મોટી છબી સ્પર્ધા અને પ્રદર્શન આયોજાયેલ. એ સ્પર્ધાના પ્રથમ પુરસ્કાર માટે પાંચ છબીઓ શોર્ટલિસ્ટ કરાયેલી. પરંતુ તેમાંથી એક પણ કાઢી શકાય એમ ન હોવાથી પુરસ્કારની રકમ પાંચેય છબીકારો વચ્ચે વહેંચી દેવામાં આવી. પેલી લંગડી બાળકીની મેં લીધેલી છબી પણ આ પાંચમાની એક હતી. સ્પર્ધા માટે આવેલી છબીઓમાંથી પસંદ કરાયેલી છબીઓ પ્રદર્શિત કરાયેલી. તે માટે D. A. V. P. – એ બધી પસંદ કરાયેલી છબીઓની મૂળ નેગેટિવ મંગાવી મોટા માપના એન્લાર્જમેન્ટસ તૈયાર કર્યા હતા. દિલ્હીના ‘કોનોટ-પ્લેસ’ નજીકના એક મેદાન પર કામચલાઉ આર્ટગેલેરી બનાવી, ત્યાં બધી છબીઓ પ્રદર્શિત કરાયેલી. પ્રદર્શનમાં મુકેલી એક વિઝિટર્સ રિમાર્ક માટેની નોંધપોથીમાં કોઈએ લખેલું કે, “ખૂબ ખૂબ અભિનંદન ! આ પ્રદર્શન એ સાબિત કરે છે કે, ભારત સરકાર પણ જો અને જયારે ધારે ત્યારે આવું સુંદર કામ કરવા સક્ષમ છે.”

મારા મિત્ર સ્વર્ગસ્થ કિશોર પારેખે મને એક સમયે કહેલું કે, ”હું સુંદર મુખાકૃતિ ધરાવતી વ્યક્તિની છબી લઉ છું. ત્યારે લોકો મારી છબીને જ સુંદર માની લેતા હોય છે.” આથી મને થયું કે, મારી છબીમાં જે બાળકી દેખાય છે, તેના ચહેરા પર દેખાતી તેની કરુણ અને લાચાર પરિસ્થિતિ જણાવતો ભાવ સ્પર્ધાના નિર્ણાયકોને સ્પર્શી નહિ ગયો હોય? અને મને એમ પણ થયું કે, આ છબીને પુરસ્કાર અપાવવામાં તે બાળકીનો હિસ્સો ખરો કે નહિ? સદ્ભાગ્યે આ છબી મેં મારા કાકાના ઘરે લીધેલી. જાહેરાત કે, વ્યવસાય ધોરણે છબીઓ લેતી વેળા મોડેલિંગ ની તગડી ‘ફી’ ચૂકવવી પડતી હોય છે. પરંતુ કેન્ડીડ પ્રકારની છબીઓ લેનાર છબીકારે આવી ‘ફી’ ચૂકવવી પડતી નથી. વળી, હંમેશા કે દરેક વખતે એ શક્ય પણ હોતું નથી.

તેથી મેં મારા કાકાને એ છોકરી અંગે તપાસ કરવા કહ્યું અને જાણવા મળ્યું કે, એ બાળકીના પિતાનું એક કારખાનામાં અકસ્માત થવાથી અવસાન થયેલું અને કુટુંબની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી. આથી એ પુરસ્કારની મને મળેલી રકમ તે છોકરીને પહોંચાડવાનું શક્ય પણ બન્યું.

-જ્યોતિ ભટ્ટ   ઈમેઈલ: jotu72@gmail.com  વડોદરા.
————-
શ્રી દાવડા સાહેબ જ્યોતિભાઈની કૃતિઓ રજુ કરતા અત્યંત ગૌરવ અનુભવતા.
પી.કે.દાવડા…જાન્યુઆરી ૨૦૨૦
આંગણું નશીબદાર છે કારણ કે હૈયાત કલાકારોમાં ટોચનું સ્થાન ધરાવતા કલાકાર શ્રી જ્યોતિ ભટ્ટ લાંબા સમયથી આંગણાંમાં રસ લઈ, માત્ર ઉત્તમ પ્રકારની કલા જ નહીં, પણ કલા અંગે ઉચ્ચ કક્ષાની માહિતી પોતાના લખાણો દ્વારા આપતા રહ્યા છે.
જુલાઈ ૨૦૨૦. નોળવેલનો નવતર અંકનો આ લેખ દાવડાના આંગણામાં પ્રકાશિત કરવાની વિજ્ઞપ્તિના જવાબમાં, જ્યોતિભાઈએ લખ્યું…

પ્રિય સરયૂબેન,
તમે મારી છબિ દાવડાના આંગણામાં મુકો એટલે તાંબા નું સોનું થયું અને સોના ને સુગંધ મળી. મારી સંમતિ છે. અમે મજામાં છીએ તમે બધા પણ મજામાં હશો…. જ્યોતિ.

જ્યોતિભાઈને હું પચાસેક વર્ષથી જાણું છું. તેમનું જેટલું ઉચ્ચ કોટીનું વ્યક્તિત્વ છે, તેટલી જ તેમનામાં નમ્રતા છે. જ્યોતિભાઈને પ્રસન્નતાથી બહેનનાં સાસુના પગ દબાવતા, કે લગ્નપ્રસંગે દિવાલો પર ખડીથી સામાન્ય ચિત્રો દોરતા જોયા છે. તેમના સરળ વ્યક્તિત્વની ઝલક તેમના ઈમેઈલના જવાબમાં દેખાય છે. જ્યોતિભાઈ અને જ્યોત્સ્નાબહેનની કલાકાર જોડીનો પરિચય થવો તે સૌભાગ્યની વાત છે.                          ભટ્ટ
જ્યોતિભાઈ-જ્યોત્સ્નાબેનનાં પૂર્વપ્રકાશનો આંગણાનાં ‘લલિતકલા’ વિભાગમાં જોઈ શકશો.

(જુલાઈ-૧૧-૨૦૨૦. જ્યોત્સ્નાબેનના અવસાનના દુખદ સમાચાર મળ્યા. તેમના સ્નેહને અનેક લોકો હંમેશા યાદ કરતા રહેશે. આગલા જ રવિવારે, ખાસ કોઈ કારણ વગર, આ લેખમાં જ્યોત્સ્નાબેન વિષે લખવાનો મને વિચાર આવ્યો તેનો સંતોષ છે. સરયૂ)

ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૩ (સંપાદન – પી. કે. દાવડા)

સિરામિક્સ  (જ્યોતિ ભટ્ટ)

વન્ય પશુ કે વાનર જેવી સ્થિતિ પાર કરી સંસ્કૃતિના પ્રારંભે માનવીએ જે કેટલીક મહત્વની શોધો કરી હતી તેમાં માટીકામ પણ એક હતી. માટીની એક લાક્ષણિકતા એ છે કે તેમાં પાણી મેળવવાથી પોચી બને છે. પોચી થયેલી માટીને અનેક ઘાટ આપી શકાય. આ રીતે બનાવેલ ઘાટને ઊંચા ઉષ્ણતામાને પકવવાથી તે મજબૂત થાય. ત્યારપછી, તે પાણીથી ભીંજાવા છતાં પણ ઓગળતા નથી. જીવન વિકાસના અનેક સોપાનો પછી આજે માટીની ઉપરોક્ત પાયાની લાક્ષણિકતાને આધારે તેના અનેક ઉપયોગો અને તેને અનુરૂપ સ્વરૂપો વિકસ્યા છે. Continue reading ચાકડાના ચાલક જ્યોત્સના ભટ્ટ – ૩ (સંપાદન – પી. કે. દાવડા)

પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નાદુરસ્ત તબીયતને લીધે જ્યોતિભાઈ પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવા રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉજવાયલા સમારંભમાં ન જઈ શક્યા હતા. ગુજરાત રાજ્યવા એડીશનલ ચીફ સેક્રેટરી શ્રીમતિ સંગિતા સિંગ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે જ્યોતિભાઈના ઘરે જઈને એમને આ સમન્માન ચંદ્રક ન પ્રશસ્તિપત્ર આપી આવેલા. એ વખતે વડોદરા જીલ્લાના કલેકટર શ્રીમતિ શાલીની અગરવાલ પણ હાજર હતા.

Continue reading પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ

બિહારી પોપટ (શ્રી જ્યોતિ ભટ્ટ)

(થોડા સમય પહેલા જ્યોતિભાઈ ચિકનગુનિયા વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. હજીપણ એમાંથી સંપુર્ણપણે સ્વસ્થ થયા નથી. નવા વરસના શુભેચ્છા સંદેશ સાથે શ્રી જ્યોતિભાઈએ એક અદભૂત લેખ મોકલ્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા શ્રી જ્યોતિ ભટ્ટ્નો ભરપૂર સ્નેહ ૨૦૧૮ માં આંગણાંને મળ્યો છે. ૨૦૧૯ માં લલિતકળા વિભાગમાં પ્રથમ લેખ તરીકે લેખને હું શ્રી જ્યોતિ ભટ્ટના, આંગણાંને આશીર્વાદ સમાન ગણું છુંપી. કે. દાવડા)

Continue reading બિહારી પોપટ (શ્રી જ્યોતિ ભટ્ટ)

મૌલિક છાપ અને રેખાંકનોની ની કેટલીક લાક્ષણિકતાઓ – 2 (શ્રી જ્યોતિ ભટ્ટ)

(લલિતકળાની આ series માટે પોતાની અણમોલ કૃતિઓ, લખાણો અને સમય આપવા બદલ હું આંગણાં વતી શ્રી જ્યોતિભાઈ ભટ્ટ્નો હ્રદય પૂર્વક આભાર માનું છું. ભવિષ્યમાં પણ આ વિભાગ માટે એમનું માર્ગદર્શન મળતું રહે એવી અપેક્ષા સાથે આ Series અહીં પૂરી થાય છે.)

                                                                    

મૌલિક છાપ અને રેખાંકનોની ની કેટલીક લાક્ષણિકતાઓ – 2

      ચિત્ર, છાપ તથા રેખાંકનમાં વપરાતાં રેખા, રંગો, પોત વગેરેમાં ખૂબ જ સામ્ય છે. તેથી આ લખાણમાં ત્રણેય માધ્ય્મોનો ઉલ્લેખ થતો રહેશે. આ ત્રણેય માધ્ય્મોમાં આકૃતિઓ બનાવવા માટે મુખ્યત્વે ભીંત, પાટિયું, કપડું તથા કાગળ જેવાં સપાટ ફલકો વપરાય છે. આવાં ફલકોની રેખાંકન માટે ઉપયોગમાં લેવાતી સપાટીને લંબાઈ તથા પહોળાઈ એ બે પરિમાણો (dimenssions) જ હોય છે. પણ, ત્રીજું પરિમાણ – ઊંડાઈ- હોતું નથી. આ કારણે કળા-ઇતિહાસના વીસેક હજાર વર્ષ દરમ્યાન થયેલાં ચિત્રો અને રેખાંકનો મુખ્યત્વે દ્વિપરિમાણિત -2D – બન્યાં છે. જોકે, આપણી આજુબાજુનો અવકાશ 3D છે તે અંગે તેમ જ ચિત્ર દ્વારા એવો આભાસ આવી શકે તે અંગે પણ લોકો સભાન હશે. આપણે જાણીએ છીએ કે ચિત્રિત થળને જળ માનીને દુર્યોધને પોતાનાં વસ્ત્રો ભીંજાય નહિ તે માટે ઊંચક્યાં હતાં. અને, જળને થળ સમજી તેમાં ખાબક્યો હતો. અને, પછી જે બન્યું તેને પરિણામે મહાભારત સર્જાયું. આ માત્ર કાલ્પનિક વિભાવનાજ હશે? પરંતુ 2D ફલક પર 3D અવકાશનો દ્રષ્ટિભ્રમ કરાવે તેવાં ચિત્રો અને રેખાંકનો સર્જવાની સિદ્ધિ તો માનવી માત્ર છેલ્લાં ૫૦૦ વર્ષ દરમ્યાન મેળવી શક્યો છે. એની સાબિતીઓ ઘણી મળે છે.

ચીજ વસ્તુને હાથ લગાડ્યા વિના, માત્ર જોઇને પણ 3D અવકાશનો બોધ કરાવતાં વિવિધ દશ્ય-લક્ષણોમાં છાયા-પ્રકાશનો ફાળો મોટો છે. જોકે, છાયા-પ્રકાશ એ ચીજ-વસ્તુઓનું વારંવાર બદલાતું રહેતું, ક્ષણભંગુર સ્વરૂપ હોવાથી આજ પર્યંત બનેલાં મોટા ભાગનાં ચિત્રોની મુખ્ય લાક્ષણિકતા 2D રહી હશે.

સફેદ પ્લાસ્ટરના બનેલા ચહેરાનાં છાયા પ્રકાશને લીધે બદલાતાં સ્વરૂપો.

હવે જૂની ગણાવા લાગેલી ‘આધુનિક’-modern art- ક્ષેત્રે પણ 2D તથા 3D લક્ષણો અંગે ઘણી વિશદ ચર્ચા વિચારણા થતિ રહેતી હતી. 2D ફલક પર ચિત્રિત કળાકૃતિ 2D જ દેખાવી જોઈએ તેવુ સૈધાન્તિક તથા બૌધિક સ્તરે ઘણા કળાકારો તથા કળાપારખુઓ માને છે. જોકે, તેઓ પણ 3D અવકાશનો આભાસ કરાવતી કૃતિઓથી પ્રભાવિત તો થયા જ હશે. કેમ કે પ્રકાશ અને તેના અભાવે અનુભવાતા અંઘકાર સાથે આપણો જન્મજાત નાતો રહ્યો છે. પ્રકાશની મોજુદગીથી આનંદ અને ઉત્સાહની અને તેના અભાવે વિષાદ, હતાશા અને ભય અનુભવાય છે. ભારતમાં પ્રાચીનકાળથી ‘તમસોમા જ્યોતિર્ગમય’ એક પ્રાર્થનામંત્ર બની રહ્યો છે. નૃત્ય, નાટય તથા ચલચિત્ર ક્ષેત્રે તો પ્રકાશ તેમનું એક મહત્વનું અંગ છે.

રંગભૂમિ પર ભજવાતા નાટકમાં અભિનેતાઓ જેમ પ્રકાશ પણ મહત્વનો ભાગ ભજવે છે.

છબિકળા કહેવાતી ફોટોગ્રાફીનો શબ્દાર્થ જ પ્રકાશ (photo)નો આલેખ (graph) થાય છે. હિન્દીભાષી પંડિતોએ ફોટોગ્રાફી માટે પ્રકાશાંકનને બદલે છાયાંકન સંજ્ઞા શા માટે બનાવી હશે તે મને મૂંઝવતો રહેલો કોયડો છે. મારી સમજ પ્રમાણે ‘છાયા’ કોઈ વસ્તુ સૂચક નહિ પણ પ્રકાશની અનુપસ્થિતિ દર્શાવતો શબ્દ છે.

પેન્સિલ કે ક્રેયોન વડે ૨-D ફલક પર છાયા પ્રકાશના આભાસથી ઊભો થ ૩-D વસ્તુ તથા અવકાશનો આભાસ.  બ્લેક એન્ડ વ્હાઈટ છબીની જેમ આ દૃષ્ટાંતમાં પણ આછા તથા ઘેરા રાખોડી જણાતા ભાગો માટે તેમાં તદ્દન કાળો એક જ રંગ ઉપયોગમાં લેવાયો છે.

મૂર્તિશિલ્પ 3D પ્રકારની વસ્તુ છે. પ્રકાશ પરિસ્થિતિ અનુસાર તેની છાયાઓ આપોઆપ રચાતી અને બદલાતી રહે છે. પરંતુ 2D કળાકૃતિમાં છાયા તથા પ્રકાશનો  આભાસ રંગોની આછી ઘેરી કક્ષાઓ દ્વારા કરાવાય છે. (આનાં દૃષ્ટાંતો અગાઉ  અપાઈ ગયાં છે.) રેખાંકનો –drawings- માં લાલ, પીળો, લીલો જેવા ‘ભડક’ –bright- રંગોને સ્થાને મોટાભાગે કાળા કે કથ્થાઈ જેવા ઘેરા રંગનો ઉપયોગ કરાય છે. આથી તેમાં વિરોધાભાસ –contrast-ને  લીધે સફેદ કે તેવી ઉજળી સપાટી પર ઘેરી રેખાઓ સ્પષ્ટ દેખાય છે. વળી, તેવી રેખાઓ દ્વારા છાયા પ્રકાશનો આભાસ કરાવતી કક્ષાઓ –tones- દેખાડવાનું સરળ બને છે.

 રેખાંકન ઘેરી રેખાઓ વડે દોરાયું હોય તો છાયા પ્રકાશનો ભેદ તથા રેખાઓનું સૌન્દર્ય સ્પષ્ટ દેખાય છે. જમણી બાજુ પણ રેખાંકન બદલાયું નથી પરંતુ વિરોધાભાસ નાં અભાવે તે સહેલાઈથી જોઈ તથા સમઝી શકાતું નથી. સુંદર રંગો અહીં વિક્ષેપ-કારક બની જાય છે.

હાથ વડે બનાવેલી આકૃતિમાં જો રંગોનું મહત્વ ન હોય તો તે રેખાંકન કહેવાય છે. જોકે, તેમાં માત્ર રેખાઓ જ હોય તે જરૂરી નથી. રેખા તથા વિવિધ ટીલાં-ટપકાં (marks)નાં સંયોજન દ્વારા બનેલી રૂપરચનાને પણ રેખાંકન (Drawing) કહી શકાય. રેખા વડે છાયા પ્રકાશ દર્શાવતી આછી ધેરી કક્ષાઓ માટે લિઓનાર્દો વિન્ચી, માઈકલ અન્જેલો તથા તેમના સમયના કળાકારોએ અપનાવેલી તરકીબનો છાપ-કળાકારો ભરપુર ઉપયોગ કરતા રહ્યા છે; રેખાઓ વડે છાયા પ્રકાશ દર્શાવવા ઉપરાંત તેનાંથી બનતાં આગવાં પોત- સૌન્દર્યનો લાભ લેવા માટે પણ. આડી, ઊભી અને ત્રાંસી રેખાઓનો સમૂહ ‘cross hatching’ નામે ઓળખાય છે. છાયા અને પ્રકાશ દર્શાવતા આકારો અવકાશનો આભાસ તો કરાવે જ છે પરંતુ સાથો સાથ તેના વિભાજનને કારણે બનતી ભાત એક રૂપ-રચના પણ બની રહે છે.

રેખા વિનાનું , યાંત્રિક છાપ-કામનાં ટપકાની ભાતનો ઉપયોગ કરી બનાવેલી છાપ, તથા માત્ર cross etching પ્રકારની જાડી-પાતળી રેખાઓ વડે બનાવાયેલી etching છાપ બંન્નેમાં આકારો ઉપરાંત આછા ઘેરા પ્રકાશ-tones નો આભાસ પણ થાય છે.

ઝીબ્રા તડકામાં ઉભું હોય કે છાયામાં, તેના કાળા અને ધોળા પટ્ટાઓ તો દેખાય જ છે. તે આવી ભાતનું જાણીતું દૃષ્ટાંત છે. અન્ય ઘણાં પશું, પંખી, માછલીઓ તથા પતંગિયાંમાં પણ આછા ઘેરા રંગના આકારો વડે સુંદર ભાત જોવાં મળે છે. છાયા અને પ્રકાશને કારણે નહિ પરંતુ વસ્તુ સાથે સંકળાયેલ રંગોને લીધે એવી ભાત દેખાય છે. પુનર્જાગરણ –Renaissance– સમય પછી ઘણા ચિત્રકારો ચિત્રના શરૂઆતના તબક્કે તેને કાળા કે કથ્થાઇ  રંગની આછી ઘેરી ક્ક્ષામાં બનાવતા હતા. તે સંતોષકારક બને પછી તેની ઉપર જરૂરી, આછા ઘેરા, પરંતુ ઓછા- વત્તા પારદર્શક સ્વરૂપે વિવિધ રંગો લગાડતા હતા. આ પ્રારંભિક તબક્કો chiaro- schooro નામે ઓળખાય છે. (ક્યારો=આછો અને, સ્કૂરો=ઘેરો. ઇટાલિયન ભાષામાં ‘CH’ ‘ચ’ નહિ પણ ‘ક’ બોલાય છે.) ફોટોગ્રાફરો તથા છાપ કળાકારો પણ ક્યારેક શ્વેત-શ્યામ (Black& White) કૃતિ ઉપર પીંછી વડે પારદર્શક રંગો  લગાડે છે.

વિખ્યાત શિલ્પી જ્યાકોમેત્તીએ દોરેલી નીજી છબિ. આમાં ‘ક્રોસ એચિંગ’ દ્વારા થતા છાયા-પ્રકાશનાં અભાસ ને કારણે તેના ચહેરાની લાક્ષણિકતાઓ પણ સ્પષ્ટ જણાય છે. જમણી બાજુ Mohammad Ali Ziaei એ દોરેલું કાર્ટૂન છે જેમાં જ્યાકોમેત્તીનાં ચહેરાની ઓળખ તો છે જ પરંતુ રેખાઓની લાક્ષણીકતા પણ ધ્યાન મહત્વની બની રહે છે.

આ ફોટોગ્રાફ માં દેખાતા જ્યાકોમેત્તી નાં ચહેરાને ઉપરના બંને રેખાંકનો સાથે સરખાવવાથી દરેક માધ્યમની ખૂબીઓ ધ્યાનમાં આવ્યા વિના રહેશે નહિ

એચિંગ પ્રકારની છાપ પર ઉમેરેલ પારદર્શક વોટર-કલર્સ

જ્યોતિ ભટ્ટ ની એચિંગ પ્રકારની છાપ પર તેણે ઉમેરેલ પારદર્શક વોટર-કલર્સ.

“લાલ, પીળો ‘ને વાદળી, મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણીથી થાય” : કવિ દલપતરામ ડાહ્યાલાલ (કદડા)ની કહેવત જેવી આ કાવ્યપંક્તિઓ એક સમયે બહુ જાણીતી હતી. દોઢસોથી વધારે વરસ પછી પણ આજ સુધી એનું વજૂદ ઓછું થયું નથી. જોકે, ન્યુટને ઇન્દ્ર્ધનુષ્યમાં દેખાતા સાત રંગોને મૂળરંગો (Hue) માનેલા અને, પ્રકાશના એ સાત અંશ (રંગો) એકઠા થાય તો શ્વેત રંગ બને તે સાબિત કર્યું હતું. આને લીધે મૂળ રંગો અંગેની સમજમાં બદલાવ પણ આવ્યો છે. એનાં પરિણામે ચિત્રકળાનો પ્રભાવવાદ – Impreesionism નામે જાણીતો થયેલ પ્રકાર પણ શરુ થયેલો.

ક્લોદ મોને(monet) નું ઈમ્પ્રેસનિસ્ટ શૈલી નું ચિત્ર “સન રાઈઝ”

એક પ્રશ્ન પણ થાય કે ન્યુટને વૈજ્ઞાનિક સાબિતીઓ સાથે કહેલી આ વાત ત્રણેક હજાર વર્ષ પહેલા ભારતીય ઋષિઓ જાણતા હશે? પ્રકાશના અને પૃથ્વી પર જીવનના મહત્વના સ્રોત સમા સૂર્યનો રથ ખેંચતા સાત અશ્વોની કલ્પના શું માત્ર યોગાનુયોગ જ હોઈ શકે ખરો?

સૂર્યનો રથ ખેંચતા સાત અશ્વો દર્શાવતું મોઢેરા મંદિરનું મૂર્તિ શિલ્પ

આજકાલ, ડીજીટલ યુગનાં ચમત્કાર સમા કમ્પ્યૂટરનાં તથા સ્માર્ટ ફોનનાં મોનીટર સ્ક્રીન પર જોઈ શકાતી, બહુરંગી જણાતી બધી જ છબીઓ RGB સંજ્ઞાથી ઓળખાતા માત્ર ત્રણ:  લાલ-Red, લીલો-Green અને ભૂરો-Blue પ્રકાશ ધરાવતી સૂક્ષ્મ કોશિકાઓ -પિક્સેલ્સ- વડે જ બને છે. નોખી નોખી દસ લાખ (એક મિલિયન) વર્ણ છટાઓ ફક્ત આ ત્રણ રંગો ધરાવતા પ્રકાશની ઓછી વધારે (એકથી સો ટકા) માત્રાઓના મિશ્રણથી બને છે. (૧૦૦ x૧૦૦ x ૧૦૦). રોજ-બરોજના ઉપયોગ માટે થતાં ઘણાં ખરાં છાપકામ માટે હવે દલપતરામે કહેલી ત્રણ ‘મૂળ રંગ’ ને સ્થાને ચોથા-કાળા રંગની શાહી ઉપયોગમાં લેવાય છે. મોટાભાગના પ્રકાશનોમાં જોવાં મળતી રંગીન તસ્વીરો  CMYK [ Cyan (blue), Magenta, Yellow, and Key (black)] સંજ્ઞા વડે ઓળખાતી ચાર શાહી વડે છપાય છે.

રંગીન છબિ સાથે સાદી (Black & White) છબિ પણ CMYK શાહીથી જ છપાય છે. કમ્પ્યૂટર તથા સ્માર્ટ ફોનના સ્ક્રીન પર પણ રંગ વિહીન જણાતી છબિ દેખાડવા માટે RGB એ ત્રણ રંગો જ કામમાં લેવાય છે. આ પરસ્પર વિરોધી લાગે તેવી વાત છે. છાપ કામમાં પ્રકાશનાં નાના અંશ સિવાયના રંગોને પોતામાં સમાવી લેતાં –acsorb – કરી લેતા પદાર્થોમાંથી બનેલી શાહી વપરાય છે. આથી એક બીજામાં શાહી ઉમેરાવાથી પ્રકાશનું પરાવર્તન ઘટે અને તે રંગો ઘેરા બને. આ રીતને બદલે  કમ્પ્યૂટર, ટેલીવિઝન તથા સ્માર્ટ ફોનના સ્ક્રીન પર રંગીન RGB પ્રકાશ જ ઉપયોગમાં લેવાય છે. એ ત્રણમાંનો દરેક રંગ પ્રકાશનો ત્રીજો -૧/૩- ભાગ છે તેમ માનીએ તો રંગોની સાથે પ્રકાશની માત્રા પણ વધે. એથી તેના મિશ્રણથી બનતા રંગો વધારે ઊજળા જણાય છે. આંખથી આપણે પ્રકાશને રંગો સ્વરૂપે અનુભવ કરીએ છીએ તે રેટિનામાં રહેલી R,G, કે B ને પારખતી- Cons નામે ઓળખાતી શંકુ આકારની અતિ સૂક્ષ્મ કોશિકાઓને કારણે જ.

આપણે સામાન્ય રીતે જેને લાલ પીળો અને વાદળી કે ભૂરો માની છીએ તેનાં થી છાપકામમાં ઉપયોગમાં લેવાતા મૂળ રંગો જરા જુદા હોય છે.

છાપકામ માટે વપરાતા ચાર ‘મૂળ’ cmykરંગો તથા કમ્પ્યુટર મોનિટર સ્ક્રીન પર દેખાતા ત્રણ RGB પ્રકાશ .  

રોજ-બરોજની બોલચાલમાં આપણે -ધોળો અને કાળો- આ બે શબ્દો રંગોના નામ તરીકે વાપરીએ છીએ. પરંતુ એ યાદ રાખવું ઉપયોગી થશે કે ખરેખર તો એ રંગો –colors- ના નહિ પરંતુ paints (pigments) કે શાહી (ink) ને અપાયેલા નામ છે. એ અંગે વધુ સ્પષ્ટતા માટે થોડી ટેકનીકલ વિગતો સમજવી જરૂરી છે. સાથોસાથ એ પણ જણાવી દઉં કે: ‘ભાભા ચપટી બોર આપીને  છોકરાંને સમજાવતા’ એ લોકવાર્તા પ્રમાણે અહીં આપેલી ટેકનીકલ વિગતો ચપટી બોર્ જેટલી જ તથા ઉપરછલ્લી છે. વળી, સમજવી સરળ થાય તે માટે તેમાં થોડું સાધારણીકરણ –generalisation- પણ કર્યું છે.

Color માટે ગુજરાતી શબ્દ વર્ણ મુખ્યત્વે કાળી, ગોરી ત્વચા તથા જન્મ આધારિત ‘ઊંચ-નીચ જેવો ભેદ અને જ્ઞાતિ દર્શાવતી ભારતીય સમાજ વ્યવસ્થાના સંદર્ભે વપરાય છે. Color માટે ‘રંગ’ શબ્દ વધુ પ્રચલિત છે. આથી વર્ણ અને રંગનો ભેદ દર્શાવવો અનિવાર્ય હોય ત્યાં આ લખાણમાં અંગ્રજી શબ્દો- કલર અને પેઈન્ટ ઉપયોગમાં લીધા છે. વર્ણ -કલર- એ વસ્તુ નથી પણ પ્રકાશનો એક નાનો ભાગ છે, આંખો દ્વારા થતી પ્રકાશની મોજુદગીની અનુભૂતિ છે. જ્યારે, રંગ-પેઈન્ટ- એ ભૌતિક તથા રાસાયણિક લક્ષણો ધરાવતો પદાર્થ છે. અડી શકાય તેવી વસ્તુ છે. મોટાભાગે ખનીજ ધાતુઓના ઓક્સાઈડ, કેટલાક રસાયણો અને વનસ્પતિઓમાંથી પેઈન્ટ્સ બનાવાય છે. અજંતાની ગુફાઓમાં પ્રાચીન કાળમાં બનેલાં ભીંતચિત્રોમાં મુખ્યત્વે કુદરતી રીતે ઓક્સાઈડ ભળી ગયેલ માટી રંગો તરીકે વપરાઈ હતી.

ઈ.સ પૂર્વે ૨૦૦ થી ઈ.સ. ૪૮૦ દરમ્યાન બનેલા અજંતાનાં ગુફા-ચિત્રો માં, જમીનમાંથી માટી સ્વરૂપે મળેલા રંગો વપરાયા છે. કેલ્શિયમ ધરાવતો સફેદ, લોખંડ ધરાવતા પીળા અને રાતા(લાલ), ત્રાંબુ ધરાવતો લીલો અને કાર્બન ઘરાવતી મેશ માંથી કાળો એ પ્રમાણે વિવિધ રંગો બનતા હતા. ૩D અવકાશ – ઘનતાનો આભાસ થાય તે માટે પડછાયા વિનાનાં છાયા-પ્રકાશનો પણ ઉપયોગ તેમાં થયો છે.

કેટલીક વસ્તુઓ તથા પશુ પંખીઓને આપણે કોઈ એક કલર સાથે જોડ્યાં છે. જેમ કે સોનું અને હળદર પીળાં, કાગડો કાળો, બગલો ધોળો અને પોપટ લીલો. ચિત્રોમાં દોરેલી આકૃતિઓની ઓળખ દર્શાવવા માટે કળાકારો મોટાભાગે આવા કલર્સ  દર્શાવતા પેઈન્ટ્સ ઉપયોગમાં લેતા રહ્યા છે. લોકકળા નામે ઓળખાતા પ્રકારમાં તો આવા રંગો તેનું એક મુખ્ય લક્ષણ બની રહ્યું છે. વસ્તુ અને તેના રંગ અંગેની આપણી વિભાવના-concept- અને પ્રકાશની પરિસ્થિતિને કારણે આંખથી દેખાતા રંગોમાં ક્યારેક આભ જમીન નો તફાવત હોય છે. એકરંગી, શ્વેત-શ્યામ- છબિ તથા રેખાંકનોમાં માત્ર કાળા કે એવા કોઈ -dark- રંગોની આછી ઘેરી કક્ષાઓ જ દેખાડી શકાય છે. આથી તેમાં colorsની બાદબાકી થઇ જાય. પરંતુ, છાયા પ્રકાશનો આભાસ કરાવવામાં સરળતા રહે છે. ‘આભાસ’ શબ્દ એ માટે વાપર્યો છે કે ખરેખર તો તેમાં માત્ર એક જ રંગ –મોટાભાગે તો કાળો જ- ઉપયોગમાં લેવાય છે. ચિત્ર બનાવતી વેળાં કોઈ રંગ આછો દેખાડવા તેમાં પાણી કે તેવાં રંગવિહીન પ્રવાહી -solvant-  ઉમેરવાથી પેઈન્ટનું સ્તર પાતળું બને. આનાં પરિણામે તેની પારદર્શકતા વધવાથી, નીચેના સફેદ કાગળ, કેનવાસ ઈ. દેખાય અને તે પેઈન્ટ ઝાંખો જણાય. બીજી જે રીત પ્રચલિત છે, જેમાં એક (દા.ત. લાલ) પેઈન્ટમાં અપારદર્શક સફેદ પેઈન્ટ મેળવવાથી લાલ રંગ ગુલાબી બની જાય છે. સફેદ પેઈન્ટનું પ્રમાણ વધે તેમ ગુલાબી ઝાંય વધારે આછી થાય અને પ્રકાશિત પણ લાગે. પરંતુ, કોઈ એક પેઈન્ટમાં જો કાળો પેઈન્ટ ઉમેરાય તો તે રંગ ઘેરો, શામળો બની જાય અને છાયાનો કે અંધકારનો આભાસ કરાવે. (પેઈન્ટમાં-પીક્સેલ જેવા- અતિ બારીક કણો હોય છે. એક ચોરસ ઇંચ જગ્યા ઢાંકવા ૩૦૦ x ૩૦૦ = ૯૦,૦૦૦ લાલ કણો વપરાય તો તે ચોરસ લાલ ઘૂમ દેખાય. પરંતુ તેમાં અર્ધો સફેદ પેઈન્ટ ઉમેરવાથી ૪૫,૦૦૦ લાલ અને એટલાજ સફેદ કણો બાજુ બાજુમાં આવી જાય. આપણે તેને છૂટા કણો સ્વરૂપે જોઈ શકીએ નહિ તેથી બંનેની સહિયારી અસર રૂપે ગુલાબી રંગ દેખાય, બલકે આભાસ થાય). રેખાઓથી રચાતાં પોત –ટેક્ષ્ચર-નાં સૌન્દર્યને પણ નિખારે છે.

સામાન્ય રીતે રેખાંકન તથા છાપ બનાવનારાઓ જ્યારે માત્ર એક જ રંગનો ઉપયોગ કરે છે ત્યારે તેમાં સફેદ કે કાળો ઉમેરતા નથી. પ્રચલિત પ્રથા પ્રમાણે ૧૦૦% સફેદ ફલક પર ૧૦૦% કાળી  શાહી વાપરીને તે બંને વચ્ચેની બધી કક્ષાઓ દેખાડે છે.

આછા-ઘેરા Tones તથા સુશોભિત પોત દર્શાવતું અર્થપૂર્ણ રેખાંકન

 

બલ્કે, તેનો આભાસ કરાવે છે. કાગળની ખૂલ્લી છોડેલી સપાટીને દેખી શકાય તેવાં બારીક કણો સાથે અને, રેખાઓ વડે ઢંકાયેલી સપાટીને કાળા કણો સાથે સરખાવી શકાય. રોજ-બરોજના ઉપયોગનાં દૃષ્ટાંતો જોવાથી કદાચ આ સમજવું સહેલું થશે. લીંબુનું શરબત પીનાર ખાટો અને મીઠો એમ બંને સ્વાદ માણી શકે છે. પીળી તથા લાલ રેખાઓ બાજુ બાજુમાં હોય તો તે બંને રંગો તો દેખાય પણ તે બન્નેનાં મિશ્રણ જેવાં ત્રીજા રંગ –નારંગી નો- આભાસ પણ અનુભવાય છે. તાણા અને વાણાના રંગો એક બીજાથી જુદા વાપરીને કાપડ વણાટમાં અવનવા તથા આછા ઘેરા રંગોનો આભાસ નીપજાવાય છે. બારીક વિગતો જોઈ શકવાની આપણી આંખોની માર્યાદિત શક્તિને કારણે આવા આભાસ અનુભવાય છે. ખડકો, શિલાઓ, વૃક્ષો, ફળ-ફૂલો ને પાંદડાં, પંખીઓ, ખિસકોલી ને કાચિંડા જેવી અસંખ્ય વિગતો ધરાવતા ડુંગરા જોનારને દૂરથી રળીયામણા, આછા ભૂરા-blue- માત્ર ત્રિકોણ આકાર જ ભાસે છે.

(ડાબી બાજુ) ઓર્રીસ્સાના પારંપારિક ચિત્રમાં ગોવર્ધન ગીરી – આ ચિત્રમાં આંખને બદલે મનનાં દ્રષ્ટીબિંદુ પ્રમાણે ચિત્રણ કરાયું છે. (જમણી બાજુ) જાપાનીઓનો માનીતો ‘માઉન્ટ ફ્યુજીયામાં’. આ  વૂડકટ છાપમાં આંખ થી દેખાતા વાતાવરણને રજુ કરતું દશ્યસ્વરૂપ આલેખાયું છે.  

આકાર એ 3-D અવકાશનો બોધ કરાવતી અન્ય એક બાબત છે. ગુજરાતી ભાષામાં આકાર શબ્દ મુખ્યત્વે shape એ અર્થમાં વપરાય છે. તેની સાથે જોડાયેલ બીજો અર્થ –માપ, Size લગભગ ભૂલાઈ ગયો છે. માત્ર કરવેરા જેવાં કારણ સર થઇ આવક અને જમીનની માપણી માટેજ ‘આકારણી’ શબ્દ વપરાય છે. આંખોની સામે રહેલી વસ્તુ તેના પોતાના માપને લીધે નહિ પરંતુ આંખના રેટીના પર ઝીલાતાં તેનાં આકારના માપને કારણે નાની કે મોટી, નજીક કે દૂર, સ્પષ્ટ- છૂટી છૂટી કે મિશ્ર સ્વરૂપે દેખાય છે. (આથી જ આપણે હજારેક માઈલ મોટા ચંદ્રને અંગૂઠા વડે ઢાંકી દઈ શકીએ છીએ.) કળાકારો આ ‘સત્ય’નો કળાત્મક રીતે ઉપયોગ કરીને વસ્તુ નજીક કે દૂર હોય તેવો આભાસ કરાવે છે.

આંખોની તેમ જ હાથ અને સાધનોની મર્યાદાઓને કારણે રેખાઓની બારીકાઇ તથા બે કાળી રેખા વચ્ચેની ખાલી છોડેલી –સફેદ- જગ્યા દર્શાવવાનું પણ માર્યાદિત બની જાય છે. કંપ્યૂટરની પરિભાષાનાં શબ્દો- DPI (Dots Per Inch) તથા Pixel થી પરિચિતોને આ જલ્દી સમજાઈ જશે. રસ્તા પરનાં  જાહેરાતોનાં વિશાળ પર્દા –hordings-માટે ૭૨ DPl પૂરતા થઇ રહે છે કેમકે, તે દૂરથી જોવાતા હોય છે. જ્યારે સ્માર્ટફોનમાં તેના પર્દાનું માપ નાનું હોવા છતાં Pixelની સંખ્યા આશરે ૬૦૦ રખાય છે કેમકે, તેને આપણે  નજીકથી જોતાં હોઈએ છીએ.

(૧) બારીક pixels, (૨) મધ્યમ pixels, (૩) ‘પ્રતિકૃતિ’ માટે વપરાતાં યાંત્રિક ટપકાંનું સ્વરૂપ.

કળાકાર જ્યારે Pixelને મળતી દશ્યભાશાનો ઉપયોગ કરે ત્યારે Pixel જેવી ઝીણી વિગતોનું આગવું સૌન્દર્ય પણ નરી આંખે જોઈ શકાય તેમ સ્પષ્ટ કરી રજુ કરે છે. પાસે પાસે, સમાંતર દોરેલી કાળી રેખાઓનાં સમુહથી આછા રાખોડી રંગનો આભાસ થાય. તેવી રેખાઓ વચ્ચે નવી રેખાઓ દોરવાથી રાખોડી ઘેરો બને એ તો સમજાય તેવું ગણિત છે. પરંતુ એવી રેખાઓ ઉમેરવાનું ખૂબ મુશ્કેલ છે. તેવી રેખાઓ વચ્ચે ત્રીજી રેખાઓ ઉમેરવાનું તો લગભગ અશક્ય જ છે. પરંતુ આનો સરળ ઉપાય એ છે કે પહેલી વાર દોરેલી રેખાઓને કાટખૂણે બીજી રેખાઓ દોરવી. વધારે ઘેરો આભાસ દેખાડવા ત્રીજી વાર રેખાઓ ત્રાંસી દોરવી. ચોથી વાર પણ ત્રાંસી દોરવી પરંતુ, ઉલટી દિશામાં. રેખાઓ ની જાડાઈ તથા તેની વચ્ચેનું અંતર ઓછું વત્તું કરીને, અને ક્યારેક ટપકાંઓ ઉમેરીને સફેદ અને કાળા છેડાઓ વચ્ચેની કોઈ પણ –રાખોડી- કક્ષાઓ દેખાડાય છે.

શાહીથી  કલમ વડે દોરાયેલી અને ધાતુના પતરાં પર કોરાયેલી આકૃતિઓ માટે ઉપરોક્ત ઉપાય કામમાં લેવાય છે. આમાં તેમજ લીથોગ્રાફીમાં પણ, કાગળના સફેદથી શાહીના કાળા છેડા તરફ આગળ જવું પડે છે. જ્યારે વૂડકટ તથા વૂડ  એન્ગ્રેવિંગ પ્રકારે બનાવાતી છાપ માટે ઉપરોક્ત રીતે જ પરંતુ, કાળી ભોંય પર સફેદ રેખાઓ કોરાતી હોઈ કાળાથી સફેદ છેડા તરફ યાત્રા કરાય છે. જોકે, જરૂર પ્રમાણે સુધારા વધાર માટે દિશા તથા સાધનો બદલવાનો ઉપાય પણ અજમાવાય છે. કાળા કાગળ પર સફેદ રંગી શાહી વડે લેવાયેલ છાપ જોનારને નવો અને અણધાર્યો અનુભવ કરાવે છે.

કળાકારો ક્યારેક માત્ર એક જ રીતને વળગી ન રહેતા એકાધિક માધ્યમોનો સામટો લાભ પણ લેતા રહે છે.

જાડી પાતળી અને આડી ઉભી રેખાઓને લીધે બનતી tones અને આકારોની રૂપ-રચના

રેખાઓ એકબીજા સાથે કે ઉપર આડી, ઉભી, ત્રાંસી એ પ્રમાણે જોડેલી હોય તો એ cross hatching કહેવાય છે. લીથોગ્રાફીમાં પીંછી અને પેન ઉપરાંત ક્રેયોન વડે દોરાતી રેખાઓમાં પણ આ cross hatching પદ્ધતિ કામમાં લેવાય છે. ક્રેયોન વડે રેખાઓ દોરતી વેળા દબાણ ઓછું વધારે કરવાથી સપાટી પર બનતાં સૂક્ષ્મ ટપકાંઓનાં કદ-માપ બદલાતાં હોવાથી આછી ઘેરી કક્ષાઓમા પોત-વૈવિદ્ય લાવવું શક્ય અને થોડું સરળ પણ બને છે.

છાયા પ્રકાશ જેવાં Tones વડે 3D સ્વરૂપનો આભાસ કરાવતી લીથોગ્રાફી છાપ 

ફલક જો સપાટ હોય તો, તેની ઉપર દોરેલી સીધી રેખા સીધી જ દેખાય. પરંતુ ફલક જો ગોળાકાર હોય તો તેની પર દોરેલી સીધી રેખા પણ વાંકી લાગે. વસ્તુના કાયમી સ્વરૂપ અંગેની આપણી વિભાવનાથી નોખાં, આંખથી દેખાતાં તેનાં તત્ક્ષણ સ્વરૂપનાં પ્રાકૃતિક રીતે (Naturally) કરાતાં આવાં અર્થઘટન સાથે રેખાંકનો સાંકળી શકાય. કાગળ જેવાં સપાટ ફલક પર દોરેલી કે કોરેલી ગોળાકાર રેખાઓ જોનારને  ગોળાકાર સપાટી ધરાવતી વસ્તુ જોવાનો આભાસ થઇ શકે.

 

સપાટ ફલક ઉપર દોરેલ ગોળાકાર રેખાઓ તથા આછા-ઘેરા રંગોને કારણે થતો ઘનતાનો આભાસ. કળાકારો જોઈ શકાતાં સ્વરૂપોનો ક્યારેક સંજ્ઞા કે પ્રતીક તરીકે ઉપયોગ કરે છે. પરંતુ મુખ્યત્વે તો આંખોં દ્વારા પામી શકાતા બોધનો ખ્યાલ રાખીને તે કરે છે. વિવિધ ઘાટને તેના પોત તથા સપાટીના વૈવિધ્યને લીધે દેખાતા છાયા પ્રકાશના પલટાઓને તાદૃશ્ય કરીને દેખાડે છે.

જ્યોતિ ભટ્ટ, સપ્ટેમ્બર, ૨૦૧૮.

જ્યોતિ ભટ્ટની ધરોહર-૧૫-મૌલિક છાપ અને પ્રતિકૃતિની કેટલીક લાક્ષણિકતાઓ – 1(જ્યોતિ ભટ્ટ)

મૌલિક છાપ અને પ્રતિકૃતિની કેટલીક લાક્ષણિકતાઓ – 1

આહાર તથા નિદ્રા જેવી માનવ-પ્રાણીની આવશ્યક્તાઓ પ્રકૃતિની દેન છે. તેની સાથે સંકળાયેલા શારીરિક- અનુભવો આપોઆપ જ મળે છે. જ્યારે આધ્યાત્મિક તથા કળાસર્જન જેવી બાબતો માનવ સર્જિત હોવાથી તેના સૈન્દર્યાનુભવનું સ્થાન પ્રાથમિકતાનાં ક્રમે પાછળ જોવાં મળે છે. નશીલાં દ્રવ્યો લેનારાઓ તે છોડી શકતા નથી. પણ, તેને હાનીકારક માનનારાઓને એ સમજાતું નથી કે વ્યસનીઓને તેમાં કયો  આનંદ મળે છે. નાસ્તિકો તથા આસ્તિકોને એક બીજાની માનસિકતા સમજાતી નથી, ક્યારેક તે અકળાવે છે અને, જો તેવાં લોકો શક્તિશાળી કે સત્તાધારી હોય તો તેઓ પોતપોતાની માન્યતાઓ બીજા પર ઠોકી બેસારવા કોઈ પણ માર્ગ અપનાવે છે. સદભાગ્યે, કળા ક્ષેત્રે રસ ધરાવનારાઓની સંખ્યા નાની હોવાથી તેમાં એવી ખંડન પ્રવૃત્તિ ખાસ જોવાં મળતી નથી.

મૌલિક છાપ અને યાંત્રિક પ્રતિકૃતિ (Michenical Reproduction) વચ્ચેનો ભેદ તો તેની ટેકનીકલ ખાસિયતો દ્વારા દર્શાવી તથા સમજાવી શકાય, પરંતુ કળારસિકોને મૌલિક છાપમાં જે આનંદ મળે છે તેનું રહસ્ય – શબ્દો દ્વારા કહેવું અને માર્યાદિત સમયમાં અનુભવવું મુશ્કેલ છે. એક એવી ગેરસમજ છાપ-કળાકારો સહિત ઘણા લોકો માં વ્યાપક છે કે ગુણવત્તાને આધારે પ્રતિકૃતિ કરતાં મૌલિક છાપ ચડિયાતી છે. હા, એ ખરું કે તે બંનેનાં સર્જનનાં હેતુ, સ્વરૂપ અને ખાસિયતો જુદાં છે. જળ, તૈલ કે  એક્રીલીક ઈ. રંગો વડે બનાવાયેલ મૂળ ચિત્રનો આબેહુબ આભાસ કરાવી શકે તેવી પ્રતિકૃતિ સારી કહી શકાય. લિઓનાર્દો દા વિન્ચીનું સર્જન ‘મોનાલીઝા’ કદાચ વિશ્વમાં સૌથી પ્રખ્યાત ચિત્ર છે. પેરીસનાં  લુવ્ર મ્યુઝીયમમાં રખાયેલ તે ચિત્ર ત્યાં જઈને જોનારને રોમાંચ જરૂર કરાવે છે. સ્વપ્નસિદ્ધિનો સંતોષ પણ આપે છે. પરંતુ પાંજરામાં પૂરાયેલ તથા બુલેટ-પ્રૂફ જાડા કાચ પાછળ ખૂબ ઝાંખા પ્રકાશમાં દૂરથી તેના દર્શન કરનારને ચિત્રની ખૂબીઓના પૂરો દશ્યાનુંભાવ મળતો જ નથી. જ્યારે અદ્યતન ટેકનોલોજીનાં સહયોગ વડે, તેની મૂળ માપે બનાવેલી આબેહૂબ જણાતી પ્રતિકૃતિ નજીવી કિંમતે ખરીદી શકાય. તેમ જ, મૂળ ચિત્રમાં પાંચસો વર્ષ દરમ્યાન પડેલી અસંખ્ય ઝીણી ઝીણી તિરાડો જેવી વિગતો પ્રતિકૃતિમાં નજીકથી જોઈ શકાય. વળી  બન્ધૂકધારી ચોકીદારોનાં ભય વિના મોનાલીઝાના ગાલ પંપાળી શકાય અને, અમેરિકાવાસી બની ગયેલા વિશ્વવિખ્યાત કળાકાર માર્શલ દુશાં (Duchamp)એ કરેલું તેમ તેના મોં પર મૂછો પણ દોરી શકાય !

મોના લીઝાની (CMYK) યાંત્રિક પ્રતિકૃતિ ….માર્શલ દુશાંએ બનાવેલી મોના લીઝા

આવી ઊંચી ગુણવતા ધરાવતી પ્રતિકૃતિઓ દ્વારા જોઈ તથા માણી શકાતાં વિષય વસ્તુઓની પાસે મારી જેવા અનેક કળાકારોની છાપો ‘મૌલિક’ કહેવાતી હોવા છતાં વામણી પણ લાગે. પરંતુ ‘‘મૌલિક છાપ’માં અન્ય કૃતિનાં નહિ, તેના પોતાના વિષયવસ્તુઓ તથા છાપ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા સાધન સામગ્રીની લાક્ષણિકતાઓનો  અનુભવ મળે છે. કોહિનૂર જેવાં મહામૂલા હીરાની ફોટોગ્રાફ દ્વારા બનેલી પ્રતિકૃતિ તથા એક મામુલી પણ સાચુકલો હીરો જોતાં થતાં અનુભવો ક્યારેય એકસમાન  હોઈ શકે નહિ. પ્રતિકૃતિ ને ચિત્રનાં શબ્દો દ્વારા કરાયેલા વર્ણન સાથે પણ કદાચ સરખાવી શકાય.

આના સંદર્ભે જરા આડવાત લાગે તેવી વાત કહેવી જરૂરી લાગે છે. ભારતીય મૂળના કળાકાર અનીશ કપૂરની ‘વાદળું’ –Cloude gate નામની 3-D ‘શિલ્પ’ કૃતિ શિકાગોમાં એક જાહે સ્થળે મૂકાઈ છે. શબ્દો દ્વારા કરાયેલું એનું વર્ણન વાંચવાથી તે શિલ્પ સાથે સંબંધિત ઘણી એવી માહિતી મળી શકશે જે તેની છબીઓ કે મૂળ કૃતિ જોવાથી પણ નહિ મળે. ઈન્ટરનેટ પર તે કૃતિની અનેક નિપુણ અનુભવી છબીકારો દ્વારા જુદાં જુદાં સમયે અને ઋતુઓમાં વિવિધ દૃષ્ટિબિન્દુઓથી લેવાયેલી છબીઓ જોતાં થતો અનુભવ પણ અનેરો છે. અન્યથા, તે માટે બારેય મહિના રોજ ૨૪ કલાક તેની નજીક રહેવું પડે. તેના વિડીયોમાં અનીશ કપૂરનાં વાર્તાલાપ દ્વારા કલાકારનો સીધો સંપર્ક કર્યાની લાગણી થાય છે. તેમ છતાં ત્યાં જઈને જાતે તે કૃતિ જોવાનો અનુભવ તો કોઈ પરિઓના દેશમાં પહોચાડી દે તેવો જ હશે. તેનાં પૂરા આનંદ માટે ઉપરોક્ત બધા જ માર્ગ અપનાવવા જોઈએ.

અનિશ કપૂરનું શિકાગો માં મુકાયેલ શિલ્પ “ક્લાઉડ ગેટ”

‘છાપ’ બનાવનારાઓ તો ‘મહીં પડ્યા હોવાથી મહાસુખ માણે’ અને ‘દેખણહારા’ પણ નથી જતા દાઝી, બલ્કે થઇ શકે છે રાજી. કળાનો આનંદ લેવા માટે લોકોએ મ્યુઝીયમ તથા કળાપ્રદર્શનોમાં દેખાડાતી, છાપો સહિત બધી મૂળ કૃતિઓ જોવાની તક લેતા રહેવી જોઈએ. કૃતિ કેવી રીતે બને છે તે જોવાનું પણ હવે ‘યુ-ટ્યૂબ’ જેવાં માધ્યમો દ્વારા અમુક અંશે શક્ય બન્યું છે. આને કારણે કૃતિની સપાટી પર અવ્યક્ત રહેતી ઘણી બાબતો જોઈ તથા સમજી શકાય છે. ઈન્ટરનેટ ક્યારેક, આજના સમયનો એક આશિર્વાદ સમો ચમત્કાર પણ બની રહે છે.

જ્યોતિ ભટ્ટ

વડોદરા , ઓગસ્ટ , ૨૦૧૮

જ્યોતિ ભટ્ટની ધરોહર-૧૪-છબિકાર જ્યોતિભાઈ-૪ (શ્રી બાબુ સુથાર)

છબીકલા ક્યારેક વાસ્તવિકતાનું પરિમાણ જ બદલી નાખે. અહીં ચિત્રમાં આમ જુઓ તો કંઈ જ નથી. એક વચોવચ, બીજો ડાબે. છેક બાજુમાં. વચોવચ ઊભેલો છોકરો સાયકલ સાથે ઊભો છે. સાયકલ પર સ્ટેન્ડ પર ઊભી રાખેલી. એનાં પઠાણી કપડાં. ડાબી બાજુએ ઊભેલો છોકરો જોતાં એવું લાગે કે એ અકસ્માતે જ અહીં ફ્રેમમાં આવી ગયો છે. બન્ને છોકરાઓની પાછળ ભીંત અને ભીંત પર લોકકળા, મુસ્લિમ સમૂદાયની. પ્રથમ નજરે એવું લાગે કે ત્યાં ભીંત નથી પણ કોઈક ઇસ્લામિક સ્થાપત્ય છે. પણ ચિત્રમાંની બે પાટડીઓ જોતાં જ આપણને ખ્યાલ આવે કે એ એક ભ્રમ છે. છબીકારે સહેજ lower angleથી આ છબી લીધી છે. એને કારણે આપણને પણ એવું લાગે કે આપણે ત્યાં ઊભા છીએ અને આપણે ભીંત પરનાં ચિત્રોને જોઈ રહ્યા છીએ અને સાયકલ લઈને ઊભેલો છોકરો આપણને જોઈ રહ્યો છે. જ્યોતિભાઈ એમના કેમેરા વડે લોકકળાનું કેવળ દસ્તાવેજી રેકોર્ડીંગ નથી કરતા, એ લોકકળા સાથે માનવજીવનને પણ સાંકળતા હોય છે. એ પણ જુદી જુદી રીતે. આપણે અત્યાર સુધીમાં જે છબીઓ જોઈ એમાં પણ કેટલી બધી વિવિધતા હતી! રંગોળીની રક્ષા કરતી વૃદ્ધા, દુર્ગાનું ચિત્ર દોરતી વૃદ્ધા અને આ છબી પણ એના પૂરાવા બને છે. અહીં કોઈને એક બાજુ પરંપરાગત કળા અને બીજી બાજુ આધુનિક યંત્ર – સાયકલ – વચ્ચેનો વિરોધાભાસ પણ દેખાય. કોઈને કદાચ એ બન્ને વચ્ચેની સહઅસ્તિત્ત્વ પણ દેખાય. છબીકળામાં પણ, કવિતા અને ચિત્રની જેમ, એક કરતાં વધારે અર્થઘટનો શક્ય બનતાં હોય છે.

Three Girls જ્યોતિભાઈની જાણીતી છબીઓમાંની એક છે. દિવાલને અઢેલીને ઊભેલી ત્રણેય બાળકીઓનાં વસ્ત્રો અને ઘરેણાં આપણું તરત જ ધ્યાન ખેંચે. એમાં એકવિધતા પણ છે અને વિવિેધતા પણ. એકવિધતા એ ત્રણેય બાળકીઓને એક જાતિસમૂદાયમાં બાંધી રાખે છે અને વિવિધતા ત્રણેય બાળકીઓને પોતપોતાની અલગ ઓળખ બતાવે છે. જ્યોતિભાઈએ આ છબીમાં એક અદ્‌ભૂત પળ પકડી છે. ત્રણેય બાળકીઓનાં હાથપગની મુદ્રાઓ એકબીજાથી કેટલી બધી જુદી પડે છે! એટલું જ નહીં, ત્રણેયની નજર પણ નથી તો કેમેરા સામે કે નથી તો કેમેરામેન સામે. બાળસહજ નિર્દોષતાની પણ આપણે તરજ નોંધ લઈએ. ઉપર ભીંતમાંના પાંચ કાણાં ના હોત તો કદાચ આ છબી આપણને જરાક મૂંગી લાગત. ત્રણેય બાળકીઓની કમરની સમાન્તરે પડેલી તિરાડ બાહોશ viewersની નજર તરત જ નોંધી લેશે. આ છબીમાં પણ જ્યોતિભાઈએ વાસ્તવવાદી અભિગમ અપનાવ્યો છે. પણ એ કોઈ વ્યક્તિ વિશેષની વાસ્તવિકતા નથી. એ એક જાતિસમૂદાયનાં બાળકોની વાસ્તવિકતા છે. જો કે, હવે આ પ્રકારનું શૈશવ ધીમે ધીમે અદૃશ્ય થતું જાય છે.

૧૯૭૩માં લેવાયેલી ‘વાઘ અને વાછરડું’ છબી સાચે જ અદ્‌ભૂત છે. વાછરડું સજીવ, વાઘ નિર્જીવ. એક શાન્ત બીજું હિંસક. વાછડું એક ખૂણામાં ઊભું છે. વાઘ એ ખૂણો રચતી એક ભીંત પર. વાઘ જાણે કે હમણાં જ વાછરડા પર તૂટી પડશે. પણ પછી આપણને ખ્યાલ આવી જાય છે કે ઓહ્, વાઘ તો ચિતરેલો છે. વાઘના માથા પરનો ગોખલો છબીને એક જુદું જ પરિમાણ આપે છે.

આ છબી જોતાં જ મને હોળીના દિવસો યાદ આવી ગયા. અમારે ત્યાં પણ હોળીના એક મહિના પહેલાં જાહેરમાં ઢોલ મૂકવામાં આવતા. ગામમાં જે કોઈ નવરું હોય એ ત્યાં જઈને હોળીનો ઢોલ વગાડતું અને લોકો ઘરની બહાર નીકળતા ત્યારે સાથે પાવો (અમે ‘પીહો’ કહેતા) લઈને નીકળતા. ગામમાં, સીમમાં સતત પાવા વાગતા. ઢોલ વાગતા. અહીં પણ એક જુવાન પાવો વગાડી રહ્યો છે. ક્લોઝ અપના કારણે આપણે ઘણી બધી વિગતો જોઈ શકીએ છીએ. પાવા પરની દોરીઓ (પટ્ટીઓ), પાવો વગાડનારની આંગળીઓ, એની મૂંછો, આંખો, આંગળી પરના વેઢ. એની નજર ફ્રેમની બહાર. પણ કોઈની સામે નહીં. બસ, અપની ધૂનમેં. પાછળ ભીંતને અઢેલીને બેઠેલાં બે બાળકો અને એક સ્ત્રી. કદાચ મા અને એનાં સંતાનો. બધાં જ આરામના modeમાં. આ પણ ભારતીય સંસ્કૃતિનું એક ચિત્ર. આધુનિકીકરણ અને હવે ગ્લોબલાઈઝેશનના કારણે આવી ક્ષણો હવે દુર્લભ બનતી જાય છે. કેટલીક છબીઓ જેમ જેમ જુની થતી જાય એમ એમ viewerના સમય સાથે વધિને વધુ વિરોધાભાસ ઊભો કરે. આ છબી એમાંની એક.

 

જ્યોતિ ભટ્ટની ધરોહર-૧૩-છબિકાર જ્યોતિભાઈ-૩ (શ્રી બાબુ સુથાર)

છબિકાર જ્યોતિભાઈ-૩

છબિકળાનું એક કામ તે વાસ્તવિકતાને રેકોર્ડ કરવાનું. આ કામ સાચે જ ખૂબ અઘરું હોય છે. એ માટે છબિકારે યોગ્ય વિષય શોધવો પડે. પછી યોગ્ય ક્ષણે કેમેરાની ચાંપ દબાવવી પડે. એ ચાંપ દબાવાની ક્ષણ ખૂબ મહત્ત્વની હોય છે. કેમ  કે એ ક્ષણે જ બહારના જગતની વાસ્તવિકતા કેમેરામાં કેદ થઈ જતી હોય છે. આજે આપણે એવી ચાર છબિઓ જોઈશું.

પ્રસ્તુત છબિ ગુજરાતના એક મંદિરના ઓટલા પર જુવાર વેચતા એક છોકરાની છે. Top angle પરથી લેવાયેલી આ છબિમાંનો છોકરો ઊપર, કદાચ કેમેરાની સામે, જોઈ રહ્યો છે. પણ, છબિ લેવાઈ ગયા પછી કેમેરાની હાજરી આપમેળે ભૂંસાઈ જતી હોય છે. અહીં કેમેરાનું સ્થાન હવે આપણે લઈ લીધું છે. છોકરાએ ચડ્ડી અને સેંડો પહેરેલાં છે. એ આગળ ઢીંચણ પર પગ મૂકીને શાન્તિથી બેઠો છે. એના ચહેરા પર કોઈ સંતાપ નથી દેખાતો. એની પાસે જ પાથરણા પર જુવારના દાણા અને એ દાણા માપવાની વાડકીઓ છે. જરાક ધ્યાનથી જોશો તો તમને એ વાકડીઓનું કદ નજરે ચડશે. એ પણ જમણેથી ડાબે ઊતરતી ભાંજણીમાં ગોઠવાયેલી છે. સૌ પહેલાં સૌથી મોટી વાડકી. પછી નાની. પછી એનાથી પણ નાની. અને પછી એનાથી પણ નાની. છોકરાની પાછળ પક્ષીઓ છે. મોટા ભાગનાં કબૂતર. એ ચણ ચણી રહ્યાં છે. ભાવિક ભક્તોએ આ છોકરા પાસેથી એ ચણ ખરીદીને નાખ્યા હશે એવું આપણે માની લઈએ. એ પક્ષીઓ આપણને છેક સુધી પથરાયેલાં જોવા મળે છે. પહેલી મોટી ઇમેજ, પછી ક્રમશ: નાની થતી ઇમેજ આપણને વિસ્તરતા જતા અવકાશનો (spaceનો) અનુભવ કરાવે છે. ધારી ધારીને જોતાં આપણે છોકરાના વાળનો કાળો રંગ અને જુવાદના સફેદ દાણા વચ્ચેનો વિરોધ અને છોકરાના સેંડા અને જુવારના દાણા વચ્ચેનું રંગનું સામ્ય નોંધવા લાગીએ છીએ. અને હા, છોકરા અને પેલાં પક્ષીઓની વચ્ચે પડેલી પેલી પાતળી લાકડી છોકરા અને પક્ષીઓ વચ્ચેની એક દિવાલની અનુભૂતિ કરાવતી હોય છે.

સ્નાન કરતી સ્ત્રી કળાનો એક માનીતો વિષય રહ્યો છે. Cezanne, Seurat, Pierre-Auguste Renoir, Henri Matisse સહિત પશ્ચિમના અનેક કળાકારોએ એ વિષય પર ચિત્રો બનાવ્યાં છે. પણ, છબિકળામાં એ કામ સાચે જ અઘરું છે. એ પણ આપણા દેશના સંદર્ભમાં તો ખાસ. આપણા ત્યાં કોઈક સ્નાન કરતી સ્ત્રીનો ફોટો પાડતાં પહેલાં હજાર વખત વિચારવું પડે. ૧૯૭૦માં મધ્યપ્રદેશમાં લેવાયેલી આ છબિમાં એક બાજુ નદી અને નદીકાંઠો છે તો બીજી બાજુ નદીકાંઠા પર બેસીને સ્નાન કરતી સ્ત્રી અને લોટો છે. આ છબિ જોતાં જ આપણે સ્ત્રી વિષે કે એની ગરીબાઈ વિશે કશું વિચારતા નથી. એ જ રીતે, આપણે કશું erotic પણ અનુભવતા નથી. મને તો આ છબિ એક સ્ત્રીની લાગવા કરતાં ચૂપકીદીની વધારે લાગે છે. સ્ત્રીના હાથની મુદ્રા, બેસવાની રીત. આપણે પ્રેક્ષક તરીકે ત્યાં છીએ પણ નથી જેવા. આ છબિ એને જોનારની ઉપસ્થિતિને સરળતાથી કેન્સલ કરી શકે છે. સહેજ પણ નગ્નતા કે eroticismની લાગણી ન કરાવે એવી સ્નાન કરતી સ્ત્રીની છબિઓ ખૂબ જ દુર્લભ હોય. આ એમાંની એક છે.

દુર્ગા છબિ જોતાં જ એક પ્રશ્ન થયો: આ બે મહિલાઓમાંની કઈ મહિલા દુર્ગા? જે માતા દુર્ગાને ચિતરે છે એ કે જે ચિતરાઈ રહી છે એ? જ્યોતિભાઈએ અહીં એક અદ્‌ભૂત પળ રજૂ કરી છે. આ છબિ એક બાજુ લોકકળાનો દસ્તાવેજ, અલબત્ત જરા જુદી રીતે, બની રહે છે તો બીજી બાજુ, એ સ્ત્રીશક્તિનું એક રૂપક પણ બની રહે છે. આ છબિ જોતાં જ મને Escherનું Drawing Hands ચિત્ર યાદ આવી ગયેલું. જો કે, એ ચિત્ર અને આ છબિના ભાવ આમ જુઓ તો જુદા છે. ચિત્રકાર મહિલાએ દુર્ગા ચિત્રનો એક ભાગ પૂરો કર્યો છે. બીજા પર કામ ચાલી રહ્યું છે. મારા જેવા, ખાસ કરીને કથનશાસ્ત્રના જીવને, અહીં ભૂત, વર્તમાન અને ભવિષ્ય એક જ બિંદુ પર ઊભાં હોય એવી લાગણી થતી હોય છે. ભીંત પરનાં ચિત્રો મૈથિલી લોકકળાનાં ઘણાં બધાં લક્ષણો – જેવાં કે પાતળી રેખાઓ – પ્રગટ કરે છે.

રાજસ્થાની મા અને બાળક. અહીં બે images છે. એક માની, બીજી બાળકની. બાળક માની કેડમાં. અહીં ચહેરા પણ બે છે. એક માનો, એક બાળકનો. માનો ચહેરો ઢાંકેલો, બાળકનો ઉઘાડો. પણ તદ્દન ઉઘાડો તો નહીં જ. આ એક વિરોધ. Backgroundમાં ઘરની દિવાલ અને ભોંય પરની રંગોળી. એના રંગ અને મા-બાળકની imageના રંગ. આ બીજો વિરોધ. હું અનાયાસે માનો એક ખુલ્લો હાથ અને બાળકનો થોડોક ખુલ્લો ચહેરો એકબીજા સાથે જોડતો હોઉં છું. એ જ રીતે, માના સાડલાની ભાત અને રંગોળીની ભાતને પણ. છબિઓ પરસ્પર વિરોધી એવાં અનેક તત્ત્વોને અખિલ સ્વરૂપે રજુ કરતી હોય છે. આ શ્યામશ્વેત છબિમાં શ્યામ અને શ્વેત વચ્ચેનો વિરોધ પણ આપણને ગમી જાય એવો છે.

 

જ્યોતિ ભટ્ટની ધરોહર-૧૨-છબિકાર જ્યોતિભાઈ-૨ (શ્રી બાબુ સુથાર)

મૂળે રાજસ્થાનના કોઈક ગ્રામિણ વિસ્તારમાં લેવાયેલી આ છબિને આપણે background અને foregroundમાં વહેંચી શકીએ. Backgroundમાં ભીંત અને ભીંત પરનું ચિત્ર અને foregroundમાં એક ગ્રામિણ યુવતિ. ચિત્રમાં બે મોર અને મોરની વચ્ચે ફૂલનો છોડ. લોકકળાની શૈલિ. બેઉ મોર વચ્ચેની symmetry તરત જ આપણી નજરે ચડશે. છબિકારે આ છબિ લેતી વખતે એ symmetry નંદવાય નહીં એની પૂરેપૂરી કાળજી રાખી છે. ભીંત પરના ચિત્રમાં બીજા પણ મોર છે. છબિના foregroundમાં યુવતિ. થાંભલો ઝાલીને ઊભેલી છે. લહેરવેશમાં લાલ કબજો ને વાદળી ઓઢણી. બંગડીઓ પણ લાલ અને વાદળી. બન્ને મૂળ રંગ. કદાચ કોઈક આ યુવતિના હાથ પરનું છૂંદણું, એની નાભિ અને એના કપાળ પરના ચાંલ્લાની વચ્ચે પણ કશોક સંબંધ જુએ. યુવતિની નજર આપણી સામે. આપણને લાગે કે હમણાં જ કંઈક કહેશે.

આ છબિમાં background અને foreground imagesની વચ્ચે વિરોધનો ભાવ નથી. બન્ને એકબીજાને પૂરક. છબિ થાંભલાને કારણે બે ઊભા ભાગમાં અને દિવાલને કારણે બે આડા ભાગમાં વહેંચાઈ જાય છે. એમની વચ્ચેનું balance બિલકુલ સમતોલ. ભીંતની ઉપર, ભીંતની પેલે પાર દેખાતા આકાશ અને ભીંત વચ્ચે પણ વિરોધનો કોઈ ભાવ નથી. અંદર/બહારનો ભાવ પણ અહીં પરસ્પર પૂરક લાગે. ભીંત પરના ચિત્રનો સફેદ રંગ અને યુવતિનાં વસ્ત્રોનો રંગ વચ્ચે થોડોક વિરોધ ખરો. પણ એય પૂરક. આ બધા વિરોધોની વચ્ચે કોઈ તાણ નથી અનુભવાતી. એને બદલે એક પ્રકારનો લય અનુભવાય છે. યુવતિના કબજાની સફેદ પટ્ટીઓ અને ભીંત પરની મોરની imagesનો રંગ આપણી નજરમાંથી છટકી શકે એમ નથી. એના કારણે જ કદાચ background અને foreground વચ્ચેનો organic સંબંધ આપણને વધારે ગાઢ બની જતો લાગતો હશે. અને હા, થાંભલા પરની ઘાસતેલની શીશી પણ ઘણું બધું કહી જાય છે.

એક ક્ષણમાં આટલું બધું પકડવાનું કામ સાચે જ અઘરું છે.

શ્યામશ્વેત આ છબિ કચ્છ, ગુજરાતના એક ચમાર સમૂદાયનીછે. આ છબિને સરળતાથી કેટલાંક પરસ્પર વિરોધી પાસામાં વહેંચી શકાય. એક બાજુ છોકરો અને બીજી બાજુ છોકરીઓ, એક બાજુ એક અને બીજી બાજુ ત્રણ, એક બાજુ બારણું બીજી બાજુ ભીંત. છોકરો બારણામાં, છોકરીઓ ભીંતને અઢેલીને ઊભેલી. એક બાજુ male બીજી બાજુ female. છોકરાની અદા પુખ્ત માણસ જેવી. આખું બારણું રોકીને ઊભો છે. કેડે હાથ, એક પગ આખેઆખો ધરતી પર, બીજો સહેજ જ. મફલર. નજર બીજે ક્યાંક. જાણે કે આપણને કહેતો ન હોય કે મને તમારી કંઈ પડી નથી. છોકરીઓનો પહેરવેશ, એમનાં ઘરેણાં. એમના હાવભાવ. આમ જુદા પણ બધામાં કશુંક સામ્ય. અદ્‌ભૂત symmetry. ચારેયના ખુલ્લા ચરણ તરત જ આપણી નજરે ચડે. તદ્દન વાસ્તવવાદી છબિ. પણ નરી કાવ્યાત્મક.

શાન્તિનિકેતનની આ છબિમાં પણ backgroundમાં ભીંત, ભીંત પર લોકકળાનાં ચિત્રો અને foregroundમાં એક બાળક. અહીં પણ background અને foreground imagesની વચ્ચે આમ જુઓ તો વિરોધાભાસ દેખાય છે. પણ એ વિરોધાભાસમાં સંવાદિતા વધારે દેખાય. Background imagesમાં હાથીઓ, ઘરો, વૃક્ષો. હાથીઓ ડાબેથી જમણે, પશ્ચિમથી પૂર્વ તરફ જઈ રહ્યા છે. આ બધ્ધી images જાણે કે બાળકે બનાવી હોય એવી. બાળકનું શૈશવ અને એ imagesમાં રહેલું શૈશવ આપણે તરતજ ઓળખી શકીએ. બાળકની નજર છબિની ફ્રેમની બહાર. એના ચહેરાનો ભાવ ઉદ્વેગપ્રધાન. ગળામાંનું માદળિયું, ઉઘાડા પગ, અસ્તવ્તસ્ત વાળ એ ઉદ્વેગને વધારે ઘૂંટે છે. બાળકની પાસે, ઓટલી પર પડેલું કોદાળી કે પાવડી જેવું સાધન. બારીમાંનો વાડકો. બારીમાંથી દેખાથી કશાકની image – આ બધી વિગતો બાળકના ચહેરા પરની ઉદ્વેગને વધારે ગાઢ બનાવે છે.

૧૯૮૦માં રાજસ્થાનમાં લેવાયેલી રંગોળીની રક્ષા કરતી એક વૃદ્ધાની આ છબિમાં એક બાજુ રંગોળી છે તો બીજી બાજુ ભાંગ્યાતૂટ્યા ખાટલામાં સૂતાં સૂતાં એ રંગોળીની રક્ષા કરતી એક વૃદ્ધા છે. એ બન્નેને પેલી લાકડી જોડે છે. એનો એક છેડો ખાટલા પર તો બીજો છેડો રંગોળીમાં છે. રંગોળીની image તાજગી ભરેલી. એની સામે વૃદ્ધાને મૂકતાં તરજ આપણને સમયના વિરોધાભાવનો અનુભવ થશે. એક બાજુ રંગોળીની રેખાઓ અને એમની વચ્ચેની સંવાદિતા તો બીજી બાજુ ખાટલો, ખાટલાની તૂટેલી દોરીઓ અને વૃદ્ધા. સમયનાં બે પાસાં સમયની એક જ ક્ષણમાં હાજર. એ છે આ છબિની મજા. વૃદ્ધાના દેહ પર નિરાંતે પડી રહેલો વીંઝણો પણ આપણે એક બાજુ વૃદ્ધા સાથે તો બીજી બાજુ રંગોળી સાથે જોડવો પડે. જ્યોતિભાઈ અહીં રંગોલીનો કે વૃદ્ધાનો કોઈ visual દસ્તાવેજ રજુ કરવા નથી માગતા. વૃદ્ધા નિરાંતે ઊંઘી રહ્યાં છે તો ય રંગોળીનું રક્ષણ થઈ રહ્યું છે!