Category Archives: ડો. દિનેશ શાહ
ઇર્મા તું જ અમારી માડી !! (ડો. દિનેશ શાહ)
(થોડા દિવસ પહેલા જ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ઈર્મા નામનું ભયાનક વાવાઝોડું આવ્યું, જેમાં મોટા પાયે તારાજગી થઈ. ડો. દિનેશ શાહ આ વાવાઝોડા વખતે ફલોરિડામાં જ હતા. એમણે પ્રકૃતિ આવું વિનાશકારી રૂપ શા માટે ધારણ કરે છે, એ વાતને Philosophically સમજાવવની કોશીશ કરી છે. ભૂલ કરતા બાળકને યોગ્ય માર્ગે વાળવા ક્યારેક મા બાળકને શિક્ષા કરે છે, એ રૂપકને લઈને માણસ જાતે કઈ કઈ ભૂલો કરી છે, અને પરિણામે આવી સજા ભોગવે છે, એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
અન્ય મિત્રોની ઉજાણી માટે અગાઉથી આવેલી સામગ્રીને ક્ષણિક પડખે રાખી, આ કવિતા આજે ઉજાણીમાં મૂકી છે.)
ઇર્મા તું જ અમારી માડી !!
(કવિ પૂછે છે ઇર્માને ……….)
ઇર્મા તું જ અમારી માડી, શીદને આજ ખિજાણી?
બાલુડા તારાં ગભરાયે તુજથી, લાગે સાવ અજાણી। ……..ઇર્મા તું જ અમારી માડી
કાળકા મા સમ તું લાગે ભયાનક,
કાં તું આવી પહોઁચી અચાનક ?
બારી બારણાં તાળાં સૌ વાસી,
દોડયા ઘરબાર સૌ અમાનત છોડી। ……ઇર્મા તું જ અમારી માડી
(ઇર્મા જવાબ આપે છે ……….)
બાલુડાં સૌ માને વહાલા,
મારા પણ છ અબજ ભૂલકા
ખરાબ માર્ગે ચઢે ત્યારે
ફરજ મારી કરવા સૌ સીધા। …….ઇર્મા તું જ અમારી માડી
કાર અને ફેકટરીમાંથી ધુમાડા બહુ કાઢી,
ગ્લોબલ વોર્મિંગ કરી, આઈસ ફાર્મ ઓગાળી,
ગ્લેસીયર્સ સુકવી નાખ્યા, કાર્બન દીધો વધારી,
ઓઝોન લેયર બગાડી, યુવી લોડ દીધો વધારી। ……ઇર્મા તું જ અમારી માડી
ગંગાનદીનાં પાવન જળમાં કચરો ગંદકી નાખી,
કૃષ્ણ કે ગોપી જાય ન ન્હાવા જમનાનાં ગંદા પાણી,
સુખી કરવા ભાવિ બાલુડાં આ સૌને સુધારી,
સમજુ માડીની જેમ મેં ટપલી ધીમે મારી ! ……..ઇર્મા તું જ અમારી માડી
સમજનારા સમજી જાશે, ન સમજ્યાં માર ખાશે,
ટપલી મારી મેં એ ભુલકાંને, જે સાચો માર્ગ બતાવે,
જળ સ્થળ વાયુ સાફ રાખી કરવી પ્રગતિ સાચી,
તો જ આ ધરતી થાશે સ્વર્ગ, ને રાજી થાશે માડી! …….ઇર્મા તું જ અમારી માડી
-દિનેશ ઓ. શાહ , ગેઇન્સવીલ ,ફ્લોરિડા , યુ.એસ.એ.
ડો. દિનેશ શાહ
ડો. દિનેશ શાહનો પરિચય લખવો હોય તો મારે એક સ્વતંત્ર લેખમાળા લખવી પડે. માત્ર ભારત અને અમેરિકામાં જ નહીં, ચીન સુધી એમના કામની ખ્યાતી પહોંચી છે. એટલે અહીં હું અંગ્રેજીમાં એમના પરિચયનું શીર્ષક આપી દઉં છું.
(Professor Emeritus and the First Charles Stokes Professor of Chemical Engineering and Anesthesiology, University of Florida, Gainesville, FL 32611 USA)
એમની આ કવિતામાં ખૂબ જ નાજુકાઈથી એમણે જન્મથી મૃત્યુ સુધીના મનુષ્ય જીવનને એક કોડિયાને પ્રતિક બનાવી રજૂ કર્યું છે. આ એક જ કવિતા એ સાબિત કરવા પૂરતી છે, કે ડો. દિનેશ શાહ માત્ર એક વૈજ્ઞાનિક જ નહીં, એક સશકત સાહિત્યકાર પણ છે.
ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે…
સીતાજીની સમ આગમાં મુકી, અંગારે ખૂબ તપાવ્યો રે
પાવન થઇ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
કો’કે મુકી એક વાટ લાંબી, કો’કે તેલ ભરી છલકાવ્યો રે
કો’ક રુપાળા હાથે મુજને, ઉંચે ગોખ ચઢાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કો’કે મુને પ્રગટાવ્યો રે
દુર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
તેલ ખુટ્યું ને વાટ ખુંટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
-ડો. દિનેશ શાહ